હેટ સ્ટોરી
હેટ સ્ટોરી


એ રાતે અનિલના દરવાજે ટકોરા પડ્યા..તેને લાગ્યું કે જાણે તેના માથે હથોડા પડ્યા.!
તેણે મહામુશ્કેલીએ આંખો ખોલી...
પછી જે થયું તે અવર્ણનીય હતું..!
ચાલો છતાં પણ વર્ણન કરવાની કોશિશ તો કરું..!
વર્ષો પહેલાંની એ એક રાતની વાત છે..!
શ્રાવણ મહિનાના એ દિવસોમાં ધોધમાર વરસાદે આખાં શહેરનું જનજીવન ઠપ્પ કરી નાખેલું લોકોનું બહાર નીકળવું મુશ્કેલ બની ગયેલું અને વીજળીના પણ ધાંધિયા હતા.
હા! અને આજે પણ વીજળી ન હતી તો કેરોસીનના દીવા વડે જ ઘરનાં કામકાજ પતાવી અનિલ સુવા ગયો, કેરોસીન બચાવવા દીવો પણ ઓલવી નાખેલો, વીજળી ના ચમકારાને કારણે ઘરની બારીના કાચ વારેવારે ચમકી રહ્યા હતા, ગરમીને કારણે ઊંઘ આવવી આમ તો લગભગ અશક્ય જ હતી પણ જેમતેમ પડખાં ફેરવી ઊંઘવા મથી રહ્યો હતો, ઊંઘ આવવાની તૈયારી જ હતી અને લગભગ અડધી રાતનો સમય હશે,
અને એ પ્રકાશને કારણે આખા ઘરમાં અજવાસ થઈ જતો. અનિલ ભરઊંઘમાં હતો જ્યારે "ખટ ખટ" કરતો દરવાજો ખટખટાવવાનો એ અવાજ આવ્યો.
"આવી અડધી રાતે એ પણ ધોધમાર વરસાદમાં કોણ આવ્યું હશે" એમ વિચારતાં અનિલે મહામુશ્કેલીએ આંખો ખોલવા પ્રયત્ન કર્યો પણ તેને લાગ્યું કે આંખો ના પોપચાં પર બે મણનું વજન હોય!! જેમતેમ તે ઊભો થયો અને દરવાજે ગયો, હજુ દરવાજા પાસે પહોંચ્યો ત્યાં તો ફરી દરવાજો ખખડવાનો જોરદાર અવાજ આવ્યો, "અરે! અત્યારે કોણ હશે? અડધી રાતે! એ પણ મારા ઘેર! જે હોય તે અતિથિદેવો ભવ: ના સિદ્ધાંત પ્રમાણે દરવાજો ખોલવો જ પડે" એમ વિચારી અનિલે દરવાજા ના હોલમાંથી બહાર જોવા પ્રયત્ન કર્યો પણ ત્યાં કોઈ ન હતું તો પણ દરવાજો ખોલ્યો.
દરવાજો ખોલતાં જ તેના ધબકારા વધી ગયા..! કારણ કે ત્યાં કોઈ જ ન હતું. તેને આશ્ચર્ય થયું કે તો હોલમાંથી જોયું એ કોણ હતી..! અને ક્યાં ગઈ હશે..!
અનિલે બહાર નીકળી આજુ બાજુ તેને શોધવા પ્રયત્ન કર્યો પણ વરસાદ માં પલળી જવા સિવાય મને કશું ન મળ્યું. તેનાં બધાં કપડાં વરસાદના પાણીથી તરબતર થઈ ગયાં અને તે ઝડપથી ઘરમાં પાછો આવી ગયો. મનમાં એ જ વિચારો ભમતા રહ્યા કે એ કોણ હશે અને અચાનક ક્યાં જતું રહ્યું હશે! અનિલે કપડાં બદલાવી ફરી સુઈ જાવા નો નિર્ણય કર્યો અને શેલ્ફમાંથી બીજાં કપડાં લઈ બાથરૂમમાં ગયો અને કપડાં બદલવા લાગ્યો, તેને અચાનક જ બાથરૂમના મિરરમાં ઝાંખી આકૃતિ દેખાઈ, અનિલે ફરી જોવાનો પ્રયત્ન કર્યો પણ એ ગાયબ થઈ ગઈ, તેનો વ્હેમ હશે એમ વિચારી કપડાં બદલી તે પાણી પીવા માટે કિચન તરફ વળ્યો.
પણ મનમાં વિચારો ફરી રહ્યા હતા.!
