બાકાયદા કાયદે-આઝમ
બાકાયદા કાયદે-આઝમ
એમના માટે ‘કાયદો’ શબ્દ તકિયા-કલામ બની ગયો હતો. વાતવાતમાં ‘આમ કાયદાથી જોવા જાઓ તો’, ‘કાયદેસર વિચારીએ તો’, ‘કાયદો તો આમ કહે છે કે’, ‘જો કાયદેસર મારી વાત માનો તો’ એવાં બદલાતાં જતાં બોલચાલનાં તેમનાં વિધાનોમાં ‘કાયદો’ શબ્દ અચલ રહેતો. ‘કાયદો’ શબ્દ તેમને ગળથૂથીમાંથી મળ્યો હતો એમ પણ કહી શકાય તેમ ન હતું, કેમ કે તેમના કુટુંબમાં કોઈ કાયદાશાસ્ત્રી તો હતું જ નહિ. તેમનાં બા કહેતાં કે એ નાની વયે બાળમિત્રો સાથે શેરીમાં રમવા જતો અને ત્યાંથી ‘કાયદો’ શબ્દ શીખી આવ્યો હતો. ઘરમાં પણ કુટુંબીજનો સાથે એ કાયદાની ભાષામાં જ વાતો કરતો. તેઓ ‘કાયદો’ શબ્દને ગંજીપાના જોકરપાનાની જેમ બધે પ્રયોજતા. પ્રણાલિકા, પરંપરા, રીતરિવાજને પણ એ કાયદાના વ્યાપમાં જ ગણતા; કેમ કે તેઓ કાયદા અને એ બધાં વચ્ચે કોઈ ભેદરેખા હોવાનું સ્વીકારતા ન હતા. આમ છતાંય ‘કાયદો’ શબ્દથી તેમના બોલવામાં વજન પડતું હતું. લોકોએ કહેવું પડતું કે ‘એ ખરું કહે છે’, ‘એમની વાતમાં દમ છે’, ‘એમની વાતને હસી કાઢો નહિ’ વગેરે વગેરે. આમ લોકો તેમને ‘કાયદે-આઝમ’ તરીકે ઓળખવા માંડ્યા અને તેમણે પણ બાકાયદા ‘કાયદે-આઝમ’નું બિરૂદ સ્વીકારી પણ લીધું હતું.
તો આ મહાશય છે, આપણા ‘કાયદે-આઝમ’ મિ. નટવરલાલ. આધેડવયે પહોંચતાં સુધીમાં તો તેઓ લાખો વખત ‘કાયદો’ શબ્દ બોલી ચૂક્યા હશે. તેમણે આયાસે કે અનાયાસે પ્રાપ્ત કરેલી આ સિદ્ધિને જો પ્રમાણિત કરી શકાય તો તેઓ ગિનેસ બુક ઑફ વર્લ્ડ રેકૉર્ડ્ઝ કે લિમ્કા રેકોર્ડ્ઝમાં પોતાનું નામ અવશ્ય નોંધાવી શકે. આ તો એક વાત થાય છે, કોઈ શબ્દો અમુકવાર બોલવાના હિસાબો થોડા મુકાતા હોય ! ગામના કેટલાક લોકોએ તો સ્વીકારી લીધું હતું કે ‘કાયદો’ શબ્દ એ નટવરલાલનો માત્ર તકિયા કલામ છે. એ કંઈ લોકોને કાયદો બતાવતા નથી કે કાયદાની કોઈને ધોંસ પણ આપતા નથી. પરંતુ અજાણ્યા અને વાંકદેખા લોકો સાથેની વાતચીતમાં ઘણીવાર વબાલ સર્જાતી અને ‘કાયદો’ શબ્દ ઝઘડાનું નિમિત્ત બનતો. મિ. નટવરલાલને ‘એય કાયદાવાળી બેસ, બેસ !’, ‘ઓ કાયદાની માસી-પૂંછડી !’, ‘રહેવા દે, તારા કાયદાની ઐસીતૈસી તો !’ જેવાં અપમાનજનક વેણ સાંભળવાં પડતાં. આવા ટાણે વાતને થાળે પાડવા નટવરલાલને કહેવું પડતું, ‘અરે ભાઈસા’બ, હું કોઈ કાયદો બતાવતો નથી, મારો કહેવાનો મતલબ એ છે કે …’; અને તોય સામેવાળા કહેતા, ‘હવે પલટી મારે છે, ન જોયો હોય તો કાયદાવાળો, કાયદે-આઝમ !’ આવા ટાણે નટવરલાલ અકળાઈ જતા અને સમજાવવાનો પ્રયત્ન કરતા કે ‘હું કાયદા શબ્દના ટેકા વગર બોલી શકતો નથી, બચપનથી મને આ શબ્દ બોલવાની ટેવ પડી ગઈ છે. હું લાખ પ્રયત્નો કરું તોય આ શબ્દ બોલી જવાય છે ! ખોટું લાગ્યું હોય તો બે હાથ જોડીને માફી માગું છું. બોલો, કહો તો પગે પડું ! મને સમજવાની કોશિશ કરો, બાપલિયા !’ વગેરે… વગેરે. નટવરલાલ શાંતિપ્રિય સજ્જન હતા અને અને ટંટાફિસાદમાં કદીય પડતા ન હતા અને આમ ઝઘડાનું શમન થઈ જતું.
