પ્રેમ.. છે
પ્રેમ.. છે
ડોક્ટર પારેખને આશ્ચર્ય થતું હતું કે આવું બને જ કઈ રીતે ? છેલ્લા ત્રીસ વર્ષની એમની કારકિર્દીમાં એમને આવું જોયું જ ન હતું. હા, જો કે એક વાત નિશ્ચિત હતી કે જોડકાં બાળકોમાં રોગ સરખો હોય, દેખાવ પણ સરખો હોય. સામાન્ય રીતે દવાની અસર પણ સરખી થતી હોય છે. પરંતુ મોક્ષા અને મુદ્રાના કેસમાં આવું ના બન્યું. ડોક્ટર છેલ્લા કેટલાય વર્ષોથી આ કુટુંબને ઓળખતા હતાં. અમુક રોગ વારસાગત હોય છે. એમને ખબર હતી કે આ બંને જોડકાં બહેનોની મમ્મીને પણ આ જ તકલીફ હતી. એમને તો ઉત્તમ ડોક્ટરની દવા કરવાનું કહ્યું હતું પરંતુ એના મમ્મી કહેતાં હતાં કે ,"મને બધા કરતાં માત્ર તમારી પર જ વિશ્વાસ છે. "તેથી જ એમને બધા રિપોર્ટ ત્યાંના ઉત્તમ ડોક્ટરને બતાવીને એના મમ્મીનો કેસ સ્ટડી કર્યો હતો. જો કે સાથે સાથે ફિઝીયોથેરાપી પણ ચાલુ હતી.
એવી જ રીતે આ બંને બહેનોને એ જ તકલીફ હતી. પરંતુ એમને એક વાત સમજમાં આવતી ન હતી. બંને બહેનોને રોગ સરખો, દવા પણ સરખી, છતાંય મોક્ષા જલદી સાજી થઈ રહી હતી અને મુદ્રાની તબિયત દિવસે દિવસે વધુને વધુ બગડતી હતી. એક ડોક્ટર માટે આ વાતનું બહુ મોટું આશ્ચર્ય હતું.
બંને બહેનો બે જોડકાં ભાઈઓ સાથે જ પરણી હતી અને બાજુ બાજુના ઘરમાં જ રહેતાં હતાં. મનમાં તો ઘણી વાર થતું કે એ બાબતમાં જાતે જઈને તપાસ કરે. એકવાર એમને એ બાજુ જવાનું થયું અને મનમાં ઘણા વખતથી જે બાબતમાં વિચાર કરતાં હતાં એટલે જ એ જાતે જ બંને ઘેર ગયા. બંને બહેનોને સાંધાનો વા હતો. જો કે સાસરીનું કુટુંબ ખાનદાન અને પ્રેમાળ હતું. બંને બહેનો સુખી જ હોય એમાં તો કોઈ શંકા કરવાની જ ના હોય.
જયારે ડોક્ટર તેમના ઘેર પહોંચ્યા ત્યારે મુદ્રા પલંગ પર સૂઈ રહી હતી. ડોક્ટર ને જોતાં જ મુદ્રા બોલી, "અંકલ, તમારા આવવાથી મને ઘણું જ સારૂ લાગ્યું. તમે બેસો હું એમને કહું છું કે તમારા માટે ચા બનાવે."
થોડીવાર આડીઅવળી વાતો કરી પણ એ દરમ્યાન એમને જોયું કે મુદ્રાના હાથ તથા પગની આંગળીઓ ઘણી બધી વળી ગઈ છે. ડોક્ટરને ફરિયાદના સૂરમાં કહી રહી હતી કે, "અંકલ, મારા પતિ મને એટલો બધો પ્રેમ કરે છે કે મને કશું કામ કરવા જ નથી દેતાં. દીકરીનો પણ સાસરેથી ફોન આવે તો એક જ વાત કરશે, " મમ્મી તારે બિલકુલ આરામ જ કરવાનો છે. ફિઝીયોથેરાપી માટે એક છોકરી આવતી હતી પણ એનાથી મને દુઃખાવો થતો હતો એ મારા પતિ કે દીકરી જોઈ ના શક્યા અને એ છોકરીને ના પાડી દીધી. અંકલ, આ ઘરમાં બધા મને ખૂબ પ્રેમ કરે છે. મને સહેજ પણ તકલીફ પડે તો તેઓ જોઈ જ ના શકે. જુઓ ને ભગવાન બધા ને બધું જ આપતાં નથી. મારી આટલીબધી સારસંભાળ બધા લે છે, મને ખૂબ પ્રેમ કરે છે છતાંય મને સારું નથી થતું."