ફ્રીજ ખોલ્યું તો ફ્રીજની લાઈટ ઝડપથી ચાલુ બંધ થઈ રહી હતી, તેણે ડર ના માર્યા દરવાજો 'ફટાક' કરતો બંધ કરી દીધો, ફરી વિચાર આવ્યો કે વીજળી તો છે જ નહીં તો લાઈટ કેવી રીતે ચાલુ થાય..! ફરી દરવાજો ખોલી ચેક કર્યું, આ વખતે તો બધું બરાબર જ હતું.
અનિલે માની લીધું કે આ જે કંઈ બની રહ્યું છે એ કાચી ઊંઘના કારણે તેનો વ્હેમ જ છે.
પથારીમાં જઈ ફરી ઊંઘવા પ્રયાસ કર્યો, પણ મગજ વિચારોના વમળમાં અટવાયું હોય એવું લાગ્યું..!
સતત એ જ વિચારો આવ્યે કરતા કે કોણ હશે જે દરવાજો ખખડાવી જતું રહ્યું! બાથરૂમમાં કોણ હતું, ફ્રીજની લાઈટ કેમ ચાલુ બંધ થઈ રહી હતી.?! આવા વિચારો વચ્ચે તે ઊંઘવાની કોશિશ કરતો રહ્યો.
બસ, ઝોકું આવવાની તૈયારી જ હતી ત્યાં ફરી દરવાજો ખખડવાનો અવાજ આવ્યો. "અરે યાર કોણ છે?!" બોલતાં બોલતાં તે ફરી ઊભો થયો દરવાજો ખોલી જોયું તો આ વખતે ત્યાં એક યુવતી ઉભી હતી અને મનમોહક હાસ્ય તેના મોં પર રમી રહ્યું હતું..! તો તેના હાથમાં એક મોટું બેગ હતું, કશું બોલ્યા વગર જ તે ઘરમાં પ્રવેશી ગઈ, અને સોફા પર જઈને બેસી ગઈ.
"એક ગ્લાસ પાણી આપશો પ્લીઝ.!" તે જેટલી રૂપાળી હતી એટલો જ તેનો અવાજ પણ સુંદર હતો.
તેના મનમાં ઘણા પ્રશ્નો હતા પણ એ બધા ભૂલી તે કિચનમાં દોડ્યો અને પાણીના ગ્લાસ સાથે તેની સામે હાજર થયો.
અનિલના હાથમાંથી ગ્લાસ લઈ તે ગટગટ કરતી આખો ગટગટાવી ગઈ, એ તેની સામે જોતો જ રહી ગયો, તેના ગળેથી જ્યારે પાણી ઉતરતું ત્યારે તેની ગરદન
પર આવતો ઉઠાવ એકદમ મદહોશ કરી દે એવો હતો.
અનિલને એકીટશે તેની સામે જોતાં પકડી પાડ્યો, "શું જુવે છે, છોકરી નથી જોઈ ક્યારેય?!"
"ના ના કશું નહીં." કહી અનિલે નજર ફેરવી અને કહેવા લાગ્યો, "તમે અત્યારે અહીં?એકલાં?! એ પણ આટલા બધા સામાન સાથે?"
"કેમ? એકલું ન નીકળી શકાય!" એ હસતી હસતી બોલી, "હું એકલી નથી, એકે હજાર છું." કહી તે ખડખડાટ હસવા લાગી. અનિલ પણ તેની વાત ને મજાક સમજી હસવા લાગ્યો.
"મારું નામ મિતાલી છે અને હું આઈ ટી ની સ્ટુડન્ટ છું." તે દયા ભરી નજરે અનિલ સામે જોતાં બોલી, "બાઈ ધ વે! મારે આજે રાત્રે અહીં જ રોકાણ કરવું પડશે કેમકે મારી કાર અહીંથી થોડે દૂર ખરાબ થયેલી પડી છે, અને આટલા વરસાદમાં મને નથી લાગતું કે હું બીજે ક્યાંય જઈ શકું!"
તેની વાત સાંભળી અનિલ થોડો ગભરાઈ ગયો અને બોલ્યો, "અરે પણ આમ અજાણ્યા અને એકલા પુરુષ સાથે એક જ મકાનમાં?" મિતાલીએ પોતાના હાથ જોડ્યા અને અનિલને કહેવા લાગી, "જુઓ મને કોઈ પ્રોબ્લેમ નથી અને હું તમને પણ કોઈ પ્રોબ્લેમ નહીં આવવા દઉં."
"ઓકે ઓકે! ઠીક છે, પણ હું એક સીધોસાદો માણસ છું તો મને થોડો ડર લાગે છે." અનિલે તેની સામે સોફા પર બેસતાં કહ્યું.