પરંતુ નટવરલાલના મનમાં અહર્નિશ ઘોળાયા કરતી એક વાતનું શમન થતું ન હતું. એમને એ વિચાર સતાવ્યા કરતો હતો કે આખરે લોકો ‘કાયદો’ શબ્દથી આટલા બધા ભડકતા કેમ હશે ! ‘કાયદો’ શબ્દ બોલવો એ કંઈ ગાળ તો નથી ! દેશના બધા નાગરિકો સરકારના કાયદાઓ પાળવા માટે બંધાયેલા છે, પછી એ કાયદાઓ સરકારનાં ગમે તે ખાતાંના હોય ! ગેરકાયદેસર ધન ઉલેચતા રાજદ્વારીઓ અને નોકરશાહો પોતે કાયદાની ચુંગલમાં ન ફસાય ત્યાં સુધી નાગરિકો જોગ નિવેદનો કરતા રહીને તેમને કાયદાથી ડરાવતા રહેતા હોય છે કે ‘કાયદો ચમરબંધીને પણ છોડશે નહિ’, ‘કાયદો કાયદાનું કામ કરશે.’ કાયદાની નજરમાં કોઈ નાનું કે મોટું નથી’, ‘એક વાત સારી રીતે સમજી લો કે કાયદો કોઈની શરમ ભરશે નહિ’, ‘કાયદાના હાથ લાંબા છે’, ‘આમ કાયદો તમે હાથમાં લઈ શકો નહિ’ ‘કાયદા લોકોના ફાયદા માટે છે.’ વગેરે….
માત્ર તકિયા કલામ તરીકે ‘કાયદો’ શબ્દ પ્રયોજતા આપણા નટવરલાલના જીવનમાં એક પ્રસંગથી યુ-ટર્ન આવ્યો. સ્થાનિક ગ્રામીણ બેંકમાં પોતાના કોઈક કામ માટે જતાં નટવરલાલે જોયું તો બેંકના દરવાજા આગળ બેંકમાંનો કોઈક તમાશો જોવા રસ્તા ઉપર લોકોની ભીડ જામી હતી. બેંકમેનેજર ઘાંટા કાઢીકાઢીને એક બિચારા નાના દુકાનદારને દબડાવતો હતો. વાતવાતમાં ટેલિફોનના રિસિવર ઉપર હાથ મૂકીમૂકીને તે પોલીસને બોલાવવાની ધમકી આપતો હતો. નટવરલાલે બેંકમાં દાખલ થઈને કોલાહલ વચ્ચે પણ બેંકના પટાવાળા પાસેથી સઘળી કેફિયત જાણી લીધી. તેમને ખબર હતી કે એ મેનેજર રીઢો લાંચિયો હતો. બિચારા ઊંટગાડીવાળા મહેનતકશ લોકોના લોનકેસમાં પણ બસોપાંચસો રૂપિયાની રોકડી કરી લેતો હતો.
