ઈચ્છામૃત્યુ
ઈચ્છામૃત્યુ


જનક અને જાનકીનો સંબંધ અલૌકિક જ હોય. જજના હોદ્દા પર બિરાજતા આશુતોષને પણ દીકરીની વિદાય વસમી લાગી રહી હતી..
ધીરે ધીરે મહેમાનો પણ વિદાય થયા અને ફરી આશુતોષ એકલા પડ્યા. પ્રસંગ સરસ રીતે પાર પાડ્યાના સંતોષ સાથે જજસાહેબ નિરાંતનો શ્વાસ લઇને બેઠા અને તંદ્રાવસ્થામાં જાદુગરના પેલા મેજિક ઘડા “ગાગરમાં સાગર”ની જેમ વિચારોનો અસ્ખલિત પ્રવાહ વહેવાનો શરુ થયો.
“ઓહોહો! એક જિંદગી પણ કેટલા બધા યુ-ટર્ન! એ દિવસ કેમ ભૂલાય!”
તે સાંજે સંત્રીએ “જયહિંદ સા’બ” કહ્યું અને ગાડીનો દરવાજો ખોલી આપ્યો.
આશુતોષ કદાચ આજ પહેલાં ક્યારેય આટલા થાક્યા નહોતા જેટલા અત્યારે ખોલી નંબર ચોવીસમાંથી બહાર નીકળીને જેલના મેઇન ગેટ પર ઉભેલી ગાડી સુધી પહોંચતાં થાકી ગયા.
દિલ અને દિમાગ વચ્ચે ઘમાસાણ યુધ્ધ ચાલતું રહ્યું એમાં જજીઝ બંગલો ક્યારે આવી ગયો એ ખબર જ ન રહી. બંગલાના ગેટ પર બેઠેલા બે બંદૂકધારી સંત્રીઓમાંથી એકે એટેન્શનની મુદ્રામાં ગાડીનો દરવાજો ખોલ્યો.
“સા’બ !”
“હંમમમમ!”
આશુતોષ અચાનક ઝબકીને વિચારધારામાંથી બહાર આવ્યા. મહાપરાણે જાતને ઉંચકીને શયનખંડ સુધી પહોંચ્યા.
વોશરુમમાં શાવર નીચે કેટલો સમય શૂન્યમનસ્ક ઉભા રહ્યા એ પણ ખ્યાલ નથી. નાઇટડ્રેસ પહેરીને દિવાનખંડમાં આવ્યા ત્યારે બે ઓર્ડરલી ડાઇનિંગ ટેબલ પર અદબથી જજસાહેબના આવવાની રાહ જોતા હતા.
“માનસિંગ મને ભુખ નથી.”
“ના સા’બ થોડું ખાઈ લ્યો. છેલ્લા કેટલાય દિવસથી તમે બહુ અપસેટ દેખાવ છો. હોય, હવે એ તો કેસ તો આવ્યા કરે. તમે તમારી જાત પર શું કામ એની અસર કરો?”
અને માનસિંગે થાળી પિરસી.
હજી પહેલો કોળિયો ભરવા ગયા ત્યાં..
“પાપા, મને તો કોળિયો ભરાવો.”
અને એમના હાથમાંથી કોળિયો છટકી ગયો.
હરણી જેવી ચંચળ મૃગા જાણે બાપની બાજુની ખુરશીમાં બેસીને કહી રહી હતી.
વર્ષો સુધી એકની એક લાડકી, મા વગરની દીકરીને આશુતોષે મા અને બાપ બનીને ઉછેરી હતી. અતિશય લાડથી ઉછેરેલી મૃગા પણ પાપા પાપા કહેતી એમને વળગી રહેતી ત્યારે એ કહેતા,
“બિટ્ટુ, તને આજ નહીં ને કાલે સાસરે વિદાય કેમ કરીશ?”
મૃગા જરા નારાજગીથી કહેતી,
“પાપા, કાં તો તમે મારી સાથે આવજો અને નહીંતર મારા સાસરિયાંને તમારા મસમોટા બંગલામાં વસાવી લઇશું.”
આમ જ બાપ-દીકરીનો સ્નેહાલાપ ચાલ્યા કરતો. અને ખરેખર એની વિદાય વખતે એ તો વસમું લાગે એટલું રડી જ હતી પણ જજ આશુતોષ બધા જ સામાજિક મોભા ભુલીને ખાલી સૂના પડેલા માંડવામાં છુટ્ટા મોં એ રડેલા.
“સા’બ, જમી લ્યો.”
