nayana Shah

Tragedy

3.4  

nayana Shah

Tragedy

તુલસીએ તોળાયા કૃષ્ણ

તુલસીએ તોળાયા કૃષ્ણ

6 mins
261


શાશ્વતી રૂપાલીને ત્યાં આવી ત્યારે બેચેન બની ગઈ હતી. શાશ્વતીએ રૂપાલીને કંઈ પૂછ્યું ન હતું. પણ કેટલીક વાતો એવી હોય છે કે જે પૂછ્યા વગર પણ સમજાઈ જતી હોય છે. 

શાશ્વતી અને રૂપાલી બંને સગી બહેનો. પરંતુ બંનેના સ્વભાવમાં આસમાન-જમીનનો તફાવત. બંને બહેનો પૈસે ટકે સુખી હતી અને પિયરથી જમણી બાજુ એક કિલોમીટરના અંતરે એક બહેન અને ડાબી બાજુ એક કિલોમીટરના અંતરે બીજી બહેન. મા-બાપને પણ શાંતિ હતી કે બંને દીકરીઓ નજીક નજીક રહે છે.

 માબાપના મૃત્યુ બાદ શાશ્વતીને સતત લાગ્યા કરતું હતું કે મોટાભાઈ મારા કરતા મારી નાની બહેન રૂપાલીને વધુ પ્રેમ કરે છે. એવું તો એને અનેક વખત લાગ્યું હતું કે રૂપાલી બધાને બહુ જ વહાલી છે. 

આજે પણ એ રૂપાલીને ત્યાં ગઈ ત્યારે રૂપાલીને ત્યાં જે સૂકામેવાની કચોરી ખાધી એ શ્યામાભાભીએ જ બનાવી હતી. એમાં કોઈ શંકા નથી. એ પહેલાં પણ એ જ્યારે રૂપાલી ને ત્યાં ગઈ ત્યારે હાંડવો એટલો પોચો હતો કે પૂછવાની જરૂર ન હતી કે આ શ્યામાભાભીએ બનાવ્યાે છે ? 

જો શ્યામાભાભી અને મોટાભાઈ રૂપાલી ને ત્યાં ખાવા-પીવાની વસ્તુઓ મોકલાવતા હોય તો ક્યારેક પોતાને ત્યાં પણ મોકલી જોઈએને ? મોટાભાઈ અને ભાભી વારંવાર રૂપાલીને ત્યાં જાય છે પણ મારે ત્યાં આવતા જ નથી. જ્યારે મોટાભાઈને આવવાનું કહીએ ત્યારે કહે કે ," તારા ભાભી પી. એચ. ડી. કરે છે એટલે કામ થોડું વધારે રહે છે. સમય મળે ચોક્કસ આવીશું ."

ત્યારબાદ તાે એની બહેનપણીએ પણ કહેલું, " શાશ્વતી, કાલે અમે ચાણોદ નહાવા ગયેલા ત્યારે તારા ભાઈ ભાભી અને બહેનબનેવીને જોયાં હતાં. એ લોકો પણ નહાવા જ આવેલા. હું મળવા ગઈ અને તારા વિશે પૂછ્યું તો તેમણે કહ્યું, " કારમાં બધા આવી ના શકે એટલે આ વખતે રૂપાલી આવી. " 

શાશ્વતીને થતું કે એ મોટાભાઈભાભીને પૂછે છે કે તમે બે બહેનોમાં પક્ષપાત કેમ કરો છો ? રૂપાલી તો અમેરિકા ગઈ ત્યારે તમારા માટે માત્ર બદામ અને કેસર લાવી હતી. જ્યારે હું તો ભાઈ માટે ટીશર્ટ, ભાભી માટે સાડી અને છોકરાઓ માટે ચોકલેટ લઈને આવી હતી છતાં પણ. ..

