mariyam dhupli

Abstract Tragedy Inspirational

5.0  

mariyam dhupli

Abstract Tragedy Inspirational

છાંયડો

છાંયડો

12 mins
704


"હું શું કહું છું, દાદા ? આ દ્રશ્યમાં ચાર્લીચેપ્લિનવાળું કોશ્ચ્યુમ પહેરું તો ? એ આઈકોનિક અદાઓથી દ્રશ્યમાં જાન આવી જશે. હસતા હસતા લોકોની આંખોમાં પાણી આવી જશે. મારો વિશ્વાસ કરો."

દિગ્દર્શકની આંખો એક ક્ષણ માટે વિચારોમાં ઊંડે ઉતરી. માથા ઉપરની હેટ નીચે ઉતારી નામનાજ વાળ ધરાવતા માથા ઉપર એક હાથ ફરી ગયો. ત્યાર બાદ સામે બેઠી નાયિકાને ગર્વસભર નિહાળતા હેટ ફરી માથા ઉપર ચઢાવી દીધી. 

" હા, સાચી વાત છે. આ યુક્તિ મને કેમ ન સૂઝી ? તારી જોડે કામ કરવાની આજ ખૂબી છે. તારા તરફથી જે સુધારા વધારાના સૂચનો મળે છે એનાથી સાચેજ ફિલ્મને ખુબજ મદદ મળે છે. એમ ને એમ તને 'બોલીવુડની કોમેડી ક્વીન તમન્ના 'થોડી કહેવાય છે ? "

નાયિકાની સૂચવાયેલી સલાહ અનુસાર તરતજ ચાર્લીચેપ્લીનની વેશભૂષા અને લાકડીનો પ્રબંધ કરવામાં આવ્યો. દ્રશ્યનું શૂટિંગ નવેસરથી રિરેકોર્ડ થયું. શૂટિંગ નિહાળી રહેલ અને સાથે સાથે શૂટિંગની પ્રક્રિયામાં સક્રિય કામ કરી રહેલ યુનિટના દરેક સભ્યના ચહેરા સામે ભજવાઈ રહેલા દમદાર વ્યંગના દ્રશ્યમાં કોમેડી કવિન તમન્નાએ પોતાની અદાકારી દ્વારા પ્રાણ ફૂંકી દીધો. હાજર તમામ ચહેરાઓ જાણે માંડ હાસ્ય રોકી રહ્યા હતા. 

" કટ ઈટ ! પરફેક્ટ..."

આખો સ્ટુડિયો તાળીઓના ગડગડાટ થકી ગૂંજી ઉઠ્યો. આખા દિવસની તનતોડ મહેનત બાદ તમન્ના ધીમે રહી પોતાની વેનેટી બસમાં પ્રવેશી. એસીની ઠંડી હવાથી શરીરે રાહતનો દમ ભર્યો. બસની અંદર હાજર વોશરૂમમાં શૂટિંગના કપડાં બદલી હળવા કપડાં ચઢાવી એ આગળના ભાગમાં મેકઅપ માટે સજ્જ મોટા અરીસા સામે આવી ગોઠવાઈ. વેનેટી બસની બહાર તરફ ' ડુ નોટ ડિસ્ટર્બ'નું પાટિયું કડક પહેરો ભરી રહ્યું હતું. મેકઅપ માટેના લાંબા ડ્રોવરમાંથી મેકઅપ રિમૂવર કાઢી એણે રૂના પુમડામાં મેકઅપ રિમૂવર રેડી ધીમે ધીમે અરીસાના ઉપરના ભાગ તરફ ઝબૂકી રહેલા હળવા પીળા રંગના લાઈટ બલ્બના પ્રકાશમાં ચહેરા ઉપરથી મેકઅપ ઉતારવાની શરૂઆત કરી. 

