આત્મનિર્ભર
આત્મનિર્ભર
હું અફાળતા ડગલે અમારા ફ્લેટની ગાર્ડન બાલ્કનીમાં પ્રવેશી. મનમાં ગુંગળાઈ રહેલા યુદ્ધનો પડઘો પાડતો નિસાસો એક ઊંડા ઉચ્છવાસનું સ્વરૂપ ધારણ કરતો શિયાળાની વહેલી રાત્રીના વાતાવરણની ટાઢમાં ભળી ગયો. મારા સ્વેટરની લાંબી બાયમાં અર્ધા ઢંકાઈ ગયેલા બન્ને હાથના પંજા અંતરમાં રગડાઈ રહેલા સંઘર્ષનું પ્રતિબિંબ બનતા એકબીજા જોડે ઘર્ષણ કરતા હૂંફનો પારો વટાવી ગયા. મેં એક નજર બાલ્કનીમાંથી બહાર દેખાઈ રહેલા જગત પર નાખી. બધું દરરોજ જેવુ જ હતું. કશું નવું નહીં. એ જ વીજળીના નિર્જીવ થાંભલાઓ, એ જ ઘરોની બહાર ઠંડા પડી ઉભા રહી ગયેલા વાહનવ્યવહારના સાધનો, એ જ ઘરોમાંથી આછા આછા પડઘાતા ટીવીની નીરસ શ્રેણીઓના વધુ પડતા નાટ્યાત્મક સંવાદો, એ જ અંધકાર, એ જ થાંભલા પરની વીજળીમાંનો ધૂંધળો પીળો પ્રકાશ.
મારો જીવ કચવાઈ ઉઠયો અને મારા વિચારો વધુ રૂંધાવા માંડયા. એટલે એ દ્રશ્ય પડતું મૂકી હું બાલ્કનીના હિંચકા ઉપર પછડાઈ. આમ તો મારું શરીર દુબળું,પાતળું. પરંતુ મારા બળવાન ક્રોધાવેગથી એ નાજુક હિંચકો મોટા હિલોળા ભરવા માંડયો. એક ક્ષણ માટે મેં પગની પાની વડે હિંચકાને થંભાવાનો પ્રયાસ કર્યો અને કોફી બનાવવાનો વિચાર કર્યો. પરંતુ પછી તરત જ બાલ્કનીમાંથી દેખાઈ રહેલા બેઠકખંડ ઉપર મારી દ્રષ્ટિ ઠરી. મમ્મી સોફા ઉપર બેઠી હતી અને પોતાને ગમતી સાસુ અને વહુની કકળાટવાળી ટીવી શ્રેણીમાં ઓતપ્રોત હતી. જો હું રસોડામાં પહોંચવા બેઠકખંડનો એકમાત્ર માર્ગ લઈશ તો એ ચોક્કસ મને રોકશે. પ્રશ્નો પૂછશે કે પછી સીધેસીધું કહી દેશે કે,
"કુસુમ, ઘરે જતી રહે. બે દિવસ થઇ ગયા. વિનીતને કેવું લાગે ? લોકો શું કહેશે ? નોકરી છોડી દે ને, બેટા. વિનીત મજાનું કમાઈ છે. હવે તારે તારા ઘર અને પરિવાર ઉપર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. હવે તારા લગ્ન થઇ ગયા છે ને દીકરીઓ સાસરે જ શોભે. વગેરે...વગેરે..."
એની મેલો ડ્રામાવાળી અતિનાટકીય ટીવીશ્રેણીના સંવાદો એ મારી ઉપર અજમાવે એ મને સહેજે મંજુર ન હતું. તેથી હું ત્યાં જ જપીને બેસી રહી. પણ મારું હૈયું જરાયે જપવા તૈયાર ન હતું. હિંચકાના હિલોળાની ઝડપ જેટલી વધી રહી હતી એટલી જ મારા અંતરની અગ્નિ વધુ સળવળી રહી હતી.આંખોમાં ભેજ ઉભરાવા માંડયું હતું. એ ઘડીમાં મન થઇ આવ્યું કે બાલ્કનીની દીવાલ ફગાવીને એક ભુંસકો નીચે તરફ મૂકી દઉં કે !
