Leena Vachhrajani

Inspirational

4  

Leena Vachhrajani

Inspirational

ઈ-પુરાણ

ઈ-પુરાણ

4 mins
422


વીણાએ ઘરમંદિરમાં સાંજનો દીવો પ્રગટાવીને બે હાથ જોડીને ઈશ્વર પાસે પરિવારની સલામતી અને સુખાકારી માંગી. નજર સામે સહુથી પહેલો દીકરો નમન દેખાયો અને વીણાના ચહેરા પર હાસ્ય પ્રસર્યું. 

“ખરો છે ! હંમેશાં મંદિરમાં ઊભો હોય ત્યારે બોલે, સતયુગમાં આવી ગયો હોઉં એવું લાગે છે. અથવા ક્યારેક પગે લાગવાનું કહું તો કહેશે, પૌરાણિક યુગમાં જીવતો હોઉં એવું લાગે છે.”

તરત જ વીણા ગળગળી થઈ ગઈ. 

“હવે તો સાવ ભૌતિક દુનિયામાં વસી ગયો. કહે છે કે અમેરિકાની ધરતી જ એવી છે કે ત્યાં ગયા પછી બધા ડોલરની માયામાં પાગલ થઈ જાય છે.”

એટલી વારમાં ફોનની રીંગ વાગી.

“હલ્લો મોમ”

“અરે નમન ! લે બેટા તને જ યાદ કરતી હતી.”

“મંદિરમાં છો ને ? તો જ મને યાદ કરતી હો.”

“સમજી ગયો મારો દીકરો.”

“તે સમજે જ ને ! મારા નામથી માંડીને બધું પૌરાણિક યુગનું જ છે. કોઈને નામ કહું કે નમન તોય બે હાથ જોડેલા કોઈ ઋષિ મુનિ ઊભા હોય એવું મહેસૂસ થાય છે.”

“બેટા એમ ન કહીએ. ઈશ્વરની કૃપાએ જ તો આપણને ઉજળી જિંદગી મળી છે.” 

“મોમ એ બધું છોડ. મેં તો ઓફિસ નીકળતાં રુટીન ફોન કર્યો છે. ચાલ બાય. સાંજે પપ્પા સાથે વાત કરીશ.”

અને બંને છેડે મૌન પ્રસર્યું. 

વીણાએ ભગવાનને મનોમન દીકરાની રક્ષાની પ્રાર્થના કરી.

સાંજ પડી. નમન ઓફિસથી નીકળી પાસેના નાના મોલમાં બે ચાર વસ્તુઓ લેવા ગયો. કાનમાં એરપોડ ભરાવીને એ એક બે જેકેટ અને ટ્રાઉઝર્સ ગમ્યાં એની ટ્રાયલ લેવા ટ્રાયલરુમમાં દાખલ થયો. વીસેક મિનિટ થઈ. અને એ ટ્રાયલરુમમાંથી બહાર આવ્યો. 

બહાર સાવ સન્નાટો હતો. હજી થોડી મિનિટો પહેલાં લોકોથી ગાજતો મોલ સાવ ખાલી ! એને સમજાયું નહીં. બેબાકળો નમન મોલમાં અહીં તહીં ઘુમી વળ્યો. મેઈન એક્ઝિટ તરફ ધસી ગયો પણ લોક થઈ ગયું હતું. 

“અચાનક શું થયું ?” 

નમન હવે ગભરાયો. સ્ટાફ સહિત આખા મોલમાં કોઈ નહોતું. અને ત્યાં..

બહારથી ગોળીબાર થવાના અવાજો આવવા માંડ્યા. નમનને ઠંડીમાં પણ પરસેવો વળી ગયો. બે ચાર બૂમો પાડી.

“અરે કોઈ છે ? કોઈ સાંભળે છે ? મને બહાર કાઢો કોઈ. હેલ્પ મી. પ્લીઝ હેલ્પ મી..

ઓ ભગવાન ક્યાં ફસાયો !”

બહારથી ગોળીબારીના અવાજ વધુ તેજ આવવા માંડ્યા હતા. 

હવે નમનને થોડું થોડું સમજાયું. 

પોતે કાનમાં મમ્મીની ભાષામાં ભૂંગળાં ભરાવેલાં હતાં એમાં બહારનો અવાજ પોતાને સંભળાયો જ નહીં. એક બે વાર ટ્રાયલરુમના દરવાજા પર કોઈ ખખડાવતું હોય એવો ભ્રમ થયો પણ પોતે ગીતો સાંભળવામાં તલ્લીન હતો તે ધ્યાન ન અપાયું. 

“અરે રે ! હવે કોઈ દિવસ એરપોડ પહેરીને ટ્રાયલરુમ કે બીજે જવું જ નથી.”

નમન એક કાઉન્ટર નજીક બેસી ગયો. કાંઈ સૂઝ નહોતી પડતી. 

