mariyam dhupli

Inspirational

4  

mariyam dhupli

Inspirational

લિવ મી અલોન ભાગ : ૧૦

લિવ મી અલોન ભાગ : ૧૦

7 mins
370


કોવીડ ૧૯નું લોકડાઉન સમાપ્ત થઇ ચૂક્યું હતું. જેલ સમાન ઘરમાં પુરાઈ બેઠેલા લોકો હવે બહાર નીકળી શકવા સંપૂર્ણ સ્વતંત્ર હતા. પરંતુ વાયરસ હજી પણ એમની વચ્ચે હાજર હતો. એ ક્યારે જતો રહેશે એની કોઈ નિશ્ચિતતા ન હતી. જુદા જુદા દેશો વાયરસ સામે રોગપ્રતિકારક શક્તિ વધે એ માટેની રસીકરણ બનાવવા હોડમાં ઉતરી ગયા હતા. લોકડાઉન પહેલા અને પછીના વિશ્વ વચ્ચે જમીન અને આકાશ જેટલો તફાવત હતો. માસ્કથી ચહેરો ઢાંકી ફરવું, સેનિટાઇઝર વડે હાથ વારેઘડીએ સ્વચ્છ કરવા, બીજા માનવ શરીરથી યોગ્ય અંતર રાખવું વગેરે નવા સમયના સર્વમતે સ્વીકારાઈ ગયેલા નીતિનિયમો હતા. 'સૅનેટાઇઝિંગ','સોશ્યિલ ડિસ્ટનસિંગ','ક્વારન્ટાઇન' વગેરે શબ્દો હવે રોજબરોજની ભાષામાં સામાન્ય બની ચુક્યા હતા.

વર્ક ફ્રોમ હોમની સગવડતાભરી અવધી સમાપ્ત થઇ ચુકી હતી. કામના સ્થળો ફરીથી માનવ હાજરીથી વ્યસ્ત થઇ રહ્યા હતા. ઓફિસની કેન્ટીનમાં પહેલા જેવી ભીડભાડ ન હતી. યોગ્ય અંતર જાળવી જમી રહેલા કાર્યકરો વારાફરતી જમણ કરવા આવી શકે એવી ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી. એણે ધીમે રહી પોતાનું ટિફિન ખોલ્યું. મનમોહક સુવાસથી હાથ ઝડપથી કોળિયો મોઢામાં નાખવા લલચાઈ ઉઠયો. કોળિયો મોઢામાં ગયો જ કે આત્મા તૃપ્ત થઇ ગઈ હોય એવા હાવભાવો ચહેરા પર ફરી વળ્યા. 

"શાહ સાહેબ, આજે લોટરી લાગી હોય એવું લાગે છે. '' 

સામે તરફ બેઠેલા પ્રભાશંકરનો અવાજ આખી કેન્ટીનમાં પડઘાયો. જવાબમાં સામે તરફથી મીઠું સ્મિત વેરાઈ ગયું. 

"અમારા એપાર્ટમેન્ટના સાતમા માળે મિસિસ દેસાઈ રહે છે. એમના હાથમાં સાચે જ જાદુ છે. આમ તો ગૃહિણી છે. પરંતુ સ્વનિર્ભર થવા ઘરેથી ટિફિન સર્વિસ પણ ચલાવે છે. " બીજા કોળિયા માટે ધીરજ ન ધરાઈ રહી હોય એમ એના હાથ તરત જ જમવાની ક્રિયા પર કેન્દ્રિત થઇ ગયા. 

''સાચેજ લોટરી લાગી છે ત્યારે. એન્જોય, એન્જોય..." દૂરથી એને નિહાળી રહેલ પ્રભાશંકરની આંખોમાં એની ખુશીમાં ખુશ હોવાની સ્પષ્ટ ઝલક મળી રહી હતી. 

ઓફિસમાં લંચ બ્રેક વખતે એની કુરશી ખાલી જોઈ વૃદ્ધ પટાવાળાના ચહેરા પર પણ સંતોષ ડોકાઈ રહ્યો હતો.

