Parmar Bhavesh

Drama Romance

4.6  

Parmar Bhavesh

Drama Romance

Love Complicated

Love Complicated

25 mins
732


એક વર્ષ પછી આજે હું ઘરે આરામથી સૂતો હતો પણ, ઘૂઘૂ.... ઘૂ.... કરતા કબૂતરના અવાજે મારી ઊંઘ બગાડી,

"અરે યા..... ર.... આ કબૂતરની જાત ખબર નહીં કોણે એનું નામ શાંતિદૂત રાખ્યું હશે ! એની ઊંઘ ક્યારેય ખરાબ નહીં કરી હોય ને !"

ટેબલ પર પડેલી ઘડિયાલમાં જોયું સાડાપાંચ વાગ્યા હતા, થોડો વધારે વહેલો ઉઠી ગયો એવું લાગ્યું, આંખો ખોલવા માટે પણ મહેનત કરવી પડી. બારી પાસે કદાચ કબૂતર બેઠેલું હશે ! અવાજ ક્યાંથી આવી રહ્યો છે તે જોવા માટે બારી પાસે જઈ પડદો ખસેડયો, કબૂતર ઉડી ગયું. પડદો પાછો બંધ કરતો હતો પણ, મારી આંખો એ કંઇક એવું જોયું કે હું બારી પર જ ચોંટી ગયો.

તેના હાથમાં દૂધની તપેલી હતી, દૂધવાળાની રાહ જોઈ રહી હોય એવું લાગ્યું. બહુ અંજવાળું તો નહોતું થયું, સ્ટ્રીટ લાઈટના પ્રકાશમાં કંઈ ખાસ દેખાતું નહોતું. અચાનક તેનું ધ્યાન મારી બારી તરફ ગયું, હું થોડો પાછળ ખસી ગયો, પણ કદાચ એને મને જોઇ લીધો હશે એવું લાગ્યું.

''મમ્મી આપણી સામે નવા ભાડુઆત આવ્યા લાગે છે !'' નાસ્તો કરતાં કરતાં મેં પૂછ્યું.

"હા બેટા, એ લોકો થોડા મહિના પહેલાંજ આવ્યા છે, પહેલા વડોદરામાં નોકરી હતી માધુરીની, હાલજ અહીં ટ્રાન્સફર થયું છે, બહુ સારી છોકરી છે, નોકરી કરે છે, કલાસ વન ઓફિસર છે પણ જરાય અભિમાન નહિ હોં, તેના મમ્મી પપ્પાનું તો ખુબજ ધ્યાન રાખે છે, મારી પાસે પણ આવે ઘણી વખત, હું ના કહું તો પણ મને કામમાં મદદ કરવા લાગી જાય, બહુ ભલી છોકરી છે, તેના મમ્મી નો સ્વભાવ પણ માયાળુ છે."

મમ્મીએ તો તેઓની આખી વાર્તા જ કહી નાખી.

"હુમમમ... તો તે માધુરી હતી ! હા કદાચ એ જ હશે !" મારાથી અનાયાસે બોલાઈ ગયું.

"શું, ચિરાગ ? બેટા શું કહ્યું તેં?" મમ્મી સાંભળી ગયા હશે.

"નહિ મમ્મી કંઈ નહીં, પરોઠું આપો ને." મેં બહાનું બનાવ્યું.

"બસ હવે વધુ ખાઈસ તો ઊંઘ આવશે, અહીં સુવા નથી આવ્યો, તારો રીડીંગ ટાઈમ છે વાંચવામાં ધ્યાન આપવાનું છે." મમ્મી એ વાંચવાનું યાદ કરાવી ભૂખ મારી નાખી. એમ બી એ ની છેલ્લા વર્ષની પરીક્ષાઓ આવતી હતી,જેની તૈયારીઓ માટેની રજાઓમાં આવેલો એ તો ભૂલાઈ જ ગયેલું.

"શું મમ્મી તું પણ, વરસ પછી આવ્યો છું ઘરે ! જોતો ખરી કેટલો દુબળો પડી ગયો છું." કહેતો ઉભો થયો ને મારા રૂમમાં આવ્યો.મેં વાંચવા ની શરુઆત તો કરી પણ મન નહોતું લાગતું, અગાશી પર તડકે બેસી વાંચવાની મજા આવશે એમ વિચારી હું ઉપર ગયો. છત પર રાખેલી ખુરશીમાં બેસી હજુ તો વાંચવાનું ચાલુજ કર્યું હતું, ત્યાંજ નીચે બાળકો નો બોલવાનો અવાજ આવ્યો.

મેં નીચે જોયું તો બધા બાળકો એક છોકરીને વીંટળાઈ ને ઉભા હતા અને પોતાની સાથે ક્રિકેટ રમવા જીદ કરી રહ્યા હતાં.

"અત્યારમાં ના હોઈ, મારે બધું કામ બાકી પડેલું છે, સાંજે હું તમારી સાથે જરૂર રમીશ પ્રોમિસ." કહેતી તે ઘરમાં પ્રવેશી ગઈ.

પચીસેક વર્ષની ઉંમર હશે ! ગુંથેલો લાંબો ચોટલો અને પંજાબી ડ્રેસમાં તે બહુ સુંદર લાગતી હતી,વિચારો ખંખેરીને મેં ફરી વાંચનમાં મન પોરવ્યું, સાંજના સમયે હું મારા રૂમમાં વાંચવાની કોશિશ કરી રહ્યો હતો.

અચાનક કાચ તૂટવાનો અવાજ આવ્યો !

****

બારી નો કાચ તોડીને બોલ અંદર આવ્યો.

"નવરીનાવ, નલાએક, તોફાની છોકરાંવને હજાર વાર કહ્યું કે મેદાનમાં જઈ ને રમો પણ માનતાજ નથી કોઈના બાપનું,હવે આ કાચ કોણ નવો કરાવી દેશે !"

મેં તૂટેલા કાચ વાળી બારી માંથી જોયું. ડેલીએ ઉભા મમ્મી હૈયાવરાળ કાઢી રહ્યાં હતાં.

સામે બધાં બાળકો ઘેરો વળી ને ઉભા હતાં. જેમાંથી એક છોકરો પાછળની તરફ ઇશારો કરતાં બોલ્યો, ''આંટી અમે નથી તોડ્યો કાચ, એતો માધુરીદીદી એ સિક્સર મારી !''

બધા બાળકો એ જેની તરફ ઈશારો કર્યો તે તો બધાની પાછળ છુપાઈને બેસેલી હતી,

"સોરી આન્ટી, થોડો વાધારે જોરથી લાગી ગયું, તમે ટેન્શન ના લેશો હું કરાવી આપીશ તમારી બારીનું રીપેરીંગ." એક હાથમાં બેટ લઈ ને મારા મમ્મી પાસે આવતાં તે બોલી રહી હતી.

"માધુરી બેટા તું પણ શું છોકરાંવ સાથે છોકરાં જેવી થઈ ગઈ, કોઈ વાંધો નહીં થઈ જશે પણ થોડું સાચવીને રમજો." કહેતાં મમ્મી અંદર આવી ગઈ.

હું બારીમાંથી જોઈ રહ્યો, બધા બાળકો તેને થેંક યું કહી રહ્યાં હતાં અને તે હસતી હતી, હું સમજી ગયો કે બોલ તેને ન્હોતો ફટકાર્યો. બાળકોને મમ્મીના ગુસ્સાથી બચાવવા માટે પોતાના પર લઈ લીધું. હું વિચારી રહ્યો કે કેવી છોકરી છે ! સવારે બધા બાળકોને પ્રોમિસ કરેલું માટે તે રમી પણ અને પોતાની ભૂલ ન હોવા છતાં પોતે સ્વીકારી લીધી

***

"આંટી, કઈ સબ્જી બનાવાની બોલો, હું સમારી આપું.''

