સ્વપ્રેમ
સ્વપ્રેમ


પંચમ મ્યુઝિકલ ગૃપનું રિહર્સલ ચાલી રહ્યું હતું. આખી ટીમ ખુશખુશાલ હતી. આ વર્ષે રેકોર્ડ બ્રેક પ્રોગ્રામ મળ્યા હતા. લગ્નની મોસમ પૂરબહારમાં ખીલવા જઈ રહી હતી.
આખું વર્ષ પંચમ ગૃપ અલગ અલગ સંગીતના કાર્યક્રમોમાં વ્યસ્ત રહેતું. સંગીતસંધ્યા, ભજનસંધ્યા, લગ્નગીતો, વિવાહગીતો, શ્રદ્ધાંજલિ, પ્રાર્થનાસભાઓ, ગરબા, મહેંદીગીતો વગેરે વગેરે..
ટીમના બાર સભ્યો છેલ્લા પંદર વર્ષથી એકધારા એકસાથે જોડાયેલા હતા એટલે પંચમ એક પ્રોફેશનલ ગૃપની સાથે સાથે એક પરિવાર પણ બની ગયો હતો. દરેક કલાકાર દરેકના આખા પરિવારને ઓળખે. એમના દરેક સારા માઠા પ્રસંગે આખો પંચમ પરિવાર ભેગો હોય.
મીતા એક માત્ર ફિમેલ સિંગર. મા બાપનું એક માત્ર સંતાન. ત્રીસી વટાવી ગયેલી મીતા લગ્ન કે વિવાહના કાર્યક્રમમાં પોતાનો મીઠો મધ અવાજ રેલાવે ત્યારે મહેમાનો યજમાન સહિત સહુ મંત્રમુગ્ધ બની જતા.
પણ મીતાને લગ્નપ્રસંગે ગવાતાં ગીત હવે ફિકાં લાગતાં. જ્યારે એ “સાંવરિયો રે મારો સાંવરિયો, હું તો ખોબો માંગું ને દઈ દે દરિયો..” ગાતી ત્યારે મનોમન સંવાદ થતો.
“આ બધું મિથ્યા.. કોઈને એવા સાંવરિયા મળે ખરા ? આ મારી જ વાત જો ને ! મમ્મી પપ્પાની નબળી પરિસ્થિતિ, સામે પક્ષે ભવિષ્યમાં વારસા વગર જવાબદારી આવી પડવાની બીક આ બઘાં કારણોસર મારા વિવાહની વાત શરુ થતાં પહેલાં જ બંધ થઈ જાય છે.” અને મીતા આછો નિ:શ્વાસ નાખી આગળના ગીતની તૈયારીમાં લાગી જતી.
આ જન્મદિવસે મીતાને પાંત્રીસ વર્ષ થયાં. આ વર્ષે સહુથી વધુ સંગીતના કાર્યક્રમો બુક થયા હતા. મીતા અને આખી પંચમ ટીમ અત્યંત વ્યસ્ત રહેવા લાગી.
આવા જ એક સવારના લગ્નસમારંભમાં મીતા સૂર છેડી રહી હતી.
“હો.. ક્યારે પૂરા થશે મનના કોડ, કે સાહ્યબો મારો ગુલાબનો છોડ..” સાથે સ્વગત્ સંવાદ તો ચાલુ જ હતા. “હવે શું ગુલાબનો છોડ મળવાનો ? ઉંમર વીતે છે હવે તો.”
ત્યાં જ મહેમાનોમાંથી એક બહેન સ્ટેજ નજીક આવ્યાં.
“બહેન તમે બહુ સરસ ગાવ છો.”
“જી આભાર.”
“તમારું કાર્ડ આપજો ને !”
મીતાએ પંચમ મ્યુઝિકલ ગૃપનું કાર્ડ આપ્યું.
“આ તો લઉં જ છું પણ તમારું પોતાનું કાર્ડ કે ફોન નંબર પણ આપો ને !”