***

સાંજે શોપિંગ મોલમાંથી બહાર નીકળતી વખતે એના હાથમાં ઘણો બધો સામાન હતો. બે મોટા રેપરમાં વીંટળાયેલ ફ્રેમનું માંડમહેનતે સંતુલન જાળવતા એણે ટેક્ષીને હાથ બતાવ્યો. ટેક્ષી જણાવેલ સરનામે આગળ વધી ગઈ. પાછળની સીટ પર ગોઠવાયેલું શરીર નવા શહેરને, એના ખૂણા ખૂણાને જોવા, જાણવા અને બારીકાઈથી સમજવામાં તલ્લીન બન્યું. બન્ને તરફની ખુલ્લી બારીઓમાંથી પ્રવેશી રહેલી હવાની લહેરખીથી એના શેમ્પુ અને કંડીશનર થયેલા રેશમી સુંવાળા વાળ આકર્ષક અદાથી ઉડી રહ્યા હતા. 

થોડા સમય બાદ ટેક્ષી લાલ થયેલા સિગ્નલ પાસે આવી ઉભી રહી ગઈ. પાછળ તરફની સીટ પરથી એની નજર ડ્રાઇવિંગ સીટ તરફ જઈ પડી. યુનિફોર્મધારી શરીર આખા દિવસની મહેનત બાદ થાકથી મુરઝાયેલું હતું. 

''એફએમ લગાવશો ? "

પાછળની સીટ પર ગોઠવાયેલો ગ્રાહક એનો ભગવાન હતો. એનો આદેશ તરત જ માથા પર ચઢાવી લેવામાં આવ્યો. લોકડાઉન સમયે જનતાને સકારાત્મક અને પ્રેરણાત્મક સંદેશો આપવા દેશના ટોચના ગીતકારો, સંગીતકારો અને ગાયકો દ્વારા તૈયાર કરવામાં આવેલું ગીત ટેક્ષીમાં ચહેકી ઉઠયું. એ ગીતની ઉર્જાથી ટેક્ષી ડ્રાઇવરની આંગળીઓ સ્થગિત સ્ટીઅરિંગ ઉપર સંગીત ઉપજાવવા લાગી. થાકેલા ચહેરા પર રાહતની રેખાઓ ખેંચાઈ આવી. આગળની સીટ પર છવાયેલો ઉત્સાહ પાછળની સીટને અનેરો સંતોષ પ્રદાન કરી રહ્યો. 

"સા'બ, લે લોના, સા'બ... ''

નાના હાથ વડે બારીમાંથી ડોકાયેલા તાજા ફૂલોની સુગંધથી આખી ટેક્ષી મહેકી ઉઠી. એક પણ ક્ષણનો વિલંબ કર્યા વિના પર્સમાંથી નોટ કાઢવામાં આવી. 

"સારે કે સારે દે દો. "

હાથમાંના બધા જ ફૂલ એક જ ગ્રાહકે ખરીદી લીધા એ વાતની ખુશી પહોળી થઇ ગયેલી બાળકીકીઓમાં છલકાઈ પડી. ગ્રાહકે સામે ધરેલી નોટની સરખામણીના પરત કરવાના પૈસા પાસે ન હતા. બાળચહેરા ઉપર ઘેરાઈ આવેલી મૂંઝવણને શબ્દોની મદદ વિના જ પારખી લેવામાં આવી. 

આંખોના ઈશારે એ આખી નોટ વટથી રાખી લેવાનો મૌન સંકેત પામી રાજીરાજી થઇ ઉઠેલું શરીર સિગ્નલના સામેના માર્ગ ઉપર બમણી કમાણીનો ઉત્સવ મનાવવા દોડતું ભાગતું પહોંચી ગયું. આત્મા તૃપ્ત થઇ હોય એવા હાવભાવો જોડે હાથમાંના ફૂલની સૌરભને એક ઊંડા શ્વાસ દ્વારા મનના ખૂણે ખૂણે પ્રસરાવી દેવામાં આવી. સિગ્નલ લીલા રંગમાં ફેરવાયું. બેકમીરરમાંથી પાછળની સીટ પર ગોઠવાયેલા સજ્જનને માનપૂર્વક નિહાળી રહેલી આંખો ફરી એકવાર ટ્રાફિક ઉપર કેન્દ્રિત થઇ અને ટેક્ષી ઝડપથી શહેરના વ્યસ્ત માર્ગ ઉપર આગળ વધી ગઈ.

