ઇસ્કોતરો
ઇસ્કોતરો


એક દિવસ ટાઈમપાસ કરવા માટે જૂનો ઇસ્કોતરો ખોલીને બેઠો. સીસમના એ પટરાનું સિક્રેટ ખાનું ખોલ્યું. વર્ષો પછી ખૂલતું હોવાથી, તેણે થોડી વધુ મહેનત કરાવી. પરંતુ તે આખરે ખુલ્યું ખરુ ! વણ કીધેલી મનાઈ હોવા છતાં રૂમનું બારણું બંધ કરીને, મેં માનવ સહજ કુતુહલવશ તે સીસમના પટરામાં ખાંખા-ખોળા કરવાનું શરુ કર્યું. આ પટારો અદભૂત હતો પટારામાં પટારો, તેમાં પાછો પટારો એમ ચાર પટારા ખોલ્યા ત્યારે પાંચમી સીસમની પેટીમાં એક ચામડાની થેલીની બહાર અમુક સિક્કાઓ પડેલા હતા. એ સિક્કાઓ જોઈને તે ચામડાની થેલીને ખોલવાનું મન થયું. એ થેલીની અંદર રેશમી પોટલી હતી અને તેમાં ચપટી લવિંગ મૂકેલા હતા, જેથી જીવજંતુઓ દૂર રહે. એ થેલીમાંથી લગભગ ૨૧ સિક્કાઓ નીકળ્યા. અમુક રીંગ આકારના હતા. અમુક ષટ્કોણ, કોઈક ચોરસ તો કેટલાંક ગોળ. આ શેના સિક્કા છે એ નહોતું સમજાઈ રહ્યું. તેના પર રાજા કે રાણીઓની મુખાકૃતિ હતી. હું ફટાફટ એ બા પાસે લઈને ગયો અને તેને વિષે પૂછ્યું.
બા કહો તો, આ શું લઈ આવ્યો હું ?”
“આ ક્યાંથી કાઢ્યા ?” બા એ ઠપકા ભરી આંખે પૂછ્યું અને બોલ્યા,“બહુ મોટો થઈ ગયો છે કઈ ? બધુ બરાબર ગોઠવીને રાખેલું હતું. હે રામ મારા પટારાની કેવી દશા કરી હશે આ છોકરાએ ? તને આ શરારત ક્યાંથી સૂજી ? મને કીધું હોત તો હું બતાવેત કે પટરામાં શું છે ? “ ઓહ બા સોરી, પણ ટાઈમ જતો નહતો તો થયું કે જોવું તો ખરો આમાં શું છે ? મે ખુબજ શાંતિથી આ ઇસ્કોતરોમાં રહેલા, પટરા ખોલ્યા છે, કશુજ રમણ - ભમણ નથી કર્યું ! બા ! તું .. હવે મને... કે... ને ! આ સિક્કા શેના છે ?”
“એ રાણી-સિક્કા છે. બાએ કહ્યું કે આ મારા નર્મદાદાદીએ, તારા દાદાને અમારા લગ્નમાં આપ્યા હતા. મારા નર્મદાદાદીના જમાનામાં, રાજાઓ, પોતાની કીર્તિ ફેલાય તે માટે આવું તિકડમ કરતા. એ સમયે કોઈ ચલણ કે સિક્કા તો હતા નહિ. લોકો એકબીજાને વસ્તુઓની લેવડ-દેવડ કરીને જ ઘર ચલાવતા. વળી, અનાજતો બધાની વાડીએ થતું જ હોય. સાથે-સાથે શાકભાજી ફળિયામાં ઉગાડતા. ફળફળાદિમાં કેરીના આંબા કે ચીકુની ચીકુડી તે સાર્વજનિક ઝાડ ગણાતા, જેનાં જેટલું જોર હોય તે ઝાડ ઉપરથી ઉતારે ને ખાય. સવાર-સાંજ શાક-રોટલા જ હોય. અત્યારની જેમ સવાર-સાંજ જીભને ચટાકા ન્હોતા ઉપડતા. તમારે તો રોજ નવું-નવું ખાવા જોઈએ.”
