Nayanaben Shah

Inspirational

3.8  

Nayanaben Shah

Inspirational

અકસ્માત

અકસ્માત

9 mins
778


કહેવાય છે કે, "આંખે જોયેલી વસ્તુ પર પણ વિશ્વાસ ના કરવો. " એ વાત મને સાચી લાગતી હતી. ખરેખર એ વાત માનવામાં આવે એવી જ ન હતી. જો કે આંખો જે દ્રશ્ય જોઈ રહી હતી એ શું મન સ્વીકારી શકે એમ હતું ? મન તો કહેતું હતું કે હું કોઈ સુંદર સ્વપ્ન જોઈ રહી છું. ક્યારેક સુંદર સ્વપ્ન આવતું હોય અને આંખ ખુલી જાય તો એમ થાય કે ફરીથી આંખો બંધ કરી દઈએ તો કદાચ એ સ્વપ્નમાં વિહાર કરવાનો આનંદ આવે. મને પણ એવું લાગી રહ્યું હતું કે હું ખુલ્લી આંખે સ્વપ્ન જોઈ રહી છું અને હવે એ સ્વપ્ન જોયા જ કરું.

પરંતુ ત્યાં જ ભૌમિકનો અવાજ આવ્યો,

"નીના, હાથ ધોઈ નાંખ, હું પાણી રેડું છું. મને ખબર છે કે તારા હાથ બગડ્યા નથી પણ તારી આદત છે. મોં ધોઈને ફરીથી હાથ ધોવાની. "

એ વાક્ય પુરૂ કરે એ પહેલાં જ બંનેની નજર મારી પર પડી. પતિપત્ની મને જોઈ ખૂબ આનંદમાં આવી ગયાં હતાં. હું તો જઈને તરત નીનાના પલંગ પર જ બેસી ગઈ અને બોલી ઊઠી, "તું બચી ગઈ એ જ મારા માટે બહુ છે. "

નીના શાક લેવા ઊભી રહી હતી અને પાછળથી એકદમ ઝડપથી રિક્ષા આવી અને નીના સાથે અથડાઈ, એટલી જ ઝડપથી જતી રહી. એ અકસ્માતમાં નીનાનો જમણો હાથ અને જમણો પગ ઈજા પામ્યા હતા. નીનાને હું તો બાળપણથી સહેલીઓ. અમે બંને એકબીજાના સુખદુઃખના ભાગીદાર.

લગ્ન બાદ અમે બંને એક જ શહેરમાં નજીક નજીક રહેતાં હતાં. નીનાને સરકારી નોકરી હતી. એમાંય એને બે જોડકા બાબા હતા.

નોકરી, ઘર, પતિ, બાળકો સામાજીક વ્યવહાર સાચવવાનું નીનાને અઘરૂ પડતું છતાંય એ હંમેશ હસતી રહેતી. અમારે મળવાનું ધીરે ધીરે ઓછું થતું જતું હતું. પરંતુ અમારા પ્રેમમાં ઓટ આવે એવું શક્ય ન હતું.

જો કે મને એના વિશે ક્યારેક બજારમાં મળી જતા એના પડાેશીઓ મારફતે ખબર મળ્યા કરતા કે, " નીના બહુ જ દુઃખી છે. એનો પતિ એને મારઝૂડ કરે છે. એના બંને બાળકો ખૂબ જ હોશિયાર છે કારણ કે બંને બાળકોને નીના જ ભણાવે છે.

હું પણ સમજતી હતી કે એક મા સો શિક્ષકની ગરજ સારે. નીના તો જ્યારે ભણતી હતી ત્યારે કહેવાતું હતું કે જ્યાં સુધી નીના હોય ત્યાં સુધી કોઈપણ, "ગોલ્ડ મેડલ" મેળવી ના શકે. નીના માટે એ તો એના નસીબ સાથે લખાયેલો જ છે.