***

તાદાત્મ્ય એપાર્ટમેન્ટનો ગાર્ડન એરિયા સાંજના સમયે વ્યસ્ત હતો. એકબીજાથી યોગ્ય અંતર જાળવીને બાળકો અને વાલીઓ માસ્કથી ઢાંકેલા ચહેરાઓ જોડે ક્રિકેટની રમતમાં વ્યસ્ત હતા. પાર્કિંગ એરિયાના બાઈક સ્ટેન્ડ પાસે યુવાનોની છૂટીછવાયેલ બેઠક જામી હતી. બગીચાના બાંકડાઓ પર નિયત અંતરે બેઠા વૃધ્ધો વાર્તાલાપ જોડે ક્રિકેટની રમત પણ નીરખી લેતા હતા. ગાર્ડન એરિયામાંથી બહારના માર્ગ તરફ નીકળી રહેલી છ સાત સ્ત્રીઓએ એને નિહાળતાં જ ભાવભીનું અભિવાદન કર્યું.

"હેલો, વશિષ્ઠ જી ! "

"વોક ટાઈમ કે ટોક ટાઈમ ? " પુરુષના હળવા સેન્સ ઓફ હ્યુમરના સ્પર્શથી સ્ત્રિગણમાં હાસ્યની લહેરખી ફરી વળી.

"બોથ." મળેલા જવાબથી માસ્ક પાછળના હોઠ પર સ્મિત વેરાઈ ગયું. જે આંખોમાં પણ પ્રતિબિંબ પાડી રહ્યું.

ગાર્ડન એરિયામાં પગ મુકતા જ ક્રિકેટ રમી રહેલા જે વાલીઓની નજર એના પર પડી એમના હાથ દૂરથી હવામાં અભિવાદન માટે લહેરાયા. બન્ને હાથની વ્યસ્તતાને પરિણામે ગરદન નમ્રતાપૂર્વક હલાવી એણે અભિવાદનનો ઉત્તર પરત કર્યો.

હાથમાંના સામાનનું હેમખેમ સંતુલન જાળવી રહેલા પુરુષની મદદ કરવા પાર્કિંગ એરિયામાંથી એક નવયુવાન ઉત્સાહથી ઝડપી ડગલે નજીક પહોંચ્યો. 

" થેન્ક્સ. "

હાથમાંનો અર્ધો ભાર હળવો થતા પુરુષના ચહેરા પર રાહત ફરી વળી. 

"માય પ્લેઝર,સર. " સામાન લઇ લિફ્ટની દિશામાં આગળ વધી રહેલા યુવાનને પાછળ તરફથી નિર્દેશ થયો. 

"સર નહીં, વશિષ્ઠ. "

યુવાનનો ચહેરો મલકાઈ ઉઠયો. લિફ્ટ પાસે બધો સામાન વ્યવસ્થિત કાળજીપૂર્વક ગોઠવી પાર્કિંગ એરિયા તરફ પરત થતા યુવાને ફરીથી પોતાના શબ્દો ભૂલની સુધારણા કરી પુનરાવર્તિત કર્યા. 

"માય પ્લેઝર, વશિષ્ઠ. "

 ઔપચારિકતાનો ભાર હળવો થયો. કશું જરૂરી યાદ આવ્યું હોય એમ પાછળ તરફથી પ્રશ્ન ગુંજ્યો.

"અનુજ, ઇન્ટરવ્યુનું શું થયું ?''

પાછળ તરફ ફરી આદરપૂર્વક ઉત્તર આપવામાં આવ્યો. "લોકડાઉનને કારણે પોસ્ટપોન થયું હતું. હવે આવતા મહિના માટે રિશિડ્યુલ થયું છે."

"વીશ યુ ઓલ ઘી બેસ્ટ." આંખો આગળ ઉઠેલા અંગુઠાથી નવયુવાન ચહેરો વધુ ખીલી ઉઠયો.

"થેન્ક યુ,સ...વશિષ્ઠ."