ફરી આશુતોષ તંદ્રામાંથી બહાર આવ્યા. જેમતેમ બે કોળિયા જમીને રુમમાં ઇઝી ચેર પર આડા પડ્યા. સ્વગત વાતો કરતા રહ્યા.
આમ તો મૃગા ગઈ પછી મનને બહુ મકક્મ કરીને કામમાં પરોવી દીધું હતું. બધું ગોઠવાઈ ગયું હતું ત્યાં આ ડોક્ટર મૃણાલના કેસે ફરી મને ધરમૂળથી હચમચાવી નાખ્યો.
લગભગ છ મહિના પહેલાંની વાત.
રોજની જેમ ચોપદારે છડી પોકારીને કોર્ટમાં બેઠેલા લોકોને મારા આવવાની જાણ કરી. જજ આશુતોષનો એક રુઆબ હતો. લગભગ દરેક અપરાધી મારી કોર્ટમાં એનો કેસ ન આવે એવી તજવીજ કરતો. મારી પ્રમાણિકતાના સોગંદ લેવાતા.
મેં સ્થાન ગ્રહણ કર્યું.
ચોપદારે હાકલ કરી.
“કેસ નંબર બારસોવીસ,
ડોક્ટર કેતુલ ખુનકેસ,
સ્ટેટ વર્સિસ ડોક્ટર મૃણાલ,
ડોક્ટર મૃણાલ હાજર હો..”
પોલીસ બંદોબસ્તમાં લગભગ પાંત્રીસેક વર્ષની યુવાન સુંદર ડોક્ટર મૃણાલ કઠેડામાં આવીને ઉભી રહી.
લોકોમાં ગણગણાટ શરુ થયો.
પોલીસ ઓફિસરે વિગતની ફાઇલ મારા ટેબલ પર પહોંચાડી.
દસ દિવસ પહેલાં ડોક્ટર કેતુલ એમના ઘરમાંથી મૃત અવસ્થામાં મળી આવ્યા હતા. અને એમની પત્ની ડોક્ટર મૃણાલે પતિનું ખૂન પોતે કર્યું છે એ કબુલાત કરી હતી.
પોલિસ કારવાહી બહુ સીધી રીતે ઉકેલાઈ ગઈ અને મારી કોર્ટમાં કેસ દાખલ થયો.
ચશ્મા ઉતારીને પહેલી નજરે મૃણાલ સામે જોતાં મેં સવાલ કર્યો,
“ડોક્ટર, તમારું બયાન તમે બિલકુલ હોશમાં અને કોઇની ધાકધમકીથી આપ્યું નથી ને!”
ડોક્ટર કરતાં કોઈ મોડેલ જેવી દેખાતી મૃણાલે ચહેરા પર એકદમ સપાટ ભાવ સાથે જણાવ્યું કે એણે જે બયાન આપ્યું તે સંપૂર્ણ જવાબદારીથી અને સમજીને આપ્યું છે.
મારી ધારદાર પારખુ નજરે હંમેશાં કઠેડામાં ઉભેલા વ્યક્તિને ઓળખવામાં આજ સુધી થાપ નહોતી ખાધી પણ મૃણાલના ચહેરા પર એક પણ ભાવ પરખાય એવો નહોતો.
આમ તો કેસ બહુ સીધો હતો. પોલિસની જ ફેવરમાં હતો એટલે મારે ભાગે બહુ કામ નહોતું.
ધીરે ધીરે મને મૃણાલનો રુપાળો ચહેરો કંઇક અલગ વાત કહેવા માંગે છે એમ સમજાતું ચાલ્યું. કેસ ચાલ્યો ત્યાં સુધી મૃણાલની નજર જાણે એક મુક્ત શ્વાસ લેતી અને સમાજના ધારા-ધોરણો પર ઉપાલંભ વરસાવતી હોય એવું સતત મને અનુભવાતું.
લગભગ સાતેક પેશી પછી બંને પક્ષની દલીલો અને સાક્ષીની જુબાનીઓ પરથી મેં ડોક્ટર મૃણાલને આજીવન કારાવાસની સજા ફરમાવી.
સજા ફરમાવ્યા પછી ન જાણે કેમ એ સાંજે હું જેલમાં ચોવીસ નંબરની ખોલી જ્યાં ડોક્ટર મૃણાલને રાખવામાં આવી હતી ત્યાં પહોંચી ગયો.
વોર્ડને એક ખુરશી ખોલીમાં મુકાવી અને હું મૃણાલની સામે ગોઠવાયો.