મારા કાનમાં કિચનમાંથી આવતા શબ્દો એ પ્રવેશ કર્યોને મારી ઊંઘ ઊડી, બુક મોં પરથી હટાવી મેં જોયું તો સાંજના સાત વાગ્યા હતા, કોણ હશે જેની સાથે મમ્મી વાતો કરી રહ્યાં છે ! હું આંખો ચોળતો બહાર આવ્યો.

મેં જોયું માધુરી રસોડામાં હતી, મમ્મી ને મદદ કરી રહી છે.

"આંટી આ તમારો દીકરો ચિરાગ છે ને ?" મારા તરફ જોતાં તેને મમ્મી ને પૂછ્યું.

''હા, બેટા એજ છે. રીડીંગ માટેની રજાઓમાં આવેલ છે. ચિરાગ, આ માધુરી, આપણી સામેજ રહે છે, મેં તને કહેલું ને એના વિશે.'' મમ્મી એ ઓળખાણ કરાવી.

"હાઈ ચિરાગ, હાવ્ઝ યોર સ્ટુડિઝ ગોઇંગ !" માધુરી મારી તરફ હાથ ઉંચો કરતાં બોલી.

"બરાબર ચાલે છે." મેં કહ્યું.

"તારે કોઈ મદદની જરૂર હોઈ તો કહેજે. હું પણ એમ બી એમા ગોલ્ડ મેડાલીસ્ટ છું." તે બોલી.

"ઓહ વાવ, તો તો હું તમારી મદદ જરૂર લઈશ." કહેતો હું ડાઇનિંગ ટેબલ પર બેસી ગયો.

જાણે પોતાનુંજ ઘર હોય એમ તે મમ્મીની મદદ કરી રહી હતી. એકપછીએક બધું પોતેજ કરી રહી હતી મમ્મી તો બાજુમાં ઉભા જોઈ રહ્યા, તેના ભાગે કંઈ આવતું જ નહોતું. ખરેખર કેવું આકર્ષક વ્યક્તિત્વ છે ! તેના વાણી વર્તન કે વ્યવહાર જોઈને કોઈ ના કહી શકે કે તે કલાસ વન ઓફિસર છે. હું અપલક એની સામે જોઈ રહયો હતો ને અચાનક અમારી નજર મળી ગઈ, હું નીચું જોઈ ગયો.

"બાય ધ વે, તું સામાં એમ બી એ કરે છે ?" માધુરી એ પૂછ્યું.

"ફાઇનાન્સમાં." મેં કહ્યું.

ફાઇનાન્સ સમભાળી તે બોલી ઉઠી, ''અકાઉન્ટસ બરાબર ફાવે છેને ?''

''હા, થોડું ટફ છે, પણ વાંધો નહિ આવે.''

''કોઈ પણ પ્રૉબ્લેમ હોઈ તો મને કહેજે, અકાઉન્ટસ મારો ફેવરિટ સબ્જેક્ટ છે. ઓકે''

"છેલ્લો સમય છે, અત્યારે મહેનત કરી લેશે તો રિઝલ્ટ સારું આવશે, અને જોબ પણ સહેલાઇથી મળી જશે."

એમણે પણ વડીલોની જેમ સલાહ આપવાનું ચાલુ કર્યું!

****

બેલ વગાડી દરવાજો ખુલવાની રાહ જોઈ ઉભો હતો, એક આધેડ વયના આંટી એ દરવાજો ખોલ્યો.

''જય શ્રી કૃષ્ણ આંટી, હું ચિરાગ, તમારી સામે જ રહું છું''

''ચિરાગ, અરે સવિતાબેનનો દીકરો ને! આવ બેટા અંદર આવ, અહીં બેસ.'' કહી મને ખુરસી પર બેસાડ્યો.

હું ઘરમાં ચરે તરફ જોઈ રહ્યો, ભાડાનું મકાન હતું, પણ બધું એકદમ વ્યવસ્થિત ગોઠવેલું હતું.

"અમે રહેવા આવ્યાં ત્યારથી તને જયોજ નથી ને, તારા મમ્મી કહેતાં કે તું બહાર છો ભણવા માટે." તેમણે પણીનો ગ્લાસ આપતા કહ્યું.

"આંટી, મધુરીજી નથી ? મારે અમુક સવાલો સમજવા છે તેમની પાસે થી." મેં પાણીનો ગ્લાસ લેતા પૂછ્યું.

"ના બેટા એ તો હજુ નથી આવી ઓફીસથી, હજુ અડધો કલાક જેવું લાગશે." તેમને મારી સામે બેસતાં કહ્યું.

"ઠીક છે તો હું પછી આવીશ." કહી હું નીકળી ગયો ને ઘરે આવી મારા વાંચનમાં પડી ગયો.

બે કલાક પછી મમ્મીએ મારા રૂમમાં આવી કહ્યું ''ચિરાગ માધુરી આવી છે, તારે કંઈ કામ હતું એનું?

સારું ચાલ અહીં જ મોકલું એને."

આજુ બાજુ માં બધું બરાબર ગોઠવી હું પણ થોડો વ્યવસ્થિત થઈ બેસી ગયો.

"મારા ઘેર આવેલો, બોલ શું હતું ? ન સમજાતો હોઈ એવો કોઈ પ્રશ્ન છે.", તે દરવાજેથીજ બોલતી આવી.

મેં તેમને ખુરસી આપતા કહ્યું, "હા અમુક જવાબ કઈ રીતે આવે છે એ નથી સમજાતું, જો તમે થોડી મદદ કરી શકો તો..."

"ડોન્ટ વોરી, હું છું ને ! બધું સમજાવી દઈશ." મારી વાત અડધેથી કાપી મારા હાથમાંથી બુક લેતાં બોલવા લાગી. મારા દરેક સવાલોના જવાબ એ રીતે આપવા લાગી કે જાણે હું નહિ એ અત્યારે અભ્યાસ કરતી હોઈ અથવા તો ટીચર હોય. તેનું ધ્યાન બુકમાં હતું પણ મારું તેના ચહેરા પર. એકદમ બેદાગ અને માસૂમ ચહેરો હતો, મારી આંખો ત્યાંજ ચોંટી ગઈ.

"બસ હો આજ માટે આટલું ઘણું, બીજું કાલે, જે કંઇ ના સમજાય તે માર્ક કરી રાખજે હું સમજાવી આપીશ, આજનું તો સમજાઈ ગયું ને ?" એ પૂછી રહી હતી પણ મારું ધ્યાન બુકમાં નહોતું.

હું ધીમેથી બોલ્યો.

"શું! શું કહ્યું!, મને કંઈ કહ્યું ?" એ બોલી, કદાચ તે સાંભળી ગઈ હશે

"ના કઈ નહીં, થેન્ક્સ." મેં ચોપડી ફોરતાં કહ્યું.

"બાય." કહી તે ચાલતી થઈ ને હું તેને જતી જોઈ રહ્યો.

તે રોજ સમય કાઢી આવતી, વિગતવાર બધું સમજાવતી મારા દરેક સવાલો ના જવાબ તેની પાસે હાજર જ હોય.

"માધુરીજી તમને એક સવાલ પુછું ?" હું તેની તરફ જોતાં બોલ્યો.

"આટલા સવાલો ના જવાબ તો આપ્યા! હજુ શું બાકી છે." એ હસતાં હસતાં બોલી.

"આ સિલેબસ બહાર નો છે." હું પણ હસ્યો અને કહ્યું, "તમે રોજ મને ભણાવો છો, હું તમને ફિસ કઈ રીતે આપીશ ?"

"હંમમમમ..... એક કામ કરજે એક દિવસ મને સારી જગ્યાએ નાસ્તો કરાવી દેજે, ચાલશે ?" એ આંખો નચાવતી બોલી.