અચાનક ઘરનું મંદિર યાદ આવી ગયું. મમ્મી કાયમ કહે કે જ્યારે બધા રસ્તા બંધ થઈ જાય ત્યારે એક રસ્તો ઈશ્વરનો કાયમ ખુલ્લો હોય. 

“હે મમ્મીના ભગવાન, કોઈ રસ્તો સૂઝાડો હવે. તમે પૌરાણિક કથા વાર્તાઓમાં જ દેખાઓ કે આ યુગમાં પણ આવો છો એ સાબિત કરો.”

જરા કળ વળતાં યાદ આવ્યું કે મોબાઈલ તો છે. તરત જ ૯૧૧ પોલીસને કોલ જોડ્યો. પોલીસ સાથે પોતાની પરિસ્થિતિ વિશે વાત કરી. 

પોલીસ કંટ્રોલરુમમાંથી એને જાણ થઈ કે મોલની બહાર ચાર જણાએ અચાનક ફાયરિંગ કરવાનું ચાલુ કરી દીધું. દસ મિનિટમાં મોલના સ્ટાફે બધા કસ્ટમરને સેઈફ એક્ઝિટમાંથી બહાર કાઢ્યા. બે વાર એનાઉન્સમેન્ટ પણ કરવામાં આવ્યું હતું. દરેક ટ્રાયલરુમના દરવાજા ખખડાવીને અંદર રહેલા કસ્ટમરને જાણ કરવામાં આવી હતી.

નમનને પારાવાર અફસોસ થયો. “મારી જ બેદરકારી અને નાદાની છે.”

પોલીસે નમનને કોઈ અંદરના ખૂણામાં સલામત રીતે બેસી રહેવાનું કહ્યું. પરિસ્થિતિ થાળે પડતાં એને બહાર લઈ જવામાં આવશે એમ જણાવવામાં આવ્યું.

નમન એક ટ્રાયલરુમની અંદર બેસી ગયો. જાણે અજાણે ભગવાનનું નામ લેવાતું ગયું. લગભગ અડધા કલાક પછી એના મોબાઈલ પર પોલીસનો ફોન આવ્યો. એણે પોતે પહેરેલા શર્ટનો રંગ કહ્યો. અને ધીરે રહીને મોલના મુખ્ય દરવાજા પાસે ઊભો રહી ગયો.

પોલીસ મોલના કર્મચારીને લઈને આવી. દરવાજો ખોલ્યો અને નમનને સહીસલામત બહાર કાઢીને એના ઘર સુધી પહોંચાડ્યો. ઘર ખોલીને નમન સોફામાં ફસડાઈ પડ્યો. 

દસ મિનિટ પછી પાણી પીધું. ફોન જોયો તો પપ્પાના પાંચ છ મિસકોલ હતા. 

“હલ્લો પપ્પા”

“અરે નમન ચિંતા થઈ ગઈ બેટા. ક્યાં હતો ?”

નમનની આંખ વહી ચાલી. લગભગ રડતાં રડતાં એણે બધી વાત કરી. 

“ઓહો ! બેટા રડ નહીં. તું ઠીક તો છે ને !”

“હા હું બિલકુલ સલામત છું. આખા અફડાતફડીના સમય દરમ્યાન ન જાણે કેમ મમ્મી અને એના પૌરાણિક યુગ જેવું મંદિર બહુ યાદ આવ્યું. બે પાંચ વાર હાથ જોડીને વિનંતીય થઈ ગઈ. અને કોઈન્સિડન્ટલી કે જે હોય તે પછી તરત મને પોલીસને ફોન કરવાનું યાદ આવ્યું.”

મમ્મી તો રડતી બંધ નહોતી થતી. “બેટા માતાજીએ લાજ રાખી. મારા દીવાનું ફળ તને બચાવીને આપી દીધું.”

હવે સ્વસ્થ થયેલા નમનને મજાક સૂઝી. “પણ મમ્મી મેં તો માતાજી નહીં, પિતાજીને પ્રાર્થના કરી હતી.”

“નમન એવું ન બોલાય બેટા. માતાજી પિતાજી બધા એક જ હોય. તારી રક્ષા કરી એટલે બસ. ચાલ હવે જમ્યો કે નહીં.”

“આજ તો આશીર્વાદથી જ પેટ ભરાઈ ગયું મમ્મી. ચિંતા ન કરીશ.” 

બીજે અઠવાડિયે મમ્મીના વોટ્સએપ પર અને વિડિયો કોલ કરીને પોતાના એપાર્ટમેન્ટના એક સરસ ખૂણામાં બે શેલ્ફ પર પધરાવેલા મહાદેવ અને માતાજીના ફોટા સામે દીવો બતાવ્યો. 

“મમ્મી આજથી તારો પૌરાણિક યુગ મારા કોમ્પ્યુટર રૂમમાં પણ જીવશે. હા, મારે ત્યાં એમણે ઈ-પુરાણ માંડવું પડશે.”

મમ્મી હસી પડી. 


Rate this content
Log in

Similar gujarati story from Inspirational