ડ્રોવર ઉપર ગોઠવાયેલ વાળની માવજત માટેની જુદી જુદી સાધનસામગ્રીઓ પાસે રાખેલો મોબાઈલ ખૂબજ તીવ્રતાથી વાઈબ્રેટ થયો. અરીસાની વધુ નજીક જઈ ચહેરાના સૂક્ષ્મ છિદ્રોમાંથી મેકઅપના સ્તર ઝીણવટથી દૂર કરી રહેલો હાથ ક્ષણ ભર માટે થંભી ગયો. એક ત્રાંસી નજર મોબાઈલના પડદા ઉપર ઉપસી આવેલા નામ પર પડી. થાકેલો ચહેરો નામ વાંચતાવેંત બમણો થાકેલો દેખાઈ રહ્યો. આંખોની ભ્રૂકુટિ સંકોચાતી એકમેકને મળી ગઈ. એક ક્ષણના અણગમતા વિરામ બાદ મોબાઈલનું ધ્રૂજવાનું બંધ થયું. એક ઊંડો ઉચ્છવાસ હવામાં ભળ્યો અને હાથમાં થામેલુ રૂનું પૂમડું ફરીથી પોતાની ઝીણવટભરી ફરજ ઉપર લાગ્યું. ઉત્તર ન મળવાથી હાર ન માનવાનો હોય એમ ફરીથી એજ નામ દર્શાવતો કોલ મોબાઈલને ધ્રુજાવવા માંડ્યો. હાથમાંના રૂના પૂમડાંને ચીઢ જોડે ડેસ્ક પર પટકીને આખરે કમને કોલને ઉત્તર અપાયો. 

" કેટલીવાર કહ્યું છે તને કામના સમય ઉપર કોલ...."

સામે તરફથી થયેલી માંગણી થકી બન્ને આંખ ક્રોધમાં વિફરી. 

" એક પણ કોડી નહીં આપીશ તને. પહેલા શરાબ અને હવે ડ્રગ્સ. હું મહેનત કરું છું. મારી પરસેવાની કમાઈથી તું..."

સામે તરફથી અપાયેલી ધમકી થકી આંખોનો ક્રોધ જાત ઉપરની દયામાં ફેરવાઈ ગયો. 

" પ્રેમ કર્યો હતો તને. સાચા હૃદયથી. મને શું ખબર હતી કે તું મારાં અંગત વિડીયો બનાવી મને બ્લેકમેલ..." 

સામે તરફથી અપાયેલા પ્રત્યાઘાત થકી હથિયાર નખાઈ ગયા. આગળ કશી પણ દલીલનો કોઈ અર્થ ન હતો. રડમસ અવાજ જોડે આખરે સામે તરફની માંગણીનો સ્વીકાર કરવોજ પડ્યો. 

" મોકલું છું..."

કોલ કાપી મોબાઈલ દ્વારા શીઘ્ર રિસીવ કરેલા નંબર ઉપર એક મોટી રકમની ભરપાઈ થઈ ગઈ. થોડા સમય પહેલા ચાર્લીચેપ્લીનની વેશભૂષા ચઢાવી આખી દુનિયાને હસાવનારી સ્ત્રીની આંખોમાં અસહ્ય પીડાના નિયમિત ઝળઝળિયા વ્યાપી ગયા. હૃદયની એકલતા અને મસ્તિષ્કમાં ભમી રહેલા વિચારના વમણો ભેગા મળી શ્વાસ રૂંધાવા લાગ્યા. આ પરિસ્થિતિને જીરવવાનો એકજ તો સહારો હતો. દર વખત જેમ એણે મોબાઈલમાં સેવ કરેલું ' માઈ મોસ્ટ ફેવરિટ વંશરાજ ' નામનું ફોલ્ડર ખોલ્યું. ફોલ્ડરમાં સેવ કરેલા ગાયક વંશરાજના અસંખ્ય ગીતોમાંથી એક ગીત પસંદ કરી બન્ને કાનમાં ઈયરફોન ચઢી ગયા. હ્નદયભગ્ન આત્માને રીઝવતી ગઝલ કાનમાં ગૂંજી કે ચહેરા ઉપરના થાક, તણાવ, ગભરામણ ત્વરિત અદ્રશ્ય થઈ ગયા. જાજરમાન કાઉચ ઉપર આડુ પડેલું શરીર અત્યંત આરામદાયક હાવભાવોમાં મઢાઈ ગયું. ઈયરફોનમાં સંભળાઈ રહેલા ગીતના શબ્દો સિવાય જાણે અન્ય કોઈ પણ વિશ્વનું અસ્તિત્વ જ ન રહ્યું. 

