હજૂર : શબ્દફૂંકનું ગુરુગાન
હજૂર : શબ્દફૂંકનું ગુરુગાન
હજૂર ! આપ અવિચળ અંતઃતળ વિલસતો મેરુ
અમે વૈખરી ગાંઠે બાંધી ચડવાં મથતાં મજૂર
પહેલી પગથી પર પગ મૂક્યો
વળગી વરવા પડછાયા થઈ પીડા
બીજે અગણિત આડા ઊભા
ગળું ફૂલાવી બહુરંગી કાચીંડા
કરુણાભર એક ફૂંક વહાવી ભ્રમજાળ વિદારો સમરથ !
ભલે થાય આ હોવું ચકનાચૂર
હજૂર !
અટપટો, બહુ આડો છે આ
તમે ઈશારે વણી લીધો એ મારગ
જરા આંગળી ઝાલો તો આ
શાંત થાય સૌ બહુ બોલકણી રગ-રંગ.
શબદ સલુણો, સત સોહાગી
વહેંચો સહુ સાધુજન વચ્ચે જેમ કોપરાં, ખારેકડી'ને ખજૂર.
હજૂર !
= સંજુ વાળા =
(નવનીત સમર્પણ ફેબ્રુ.-૧૭ માંથી)
બીજગીતની ચર્ચા પહેલાં મહાપંથ એટલે કે નિજારપંથ તેમજ બીજમાર્ગી સાધના વિશે થોડીક વાત ...
'દરેક માણસ સમાન છે.' નો સિદ્ધાંત એટલે બીજમાર્ગી સાધના પદ્ધતિ . મનુષ્યમાત્રની ઉત્પત્તિ રજ અને બીજથી જ થાય છે , માનવદેહ બધે જ સરખો હોવાનો તો પછી એમાં ભેદભાવ શા માટે કરવો ? પરમતત્ત્વરૂપી સૂક્ષ્મ બીજમાંથી આ સમગ્ર સૃષ્ટિનું નિર્માણ થયેલું છે . - માટે બીજને જાણવા , એના મૂળ તત્ત્વને પામવા બીજમાર્ગીઓ પ્રયોગાત્મક તત્ત્વજ્ઞાનનો આશરો લે છે . આ જ્ઞાન માત્ર વાણી વિલાસ જ નથી . રજ - બીજ શું છે ? એનો સંયોગ કઈ રીતે થાય ? રજ - બીજની ઊર્ધ્વગામી સ્થિતિ શું કરી શકે ? એના દ્વારા યોગવિદ્યામાં કેમ આગળ વધવું ? આ તમામ પ્રશ્નોને કારણે બીજમાર્ગી ગુપ્ત પાટ ઉપાસનાની સાધના જન્મી.
આ બીજસાધના બે વિભાગમાં થઈ શકે છે .
(૧) દસા
(૨) વિસા.
દસા સાધનામાં સૌને પ્રવેશવાની છૂટ હોય છે. જ્યારે વિસા સાધનામાં માત્ર અંતરંગ અનુયાયી જ પ્રવેશી શકે છે. પ્રવેશ મેળવતાં પહેલાં મંત્રપરીક્ષામાંથી પસાર થવાનું હોય છે. સંસારી વ્યક્તિએ સજોડે જ જવું પડે છે.
પ્રસ્તુત ગીતમાં કવિએ હજૂરને સંબોધન કર્યું છે. અહીં હજૂર એટલે ગુરુ. નિજારની પરંપરામાં પાટ સ્થાપના વખતે ગુરુ એના શિષ્યોને અવધારણ કરે છે. જો કે હવે એવા ગુરુઓ રહ્યાં નથી પણ એ જ્યોત પ્રગટાવવાનો અધિકાર તો ગુરુનો જ.
ગુરુ અવિચળ છે, સતત ઊંડે ઊંડે વિકસતા જતાં મેરુ પર્વત જેવા છે જ્યારે સાધક વાણીની છેલ્લી પણ સાવ ક્ષુલ્લક એવી માયા લઇને પર્વત ચડનાર મજૂર છે.
ઋગ્વેદ સંહિતા પણ કહે છે ને ;
चत्वारि वाक्यपरिमिता पदानि तानि विद्रुर्ब्रम्हना येमनिषिना :
गुहा त्रिणि निहिता नैन्गयन्ति तुरीयाम्वाचो मनुष्या वदन्ति ।
(૧ .૧૬૪ . ૪૫)
આ સાધના, મહાવ્રત બહુ કઠિન છે. દરેક પગથિયે નવી મુસીબતો છે. એટલે જ કવિ કહે છે :
'વળગી વરવા પડછાયા થઈ પીડા.'