પપ્પાની વહીલચેર બાલ્કનીમાં પ્રવેશવાનો અવાજ કાનમાં ગુંજી ઉઠ્યો. હું ચોંકી ઉઠી. પપ્પાને દર વખતે એક પણ શબ્દ કહ્યા વિના એ જાણ કઈ રીતે થઇ જતી કે મારું મન ભારે છે અને મને કોઈની જોડે વાત કરવી છે. કોઈની પણ જોડે નહીં, કોઈ એવી વ્યક્તિ જોડે જે મને સમજી શકે.
"સો, વ્હોટ્સ ગોઈંગ ઓન ? આજે ચહેરા ઉપર આટલી બધી ગ્લાનિ ? ફરીથી મારી દીકરી રોતડી બની ? હે પુષ્પા, આઈ હેટ ટીઅર્સ !"
પપ્પાએ ટેવ પ્રમાણે પોતાનો ગમતો રાજેશખન્નાનો ફિલ્મી સંવાદ એ રીતે ઉચ્ચાર્યો જાણે એ કોઈ સ્ટેજ ઉપર નાટક ભજવી રહ્યા હોય. હું પણ દર વખતની જેમ જ છણકા જોડે બોલી, "કેટલી વાર કહેવાનું ? મારું નામ પુષ્પા નથી, કુસુમ છે."
મારા ચહેરાના બગડેલા ભાવો વધુ રીસ ઉપર ઉતર્યા અને આંખોનું ભેજ પ્રવાહી સ્વરૂપ ધારણ કરવા અત્યંત સજ્જ બન્યું.
"પુષ્પા કહો કે કુસુમ. સુવાસ ઓછી થોડી થશે."કહેતા પપ્પાએ પોતાની વહીલચેર જોડે મારા અટકી પડેલા હિંચકાનો એક ચક્કર કાપી નાખ્યો.
હું વધુ અકળાઈ. અકળામણ બધાની ઉપર થોડી ઠલવી શકાય. એ તો એની ઉપર જ મુક્ત છોડી મુકાઈ જેનામાં એને પચાવી સામી વ્યક્તિની પરિસ્થિતિ સમજી પ્રતિક્રિયા આપવાની તાકાત હોય. મમ્મી ઉપર કદી મેં કોઈ અકળામણ ઠાલવી જ ક્યાં હતી ?
"હા..હા..હા.."
મારું કટાક્ષમાં છોડાયેલું યાંત્રિક હાસ્ય પણ એમણે એટલા જ ઉદાર હ્ર્દયે પચાવી લીધું. તેઓ પણ હસ્યા. પણ એ હાસ્ય અત્યંત પવિત્ર, પ્રાકૃતિક અને સહજ હતું.
"કોઈએ કશું કહ્યું ?"
એમના એ પ્રશ્ન જોડે જ મારી આંખોનું ભેજ એના પ્રવાહી ધાર જોડે મારા ઉતરેલા ચહેરાને ભીંજવવા માંડયું. મારી આંખોના મશ્કરા એ પ્રવાહીમાં એ રીતે વહેવા લાગ્યા જાણે બંધ તૂટવાથી પાણીનો ધોધ એક ક્ષણની રાહ જોયા વિના ઉમટી પડે.
"એ જ તો દુઃખ છે. કોઈએ કશું કહ્યું નહીં."
મારી વેધક નજર બાલ્કનીમાંથી માર્ગ કાઢતી બેઠક ખંડમાં ટીવીના પડદામાં ઓતપ્રોત મમ્મીને રહેંસવા લાગી. એ જ ક્ષણે મમ્મીએ બાલ્કનીમાં અછડતી નજર કરી. મને જોતા જ એની આંખોની કીકીઓ વિસ્તરી. મને મૌન ઠપકો આપવા લાગી. મેં તરત જ નજર ત્યાંથી ખસેડી લીધી. પપ્પાની વહીલચેરના પૈડાં હિંચકા જેમ જ સ્થિર હતા. એ તરફ મારું ધ્યાન આવી અટક્યું.