" કભી મીલ ઝીંદગી તુ ફુરસત સે, કુછ બાતે કરની હે... થોડા પ્યાર કરના હે તુજસે...થોડી આહ ભરની હે..."

***************

"બ્યુટીફૂલ, અમેઝિંગ..."

ખુશી અને સંતોષની અભિવ્યક્તિ કરતો અંગુઠો હવામાં ઉપર થયો. કાચની પારદર્શક કેબિનમાં વારંવાર અપાયેલા સૂચનો અને નિર્દેશોને અક્ષરસહ અનુસરી આખરે ગીતના રેકોર્ડિંગને અંતિમ સ્પર્શ આપી એણે કાન ઉપરના હેડફોન કાઢી સ્ટેન્ડ ઉપર પરત ગોઠવી દીધા. ધીમે રહી કાચનું બારણું એક તરફ સ્લાઈડ કરી એ બહાર નીકળ્યો. હમણાં સુધી સાઉન્ડ પ્રુફ કેબિનમાં ફક્ત હોઠ અને હાવભાવોના ઈશારે જે પ્રત્યાઘાત સમજાયા હતા એ હવે સ્વર જોડે કાન પર અથડાયા. 

" કમાલનું ગાયું છે, વંશરાજ."

" આ ગીત તો અંતિમ ગીતનો પણ રેકોર્ડ તોડી નાખશે. શરત લગાવવી છે. "

" લોકો ગાંડા થઈ જશે. ઈટ્સ ગોઈંગ ટુ બી એ સુપર ડુપર હિટ."

ઓરડામાં હાજર બધાજ અવાજોમાં એકજ સૂર ઉઠી રહ્યો હતો. એ સૂર એના ઉત્સાહને બમણો કરવા માટે હતો. પરંતુ એના ચહેરાના ગંભીર હાવભાવોને એ સૂરમાં કોઈ રસ ન હોય એમ ધીમેથી એણે પૂછ્યું,

" ધ્વનિલ સર આવી ગયા છે ? "

પૂછાયેલા ઉત્સાહવિહીન પ્રશ્નથી મૂંઝાઈ ગયેલા ચહેરાઓમાંથી એક ચહેરાએ ધીમેથી ઉત્તર પરત કર્યો. 

" હા, કેબિનમાં છે. પણ સાંભળ..."

સાંભળ શબ્દ પણ સાંભળ્યો, ન સાંભળ્યો કે ઉતાવળિયા ડગલાં ઝડપથી અંતર કાપી કેબિન આગળ આવી ઉભા રહી ગયા. રાહ જોવાની ધીરજ ન હોય એવો ભાવ બારણે પડેલા ટકોરાએ અભિવ્યક્ત કર્યો. 

" કમ ઈન ! "

અંદરથી સંભળાયેલા અવાજમાં પરવાનગી કરતા આદેશ વધુ પ્રતિબિંબિત થયો. 

" ઓહ, વંશરાજ. સો હાઉ વોઝ ઘી રેકોર્ડિંગ ? આશા રાખું કે આ વખતે સૉન્ગ ઓફ ઘી યર આપણી કમ્પનીનું ગીત જ બને. આઈ ટ્રસ્ટ યુ ફોર ધેટ. "

લેપટોપમાં વ્યસ્ત નજર ગર્વથી ચળકી રહી હતી. ગળામાં એક ખોંખારો લઈ દબાવેલી ભાવના ધીમે રહી સ્વરનળીમાંથી હિંમત ભેગી કરતી બહાર નીકળી આવી. 

" હવે મારાથી નહીં થાય. મને મારું પોતાનું સંગીત રચવું છે. સ્વતંત્ર સંગીત. જે મારા મનમાંથી નીકળે એ ગાવું છે. "

થોડી ક્ષણો પહેલા ગર્વથી ચળકી રહેલી આંખો કટ્ટર બની સામે તરફ ઉઠી. એક મૌન વિરામ પછી પાસેની ડેસ્ક પરથી એક ફાઈલ ખોલી સામે તરફ ઉડાવવામાં આવી. કોન્ટ્રાકટ પેપર ઉપર હાજર પોતાની સહી જોતાજ સામે તરફથી અગનજ્વાળા જેવા શબ્દો કેબિનમાં ગૂંજ્યા. 

