ભૂતનો ડર
ભૂતનો ડર
પાર્શ્વી આજે ખૂબ ખુશ હતી. કારણ તેના મામા રઘુનાથ મુંબઈથી આવ્યા હતા. તેઓ બે દિવસ અહીં રોકાવવાના હતા. પાર્શ્વી માટે રઘુનાથભાઈ પોતાની સાથે ઢગલો રમકડા લાવ્યા હતા. રઘુનાથભાઈ તેમની સુટકેસમાંથી એક પછી એક રમકડા કાઢી પાર્શ્વીને દેખાડવા લાગ્યા. એ રમકડા જોઈ પાર્શ્વી ખુશીથી તાળી પાડી ઊઠતી. રઘુનાથભાઈએ સુટકેસમાંથી એક કઠપુતળી કાઢી કહ્યું, “બેટા, આ કઠપૂતળી મેં ખાસ તારા માટે રાજસ્થાનથી મંગાવી છે.”
કઠપૂતળી જોતા જ પાર્શ્વી છળી ઉઠી. કઠપુતળીને દુર ફેંકતા તે બોલી, “મામા, આ તમે શું બલા લઇ આવ્યા ?”
રઘુનાથભાઈએ અચરજથી પૂછ્યું, “બેટા, આ કઠપુતળી છે. રંગમંચ પર ખેલાતા ખેલમાં કઠપુતળીનો ખેલ સૌથી પ્રાચીન છે. હવે તો કઠપુતળીનો ઉપયોગ ફક્ત મનોરંજન પુરતો ન રહેતા વિવિધ ક્ષેત્રે થાય છે. જેમકે શિક્ષાપ્રદ કાર્યક્રમોમાં, રીસર્ચમાં તથા જાહેરાતોમાં તેનો ઉપયોગ ખૂબ થાય છે. આજ કારણે ૨૧મી માર્ચને ‘આંતરરાષ્ટ્રીય કઠપૂતળી દિવસ’ જાહેર કરાયો છે.”
પાર્શ્વી પરસેવે રેબઝેબ બોલી, “મામા, તમે નથી જાણતા. આ કઠપૂતળીમાં ભૂત હોય છે. તે રોજ રાતે જીવિત લોકોની હત્યાઓ કરે છે.”
“હે ભગવાન! બેટા, તને આ કોણે કહ્યું ?”
“એમાં કોઈએ કહેવાની શું જરૂર છે ? મેં મારી સગી આખે જોયું છે.”
“સગી આંખે જોયું છે ! કયા ?”
“પપ્પાએ એક ફિલ્મ બતાવી હતી તેમાં.”
“બેટા, કઠપૂતળીમાં તો ઈશ્વરનો વાસ છે. એક કથા અનુસાર ભગવાન શિવે કાષ્ટના બનેલા પૂતળામાં પ્રવેશી માતા પાર્વતીનું મનોરંજન કર્યું હતું. બસ ત્યારથી આ કઠપૂતળીની કલાનો જન્મ થયો હતો. હવે તું જ વિચાર કર કે જેમાં ઈશ્વરનો વાસ હોય તેમાં ભૂત કેવી રીતે વસી શકે?”
“મામા, કઠપુતળીમાં ભૂત હોય છે.” આમ બોલી પાર્શ્વી ગભરાઈને ત્યાંથી દોડી ગઈ.
બપોરે રઘુનાથભાઈ બાલ્કનીમાં બેસી બહારનું દ્રશ્ય જોઈ રહ્યા હતા. ત્યાં પાર્શ્વી તેમની પાસે આવીને બેઠી, “મામા, તમને સામે પેલો કુવો દેખાય છે ?”
“હા”
“ત્યાં રાતે ન જવાય.”
“કેમ !”
“કારણ રોજ રાતે ત્યાં કોઈકની ઝાંઝરનો અવાજ સંભળાય છે.”
“તેં ક્યારે એ ઝાંઝરનો અવાજ સાંભળ્યો છે?”
“ના. પણ મમ્મીએ સાંભળ્યો છે. તેણે જ મને કહ્યું હતું.”
રઘુનાથભાઈ ઊંડા વિચારોમાં ગરક થઇ એ અવાવરું કુવાને જોવા લાગ્યા.