"તમને નથી લાગતું મમ્મી પહેલા કરતા પણ વધુ ... જસ્ટ લુક એટ હર. એનું ચાલે ને તો મને..."મારો શ્વાસ અત્યંત રૂંધાવા લાગ્યો. દરિયામાં ડૂબતો માણસ જીવ બચાવવા હાથપગ ચલાવે એમ મારું અંતર પણ પોતાના હાથપગ પછાડવા લાગ્યું. મેં પડખેથી મારો અસ્થમાનો પમ્પ ઉઠાવી હલાવ્યો અને બે ત્રણ ઊંડા સ્પ્રે મોંની અંદર લઇ લીધા. મારા જીવમાં માંડમાંડ જીવ આવ્યો.
"આર યુ ઓકે, બેટા ?" પપ્પાએ ચિંતિત સ્વરમાં પૂછ્યું. એમની આંખોની ભ્રુકુટી એકસરખી રેખામાં ખેંચાઈ ઉઠી. મેં ગરદન હલાવી હકારમાં મૌન ઉત્તર આપ્યો. એમને થોડી રાહત થઇ. મને પણ. હું હિંચકા જોડે આરામથી ટેકાઈ ગઈ અને પછી કોઈ અતિ વિદ્વાન વ્યક્તિ ગંભીર સ્વરમાં ચર્ચા કરી રહી હોય એવા અંદાજમાં કહ્યું,
"ઘી ટ્રુથ ઇઝ ધેટ શી ઇઝ ઝેલસ ઓફ યુ.એને તમારી ઈર્ષ્યા આવે છે. હું મારી દરેક સમસ્યા એની જોડે નહીં, તમારી જોડે વહેંચું છું એટલે. હું દરેક બાબત માટે તમારી સલાહ લઉં છું એટલે. મારા મનમાં ઉતરવાનો અધિકાર મેં એને નહીં, તમને આપ્યો છે અને હમેશા આપતી રહીશ એટલે."
મારી નજર વહીલચેરના પૈડાં ઉપરથી ઉપર ઉઠી પપ્પાના ચહેરા ઉપર આવી. ત્યાં કોઈ દ્રેષ ન હતો. કોઈ ફરિયાદ ન હતી, કોઈ લઘુતાગ્રંથી કે ગુરુતાગ્રંથી] પણ ન હતી. ફક્ત એક પરિપક્વ સ્મિત હતું. જે મને આડકતરી રીતે એ સમજાવવા મથી રહ્યું હતું કે હું કેટલી અપરિપક્વ છું ! એમના સફેદ વાળ હવાથી હળવા હળવા ફરકી રહ્યા હતા.જેની જોડે જીવનભરનો અનુભવ જાણે હિલોળા લઇ રહ્યો હતો.
"એ ઈર્ષ્યા નથી, તારા પ્રત્યેની એની ચિંતા છે. એનો પ્રેમ છે. એની લાગણીઓ, એની ફિકર દર્શાવવાની રીત છે. ''
હું કટાક્ષમાં હસી .
"ચિંતા, પ્રેમ, લાગણીઓ, ફિકર..."મારા શબ્દો અટકી પડયા અને મારી નજર ફરીથી બેઠકખંડની દિશામાં તેજધરાર આગળ વધી.
"એના ચહેરા પર ખુશીનું એક પણ બિંદુ દેખાઈ છે ? ઓફિસેથી ફોન કર્યો હતો ત્યારે પણ વિડીયો કોલમાં મને ખુશીની પાતળી રેખા પણ દેખાઈ ન હતી. 'મને' પ્રમોશન મળ્યું છે ને. જો એના જમાઈને મળ્યું હોત તો એ આડોશપાડોશમાં બધાને શિરો વહેંચી આવી હોત. એકેક બહેનપણીઓને આગળથી કોલ કરી શો ઓફ કરત. પણ નહીં. એની ચિતા તો એ છે કે હું બે દિવસથી અહીં છું. મારા ઘરે કેમ નથી ?"