ત્યારબાદ શાશ્વતીએ રૂપાલીને ત્યાં જવાનું ઘણું ઓછું કરી નાખ્યું હતું. રૂપાલીના ધ્યાનબહાર પણ એ વાત ન હતી. રૂપાલીએ કારણ પૂછ્યું તો શરૂઆતમાં શાશ્વતી એ કંઈ જ જવાબ ના આપ્યો. પછી ગુસ્સે થતા બોલી, " બધાને તો તું જ વહાલી છું. મને તો બધા ધિક્કારે છે." રૂપાલી શાશ્વતી પાસે આવી બોલી, " કોઈનો પ્રેમ કે કોઈનો ધિક્કાર મેળવવો તમારા હાથમાં છે. શાશ્વતી, તેં એવું કોઈ જ વર્તન કર્યું નથી કે જેથી તું કોઈનો પ્રેમ મેળવી શકે." મમ્મીના મૃત્યુના બીજે દિવસે તેં પપ્પાને કહ્યું, " પપ્પા, તમારે જે આપવું હોય તે અત્યારે જ તમે આપી દેજો પછી અમને કોઈ આપવાનું નથી. " શાશ્વતી, તું તો જાણે છે કે ભાઈએ વર્ષો પહેલા પપ્પાને કહી દીધું કે મારે તમારી મિલકત નથી જોઈતી કારણ ભાઈએ ભાભી સાથે પ્રેમલગ્ન કર્યા એ વાત પપ્પાને ગમી ન હતી. ભાઈ ભાભી પપ્પાની સેવા કરતા હતા. દર મહિને દેવદર્શન, ઘરે આવતી દીકરીઓને પૈસા આપવા, દાન કરવા, દવાના પૈસા બધું જ મોટાભાઈ પપ્પાને નિ:સ્વાર્થ ભાવે આપતા. હું એની સાક્ષી હતી છતાં પણ તું મોટાભાઈ ભાભી ને કહેતી, " મમ્મી પપ્પાને વધારે પૈસા આપો. " 

પરણ્યા પછી દીકરીઓએ શા માટે પિયરમાં માથું મારવું જોઈએ ? મમ્મીના મૃત્યુને બીજે દિવસે તને મિલકત દેખાઈ પણ પપ્પાનું એકાંત, જીવનસાથી ગુમાવ્યાનું દુઃખ એ કશું પણ તને ના દેખાયું ? મિલકત લેવાની લાલચમાં સામેની વ્યક્તિની વ્યથા ભૂલી જવી એ શું માણસાઈ છે ? ભગવાને આપણને બંને બહેનોને અઢળક પૈસો આપ્યો છે. આપણા પતિઓનો સ્વભાવ પણ સારો છે છતાં પણ પૈસાનો આટલો મોહ ! તને એમ જ હતું કે મોટા ભાઈ બોલે છે કે મારે મિલકત નથી જોઈતી છતાં પણ લેશે. શાશ્વતી,તું કાયમ આવું જ બોલતી હતી. તને મોટાભાઈ પર વિશ્વાસ ન હતો. પરિણામ સ્વરૂપ તું મોટાભાઈને જાતજાતના મહેણાં મારતી હતી.