ટેવગત 'સર' શબ્દનું ઉચ્ચારણ અર્ધેથી જ અટકાવી નિર્દેશ થયેલા સંબોધન વડે તરત જ બદલી નાખવામાં આવ્યું. બન્ને તરફથી હાસ્યનું મોજું ફરી વળ્યું. નવયુવાન પાર્કિંગ એરિયામાં પરત થયો અને જાતે લિફ્ટ પાસે ગોઠવાયેલા સામાન નજીક. સામાનમાંથી બે જુદી જુદી ગિફ્ટ બેગ લઇ એ ફરી ગાર્ડન એરિયામાં પ્રવેશ્યો. બાંકડા પર મિત્રો જોડે વાર્તાલાપમાં વ્યસ્ત વૃદ્ધ આગળ એક ગિફ્ટ બેગ ધરવામાં આવી. 

"સુકેતુજી, ધીઝ ઇઝ ફોર યુ."

એક નાનું બાળક મળેલી ભેટથી વિસ્મય પામે એ રીતે કરચલીવાળા બે હાથ ધીરજધર્યા વિના જ રેપરને ઉખાડવા માંડયા. હાથમાં ચળકી રહેલા એન્ટીકપીસને નિહાળી વૃદ્ધ સુકેતુનું મોઢું અચરજથી પહોળું રહી ગયું. 

"આ ક્યાંથી મળ્યું ?"

ભેટ સ્વીકરનારના ચહેરા પર છવાયેલા ખુશીભર્યા અચંભાને શબ્દો વડે ખલેલ પહોંચાડયા વિના એ આગળ વધ્યો. પાછળ બાંકડા ઉપર હાથમાં થમાયેલા યુનિક પીસ અંગેની માહિતી સહઆયુ મિત્રો જોડે પ્રશ્ન-ઉત્તર સ્વરૂપે આરંભાઈ. 

"હર્ષ" આખી ક્રિકેટટીમનું ધ્યાન ખૂણામાંથી ગુંજેલી સાદ પર પડયું અને રમત થોડી ક્ષણો માટે અટકી પડી. 

પોતાના નામની સાદને પ્રતિક્રિયા આપતો છોકરો ફિલ્ડીંગની ફરજ પડતી મૂકી વડીલ સામે આવી ઉભો રહી ગયો. 

"ધીઝ ઇઝ ફોર યુ." નજર સામેના બાર ક્રિકેટના દડાનો સેટ નિહાળી છોકરાની આંખો આનંદથી છલકાઈ ઉઠી. અવિશ્વાસભર્યા હાવભાવો જોડે પોતાને મળેલી ભેટ ટીમના સભ્યોને બતાવવા એણે હરણફાળ દોડ મૂકી. દૂર ઉભો મહેન્દ્ર કૃતજ્ઞતાભર્યા હાવભાવો વડે માનપૂર્વક એને નિહાળી રહ્યો હતો. પોતાની આંખોમાં છલકાઈ પડેલી મૌન માફી એણે હ્ર્દયથી સ્વીકારી લીધી હતી. 

એક ઊંડો શ્વાસ ભરી એ ફરી લિફ્ટ પાસે પહોંચ્યો. રાહ જોઈ રહેલા સામાનને લિફ્ટમાં ગોઠવ્યો. પાંચમાં માળ માટેનું બટન દબાવે એ પહેલા સામે તરફથી એક દુબળી, પાતળી સ્ત્રી લિફ્ટની દિશામાં ધસતી નજરે ચઢી. બટન પરનો હાથ ધીરજથી અટકી ગયો. થોડી ક્ષણોમાં એ સ્ત્રી લિફ્ટમાં આવી ઉભી રહી ગઈ. પાંચમાં માળ માટેનું બટન દબાવવામાં આવ્યું અને લિફ્ટ ઉપરની દિશામાં ગતિ કરી ગઈ. 

પાંચમાં માળના ફ્લેટના બારણાંને શાંતિથી ખોલવામાં આવ્યું. લિફ્ટમાં સાથે આવેલો સામાન ફ્લેટમાં પહોંચાડવામાં નબળા,પાતળા શરીરે મદદ કરી અને પછી ફ્લેટમાં પોતાની નિયત ફરજો નિભાવવા એ શરીર શીધ્ર કામે વળગી ગયું. સુપરસ્ટોરનાં નામનું દર્શન કરાવતી એક કોથળી હાથમાં લઇ એણે બાજુના ફ્લેટની ડોરબેલ વગાડી.અર્ધી મિનિટમાં ફ્લેટનું બારણું ખુલ્યું. હાથમાં ધરવામાં આવેલી કોથળીમાં આપેલી યાદી અનુસારના દરેક સામાનની ઝલક નિહાળી સ્ત્રીના ચહેરા ઉપર કૃતજ્ઞતા ફરી વળી.