મિતાલી કોણ હતી, ક્યાંથી આવી હતી, તેનો ઈરાદો શું હશે..! એ તો ભગવાન જ જાણે..!
"તમે નિષ્ફિકર રહો, અત્યારે ડરવાની કોઈ જરૂર નથી!" કહી એ ફરી ખડખડાટ હસી પડી.
"અત્યારે! મતલબ..!"
અનિલ એનો કહેવાનો મતલબ સમજી ન શક્યો, "અત્યારે મતલબ!? પછી ડરવું પડશે એમ?" અનિલે ડરતાં ડરતાં પૂછ્યું.
"અરે ના ના, હું તો મજાક કરું છું, અત્યારે કે પછી તમારે ડરવાની જરૂર જ નથી, એ કામ તો મારું છે, હું જ થોડી ડરપોક છું." મિતાલીએ પોતાની વાત ને વાળતાં કહ્યું.
અનિલને તેની વાતો પરથી શંકા પડી, તેની સાથે રહેલી બેગ તરફ જોયું તો તેની બેગ પર લોહી જેવા લાલ ડાઘ લાગેલા હતા.
"અરે ટેન્શન ન લો, એ ટોમેટો કેચપ ના ડાઘ છે, મને બહુ ભાવે એટલે હું ગમે ત્યાં ખાવા લાગું અને હું છું પણ થોડી બેદરકાર, અંદર જ કોઈ પેકેટ ફાટી ગયું હશે એટલે ડાઘ પડી ગયા કદાચ." અનિલને તેનું વર્તન એવું લાગ્યું કે તે કોઈ ચોરી કરતાં પકડાઈ ગઈ હોય અને પોતાનો બચાવ કરતી હોય, પણ અનિલ વધુ વિચાર્યા વગર જ જતું કરી મિતાલીને કહેવા લાગ્યો, "સામે બાથરૂમ છે તેમાં તમે ફ્રેશ થઈ શકો અને મારો નાઈટ સૂટ પહેરી શકો છો, એક મિનિટ આપું." કહી તે પોતાના બેડરૂમ તરફ ચાલતો થયો.
થોડી વારમાં તે કપડાં સાથે પાછો ફર્યો ત્યારે મિતાલી ત્યાં ન હતી અને બાથરૂમમાંથી પાણી નો અવાજ આવી રહ્યો હતો.
તે ત્યાં જ સોફા પર બેસી તેની રાહ જોવા લાગ્યો, પણ તેની નજર બેગ પરથી હટતી જ નહોતી એ ડાઘ શાના હશે એ જ વિચારી રહ્યો હતો ત્યાં જ, થોડી જ વારમાં "ટોવેલ પ્લીઝ!" એવો બાથરૂમ માંથી મિતાલી નો મધુર અવાજ સંભળાયો.
તે એક હાથમાં ટુવાલ લઈ બાથરૂમ પાસે ગયો અને દરવાજા પર નોક કર્યું, મિતાલીએ તેનો એક હાથ બહાર કાઢ્યો અને હવામાં આમતેમ ફેરવવા લાગી, તેનો ભીનો અને ઉઘાડો હાથ જોઈ અનિલના તો ધબકારા અટકી ગયા! એકદમ માખણ જેવો સુંવાળો અને ગોરો હાથ હતો તેનો, અનિલે તેને ટુવાલ અને કપડાં આપ્યાં ફરી સોફા પર બેસી ગયો અને પોતાના વધી ગયેલા ધબકારા પર કાબૂ મેળવવાની કોશિશ કરતો રહ્યો.
પાંચેક મિનિટમાં તે બહાર આવી, નાઈટ સૂટમાં તે એકદમ આકર્ષક લાગી રહી હતી, તેના માથા પરથી પાણી ની બુંદો તેના નાક પર થઈને તેની છાતી પર ટપકી રહી હતી.
અનિલની નજર તેની સામે જ ચીપકી રહી, મિતાલીએ પોતાના વાળ ઝાટક્યા અને તેમાંથી ઉડેલ ઠંડા પાણીના છાંટા અનિલને હોશમાં લાવવા પૂરતા હતા, અનિલ ઝબકી ગયો અને પોતાની નજર ફેરવી લીઘી.
મિતાલીની ભીની ઝુલ્ફો માંથી ઉડેલ પાણીના છાંટા ને કારણે અનિલે તેના પરથી પોતાની નજર ફેરવી લીઘી, અનિલનું આ વર્તન મિતાલીની નજરોથી અછાનું ન રહ્યું.