"ઓકે, તમે કહો ત્યારે, કહોતો કાલે નહીતો આજે પણ હું રેડી છું." મેં કહ્યું.

"બહાર નું ખાવાનું નામ પડ્યું ને હું રેડી જ છું ! વાંચવાનું ચાલુ રાખ છાનીમાની, હમણાં નહીં તારી એક્ઝામ પછી" કહી તે જતી રહી.

તેનું સાથે હોવું મને ગમવા લાગ્યું. તે વાતો કરતી તો થતું કે બોલ્યા જ કરે. ઉમરમાં મારા કરતા ઘણી મોટી હતી પણ તેનો સ્વભાવ એકદમ બાળકો જેવો માસૂમ હતો, જેના કારણે તે કોઈ પણનું દિલ આસાનીથી જીતી સકતી. દૂધવાળાના સમયે બારીએથી જ તેને જોઈ લેતો ને મારો આખો દિવસ સારો જતો.

પરીક્ષાના દિવસો આવી ગયા, જતાં પહેલાં એકવાર એને મળી લેવું એમ વિચારતો હતો ત્યાંજ બહારથી અવાજ આવ્યો, ''આંટી ચિરાગ જતો રહ્યો કે ?''

હું મારા રૂમમાંથી બહાર આવ્યો મેં જોયું તેના હાથમાં નાનું ગિફ્ટ પેકેટ હતું.

"ચિરાગ આ તારા માટે, બેસ્ટ ઓફ લક એન્ડ વિસ યુ ઓલ દિ બેસ્ટ." મારા હાથમાં પેકેટ મુકતાં તે બોલી.

મેં ખોલીને જોયું તો એક સુંદર પેન હતી. મેં કહ્યું, "થેન્ક્સ."

***

પરીક્ષાઓ તો ચાલુ થઈ ગઈ, પણ અહીં મન નહોતું લાગતું. વારે વારે તે ચહેરો સામે આવતો રહેતો. પણ

તેની આપેલ પેન જોઈ ખુશ થઈ જતો, ને મન મનાવી લેતો. મનમાં થતું કે જલ્દી પરીક્ષાઓ પુરી થાય તો હું જલ્દી ઘેર જઇ સકું.

અંતે પરિક્ષા પતાવી ઘરે આવ્યો, રાત હતી. માધુરીને મળવાનું બહુ મન થતું રહ્યું પણ સવાર સુધી રાહ જોયા વગર છુટકો જ નહોતો. સવારે દૂધ લેવા માટે નીકળશે તો કમસેકમ તેને જોઈ તો શકાય એમ વિચારી પાંચ વાગ્યાની એલાર્મ મૂકી સુવાનો પ્રયત્ન કર્યો, પણ ઊંઘ તો આવવાનું નામ જ નહોતી લેતી.

એલાર્મ વાગતાં પહેલાં જ ઉઠી જવાયું, હજુ તો સાડા ચાર જ વાગ્યા હતા તો પણ હું ખુરસી રાખી બારી પાસે ગોઠવાઈ ગયો. રોજ દૂધવાળાના સમય પહેલાંજ આવી જતી પણ આજે તો દુધવાળાને પણ બેલ વગાડવી પડી. થોડી વારે દરવાજો ખુલ્યો, આજ એક મહિના પછી હું તેને જોઇસ એ વિચારી મારી ધડકન તેજ થવા લાગી, પણ આજે તે ન આવી. દૂધ લેવા માટે તો તેના મમ્મી આવ્યાં. હું બહુ નિરાશ થયો એવું તો ક્યારેય નહોતું બન્યું કે દૂધ લેવા માટે તે ના આવી હોય. મને અલગ અલગ વિચારો આવવા લાગ્યા. કદાચ તે બીમાર હોય, યા તો, આઉટ ઓફ સ્ટેશન હોઈ. વિચારતાં વિચારતાં મને ક્યારે ઊંઘ આવી ગઈ ખ્યાલ જ ન રહ્યો.

'બસ એકઝામ પુરી એટલે સુતું રહેવાનું, ભૂલી ગ્યો મારી ફિસ આપવાની છે ?'

આ એ અવાજ હતો કે જે સાંભળવા એક મહિનાથી મારા કાન તરસી રહ્યા હતા. મેં આંખો ખોલી તો તે મારી સામે હતી, મને લાગ્યું હું સપનું જોઈ રહ્યો છું કે શું ! ના ચિરાગ તું સપનું નથી જોઈ રહ્યો, ખરેખર હું જ છું તારી સામે જો, કહેતાં એને મારા ગાલ પર ચૂંટી લીધી. મારા હાથ મારા ગાલ પર જતા રહ્યાં ને ઊંઘ ઊડી ગઈ,

મને ખ્યાલ આવી ગયો કે હું ખરેખર સપનું જ જોઈ રહ્યો હતો. ચિરાગ, ઉઠ, ફટાફટ ફ્રેશ થઈને આવી જા નાસ્તો બની ગ્યો છે. મમ્મી નો અવાજ આવ્યો.

હું જલ્દીથી નાસ્તો પતાવી માધુરીના ઘેર ગયો. અરે ચિરાગ તું, ક્યારે આવી ગયો ? કેવી રહી પરીક્ષા ?

માધુરી એ દરવાજો ખોલતાંની સાથેજ સવાલોનો મારો ચલાવ્યો.

'અરે બેટા એને અંદર તો આવવા દે,' આંટી એ માધુરી ને ટોકતાં કહ્યું.

હું અંદર જઈ ખુરશી પર બેસી ગયો. હું થોડી વારમાં આવી, કહી માધુરી તેના રૂમમાં જતી રહી.

આંટી, અંકલ નથી દેખાતા ! મેં પૂછ્યું. હા, એ થોડા દિવસ ગામડે ગયા છે, અમુક કામથી.

'ચિરાગ અહીં આવ તો થોડું કામ છે,' અંદરથી માધુરી નો અવાજ સંભળાયો.

હું અંદર ગયો તો માધુરી એ કહ્યું પેલી સૂટકેસ ઉતારી દેને મારાથી પહોંચાતી નથી. મેં ખુરસી પર ચડી સૂટકેસ ઉતારી આપી. બેસ મારે તને અમુક વસ્તુ બતાવવી છે. કહી તે સૂટકેસ ખોલવા લાગી. હું બેસી ગયો ને તેને જોતો રહ્યો. સૂટકેસ માંથી એક એક વસ્તુ કાઢી તે મને બતાવવા લાગી. પોતાના ફોટોગ્રાફ, સર્ટિફિકેટ, મેડલ, એવોર્ડ્સ વિગેરે. મારુ ધ્યાન તો તેના પરથી હટતું જ નહોતું, હું તો એમજ હામાંહા કર્યે જતો હતો. અચાનક એક ફોટો નીચે પડી ગયો તેમાં તે કોઈ છોકરા સાથે હતી, હું બરાબર જોઈ ના શક્યો, ફટાફટ ઉઠાવી તે ડાયરી વચ્ચે મૂકતાં બોલી, કોલેજ વખતનો છે.

'આ બધું તમે મને કેમ બતાવો છો ?' મારાથી પુછાઈ ગયું.

કેમ, ફ્રેન્ડ્સને ના બતાવાય !, તે મારી સામે જોતાં બોલી.

હા, જરૂર, કેમ નહીં. મને ખુબ આનંદ થયો કે એમણે મને ફ્રેન્ડ કહ્યું.

અરે, હું તો ભૂલી જ ગઈ, તું અત્યારમાં અહીં કેમ આવ્યો ? કોઈ કામ હતું ? તે સૂટકેસ બંધ કરતાં બોલી.

બસ, એમજ, પરીક્ષા બહુ સારી રહી, તમે ખૂબ હેલ્પ કરેલી ને ! તો તમને થેન્ક યુ કહેવા માટે. મેં કહ્યું.