નટવરલાલે સઘળી વાતનો ક્યાસ કાઢી લીધો અને મામલામાં ઝંપલાવવાનો નિશ્વય કરી લીધો. તેમના માટે આ એક એવી ઉજ્જવળ તક હતી કે પોતે સાચે જ પોતાને ‘કાયદે-આઝમ’ તરીકે પોતાની જાતને પ્રસ્થાપિત કરી શકશે; વળી એટલું જ નહિ, લોકોનો તેમને જોવાનો અને સમજવાનો નજરિયો પણ બદલાઈ જશે. તેમને માનવસહજ સ્વભાવ પ્રમાણે એ વિચાર પણ આવી ગયો કે લોકોએ કરેલાં અપમાનોનો બદલો એમને પોતાને લેવો નહિ પડે, પણ તેઓ સામેથી બદલો ચૂકવવા તત્પરતા બતાવશે. તેઓ હવે ચાપલૂસીભર્યાં નટુભા, નટુકાકા, નટુભૈ, નટુબાપુ જેવાં સંબોધનોથી પેલાં અપમાનજનક કડવાં વેણોને એમની મેળે જ ગળી જવાનો પ્રયત્ન કરશે. મનમાં ભલે ને ‘મારો બેટો’ કહેતા, પણ હવે તેમને મારી સામે પેશ આવવામાં સાબદા રહેવું પડશે. નટવરલાલે લોકોમાં પોતાના તરફના વર્તાવમાં આવનારાં પરિણામો અંગેના વિચારોને હાલ પૂરતા તો હડસેલી દઈને મનમાં ‘યાહોમ’ કહીને ઝઘડામાં ઝંપલાવ્યું.
‘એય મેનેજર, પોલીસને બોલાવવાની લૂખી ધમકી આપ્યા વગર પોલીસને બોલાવી લે. પોલીસની તાકાત નથી કે આ શંકરકાકાની ધરપકડ કરે ! નાલાયક કૌભાંડિયા, તને ખબર નથી; પણ અમે ઊલટાનો તારા ઉપર તેમની બદનક્ષીનો કાયદેસર કેસ ઠોકી દઈશું.’
‘ઓહ, કાયદે-આઝમ ! જરા સભ્યતાથી વાત કરો, આ બેંક છે; રસ્તે પડો, નહિતર તમે પણ અંદર જશો.’
‘એય, મારા ગામના માણસો મને ‘કાયદે-આઝમ’ના નામે બોલાવે એનો મેં કદીય વિરોધ કર્યો નથી; પણ તું ચૂપ મર. હવે કહીશ કે શંકરકાકા તારી બેંક લૂટવા આવ્યા હતા કે તું એમને દબડાવે છે અને પોલીસને બોલાવવાની ધમકીઓ આપે છે !’
બેંકમાં સોપો પડી ગયો. બેંક બહાર ઊભેલા લોકો પણ દિંગ થઈ ગયા. એમને નટવરલાલનું નવું સ્વરૂપ જોવા મળ્યું. એમને એક વાતની ખાત્રી હતી કે નટવરલાલ કંઈક કાયદો જાણતા હોવા જોઈએ, નહિ તો એ સિવાય કજિયાનું કોગળિયું ખભે કરે નહિ !
‘સોરી, નટવરલાલ સાહેબ; પણ હવે આપ જરા આપના શંકરકાકાને જ પૂછો કે એમણે કેવું પરાક્રમ કર્યું છે ? પછી હું સમજાવીશ કે તેમણે બેંક સાથે ફ્રોડ (Fraud) કરવાની કેવી કોશિશ કરી છે ! તમે બધા જોતા રહેશો અને એ અંદર જશે. આમ છતાંય એ માફી માગી લે તો હું તેમને છોડવા તૈયાર છું. આખરે મારે આ ગામમાં જ નોકરી કરવાની છે.’ બેંક મેનેજર શુક્લા થોડોક દાઢમાં, થોડોક ધમકીભર્યા અવાજમાં અને થોડોક ઢીલા પડવાનો સંકેત આપતો એવા ત્રિ-ભાવમાં બોલ્યો.
‘હું ક્યારનોય આ મામલો સાંભળી રહ્યો છું અને મને શું બન્યું છે તેની ખબર પડી જ ગઈ છે અને તેથી જ છાતી ઠોકીને હું કાયદેસર કહી રહ્યો છું કે શંકરકાકાનું તું કશું જ બગાડી શકવાનો નથી. આમ છતાંય આ બધા લોકોને ખબર પડે એ માટે, શંકરકાકા, બોલો કે શું થયું ? ગભરાતા નહિ, હું તમારી પડખે છું. તમે કાયદેસર નિર્દોષ છો અને આ માટીપગો હમણાં જ ફસકીને ભોંયભેગો થઈ જશે. અલ્યા પટાવાળા, આ શંકરકાકાને પાણી પા.’ સહનશક્તિ અને નમ્રતાની એક મિસાલ જેવા નટવરલાલ નિર્ભયતાપૂર્વક શંકરકાકાની નિર્દોષતા સામે અડીખમ ઊભા રહેતાં મક્કમતાપૂર્વક બોલી ઊઠ્યા. સૌ આશ્ચર્યચકિત થઈને મનોમન વિચારી રહ્યા કે નટવરલાલ ઉપર કોઈ ભૂત તો સવાર નહિ થયું હોય !