મારી હરકતના અંતે, બા તો પાછા જૂના સમયના વિચારે ચડી ગયા. હું પાછો ગયો. બધા જ સિક્કાઓને નિરાંતે જોયા. એ પોટલી પાછી રાખી. તેની બાજુમાં એક નાની ડાયરી પડી હતી. પાના વળી ગયા હતા. જો તેને સરખા કરવા જઈએ તો તરત જ ફાટી જાય તેટલી જૂની ડાયરી હતી. એકદમ જર્જરિત અવસ્થામાં એ ડાયરી પડેલી હતી. તેના પર કંકુ-ચોખાથી કરેલો સાથિયો હતો. હજુ અમુક ચોખાના અંશો ડાયરીના પન્નાઓની વચ્ચે ચોંટીને પડ્યા હતા. એ ડાયરી ધીરેથી બહાર કાઢી. ડાયરીના પ્રથમ પેજ પર જમણી બાજુ ‘શ્રી ગણેશાય નમ :’ લખ્યું હતું. ગણેશજીનું નામ સૌથી પહેલા લખવું જોઈએ એ મમ્મીએ શીખવ્યું હતું. હું સ્કૂલની નોટબુકમાં પણ આવું લખતો. અંદરના પાને લાલ રંગની પેનથી કંઈક લખ્યું હતું.
“માગશર માસ સાતમે ને બુધવારે બાબાનો જન્મ છે. ક, છ, ઘ – મિથુન રાશિ પરથી નામ આવેલ છે.”
કુંડળીના ગ્રહો અને તેમની દશા લખી હતી.
એ કાગળને વાળીને તેના પર અગરબત્તીથી કાણા પાડેલા હતા. કદાચ, આટલા વર્ષોથી આ ડાયરીએ બહાર શ્વાસ નહીં લીધો હોય તેવું લાગ્યું. તે ડાયરીનું એ પેજ ફાડીને તેની લેમિનેશન કરવાનું વિચાર્યું. તે ડાયરી ફરી તે જ જગ્યાએ સાચવીને ગોઠવી. કબાટના બીજા ખૂણે અમુક કવર્સ હતા. જેના પર આસૌ ‘અનસૂયા ને ’ લખેલું હતું. તેમના લગ્નમાં મળે કવરને હજુ સાચવીને રાખ્યું હતું. ઘણી બધી બે રૂપિયાની કડકડતી નોટ મળી. તેના વિષે બા ને પૂછતાં જણાવ્યું કે, “દર નવા વર્ષે દાદા દ્વારા દરેક વહુને બે રૂપિયાની પાંચ કડકડતી નોટ મળતી.”
મને યાદ છે. દાદા દર નવા વર્ષના દિવસે હિંડોળે બેસતા. વહેલી સવારે ઘરના બધા આવે અને એકબીજાને મળી લે. એ દિવસે મળેલી દરેક નોટ્સ મમ્મી સાચવતી. આ પિટારામાં ઘણુબધું અચરજ પમાડે તેવું હતું. આ પટારો મને 'સીંદબાદ' કે ‘અલિફલૈલા’ના ખજાના જેવો ખજાનો હતો. દાદાને યાદ કર્યા અને તરત જ સ્વર્ગેથી હાજર થયા.