અનિલને વધુ મદહોશ બનાવવા મિતાલીએ બંને હાથનાં આંગળીઓ એકબીજામાં પરોવીને હાથ ઊંચો કરી અલગ જ અંદાજમાં મદહોશિભરી અંગડાઈ એક અંગડાઈ લીધી એ જોઈ અનિલ તો પાગલ જ થઈ ગયો.
મિતાલી તેની પાસે જઈ સોફા પર બેસી ગઈ, "કેવાં લાગે છે તમારાં જ કપડાં મારા પર?!" આંખ મિચકારી તે હસવા લાગી, "તમે ઘેર આવેલ મહેમાનને ભૂખ્યાં સુવડાવો છો કે?"
"ના ના, એવું બિલકુલ નથી, બોલો શું ખાશો, સેન્ડવિચ ચાલશે કે બટાકા પૌંવા? હમણાં જ બનાવી આપું, જે તમે કહો તે!" કહેતાં અનિલ રસોડાં તરફ ચાલતો થયો.
પોતાના એક હાથે મનાઈનો ઈશારો કરી એ કહેવા લાગી, "ના, એ બધું મને ન ફાવે હું તો ત્રણે ટાઈમ નોનવેજ જ ખાઉં છું, ચિકન, મીટ કે એવું કશું હોય તો ચાલે." તેની વાત સાંભળી અનિલે તેની સામે જોયું તો તે જ્યારે બોલી રહી હતી ત્યારે તેના ચહેરા પર એક અજબ હાસ્ય રમી રહ્યું હતું.
અનિલને એની વાતો થોડી અજીબ લાગી રહી હતી પણ એ વધુ વિચાર્યા વગર જ કહેવા લાગ્યો, "મારી પાસે એવું બધું તો નથી પણ ઈંડાં છે, જો એ ચાલે તો."
ઈંડાં નું નામ સાંભળી તે એકદમ જ ઉભી થઇ ગઇ, "ક્યાં છે! જલ્દી બોલો, એ તો મને બહુ ભાવે કહે એ દોડી ફ્રીજ તરફ અને ફ્રીજ ખોલી ઈંડાં ની ટ્રે માંથી એક પછી એક ઈંડું લઈ કાચેકાચું જ ખાવા લાગી.
તેને કાચાં ઈંડાં ખાતી જોઈ અનિલને ચિતરી ચઢી ગઈ, એ વિચારવા લાગ્યો કે 'કોઈ આવી રીતે કાચું ઈંડું કઈ રીતે ખાઈ શકે..!'
એને ક્યાં ખબર હતી કે આ કાચું ઈંડું ખાનારી કઈ બલા છે, અને એ રાતે તેની સાથે શું શું વિતાવાનું હતું..!!
એકપછી એક ઈંડું કાચેકાચું જ મોંમાં પધરાવતી જતી અને કચડ-કચડ અવાજ સાથે કકડાવી રહી હતી, તેના મોંમાંથી ઈંડાં નો રસ નીકળી તેની હડપચી પરથી વહી તેની ધાર બુંદો બની નીચે તેના પગ પર ટપકી રહી હતી, મિતાલી તેને પોતાના હાથ વડે લૂછીને આંગળા ચાટી રહી છે.
તેને આ રીતે કાચાં ઈંડાં ખાતાં જોઈ અનિલને ચિતરી ચઢી ગઈ, એ વિચારવા લાગ્યો કે 'કોઈ આવી રીતે કાચું ઈંડું કઈ રીતે ખાઈ શકે..!' તેને સૂગ ચઢી રહી હતી, પણ મિતાલીને તો જાણે કે મજા આવી રહી હોય એમ બધાં ઈંડાં ખતમ થયા પછી જ એક મોટા ઓડકાર સાથે નાસ્તાના પ્રોગ્રામની પૂર્ણાહુતિ કરી અને અનિલ પાસે આવી બેસી ગઈ.
"મને નથી લાગતું કે તમારે હવે વધુ નાસ્તાની કોઈ જરૂર પડે." અનિલ ઊભો થયો અને "ગૂડ નાઈટ" કહી તે પોતાના બેડરૂમ તરફ ચાલતો થયો.
"ગૂડ નાઈટ એન્ડ સ્વીટ ડ્રિમ્સ..! ટેક કેર..!" મિતાલી એકદમ ખંધુ હસતાં બોલી.
અનિલ પાછો ફરી કહેવા લાગ્યો, "આપ ચાહો તો બેડ પર સૂઈ શકો છો, હું અહી સોફા પર એડજસ્ટ કરી લઈશ, તમે મહેમાન કહેવાઓ." બોલતાં અનિલ થોડો હસ્યો તો સામે મિતાલી પણ હસી.