પટાવાળાએ ખુરશી લાવી આપીને શંકરકાકાને બેસાડ્યા અને પાણી ધર્યું. તેઓ પાણી પીને થોડાક સ્વસ્થ થતાં બોલ્યા : ‘આજે મારે પાલનપુર જવાનું હતું અને છાપીનો એક વેપારી નવો ઓર્ડર અને આગલા હિસાબના પૈસા લેવા માટે આવવાનો હતો. મને થયું કે હું મારાં ઘરવાળાંને સેલફ (Self)નો ચેક આપીને જાઉં. બેંક ખુલતાં એ ચેકના પૈસા લાવી દેશે અને પેલા વેપારીને આપી દેશે. મેં ઈસ્કોતરો ખોલીને જોયું તો મારી ચેકબુક ખલાસ થઈ ગઈ હતી. હું સામેની કાપડની દુકાનવાળા મણિલાલની પાસે ગયો અને એ બિચારાએ મને તેનો એક કોરો ચેક ઉછીનો આપી દીધો મેં એક હજાર રૂપિયાનો ચેક લખીને અને મારી સહી કરીને તમારાં બહેનને આપી દીધો. પરંતુ હું બસ ચૂકી જતાં દુકાને પાછો આવ્યો અને બેંક ખૂલતાં એ ચેકના પૈસા લેવા આવ્યો અને સાહેબે આ ધમાલ શરૂ કરી દીધી છે.’
‘બસ, આટલી જ વાત છે ને ! ગભરાશો નહિ. તમે મણિલાલના ચેકના પાનિયામાં તમારી પોતાની સહી કરીને કાયદેસર તમારા ખાતાના પૈસા ઊપાડવા આવ્યા હતા. તમે મણિલાલની વતીની એમના નામવાળી ખોટી સહી કરીને એમના ખાતામાંથી ગેરકાયદેસર પૈસા ઊપાડવા નહોતા આવ્યા. આમ કાયદેસર જોવા જઈએ તો તમે તો કાયદાની અજ્ઞાનતા કે ભોળાભાવે મણિલાલ પાસેથી માત્ર ચેકનું પાનિયું ઉછીનું લીધું ગણાય. આપણા ગામમાં પહેલીવહેલી આ બેંક આવી જેને હજુ માંડ એકાદ વર્ષ જ થયું છે. આપણા ગામડિયા માણસોને આ બેંકવાળાઓએ ખાતું ખોલાવતાં આ બધું કાયદેસર સમજાવવું જોઈએ; પણ મારા બેટા બેંકમાં મોડા આવે અને વહેલા ઘરભેગા થઈ જાય. લોનકેસ હોય તો થોડા વધારે રોકાય, કેમ કે તેમાં ખાયકી કરવા મળે. હવે, કાયદેસર બોલ્ય અલ્યા મેનેજરિયા, આને બોનાફાઈડ મિસ્ટેક કહેવાય કે માલાફાઈડ ફ્રોડ કહેવાય ?’
નટવરલાલના મોંઢેથી ગુટપુટિયા અંગ્રેજી શબ્દો સાંભળીને બધા નવાઈ પામતા એકબીજાના સામે જોતા રહી ગયા. મેનેજર પણ ખુરશીમાં ચોંટી જતો ધોતી-ઝભ્ભા અને ફાળિયાવાળા આ માણસને પહોળા મોંઢે જોઈ રહ્યો. ભોંય પર પડ્યો હોવા છતાંય પોતાની ટાંગ ઊંચી રાખવાનો પ્રયત્ન કરતાં મેનેજર બોલ્યો, ‘એ ગમે તે ‘ફાઈડ’ હોય, પણ ફ્રોડ એની જગ્યાએ ફ્રોડ જ છે.’
‘એય, ફ્રોડ શબ્દ પાછો ખેંચ; એ મિસ્ટેક છે, મિસ્ટેક બળદિયા ! તારે કે તારા કારકુને કાયદેસર મણિલાલના ખાતામાં આ ચેક પાસ કરવાનો હતો, કેમ કે એ ચેક એમના ખાતામાં નોંધાયેલો છે. હવે અહીં સહીનો ફરક હોઈ તારે એ ચેકનો સ્વીકાર કરવાનો નથી અને ત્યાં વાર્તા પૂરી થઈ જાય છે. વળી આ ચેક સેલ્ફનો હોઈ તારે કાયદેસર રીતે આ બધી મગજમારી શંકરકાકા સાથે કરવાનો કોઈ મતલબ નથી. હા, એ મણિલાલ જેવી બનાવટી સહી કરીને આવ્યા હોત તો પૈસાભાર તારી વાતનું વજુદ ગણાત; પૈસાભાર જ, સમજ્યો !’
