Leena Vachhrajani

Inspirational Thriller

4  

Leena Vachhrajani

Inspirational Thriller

ચિત્તથી અપપિચિત

ચિત્તથી અપપિચિત

4 mins
263


લીલી પરિક્રમ્મામાં જવાનું નક્કી થયું અને ભગત ગળગળા થઈ ગયા. 

પ્રભુ સમક્ષ બે હાથ જોડીને ધન્યવાદ પ્રગટ કરતાં કહ્યું,

“નાથ તું કૃપા કરે એને ક્યાં કોઈ મુશ્કેલી નડે ? મારી કોઈ આર્થિક પરિસ્થિતિ નથી કે તારી પદરજ જ્યાં પડી છે એ ભૂમિ પર હું આવી શકું ? જ્યાં નરસૈયા જેવો ભક્ત થયો એવી જૂનાગઢની ધરતી અને ગિરનારની તળેટી અને એમાં લીલી પરિક્રમ્માની મને તેં તક આપી. હવે જેમ એને જિંદગીભર સાચવ્યો એમ મારી લાજ રાખજે. ખાલી ખિસ્સે હું માત્ર તારા નામની હૂંડી લઈને નીકળવાનો છું.”

પછી તો શેઠનો આખો સંઘ તૈયારીમાં પડ્યો. ભગતને શેઠ ઓળખતા હતા એટલે એમણે જ ભગતને આમંત્રણ આપ્યું કે તમારા જેવા ભગવદીય અમારી સાથે જોડાય તો અમારી યાત્રા વધુ પવિત્ર બને. 

ભગત રાજી રાજી હતા. નિર્ધારીત સમયે સંઘ પ્રભુના નામસ્મરણ સાથે ઉપડ્યો. ગિરનાર તીર્થની છત્રીસ કિલોમીટરની લીલી પરિક્રમ્મા જયઘોષ સાથે આરંભ થઈ. 

યાત્રા આનંદ મંગલ સાથે સુખરૂપ આગળ વધી રહી હતી. બપોરના ચાર વાગ્યા હતા. માળવેલા પછી નળ પાણીની ઘોડી નજીક હવે કપરૂં ચઢાણ શરૂ થતું હતું. અને રસ્તો પણ જોખમી હતો. યાત્રાળુઓની ભીડ વધવાને લીધે સાંકડા રસ્તા પર અચાનક અફડાતફડી સર્જાઈ. અને યાત્રાળુઓએ આ કઠિન ચઢાણવાળો રસ્તો ઝડપથી પાર કરવા ધક્કામુક્કી શરૂ કરી. 

પોલીસ વ્યવસ્થા ખોરવાઈ હતી. શેઠનો સંઘ જે અત્યાર સુધી સાથે ચાલી રહ્યો હતો એ અવ્યવસ્થા અને દોડભાગને લીધે એકબીજાથી છૂટો પડ્યો. ભગત નામસ્મરણ કરતા ઊભા રહી ગયા. 

ચોતરફ અંધાધૂંધીનો માહોલ હતો. યાત્રાળુઓ ગભરાટમાં આમથી તેમ ભાગમભાગ કરી રહ્યા હતા. 

એમાં કોઈનો જોરદાર ધક્કો વાગ્યો અને ભગત સાંકડા રસ્તા પરથી ઉથલીને ખીણની બાજુ પડ્યા. કાંઈ સમજે એ પહેલાં નીચે તરફ ધસતા ગયા. બે પાંચ મિનિટ પછી એક પથ્થરની મોટી શિલા નીચેના ખાડામાં જઈ પડ્યા.

“હરિ હરિ હરિ..”

ભગત થોડો સમય બહુ ગભરાયા. કાંઈ સૂઝ નહોતી પડતી. સાંજ ઢળવા આવી હતી. પર્વતનો કોઈ અનુભવ નહોતો. હવે કોઈ દેખાતું પણ નહોતું એવી જગ્યાએ ભગત ફસાયા હતા. 

“હે પ્રભુ, રસ્તો દેખાડ. તારા ભરોસે છું.”

 ખાડામાં એવા આડા ભરાયા હતા કે જાતે નીકળી શકાય એમ પણ નહોતું. 

સૂરજનારાયણ થાકીને ઘર ભણી વળ્યા. પહાડમાં રાતનો અંધકાર વધુ ગાઢ લાગતો હોય. હવે તો દૂરથી આવતા માણસોના અવાજો પણ બંધ થઈ ગયા. 

ભગતે શરણાગતિ સ્વિકારીને કહ્યું,

“જોઈ લે. તેં બોલાવ્યો છે અને પાછો ન મોકલવો હોય તો તારી મરજી. તારા ખેલ તું જાણે.”

