Leena Vachhrajani

Inspirational

4  

Leena Vachhrajani

Inspirational

સમાજસેવા

સમાજસેવા

2 mins
384


“હુકુમ બહાર ગાડી તૈયાર છે.”

રાજા કરણસિંગ પોતાની વિન્ટેજ ગાડીમાં બેસી અતરિયાળ ગામમાં “બેટી બચાઓ બેટી પઢાઓ” અભિયાન અંતર્ગત સરકારના પ્રતિનિધિ બનીને સભાને સંબોધિત કરવા ઉપડ્યા. 

રેતીના ઢુવાઓ વચ્ચે થોડી સમથળ જગ્યા બનાવી રાજાસાહેબ અને એમના કર્મચારીઓ માટે ટેબલ ખુરશી મુકવામાં આવ્યાં હતાં. વીજળીના ધાંધિયા હોવાથી માઈકની વ્યવસ્થા નહોતી થઈ શકી.  રાજાસાહેબનું સ્વાગત કરવામાં આવ્યું. ત્યાર બાદ કારભારીએ લખીને તૈયાર કરી આપેલું ભાષણ રાજાસાહેબ કોઈ જ ભાવ વગર બોલી ગયા. ભેગી કરેલી ભીડ સમજી ન સમજી. આગળ ઉભેલા સરપંચે તાળી પાડવાની શરુ કરી અને ભીડે પણ અનુકરણ કર્યું.

તાપથી કંટાળેલા રાજાસાહેબ હવેલી પહોંચીને સીધા કુલરવાળા દિવાનખંડમાં ગોઠવાઈ ગયા. રાણી કુસુમવતી નોકર તિલક સાથે ખસનું શરબત લઈને આવી પહોંચ્યાં. 

“ખમ્મા ઘણી હુકુમ.”

“હં.. આજ બહુ ગરમી હતી. તિલક શરબત લાવ.”

“જી હુકુમ.”

કરણસિંગ બે ગ્લાસ એકસાથે પી ગયા.

કુસમવતીએ વાત માંડી.  “હુકુમ, કુળદેવીની કૃપાથી આપ બાપુ’સા બનવાના છો.”

કરણસિંગના ચહેરા પર રોનક આવી ગઈ.  “શું વાત કરે છે રાણી ! મારો કુળદીપક આવવાનો છે. રાજમાં મિઠાઈ વહેંચો.”

“હુકુમ હજી ખબર નથી કે કુળદીપક આવશે કે કુળદીવડી !”

“અરે! મારે કુંવર જ જોઈએ. સમજી ?”

“હુકુમ એ કોઈના હાથમાં ક્યાં ? જે નસીબમાં લખ્યું હશે એ જ આવશે ને !”

“અરે !હવે તો ડોક્ટરો કહે છે કે ગર્ભમાં શું છે. તું શહેરના ડોક્ટર પાસે જઈ આવ. જો છોરો હોય તો જ લાવજે નહીંતર ત્યાં જ…”

કુસુમવતી બહુ મોટી દ્વિધામાં પડી.  ત્યાં..તિલક ગ્લાસ લેવા આવ્યો. 

“ખમ્મા ઘણી હુકુમ. એક અરજ લઈને આવ્યો છું.”

“હા બોલ બોલ. આજ તો હું ખુશ છું.”

“હુકુમ મારી મોટી છોરી દસમા ધોરણમાં સારા ટકા લાવી છે. એને આગળ ભણવા મુકવી છે. આપનો સહારો મળે તો મારી છોરીનું ભવિષ્ય સુધરી જાય.”

હુકુમ હજી કાંઈ બોલે એ પહેલાં તિલક એના પગ પાસે બેસી ગયો.

“હુકુમ આપે તો મારી અને ગામના કેટલાય લોકોની આંખ ઉઘાડી નાખી છે. આપ જે “બેટી બચાઓ બેટી પઢાઓ” આંદોલનમાં હિસ્સો આપો છો, એ ભાષણ સાંભળીને અમે હવેલીના તો બધા જ કર્મચારીઓએ નક્કી કર્યું છે કે છોરીને પણ આગળ વધવાની તક આપવી જ છે. એને ભણાવીને પગભર કરી હોય તો જે સમાજમાં બેટી સાથે અન્યાય થાય છે એ ઓછા થાય. હુકુમ ભગવાન આપને બહુ ચડતી આપે.”

અને.. કુસુમવતીએ ધારદાર નજર રાજા કરણસિંગ સામે નાખી. 


Rate this content
Log in

Similar gujarati story from Inspirational