જ્યારે હું છોકરાઓના વેકેશનમાં એક રવિવારે નીનાને ઘેર ગઈ ત્યારે એના ઘરમાંથી ચીસોનો અવાજ આવી રહ્યો હતો. હું થોડીવાર બહાર જ ઊભી રહી. પરંતુ એના બંને દીકરાઓ મને જોતા જ બોલી ઉઠ્યા,. "માસી આવ્યા... માસી આવ્યા... " એ શબ્દોમાં ભારોભાર આનંદ હતો. જો કે એ અબૂધ બાળકો પણ સમજતા હશે કે માસીના આગમનથી પપ્પાનો ગુસ્સો શાંત થઈ જશે.

ના છૂટકે મારે ઘરમાં દાખલ થવું પડ્યું. મેં નીના સામે જોયું, એના મોં પર ભૌમિકે મારેલા લાફાના સોળ ઉપસી આવ્યા હતા. મેં તો એ બાબતનો ઉલ્લેખ પણ ના કર્યો. બાળકોને ચોકલેટ બિસ્કીટ આપી ઘરની બહાર જતી રહી. ત્યારબાદ ક્યારેક હું અને નીના ફોન પર વાત કરી લેતા.

નીનાના પતિને પણ નોકરી બહુ સારી હતી. એ એન્જિનિયર હતો. ક્યારેક તો બબ્બે શિફ્ટ પણ સાથે કરવી પડતી. રાત્રે મોડેથી ઘેર આવે ત્યારે નીના એની રાહ જોઈને જમ્યા વગર બેસી રહેતી. અરે.... દરવાજો ખોલતા વાર થાય તો પણ નીનાને ધાેલધપાટની પ્રસાદી મળતી. નીના હંમેશ પારેવાની જેમ ફફડતી જ રહેતી. નોકરીનો ગુસ્સો ઘેર પત્ની પર સહેલાઈથી ઉતારી શકાય. બંને બાળકોના ભણતર પાછળ પુષ્કળ મહેનત કરતી નીનાનું જાણે કે કોઈ અસ્તિત્વ જ ન હતું. જ્યારે દીકરાઓનું પરિણામ આવે ત્યારે એ ગૌરવથી કહેતો, " દીકરાઓ મારા છે એટલે મારા જેટલા જ હોશિયાર જ હોય ને ? બાપ તેવા બેટા એ કહેવત મારા ઘરમાં સાર્થક થાય છે. " જાણે કે માની કોઈ કિંમત જ નથી.

નીનાનો પગાર ઘણો જ હતો. લગભગ ભૌમિક જેટલો જ હતો. નીના સરળતાથી કંઈ પણ કહી શકી હોત કે, " હું પણ તમારા જેટલું જ કમાવું છું. ઘરમાં રાત દિવસ મહેનત કરું છું. તમે શું કરો છો ? રાત્રે મોડેથી ઘેર આવો ત્યારે પણ મારે તમારા માટે ગરમાગરમ રોટલી ઉતારવાની ? તમે થાકીને આવો ત્યારે તમને ઠંડા પાણીનો ગ્લાસ આપવાનો. ચા -નાસ્તો તૈયાર કરી આપવાનાં.... " પરંતુ નીના ચૂપ રહેતી. ક્યારેક મને કહેતી, " મા બાપ વગરની છોકરી પર બધા હુકમ કરે કારણ કે બધા જાણતા હોય છે કે હવે આ ક્યાં જવાની છે ? પિયરમાં મા-બાપ કે ભાઈ ભાભી તો છે નહીં. " હું નીનાની વ્યથા બરાબર સમજતી હતી પણ ચૂપ રહેતી હતી કારણ હું કંઈ કરી શકું એમ ન હતી.

બંને બાળકો બોર્ડમાં પહેલા બીજા નંબરે આવ્યા. પરંતુ ભૌમિકે કહી દીધું કે આપણે પેંડા વહેંવાની કંઈ જરૂર નથી. એમને મહેનત કરી છે તો એ બોર્ડમાં નંબર લાવ્યા. ખોટા ખર્ચ કરવાની જરૂર નથી. નીનાને થતું કે હું પણ કમાઉ છું, તો હું મારા પૈસે પેંડા વહેંચું પરંતુ બધો પગાર પતિના હાથમાં મૂકતી પત્નીને એટલી સ્વતંત્રતા ક્યાંથી હોય ? જાણે કે દુનિયામાં એનું કોઈ અસ્તિત્વ જ નથી. એ તો માત્ર પૈસા કમાવાનું સાધન છે. બે બાળકોને સંસ્કાર આપવા માટે જ એનું જાણે કે પૃથ્વી પર અવતરણ થયું છે.