સાંજે પાર્શ્વી આંગણમાં પડોશના બાળકો સાથે રમી રહી હતી. રઘુનાથભાઈ તેને આમ રમતા જોઈ આનંદ લઇ રહ્યા હતા. અચાનક પાર્શ્વીનો પગ લપસ્યો અને તે પડી ગઈ. રઘુનાથભાઈ તેને ઊઠાવવા જતા જ હતા ત્યાં પાર્શ્વીની દાદી ગંગાબા દોડતા આવ્યા. અને તેને ઉઠાવી લીધી. પાર્શ્વી ખૂબ રડી રહી હતી.
ગંગાબાએ પાર્શ્વીના પગને પંપાળતા કહ્યું, “બેટા, ચિંતા ન કરીશ હમણાં બધું ઠીક થઇ જશે.” ત્યારબાદ તેઓ ત્યાં ઊભેલા બાળકોને બોલ્યા, “કોઈ જઈને ભગાને બોલાવી લાવો એ આવીને પાર્શ્વીને અબઘડી ઠીક કરી દેશે.”
રઘુનાથભાઈએ આશ્ચર્યથી પૂછ્યું, “ડોક્ટરનું નામ ભગા છે ?”
ગંગાબા બોલ્યા, “ના. અહીં પડોશમાં જ રહેતો એક યુવાન છે. તેની પર માતાની કૃપા છે. તે ફૂંક મારી મડદાને પણ ઠીક કરી દે છે.”
રઘુનાથભાઈ કંઈક બોલવા જતા જ હતા ત્યાં ભગો આવી ગયો. રઘુનાથભાઈને આ બધું ગમી રહ્યું નહોતું. તેમનો અહીં જીવ ગૂંગળાઈ રહ્યો હતો. તેઓ અંદર ઓરડામાં જતા રહ્યા. એ રાતે પાર્શ્વી તેના દાદા ગણેશભાઈ પાસેથી વાર્તા સાંભળીને સુઈ ગઈ.
મોડી રાતે પાર્શ્વીની આંખ ખુલી. તેણે જોયું તો ઓરડામાં ગાઢ અંધારું હતું. ત્યાંજ કબાટ પાસે ખટ કરતો અવાજ સંભળાયો. પાર્શ્વીએ અવાજની દિશામાં જોયું તો ત્યાં કોટ પહેરેલો એક માણસ ઊભો હતો. તેના માથે હેટ હતી. તે માણસ એકીટકે પાર્શ્વીને જ જોઈ રહ્યો હતો. એકાએક એ વ્યક્તિની ઊંચાઈ વધવા માંડી અને તેનું માથું છત સાથે અડવા લાગ્યું. આ જોઈ પાર્શ્વીએ ગભરાઈને મોઢા પર ચાદર ઓઢી લીધી. થોડીકવાર રાહ જોયા બાદ તેણે ધીમેથી ચાદર ખસેડી જોયું. કબાટ પાસે કોઈ નહોતું. પાર્શ્વીએ રાહતનો શ્વાસ લીધો. ત્યાં તેની પાછળથી ધીમો અવાજ આવ્યો, “મને શોધી રહી છે ?”
પાર્શ્વીએ પાછળ વળીને જોયું તો એ માણસ તેની પાછળ ઊભો હતો ! પાર્શ્વી છળીને પલંગ પરથી કુદી પડી. ત્યાંજ કબાટ જાણે જીવિત થયો હોય તેમ તેમાંથી બે હાથ નીકળીને પાર્શ્વીને પકડવાનો પ્રયત્ન કરવા લાગ્યા. પાર્શ્વી ખસીને સોફા પાસે ગઈ તો સોફામાંથી પણ એક હાથ નીકળીને તેના પર ઝપટ્યો. પાર્શ્વી ગભરાઈને પલંગ નીચે પેસી ગઈ. તેણે જોયું તો ઓરડામાંની દરેક વસ્તુઓ જીવિત થઈને ફરી રહી હતી. જાણે તેને જ શોધી રહી ન હોય ! ભીંત પરની ઘડિયાળના કાંટા ઊલટા ફરી રહ્યા હતા. ત્યાં એક બોલ ઊછળીને પાર્શ્વી પાસે આવ્યો. બોલ ટપ ટપ કરતો થોડીવાર ઊછળીને હવામાં સ્થિર થઇ ગયો. આ જોઈ પાર્શ્વીનું હ્રદય ધબકવા લાગ્યું. અચાનક બોલ ઉછળીને પાર્શ્વીના મોઢા પર આવી પડ્યો. બોલના હુમલાથી પાર્શ્વી ડરીને પલંગ નીચેથી નીકળી. ત્યાંજ જાણે તેની ઇંતેજારી ન કરતો હોય ! તેમ સોફાએ તેને આવીને પકડી લીધી.