“ડોક્ટર કેટલાક સવાલ મને પહેલા દિવસથી મુંઝવી રહ્યા છે. આમ તો આજ સુધી મેં સજા ફરમાવેલા કોઈ કેદીને હું મળવા ગયો નથી પણ ન જાણે કેમ તમને એક વાર મળવાની આતુરતા થઈ.
જ્યારથી કેસ શરુ થયો ત્યારથી તમે માત્ર એક જ વાક્ય પર અડીખમ રહ્યાં એ મને સહેજ વિચિત્ર લાગ્યું.”
મૃણાલે મારી આંખમાં આંખ મેળવીને કહ્યું,
“એમાં વિચિત્ર શું? સમાજમાં પુરુષ જ બધાં સારાં-નરસાં કામ કરી શકે એવો તો કાયદો નથી ને!”
મને એની નજરમાં પ્રથમ વખત મબલખ આક્રોશ દેખાયો.
“તો એવું તો શું થયું કે તમારે પતિનું ખૂન કરવા સુધીની નોબત આવી પડી?”
“સચ્ચાઈ જાણીને હવે શું કરવું છે જજસાહેબ! મેં હત્યા કરી એ જ મુખ્ય છે.”
મને વધુ ને વધુ અકળામણ થતી જતી હતી.
“જો બેટા..”
અનાયસે મારાથી બેટાનું સંબોધન થઈ ગયું..
એ પણ સહેજ નરમ પડી.
“આ લાડભર્યા શબ્દો હું ક્યારની ભૂલી ગઈ છું. મને બેટા ન કહો.”
“મારે તારા જેવડી જ દીકરી..
અને “હતી” કહેતાં મારા ગળે ડૂમો બાઝી ગયો.”
મૃણાલ પણ ચપળ નજરે મારા હાવભાવ પારખી ગઈ.
જરા ઊંડો શ્વાસ લઇને ધીરેથી એણે શરુ કર્યું,
“મારાં અને કેતુલનાં પ્રેમલગ્ન હતાં. મેડિકલમાં સાથે ભણતાં જીવન પણ સાથે ભણવાના સોગંદ લીધા અને બંનેના પ્રતિષ્ઠિત પરિવારની હાજરીમાં ધામધૂમથી લગ્ન થયાં.
પહેલા બે વર્ષ જાણે ધરતી પર સ્વર્ગ અનુભવ્યું. એ હ્રદયનો ડોક્ટર અને હું બાળકોની. બંને પોતાની કારકિર્દીમાં વ્યસ્ત અને નવી પરિણિત જિંદગીમાં મસ્ત હતાં.
પછી વ્યાવસાયિક વ્યસ્તતા વધતી ચાલી. એમાં પણ નસીબજોગે મારી પ્રેકટીસ વધુ જામતી ચાલી. એ ડોક્ટર તરીકે બહુ હોંશિયાર પણ જીભથી કડવો અને મનથી મેલો થતો ચાલ્યો એટલે એની પ્રેકટીસ પર સીધી અસર થતી હતી. એટલે એણે આડા રસ્તાના સહારા લેવાના શરુ કર્યા.
હોસ્પિટલમાં ખોટા મોટા રિપોર્ટ બનાવીને દર્દીને વધુ ખર્ચના ખાડામાં ઉતારી દેવા, હ્રદયને લગતાં સાધનો સસ્તાં અને હલકી ગુણવત્તાના વાપરી પૈસા વધુ લેવા, મોટી હોસ્પિટલોમાં પોતાના કનસ્લ્ટેશન યેન કેન પ્રકારેણ નક્કી કરાવવાં-આ બધા નકારાત્મક ગુણ સાથે બીજી પણ કેટલીક બદીઓ પાળી બેઠો.
હું સમજાવતી રહી પણ એના મનમાં પુરુષ અહંકાર ફૂંફાડો મારતો અને મને ન કહેવાના વેણરુપી ડંખ માર્યા કરતો.
“હા, જોઈ મોટી ડોક્ટર, તું નાના નાના બાળકોને શરદી-તાવની દવા અને પોલિયોની રસી આપવાનું કામ કર. મારી વાતમાં દખલ ન કરવી.”
લગ્નના ત્રણ વર્ષ પછી કેતુલ સંપૂર્ણ બદલાઈ ચૂક્યો હતો. હોસ્પટલના સ્ત્રી કર્મચારીઓ સાથે એના બેહુદા વર્તનના કિસ્સા પણ બહાર આવવા લાગ્યા હતા. પૈસાના જોરે સત્તાધારીઓને ખિસ્સામાં રાખતો હોવાથી કોઈ ફરિયાદ એને અસર ન કરતી.