"ઓકે" કહી કોઈ પણ ફોર્માલિટી વગર તે બેડરૂમમાં જતી રહી અને માથાં સુધીની ચાદર તાણી સુઈ ગઈ.
અનિલે સોફા પર લંબાવ્યું અને ફરી ઊંઘવા પ્રયત્ન કરવા લાગ્યો.
થોડી વાર પછી તેને લાગ્યું કે જાણે કોઈ દુઃખથી કણસી રહ્યું હોય એવો અવાજ આવી રહ્યો હતો, પણ એ મિતાલીનો અવાજ બિલકુલ નહોતો, એ કોઈ પુરુષના અવાજ જેવો લાગ્યો, અનિલે રજાઈ ઉંચી કરી બહાર જોયું તો મિતાલી તો બેડ પર આરામથી સૂતી જ હતી.
અનિલને ડર તો લાગ્યો પણ તેને એ જાણવાની ઈચ્છા થઈ કે આ હાસ્ય કોનું છે, તે હળવેકથી ઉઠ્યો અને આજુબાજુ જોવા લાગ્યો કે આ અવાજ કોનો છે, થોડી વાર આમતેમ જોયા બાદ એ અવાજ મિતાલી સાથે લાવેલ બેગ માંથી આવી રહ્યો હોય એવું લાગ્યું.
તે બેગ પાસે ગયો તો બેગ હલવા લાગી..!
અનિલના દિલમાં તો ફાળ પડી ગઈ, તેને પોતાની આંખો પર વિશ્વાસ નહોતો બેસતો કે આ તે શું જોઈ રહ્યો છે.!
એ કશું કરે કે વિચારે એ પહેલાં જ તેને મિતાલીનો અવાજ સંભળાયો, "હેલો, મિસ્ટર! બહુ ગરમી થાય છે, એ.સી. ચાલુ કરો ને."
અનિલ બેગ પાસેથી ખસી ગયો, મિતાલી ના બેડ પાસે ગયો અને કહેવા લાગ્યો કે "મેડમ મારી પાસે એ.સી. નથી બસ આ એક જ પંખો જ છે અને એ પણ વીજળી ન હોવાથી બંધ છે, સોરી હવે આનાથી વધુ સહાયતા નહીં કરી શકું હું આપની." પોતાના હાથ હવામાં ઉલાળતાં અનિલે કહ્યું.
"ઇટ્સ ઓકે.!" કહી મિતાલી પડખું ફરી સુઈ ગઈ.
અનિલે સુવા માટે ઘણી કોશિશો કરી પરંતુ તેની તો ઊંઘ જ ઊડી ગયેલી, તેની નજર વારેવારે પેલી બેગ પર જતી રહેતી, શું હશે એ બેગમાં!! શાના ડાઘ હશે તેના પર..! કદાચ લોહી ના..! એ વિચારી તેની ઊંઘ હરામ થઈ ગઈ.
થોડા સમય બાદ તેને લાગ્યું કે મિતાલી ઘસઘસાટ સુઈ ગઈ છે ત્યારે તે હળવેકથી ઊભો થઇ બેડરૂમનો દરવાજો બહારથી બંધ કરી નાંખ્યો અને બેગ પાસે આવી શું કરવું એ વિચારવા લાગ્યો, પહેલાં તો એને એમ થયું કે કોઈનું પર્સનલ બેગ ખોલવું એ સારી અદાત ન કહેવાય પણ પછી પોતાની શંકા ના સમાધાન માટે તે સિવાય કોઈ રસ્તો જ નથી એમ વિચારી એ બેગને ખોલવા લાગ્યો, બેગ ખુલી અને તેની અંદરનું દ્રશ્ય જોયું તો જાણે કે તેના ધબકારા જ અટકી ગયા, બેગમાં ટૂંટિયું વાળીને નિર્વસ્ત્ર હાલતમાં એક યુવાન પૂરાયેલ હતો, તેના મોં પર કસકસાવી ને પટ્ટી બાંધેલ હતી, જેના આખા શરીર પર ચાકુ અને બીજા હથિયારો ના નિશાન હતાં, અનિલે ચેક કર્યું તો તેના શ્વાસોશ્વાસ ચાલી રહ્યા હતા પણ એ બેભાન હોય એવું લાગ્યું.