પપ્પા ફરી હસ્યાં. એમની વહીલચેર થોડી આગળપાછળ કરી.
"એ તારા લગ્ન પહેલા આવું કરતી હતી ?"
મેં અચરજ જોડે મારી નજર પપ્પા તરફ ફેરવી. કોઈ ઉત્તર આપ્યો નહીં. ઉત્તર એમણે જ આપ્યો.
"એ બિચારી ઉપર સામાજિક દબાણ છે. તારા પતિ અને સાસુને જવાબ દેવાની ફરજ એને પડે છે. એના મનના ખૂણામાં એવો ડર છે કે એક સારું પરિવાર દીકરી ગુમાવી ન બેસે. કાલે એ જો આ દુનિયામાં ન હોય તો એની દીકરી આ જંગલ જેવા વિશ્વમાં એકલી છૂટી ન જાય. કોઈ તો એની પડખે હોય."
મારી આંખોની કીકીઓ અવિશ્વાસમાં ફાટી પડી.
"તમે આવું વિચારો છો, પપ્પા ? તમે મને આટલી ભણાવી, પગભર કરી ને તમે જ ..."
"હું આવું નથી વિચારતો. હું જાણું છું તું ખુદને સંભાળી શકે છે. મને તારી સહેજે ચિંતા નથી. ફક્ત એમ કહેવા ઈચ્છું છું કે ક્યારેક આપણે બીજાના મનને આધારે એમને સમજવાનો પ્રયાસ કરવો જોઈએ. આપણા જ મનને આધારે દરેક પ્રશ્નોના જવાબ મળવા અશક્ય જ. તારી મમ્મી કદી ઘરમાંથી બહાર ગઈ નથી. નોકરી કરી નથી. એનો રસ ફક્ત રસોડામાં જ રહ્યો છે. આ ઘર જ એનું વિશ્વ રહ્યું છે. એટલે વિશ્વને એ જે દ્રષ્ટિથી જુએ છે તું એ દ્રષ્ટિને સમજવાનો નાનોસરખો પણ પ્રયાસ કરશે તો તને એના શબ્દો બહુ હેરાન નહીં કરે."
મેં એક ઊંડો દમ ભર્યો. અંતરમાં થોડી મોકળાશ જેવું અનુભવાયું. મેં ફરીથી નજર બેઠકખંડમાં નાખી. પણ આ વખતે ટીવીમાં ઓતપ્રોત મમ્મીને નિહાળી રીસ છૂટવાને બદલે વિચિત્ર પ્રકારના દયાભાવો મનમાં છૂટી નીકળ્યા.
"જોયું, એટલે જ હું ફક્ત તમારી સામે મન મોકળું કરી શકું છું. તમે મને કે મારા વિચારોને કદી અપમાનિત કરતા નથી. માત્ર પોતાના વિચારો દર્શાવી એને સીધા માર્ગે દોરી જાઓ છો." મારી નજર પ્રશંસાના સ્પર્શ જોડે ફરી વહીલચેર પર બેઠા પપ્પાને હેતથી નીરખી પડી."બાકી વિનિત પણ મમ્મી જેવો જ છે. એને પણ કોલ કર્યો હતો. ખુશખબરી આપી હતી. મને પ્રમોશન મળ્યું એ વાતથી એ ખુબ ખુશ થશે એવી મારી ધારણા હતી. પણ એણે તો પૂછ્યું કે તું ઘરે ક્યારે પરત થાય છે ? મારી મમ્મી એકલી છે. એની તબિયત ઠીક નથી. પગમાં દુઃખાવો છે. ડોક્ટર પાસે લઇ જા. કામવાળી પણ બે દિવસથી આવી નહીં. એમને આવી તબિયત જોડે પણ ઘરના કામ કરવા પડે છે અને તને કશી જાણ નથી ? યુ આર એન્જોયિંગ યોર મી ટાઈમ ? હાઉ મીન. હાઉ કેરલેસ !"