આટલું બોલતાં એની આંખોમાં આંસુ આવી ગયા.
ત્યારબાદ બાજુના ઘરમાં મોક્ષાને ત્યાં ગયા ત્યારે મોક્ષા એમને જોઈ ને બહુ જ ખુશ થતાં બોલી, "અંકલ, હવે તમારે અહીંથી જમીને જ જવાનું છે. તમે મારા હાથની રસોઈ તો જમી જુઓ." કહેતાં એ રસોડામાં ગઈ. ડોક્ટર જોઈ જ રહ્યા કારણ મુદ્રાને ત્યાં એનો પતિ રસોઈ બનાવતો હતો જયારે મોક્ષા હોંશે હોંશે જમવાનું આમંત્રણ આપી રહી હતી.
મોક્ષાનો પતિ આવતાંની સાથે જ બોલ્યો, "મોક્ષા તું આરામ કર. આખો દિવસ બસ કામ જ કરે છે."
મોક્ષા હસીને બોલી, "હું કંઈ બિમાર નથી. તમે વારંવાર મને યાદ આપવાની કોશિશ કરો છો કે હું બિમાર છું."
ડોક્ટર જવા માટે બહાર નીકળ્યા કે મોક્ષા પાસે આવીને બોલી, "ડોક્ટર અંકલ તમે મને આરામ કરવાનું ના કહેતાં. હું મારા પતિને બહુ જ પ્રેમ કરું છું. એ મને ઘરનાં કામમાં મદદ કરે એ મને નથી ગમતું. એમને ઓફિસમાં બહુ જ કામ રહે છે. ઘેર આવીને મને ઘરનાં કામમાં મદદ કરે એ મને બિલકુલ પસંદ નથી. આપણે જેને પ્રેમ કરતાં હોઈએ એના સુખનો સતતપણે વિચાર કરવો જોઈએ. મારા દીકરા દીકરીની ભાવતી વાનગી બનાવું છું. એમના મોં પર ખુશી જોવા માંગુ છું. હું એમના મોં પર ખુશી અને સંતોષ જોઉં છું ત્યારે સાંધાનો વા છે એ વાત હું ભૂલી જ જઉં છું. ફિઝીયોથેરાપી વખતે બહુ જ દુખાવો થાય છે પરંતુ હું કયારેય એ બાબતે ફરિયાદ કરતી નથી. હું આમ જ હરતાંફરતાં મૃત્યુ ઈચ્છુ છું. માટે મારી ઈચ્છા શક્તિથી હું મારા રોગ સામે ઝઝૂમી રહી છું અને તમે જોજો કે જીત મારા પ્રેમની થશે. મારા રોગની હાર તો નિશ્ચિત છે."
જયારે ડોક્ટર ઘેર જવા નીકળ્યા ત્યારે એમને ઘણી બધી બાબતો સમજાઈ ગઈ હતી. કારણકે ગમે તેવો રોગ હોય પરંતુ મનુષ્યની ઈચ્છાશકિત અને પ્રેમ સામે રોગની હાર જ થાય.
જોડકાં બાળકોનો દેખાવ કે રોગ સરખા હોઈ શકે પરંતુ સ્વભાવ તો દરેકનો જુદો જ હોય છે. મુદ્રાને બધાનો પ્રેમ જોઈએ છે જ્યારે મોક્ષાને તો બધાને પ્રેમ આપવો જ છે. કદાચ એટલે જ કહેવાતું હશે કે લેનાર કરતાં આપનાર જ મહાન હોય છે.