અનિલના આખાં શરીરમાં કંપારી છૂટી ગઈ, કોણ હશે આ યુવાન..! મિતાલીની બેગમાં કેવી રીતે આવ્યો હશે..! મિતાલી કોણ છે..! કોઈ ખૂની..! કોઈ સાઇકો..! આવા ઘણા પ્રશ્નો તેના મગજમાં ભમવા લાગ્યા.
કોણ હશે આ માણસ? મિતાલીની બેગમાં કેવી રીતે આવ્યો હશે એ વિચારી અનિલ એકદમ પરેશાન થઈ ગયો,
રસોડામાંથી પાણી લાવી પેલા માણસ પર પાણી છાંટ્યું અને તેને ભાનમાં લાવવાની કોશિશ કરવા લાગ્યો, પણ કોઈ ફાયદો ન થયો, એવામાં અચાનક બેડરૂમનો દરવાજો ખખડવાનો અવાજ આવ્યો.
અનિલ ચોંકી ગયો અને જલ્દી જલ્દી બેગને જેમ હતી એમ કરીને દરવાજા તરફ દોડ્યો, દરવાજો ખોલ્યો તો મિતાલી આંખો ચોળતી સામે જ ઉભી હતી, "એક તો આટલી ગરમી થાય છે ને ઉપરથી તમે દરવાજો લોક કરી નાખ્યો, કેમ સૂવું મારે..!" કાચી ઊંઘમાં ઉઠેલ બાળક જેવા એકદમ નિર્દોષ ચહેરા સાથે એ બોલી.
મિતાલીની વાત સાંભળી અનિલ વિચારમાં પડ્યો, "આટલી સીધીસાદી દેખાતી આ છોકરીનું રહસ્ય શું હશે.! કોઈ ખરાબ ઈરાદા સાથે આવી હોય તો અત્યાર સુધીમાં મારી સાથે કશું કેમ ન કર્યું?" અનિલની તો જાણે વિચાર શક્તિ જ અટકી ગઈ.!!
બેડરૂમનો દરવાજો ખુલો રાખી તે સોફા પર સુઈ ગયો પણ તેની ઊંઘ ઊડી ગયેલ હતી, વિચારોનું એક તોફાન તેના મસ્તિષ્કમાં ચાલી રહ્યું છે, તેની નજર ક્યારેકમાં બેગ તરફ તો ક્યારેક મિતાલી તરફ ફરતી રહી, આજની રાત તેને બહુ લાંબી લાગી રહી હતી.
એ ઉઠ્યો અને મિતાલીની બેડ પાસે ગયો, વીજળી ના પ્રકાશમાં બારીએથી આવતો પ્રકાશ મિતાલી ના ચહેરાને ચમકાવી રહ્યો હતો, તે એકદમ નિર્દોષ બાળક જેવી લાગી રહી હતી, તેની સુંદરતા ભલભલાને મોહિત કરીદે એવી હતી, અનિલ પણ તેની તરફ આકર્ષાઈ રહ્યો હતો.
તે થોડી વાર ત્યાં જ ઊભો રહ્યો અને મિતાલી ને જોતો રહ્યો,
અચાનક મિતાલીની આંખો ખુલી, અનિલને પોતાની સામે જોઈ એ અવાક્ થઈ ગઈ અનિલ પણ થોડો ખચકાયો, "અરે! મિસ્ટર શું જુઓ છો? ઈરાદા તો સારા જ છે ને આપના?" મિતાલીએ એકદમ માદક અવાજમાં કહ્યું. અનિલ થોડો ઝંખવાયો, "ના ના, એવું કશું નથી હું તો એ જોવા આવેલો કે તમને ગરમી થાય છે કે નહીં.!" અનિલે પોતાના બચાવમાં કહ્યું, અનિલ એ નહોતો સમજી શકતો કે પોતે શું કરવું! મિતાલીથી ડરવું કે તેને સામેથી જ પૂછી હકીકત જાણવી!
"મિતાલી એક વાત પૂછું?" અનિલે હિંમત એકઠી કરી પૂછી જ નાખ્યું, "આ તમારી સાથે જે બેગ છે એમાં શું છે?"
મિતાલી ઝબકીને બેઠી થઈ ગઈ, "અરે! કંઈ નથી એમાં, મારાં કપડાં અને ખાવાનું છે."
અનિલે તેની વાત કાપતાં કહ્યું, "કેમ જૂઠું બોલે છે? મેં જોયું એમાં એક માણસ છે! એ પણ બેભાન હાલતમાં!! સાચેસાચું કહી દો તમે કોણ છો અને તમારો ઈરાદો શું છે?"