મારી આંખોમાંથી ખરી પડેલી એકેક ખારી બુંદ મારી આત્માને બાળી રહી હતી. આંસુઓને હાથ વડે લૂંછતા મેં નાકમાં ભેગા મળેલા પાણીને ઉપર તરફ ફરી નાકની નળીમાં ચઢાવવા પ્રયાસ કર્યો.
"મને સમજ નથી પડતી. જયારે વિનીત ઘરે હોય ત્યાં સુધી બધું સારું હોય છે. પણ જો એ બહારગામ ગયો હોય તો અચાનક બધું આડુંઅવળું કેમ થઇ જાય છે ? એ જ સમયે કામવાળી રજા ઉપર કેમ ઉતરી પડતી હોય છે ? ત્યારે જ એની મમ્મીની તબિયત અચાનક કેમ બગડી પડે ? હું અહીં ઘરે એટલા માટે આવી હતી કે પ્રોજેક્ટના કામ ઉપર ધ્યાન આપી શકું. ત્યાં જો વિનીત ન હોય ને હું ઓફિસના કામ કરવાની શરૂઆત કરું જ કે એની મમ્મી કોઈને કોઈ કામ મારા માટે તૈયાર કરી નાખે. હું સૌ જાણું છું. બધા જ બહાના છે. એમને ફક્ત પોતાના કુટુંબને આગળ વધારનાર કુલદીપક જોઈએ છે. પણ હું હમણાં ફક્ત મારી કારકિર્દી પર ધ્યાન આપવા ઈચ્છું છું. આ વાત તો લગ્ન પહેલા જ નક્કી થઇ ગઈ હતી ને. તો પછી એ વારેઘડીએ અહીં મમ્મીને કોલ કરી ફરિયાદો કેમ કર્યા કરે છે ? ને મમ્મી પણ સીધેસીધો એમનો જ પક્ષ લેતી હોય છે. તબિયત સારી ન હતી કે કામવાળી આવી નહીં તે બધી વાત મને જ ફોન કરીને ન જણાવી દેવાય ? એમાં વિનીત આગળ વારેઘડીએ મને નીચું પાડવાની શી જરૂર ?"
મેં એક જ શ્વાસે મનમાં લાંબા સમયથી દબાવીને રાખેલા જ્વાળામુખીને લાવા જેવા શબ્દોમાં પપ્પા આગળ ફંગોળી મુક્યો. મારો ચહેરો ક્રોધાવેગથી લાલચોળ થઇ ઉઠયો હતો. એમણે મારી બધી વાત સ્વભાવગત ધીરજ જોડે અત્યંત શાંતિથી સાંભળી. હું હજી પણ એકસાથે ઉચ્ચારેલા શબ્દોના આવેગને કારણે હાંફી રહી હતી. એમણે વહીલચેર હિંચકાની વધુ નજીક કરી મારી આંખોમાં ઝાંખવાનો પ્રયાસ કર્યો.
"તને યાદ છે જયારે તું નાની હતી ત્યારે જો હું અને તારી મમ્મી અમે બન્ને અમારા કામમાં વ્યસ્ત હોઈએ અને તને સમય કે ધ્યાન ન આપી શકીએ ત્યારે તું શું કરતી ?"
પુખ્ત કડવા જગતમાંથી જાણે હું અચાનકથી ઉઘરી ગઈ. બાળપણના નિર્દોષ જગતમાં ડૂબકી લગાવતા જ મારા ચહેરા ઉપરની બધી જ કડવાશ અદ્રશ્ય થઇ ગઈ. મીઠી સ્મૃતિઓના પટારામાંથી જાણે મારું ખોવાયેલું સ્મિત અચાનકથી મારા હાથ લાગી ગયું. મારા દાંત બાલ્કનીના અંધકારમાં ચળકી ઉઠ્યા.
