STORYMIRROR

Prashant Subhashchandra Salunke

Abstract Inspirational Children

3  

Prashant Subhashchandra Salunke

Abstract Inspirational Children

ડબ્બાનું રહસ્ય

ડબ્બાનું રહસ્ય

4 mins
15


હેલ્લો મિત્રો, મારું નામ સુધીર છે. અને આજે હું તમને મારા જીવનમાં બનેલી એક રસપ્રદ ઘટનાથી અવગત કરાવવા માંગું છું.

    અમે સ્કુલમાં હતા ત્યારે મારો એક મિત્ર હતો પંકજ. તે ખૂબ અનિયમિત અને બેદરકાર છોકરો હતો. સ્કુલમાં કાયમ મોડા આવવાના લીધે તેને શિક્ષકોનો ઠપકો સાંભળવો પડતો. રીસેસમાં પંકજ બધાનો નાસ્તો ઝાપટી જતો અને બદલામાં પોતાના ડબ્બાની ઝલક સુદ્ધાં કોઈને દેખાડતો નહીં. શરૂઆતમાં સહુ કોઈ પંકજને હોંશેહોંશે પોતાના નાસ્તાના ડબ્બામાંથી ભાગ આપતા. પરંતુ જયારે તેની આદતથી સહુ કોઈ પરિચિત થઇ ગયા ત્યારે કોઈ તેને પોતાનો ડબ્બો સુંઘવા પણ દેતું નહીં.

    પરંતુ પંકજ તેના નાસ્તાનો ડબ્બો અમને કેમ દેખાડતો નહોતો તે વાત અમારા માટે રહસ્ય બની ગઈ હતી. ધીમે ધીમે અમારી કુતુહલતા વધવા લાગી. પરંતુ પકંજ પણ અમારા કરતા ખૂબ હોંશિયાર હતો તે ક્યારેય અમને તેના ડબ્બાની ભનક લાગવા દેતો જ નહીં.

    આખરે એકદિવસ અમે સહુ મિત્રોએ પંકજ તેના નાસ્તાના ડબ્બામાં શું લાવતો હતો તે જોવાનું નક્કી કર્યું. રીસેસનો ઘંટ વાગતાની સાથે જ અમે સહુ કોઈ પંકજની પાટલી પાસે જઈને ઊભા રહ્યા. પંકજ અવાચક નજરે અમને જોઈ રહ્યો. થોડી ક્ષણો વીતી પરંતુ અમે અમારી જગ્યાએથી ખસવાનું નામ જ લીધું નહી.

    અકળાઈને પંકજે પૂછ્યું, “શું છે?”

    “અમે પણ એ જ જાણવા માંગીએ છીએ કે તારા ડબ્બામાં શું છે?”

    આ સાંભળી પંકજે દફતર પર પોતાની ભીંસ જમાવી. પરંતુ અમે પણ ક્યાં ઓછા હતા. મારા એક મિત્ર ધીરજે ઝડપથી પંકજના હાથમાંનું દફતર ઝુંટવી લીધું. અમે મિત્રોએ પંકજને કસીને પકડ્યો. હવે ધીરજે દફતરમાંથી ડબ્બો કાઢી અમને બતાવ્યો.

    મેં ઉત્સાહથી કહ્યું, “જલદી ડબ્બામાં જો શું છે?”

    ધીરજે ડબ્બો ખોલતાની સાથે અમે અવાચક થઇ ગયા.

    ડબ્બો ખાલી હતો.

    પંકજ રડમસ સ્વરે બોલ્યો, “મિત્રો, હું ગરીબ છું; તેથી ડબ્બામાં તમારા જેવી અવનવી વાનગીઓ લાવી શકતો નથી. ક્યારેક ક્યારેક અમારા ઘરમાં અન્નનો દાણો પણ હોતો નથી તેથી મારી માતા ખાલી ડબ્બો દફતરમાં મુકતા કહે છે કે, બેટા... આજે ડબ્બામાં મેં તારી માટે વહાલ ભરી આપ્યું છે.”