“કેમ ?”
nd-color: rgba(255, 255, 255, 0);">“જો તમને વાંધો ન હોય તો પ્રોગ્રામ પછી મને મળશો ?”
મીતા કોઈ બીજા કાર્યક્રમ મળવાની અપેક્ષાએ કન્યાવિદાયનું ગીત ગાઈ લીધા પછી મળવા ગઈ.
“આવો. તમારું નામ ?”
“હું મીતા.”
“હું નયના. મુંબઈથી આવું છું.”
“જી. શું કામ પડ્યું એ કહેશો ?”
“હા. બેસ બેટા.”
મીતાને નવાઈ લાગી.
“જો મીતા તને મેં અમારા પરિવારના ચાર પાંચ પ્રસંગોમાં સાંભળી છે. તું બહુ સરસ ગાય છે. પણ હું સમજી છું ત્યાં સુધી તારા અવાજમાં એક નિરાશા છે. કદાચ કોઈને નહીં સમજાયું હોય પણ હું મનોચિકિત્સક છું. એટલે અવાજ પરથી માણસને પારખી શકું.” મીતા અવાક્ હતી.
“હં.. એવું કંઈ નથી આન્ટી.” પછી બે ચાર વાક્ય બાદ મીતા ખુલતી ગઈ. નયના બિલકુલ શાંતચિત્તે એને સાંભળી રહી.
“જો મીતા, હું તારી વ્યથા બરાબર સમજું છું. મા બાપની ચિંતા અને એમના પર બોજ તરીકે પડી રહેવાની તારી વ્યથા બંને સાચાં છે. હું એમ નથી કહેતી કે લગ્ન કરવાં જ જોઈએ કે હું એમ પણ નથી કહેતી કે લગ્ન ન જ કરવાં જોઈએ. બસ વર્તમાન સંજોગો અને પરિસ્થિતિને આધીન સકારાત્મક જીવી લેવું જોઈએ. તારી પાસે તો સૂરનો ખજાનો છે.”
મીતા સહેજ મર્મમાં બોલી, “આન્ટી, એ તો જો લોકો લગ્ન કરીને સેટલ થઈ ગયા હોય છે એ લોકો જ હંમેશાં લગ્ન ન કરવાની સલાહ આપે છે.”
“ના મીતા, મારી વાત કરું તો મેં લગ્ન નથી કર્યાં. યા તો મારાં લગ્ન થયાં નહીં. મારી એક આંખ સહેજ મલાખી તે મુરતિયાઓને હું પસંદ જ ન પડું. ઘણી બધી વાત ચાલ્યા પછી મેં એક સવારે નિર્ણય કર્યો કે, મારે સ્વમાન બાજુએ મૂકીને પ્રદર્શન નથી બનવું. જે મને સમજશે એ સામેથી આવશે. અને હું મારો વ્યવસાય, મારી સ્વતંત્ર જિંદગી બહુ આનંદથી માણું છું.”
મીતાને અત્યાર સુધી મળેલી થોકબંધ સલાહ જેવી કે, બીજવર પણ ચલાવવો. આર્થિક નબળું પાસું સ્વિકારી લેવું. ભણતરમાં સમાધાન કરવું. આ બધામાં એક માત્ર મળેલી આ સલાહ સાચી અને મૂલ્યવાન લાગી.
“આન્ટી તમે મારી આંખ ઉઘાડી નાખી. બીજાનાં લગ્નજીવનની સરખામણી અને દેખાદેખીમાં હું મારું વ્યક્તિત્વ જ ભૂલી ગઈ હતી. લગ્ન એ જીવનમાં બહુ અગત્યનું પાસું છે પણ એને માટે આખી જિંદગી અફસોસમાં જીવવું એ યોગ્ય નથી જ.”
બીજા દિવસે ઉમંગમાં ચહેકતી મીતાના અવાજમાં તાજગી અને ખુશનુમા રણકો હતો.