"હા, હું પેટ દુખવાનું કે માથું દુખવાનું બહાનું કાઢતી કે જેથી તમે ને મમ્મી બધું કામ પડતું મૂકી મને ધ્યાન આપો. કારણકે તમે બન્ને વ્યસ્ત હોવ ત્યારે હું એકલી પડી જતી." બોલતા બોલતા મારા શબ્દો અટકી પડયા. હું ચમકી. મારા હોઠ ઉપરનું સ્મિત પળભરમાં ગંભીર રેખામાં ખેંચાઈ ગયું. મેં ધીમેથી પપ્પાની આંખોમાં ઝાંખ્યું. મારા મનનો અચંભો એ સંપૂર્ણપણે પામી ગયા. એમણે હકારમાં ગરદન હલાવી એ અચંભા જોડે પોતાની સહમતી દર્શાવી.
"અટેંશન સિકનેસ. વિનીત એમનો એકનો એક દીકરો છે. હમણાં સુધી એમનું જીવનનું લક્ષ્ય ફક્ત વિનીતનો ઉછેર હતો. તેઓ વ્યસ્ત હતા અને એ વ્યસ્તતા એમની ટેવ બની ચુકી હતી. એમાં જ એમને જીવનની સાર્થકતા અનુભવાતી હતી. હવે વિનીતના લગ્ન પછી અચાનકથી બધું બદલાઈ ગયું. વર્ષોનો ગોઠવાયેલો જીવનક્રમ વેરવિખેર થઇ ગયો. વિનીત તો બિઝનેસમાં ગળાડૂબ વ્યસ્ત થઇ ગયો. પતિનું મૃત્યુ થઇ ગયું. એમને થયું કે વહુના આવી જવાથી સંગાથ મળશે. પરંતુ વિનીત પોતાની મરજીથી પત્ની લાવ્યો જે એક વર્કીંગવુમન છે. એ પણ કામમાં ગળાડૂબ વ્યસ્ત છે. તમારા બન્નેના વ્યસ્ત જીવનની વચ્ચે પોતાના તરફ તમારું ધ્યાન આકર્ષવા જાણતા કે અજાણતા આ બધું થાય છે. એક પુરુષ રીટાયર થાય ત્યારે તેની ચીઢ, રીસ બધા સમજે છે. તો એક સ્ત્રી જયારે રીટાયર થાય ત્યારે તેની ચીઢ અને રીસ સમજવાની પણ સમાજની ફરજ નથી ?"
હું સાંભળતી રહી. શું ઉત્તર આપવો એ સૂઝ્યું નહીં. પપ્પાએ જ વાત આગળ વધારી.
"હું એમ નથી કહેતો કે તું નોકરી છોડી દે. કે બાળકને જન્મ આપ. એક સ્ત્રી જયારે માનસિક રીતે માતૃત્વ ધારણ કરવા તૈયાર હોય ત્યારે જ એણે બાળકને જન્મ આપવો જોઈએ. નહિતર સ્ત્રીની જોડે આવનાર બાળકને પણ શારીરિક, માનસિક રીતે તકલીફો વેઠવી પડતી હોય છે. અન્યને રાજી કરવા કોઈ બાળકને આ વિશ્વમાં ન જ લવાય. એ એક મોટી પવિત્ર જવાબદારી છે. તું એના માટે અત્યારે તૈયાર નથી. ધેટ્સ પર્ફેક્ટ્લી ઓલ રાઈટ. પણ હું એટલું જ કહીશ કે એમના વર્તન પાછળના કારણોને ફક્ત ધ્યાનમાં રાખવાનો પ્રયાસ કરીશ તો એ વર્તન પ્રત્યે તને ક્રોધ ન ઉપજશે."
પપ્પાના શબ્દો સાંભળતા મારી ગરદન હકારમાં ધીમે ધીમે એ રીતે હાલી રહી જે રીતે વર્ગખંડમાં શિક્ષકના વર્ણનને સમજી રહેલા બાળકની ગરદન ધીમે ધીમે હાલી રહી હોય.
''પણ પપ્પા બધાની ખુશી તો ઠીક. મારી ખુશીનું શું ? મમ્મીને ખુશ રાખવા હું પ્રયાસ કરીશ. વિનીતને, એની મમ્મીને સમજવાનો પણ પ્રયાસ કરીશ. પરંતુ આ બધાની વચ્ચે મને કોણ ખુશ રાખશે ?" મારો અવાજ ગળગળયો થવા માંડયો.