કલાક એમ જ વીતી ગયો. ભગત થાકી હારીને તંદ્રામાં સરી પડ્યા. 

ફક્ત હૃદયમાં સ્મરણ ચાલતું રહ્યું.

ત્યાં..

ઊંડે ઊંડે અવાજ સંભળાયો.

“ભગત ઓ ભગત..”

“હં.. “

“ભગત આવો હાથ લંબાવો.”

ભગતે આંખ ખોલીને જોયું.

કંઈ ભ્રમ તો નથી થતો ને !

“ભગત જાગો. હું લેવા આવ્યો છું.”

હવે ભગત તંદ્રાવસ્થામાંથી બહાર આવ્યા. 

ઉપર નજર કરી તો પંદર વર્ષનો એક ગોવાળ હાથમાં લાકડી લઈને ઊભો હતો. 

“ભાઈ તું અહીયાં કેવી રીતે પહોંચ્યો ?”

“જેમ તમે પહોંચ્યા ભગત.” અને ગોવાળ હસી પડ્યો.

”આ બધી વાતો તો થતી રહેશે ભગત. તમારો સંઘ તમારી શોધખોળ કરે છે. ચાલો હાથ આપો.”

ગોવાળે હાથ લંબાવીને ભગતને બહાર કાઢ્યા. 

પોતાની પાસેની ભંભલીમાંથી પાણી પિવડાવ્યું. અને હાથ પકડીને ઉપર તરફ ચાલવાનું શરૂ કર્યું.

પંદર વીસ મિનિટ ચાલ્યા બાદ રસ્તો દેખાયો. માણસોના અવાજો સંભળાયા. ટોર્ચના ચમકારા નજરે ચડ્યા.

“ભાઈ તું તો બહુ બહાદુર. મને તો કેડી જરાય નહોતી દેખાતી.”

“તે ભગત મારૂં કામ જ રસ્તો ભૂલેલાને રસ્તો બતાવવાનું. હું જંગલમાં ગોધન ચરાવવા ફરતો રહું એટલે મને જંગલની કેડી કેડી ખબર હોય.”

વાતો વાતોમાં ભગત સંઘ પાસે પહોંચી ગયા. શેઠની નજર પડતાં એ દોડી આવ્યા.

“ભગત હું તો મૂંઝાઈ ગયો કે મારા આગ્રહને લીધે તમે આવ્યા અને આ ધમાલમાં જો તમને કાંઈ થયું તો તમારે ઘેર હું શું જવાબ આપીશ ?”

“શેઠ, મેં પણ વિચારી લીધું હતું કે આ ખીણમાંથી હવે હું બહાર નહીં નીકળી શકું. પણ પ્રભુ ધારે તો શું ન થાય !”

એટલી વારમાં તો સંઘ આખો ભગતને ઘેરી વળ્યો. 

“તમે આવ્યા કેવી રીતે ? અમને તો ખબર જ નહોતી પડતી કે તમને ક્યાં શોધવા ? પોલીસની પહોંચ હતી ત્યાં સુધી એણે શોધખોળ કરી પણ તમે જડ્યા નહીં.”

“અરે ! આ ગોવાળ નીકળ્યો એણે મને કાઢ્યો.”

ભગતે પાછળ આંગળી ચિંધીને કહ્યુ.

“કયો ગોવાળ ?”

ભગતે પાછળ જોયું.

“અરે ! મને અહીં સુધી મૂકી ગયો એ. ખાડામાંથી બહાર કાઢ્યો એ ગોવાળ તમારી પાછળ જ તો ઊભો હતો. એટલી વારમાં ક્યાં જતો રહ્યો ?”

અને ચોતરફ નજર દોડાવવા છતાં કોઈ દેખાયું નહીં. 

ભગતે કપડાં બદલ્યાં અને સંઘ સાથે બેઠા. પાણીનો ગ્લાસ હાથમાં લીધો અને મગજમાં ચમકારો થયો,

“મારો પ્રભુ ! અરે ! ચોક્કસ એ અપરિચિત મારો ઈશ્વર. મને બચાવવા એણે ધક્કો ખાધો.”

અને ભગતે બે હાથ જોડીને આકાશ સામે જોઈને કહ્યું,

“વાહ મારા નાથ વાહ. મેં તારી પાસે આવવા પરિક્રમ્મા શરૂ કરી અને તેં અરધે રસ્તે સામે ચાલીને આવવાનું કષ્ટ કર્યું ! પ્રભુ મારી તો સાત ભવની પરિક્રમ્મા પૂરી થઈ ગઈ.”


Rate this content
Log in

Similar gujarati story from Inspirational