 પપ્પાના મૃત્યુ પહેલાં પપ્પાને વાસ્તવિકતા સમજાઈ ગઈ હતી. શ્યામા ભાભીની સારાશ અને તારી લાલસા બંને સમજી ગયા હતા. પપ્પાએ એટલે સુધી મોટાભાઈને કહેલું, " શાશ્વતીને મારી મિલકતમાંથી કશું ના આપીશ. મેં બંને છોકરીઓને આપી દીધું છે. હવે શ્યામાને જ બધુ આપી દેજાે. શાશ્વતીનું ઘર નજીક હોવાનું મને ઘણું દુઃખ છે. જે દીકરી સાસરી છોડીને પિયરમાં થોડી થોડી વારે સલાહ સૂચનો આપે એનું પિયરમાં માન ના રહે. આવું હોવા છતાં પણ મોટા ભાઈએ પપ્પાના પૈસા લીધા ન હતા. બંને બહેનોને આપી દીધા હતા. દર વર્ષે ભાઈ હજાર રૂપિયા આપે બળેવ અને ભાઈબીજના છતાં પણ તને ઓછા પડતાં અને બધાને કહેતી ફરતી, " મને પિયરમાંથી ચિથરું પણ નથી મળતું." એ શબ્દોમાં ભાઈના પૈસા લેવાની લાલસા છે. મોટાભાઈ મને જે પૈસા આપે છે તેમાંથી અડધી રકમ ભાઈના નામે જ દાન કરું છું અને ભગવાનને પ્રાર્થના કરું છું કે મારા ભાઈને હંમેશ સુખ, શાંતિ અને સમૃદ્ધિ આપજો. હું અમેરિકા ગઈ ત્યારે મોટા ભાઈએ જેમ તને કવર અને શ્રીફળ આપેલું એમ મને પણ આપવા આવેલા. પણ તેં કવર ખોલી પૈસા ગણીને તરત મોં બગાડ્યું . ... બસ આટલા જ. ...મોટાભાઈ પાસે તો ઘણું છે પણ જીવ જ નથી. " પરંતુ મેં શુકનનું શ્રીફળ અને પાંચ રૂપિયા જ લીધા. કવરના પૈસા ગણ્યા વગર કવર પાછું આપી દીધું. 

તારી અપેક્ષા હંમેશા એવી જ હોય છે કે મોટાભાઈ ભાભી બહાર પિકનિક પર જાય તો અમને લઈ જાય પરંતુ ક્યારેય તમે કહો છો કે ભાઈ અમે પિકનિક ઉપર જઈએ છીએ તો તમે જોડે આવો. એમાં પેટ્રોલનો સવાલ નથી. પ્રેમનો સવાલ છે, હૃદયની લાગણીનો સવાલ છે. અમે ચાણોદ ગયેલા એવું તારી બહેનપણી એ કહ્યું પણ અમારી કારમાં જતાં હતાં અને અમે મોટા ભાઈને કહ્યું હતું. તારી અપેક્ષા હંમેશા રહે છે કે ભાઈ મારે ત્યાં ખાલી હાથે ના આવે. ભાઈ બજારમાંથી મીઠાઈ લાવે તો પેકેટ પર તું તરત જ કિંમત જોવા બેસી જાય છે. કૃષ્ણ ભગવાને વિદુરની ભાજી ખાધી હતી પરંતુ છપ્પનભોગ તૈયાર કરેલ દુર્યોધનને ત્યાં જમ્યા નથી. એમાં જમવાનો ભાવ નથી, પ્રેમનો ભાવ છે. સ્વાર્થથી પીરસેલી મીઠાઈ કરતા નિ: સ્વાર્થ ભાવે પીરસેલી ભાજી ઉત્તમ હોય છે. 

દુનિયામાં પ્રેમ પૈસાથી મળતો નથી. ભાભી પી. એચ. ડી. થઈ ગયા. એમનો છાપામાં ફોટો આવ્યો. એમનું બહુમાન થયું. દરેક સમાચાર શ્યામાભાભીએ તને આપેલા ત્યારે તારો જવાબ હતો, "ભાભી, તમે તો હોંશિયાર જ છો ને ?" પરંતુ તું ભાભીને મળવા ગઈ નહીં. બુકેની વાત તો બાજુ પર, એક ગુલાબનું ફૂલ લઈને પણ તું ભાભી ને મળવા ગઈ હતી ? પ્રેમ પૈસાથી તોલાતો નથી. પ્રેમ તો હૃદયની ભાવના છે. બળેવ અને ભાઈબીજ બંને તહેવારોએ તું બોલતી જ હોય છે કે મને પૈસા ઓછા પડે છે. અરે, ભગવાને તને ઘણું આપ્યું છે .તું બીમાર હતી ત્યારે ભાભીએ તારી રાત દિવસ જાગીને ચાકરી કરી એના તોલે આ પૈસા આવી શકશે ? જો પૈસાથી જ પ્રેમ ખરીદાતો હોય તો તારી માંદગીમાં ઓશિકા પાસે નર્સને બેસાડવી હતી ને ? પગારદાર માણસ સેવા કરશે પણ હૃદયનો પ્રેમ નહીં આપે ."