''આજે મારું પ્રમોશન થયું છે. કેટલી મોટી ખુશખબરી છે ! ઓફિસમાં બધાએ મારી પીઠ થપથપાવી. પણ ઘરે... અહીં કોઈને કશી પડી નથી. મમ્મી એની ધારાવાહિકમાં વ્યસ્ત છે. વિનીત એના બિઝનેસ ટુર પર અને એની મમ્મી..."મારા ગળામાં ડૂમો બાઝી ગયો.
"યાદ છે પપ્પા ? જયારે બાળપણમાં હું રિઝલ્ટ લઇ ઘરે આવતી હતી ત્યારે તમે મને સીધા જલારામ ખમણ હાઉસ લઇ જતા હતા. અને ત્યાં પહોંચી ગર્વથી કહેતા હતા. આજે મારી દીકરી પાસ થઇ છે. બે પ્લેટ ગરમાગરમ જલેબી. ઉત્સવ મનાવતા હતા તમે. મારી પ્રગતિનો, મારા વિકાસનો, મારી ઉપ્લબ્ધીઓનો, મારી જીતનો. આજે મારી જીતનો ઉત્સવ કોઈ ઉજવવા તૈયાર નથી."હું ધ્રુસકે ધ્રુસકે રડી પડી.
પપ્પાએ એક નજર પોતાના વહીલચેરના પૈડાઓ તરફ નાખી અને પછી ઢળેલી નજર જોડે વહીલચેર મારાથી દૂર બાલ્કનીની દીવાલ નજીક લઇ ગયા. એમની નજર આભ તરફ મંડાઈ. થોડી ક્ષણો સુધી અંધકારમાં ચળકી રહેલા તારલાઓને તેઓ એકીટશે મૌન તાકતા રહ્યા અને પછી અત્યંત ઉદાસ સ્વરે બોલ્યા,
"એક પિતા તરીકે હું સાચે જ નિષ્ફ્ળ નીવડ્યો. અથાક પ્રયાસો કર્યા કે મારી દીકરીને સ્વનિર્ભર બનાવી શકું. પરંતુ આજે લાગે છે કે હું હારી ગયો."
મારું રુદન આંચકા જોડે અટકી પડયું. પપ્પાએ આજ પહેલા કદી આવી નકારાત્મક વાતો કરી ન હતી. એમને ટેવ ન હતી, એમના સ્વભાવમાં ન હતું. હું તરત જ હિંચકા પરથી ઉભી થઇ ગઈ.
"આવું કેમ કહો છો, પપ્પા ? હું નોકરી કરું છું. પૈસા કમાવું છું. મારા દરેક ખર્ચાઓ જાતે ઉઠાવું છું. એક પણ વસ્તુ માટે કદી કોઈની સામે હાથ ફેલાવતી નથી."
પપ્પાએ અચાનકથી પોતાની વહીલચેર ઝડપથી યુટર્ન લેતી ગાડી માફક મારી દિશામાં ફેરવી. હું ઝબકીને બે ડગલાં પાછળ ખસી. પપ્પાની કડક આંખોમાંની કીકીઓ કદમાં અત્યંત વિસ્તરી ગઈ હતી.
"શું સ્વનિર્ભરતા ફક્ત વસ્તુઓ માટે જ હોય ?"
એમના પ્રશ્નથી હું નખશીખ ઝંઝોડાઈ ગઈ. એક ક્ષણ એમ જ સ્તબ્ધ ઉભી રહી અને પછી તરત જ પાછળ વળી. હિંચકા પરનો મોબાઈલ ઉઠાવ્યો. કોલ લગાવ્યો. સામે છેડેથી કોલ ઉઠાવવામાં આવ્યો કે તરત જ બોલી પડી,
"હેલો, મમ્મીજી હું ઘરે આવી રહી છું. તમને બહારથી કશું જોઈએ છે ? તો હું સાથે લઇ આવ. હા, ઓકે ...ઓકે...હમ્મ...ઓકે ..ઠીક છે. દવા પણ લઇ આવીશ. ચિંતા ન કરો. અર્ધો કલાક થશે. હું આવું છું."