જ્યારે મારી તરફ કંઇક અલગ લાગણી પનપતી જતી હતી. બાળકો સાથે રહી રહીને મને ધીરે ધીરે હવે મા બનવાનું મન થતું. કેતુલને સીધી કે આડકતરી રીતે મેં પ્રેમથી જણાવ્યું પણ હતું પણ એ પોતાની અલગ વિકૃત દૂનિયામાં જ મસ્ત હતો.”
મૃણાલે બાજુના માટલામાંથી પાણી પીધું.
મારી આતુરતા વધતી જતી હતી.
મેં પૂછ્યું,
“પણ તો પછી ખૂન કરવા સુધી કેમ પહોંચી જવાયું? એ તો તને નડતો નહોતો. એ એની દુનિયામાં મસ્ત અને તું તારી કેરિયરમાં સરસ ગોઠવાયેલી હતી. તો?”
“હા, મેં પણ મન વાળીને જીવવાનું શીખી જ લીધું હતું જો એ દિવસે એણે એકદમ નીચ કક્ષાની માંગણી ન કરી હોત તો કદાચ હજી એ જીવતો હોત.”
મારી આંખમાં સવાલ જોઇને મૃણાલે આગળ ચલાવ્યું.
“આ બન્યું એના પંદર દિવસ પહેલાં અચાનક એનું વર્તન બદલાવા માંડ્યું. મારી સાથે નજાકતથી વાત કરવા માંડ્યો ત્યારે મને પ્રેમલગ્ન સફળ થતાં લાગ્યાં.
એક રાતે જમ્યા પછી એણે મારી નજીક આવીને કહ્યું,
જો ડાર્લિંગ, હું વધુ વ્યસ્ત રહું છું એટલે તને સમય ફાળવી નથી શકતો. તારી સંતાનની ઇચ્છા પણ પૂરી નથી કરી શકતો. આપણે એકબીજાને કામ નહીં આવીએ તો કોણ આવશે?”
હું જરા લાગણીસભર થઈ ગઈ.
એણે પોતાના નર્યા સ્વાર્થી અને તદ્દન ગંદા વિચારને મીઠા પ્રેમભર્યા શબ્દોમાં ઝબોળીને પિરસવાની શરુઆત કરી.
“જો મૃણાલ, બસો કરોડની મલ્ટી સ્પેશ્યાલિટી હોસ્પિટલના એક પ્રોજેક્ટ પર સ્વાસ્થ્ય મંત્રીની લીલી ઝંડી જોઇએ છે. હવે તું તો જાણે છે કે આ કામ માટે શું શું જરુરી હોય!
બીજી બધી તો વ્યવસ્થા જાણે થઈ ગઈ પણ એમના મનોરંજન માટે કોઈ ત્રીજું જાય અને કાલે સવારે એ બહાર બકી નાખે તો આપણી મહેનત પર પાણી ફરી વળે. તું હજી સુંદર છે, સ્માર્ટ છે. તો થોડા કલાક એમની સાથે તું.. સમજે છે ને હું શું કહું છું?
કદાચ તું જે મારી પાસે ઇચ્છે છે એ પણ..
અને એની ખંધી મેલી નજર મારા પર ફરી વળી.”
મને માથામાં ઘમ ઘમ હથોડા વાગવા માંડ્યા.
એ રાતે મેં મારા પર માંડ માંડ કાબુ મેળવ્યો.
બીજે દિવસે મારા ક્લિનિક પર પહોંચી ત્યારે સ્ટાફ વચ્ચે કોઈ બાપે અપંગ અત્યંત વેદનામય પરિસ્થિતિમાં જીવતા દીકરા માટે કોર્ટમાં ઇચ્છામૃત્યુની અપીલ કરી હતી એ ચર્ચા પૂરજોશમાં ચાલી રહી હતી.
મારી કેબિનમાં બપોર સુધી એક વિચાર મને ઘેરી વળ્યો હતો.
જાત સાથે સવાલ આદર્યા.
“ઇચ્છામૃત્યુ એટલે માણસને પોતાની ઇચ્છાથી મરવાની પરવાનગી આપવી.
હા, એ કાયદામાં સહેજ ફેરફાર થાય તો..