" ભૂલ થઈ ગઈ. પાંચ વર્ષ બહુ કહેવાય. ગેટ મી આઉટ ઓફ ધીઝ. નહીંતર..."

એક અહંકારભર્યા હાસ્યથી કેબિન ધ્રુજી ઉઠી. 

" નહીંતર કોર્ટમાં મળીશું...." 

ધડામ કરતું કેબિનનું બારણું અફળાયું અને બીજીજ ક્ષણે મોંઘી ફોર વહીલરની પાછળની સીટ ઉપર અકળાયેલું શરીર પટકાયું. ડ્રાઈવરે નિયતક્રમ પ્રમાણે ગાડી શહેરના રસ્તા તરફ હાંકી. બેક મિરર થકી આધેડ ડ્રાઈવરે એક દ્રષ્ટિ પાછળની સીટ તરફ નાખી. ગુસ્સામાં ઘુઘવાતો લાલચોળ ચહેરો અને ખુન્નસમાં અહીંથી ત્યાં ભમી રહેલી બેચેન કીકીઓ. અંતિમ ઘણા દિવસોથી આ દ્રશ્ય સામાન્ય ટેવગત બની ગયું હતું. ક્રોધિત હાથોએ પડખે સજ્જ ગિટારને ડીકી તરફ હડસેલી નાખ્યું. ડ્રાઈવરની નજર જોડે અરીસામાં નજર મળી કે ડ્રાઈવરે કશુંજ નિહાળ્યું ન હોય એવો ડોળ રચી શહેરના રસ્તા પર દ્રષ્ટિ સ્થિર કરી નાખી. મોબાઈમાં આવેલી નોટિફિકેશન થકી એક આછી સંગીતમય ધૂન કારમાં પડઘાય. બળજબરીએ મોબાઈલના પડદા ઉપર નજર સ્થિર થઈ. 

' ડોન્ટ મિસ ધ મેજિકલ એક્ઝિબિશન ઓફ કન્ટ્રીસ મોસ્ટ પોપ્યુલર આર્ટિસ્ટ શૈફાલી શાહ ધીઝ આફ્ટરનૂન '

શૈફાલી શાહ !

પોતાની ગમતી કલાકારનું નામ વાંચતાજ શ્વાસ થોડા હળવા થયા. આંખની કીકીઓમાં અનેરી ટાઢક છવાઈ ગઈ. ગુસ્સામાં વીફરેલું મગજ બરફ જેવું ઠંડુ થઈ ગયું. 

" આર્ટ ગેલેરી લઈ લો. "

" જી, સાહેબ. "

માલિકનો આદેશ સર આંખો પર ઉઠાવતી ગાડી થોડાજ સમયમાં શહેરની પ્રખ્યાત આર્ટ ગેલેરીના પાર્કિંગમાં પાર્ક થઈ ગઈ. ગેલેરીના અંદર પ્રવેશતાજ પોતાના પ્રિય કલાકારનું બેનર નિહાળી મન પ્રફુલ્લિત થઈ ગયું. એક પછી એક અતિ ઉત્તમ પેઈન્ટિંગ દ્વારા સજેલી દીવાલો ઉપર નજર ખુશીના હિલોળા લેવા લાગી. કયું પેઈન્ટિંગ સૌથી ઉત્તમ એ નક્કી કરવું મુશ્કેલ થઈ રહ્યું હતું. ગેલેરીના વચોવચ આવેલી કેન્દ્ર દીવાલ ઉપર શોભી રહેલ સૌથી મોટું પેઈન્ટિંગ દૂરથીજ આકર્ષણ જન્માવી રહ્યું હતું. ધીમે ધીમે નજીક જતા એનું શીર્ષક સ્વચ્છ અને સ્પષ્ટ દેખાવા લાગ્યું. 