વરવા પડછાયા એટલ
ે ? સ્થૂળદેહની માયા ? ગુરુ અનુગ્રહ પહેલા કૃતજ્ઞતા કેળવવી પડે. વળી, જીવનમાં અભાવ પણ ત્યારે જ લાગે જ્યારે આપણે એ જાણતાં હોઈએ કે હું ખૂબ સૂક્ષ્મ છું તેમ છતાં મને કશું જ મળ્યું નથી. શિષ્યને દરેક પગથિયે આવી મુશ્કેલી આવવાની જ.
'બીજે અગણિત આડા ઊભાં
ગળું ફૂલાવી બહુરંગી કાચીંડા.'
આધ્યાત્મિક માર્ગ તરફની ગતિમાં જીવનના બહુરંગી કાચીંડા એના રંગીન પ્રલોભનો દ્વારા સાધનપથ પર અવરોધ ઊભો કરવાના.
નિજારપંથ એ અવ્યભિચારીવ્રતનો માર્ગ છે. આ ધર્મ સ્ત્રી અને પુરુષે સાથે મળી સ્વીકારવાનો હોય છે અને તેની ઉપાસના પણ સાથે જ કરવાની હોય છે. એ વખતે કોઈપણ જાતની સ્થૂળ-સૂક્ષ્મ વાસના ન જન્મે એનું નામ નિજાર ... આ વ્રતને પાળનારા નિજારી ...
કિન્તુ, હજૂર તો સમર્થ છે. એમની એક ફૂંક (ગુરુમંત્ર)થી સાધકની ભ્રમજાળ સમાપ્ત થઈ જાય અને સાધકનું હોવાપણું પણ ઓગળી જાય.
સુફી સંતકવિ રૂમી એમનું એક વિધાન માત્ર એક શબ્દના ફેરફાર સાથે અહીં કહું તો ;
"Would you become a pilgrim on the road of GOD ? The first condition is that you make yourself humble as dust and ashes... "
સાચા ગુરુ પોતાના શિષ્યને સીધું કે સરળ રીતે જ્ઞાન ન આપે, ડગલે પગલે પરીક્ષાથી તાવે.. પ્રમાણે. જ્યારે સાધક એમાં અટવાય ત્યારે ગુરુ જ આંગળી ઝાલી રગ રગમાં શીતલહર પણ ફેલાવે પછી તો નાદબ્રહ્મ - શબ્દબ્રહ્મનું ગાન થવા લાગે.
સંજુ વાળાની આ ગીતકવિતામાં ક્યાંય Magniloquence કે Pedantry નથી. જે છે એ તો માત્ર કવિમાનસ પર બાલ્યકાળની તથા વારસાગત શબ્દ-નાદની અનોખી પરંપરા.
આ ગીતની છેલ્લી જોઈન્ટ લાઈનમાં કવિતા જુઓ સાહેબ !
શબદ સલૂણો સત સોહાગી ,
વહેંચો સહુ સાધુજન વચ્ચે જેમ કોપરાં, ખારેકડી'ને ખજૂર.
વૈખરી બાંધીને ચડવાં મથતો મજૂર સાધક ગુરુજ્ઞાન પામે છે પછી શબ્દ સલૂણો બની જાય છે. શબ્દ જ સત્, શબ્દ જ ચિત્ત અને શબ્દ જ આનંદ ... આવી રૂડી સ્થિતિનું નિર્માણ થયે લાધેલાં શબદને વહેંચી, ગુરુની નિશ્રામાં સાધકનું 'સ્વ'ત્વ સર્વત્વ બની અનુક્રમે વૈખરીથી મધ્યમા, પશ્યન્તિ અને અંતે પરા સુધી વિસ્તરે છે.
મારું કામ તો માત્ર અંગૂલિનિર્દેશ કરવાનું, બાકી નીચેની પંક્તિઓમાં સલૂણા શબ્દો કવિતાદેવી સાથે કેવા ઝળુંબે છે એ તો આપ સૌ જ માણો ...
(૧) પીડાનું પડછાયા થઈને વળગવું
(૨) ગળું ફૂલાવી આડા ઊભેલાં બહુરંગી કાચીંડા
(૩) ઈશારામાં વણાયેલો મારગ
(૪) આંગળી ઝાલતાં બોલકણી રગ-રગનું શાંત થવું
(૫) શબદ કોપરાં, ખારેકડી'ને ખજૂર
(૬) હજૂર !
ગીતને અંતે એટલું જ કે જીવનની જોખમકારક મુસાફરીમાંથી પસાર થવા માટે વ્યક્તિએ નમ્ર બનવું પડે, વળી આ તો સાધનામાર્ગ છે. કર્મ અને ત્યાગના સૂમેળમાં જીવનનું આધિપત્ય છે.. ક્રિયા નહીં પણ ક્રિયાના ફળને જતાં કરનાર સરળતાથી મેરુ પર્વત ચડી જ જાય છે.