કેમ ! હું ક્યાંય ભાગી જાવાની હતી ? અને આમેય થેન્ક યુથી નહીં ચાલે, નાસ્તો કરાવાનો છે ભૂલી ગયો ? તે હસતાં હસતાં બોલી.

'નાસ્તો નહીં જમાડી પણ દઉં, બોલો, ક્યારે જસું ?'

આજે સાંજે, જો તને અનુકુળ હોઈ તો, કહેતાં સૂટકેસ પાછી રાખવા માટે ઈશારો કર્યો.

ચાલો, હું તો એની ટાઈમ રેડી જ છું, મેં સૂટકેસ રાખતાં કહ્યું.

***

સાંજે નજીકના જ એક રેસ્ટોરન્ટ માં અમે એક ટેબલ પર ગોઠવાયા અને ઓર્ડર આપ્યો. કોઈ કસું બોલતું નહોતું બંને ચુપચાપ બેઠા હતાં. હું વિચારી રહ્યો હતો કે શું વાત કરવી!

'હા, તો હવે કહે કેવી રહી પરીક્ષા !' એને પાણીના ગ્લાસ પર આંગળી ફેરવતાં પૂછ્યું.

'હું ચમક્યો.' હેં, હા, બહુ મસ્ત, એમાં પણ અકાઉન્ટ્સ તો એકદમ મસ્ત. તેની સામે જોતાં બોલ્યો.

ઓકે, હવે એ કહે કે સવારે ઘરે કેમ આવેલો ?, તેના ચહેરા પર આશ્ચર્યનો ભાવ સ્પષ્ટ હતો.

કહ્યું તો હતું! બસ એમજ. તમને થેન્ક્સ કહેવા.

હું નીચું જોઈને બોલ્યો.

એ તો તું આખા દિવસમાં ગમે ત્યારે કહી શકે ને તો સવાર સવારમાં કેમ ?

મને સમજાતું નહોતું કે હવેશું કહેવું. દૂધ લેવા માટે રોજ તો તમે જ આવતાં પણ આજે તમે દેખાયા નહીં ! મને થયું તમે બીમાર...મારાથી બોલાઈ ગયું. તે સાંભળી તેના ચહેરાના ભાવ બદલાયા મને લાગ્યું કે મારે નહોતું બોલવું જોઈતું પણ ત્યાં જ જમવાનું આવી ગયું અને વાત કપાઈ ગઈ.

તને કેમ ખબર પડી, રોજ હુંજ આવું છું ! એટલો વહેલો તો તું ઉઠ્યો પણ ના હોઈને. તેના શબ્દોમાં થોડો ગુસ્સો હોય એવું લાગ્યું..

હું ચૂપ જ રહ્યો, મને લાગ્યું કાચું કપાઈ ગયું!

મને ખબર છે, મેં નોટિસ કરેલું કે તું મને પહેલા દિવસથી જ રોજ સવારે બારી પરથી જોતો. તને ભણાવતી વખતે પણ તારું ધ્યાન બુક્સના બદલે મારા પર વધારે હોતું.ખરું ને ! પૂછી શકું કેમ?, એમણે ઉમેર્યું.

હવેતો મારી હાલત જ ખરાબ થવા લાગી. શું કહેવું, સું કરવું કંઈ જ નહોતું સમજાતું. હું નીચું જોઈ બેસી રહ્યો.

એમને જ બોલવાનું ચાલુ કરું. જો, હું તારા પર ગુસ્સે નથી, ખાવાનું ચાલુ રાખો. તારી એઇજમાં આવું બધું થતું રહે, તેને વિજાતીય આકર્ષણ કહેવાય, પણ આપણી જાત પર કંટ્રોલ કરતાં શીખવું પડે. ગમે ત્યાં લપસી ન પડાય. હું તારા જેવડી નથી, અને મારો પાસ્ટ પણ તને ખબર નથી. હા આપણે ફ્રેન્ડ્સ જરૂર બની શકીએ, પણ તારે પ્રોમિસ કરવું પડે કે તું ફ્રેન્ડશીપનો બીજો કોઈ અર્થ કાઢવાની કોશિશ નહીં કરે.

હું નીચું જોઈ સાંભળી રહ્યો, કસું બોલવાની હિંમત જ ન કરી શક્યો.

***

મારું તો જાણે દિલ જ તૂટી ગયું. સ્કૂલ કોલેજમાં ઘણી છોકરીઓના સંપર્કમાં આવ્યો હતો પણ આટલી હદે કોઈ તરફ ખેંચાયો નહોતો. સતત તેના જ વિચાર આવ્યે રાખતા. કેમે કરી મારુ મન શાંતજ નથી થતું.

ચાલો, ફ્રેન્ડ્સ તો છીંએજ એમ મન મનાવી ઉંઘવાનો પ્રયત્ન કર્યો.

તેની સામે આવવાની હિંમતજ નહોતી થતી, થોડા દિવસ મેં તેનાથી દૂર રહેવાની કોશિશ કરી પણ બહુ મુશ્કેલ હતું મારા માટે. તે ઘરે આવે તો હું રુમમાંથી બહાર આવવાનું ટાળતો. હવે મેં બારીમાંથી તેને જોવાનું પણ બંધ કરી દીધું.

એક દિવસ હું મારા રૂમમાં કંઈક વાંચી રહ્યો હતો. હેલો, ચિરાગ આર યુ ઓકે ! પાછળથી અવાજ આવ્યો, મેં ફરીને જોયું તો માધુરી હતી. હા, મને શું થયું ! બધું બરાબર જ છે. મેં નોર્મલ હોવાનો ઢોંગ કરતાં કહ્યું.

તો કેમ આજકાલ દેખાતો નથી ? તે મારી પાસે બેસતાં બોલી.

બસ, એમ જ. થોડો બીઝી રહું છું. મેં બુકમાં નજર રાખી કહ્યું.

એવું ! હવે સામાં બીઝી ! પરીક્ષા તો ગઈ ! કે પછી મારી સાથે વાત નથી કરવી ? મારા હાથમાંથી બુક ખેંચતા બોલી.

એવું કંઈ નથી, મેં બુક પાછી ખેંચતાં કહ્યું.

તો, કેવું છે ? તને શું લાગે છે મને નથી સમજાતું કે તું મને એવોઇડ કરે છે ! કહેતાં બુક પાછી ખેંચી લીધી.

ના, એવું નથી! મેં કહ્યું.

સું એવું નથી, એવું નથી કરે છે ?

એવું નથી તો કેવું છે!

જવા દે હું બધું સમજું છું, મેં તારા કરતા વધારે દિવાળી જોઈ છે. એ થોડા ઉંચા અવાજે બોલી.

તો હું સું કરું, તમે વધારે દિવાળી જોઈ છે તો !

હું તમારા કરતાં નાનો છું એમજ કહેવું છે ને તમારું, પણ એમાં મારો કોઈ ફોલ્ટ થોડો છે. કહી મેં તેના હાથમાંથી બુક લઈ બેડ પર ઘા કર્યો.

તે કસું બોલ્યા વગર જતી રહી.

મને બહુ અફસોસ થયો કે હું જેના માટે લાગણી અનુભવી રહ્યો છું તેની સાથે હું આમ ગુસ્સાથી કઈ રીતે વાત કરી શકું, મને મારી જાત પર જ ગુસ્સો આવ્યો.હું રડયો ખૂબ જ રડ્યો.

સાંજે હું તેના ઘેર ગયો, માધુરીએ દરવાજો ખોલ્યો અને કહ્યું. કંઈ બાકી રહી ગયેલું કહેવા માટે ?

પ્લીઝ મારી વાત તો સાંભળો એકવાર, મેં કહ્યું. તે ઘરમાં એકલી જ હતી તો પણ મને અંદર આવવા કહ્યુ.