ફરીથી બધું યાદ આવવા લાગ્યું. દાદા હજુ સાથે જ છે, તેવું લાગતું હતું. તેઓ કશે નથી ગયા. લાકડાની બંદૂક, નારગોલ, ખુચામણી અને બોલ બેટ યાદ આવ્યા. ફ્લેટની બહાર ઝરૂખામાં પાળી ઉપર ઉપર ચડીને વચ્ચેની જગ્યામાં મોઢું ખોસી રસ્તા ઉપર જતા આવતા ને જોતો. દાદા ઘરની બહાર નીકળે એટલે તેને ઉપરથી લાકડાની બંદૂકથી ડરાવતો. દાદા ડરી ને ડોકી નમાવે એટલે હું ખુશ !” દાદાને ચોપડીઓ વાંચવી બહુ ગમતી. રોજ પાદરે છાપું વાંચવા જાય ત્યારે મને સાથે લેતા જતા. એક નારંગીની ગોળી અપાવતા. આયુર્વેદની પુસ્તકો પણ દાદા વાંચતા. ઘસાઈ ગયેલી કિનારીઓના પૂંઠા અને પીળા પડી ગયેલ ગૃહ ખર્ચની નોંધપોથીઓ હજુયે એક લાલ પૂંઠા વચ્ચે સાચવીને તેમના ખાનામાં રાખેલી પડી હોય. ઘરે કોઈ સાધુ કે મંદિરના સેવક લોટ માંગવા આવે તો તેમને ઘરે નિરાંતે જમાડતા અને પછી તેમને જે જોઈએ તે આપતા. શિયાળામાં પેટી પલંગમાં પડેલા જાડા ગોદડાં પણ આપતા. દરેક વસ્તુ પર ‘સૂ .ત્રિ.’ લખ્યું હોય. એટલે કે, સૂર્યકાંત ત્રિકમલાલ. લોટના ડબ્બા પર પણ એ જ જોવા મળે અને દાઢી કરવાના અસ્તરાં પર પણ એ જોવા મળે. જ્યાં રોજિંદી જરૂરિયાતની વસ્તુઓ પડી રહે તેને ‘ભંડકિયું’ કહેવાતું. તેમાં એક ‘હિરો’ કંપનીની સાઈકલ પડી રહેતી. તેમાં આડો પગ નાંખીને ત્રાંસી સાઈકલ ચલાવવાની મજા જ અલગ આવતી. સફેદ રૂમાલમાં સાકરિયા વીંટાળેલ હોય. સવારે પૂજા કરીને તે દરેકને આપવામાં આવતા.
આ બધું હું જોઈ રહ્યો હતો અને યાદ કરી રહ્યો હતો ત્યાં જ મમ્મી જમવાનું બનાવવાનું કામ પરવારીને રૂમમાં આવી. તેટલી વારમાં જ પપ્પા પણ આવી ગયા. અમે ત્રણેય રૂમમાં બેસીને વાતો કરી રહ્યા હતા. ત્યાં જ પપ્પાની નજર મારા હાથમાં રહેલા પત્રો પર પડી. દાદા રેગ્યુલર ટપાલો લખતા. લગભગ દર મહિને એક ટપાલ આવે જ. જૂની ટપાલો સાચવીને રાખવાની કિંમત જે-તે વ્યક્તિ દુનિયામાં આભાસી બનીને કલ્પનામાત્ર બનીને રહી જાય ત્યારે સમજાતી હોય છે. પપ્પાએ કહ્યું, “જો તો, આ કેટલી જૂની ટપાલ છે.”
“આ ટપાલ આવી ત્યારે તેનો જવાબ તે જ આપ્યો હતો. તને યાદ છે ?” મમ્મી એ પૂછ્યું.
“હા. મને યાદ છે. મેં પોસ્ટ કાર્ડ ઉપર ટેટૂ દોરેલ તેની ઉપર લખવા મે જ જિદ કરી હતી,! તમે લખાવતા ગયા અને મેં જવાબ લખ્યો હતો.” હું બોલ્યો.
બહુ દિવસ થઈ ગયા. એકાદ ટપાલ વાંચ.
મેં ટપાલ વાંચવાનું શરુ કર્યું.
“પ્રિય રમેશ,
જ્યોતિ તેમજ કુણાલ કુશળ હશે. અમે પણ અહી એકદમ હેમખેમ છીએ. ગઈ કાલે જ તમારી ટપાલ મળી. વાંચીને આનંદ થયો. તારા બા એ મોહનથાળ બનાવ્યો છે. ભીખાભાઈ ગાંધીધામથી આવ્યા છે, તેમની જોડે હું મોકલાવીશ. તું તેમનાથી મેળવજે.
ગત ટપાલમાં જણાવ્યા મુજબ, કુણાલનો ફરી ક્લાસમાં પહેલો નંબર આવ્યો છે તેવું જાણવા મળ્યું. બહુ ખુશી થઈ. એ બહુ હોશિયાર છે. તેને બરાબર ભણાવજે. તે થોડાંક સમય પહેલા માંદો પડ્યો હતો, હવે તેને સારું છે ને ? જેમ બને તેમ જલ્દી વેકેશનમાં આવજો. બાની દવાઓ આવતા મહિને પહેલે અઠવાડિયે ખૂટી જશે તો થાય તો સગવડ કરજો. અમારી ચિંતા કરશો નહીં. સાચવીને રહેજો.