પોતે પકડાઈ ગઈ હોય એવું લાગવાથી મિતાલી થોડીવાર મૂંઝવણમાં પડી ગઈ અને પછી રડવા લાગી, "તે મારો બોયફ્રેન્ડ છે, રાહુલ, એ મને બહુ પરેશાન કરતો, મારા અંગત વીડિયો અને ફોટો બતાવી મને બ્લેક-મેઈલ કરતો, ઘણા સમયથી એ મારા ઘર અને સમાજમાં મને બદનામ કરવાની ધમકીઓ આપતો, હું તેનાથી કંટાળી ગયેલી તો આજે મને ખૂબ ગુસ્સો આવતાં આવેશમાં આવી મેં તેને ઊંઘમાં જ સજા આપી દીધી, પણ મેં તેને માર્યો નહીં અને મને લાગ્યું કે મેં બહુ મોટી ભૂલ કરી નાખી, હવે પોલીસ અને કોર્ટ ના ચક્કર થઈ જશે તો!! મારી ખૂબ બદનામી થશે સાથે સાથે મારા પરિવારની પણ એટલે તેને લઈ અમારાં ફાર્મ હાઉસ જતી રહેવાનો નિર્ણય કર્યો, ત્યાં તેના માટે ડોક્ટર બોલાવી તેને ઠીક કરી છોડી મુકીશ એવું વિચાર્યું અને ચાલી નીકળી પણ મારી ગાડી ખરાબ થઈ જવાથી મારે અહીં રોકાવું પડ્યું અને તમને મારા કારણે પરેશાની થઈ, એ માટે હું દિલગીર છું, આઈ એમ સોરી!!"
પોતાના બચવમાં એનું લાબુંલચક ભાષણ સાંભળી અનિલ વિચારમાં પડ્યો તેને હજુ શંકા હતી તેના પર, પરંતુ તેને રડતી જોઈ તે પીઘળી ગયો અને રસોડામાંથી પાણીનો ગ્લાસ લાવી તેની સામે ધરતાં બોલ્યો, "ઈટ્સ ઓકે! બધું સારું થઈ જશે, તમે આરામથી સુઈ જાવ, સવારે હું તમને મદદ કરીશ તમારી મંજિલ પહોંચવામાં."
અનિલની વાત સાંભળી મિતાલીને થોડી રાહત મળી, પાણી પીધું અને રડતાં રડતાં અચાનક જ તે અનિલને વળગી પડી.
અનિલ તેને શાંત પાડતો તેના માથાં અને વાંસા પર હાથ ફેરવતો રહ્યો, મિતાલીના શરીરમાંથી આવતી પરસેવા મિશ્રિત એક અનોખી માદક ખૂશ્બુ તેને મદહોશ કરી રહી હતી, જેના કારણે અનિલને તે પોતાના પરનો સંયમ ગુમાવી રહ્યો હોય એવું લાગતું હતું.
ચોમાસાની મેઘલી રાતનો એકાંતમય અંધકાર અને એકમેકને ભેટેલાં બે યુવાન હૈયાં ઉપરથી મિતાલીના શરીરમાંથી આવતી એક આકર્ષક અને માદક ખુશ્બુ ને કારણે અનિલે પોતાનો સંયમ ગુમાવ્યો અને મિતાલી ને શાંત કરતાં કરતાં પોતે ક્યારે અશાંત થઈ ગયો એ અનિલને પોતાને પણ ન સમજાયું.
અંતે એ જ થયું જે એક યુવાન અને એક ખૂબસુરત યુવતી વચ્ચે થવું સામાન્ય હતું, થોડી વાર પહેલાં જ મળેલાં બંન્ને એ રીતે પ્રેમરાગમાં ડૂબી ગયાં કે જાણે ભવોભવની ઓળખાણ હોય..! અને તેઓનાં બે શરીર એક થઈ ગયાં.
થોડી વાર બાદ બંન્ને પરસેવામાં નાહી રહ્યાં અને પોતાના વધી ગયેલા ધબકારા અને શ્વાસોચ્છવાસ પર કાબૂ મેળવવાનો પ્રયત્ન કરતાં એમ જ બેડ પર પડી રહ્યાં,
તૃપ્ત થઈ ગયેલા અનિલને ક્યારે ઊંઘ આવી ગઈ ખબર જ ન પડી અને તે ઘસઘસાટ ઊંઘી ગયો.