    અમારી આંખો અશ્રુથી ભીંજાઈ ગઈ. ઘણા દિવસોથી અમે પંકજને અમારા ડબ્બામાંથી ભાગ આપતા નહોતા. મતલબ આટલા દિવસ તે ભૂખ્યો જ રહ્યો હતો તે વિચારી અમે ધ્રુજી ઊઠ્યા. અમને અમારી જાતની શરમ આવવા લાગી. શું દોસ્તો આવા હોય? અમારા મનના પસ્તાવાને હળવો કરવા અમે પંકજની સામે અમારા નાસ્તાના ડબ્

બાઓનો ઢગલો લગાવી દીધો હતો. પંકજ પણ અમારા પ્રેમમાં ડૂબીને નાસ્તાની વાનગીઓની લિજ્જત માણી રહ્યો. એ દિવસે અમને સમજાયું કે વહેંચવાથી મનનો આનંદ વધે છે.

    આ પછી પંકજને ડબ્બામાંથી નાસ્તો આપવાનો અમારો રોજનો ક્રમ થઇ ગયો. ક્યારેક ક્યારેક કોઈ મિત્ર પોતે ભૂખ્યો રહેતો પણ પંકજને ખાવા પહેલા આપતો. કારણ ઘરે જઈને અમે તો જમી પણ લઈશું પણ પંકજ!

    એકદિવસ હું સ્કુલમાં આવ્યો ત્યારે મારો એક વર્ગમિત્ર આનંદ બારણા પાસે મારી રાહ જોતો ઊભો હતો.

    તેને જોઈ મેં પૂછ્યું, “શું થયું?”

    આનંદે મને તેની પાછળ આવવાનો ઈશારો કર્યો.

    હું અસમંજસમાં તેની પાછળ પાછળ દોરવાયો.

    આનંદ મને સ્કુલની પાછળ આવેલા મેદાન પાસે લઇ ગયો અને એકદિશામાં આંગળી ચીધી. મેં જોયું તો મારું મોઢું ખુલ્લુંનું ખુલ્લું રહી ગયું. ત્યાં મેદાનના એક ખૂણે બેસી પંકજ તેના ડબ્બામાં લાવેલ પીઝા અને બર્ગરને ઝાપટી રહ્યો હતો.

    આનંદે કહ્યું, “આ રોજે સ્કુલમાં આવતા પહેલા અહીં આવી પોતાનો ડબ્બો ખાલી કરે છે.”

    ઓચિંતી પંકજની નજરે અમારા પર જતા તેના હાથમાંનું બર્ગર ઝટકી ગયું. મેં રોષભેર તેની પાસે જઈને કહ્યું, “બદમાશ, નાસ્તાના ડબ્બામાંથી અમને ભાગ આપવો પડે નહીં એટલે તે દિવસે જુઠું બોલ્યો હતો?”

    પંકજે પણ રોષભેર કહ્યું, “જુઠું ન બોલું તો શું કરું? મારી મમ્મી મને નાસ્તામાં પીઝા, બર્ગર જેવી ચટપટી વાનગીઓ આપે છે. જયારે તમે લોકો એ જ શાક રોટલી અને બટાકા પૌઆ લઇ આવો છો. ત્યારે હું તેના બદલામાં મારી આ મોંઘામાંની વસ્તુઓ તમને કેવી રીતે આપું?”

    મેં શાંતિથી કહ્યું, “દોસ્ત, તારી વસ્તુઓ ભલે મોંઘી હોય પરંતુ તારા સ્વાસ્થ્ય માટે સારી નથી. તું પૈસા ખર્ચી બીમારીને ખરીદી રહ્યો છું. વળી દોસ્તો સાથે કેવો હિસાબ? અમે ક્યારે તને અમારી વસ્તુઓ આપતી વખતે એ વિચાર્યું કે તું અમને કશું આપતો નથી ત્યારે અમે તને શું કામ આપવું?”

    પંકજ નીચું જોઈ ગયો.

    પંકજના ડબ્બામાંનું રહસ્ય ખુલી જતા હવે તે પણ બધાની સાથે પોતાનો ડબ્બો વહેંચીને ખાવા લાગ્યો. પરંતુ એક વાત છે. એ બદમાશ તે દિવસથી ક્યારેય પોતાના ડબ્બામાં પીઝા બર્ગર લાવ્યો નહીં. કદાચ અમારી માટે તે શાક રોટલીવાળો બીજો ડબ્બો લાવતો હોય! મારા કેટલાક મિત્રોએ તેના દફતરમાં બે ડબ્બા હોવાની વાત પણ કરી હતી. જે હોય તે પણ સ્કુલમાં હજુપણ પંકજ મોડો જ આવતો. આજે પણ મારા મનને અકળામણ આપે છે પંકજના ડબ્બાનું રહસ્ય.


Rate this content
Log in

Similar gujarati story from Abstract