ટપાલ મળ્યે જવાબ લખજો.
લિ. સૂર્યકાંત ત્રિકમલાલ ”
ટપાલની પાછળની બાજુએ જમણી તરફના વિભાગમાં અમુક ખાના આપ્યા હોય. ઉપર જગ્યા આપી હોય. તેમાં ટપાલ ક્યાં સ્થળેથી ક્યાં મોકલવાની છે, તે વિગત લખવાની હોય. દસ પૈસાના પોસ્ટ કાર્ડની એક જ ટપાલમાં ઘણા બધા પ્રશ્નો પૂછીને દાદા ખબર-અંતર પૂછી લેતા.
To અમદાવાદ From ગાંધીધામ.
એડ્રેસ : રતન ચૅમ્બર,જનસત્તા કાર્યાલય પાસે
મિર્જાપુર રોડ,
પિન કૉડ : ૩૩૮૦૦૦૧.
ટપાલ વાંચીને યાદો તાજી થઇ ગઈ.
પછી મેં એ ટપાલના જવાબ સ્વરૂપે લખેલી ટપાલ વિષે યાદગીરી તાજી કરી.
મમ્મી અને પપ્પા જેમ બોલતા ગયા તેમ-તેમ હું લખતો ગયો. સૌ પ્રથમ ‘માનવાચક વિશેષણ કયું પ્રયોજાય ?’ તે જ શીખવ્યું. એ સમયે હું પેન્સિલથી લખતો. મારી અને પપ્પાની લખાવટ લગભગ સરખી હતી. પેન્સિલથી લખું એટલે ચેકવું હોય તો ટપાલ બગડે નહીં. સૌથી પહેલા મેં પણ ‘પ્રિય દાદા’ શબ્દ વાપર્યો. મમ્મીએ કહ્યું કે, હંમેશા વડીલને ‘પ્રણામ’ કે ‘નમસ્કાર’ વધુ સારું લાગે. તેથી મેં તે દિવસથી ટપાલ લખવાનું શરુ કર્યું.
“પ્રણામ દાદા અને બા,
અમે અહી બહુ કુશળ છીએ. આશા છે કે, તમે પણ ક્ષેમકુશળ હશે. દાદા તમે મોકલાવેલ મોહનથાળ મળી ગયો છે. અમે ખાધો, બહુ સરસ બનાવ્યો છે. અમે વેકેશન પડે એટલે તરત જ ત્યાં આવીશું.
બા માટે દવા મેળવી લીધી છે. આવતા અઠવાડિયે તમને મળી જશે. સમયસર દવા લેજો તેવું મમ્મીએ કહેવડાવ્યું છે. મારો છ-માસિક પરીક્ષામાં વર્ગમાં પહેલો નંબર આવ્યો. તબિયત સાચવજો. શરીરનું ધ્યાન રાખજો તેવું પપ્પાએ કહ્યું છે. દાદા, થોડા દિવસ પહેલા ઘરે નવું TV અને ડીશ એન્ટેના વસાવ્યું છે, અહીં અમારી પાસે હજુ નથી, અને તે જોવી ગમશે. અમે બધા તમને બહુ યાદ કરીએ છીએ.
ટપાલ મળ્યે લખજો.
લિ. કુણાલ ”
“દાદાની ટપાલ વાંચીએ છતાં એવું જ લાગે કે જાણે તેઓ આપણી બાજુમાં જ હોય.” હું બોલ્યો.
પપ્પા એ કહ્યું, “હા. દાદાનો સ્વભાવ લાગણીશીલ હતો. તેનો એક બહુ સરસ પ્રસંગ કહું, સાંભળ.”