સારી વાર પછી જ્યારે તેની ઊંઘ ઊડી ત્યારે બંધ આંખે જ તેનો હાથ બેડ પર મિતાલી ને શોધવા માટે આમતેમ ફરતો રહ્યો પણ મિતાલી ત્યાં ન હતી, અનિલે આંખો ખોલી જોયું તો વીજળી પણ આવી ગઈ હતી, બેડરૂમમાં ચારે બાજુ તેની નજર ફરી વળી પણ મિતાલી બેડરૂમમાં ન હતી, તે આંખો ચોળતો ઊભો થયો અને બહાર આવ્યો તો દીવાનખંડમાં મિતાલીની બેગ જ્યાં હતી ત્યાં જ ખુલ્લી પડી હતી પણ તેમાં પેલો યુવાન કે જેને મિતાલી પોતાનો બોયફ્રેન્ડ રાહુલ કહે છે એ ન હતો..!
અનિલના ધબકારા વધી ગયા મિતાલી પણ ગાયબ અને પેલો યુવાન પણ..!! બંન્ને ક્યાં ગયાં હશે.?! ચોરી. !! કદાચ બીજો કોઈ ઈરાદો..! વગેરે.
હજુ તો અનિલ વિચારતો જ હતો ત્યાં રસોડાંમાંથી કશું કપાતું હોય એવો અવાજ આવ્યો, તે ફટાફટ એ તરફ દોડ્યો અને ત્યાનું દ્રશ્ય જોઈ તેના હોંશ ઉડી ગયા, એ મિતાલીની પીઠ જ જોઈ શકતો હતો, તેના હાથમાં લોહીથી ખદબદતું ચાકું હતું, અને તેના હાથ પણ લોહી વડે ખરડાયેલા હતા, લોહી તેના હાથ પરથી વહી કોણીએથી ટપકતું હતું અને નીચે પેલા યુવાન ની બંધાયેલી હાલતમાં પડેલી લાશ હતી, જેમાંથી આંતરડાં પણ બહાર આવી ગયેલાં હતાં અને આજુબાજુમાં લોહીનું મોટું ખાબોચિયું ભરાઈ ગયેલું હતું, મિતાલી તેના શરીર માંથી માંસના લોચા કાઢી કાઢી ખાવા લાગી..!! અચાનક જ પાછળ ડોકું ફેરવી અનિલ સામે નજર કરી એ જોરજોરથી હસવા લાગી, તેના મોંમાંથી પણ લોહીની ધાર તેના નિર્વસ્ત્ર શરીર પર પડી રહી હતી અને મિતાલી જીભ બહાર કાઢી તેને ચાટી રહી હતી, એ દ્રશ્ય અત્યંત ભયાનક અને દર્દનાક હતું!!
"શું કરવું?! સોરી!! પણ મને બહુ ભૂખ લાગી હતી.!" બોલતાં બોલતાં મિતાલી એટલું તો જોરથી હસી કે તેનું અટ્ટહાસ્ય આખાં ઘરમાં પડઘાઈ રહ્યું.
અનિલની હાલત તો કાપો તો લોહી જ ન નીકળે એવી થઈ ગયેલી, તે કશું બોલવા ગયો પણ તેનો અવાજ તેનાં ગળાંમાં જ અટકી ગયો, થોડીવાર પહેલાં જ જેની સાથે પ્રેમ સુખ માણ્યું એ સુંદર યુવતી આટલી ખતરનાક અને નિર્દય હશે એ તો તેની કલ્પનામાં પણ નહોતું આવતું !
સામે જોયેલું એ દ્રશ્ય અનિલ માટે અકલ્પનિય અને અસહ્ય હતું, અનિલ એ સહન ન કરી શક્યો અને ત્યાં જ બેભાન થઈ ઢળી પડ્યો.
જ્યારે હોશમાં આવ્યો ત્યારે તે એકદમ અકળામણ અનુભવતો હતો, માથું ફાટી જાય એવી દુર્ગંધ અકળામણમાં વધારો કરી રહી હતી, તે ટૂંટિયું વળેલી હાલતમાં દોરી વડે બંધાયેલો હોય એવું લાગ્યું અને ખુલ્લી આંખે પણ તેને કશું દેખાતું ન હતું, ચારેકોર અંધારું જ અંધારું હતું.
તેને સમજતાં વાર ન લાગી કે એ મિતાલીની બેગમાં જ હશે..!!
બીજા દિવસનાં છાપાંમાં સમાચાર હતા, "શહેરની બહાર અંતરિયાળ મકાનમાં રહેતો અનિલ નામનો યુવાન અચાનક લાપતા અને તેના મકાનમાંથી મળી આવી કટકે કટકા કરાયેલ લાશ જે કોની છે એ પતો લગાવવા પોલીસના ચાલી રહેલા પ્રયાસો."
સમાપ્ત.