સ્વતંત્રતા
સ્વતંત્રતા
યુગ પત્ની વિભાની વાત સાંભળી સ્તબ્ધ બની ગયો. વિભાને સમજાવવા યુગ ઘણો પ્રયત્ન કરી રહ્યો હતો. પણ વિભા ટસની મસ થવા તૈયાર ન હતી. એ તો કહી રહી હતી યુગ તને ખબર છે અમે જયારે ભણતાં હતાં ત્યારે એક કાવ્યની એક લાઈન મને બરાબર યાદ છે.
"પરાધીનતા સ્વપ્ને હિ સુખ નાહિ."
"મને પણ યાદ છે આ કાવ્ય પિંજરામાં પૂરાયેલા પક્ષી ને અનુલક્ષીને અમે કહેતાં હતાં. પૂરાયેલા પક્ષીને તમે ભાવતાં ભોજન આપો તો પણ એને ખુલ્લા આકાશમાં ઊડવાનું મન થાય છે."
"યુગ હું તને એજ કહેવા માંગુ છું કે મારી દશા પણ એવી જ છે. મારે તો ચોવીસે કલાક તારી મમ્મી અને તારા પપ્પાની કચકચ જ સાંભળી પડે છે. એમને જે ગમે એ જ મારે કરવાનું. તમારે ત્યાં તો આખો દિવસ અવરજવર ચાલુ જ રહે છે. મારે ચા નાસ્તો, શરબત બનાવે જ રાખવાના. ગયા અઠવાડિયે તારા માસી બહારગામથી આવ્યા મારે સવારથી પિકનિક પર જવાનું હતું. પણ તારા મમ્મી એમને કહી દીધું, " માસી લગ્નમાં આવી શકયા ન હતાં એટલે તને મળવા આવ્યા છે. એટલે પિકનિક પર ના જવાય." શું મારી કોઈ ઈચ્છા જ નહીં ને ! હું પણ તારા પૈસાવાળા ઘરમાં સોનાના પિંજરમાં પૂરાયેલું પક્ષી જ છું. મારે જુદા જ રહેવું છે. મેં કેટલી વખત કહ્યું કે રસોઈ માટે એક રસોઈયો રાખી લો. પણ ના, તારા ઘરના તો કંજૂસ છે. રસોઈ બનાવવા કારણે આપણે કંઈ બહાર જઈ શકતાં નથી."
"વિભા, અમારા ઘરનો એક નિયમ છે કે રસોઈ કરતાં કરતાં ભગવાનનું નામ દેવાનું. તે દિવસે તું રસોઈ કરતી હતી ને તારી બહેનપણીનો ફોન આવ્યો ત્યારે તું વાતો કરતા હતી એ અમને કોઈને ગમ્યું ન હતું."
ત્યારબાદ વિભાની જક્ક જુદા રહેવા માટે વઘતી જ ગઈ. સ્ત્રીહઠ આગળ યુગે નમતું જોખ્યું.
જુદા રહ્યા બાદ વિભાને કોઈ રોકનાર કે ટ
ોકનાર રહ્યું ન હતું. વિભાની સાચી કે ખોટી ખરીદી વધતી જ ગઈ. એના મોટાભાગનો સમય હોટલ ને પિકનિકમાં પસાર થતો હતો. યુગના ઓફિસથી આવવાના સમયે પણ એ ઘેર ના હોય. અત્યાર સુધી યુગના ડબ્બામાં થેપલાં, મુઠીયા, બિસ્કીટ જેવી ઘેર બનાવેલી ભાખરી, હાંડવો વગેરે રહેતું. પરંતુ જુદા રહ્યા બાદ એના ડબ્બામાં કેક, બિસ્કીટ, પફ,વગેરે બજારના નાસ્તા જ હોય. એ મોડેથી ઘેર આવે એટલે કહે કે હવે રસોઈ કરવાનો કંટાળો આવે છે. ચલો, આપણે બહાર જ જમી લઈએ. ગમેતેમ પણ આપણે જિંદગીનો ભરપૂર આનંદ ઉઠાવવો છે. યુગને બહાર જમવાનું ગમતું નહિ પરંતુ ના કહેવાથી ઘરમાં કકળાટ થશે એમ માનીને ચૂપ રહેતો. પણ આ રીતે બહારનું ખાઈને યુગની તબિયત બગડી. વજન પણ ઉતરતું ગયું. વિભા એની મસ્તીમાં જ હોય. એકવાર યુગને પેટમાં દુખાવો થતાં દવાખાને દાખલ કરવો પડ્યો. તે પણ આખરી તારીખમાં. વિભાએ જોયું કે ઘરમાં માંડ સો રૂપિયા હતાં. યુગે કહ્યું કે અમે તો જે પગાર આવે તે મમ્મીના હાથમાં આપી દઈએ. મમ્મી તો ઘણા પૈસા બચાવતી. મારા પગારમાંથી ઘર ચાલતું. તોપણ પૈસા વધતા. હવે મમ્મીને ફોન કર. મમ્મી બધી વ્યવસ્થા કરશે.
યુગ હોસ્પિટલમાં છે એ સાંભળતાં જ એના પપ્પા મમ્મી દોડી આવ્યા.
વિભાને એની ભૂલ સમજાઈ ગઈ હતી કે બહારનું ખાવાથી યુગને 'ફુડ પોઈઝન થઈ ગયું છે. સાસુ સસરાને જોતાં જ વિભા સાસુને વળગીને ખૂબ રડી. યુગને સારુ તો થઈ ગયું પણ યુગે કહ્યું, "વિભા સ્વતંત્રતા સારી પણ સ્વછંદતા સારી નહીં. હાથીને પણ અંકુશ જોઈએ. વડીલો તમને સ્વતંત્રતા આપવા તૈયાર હોય છે પણ એ પણ મર્યાદામાં રહીને.
સ્વતંત્રતાનો જયારે દૂરઉપયોગ થાય ત્યારે એ બરબાદી જ નોંતરે.
યુગ ચલો હવે આપણે ભેગા જઈએ. હું સ્વતંત્રતાનો અર્થ સમજી ગઈ છું.