STORYMIRROR

nayana Shah

Others

4  

nayana Shah

Others

સમય

સમય

6 mins
605


"ગંગાપૂજન વિધિ સંપન્ન થઈ. હવે તમે ભગવાનને પગે લાગી, બ્રાહ્મણો તથા વડીલોને પગે લાગી લો." ઈશાની તથા એનો પતિ પૂજામાંથી ઊઠી બ્રાહ્મણોને પગે લાગ્યા બાદ વડીલાેમાં તો એક કાકા અને મામા જ હતા. તે પણ પતિના- ઈશાનીનું કુટુંબ તો ઘણું મોટું હતું પણ આજે કોઈ હાજર નહોતું. જો કે પડોશી મિત્રાે અને સાસરી પક્ષના બધા જ હાજર હતા. માત્ર અને માત્ર ઈશાનીના પિયર પક્ષમાંથી કોઈ જ હાજર ન હતું. 

કહેવાય છે કે, મોટી બહેન અને બનેવી તો માબાપની જગ્યાએ હોય છે. એ તો હાજર ન હતા કારણ એમને તો સ્પષ્ટ કહી દીધું હતું કે તારે ત્યાં હાજરી આપવા આવીએ તાે દોઢ દિવસ જાય ' મને ન ફાવે. 'જ્યારે મોટી બહેનના એકાદ પ્રસંગને બાદ કરતાં દરેક વખતે એ તથા તેના પતિએ હાજરી આપી હતી. પરંતુ આજે તો એના પોતાના બે દીકરાઓ પણ હાજર ન હતા. જ્યાં પોતાનું લોહી એમ કહે કે, 'શું કરું મને સમય જ નથી.' 

ઈશાની સામે જોતાં તેનો પતિ એના મનોભાવ સમજી ગયો હતો. લગ્નના ચાલીસ વર્ષ બાદ પતિ કે પત્નીએ કોઈને કંઈ કહેવાની જરૂર પડતી નથી. એકબીજા સામે જોવાથી મનની વાતો વંચાઈ જાય છે. મિત્રો, સગાઓ, પડોશીઓ બધાની હાજરી હોવા છતાંય ઈશાનીનેા પતિ ઈશાનીને મંદિરમાં એક બાજુ લઈ જઈને કહી રહ્યો હતો, " ઈશાની, ઈશ્વરને મનુષ્યનું પ્રસન્નવદન ગમે છે. તું તો ઈશ્વરમાં ઘણું જ માને છે. એટલે જ કહું છું કે ઈશ્વર જે કરે તે સારા માટે. આજે ઈશ્વરે તને બધી મોહમાયામાંથી મુક્ત કરી દીધી છે. આપણે તો સાઠ ઉપરના થઈ ગયા. થોડા વર્ષો કાઢવાના છે આ પૃથ્વી પર. સાથે મોહમાયા લઈ શા માટે મરવું ? સાચું કહું છું ઈશાની, આજે હું પણ આ બધી મોહમાયામાંથી મુક્ત થઈ ગયો. હું આપણા દીકરાઓ પાસે સમય નથી તો આપણા જીવનમાં પણ કેટલા વરસાેનો સમય રહ્યો છે ? " ઈશાની એની ભીની આંખો લૂછતાં બાેલી" તમારી વાત બિલકુલ સાચી છે. કદાચ આટલું સુંદર ફળ ઈશ્વરે આપી આપણી યાત્રાનું આપ્યું છે. " 

ઈશાની ત્યારબાદ આવેલા મહેમાનો માટે પ્રસાદીની વ્યવસ્થામાં વ્યસ્ત બની ગઈ હતી. ગંગા પૂજન ખૂબ જ સરસ રીતે સંપન્ન થઈ ગયું હતું. આમ તો ગંગા પૂજન ગમે ત્યારે થાય પરંતુ ઈશાની તથા તેના પતિએ ગૌમૂખથી શરૂ કરી રામેશ્વર સુધી યાત્રા કરી ગંગાજળ લઈ યાત્રા કરી હતી. ઈશાનીની ઈચ્છા હતી કે પતિની નિવૃત્તિ બાદ યાત્રા કરવી. તે પણ કોઈ ટૂરમાં નહીં, પોતાની રીતે, જે જગ્યાએ વધુ ગમે ત્યાં વધુ રોકાઈ જવું. નિયમિત પૂજા પાઠ કરવા, દાન-પુણ્ય કરવું એ બધું પતિ- પત્નીને ગમતું. ખાસ કંઈ જવાબદારી ન હતી. બંને દીકરાઓના મકાન થઈ ગયા હતા. બંને પોતાના સંસારમાં સુખી હતા. કોઈને કોઈના પૈસાની જરૂર ન હતી. 