' મુક્ત '

વિસ્યમયથી ફાટેલી આંખો પેઈન્ટિંગ ઉપર ઉપસાવાયેલા ચિત્ર અને રંગોના અદ્દભુત સંમિશ્રણમાં ડૂબી ગઈ. ચહેરા ઉપરના હાવભાવો એવા દેખાઈ રહ્યા હતા જાણે અરીસામાં પોતાનું પ્રતિબિંબ નિહાળાઈ રહ્યું હોય. એક વિશાળ પાંજરું, પાંજરામાં પૂરાયેલું પંખી, પાંજરાની બહાર તરફ સુંદર, મુક્ત વિહરતું જગત...અને પાંજરાનું ખુલ્લું મુકાયેલું બારણું...પંખીનું ધ્યાન એ બહારની સૃષ્ટિ તરફ ઉદાસી સભર કેન્દ્રિત હતું...ખુલ્લા બારણાં તરફ એનું ધ્યાન હતુંજ નહીં...એ ફક્ત પોતાની મુક્તિની રાહમાં નિષ્ક્રિય તલ્લીન હતું... કોઈ આવે ને એને આઝાદ કરાવે.

ચિત્રનું ઊંડાણ સમજાતા જ ડોકું બન્ને તરફ ધીમું ધીમું ધૂણ્યું. એક કટાક્ષમય સ્મિત ચહેરા પર રમી ગયું. ચિત્રને જોતા જોતા ધીમે ધીમે ગતિ પકડતા ડગલાં વિરુદ્ધ દિશામાં પાછળ તરફ ઉપડ્યા. અને એક તબક્કે શરીર ચિત્રને પીઠ બતાવતું મુખ્ય દ્વારમાંથી પૂર ઝડપે ગેલેરીમાંથી બહાર નીકળી પડ્યું. 

ગાડીનું બારણું ઉતાવળે ખોલી હાંફતું શરીર કારની પાછળની સીટ પર ઠોકાયું. 

" લેટ્સ ગો. "

બે ઉપદેશાત્મક શબ્દો આગળ તરફ પસાર કરી બન્ને હાથ પાછળ તરફ ડિકીમાં પહોંચ્યા. અત્યંત પ્રેમ અને જતનથી ગિટારને ગોદમાં લઈ એક સ્નેહભર્યું ચુંબન અપાયું. 

લાંબા સમય પછી એ ગિટાર ઉપર પોતાની મનમરજીની ધૂન રમવા લાગી. સાંકળે બંધાયેલી આત્મા જાણે મુક્ત થઈ ઉઠી. ચહેરા ઉપર સૂફી હાવભાવો ઘેરાઈ આવ્યા. જાણે કોઈ અન્ય ગ્રહ ઉપર પહોંચી ગયો હોય એમ ખુશખુશાલ ધ્યાનમગ્ન ચહેરો બેક મિરર થકી નિહાળી ડ્રાઈવરે સંતોષભર્યા સ્મિત જોડે ગાડી શહેરના રસ્તા ઉપર હાંકી. શહેરનો એ રસ્તો પણ ગાડીની અંદર તરફ ગૂંજી રહેલા રૂહાની સંગીત થકી અનેરી આધ્યાત્મિકતામાં ડૂબી ગયો.

***************

આખી બાલ્કની વિવિધ પેઈન્ટિંગ્સથી છલકાયેલી હતી. કેટલીક પેઈન્ટિંગ્સ સંપૂર્ણ તૈયાર હતી. નવા એક્ઝિબિશનની નવી તારીખની ઊભા પગે રાહ જોઈ રહી હતી. તો કેટલીક પેઈન્ટિંગ્સ અધકચરી તૈયાર થઈ હતી. હજી એમના પર ઘણું કામ કરવાનું બાકી હતું. હજુ ઘણી વાસ્તવિકતાઓ છલકાવાની હતી, હજુ ઘણી કલ્પનાઓ ઉમેરવાની હતી, હજી આછા ઘેરા શેડ વચ્ચે કબડ્ડી બાકી હતી, હજી ઘણા અવકાશમાં રંગોનો પ્રાણ ફૂંકવાનો બાકી હતો. બાલ્કની આગળ ઘૂઘવાઈ રહેલો સમુદ્ર જાણે એ દરેક ચિત્રોને વારેઘડીએ ઉછળતા મોજાઓ જોડે ઝાંખી પાછળ ઠેલવાઈ રહ્યો હતો. એ સમુદ્રને એકીટશે નિહાળી રહેલી નજર ખૂબજ ઊંડા મનોમંથનમાં ડૂબી ચૂકી હતી. ઝૂલી રહેલા હિંચકાની ગતિ ઝૂલવી રહેલા શરીરના મનમાં સતત ચાલી રહેલા વિચારોની ઝડપ જોડે મેળ ખાતી હતી. પડખે રાખેલા કાગળિયા ઉપરની પેનનું ઢાંકણું હજી અતિચુસ્ત હતું. મોબાઈલની રિંગટોનથી બાલ્કનીની શાંતી ખોરવાઈ ઉઠી. હિંચકાને પૂર્ણવિરામ લાગ્યું. મોબાઈલના પડદા ઉપર ઉપસી આવેલા નામને નિહાળી એક ક્ષણના ઊંડા ઉચ્છવાસ બાદ કોલ રિસીવ થયો. 