“હું જયારે ગ્રેજુએટ થયો તે પહેલા આપણી પાસે રેડિયો ન હતો, પણ દાદા મારા શોખનું ધ્યાન રાખતા, મેચની કોમેંટ્રી માટે તેઓના ભાઈબંધનો ટ્રંજિસ્ટર લઈને આપતા અને જ્યારે ગ્રેજ્યુએટ થયો ત્યારે મરફીની મ્યુજિક સિસ્ટમ આપવી હતી એ જમનામાં ૧૨૦૦ રૂપિયાની માતબર રકમની વ્યવસ્થા દાદાએ ટૂંકા પગારમાં કેવી રીતે કરી હશે તે વિચારતા મને આજે પણ તકલીફ અનુભવાય છે અને મને મારી જિદ ઉપર, આજે સમજ આવેથી ગુનાની લાગણી અનુભવાય છે.
અને આ સીવાય મને ટપાલની ટિકિટ ભેગી કરવાનો શોખ હતો અને તેમાં ૧૯૬૯ના વરસમાં ગાંધીજીની ૧૦૦ મી જન્મ જયંતિની ટિકિટ નો સાત ૭ રૂપિયામાં આવતો તેના માટે હું બે દિવસ જમ્યો ન હતો. અંતે, દાદા એ તે રકમ મને આપી ત્યારે મે અને દાદા બંનેએ સાથે ખાધું હતું.
હું અને મમ્મી આ વાત બહુ શાંતિથી સાંભળી રહ્યા હતા. પરંતુ, એ પટારો તે દિવસે મને ઘણું શીખવી ગયો હતો. વીસમી સદીની આઝાદી પછીના વર્ષોની દુનિયા માત્ર કલ્પનાના કાલખંડો પૂરતી જ રહી ગઈ હોય છે. તેને જીવંત કરવા માટે આવી જ વાતો જરૂરી છે. માત્ર સ્મરણચિત્રો અને મન:ચિત્રોમાં ઝબકી જાય છે.
પેટમાં દુ:ખે કે ચક્કર આવે એટલે જુલાબ માટે એરંડિયું કે તાવ આવે ત્યારે સુદર્શન કે કડું-કરિયાતું પીવડાવવામાં આવતું. રોજ સાંજે કડવી ફાકી દાદા આપે. પ્લાસ્ટિકની ડોલને સાંધવાવાળો આવે ત્યારે તેની સામે ઢગલો થઈ જતો. એ સાંધેલી ડોલ પણ એ પછી છએક મહિના ચાલે. ચાકુની ધાર કાઢનાર ભાઈ સાઈકલ લઈને આવે, ઘરની બહાર ઊભો રહે અને તેની સામે સમગ્ર ઘરના દરેક ચાકુ ધરી દેવાતાં.
બે વ્યક્તિની યાદ તાજી થઈ આવી એક તો “ઑ બેન “ ના નામની ટહેલ નાખી માંગવા-વાળા બેન, જે રોજ અચૂક આવતા અને બીજી વ્યક્તિ .. તે હાથમાં અનેક કાગળિયાંઓ લઈને આવતો ટપાલી તે સમયે માટે મોંઘેરા રહેતો.
આજે સિમેંટના જંગલ સમા મહાનગરોમાં રહેતા પૈસાદારોનાં આઠમે- કે બારમે માળે જીવતા બાળકોનું બાળપણ ગરીબ હોય છે. એ જમાનામાં કદાચ ‘સાયકોલોજી’ જેવો શબ્દ વપરાતો નહીં હોય. લોકો હસતા, રડતા, માર ખાતા, મારતા અને બીજી જ સવારે બધું ભૂલી શકતા હતા. દુઃખ સહન કરવાની એક પ્રચંડ શક્તિ જો બાળપણ આવું વીત્યું હોય તો જ ઊભી થાય. અસંતોષ વસ્તુનો હોય તે ચાલે, સહેલાઈથી ના મળે તેનું નામ જીવન, જીવન ક્રમ અવિરત છે, દરેક નિષ્ફળતામાં મોટી સફળતાના પ્રગરણ મંડતો હોય છે એક નાનો કરોળિયો તેનો માળો બનાવવા સતત મથે છે તેવીજ રીતે માનવીનું જીવતરનું ખોળિયું હોય તો .. અંતે “ઇતિ શુભમ” જ છે ને !