ઈશાની પોતાની જાતને ભાગ્યશાળી માનતી હતી. મોટો દીકરો ડોક્ટર હતો. તેની પત્ની પણ ડોક્ટર હતી. તે ઉપરાંત સરકારી નોકરી પણ હતી અને પોતાના બબ્બે ક્લિનિક હતા. લક્ષ્મી સદા ઘરમાં વાસ કરતી હતી. પતિને નિવૃત્તિ બાદ દૂરના શહેરમાં ખાનગી કંપનીમાં નોકરી મળી હતી. તબિયત સારી હોવાને કારણે જ તેમને નોકરી સ્વીકારી લીધી હતી. દીકરો કહ્યાગરો, લાગણીશીલ હતો. એવી જ એની પત્ની હતી. કહેવાય છે કે આંબા પર કેરી આવે ત્યારે આંબાની ડાળ નીચી કરે છે. આ કુદરત આપણને શીખવાડે છે. પરંતુ મનુષ્ય એ વાત શીખતાે નથી. લક્ષ્મી આવવાથી નમ્ર બનવાને બદલે મનુષ્ય ઘમંડી તથા તાેછડાે બને છે. ઈશાની દીકરા-વહુને બહુ ચાહતી હતી. પોતે કંઈ પણ બનાવે તો કહે કે હું તારા માટે મોકલું છું. ત્યારબાદ દીકરો થોડા સમય બાદ કહેવા લાગ્યો," બધુંય બજારમાં મળે છે. અમે બધુંય ખાઈએ છે. મોકલવાની જરૂર નથી. " વાત તાે બિલકુલ સાચી હતી. બજારમાં બધું મળે છે નથી મળતો તો માત્ર પ્રેમ- બજારમાં જઈને પ્રેમ ખરીદી લો તો તમે ખરા કહેવાઓ. ઈશાનીએ કહેલું કે ત્રણ મહિના બાદ રવિવારના દિવસે આપણે ગંગાપૂજન રાખ્યું છે. તમે એ દિવસે કોઈ દર્દીને સમય આપતા નહીં.

પરંતુ જ્યારે ગંગા પૂજનનો સમય થયો ત્યારે લાગતું હતું કે અમે યાત્રાએથી ત્રણ મહીને પાછા પણ આવ્યા છીએ એટલે અમને મળવા બંને દીકરા વહુઓ તો આવશે જ. ઘરના વગર

પ્રસંગ શોભે પણ કઈ રીતે ? પરંતુ જ્યારે મોટા દીકરાએ કહ્યું કે મારી પાસે સમય જ નથી. હું નહીં આવી શકું. અરે ત્રણ મહિના પહેલા કહેલું છતાંય એની પાસે સમય નથી ? શું કલબમાં જવાનો, ભાઈબંધ જોડે હોટલમાં જવાનો સમય છે. જ્યારે નિ:સ્વાર્થ પણે માબાપે બોલાવ્યા ત્યારે તમારી પાસે સમય નથી. અને ઈશાની તો કેટલી ઘેલી હતી. બનારસ ગંગાજીમાં સ્નાન કર્યા બાદ એ બોલેલી, " આપણે અહીં સુધી આવ્યા છીએ તો બંને વહુઓ માટે બનારસી સાડીઓ લઈ લઈએ. આમ પણ ગંગા પૂજન બાદ બંને વહુઓને આપીશું. " અને બે માેંઘી માેંઘી બનારસી સાડીઓની ખરીદી પણ કરી લીધી હતી. ઈશાનીને લાગતું હતું કે આજે આ નિર્જીવ સાડીઓ પણ એની સામે જોઈ એની ક્રુર મશ્કરી કરી રહી છે. 

બીજો દીકરો અને એની પત્ની બંને સુખી હતા. જ્યારે પણ ઈશાની એમને આવવું આવવાનું આમંત્રણ આપતી ત્યારે નાની વહુ એટલી મીઠાશથી વાત કરતી કે કદાચ સાંભળનારને પણ થાય કે આ વધુ વાત કરશે તો આપણને ડાયાબિટીસ થઈ જશે. એ માત્ર બોલવામાં જ મીઠી હતી. ઈશાનીએ કેટલી વાર કહેલું કે મારા દીકરાને અથાણું મારા હાથનું બનાવેલું જ ભાવે છે હું મોકલી આપુ ત્યારે તરત જવાબ આપતી," મમ્મીજી, તમારે એવી તકલીફ લેવાની શું જરૂર છે ? અમે ચોક્કસ એક થી પાંચ તારીખમાં આવીશું ત્યારે લઈ જઈશું. " ત્યારબાદ એમની એકથી પાંચ તારીખ આવતી જ નહીં.