" હેલો "

" હેલો ઘી ગ્રેટ આર્ટિસ્ટ શૈફાલી શાહ. હાવ વોઝ ઘી એક્ઝિબિશન,માઈ લવ ? "

પુરુષના અવાજમાં ઉત્સાહ, ઉમળકા અને મસ્તીનું સંમિશ્રણ હતું. 

સ્ત્રીના ચહેરાના હાવભાવો સપાટ હતા. સામે તરફથી સંભળાઈ રહેલો અવાજ ખુશી આપી રહ્યો હતો કે નહીં એનો અંદાજ એ હાવભાવો ઉપરથી કળવું અશક્ય હતું. 

" ઈટ વૉઝ ગ્રેટ. દર વખત જેમ લોકોનો ઘણો સારો પ્રતિસાદ મળ્યો. આવતા મહિને બીજું એક્ઝિબિશન છે. ત્યાં સુધી તું આવી જઈશ ને, મલ્હાર ? આ વખતે પણ તું એક મહિનાનું કહીને ગયો હતો ને દોઢ મહિનો થવા આવ્યો છે. આ તો તારી ટેવ બની ગઈ છે હવે. ક્યારેક લાગે છે કે હું મેરિડ નહીં, સિંગલ જ છું. "

સામે તરફનો ઉમળકો શીઘ્ર જાતબચાવમાં ફેરવાઈ ગયો.  

" કમોન શૈફાલી ! તું જાણે છે મારું વર્કલોડ. આટલો મોટો બિઝનેસ આપોઆપ ઓટોમેટિક ગિયરમાં ન જ ચાલે. લોહી વહાવવું પડે. ઈટ્સ નોટ લાઈક યોર પેઈન્ટિંગ્સ. જયારે મન ફાવે ત્યારે ઘરમાં બેસી એકાદ પીંછી ફેરવી નાખો. ઈટ રિક્વાયર્સ ડેડિકેશન એન્ડ હાર્ડવર્ક. "

સામે તરફથી પડઘાયેલા શબ્દોએ સ્ત્રીના ચહેરાનો રંગ ઉડાવી મૂક્યો. પ્રત્યાઘાતમાં હજી કોઈ શબ્દ ઉચ્ચારે એ પહેલાજ કોઈ અજાણ્યો શરાબમાં લથપથ હોંશ ગૂમાવેલો સ્ત્રીનો અવાજ અચાનકથી સામે તરફથી ભૂલથી પડઘાઈ ઉઠ્યો. 

" હે માય લવ,મલ્હાર ! હું ક્યારની બેડરૂમમાં તારી રાહ જોવ છું ને તું અહીં કોરીડોરમાં..."

એ ભૂલ પર પડદો નાખવા સામે તરફથી તરતજ કોલ ચતુરતાપૂર્વક કાપી નાખવામાં આવ્યો. નીતરતી આંખો જોડે મોબાઈલ હાથમાંથી સરી પડ્યો. બન્ને હાથ વડે આંખોમાં ભરાયેલું પાણી દૂર કરી સ્ત્રીએ મક્કમ હાવભાવો જોડે પડખે રાખેલા કાગળિયા ઉપરની પેનનું ઢાંકણું હટાવ્યું અને કાગળિયામાં ડિવોર્સની અરજી અંગેની જરૂરી માહિતી ભરી નાખી. મહિનાઓથી બેચેન મન અત્યંત હળવું થઈ ગયું. ધીમે રહી કાગળિયા પડખે રાખી કાગળિયાના નીચે ટેકા માટે રાખેલું પોતાના મનગમતા લેખકનું પુસ્તક એણે ઉપર તરફ લીધું. 

એના શીર્ષક પર એક હેતસભર હાથ ફેરવ્યો. 