બંને દીકરાઓને જુદી જુદી શાખાઓમાં પ્રવેશ મળ્યો. એક દીકરાને ડોક્ટર થવું હતું અને બીજાને એમ. એસ. સી પછી પી. એચ. ડી કરવું હતું. બંને દીકરાઓ જુદા જુદા શહેરમાં જતા રહ્યા. ઘરમાં માત્ર નીના અને ભૌમિક જ હતાં. નીનાને હવે ઘરમાં ખૂબ એકલું લાગતું હતું. પતિ સાથે તો વાત કરતા પણ એને ડર લાગતો હતો. એ ક્યારે ગુસ્સે થઈ જાય એ સમજવું અઘરું હતું.

ભૌમિકને તો દીકરાઓ કે પત્ની હોય કે ના હોય ખાસ ફેર પડતો ન હતો. હા,. પરંતુ પત્ની હોય તો સમયસર એનું ભાણું સચવાતું, એના ઈસ્ત્રીવાળાં કપડાંં વગેરે તૈયાર મળી રહેતું.

ભૌમિકને ખબર પડી કે એને પ્રમોશન મળે તો નિવૃત્તિ પછી પેન્શન વધારે મળે એમ છે એટલે એને પ્રમોશનની પરીક્ષા પાસ કરી પરંતુ એના કારણે એની બદલી બીજા રાજ્યામાં થઈ ગઈ. હવે નીના એકલી જ રહી હતી. નીના મને કહેતી, " આખી જિંદગી ભાગ દોડમાં જ ગઈ છે. હવે હું શાંતિથી મારા ઠાકોરજીની ભક્તિમાં મગ્ન બની જઈશ. અત્યાર સુધી ઝટપટ સેવા કરીને પતિ- દીકરાઓની સગવડ સાચવતી હતી. હવે હું અને મારા ઠાકોરજી. "

ભૌમિકને પ્રમોશન મળ્યા બાદ ત્યાં બધી સુવિધાઓ સહેલાઈથી ઉપલબ્ધ હતી. ચા- નાસ્તો, જમવાનું,. નોકર ચાકર હોવા છતાં હવે ભૌમિકને લાગતું હતું કે ઘર જેવું જમવાનું કે નાસ્તો નથી. નીના થોડા ઘણા નાસ્તા મોકલી આપતી. આમ તો નોકરી દરમિયાન નીનાએ ખાસ રજાઓ લીધી ન હતી. તેથી એની પાસે ઘણી રજાઓ પડી હતી. ભૌમિક કહેતો,.

" બધી રજાઓ વાપરવા માંડ. થોડા થોડા દિવસે અહીં આવી પંદર વીસ દિવસ રહી જા. " નીના એ પ્રમાણે જ કરતી. ત્યાંના રસોઈયાને પણ રસોઈ બનાવવાની રીત શીખવાડી દીધી હતી.

ચારેક વર્ષ તો જોતજોતામાં પૂરાં થઈ ગયાં. પરંતુ એ દરમિયાન ડોક્ટર થઈ ગયેલા દીકરાએ એની સાથે અભ્યાસ કરતી યુવતી સાથે લગ્ન કરી લીધા અને કહી દીધું કે,. " હવે હું આ શહેરમાં જ સ્થાયી થવા માંગું છું. તમારે જરૂર હોય ત્યારે અને તમારી ઈચ્છા હોય ત્યારે તમે અહીં આવશો તો અમને વાંધો નથી."