પાર્શ્વી તેની ભીંસમાંથી છૂટવાનો પ્રયાસ કરવા લાગી. હવે કબાટ અને ખુરશી-ટેબલે પણ તેને પકડવા પોતાના હાથ લંબાવ્યા. પાર્શ્વી એક ઝાટકો મારી સોફાની ચુંગાલમાંથી છૂટી. કબાટ અને બીજા ફર્નીચર તેને પકડવા દોડ્યા. આ જોઈ પાર્શ્વીએ દરવાજા તરફ દોટ લગાવી. તે દરવાજાની નજીક પહોંચી જ હતી કે દરવાજાએ જીભ બહાર કાઢી તેને ચાટવાનો પ્રયાસ કર્યો. પાર્શ્વી ઝડપથી બારણું ખોલી બહાર નીકળી ગઈ. પાર્શ્વીએ પાછળ વળીને જોયું તો કબાટ બારણામાંથી બહાર નીકળવાનો પ્રયાસ કરી રહ્યો હતો. પરંતુ તેના મોટા આકારને કારણે તે બારણામાં જ ફસાઈ પડ્યો હતો. તેના કારણે બીજા ફર્નીચર પણ ઓરડામાંથી બહાર નીકળી શકતા નહોતા. અચાનક એક ફૂલદાની કુદીને કબાટ પર ચઢી. પાર્શ્વી કંઈ સમજે એ પહેલા તો એ ફૂલદાની છલાંગ લગાવી પાર્શ્વી સામે આવીને ઊભી રહી. પાર્શ્વીએ ગભરાઈને કુવા પાસે દોટ લગાવી. ફૂલદાની તેને પકડવા તેની પાછળ ગબડવા લાગી.
પાર્શ્વી કુવા પાસે જઈ પહોંચી તો તેના પગ નીચેની ધરતી સરકી ગઈ. એક સફેદ સાડી પહેરીલી યુવતી ત્યાં ઉભી હતી. પાર્શ્વીએ જોયું તો તે યુવતીએ તેના મામાને પગથી પકડીને કુવામાં ઊંધા લટકાવ્યા હતા. મામાએ પાર્શ્વીને જોઇને ચીસ પાડી, “પાર્શ્વી, મને બચાવી લે. આ ડાકણ મને મારી નાખશે.”
અચાનક ડાકણે પાછળ વળીને પાર્શ્વી તરફ જોઈ સ્મિત કર્યું. અને તેના મામાના પગ છોડી દીધા. આ જોઈ પાર્શ્વી ચીસ પાડી ઉઠી, “મામાઽઽઽ” ઝબાક કરતી પાર્શ્વીના ઓરડાની લાઈટ ચાલુ થઇ.
“શું થયું બેટા?” પાર્શ્વીની મમ્મીએ પૂછ્યું.
પાર્શ્વીના પપ્પા વિજય અને મામા રઘુનાથ પણ ઓરડામાં દોડી આવ્યા, “પાર્શ્વીએ કેમ ચીસ પાડી ?”
પાર્શ્વી ખૂબ ગભરાયેલી હતી. તેનો શ્વાસ ફૂલી રહ્યો હતો. તે ખૂબ હાંફેલી હતી. ત્યાંજ ગંગાબા આવીને બોલ્યા, “ખસો તમે બધા અહીંથી. આમ મારી દીકરીની બાજુમાં ગર્દી કરીને તેને ઔર બીવાડાવો નહીં.”