' લવ ઈઝ નૉટ બેગીન્ગ...... એ બેસ્ટસેલર નોવેલ બાય પ્રિતમ કુમાર '

" થેન્ક યુ. " જાણે એ પુસ્તક સાંભળી શકતું હોય એમ એના વાંચન થકી મેળવેલ કશીક ખૂબજ કિંમતી ભેટ બદલ એણે પુસ્તકને છાતી એ ચાંપી દીધું. હિંચકો ફરી ઝૂલવા લાગ્યો. સરી પડેલો મોબાઈલ સતત રિંગટોન વગાડી રહ્યો હતો. પરંતુ સામે તરફ ઉત્સાહ અને ઉમળકાના મોજા ઉછાળી રહેલ સમુદ્રનાં ધીમે ધીમે કાન ઉપર વધુ સંભળાઈ રહેલ શોર નીચે એ રિંગટોન સંપૂર્ણ કચડાઈ ગઈ. 

***************

કીબોર્ડ પર અત્યંત ઝડપથી ફરી રહેલી આંગળીઓને આખરે પૂર્ણવિરામ લાગ્યું. લાંબી મેરેથોન દોડ જીતીને થાકથી અંતિમરેખા પર શરીર ઢાળી લંબાઈ જતા દોડવીર જેવા હાવભાવો ચહેરા પર છવાઈ ગયા. ચશ્મો ઉતારી, આંખો મીંચી એક ક્ષણિક વિરામ લઈ ફરીથી ચશ્મો આંખો પર ચઢી ગયો. ટેબલની બન્ને તરફ સુશોભિત અલમારી પુસ્તકોથી ઉભરાઈ રહી હતી. એ દરેક પુસ્તક આડા એ પ્રમાણે ગોઠવવામાં આવ્યા હતા કે દરેકનું શીર્ષક અંદર તરફ અને લેખકનું નામ બહાર તરફથી સ્પષ્ટ દ્રશ્યમાન થાય. દરેક પુસ્તક એકસમાન કલમનું ઉત્પાદન હતા. 

' પ્રિતમ કુમાર '

મોબાઈલના કોન્ટેક્ટની યાદીમાંથી એક જાણીતું નામ શોધવામાં આવ્યું. કોલ જોડવામાં આવ્યો. પરંતુ અર્ધી રાત્રીએ કોલ ઉપાડવામાં આવ્યો નહીં. આગળથી રેકોર્ડ કરીને રાખવામાં આવેલો ઓડિયો મેસેજ કાનમાં ગૂંજયો. કોલ નહીં લેવામાં આવશે અને મેસેજ છોડવો પડશે એની અગાઉથી ખાતરી હોય એમ ટેવગત એક લાંબા બીપ પછી તરતજ સંદેશ પહોંચાડી દેવામાં આવ્યો. 

" હે સુદીપ ! પ્રિતમ હિયર. અંત લખાઈ ગયો છે. સોફ્ટકોપી મેલ કરી છે. એડિટિંગ અને પ્રુફરીડીંગ શક્ય એટલી ઝડપથી પતાવવું પડશે. ડેડલાઈન સાવ નજીક છે. મળીએ ત્યારે. "

મોબાઈલ ટેબલ પર રાખી શરીરની આળસ મરોડતા દરેક સ્નાયુઓને ખેંચવાનો એક આળસુ પ્રયાસ થયો. નજર ભીંત પર જડાયેલી ઘડિયાળ પર પડી. ત્રણ વાગી ગયા હતા. રાત્રિનું ભોજન હવે તો ન જ થાય. ફક્ત એક ચા મળી જાય...એ વિચારે ડગલાં રસોડા તરફ વળ્યાં. 

એંઠા વાસણો હજી એમના એમ પડ્યા હતા. સવારે કામવાળી ન આવે ત્યાં સુધી એ એમજ પડી રહેવાના હતા. ચાની તપેલી બપોરથી એ એંઠા વાસણોમાં પડી હતી. એ જોતાજ ચાનો વિચાર માંડી વાળી ફરીથી ડગલાં બેઠકખંડમાં પરત થયા. સોફા પર શરીર પ્રાણવિહીન આવી પડ્યું. સોફાની સામે તરફની ભીંત ઉપર શોભી રહેલી વિશાળ ફોટો ફ્રેમ સાથે નજર અથડાઈ. પોતાની જોડે પોઝ આપી રહેલી સ્ત્રી અને બાળકીને નીહાળતાંજ કાનમાં થોડા દિવસ પહેલાનો સંઘર્ષ અત્યંત ઊંચા અવાજમાં પડઘો પાડવા લાગ્યો. 