ભૌમિકનું સ્વમાન ઘવાયું. દીકરાએ એમ ના કહ્યું કે તમે મારી સાથે આવીને રહો. પરંતુ કહ્યું ,. " તમારી ઈચ્છા હોય ત્યારે અને મારી જરૂર હોય ત્યારે આવજો. " જાણે કે કોઈ અજાણી વ્યક્તિને આમંત્રણ આપ્યું ના હોય.. ! ભૌમિકને હજુ હતું કે બીજો દીકરો તો અમારી પાસે આવીને રહેશે પરંતુ એને કહી દીધું કે,. " હું અહીં રિસર્ચ સેન્ટરમાં ખૂબ જ વ્યસ્ત રહું છું. હજી તો મારે ઘણું બધું કામ કરવાનું છે અને મારી ઈચ્છા લગ્ન કરવાની નથી. આમ પણ મોટા ભાગનો સમય મારા રિસર્ચ સેન્ટરમાં જ જાય છે. મારે સંસારની ઝંઝટમાં પડવું નથી. આમ પણ મને નાનપણથી લગ્ન વ્યવસ્થા પર નફરત છે. "

ભૌમિકને લાગ્યું કે એ એકલો પડી ગયો છે. નીનાને પણ ભૌમિકની નિવૃત્તિ બાદ બે વર્ષે નિવૃત્ત થવાનું હતું. નીનાની નોકરી ચાલુ હતી. ભૌમિકની બધી વ્યવસ્થા સચવાતી હતી. ભૌમિક આખો વખત દોસ્તારો સાથે ગપ્પાં મારતો. સગાંઓને ત્યાં જઈને બેસતો. એનો સમય પસાર થઈ જતો. સાંજે સિનિયર સિટીઝનો સાથે બાગમાં જઈને બેસતો. નીના ઘરમાં હોય કે ના હોય ભૌમિકને કંઈ ફરક પડતો ન હતો.

નિવૃત્તિ બાદ નીના ખુશ હતી. એને ઘણા બધા સ્વપ્ન જોઈ રાખ્યાં હતાં. ઈસ્ત્રી કરતાં કરતાં કે રસોઈ કરતાં કરતાં પણ પહેલાંની જેમ એના મોંમાંથી સતત યમુનાષ્ટકના પાઠ ચાલુ જ રહેતા. દુઃખ તો નીનાને જાણે હવે સ્પર્શ કરી શકતું જ ન હતું. નીના એની રીતે ખુશ હતી, ભૌમિક એની રીતે ખુશ હતો. હવે ઘરમાં એની હાજરી ખુબ ઓછી રહેતી.

પરંતુ જિંદગી કંઈ આમ સરળતાથી થોડી જાય ? નીનાને અકસ્માત થયો. એમાં જમણા પગે પ્લેટ નંખાવી પડી. અને જમણા હાથે સળીયો નંખાવો પડ્યો. એ દરમિયાન એના ડોક્ટર દીકરાએ અને વહુએ પણ એની સારી એવી ચાકરી કરી. દવાખાનેથી રજા આપ્યા બાદ દીકરા - વહુએ નીનાને ઘણો આગ્રહ કર્યો કે અમારી જોડે ચાલો. પરંતુ નીના સમજતી હતી કે આગ્રહ માત્ર એના માટે જ છે. એના પતિ માટે નથી. આખી જિંદગી જેની સાથે સુખેદુ:ખે વિતાવી એને આ ઉંમરે એકલા છોડવાની એની ઈચ્છા ન હતી. તેથી દીકરાવહુને ખરાબ ના લાગે એ રીતે ના કહી દીધી. ભૌમિક પણ મનમાં સમજી ગયો કે જેટલું માન દીકરાઓને એની મા માટે છે એટલું એના માટે નથી.

હવે તો ભૌમિકને માથે નીનાની જવાબદારી આવી ગઈ હતી. જો કે હું દવાખાને જતી ત્યારે ક્યારેક એના માટે ટિફિન, નાસ્તો વગેરે લઈ જતી.

ઘેર આવ્યા બાદ ભૌમિકે ટિફિન બંધાવી દીધું હતું. પણ ટિફિનના ખાવામાં, ઘરના ખાવા જેવી મજા ક્યાંથી હોય ? દરરોજ બટાકાનું શાક અને સવાર સાંજ રોટલી ખાઈ ખાઈને ભૌમિક કંટાળી ગયો હતો. નીનાથી તો ઉઠાતું જ ન હતું તેથી ઘરની જવાબદારી ભૌમિક પર પડતી ગઈ.