સોરી, મારે તમારી સાથે એ રીતે વાત ન કરવી જોઈએ! પણ તમે જ કહો હું સું કરું?, હું ગળગળો થતાં બોલ્યો.

મેં તને સમજાવેલું ને, આપણે ફ્રેન્ડ્સ બની શકીએ એથી વધારે નહીં. તો પછી આ બધું કેમ ? ગુસ્સો કેમ ? તે મારી સામે બેસતાં બોલી.

મારી આંખોમાં ઝળઝળિયાં આવી ગયાં મેં કહ્યું, હું સમજું છું, તમારી ઉંમર મારા કરતાં ઘણી વધારે છે, પણ મારી લાગણીઓ પર મારો કોઈ કાબુ નથી. મેં તમને પહેલી વખત જોયાં ત્યારથી જ હું તમને પ્રેમ....

બસ, કહી એમણે મને અટકાવ્યો. આગળ નહિ બોલતો, એ શક્યજ નથી ચિરાગ, કેમ નથી સમજતો.

પણ કેમ ? મને ખાતરી છે કે મારું રિઝલ્ટ સારુંજ આવશે, મને સારી જોબ પણ મળી જશે, પ્રશ્ન રહ્યો ઉંમરનો તો મને કોઈ વાંધો નથી તો તમને શુંવાંધો છે. વાત કરતાં કરતાં મેં તેનો હાથ પકડી લીધો.

વાત એઇજ ડિફરન્સની નથી ચિરાગ, ઝટકા સાથે હાથ છોડાવતાં તે ઉભી થઇ ગઇ. એક મિનિટ બેસ, કહી તે પોતાના રુમમાં ગઈ પાછી આવી ત્યારે તેના હાથમાં એક તસ્વીર હતી.

તસ્વીર જોઈ મને ઝટકો લાગ્યો

***

તસ્વીર જોઈ મારા હોંશ ઉડી ગયા. લગ્નની તસ્વીર હતી, માધુરી સાથે તે હતો જેનો ફોટોગ્રાફ તે દિવસે સૂટકેસમાંથી પડી ગયેલો. મેં આશ્ચર્યભાવે તેની તરફ જોયું.

"આ છે મારો પાસ્ટ, મારો પતિ જે લગ્નના એક જ મહિનામાં મને છોડી બીજી સાથે જતો રહ્યો. મમ્મી-પપ્પા ના દબાણ ના કારણે મારી સાથે લગ્ન કરેલાં. જતો રહ્યો છોડીને, ત્રણ વર્ષ થઇ ગયાં, પાછું વળીને જોયું પણ નહીં ક્યારેય. આ મારાં મમ્મી-પપ્પા નથી તે મારા સાસુ-સસરા છે. હું દીકરી નથી એમની પુત્રવધૂ છું પણ દીકરીની જેમ રાખે છે મને, કેમ છોડી શકું એ લોકોને." તેને રડતાં રડતાં આખી કહાની કહી નાખી.

હું થોડી વાર મૌનજ રહ્યો, શું બોલવું, શું કહેવું કંઈ સમજાતું નહોતું.

"બોલ હવે કશું કહેવું છે તારે? કેમ બંધ થઈ ગયો.!"

મારી સામે જોતાં બોલી, રડી રડીને તેની આંખો લાલ થઈ ગયેલી.

"હા, કહેવું છે." મેં તેના બન્ને હાથ પકડી કહ્યું.

"સ્ટિલ આઈ લવ યુ."

"તમારો પાસ્ટ જે કંઈ હોઈ મને કોઈ ફરક નથી પડતો.

માધુરી, હું તમને રડતાં ન જોઈ શકું." મેં તેના આંસુ લૂછતાં કહ્યું.

"ચિરાગ તું સમજતો નથી, કોઈ નહિ સ્વીકારે આ સંબંધ. બદનામી થશે તે અલગ." કહેતાં મારા ખભા પર માથું ટેકવી રહી. મને આજે ખબર પડી કે હંમેશા હસતાં રહી કેટલું દુઃખ છુપાવી રાખ્યું હતું પોતાના હૃદયમાં.

"રસ્તો નીકળી જશે, તમે શાંત થઈ જાવ." મેં આશ્વાસન આપતા કહ્યું તો ખરું પણ હું પોતે જ નહોતો જાણતો કે કેવી રીતે!!

"હવે તું જા, મમ્મીનો આવવાનો સમય થઈ ગયો છે. હું ઠીક છું." તે ઉભી થતાં બોલી.

હું ભારે હૃદયે ત્યાંથી નીકળી ગયો.

ઘેર આવી મમ્મી ને બધી વાત કરી, પહેલાં તો મમ્મી બહુ ગુસ્સે થઈ, પણ પછીથી તે બધું સમજી ગઈ.

"જો દીકરા, આ બધું બહુ અઘરું છે, તું ધારે છે એટલું સહેલું નથી, એક તો તેની ઉંમર તારા કરતાં ઘણી મોટી છે, બીજું કે તે પરિણીત છે અને તેના સાસુ-સસરા સાથે છે. બધું બહુ જટિલ છે." મમ્મી મારા માથા પર હાથ ફેરવતા બોલી.

"હું જાણું છું મમ્મી, પણ હું તેને ચાહું છું, તેનાથી દૂર નહીં રહી શકાય." હું મમ્મી ના ખોળામાં માથું રાખી રડી પડ્યો.

"તું રડવાનું બંધ કર, કંઈક થઈ રહેશે." કહી મમ્મી એ મને શાંત કર્યો.

એ દિવસ પછી તેને મારા ઘરે આવવાનું બંધ કરી નાખ્યું, હું બસ બારીએથી તેને જોઈ મન મનાવી લેતો.

રિઝલ્ટ આવી ગયું ફર્સ્ટ ક્લાસ હતું, હું કેમ્પસ ઇન્ટરવ્યૂમાંજ સિલેક્ટ થઈ ગયો એ પણ સારા સેલરી સાથે.

હવે બીજું કોઈ ટેન્શન ન હતું. બસ એક ખાલીપો હતો, એ માધુરી વગર ભરાઇ એમ નહોતો. બધું ચાલ્યું ત્યારથી એક વખત પણ તેને મળ્યો નહોતો, મળ્યો તો શું કયારેય સામસામે પણ નહોતાં આવ્યાં.

એક દિવસ ઓફીસથી આવી મારા રુમમાં જતો હતો ને મમ્મી રસોડામાંથી બોલ્યા.

"આવી ગ્યો ચિરાગ બેટા, કેવો રહ્યો દિવસ ?"

"સારો." થોડું થકાઈ ગયું છે થોડો ફ્રેશ થઈ આવું. કહી હું રૂમમાં જઇ બેડ પર આડો પડ્યો ને ઝોકું આવી ગયું.

"મારી યાદ આવે છે !"અવાજ સંભળાયો. મને લાગ્યું મારો વહેમ છે, હું બંધ આંખે એટલુંજ બોલ્યો.

''હા, આવે તો છે .''

"તો! આટલા દિવસ માં એકે વખત મળવાનું મન ન થયું ?" ફરી વખત આવેલ એ અવાજ સાથે મેં આંખ ખોલી. ખરેખર ત્યાં કોઈ નહોતું. બસ ચારેબાજુ સપાટ દીવાલો જ હતી, મને લાગ્યું કે એ મારી સામે જોઈ હસી રહી છે.!

"ચિરાગ, બેટા જમવાનું બની ગયું છે ચાલ આવીજા." બહારથી મમ્મીનો અવાજ આવ્યો.

ભૂખ તો ઘણા દિવસથી મરી ગયેલી, પણ મમ્મીનું મારા સીવાય કોણ, એમ વિચારી મેં મારી જાત સાંભળી રાખેલી.