શાશ્વતી દલીલ કરવાનું છોડવા પણ તૈયાર ન હતી. તરત બોલી, " શ્યામા ભાભીના મમ્મી બીમાર છે તો શ્યામા ભાભીની ફરજ નથી કે ત્યાં જઈને રહે ? હું મારા મા-બાપ ની કેટલી સંભાળ રાખતી હતી. એ જોઈને પણ એ કંઈ શીખ્યા નહીં ? " શાશ્વતી, ખરેખર તો એ જોઈને જ શ્યામાભાભી શીખ્યા છે કે પિયરમાં વારંવાર જવાથી માન રહેતું નથી. પરણેલી દીકરી જરૂર પિયરમાં આવે પણ એક મર્યાદામાં રહીને રહેવું જોઈએ. શાશ્વતી, પ્રેમ પૈસાથી નથી મળતો. કૃષ્ણ ભગવાન હોવા છતાં પણ દુનિયાને સંદેશ આપે છે કે પૈસાનું અભિમાન થશે ત્યારે પ્રેમ ગાયબ થઈ જશે. 

 સત્યભામાએ નારદજી ને કહેલું કે તમે કંઈક એવું કરો કે મને જન્મ જન્મ પતિ તરીકે કૃષ્ણ જ મળે. ત્યારે નારદજીએ કહેલું કે કૃષ્ણને તમે કોઈને દાનમાં આપી દો. ત્યારે સત્યભામાએ કહ્યું કે તમે જ કૃષ્ણને દાનમાં લઈ જાવ. એ મોહમાં દાનમાં આપેલ કે પતિ તરીકે મને જન્મ જન્મ કૃષ્ણ જ મળે. અને નારદજી કૃષ્ણને લઈને જવા લાગ્યા ત્યારે સત્યભામાએ કહ્યું, " મારે કૃષ્ણ પાછા જોઈએ. નારદજીએ કહ્યું ," કૃષ્ણના વજન જેટલુ સોનુ આપી જાવ ને કૃષ્ણ લઈ જાઓ. " ત્યારબાદ તો રુક્ષમણી સિવાયની દરેક પટરાણીઓ બધું સોનુ મૂકતી ગઈ. એમની પાસે કંઈ જ ના રહ્યું. છતાંય કૃષ્ણ તોલાતા નથી. આખરે સત્યભામા રૂક્ષ્મણીજી પાસે ગયા ત્યારે એમણે કહ્યું, " ભગવાનને તાેલવા માટે સોનું શા માટે મૂકવાની જરૂર છે ? જાવ, એક તુલસીપત્ર મૂકો તો પણ ભગવાન તોલાઈ જશે અને તુલસીપત્રથી ભગવાન તોલાય છે. સોનુ ચાંદી સાથે કોઈનું મૃત્યુ થતું નથી. સાથે આવે છે માણસનો પ્રેમ. તમારા મૃત્યુ બાદ કોઈ તમારા માટે એક આંસુ પણ સારે તો એનું મૂલ્ય સોના-ચાંદી કરતાં વિશેષ છે."

શાશ્વતી મનમાં વિચારતી રહી કે હવેથી હું પણ મોટા ભાઈભાભીને પ્રેમથી જીતી લઈશ. મારા પ્રેમનું પલ્લુ ભારે થશે. કારણ, એમાં હું પ્રેમરૂપી તુલસીપત્ર મૂકીશ.


Rate this content
Log in

Similar gujarati story from Tragedy