" હવે બહુ થયું, પ્રિતમ. આમ આઉટ ઓફ ઈટ. તું તારા વિશ્વમાં જીવ. "

" પણ તને લગ્ન પહેલાથીજ ખબર હતી ને કે લેખન મારું જીવન છે. હું લેખન વિના શ્વાસ ન લઈ શકું. "

" હા, ખબર હતી. પણ હું એ ન જાણતી હતી કે લખવું એટલે પોતાના વિશ્વમાંજ રચ્યા પચ્યા રહેવું. તારું શરીર મારી જોડે હોય છે પણ તારું મન હંમેશા ભટકતું રહે છે. આખી આખી રાતના ઉજાગરા. ને આ બાળકીનો એમાં શું વાંક ? એને મમ્મી અને પપ્પા બન્નેનો સમય મારે જ આપવો પડે છે. "

" વિચારો સમય જોઈ નથી આવતા, શિવાની. ને હું જો એ વિચારો બહાર કાઢી ન નાખું તો શ્વાર રૂંધાતો રહે છે. કદાચ તને નહીં સમજાય. "

" ના, હું તારા જેટલી બુદ્ધિશાળી નથી એટલેજ. પણ થેન્ક ગોડ કે હું એટલી બુદ્ધિશાળી નથી. નહીંતર મારી આસપાસ ફરતા હાડમાંસના સાચા શરીરોની જગ્યાએ કાલ્પનિક લોકોના મનોજગતમાં ભટકી રહી હોત. પોતાના પરિવારની જગ્યાએ એ કાલ્પનિક લોકો મને વધુ પ્રિય હોત. મારો બધોજ સમય હું એમની પાછળ વેડફતી હોત. "

" ક્યાં જાય છે, શિવાની ? તું મને મારી દીકરીથી જુદો ન કરી શકે. "

" તો ઠીક છે. હું એને અહીં મૂકી જાવ છું. તું એકલો એની જવાબદારી નિભાવી લઈશ. રાઈટ ? તું તારી જાતથી બેભાન છે, પ્રિતમ. આ ચાર વર્ષની બાળકીને..."

" પપ્પા, પપ્પા. તમે પણ આવોને અમારી જોડે. પ્લીઝ.... " 

ફોટોફ્રેમમાં સ્મિત વેરી રહેલી ચાર વર્ષની ઢીંગલીની યાદ આંખો ભીની કરી ગઈ. ઓટોગ્રાફ અને સેલ્ફી માટે પાછળ દોડતી ભીડ વચ્ચે ફસાઈ ગયેલી એકલતા દરરાતની જેમ ફરી ડંખવા માંડી. એનાંથી બચવાનો એકજ માર્ગ હતો. મનોમન યોજના તૈયાર કરતી ભીની આંખો ક્યારે સોફા પર મીંચાઈ ગઈ એની જાણ પણ ન થઈ. 

બીજે દિવસે સિનેમા થિયેટરમાંથી ફિલ્મની વચ્ચેથી કોલ લગાવવામાં આવ્યો. 

" થેંક્યુ શિવાની. તેં પરવાનગી આપી. "

" કાલે સવારે સ્કૂલ છે એટલે..."

" ડૉન્ટ વરી. હું સમયસર ડ્રોપ કરી દઈશ. "

કોલ કાપીને પડખેની સીટ ઉપર ખડખડાટ હસી રહેલી ઢીંગલીને નિહાળતાં લાંબા સમયથી બેચેન મન અતિપ્રફુલ્લિત થઈ ઉઠ્યું. થિયેટરના પડદા ઉપર કોમેડી કવિન તમન્ના ચાર્લીચેપ્લીનની વેશભૂષામાં પોતાની ઉત્કૃષ્ટ અભિનયકલા પ્રદર્શિત કરી રહી હતી. 


Rate this content
Log in

Similar gujarati story from Abstract