હિંચકા પરનો મારો અસ્થમાનો પંપ સાથે લઇ હું બેઠક ખંડમાંથી મક્કમ ડગલે સીધી શયનખંડ તરફ ઉપડી. ટીવીમાં વ્યસ્ત મમ્મીની આંખો મને ઉપરથી નીચે સુધી શંકાથી નિહાળી રહી હતી. શયનખંડમાંથી મારો બધો સામાન સાથે લઇ હું ફ્લેટની બહાર તરફ નીકળી. પાછળ તરફથી મમ્મીનો અવાજ પડઘાયો.
"ક્યાં જાય છે ?"
મેં ઉતાવળમાં ફક્ત એક જ શબ્દ કહ્યો,
''ઘરે"
દાદર ઉતરતા મને યાદ આવ્યું કે સ્કૂટીની ચાવી અને મારું મનોવિજ્ઞાનનું પુસ્તક તો હું શયનખંડમાં જ ભૂલી આવી. હું ફરી દાદર ચઢી ગઈ. મારા આશ્ચર્ય વચ્ચે મમ્મીએ હજી ફ્લેટનો દરવાજો બંધ કર્યો ન હતો. એનો વાર્તાલાપનો અવાજ કાનાફૂસી જેવો દાદર સુધી પડઘાઈ રહ્યો હતો. મેં મારા ડગલાને રવવિહીન કરી નાખ્યા. દરવાજે કાન માંડી ઉભી રહી. અવાજનો લ્હેકો સ્પષ્ટ દર્શાવી રહ્યો હતો કે એ વિનીતની મમ્મી જોડે વાત કરી રહી હતી.
"મને તો એની ઘણી ચિંતા રહે છે. આજે ઓફિસેથી આવી ફરી બાલ્કનીમાં બેસી હતી. બે વર્ષ થવા આવ્યા પણ હજી એ સ્વીકારી નથી રહી કે હવે એના પપ્પા ..."
એનું વાક્ય આગળ વધે એ પહેલા હું ધડામ કરતી ફ્લેટમાં પ્રવેશી ગઈ. એણે તરત જ કોલ કાપી નાખ્યો. મેં એને કશું કહ્યું નહીં. શયનખંડમાં જઈ સ્કૂટીની ચાવી લઇ લીધી. ફ્લેટનો દરવાજો ઓળંગવા પહેલા મેં એક નજર પાછળ બાલ્કની તરફ કરી. મમ્મી શંકા જોડે બાલ્કનીમાં એ રીતે નજર ફેરવવા લાગી જાણે ત્યાં ન પપ્પા હતા, એ એમની વહીલચેર. પણ મને તો એ સ્પષ્ટ દેખાઈ રહ્યા હતા. મને ઊંચો હાથ કરી ગુડબાય કરી રહ્યા હતા.
થોડા સમય બાદ મારી સ્કૂટી મેં સ્ટેન્ડ ઉપર ચઢાવી. એના હેન્ડલ ઉપર લટકેલી કોથળીઓમાં એ બધો સામાન હતો જે વિનીતની મમ્મીએ મંગાવ્યો હતો એમની દવાઓ સહિત. ચહેરા ઉપર ગર્વભર્યા સ્મિત જોડે મેં આંખો આગળની દુકાનનું પાટિયું વાંચ્યું.
'જલારામ ખમણ હાઉસ '
કાઉન્ટર ઉપર પહોંચી મેં વટથી કહ્યું,"આજે પ્રમોશન મળ્યું છે. બે પ્લેટ ગરમાગરમ જલેબી."
કાઉન્ટર ઉપરના વ્યક્તિએ બૂમ પાડી,
"બે પ્લેટ જલેબી"અને મારો આત્મનિર્ભર હાથ મારી આત્મનિર્ભર લાગણીઓને ટેકો આપતો પગારની રકમ વચ્ચેથી એક નોટ ખેંચવા ખુશી ખુશી આગળ વધ્યો.