આપણી ઇચ્છાઓને, સપનાંઓને રોજ મૃત્યુદંડ આપતા માણસને આપણે આપણી ઇચ્છાથી મૃત્યુ આપીએ એમાં ખોટું શું? એ પણ ઇચ્છામૃત્યુ જ કહેવાય ને! માત્ર પોતાની ઇચ્છાને બદલે બીજાની ઇચ્છાથી..”
અને પછી દુનિયાને અને તમને ખબર છે એમ સવારે કેતુલ ભરઉંઘમાં હતો ત્યારે એક પોઇઝનનું ઇન્જેક્શન..
અને મૃણાલ બિલકુલ સ્વસ્થતાપૂર્વક શ્વાસ લઇને વિરમી.
મારું મગજ શૂન્ય થઈ ગયું હતું. હું ખોલી નંબર ચોવીસમાંથી બહાર નીકળીને જેલના મેઇન ગેટ પર ઉભેલી મારી ગાડી સુધી પહોંચતાં થાકી ગયો.
ઝબકીને વિચારયાત્રામાંથી બહાર આવતાં આશુતોષને શયનખંડના ચિલ્ડ એ.સી.માં પણ કાન પરથી પરસેવાનો એક રેલો ઉતર્યો.
“આ તો કદાચ મારી જ દીકરીની વાત..!
મારી મૃગા પણ કાયમ ફરિયાદ કરતી રહી અને હું સામાજિક પ્રતિષ્ઠા બચાવવા એને ખોટા આદર્શનાં પ્રવચન આપતો રહ્યો. સાવ નાલાયક, નપાવટ, લંપટ,બધા જ દૂર્ગુણથી શણગારાયેલા પતિથી છૂટકારો અપાવવા એક જજ બાપને વારંવાર અપીલ કરતી રહી અને હું એને સહનશક્તિના પાઠ ભણાવીને મારી ઉજળી જિંદગી પર ડાઘ ન લાગે એ સંભાળતો રહ્યો.
અને એક દિવસ મૃગા ઇચ્છામૃત્યુ લઇને, બધાને પોતાની જવાબદારીમાંથી મુક્ત કરતી ગઈ.”
મગજમાં સણકા આવવા લાગ્યા.
“ઓહ! મારા જેવા કાયર બાપ કે કેતુલ જેવો નપાવટ પતિ જ્યાં સુધી સમાજમાં કહેવાતી પ્રતિષ્ઠામય જિંદગીના અભરખામાં જીવે છે ત્યાં સુધી ક્યારેક કોઈ મૃગા ઇચ્છામૃત્યુ અપનાવશે તો ક્યારેક કોઈ મૃણાલ કોઇને ઇચ્છામૃત્યુ આપશે..”
અને પછી આલિશાન રુમમાં ભાંગતી રાતના સન્નાટા અને સરસરતી હવાના અવાજની સાક્ષીએ જજસાહેબે એક દીકરીને બચાવવા થઈ શકે એ બધા જ પ્રયાસ આદરવાનો સઘન નિર્ણય કર્યો.
ત્યાર પછી ઘણી બધી કસોટીઓ સામે આવીને ઉભી.
ક્યારેય આદર્શોમાં બાંધછોડ ન કરતા આશુતોષે મૃણાલને બચાવવા પોતાની પ્રતિષ્ઠા દાવ પર લગાવી દીધી.
ગમે તે રીતે કેતુલની વિરુધ્ધ પૂરાવાઓ એકઠા કરવામાં આવ્યા. ફરી મૃણાલને બચાવવા કેસ દાખલ કરવામાં આવ્યો. ફરી કોર્ટ- કેસની સુનવણી-બંને પક્ષોની દલીલો- પણ કેતુલની રાક્ષસી વર્તણુક સામે સ્વબચાવ માટે સામનો કરતાં અકસ્માતે સંશોધન માટે ઘેર લવાયેલું ઝેરનું ઇન્જેક્શન કેતુલને અડી ગયું અને ન થવાનું થઇને રહ્યું. આ દલીલ દ્વારા આશુતોષ મૃણાલને નિર્દોષ સાબિત કરાવી લાવ્યા.
મૃણાલને મૃગાની જગ્યા આપીને જજને બદલે એક બાપે કન્યાદાન કર્યું. સપ્તપદીની પવિત્ર જ્વાળા સમક્ષ આશુતોષે પોતાની સમાજ માટે ટકાવી રાખેલી દંભી પ્રતિષ્ઠાને સ્વેચ્છામૃત્યુ આપ્યું.
જિંદગીભર જનક અને જાનકીનો સંબંધ અલૌકિક બની રહ્યો.