"ચિરાગ કાલે રવિવાર છે, તારે રજા જ છે ને ?" "તું ઘરે જ રહેજે." મમ્મી રોટલી આપતાં આપતાં બોલી.

"હા મમ્મી, પણ કેમ?" મેં આશ્ચર્ય ભાવે પૂછ્યું.

"કાલે તારો સંબંધ નક્કી કરવાનો છે ! બહુ થયું મારાથી તારી આ હાલત નથી જોવાતી." મમ્મી ના એ શબ્દો મને ચાબુકની જેમ લાગ્યા.

"શું મમ્મી તું પણ, તને તો બધી ખબરજ છે ને તો પણ ?"

કોળિયો મારા હાથમાં જ રહી ગયો.

"એ મારે કશું નથી સાંભળવું, મેં કહી દીધું બસ. આરામથી જમી લે પછી સુઈ જા, અત્યારે મારે કોઈ લપ નથી કરવી." મમ્મી ના અવાજ માં ભારોભાર ગુસ્સો હતો. મમ્મી નું વર્તન જોઈ હું ડઘાઈ જ ગયો. પણ મમ્મી નું દિલ ના દુખે તે માટે કસું જ બોલ્યા વગર જમીને મારા રુમમાં જતો રહ્યો.

મમ્મીને આ શું થઈ ગયું! હવે શું કરવું, માધુરીને સું જવાબ આપીશ બહુ મોટી મોટી વાતો કરેલી. આવા વિચારો વચ્ચે ક્યારે ઊંઘ આવી ગઈ ખબર જ ન પડી.

રોજ ની જેમ પાંચ વાગ્યે એલાર્મ વાગી. હું બારી પાસે જઈ ઉભો રહ્યો. તે ડેલીએ આવી ઉભી હતી, મારી તરફ જોયું. ખબર નહિ કેમ પણ હું પાછળ ખસી ગયો. મનોમન નક્કી કર્યું હવે પછી આ રીતે ક્યારેય બારી પર નહી આવું. બેડ પર જઈ ફરી ઊંઘવાનો પ્રયત્ન કર્યો, પરંતુ નકામો નીવડ્યો.! ચારે બાજુથી પડઘા સંભળાઈ રહ્યા,

''બસ, આવો જ પ્રેમ હતો તારો કે મારી નજરથી બચવા છુપાવું પડે, તું તો કહેતો હતો કે તને મારા પાસ્ટથી કોઈ ફરક નથી પડતો." તેં તો કહેલું કે તું રસ્તો કાઢશે,આ રસ્તો કાઢ્યો તેં ! મારાથી દૂર રહી શકાશે તારાથી ?''

મારા માટે અસહ્ય થઈ રહ્યું હતું. હું તેના વગર જીવનની કલ્પના પણ નહોતો કરી શકતો. બીજી કોઈ સાથે લગ્ન...ઓહ..એવો તો વિચાર પણ ના કરી શકું. મારા જીવન કે મારા હૃદયમાં તેના સિવાય બીજાં કોઈ માટે જગ્યાજ નથી. પણ, સું કરવું એ જ નહોતું સમજાતું. બસ, હવે બીજો કોઈ વિકલ્પજ નથી મારી પાસે. મારી જાતને ખતમ કરવા સિવાય. છેલ્લી વાર મમ્મી ના દર્શન કરવા હું મમ્મીના રૂમ માં ગયો.મમ્મી શાંતિથી સૂતાં હતાં, થોડી વાર એમને જોઈ રહ્યો. મમ્મી મને માફ કરજો, મને ખબર છે કે મારા સિવાય તમારું કોઈ નથી, પણ હું તેના વગર નહીં જીવી સકું, મમ્મીના ચરણ સ્પર્શ કરતાં મન માં બોલ્યો અને હળવે હળવે ઘરની બહાર નીકળી ગયો.

મેં છેલ્લી વખત તેના બંધ દરવાજા સામે જોયું ! વહેલી સવાર હોવાથી એકલ દોકલ વ્યક્તિઓ સિવાય અહીં કોઈ નહોતું. હજુ ખાસ અંજવાળું પણ નહોતું થયુ. તળાવની પાળ પાસે ઉભા રહી થોડી વાર માટે આંખો બંધ કરી, જાણે બધું રિવાઇન્ડ થતું હોય એવું લાગ્યું.

એ મમ્મીનો વ્હાલથી મારાં માથા પર હાથ ફેરવવો, સવારે તૈયાર કરી સ્કૂલે મોકલતા પહેલાં આગ્રહ પૂર્વક ખવડાવવું, નાસ્તો ખતમ નહીં કરેતો બાથરૂમમાં પુરવાની ધમકીઓ આપવી, સ્કૂલ-કોલેજના દિવસોમાં મિત્રો સાથે કરેલી મોજ મસ્તી, રિઝલ્ટ સારું આવતાં મમ્મી નું ખુશ થવું. અને........માધુરી......

એ યાદ આવતાં મારુ હૃદય એક ધબકારો ચૂક્યું.

તેને પહેલી વખત બારીમાંથી જોવી, પછીથી તેને બારીમાંથી જોવાનો જાણે નિત્યક્રમ બનાવવો, ભણવાના બહાને તેને જોયા કરવું, તેની સાથે રેસ્ટોરન્ટમાં જમવા જવું, તેની સામે પ્રેમનો એકરાર કરવો. મારી આંખો માંથી આંસુઓની ધારા વહી નીકળી, મને લાગ્યું જાણે તળાવનું પાણી ખારું થઈ જશે. હું તૈયારી કરતો જ હતો ત્યાં અવાજ પાછળથી સંભળાયો

"શું વિચારે છે! કુદી પડો ! બસ એક છલાંગ, બે મિનિટ ની તકલીફ અને પછી શાંતિ !"

મેં આંખો ખોલી અવાજ ની દિશામાં જોયું, તે માધુરી હતી.

"આમ અહીં કુદી જવાથી જો સોલ્યુશન આવતું હોય તો, અહીં પાણી નહીં લાશોનો ખડકલો હોત, આ રીતે હકીકત થી ભાગવું એજ સોલ્યુશન હોઈ તો મેં ત્રણ વર્ષ પહેલાં જ એ કરી નાખ્યું હોત."

હું માથે હાથ દઈ રેલિંગ ના ટેકે બેસી ગયો અને રડવા લાગ્યો.

"તો શું કરું માધુરી..! મને બીજું કાંઈ સૂઝતું નથી." મેં રડતાં રડતાં કહ્યું.

"એમ! બીજું કંઈ ન સૂઝે તો આ કરવાનું !"

"તને એકે વખત વિચાર ન આવ્યો તારી પાછળ તારા મમ્મીનું શું !" છે બીજું કોઈ એમના માટે ? આ દિવસ જોવા માટે તને મોટો કર્યો એમને! તને મારો પણ વિચાર ન આવ્યો ?હું કેમ જીવી સકું એ વિચારી ને કે તેં મારા કારણે આ પગલું ભર્યું. આ તો સારું થયું કે મેં તને આટલી વહેલી સવારે જતાં જોયો અને મને વિચાર આવ્યો તો મેં તારો પીછો કર્યો, નહીતો તું શું કરી બેસ્યો હોત.!" તે મારી પાસે બેસતા બોલી.

હું તેના ખભે માથું નાખી ખૂબ રડ્યો, તે મારા માથે હાથ ફેરવતી રહી.


એમણે મારા માથા પર હાથ ફેરવ્યો, મને લાગ્યું મારું મન એકદમ શાંત થઈ રહ્યું છે. મને મારી ભૂલ સમજાઈ રહી હતી.

"માધુરીજી, મમ્મી મારો સંબંધ બીજે નક્કી કરવાનું કહે છે, "હું કેમ કરી શકું ! હું તો તમને જ ચાહું છું. હવે હું શું કરું એ જ નથી સમજાતું. મારાથી મમ્મી ની ઉપરવટ જઈ ના શકાય અને તમારા વગર રહી ના સકાય."