અત્યાર સુધી ચાનાસ્તો, જમવાનું સમયસર તૈયાર કરનાર પત્ની પથારીવશ હતી. ભૌમિક જ્યારે ઘરનું નાનું મોટું કામ કરતો ત્યારે થાકી જતો. નીના સૂતાં સૂતાં કહેતી, " ફલાણી વસ્તુ ફલાણા કબાટમાં જમણી બાજુ વચ્ચેના ખાનામાં છે." જો કે એ વસ્તુ ત્યાંથી જ નીકળતી. ભૌમિકને થતું નીના કેટકેટલું યાદ રાખે છે ! એને સવારે ચા પીવા જોઈએ. હવે એને જાતે ચા બનાવવી પડતી. જો કે એ જોડે જોડે નીના માટે પણ ચા મૂકતો. પરંતુ નીના જાતે ચા પી શકે એમ ન હતું. ડાબા હાથે ચાનો કપ પકડાતો ન હતો. તેથી ભૌમિક જ નીનાને ચા પીવડાવતો.

ભૌમિકને ટિફિનનું ખાવાનું ભાવતું નહીં. પરંતુ હવે તો છૂટકો પણ ન હતો. નાસ્તો એ અચૂક પણે બજારમાંથી લાવતો પરંતુ નીનાના હાથના બનાવેલા નાસ્તાની તોલે એ નાસ્તા આવતા નહીં. પરંતુ હવે પેટને ભાડું આપ્યા વગર છૂટકો જ ન હતો. સવારની ચા મૂકવી, નીનાને સ્પંચ કરે ત્યારબાદ એને કપડાં બદલાવામાં મદદ કરવી, એની થાળી પીરસવી, એનાથી હાથે જમતાં અઘરું પડે તો ભૌમિક કોળિયા પણ ભરાવતો. આટલામાં તો એ એટલું થાકી જતો કે એને થતું એના કરતાં તો નોકરી સારી. જો કે નીના તો નોકરી સાથે બાળકોને ભણાવતી, ઘરનું કરતી. હવે તો કોઈ નીનાની ઓફિસમાંથી ખબર કાઢવા આવે તો એમને પાણી આપવું, શરબત આપવું એ બધું કરતા દિવસે દિવસે વધુને વધુ થાક લાગતો. નીનાના અકસ્માત બાદ એના ભાઈબંધો, નીનાની ઓફિસના, બંનેના સગાઓ, દીકરાના સાસરી પક્ષના સગાઓનો ધસારો ખાસ્સો રહેતો. જો કે આ પહેલાં પણ આવું થતું પણ નીનાના મોં એ ક્યારેય ફરિયાદ રહેતી ન હતી.

નીનાના અકસ્માતથી મને ખાસ્સુ દુઃખ થયું હતું. પરંતુ હું એને ત્યાં ગઈ ત્યારે મેં જોયું કે ભૌમિક નીનાને કોળિયા ભરાવી રહ્યો હતો એટલું જ નહીં આગ્રહ કરીને ખવડાવતો હતો. કહેતો કે, " તું આટલી બધી દવાઓ લે છે, તું ખાઈશ નહીં તો કઈ રીતે ઊભી થઈ શકીશ ? " હું ભૌમિકમાં આવેલું પરિવર્તન જોયા કરતી હતી જો કે આ દ્રશ્ય જોયા પછી અને ભૌમિકનો નીના પ્રત્યેનો બદલાયેલો અભિગમ જોઈ મને થયું કે અકસ્માત ભલે ખરાબ હોય પરંતુ નીના માટે તો આશીર્વાદ લઈને આવ્યો છે. નીનાના અકસ્માત સાથે બીજો પણ એક અકસ્માત થયેલો. એ અકસ્માત ભૌમિકના જીવનમાં થયો હતો. અકસ્માત થાય તો એ ચોક્કસપણે ખરાબ જ કહેવાય. પરંતુ નીનાનો અકસ્માત એક આશીર્વાદ બની રહેશે એવું વિચાર્યું જ ન હતું.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational