STORYMIRROR

Nayanaben Shah

Romance

3  

Nayanaben Shah

Romance

સુગંધ વરસાદની

સુગંધ વરસાદની

6 mins
7


સુગંધ વરસાદની.

નયના શાહ...વડોદરા.

Email-nayanashah0901 @gmail.com


શ્રીધા બારી પાસે ઉભી રહી વરસાદી વાછંટ પકડવા પ્રયત્ન કરતી હતી પરંતુ તે હાથમાંથી સરકી જતી હતી.


શ્રીધા વિચારતી હતી કે એની જિંદગી પણ આમ જ સરકી ગઈ.એને પ્રિય એવી ઋતુ એટલે ચોમાસુ.પહેલાં વરસાદની સાથે ધરતીમાંથી એ સુગંધ આવે એ તો એની પ્રિય સુગંધ.એ સમયે એ બારી પાસે જ બેસી રહે.એના માબાપ ઘણીવાર  કહેતાં,

"શ્રીધા,તું સ્કુલનું હોમવર્ક કર,

 નહીં તો તને સ્કુલમાં શિક્ષા થશે."

"ભલે,આવુ વાતાવરણ વારંવાર નથી હોતુ.થોડી શિક્ષા ભલે થાય.મને તો કુદરત ના સાનિધ્યમાં રહેવું ગમે છે."


શ્રીધાને નાનપણથી જ  વરસાદનું આકર્ષણ.પહેલો વરસાદ પડે પછી એ ઘરમાં રહે જ શાની? ઘરનાની નજર ચુકવી એ વરસાદમાં પલળવા જતી રહેતી.મમ્મી કહેતી,"બેટા,ઘરમાં આવ,વરસાદમાં પલળી ને બિમાર પડીશ."

પરંતુ આવા કોઈ પણ વાક્યો કાને ધરે તો શ્રીધા શેની!

એ તો એની મસ્તીમાં જ લીન રહેતી.કાગળની હોડી બનાવી વરસાદના પાણીમાં વહેતી મુકતી.જો કોઈ એની ઉંમર ના છોકરાં કે છોકરીઓ વરસાદમાં પલળવા ના આવતાં તો એમના ઘરમાં જઈને કહેતી,"બહાર આવે છે કે નહીં ?નહીં  તો તારૂ આખુ ઘર હું ભીનુ કરીશ."

ઘણીવાર એના માબાપ કહેતાં,"શ્રીધા હવે તું જુવાન થઈ ગઇ.આ રીતે વરસાદમાં પલળે તો બહુ સારી ના લાગે.લોકો જુએ તો શું કહે?"

"મમ્મી,વરસાદમાં પલળવાનો આનંદ જે માણી શકતું નથી એવા નિરસ માણસો પ્રત્યે મને નફરત છે.ખાખરાની ખિસકોલી સાકરનો સ્વાદ શું જાણે?"


શ્રીધાને એની બાજુના ઘરમાં રહેતો અને  એના કરતા ઉંમર  માંડ બે ત્રણ વર્ષ મોટા ઋષિકેશ સાથે ખૂબ બનતુ એનુ એક કારણ એ પણ ખરૂ કે એને પણ વરસાદમાં પલળવું ખૂબ જ ગમતુ.


બંને જણા એક જ કોલેજમાં હતા. વરસાદમાં તેઓ ક્યારેય રેઇનકોટ કે છત્રી લઈ જતાં નહીં પરંતુ વરસતા વરસાદમાં મકાઈ ખાવાની મજા માણતાં.એટલુ જ નદી કિનારે બેસી સાથે સાથે વાતો પણ કરતાં. પવનના સુસવાટા વાય ત્યારે ઋષિકેશ કહેતો,"શ્રીધા,જો પવને જાણે કે ઝાંઝર પહેર્યા છે એટલે આટલો મધુર અવાજ આવે છે.પવનને કારણે ધરતીના કણ કણ ભીંજાય છે અને આ ધરતી લીલુડી ચુંદડી ઓઢી લે છે."


ત્યારબાદ મુશળધાર વરસાદ વરસ્યો.શહેર માં ચારેતરફ પાણી જ પાણી થઈ ગયુ.જાણે કે ચોમાસાએ ઇમરજન્સી જાહેર કરી દીધી.અત્ર તત્ર સર્વત્ર જળબંબાકાર થઈ  ગયુ હતું.શ્રીધાની આંખો ઋષિકેશને શોધી રહી હતી.પરંતુ બહાર નીકળી શકાય એવું જ ન હતું.


શ્રીધાએ જોયુ કે ઋષિકેશ અગાસીમાં વરસાદમાં પલળવાનો આનંદ લઈ રહ્યો છે પરંતુ ઘોધમાર વરસાદમાં વાત કરવી શક્ય ન હતી.શ્રીધાએ એક પ્લાસ્ટીકની કોથળી લીધી તેમાં એક ચિઠ્ઠી મુકી કોથળીમાં બેચાર કાંકરા મુકી ડુચોવાળી ઋષિકેશની અગાસીમાં નાંખી.

ઋષિકેશ કોથળી લઈ નીચે જતો રહ્યો. 


જેમાં લખ્યું હતુ," આ ઋતુ આપણને જીવનમાં નવી આશા અને ઉમંગ આપે છે.આપણને પ્રકૃત્તિની સુંદરતા જોવાનો ભરપુર લાભ પ્રાપ્ત થયો છે.જોને આ મેઘો વિરહમાં તડપતી  મિલનની પ્યાસી ધરતીને તૃપ્ત કરવા આવ્યો છે.સાગર અને સરિતા નું મિલન આ  મેઘો કરે છે આપણે પણ..."એણે આગળ કશું જ લખ્યુ ન હતું.કદાચ લખવાની જરૂર પણ ક્યાં હતી?અમુક વાક્ય કહ્યા વગર અને લખ્યા વગર સહેજે સમજાઇ જાય છે.


એ બંને પ્રેમની અભિવ્યક્તિ કરે એ પહેલાં જ ઋષિકેશનું છેલ્લા વર્ષનું પરિણામ આવી ગયું અને ત્યારબાદ પંદરમાં  દિવસે જ એ અમેરિકા જવાના રવાના થઈ ગયો.


એ સમયમાં લેન્ડલાઈન ફોન હોવાના કારણે ઋષિકેશ સાથે વાત થઈ શકતી ન હતી.એના ઘરે તો લેન્ડલાઇન ફોન પણ ક્યાં હતો?


થોડાસમય બાદ ઋષિકેશના ઘરના એ પોળનું ઘર છોડી, નદીની સામે પાર બંગલો ખરીદી લીધો.તેથી તેઓ ત્યાં રહેવા જતા રહ્યા.અત્યાર સુધી ઋષિકેશના સમાચાર મળતા હતા એ બંધ થઈ  ગયા.


એક દિવસ એને સમાચાર મળ્યા કે અમેરિકમાં જ રહેતાં એના પપ્પાના મિત્રની દીકરી સાથે એના લગ્ન થઈ ગયા છે.


શ્રીધા પણ મનમાં વિચારતી હતી કે મેં અને ઋષિકેશે ક્યાં પ્રેમનો એકરાર કર્યો હતો?એણે અમેરિકા જતી વખતે પણ મને

 કહ્યું ન હતુ કે ,"તું મારી રાહ જો જે."


સમય પસાર થતા ક્યાં વાર લાગે છે?શ્રીધા ના માતાપિતાના અવસાન બાદ એણે નક્કી કર્યું હતું કે મારે લગ્ન નથી કરવા છતાં પણ હ્રદયના કોઈ ખૂણે હજી પણ ઋષિકેશ હતો જ.


જ્યારેે જ્યારે વરસાદ પડે ત્યારે ત્યારે શ્રીધા ને થતુ કે યક્ષ વાદળને દૂત બનાવીને એની  પ્રિયતમાનો સંદેશો લઈ જવા કહે છે .પણ

આજે એક વિરહીણી માટે વાદળ, તું મારા પ્રિયતમને સંદેશો આપજે કે તારા વગર  હું એકલી છું જો કે તારી યાદ સદાકાળ મારા હ્દયમાં જ રહેલી છે.


વર્ષો વિતતા જતા હતા.એ કાયમ  વાદળને કહેતી,"તું અહીં વરસ.તારી રાહ ખેડુત અને ચાતકની  સાથે સાથે હું પણ જોઉં છું.કદાચ ઋષિકેશને પણ વરસાદ જોઈને હું યાદ આવી જઉ તો એ ભારત દોડી આવે."


અને એકદિવસ વરસાદમાં બારી પાસે બેઠેલી શ્રીધાને લાગ્યું કે દૂર થી કોઈ વરસાદમાં પલળતુ આવી રહ્યું છે.નજીક આવતા જ એને થયુ કે આવનાર વ્યક્તિ ઋષિકેશ જ લાગે છે.એને એની આંખો પર વિશ્વાસ જ આવતો ન હતો કે ઋષિકેશ મળવા આવશે.


ઋષિકેશને આવતો જોઈ એણે બારણુ ખોલી કાઢ્યું. ઋષિકેશ 25 વર્ષ બાદ આવી રહ્યો હતો. બંને જણા એકબીજા સામે જોઈ રહ્યા. પરંતુ બીજી જ મિનિટે બંનેની આંખોમાંથી આંસુ વહેવા માંડ્યા. ઋષિકેશ બોલ્યો," શ્રીધા હું તને એક મિનિટ માટે પણ ભુલ્યો ન હતો કારણ તું મારા હૈયે વસેલી હતી."


શ્રીધા બોલી," ઋષિકેશ તું પલળી ગયો છું .તું હાથ પગ લૂછી લે ત્યાં સુધી હું તારા માટે મસાલા વાળી ચા તથા ભજીયા બનાવું છું જે વર્ષો પહેલા વરસાદમાં પલળીને આવ્યા પછી આપણે ખાતા હતા. "

"ના, શ્રીધા  આ વરસતા વરસાદમાં તું પણ મારી સાથે પલળવા ચલ જેમ વર્ષો પહેલા આપણે પલળતા હતા. આજે આપણે એ બધા જુના દિવસો યાદ કરીએ. બંને જણા મન દઈને પલ્યા .વરસાદ બંધ રહ્યો ત્યારે બંને જણા ઘરમાં આવ્યા મસાલાવાળી ચા તથા ભજીયા ખાધા. પછી એને શ્રીધાને કહ્યું," હું હવે કાલે પાછો જઉં છું અમેરિકા. પરંતુ તારા માટે એક યાદગીરી લાવ્યો છું. અને શ્રીધાને એક બોટલ આપતા કહ્યું," શ્રીધા તને ખબર છે કે આ અત્તર એ પહેલા વરસાદમાં આવતી માટેની સુગંધનું છે .તું જ્યારે જ્યારે આ બોટલનું અત્તર લગાડે ત્યારે મને યાદ કરજે." 


"ઋષિકેશ તું મને ભૂલી ગયો છું .પણ હું તને નથી ભૂલી નથી."

"શ્રીધા એવું નથી જેને ભૂલી ગયા હોય એને યાદ કરાય પણ હું તો તને ભૂલ્યો જ નથી તો તને યાદ ક્યાંથી કરું? ઋષિકેશ શબ્દનો અર્થ શ્રીકૃષ્ણ થાય છે અને શ્રીધા  નો અર્થ રાધા. એટલે રાધાકૃષ્ણ. કૃષ્ણએ ભલે રૂક્ષ્મણી સાથે લગ્ન કર્યા છતાં પણ હજી આજે પણ એવું જ કહેવાય છે કે રાધાકૃષ્ણ.

 લગ્ન કરીએ તો જ એવું કહેવાય કે પ્રેમ છે જ્યારે આપણો પ્રેમ અમર છે .આ વરસાદ એનો સાક્ષી છે અને હવે જ્યારે જ્યારે તને મારી યાદ સતાવે ત્યારે ત્યારે આ બોટલનું અત્તર લગાડજે.જેથી વરસાદની ભીની માટી સુગંધના કારણે  હું તારી સાથે જ છું એવો અહેસાસ થતો રહેશે."

શ્રીધા ક્યાંય સુધી જતાં ઋષિકેશને જોઈ રહી.


Rate this content
Log in

Similar gujarati story from Romance