"રહેવું પડે ચિરાગ, હંમેશા આપણે જે જોઈતું હોય એ બધું મળી જ જાય એવું નથી હોતું. આંટી સમજી ગયાં હશે કે આપણું કંઈ જ ન થઈ શકે. જો ચિરાગ, હું પણ તને પસંદ કરું છું, કદાચ એ પ્રેમ પણ હોઈ શકે, તને એક સારો મિત્ર તો માનુંજ છું. પણ આનાથી વધારે આપણા સંબંધનું કોઈ ભવિષ્યજ નથી. તું એ બધું ભૂલી જા." તે મને સમજાવતાં બોલી. "જીવનમાં સમાધાન કરવું જ પડે. હું પણ કરી જ રહી છું ને!."

મને લાગ્યું તેના શબ્દોમાં જે ભાવ હતો એ સમજવા હું હજુ કાચો છું.

"કસમ ખા, બીજી વખત આવું પગલું નહી ભરે !" મારો હાથ પોતાના માથે રાખતાં બોલી.

"તમારી કસમ, હવે એવો વિચાર પણ નહીં કરૂં." કહી મેં એમને વિશ્વાસ આપ્યો.

તે મને સમજાવી ઘરે લઈ આવી, હું અંદર આવ્યો ત્યાં સુધી એ મને જોતી રહી.

"ચિરાગ, ક્યાં જતો રહેલો સવાર સવારમાં બેટા ?" મમ્મી એ પૂછ્યું.

"શું જવાબ આપું !"

મમ્મીના પ્રશ્નએ મને અંદર સુધી હચમચાવી નાખ્યો. મમ્મી સાથે આંખ મેળવવાની પણ હિંમત નહોતી થતી.

"થોડું વોક કરવા ગયેલો." એટલું બોલી બાથરૂમમાં જઈ સાવર નીચે ઉભો રહી મારાં આંસુઓ ને પાણી સાથે વહાવી નાખવાની નકામી કોશિશ કરતો રહ્યો.

મમ્મીનો અવાજ સંભળાયો, "જલ્દી બહાર આવજે, નાસ્તો તૈયાર છે અને મહેમાનો આવે ત્યાં સુધીમાં મારે બધું કામ પતાવવાનું છે."

***

મહેમાન આવ્યાં, અહીંતહી ની વાતો થઈ. મેં પારુલને જોઈ, તે સુંદર હતી, મારું બનાવટી સ્મિત અને શુષ્ક ચહેરો જોઈ કદાચ તે મારી મનોદશા સમજી પણ ગઈ હોય. અમે મારા રુમમાં બેસી એકબીજાં વિષે બધી વાતો કરી. મેં માધુરી વિષે પણ બધું કહી દીધું. તેના ચહેરાના ભાવ માં થોડું પરિવર્તન તો આવ્યું પણ તે સમજદાર લાગી.

"કોઈ વાંધો નહીં, આપણે એકબીજાંને બરાબર જાણી લઈશું, સમજી લઈશું પછી આગળ વધીશું, હું પપ્પાને વાત કરી સમય માંગીશ. તમે ચિંતા ન કરતા હું નથી ઈચ્છતી કે આપણો સંબંધ આપણા જીવનમાં બોજો બની રહે."

પારુલ ની વાતો સાંભળી મને માધુરી ની વાતો યાદ આવી ગઈ. એટલેજ લોકો કહેતાં હશે કે છોકરીઓ જલ્દી મોટી થઈ જાય છે..! ત્યાર બાદ અમે એકબીજાને ઘણી વખત મળ્યા, રેસ્ટોરન્ટ માં જમવા જતાં, પાર્કમાં બેસી કલાકો સુધી વાતો કરતાં, ધીમે સારાં મિત્રો પણ બની રહ્યા હતા. પણ જે લાગણીઓ માધુરી માટે હતી તે પારુલ માટે ક્યારેય નહોતી અનુભવાતી. પારુલ પણ એ સમજી રહી હતી, એ ક્યારેય મારા પર દબાણ લાવવાની કોશિશ પણ નહોતી કરતી. ઘણી વખત હું ને માધુરી પણ મળતાં,

પણ પહેલાં જેટલું ખુલીને વાતો ન કરી શકતાં, બન્ને વચ્ચે થોડું અંતર વધતું હોય એમ લાગતું.

***

અંતર વધી રહ્યું હતું.

હા, પણ જયારે પારુલ સાથે હોઉં ત્યારે! એકલો પડું ને તેનો વિચાર ન આવે એવું તો ક્યારેય નહોતું બન્યું.

એમને મારા મન કે દિલમાંથી નિકાળવાનો તો મેં પ્રયાસ પણ કદી નહોતો કર્યો. હવે મને લાગતું કે હું બે નાવ પર સવાર છું અને એ બન્નેની દિશાઓ પણ અલગ અલગ છે. મારે જલ્દીથી કોઈ નિર્ણય લેવો જ પડે. શું કરવું, કોને કહેવું, ક્યાં જવું! કંઈજ સમજમાં નથી આવતું.

પારુલ સારી છોકરી છે, સમજદાર છે, મને આટલો સમય પણ આપ્યો વિચારવા માટે. એ મારો પ્રશ્ન છે કે હું કોઈ નિર્ણય નથી લઈ શકતો. હવે એની લાગણીઓ સાથે વધારે રમત ના કરી શકું. કોઈની સારાઈનો ફાયદો ના ઉઠાવી શકાય. પણ હું માધુરીને નથી ભૂલી શકતો, જેના કારણે આગળ જતાં પારુલ સાથે હું ન્યાય ન કરી શકું એવું પણ બની શકે. જે હું બિલકુલ નથી ઇચ્છતો. જે જ મળીને બધું સોર્ટઆઉટ કરવું પડશે એમ વિચારી હું પારુલ ને મળ્યો.

"પારુલ, મારે તમને એક વાત કહેવી છે.!"

"તો કહો ને." પારુલ બોલી.

"આઈ 'મ સોરી પણ..." જુઓ હું તમારું દિલ નથી દુખાવા માંગતો પણ આજે કહેવું જ પડશે. તમે ખુબજ સારાં છો, તમને લગ્ન માટે ના કહેવાનું તો કોઈ કારણજ નથી મારી પાસે. "પણ મને શંકા છે કે જે સ્થાન માધુરીનું છે તે તમને ક્યારેય આપી શકિશ કે નહિ.! પણ હા, એક સારા મિત્રની જેમ હું જિંદગીભર તમારી સાથે તો રહીજ શકું એટલી તો ખાતરી છે."

પારુલ મારી તરફ જોઈ રહી બસ, કશું જ બોલી નહીં. તેના મોં પર એક ન સમજી શકાય એવું સ્મિત હતું.

"કેમ તમારે કંઈ નથી કહેવું ?" તેની આંખો માં જોતાં મેં પૂછ્યું.

"કહેવું છે, પણ આજે નહીં." બે દિવસ પછી, આ જ સમયે અહીંજ મળીશું." કહી તે ચાલી નીકળી. હું તેને બધાની જેમ જતાં જોઇ રહયો,કંઈજ સમજ ના પડી. કેમ બે દિવસ! શું થસે બે દિવસ પછી.!

***

આજે હું તેની રાહ જોતો પાર્કમાં બેઠો છું. મોટાભાગે તો એ મારી પહેલાં આવી જતી, મારા મનમાં તો વિચારો નું તાંડવઃ શરૂ થઈ ગયેલું! કેમ એને બે દિવસનો સમય માંગ્યો,આજે આવશે કે નહીં, આવશે તો શું કહેશે !