બધાને પાસે ઊભેલા જોઈ પાર્શ્વીમાં હિંમત આવી. પાર્શ્વીની મમ્મીએ તેને પાણી આપ્યું. પાણી પીધા બાદ પાર્શ્વીને થોડી રાહત થઇ. તેણે માંડીને સઘળી વાત કરી. આ સાંભળી ગંગાબા બોલ્યા, “જોયું ? હું તો પહેલેથી કહેતી હતી કે આ ઘરમાં પ્રેતાત્માઓ વસે છે.”
ગણેશભાઈ બોલ્યા, “પણ આપણું સાંભળે કોણ.”
હવે માત્ર રઘુનાથભાઈ રોષે ભરાયા, “તમે બધા ચુપ રહો. આ બધું તમારા લોકોના કારણે જ થયું છે. આખો દિવસ નાની બાળકીના મનમાં વહેમ નાખ્યા કરો છો તેનું આ પરિણામ છે. કુવા પાસે ઝાંઝરનો અવાજ સંભળાય છે. ભગામાં માતાનો વાસ છે. શું છે આ બધું ? દિવસે દાદા દાદી પાસેથી ભૂતપ્રેતની વાહિયાત વાતો સાંભળે છે. અને રાતે તેના પિતા ઢંગધડા વગરની હોરર ફિલ્મો બતાવે છે. આ બધાએ પાર્શ્વીના કુમળા માનસ પર વિપરીત અસર કરી છે. હવે તેને નકામા વિચારો આવે છે. રમકડામાં પણ તેને ભૂત દેખાય છે. વળી આખો દિવસ જે જુએ અને સાંભળે છે તે જ તેને રાતે સ્વપ્નમાં દેખાય છે. બેટા, તે જોયું હતું તે સ્વપ્ન હતું. આ જો હું હેમખેમ તારી સામે ઊભો છું.”
રઘુનાથભાઈ હાથ પકડીને પાર્શ્વીને ઘરની બહાર લઇ આવ્યા. બહાર ગાઢ અંધકાર હતું.
પાર્શ્વીએ કહ્યું, “મામા, મને ક્યાં લઇ જાઓ છો?”
રઘુનાથભાઈ બોલ્યા, “ચુપચાપ મારી સાથે ચાલ.”
રઘુનાથભાઈ પાર્શ્વીને કુવા પાસે લઇ ગયા અને પૂછ્યું, “લે જો સંભળાય છે તને અહીં કોઈના ઝાંઝરનો અવાજ?”
પાર્શ્વીએ નકારમાં માથું હલાવ્યું.
“બેટા, આ બધી મનઘડત વાતો હોય છે. ભૂત જેવું કશું હોતું નથી.”
ઓચિંતો એક પડછાયો કુવામાંથી ઉપસી આવ્યો અને પલકારામાં મામાને કુવામાં ખેંચીને લઇ ગયો. પાર્શ્વી ગભરાઈને, “મામા. મામા.”ની બુમો પાડવા લાગી.
“આ જો આટલું સમજાવું છું છતાં જાગૃત અવસ્થાએ તું ભૂતોના સ્વપ્ન જોઈ રહી છે. હું અહીં જ છું પાર્શ્વી. મને કશું થયું નથી. આમ ભૂતોના ખોટા સપના જોવાનું બંધ કરી દે. આપણા પૂર્વજો બહાદુર હતા. ઝાંસી કી રાણી લક્ષ્મીબાઈ એકલે હાથે દુશ્મન સામે લડ્યા હતા. આમ ડરવું આપણને શોભે નહીં.”
પાર્શ્વી બોલી, “મને માફ કરી દો મામા આજ પછી હું ક્યારયે ભૂતપ્રેતની વાતો પર વિશ્વાસ નહીં કરું.”
પાર્શ્વીના દાદાદાદી અને માતાપિતા પણ ત્યાં ક્યારના આવીને ઊભા હતા. રઘુનાથભાઈની વાતો સાંભળી તેમની પણ આંખો ખુલી ગઈ. તેઓ એકીસાથે બોલ્યા, “અમને પણ માફ કરી દો. આજ પછી અમે પણ નાના બાળકોના મનમાં કદાપી નહીં નાખીએ ભૂતનો ડર.”