આ વાદવિવાદ વચ્ચે મેનેજરનો મોબાઈલ રણક્યો. સામેના છેડેના બેંકના કેશિયરે કબાટોના પછવાડેથી આટલું જ બોલીને ફોન કાપી નાખ્યો, ‘માફી માગી લો, સાહેબ; અને વાતને વાળી લો ! કાકો નહિ છોડે !’
હતપ્રભ થઈ ગએલા મેનેજરે ગભરાયેલા અવાજે કહ્યું, ‘શંકરકાકા, આપ જઈ શકો છો. મારી ભૂલ હું કબૂલ કરું છું. મારી સાન ઠેકાણે લાવવા બદલ, વડીલશ્રી, હું આપનો આભાર માનું છું.’
‘એમ ભૂલ કબૂલ કરી લઈને અને મારો આભાર માનીને વાત પૂરી નહિ કરી શકે, એ શુક્લા. તારે કાયદેસર શંકરકાકાની માફી તો માગવાની રહેશે, પણ એ સિવાય આજના કેસને લાગુ ન પડતી એક બાબતની પણ પૂર્તતા કરવાની રહેશે.’ નટવરલાલે ભવાં સંકોરીને આંખો ઝીણી કરતાં અને અને મસ્તક ઉપર નીચે હલાવતાં મક્કમતાનો રણકાર કરતાં કહ્યું.
‘શંકરકાકા, હું બે હાથ જોડીને આપની માફી માગું છું. હવે,બોલો સાહેબ, મારે કઈ બાબતની પૂર્તતા કરવાની છે, તે જણાવો અને હું વચન આપું છું કે એ પૂર્તતા હું કરીશ.’ મિ. શુક્લાએ ગળગળા થતાં કહ્યું.
‘પેટમાં પધરાવેલું કાયદેસર તારે પાછું કાઢવાનું છે, સમજ્યો ! એય કારકુન, તારા ચોપડા જોઈને જણાવ કે અહીં બેંક શરૂ થયા પછી આ સાહેબની ગામ ઉપરની મહેરબાનીથી કેટલા લોનકેસ થયા છે ?’
કારકુને ‘જી સાહેબ’ કહીને ધીરાણ ખાતાવહીની અનુક્રમણિકા જોઈને જ્વાબ વાળ્યો, ‘એકત્રીસ, સાહેબ.’
‘હા, તો મિ. શુક્લા, એકેયને છોડ્યો તો નહિ જ હોય; કેમ ખરું ને ?’ નટવરલાલે ભર્યા ભરમે વેધક નજરે પૂછ્યું.
‘જી, સાહેબ.’
‘તો હાલ જ હું દાંડી પિટાવીને બધાને બોલાવી લઉં છું. બધા પૈસા તૈયાર રાખ. આપણે તેમને કાયદેસર રીતે પરત કરવાના છે.’
નટવરલાલ બેંકમેનેજર સાથેની વાતચીતમાં ‘કાયદો’ અને કાયદેસર’ જેવા શબ્દો કેટલીયવાર બોલ્યા હોવા છતાં લોકોમાંથી કોઈ હસ્યા ન હતા, કેમ કે તેઓ તેમના હાલના કડક મિજાજના પ્રભાવમાં આવી ગયા હતા.
‘પણ સાહેબ, મારી પાસે હાલમાં કોઈ પૈસા નથી. વળી એ કેટલી રકમ હશે તેની મને ખબર નથી અને મારી પાસે કોઈ બચત પણ નથી.’
‘તારી પહેલી વાત કે જા તારા પૈસાની કાયદેસર વ્યવસ્થા થઈ જશે. તારી બીજી વાત માટે હું ખાત્રી આપું છું કે દરેક લોન લેનાર પ્રમાણિકતાથી એ રકમ જણાવશે એટલે તને કુલ્લે રકમની જાણ થઈ જ્શે. હવે ત્રીજી વાત કે તારી પાસે બચત નહિ હોય તે હું માનું છું. બેટમજી, ઘરવાળાંને તાગડધિન્ના કરાવ્યા હોય એટલે હરામના પૈસાની કદીય બચત ન જ હોય ને !
દાંડી પિટાવા પહેલાં વાયુવેગે સઘળી વાત આખા ગામમાં પ્રસરી ગઈ. એકાદ કલાકમાં તો એકત્રીસે જણા બેંકમાં હાજર થઈ ગયા. લાંચકાંડનો સરવાળો મુકાયો, રકમ થઈ એક લાખ બેતાલીસ હજાર સાતસો ને પચાસની. નટવરલાલે પોતાના ખાતામાંથી લુઝ ચેકથી દોઢ લાખ રૂપિયા ઉપાડીને મિ. શુક્લાના હાથમાં મૂકતાં કહ્યું, ’એક મહિનામાં સ્ટાફલોન લઈને કે બૈરાના દરદાગીના વેચીને પણ કાયદેસર આ આ પૈસા તારે પરત કરવાના રહેશે. આ કોઈ ખેરાત સમજતો નહિ. તારા પોતાના હસ્તે જ બધાયને નાણાં પરત કરીને દરેકની માફી માગતા જઈને તારે કાયદેસર પ્રાયશ્ચિત કરવાનું છે. વળી અહીં નોકરી કરે કે બદલાઈને બીજે ક્યાંય પણ જાય તું સખણો રહેવાનો સંકલ્પ કરી લેજે. અલ્યા સ્ટાફવાળાઓ, તમારામાંથી કોઈ આ પાપના ભાગીદાર બન્યા હો તો તમારા આ સાહેબને એ પૈસા કાયદેસર પરત કરી દેજો અને તમે લોકો પણ સખણા રહેજો.’
નાણાંચૂકવણી પત્યેથી નટવરલાલના જયજયકારના અવાજો પડઘાતા રહ્યા, બેંકના તમામ કર્મચારીઓએ નટવરલાલને પાયલાગણ કરીને હાથ જોડતા અશ્રુપૂર્ણ આંખે વિદાય લીધી.
પરંતુ…પરંતુ, બીજા દિવસે તો જાણે ગામ આખાયમાં જાદુઈ લાકડી ફરી વળી. પંચાયતના સરપંચે રાજીનામું આપી દીધું. ડેપ્યુટી સરપંચના અધ્યક્ષપણે પંચાયત સભામાં ઘરવેરાના તોતિંગ વધારા માટેની દરખાસ્તને મુલતવી રાખવાનો ઠરાવ થયો, તલાટી સમયસર નોકરીએ આવી ગયો, શિક્ષકો સમય પહેલાં નિશાળમાં પહોંચી ગયા, ટ્યુશનિયા શિક્ષકોએ વિદ્યાર્થીઓના વાલીઓને હાથ જોડીને ટ્યુશનો છોડી દીધાં. સફાઈ કર્મચારીઓએ ગામ આખાયના રસ્તા ચોખ્ખાચટ કરી દીધા, પાનબીડીના ગલ્લાવાળાઓએ અને તમામ દુકાનદારોએ ડસ્ટબિનની વ્યવસ્થા કરી દીધી. રસ્તામાં રખડતાં ઢોર તેમના માલિકોના ખીલે બંધાઈ ગયાં, જિલ્લા મથકેથી કૂતરાંના ખસીકરણ માટેની ગાડી સ્ટાફ સાથે આવી ગઈ, લોકોનાં ઘરોમાં શોષકૂવાઓ છતાં વપરાશનું પાણી જે રસ્તા ઉપર આવતું હતું તે બંધ થઈ ગયું, પંચાયતના ટ્યુબવેલનું પાણી સમયસર અને પૂરતા પ્રમાણમાં આપવા માટેનું શરૂ થઈ ગયું. સ્ટ્રીટ લાઈટનાં બંધ બલ્બ અને ટ્યુબલાઈટો બદલાઈ ગયાં.
નટવરલાલ જે અત્યાર સુધી માત્ર ‘કાયદે-આઝમ’ તરીકે જ ઓળખાતા હતા; તે હવે સત્તાવાર રીતે ‘બાકાયદા કાયદે-આઝમ’ તખલ્લુસની ઓળખ પામ્યા, અખબારોએ આ ઘટનાની નોંધ લીધી, આખાય પરગાણામાં તેમની વાહવાહ થઈ રહી અને ઠેકઠેકાણે એમનાં ખૂબખૂબ માનસન્માન થયાં.
હવે તો એમનો ‘કાયદો’ શબ્દનો તકિયાકલામ પણ પહેલાં કરતાં ખૂબ વધી ગયો હતો !