"બહુ રાહ જોવી પડી ? સોરી ! એક જરૂરી કામ પતાવવાનું હતું એમાં મોડું થઈ ગયું."તે આવતાની સાથે બોલી અને મારી નજીક આવી બેસી ગઈ.

"કોઈ વાંધો નહીં." મેં કહ્યું."હા, તો તે દિવસે તમે શું કહેતા હતા, ફરી કહો." મારી સામે એકીટશે જોતાં બોલી.

"હું, કહેતો હતો કે......" મને સમજાતું જ નહોતું કે કયાંથી શરૂ કરવું.

"તમે બેફિકર બોલી શકો છો, મને ફ્રેન્ડ કહો છો ને તો ફ્રેન્ડ્સ માં શું વિચારવાનું, જે મનમાં હોય તે કહી નાખો." પારુલ મારો હાથ પોતાના હાથમાં લેતાં બોલી. મને લાગ્યું કે જાણે મને બોલવાની હિંમત મળી ગઈ.

"પારુલ એ વાતમાં કોઈ શંકા નથી કે હું તમને એક ખાસ ફ્રેન્ડ સમજું છું. અને તમારી સાથે લગ્ન પણ કરીશ. બને ત્યાં સુધી તમારી લાગણીઓ ને માન પણ આપીશ, હું કોશિશ કરીશ કે તમેં મારા કારણે દુઃખી તો ક્યારેય નહીંજ થાવ. પણ માધુરી મારો પહેલો પ્રેમ છે જે હું ક્યારેય નહીં ભૂલી સકું. એથી મને ડર એ વાતનો છે કે હું તમારી સાથે અન્યાય ન કરી બેસું."મેં મારું દિલ તેની સામે ખોલી નાખ્યું. જે હતું બધું કહી નાખ્યું.

થોડી વાર શાંતિ પ્રસરી રહી, કોઈ કશું જ ન બોલ્યું. એ મારી સામે જોઈ રહી અને હું તેની સામે, એના ચહેરા પર એક અકલ્પનિય ભાવ હતો.

"બસ કે!, હવે કંઈ કહેવાનું બાકી છે? તો કહી દો, આજ પછી તમારી સાથે હું કદાચ આ વિષય પર વાત ન પણ કરું." પારુલ બોલી.

મારાથી કંઇજ ન બોલાયું. બસ તેની સામે જોઈ રહ્યો તેની આંખોમાં ચમક હતી તો મારી આંખોમાં ભીનાશ.

"ઠીક છે તો ચાલો." કહી તે મારો હાથ પકડી ચાલવા લાગી.

****

"મને કહેશો આપણે ક્યાં જઈએ છી એ ? હું રણચંડી બનેલી પારુલની પાછળ પાછળ ઢસડાતો જતો હતો

"તળાવ પરથી ધક્કો મારવો છે તમને! ચાલો." તે બોલી, તમારું બીજું તો કંઈ થઈ શકે એમ નથી." કહેતી મને રીતસર ખેંચીને ચાલતી રહી.

"અરે એવુંતો કોઈ કરતું હશે ? સોરી પારુલ.

તમે જ તો કહ્યું કે આપણે ફ્રેન્ડ્સ છીંએ, એટલે તો મેં બધી વાત કરી તમને."

"હું તમારી સાથે લગ્ન કરવા પણ તૈયાર છું,"

"પ્લીઝ મને છોડી દો."

તે અચાનક ઉભી રહી ગઈ. ને બોલી.

"કેમ, બીજી માધુરી બનાવવી છે મને ? ચૂપ ચાપ આવો મારી સાથે."

પાર્ક માથી નીકળી ઓટો લીધ ને સીધી મારા ઘર પાસે આવી ઉભી રાખી. એ શું કરવા માંગે છે એ તો મને સમજાતું જ નહોતું. મારા ઘરનો દરવાજો પણ ખુલ્લો જ હતો. મેં અંદર જોયું તો બધા ત્યાં હાજર હતા. જાણે કે મારી જ રાહ જોઈ રહયા હોઈ. ત્યાં મારાં મમ્મી સાથે માધુરીના સાસુ-સસરા તેમજ એક તરફ માધુરી પણ બેઠી હતી. મને એવું લાગ્યું કે હું કોઈ ફિલ્મ જોઈ રહ્યો છું.

"મેં બધું ક્લીઅર કરી નાખ્યું છે, બધાં ને સમજાવી દીધું છે. હવે તમે જાણો ને માધુરીજી જાણે." આપણું કામ પૂરું. એ શું કહી રહી છે મને કંઈજ નહોતું સમજાતું.

"હા, ચિરાગ બેટા, અમને તારા અને માધુરીના સંબંધથી કોઈ વાંધો નથી, ઊલટું અમે તો ખુશ છીએ. જ્યારથી મારો દીકરો ઘર છોડીને ગયો ત્યારથી એ બિચારી એક દીકરીની જેમ અમારી સેવા કરે છે." માધુરીના સાસુ મારી પાસે આવી મારા માથાં પર હાથ રાખતાં બોલ્યાં.

"એને તો દીકરીની જેમ ફરજ નિભાવી હવે અમારો વારો છે, માતાપિતાની જેમ તેને વાળાવવાનો. હું આશા રાખુ છું કે તું અમારી દીકરીને ખરેખર ખુશ રાખીશ, અમે તો નક્કી કરી લીધું છે કે માધુરીનું કન્યાદાન પણ અમેજ કરીશુ." તેના સસરા પણ મને આશીર્વાદ આપતાં બોલ્યા.

હું તો બાઘાની જેમ બધું જોઈ રહ્યો, મને તો આ બધું એક ચમત્કાર જેવું લાગતું હતું. હું માધુરી પાસે ગયો અને ફિલ્મી સ્ટાઇલમાં ગોઠણ પર બેસી તેનો એક હાથ પકડીને બોલ્યો.

"માધુરી, હું આજે બધા વચ્ચે તમને પ્રપોઝ કરું છું, હું તમને ચાહું છું, સું તમે મારી સાથે લગ્ન કરશો ?"

"હા, પણ એક શરતે! માધુરી હસતાં હસતાં બોલી. તમારે મને તમે નહીં તું કહેવું પડશે, બોલો મંજુર છે ?"

"મંજુર તો તમારી બધી શરત છે, પણ તમેમાંથી તું થવામાં થોડો સમય લાગશે." હું પણ હસતાં હસતાં બોલ્યો.

"અરે યાર, આ કેવો માણસ છે, આને બધી વાતમાં સમય જોઈતો હોઈ, સમય ક્યાંકથી વેચાતો મળે તો તમારા લગ્નમાં હું ગિફ્ટમાં આપીશ." કહેતી પારુલ પણ હસી પડી.

આમતો હું આંખોના ભાવ સમજવામાં પહેલેથીજ થોડો કાચો હતો પણ આજે હું પારુલને જોઈને જ સમજી ગયો કે તે હસતી તો હતી પણ, તેની આંખ ના ખૂણાની ભીનાશ સ્પષ્ટ દેખાઈ આવતી હતી. હું અને માધુરી તેની પાસે ગયા અને તેનો આભાર માન્યો અને જીવનભર મિત્રો બની રહેવાનો વાયદો કર્યો.

***

આજે વર્ષો થઈ ગયાં આ ઘટનાક્રમ ને. હું અને માધુરી અમારા જીવનમાં સુખી છીએ, અને હજુ હું માધુરીને 'તમે' જ કહીને બોલવું છું. પારુલ પણ એકદમ સમજદાર પતિ સાથે એના સંસારમાં વ્યસ્ત થઈ ગઈ છે, અમે ચારેય ઘણી વખત સાથે ફરવા નીકળીએ છીએ અને એ બધા મળી મારી મજાક પણ ઉડાવે છે.

 


Rate this content
Log in

Similar gujarati story from Drama