એક- બે જ વખત ઈશાનીએ કહ્યું, " હું આવું છું તમને મળવા. " ત્યારે દીકરો કહેતો હું તો દિલ્હી જવાનો છું. કયારે કે કહે તો મારે કામ છે. હું ગોધરા જવાનો છું. જ્યારે કોઈ જ બહાનું ના મળે ત્યારે કહેતો, " તું મને ખાસ મળવા માટે જ આવવાની હોય તાે ના આવીશ, હું જ તને આવીને મળી જઈશ. દીકરોને વહુ તો આવતા નહીં પણ વહુ પડોશમાં કહેતી, " જોયું, મારી સાસુથી અમારું સુખ જોવાતું નથી. અમને મળવા બોલાવે છે અથવા એ ડોશી અહીં આવીને પડશે. પણ હું કઈ જવું એવી નથી. મીઠું બોલીને બહાના બતાવતાં મનેય આવડે છે. " અરે મા-બાપ ના પ્રેમમાં ક્યાંય ઈર્ષા નથી હોતી. મા- બાપ તાે હંમેશા ઈચ્છતા હોય કે અમારા દીકરાઓ સુખી રહે. હવે તો મા- બાપ પણ દીકરા વહુઓની ચાકરીની અપેક્ષાઓ રાખતા નથી. કારણ નોકર, રસોઈયા બધું જ મળી રહે છે. એમની ઝંખના માત્ર અને માત્ર પ્રેમની હોય છે. આ વાત જો સમજાય તો કહેવું ના પડે કે માબાપને ભૂલશો નહીં. " 

સંયુક્ત કુટુંબમાં રહેતા દીકરાઓ જોડે મનદુ:ખ હોઈ શકે પરંતુ ત્રણ સાે કિલોમીટર દૂર રહેતા, સતત તમારા પ્રેમની ઝંખના કરતા મા બાપ જોડે શું મનદુ:ખ હોઈ શકે ? એકવાર પતિને ઓફિસના કામે એ જ શહેરમાં જવાનું થયું. ત્યારે ઈશાની કેટલા નાસ્તા મોકલ્યા હતા. તે પણ હાેંશે હાેંશે બનાવીને, પરંતુ મોટા દીકરાની પત્ની સસરાને જોયા બાદ પણ ફોન પર વાતો કરતી રહી. એની આંખોમાં આંસુ આવી ગયા હતા.જો કે દીકરાની વહુએ જતી વખતે ' આવજો ' શબ્દ જરૂરથી વાપર્યો હતો. કારણ એની પાસે સસરા સાથે વાત કરવાનો સમય નહોતો. પતિએ ઘેર જઈને પત્નીને આ અપમાનની વાત કરી ન હતી પરંતુ પત્ની સમજી ચૂકી હતી કે પતિનું હૃદય ઘવાયેલું છે. ગંગા પૂજનના દિવસો બાદ પણ બંનેમાંથી એક પણ દીકરા કે વહુ નો ફોન આવ્યો નહતો કે તમારો પ્રસંગ સારી રીતે પતી ગયો ? મા- બાપાને પૈસાની અપેક્ષા હોતી નથી પરંતુ પ્રેમની અપેક્ષા તો જરૂર હોય છે. 

ઈશાનીએ પણ પિયર પક્ષની માેહમાયા છોડી દીધી હતી. દીકરા- વહુની પણ મોહમાયા છોડી દીધી હતી. તેથી જ એક દિવસ ઈશાનીએ કહ્યું," હવે આપણી પાસે પણ તમે કહો છો એમ થોડા વર્ષો રહ્યાં છે. ગાયત્રી મંદિરમાં સેવાભાવી માણસોની જરૂર છે. આપણે નજીકમાં રુમ રાખી ગાયત્રી મંદિરમાં સેવા આપીશું. યજ્ઞ, ભકતિમાં આપણો સમય પણ પસાર થઈ જશે. દીકરાઓ પાસે, બહેન પાસે જો આપણા માટે સમય નથી તો આપણી પાસે તો સમય છે જ અને તે ભગવાનની ભક્તિને સમર્પિત થવાનો, લોકસેવા કરવાનો. સમય નથી કહેનાર પાસે જ સમય હોય છે અને જ્યાં સમય કાઢવો હોય ત્યાં અચૂક કાઢી શકે છે. પરંતુ આપણી પાસે સમય છે પ્રભુભક્તિનો, ગરીબોની સેવા કરવાનો, એમાં ક્યારેક એવું નહીં કે સમય નથી. 


Rate this content
Log in