"આભાર, વશિષ્ઠ જી ! "

"યશ કેમ છે ? "

''ઠીક છે. આવતી બુધવારે ચેકપ છે. "

"યુ નીડ હેલ્પ ? "

"મહેન્દ્ર જી અને અનુજ જોડે આવી રહ્યા છે. તમે ચિંતા નહીં કરો. "

"ઓહ ગ્રેટ. ગુડનાઈટ "

"ગુડનાઈટ, વશિષ્ઠ જી !"

સ્ત્રીએ ફ્લેટનું બારણું ધીમે રહી બંધ કર્યું. પોતે પણ ફ્લેટમાં પ્રવેશી એણે પોતાના ફ્લેટનું બારણું કોઈને પણ અવાજથી ખલેલ ન પહોંચે એ પ્રમાણે અત્યંત તકેદારી જોડે ધીરે રહી બંધ કર્યું. ફ્લેટમાં પ્રવેશતા જ મોબાઈલની રીંગ ગુંજી. કોલ ઉપાડવામાં આવ્યો. સામે છેડેથી ખુશીના સમાચાર અપાતા હોય એવો લ્હેકો સંભળાયો.

"સર, તમને જે ફ્લેટ ભાડેથી જોઈતો હતો એ ..."

''સોરી, પણ હવે એની જરૂર નથી. આઈ પ્રિફર ટુ સ્ટે ઈન તાદાત્મ્ય. જો આ ફ્લેટના ઓનરની ફ્લેટ વેચવાની ઈચ્છા હોય તો સૌથી પહેલા મને જાણ કરજો." સામે તરફનો પ્રત્યાઘાત જાણ્યા વિના જ કોલ કાપી નાખવામાં આવ્યો.

થોડા સમય પછી ફ્રેશ થઇ એ ડાઇનિંગ ટેબલ પર નિરાંતે પોતાનો સંતુલિત આહાર લઇ રહ્યો હતો. 

હોલની સાફસફાઈ કરી રહેલી સ્ત્રીની નજર એ સમયે માલીક દ્વારા સામસામેની ભીંત પર તાજી શણગારવામાં આવેલી બે વિશાળ ફ્રેમને પહોળી છતાં સંતુષ્ટ કીકીઓ જોડે હર્ષસભર હેરતથી અપલક નિહાળી રહી હતી. એક ફ્રેમમાં માલિકની પરિવારના સ્વર્ગસ્થ સભ્યો જોડેની ખુશીની ક્ષણો દર્શાવતી તસવીર હતી. એની નીચે ટેક્ષીમાંથી ખરીદીને લાવવામાં આવેલા તાજા મહેકતા ફૂલ અર્પણ થયા હતા. બીજી ફ્રેમ સુશોભન માટે હતી. જેમાં શ્યામ રંગની પૃષ્ઠભૂમિ ઉપર સુવર્ણ અક્ષરો રંગાયા હતા -

'વસુધૈવ કુટુમ્બકમ'

"સરલા, આ રવિવારે નીચે ગાર્ડન એરિયામાં એક પાર્ટી રાખવા વિચારી રહ્યો છું. તું આવીશ મદદ કરવા ? "

રસોડામાંથી ગુંજેલા માલીકના શબ્દોએ એને સભાન કરી હોય એમ સાફસફાઈ કરવા વળગેલા હાથ જોડે એણે તરત જ ઉત્તર આપ્યો.

"ચોક્કસ સાહેબ ! કોણ કોણ આવી રહ્યું છે ? ''

ખાલી થયેલી જમણની પ્લેટ એક તરફ કરી મોબાઈલની સ્ક્રીન જીવંત કરવામાં આવી. લોકડાઉન દરમિયાન તૈયાર થયેલી કોન્ટેક્ટ લિસ્ટ સ્ક્રોલ કરતા માલીકે ઉત્સાહથી કહ્યું,

"યાદી બહુ લાંબી છે, સરલા..."

*** સમાપ્ત ***


Rate this content
Log in

Similar gujarati story from Inspirational