મારું વતન - વતનનો એક ભાગ
મારું વતન - વતનનો એક ભાગ


રેખા આજે ઘણાં વર્ષો પછી વતન આવી હતી. લગ્ન પછી મુંબઈ રહેતી હતી. પોતાનું એટલે કે બાપાનું ઘર ત્રણેય ભાઈઓએ બંધ કરી દીધું હતું. મા અને બાપાની ઉંમર થતાં વચલા ભાઈભાભી તેઓને પોતાનાં ઘરે પૂના લઈ ગયા હતાં.
મા બાપાનાં પાછાં થયાં પછી ભાઈઓએ વતનનું ઘર વેચી દીધું હતું. તેનાં સહિત બીજી બહેનોએ 'મિલકતમાંથી હક્ક જતો કરીએ છીએ' એ મતલબનાં દસ્તાવેજ પર મા બાપાનાં પાછાં થયાં પછી તરત જ સહી કરી આપી હતી.
ભાઈઓનાં મોઢે સાંભળ્યું હતું કે લેનારે આટલા મોટા ઘરનાં ભાગ કરીને દસ મકાન બનાવીને વેચી દીધાં હતાં.
પોતાનાં બાળકો નાનાં હતાં ત્યારે તેમને ગામડે જવામાં રસ ન્હોતો. પોતાનું ગામ હવે ટૂરિસ્ટ સ્પોટ બની ગયું હતું તેથી દીકરાનાં દીકરા અને દીકરીને ત્યાં જવું હતું.
પોતાની ઈચ્છા મુજબ જવા મળતું હોત તો પહેલાની જેમ જ તે ટ્રેન અને બસ બદલીને જાત, છેક ઘોઘલા સુધી, ત્યાંથી વહાણમાં બેસીને દીવ !
હવે તો બસ સીધી દીવ જતી હતી, તેથી મોટાં ભાગનાં લોકો તેમાં જ જતાં હતાં. પોતે પ્લેનમાં કુટુંબ સાથે જવાની હતી.
પ્લેન ઉડ્યું કે એક કલાકમાં તો દીવ આવી ગયું. એરપોર્ટમાંથી બહાર નીકળતાં જ ચાર પૈડાંવાળી ગાડી તૈયાર હતી, બાળકોએ ઑનલાઈન હોટેલનું બુકિંગ કરાવ્યું હતું એટલે ગાડી તેડવાં આવી હતી. ગાડી બંદરની સામે આવેલી હોટલમાં ઊભી રહી, ત્યાં સુધી તે ગાડીની બારીમાંથી ડાફોડિયાં મારીને બહાર જોતી રહી.
'રિલેક્સ દાદી, તમને શાંતિથી તમારાં ગામમાં ફેરવશું. ડાફોડિયાં મારવાનું બંધ કરો.' પૌત્ર નીરજે કહ્યું.
'આજની પેઢી વતનની લાગણીને શું સમજે !' રેખાએ નિ:સાસો નાંખ્યો.
હોટેલ પહોંચીને સૌ ફ્રેશ થઈને રેસ્ટોરન્ટમાં જવા નીચે આવ્યાં. સૌનાં આશ્ચર્ય વચ્ચે વેઈટિંગ રૂમમાં રેખાનો ભાણેજ સુકેશ બેઠો હતો.
બધાની નામરજી છતાં સૌને ફેરવવાની જવાબદારી પોતે લઈ લીધી. બંને બાળકો કૉલેજમાં ભણતા હતાં, સમજુ હતાં એટલે સુકેશકાકાની વાત સ્વીકારી લીધી.
ત્યાંથી નાસ્તો કરીને ચાલતાં જવાનું હતું, જો કે મુંબઈકર માટે ચાલવું એ નવી વાત ન્હોતી, પણ જ્યાં ફરવા ગયાં હોય ત્યાં તો વાહનમાં જ ફરાય ને !, એવી સૌની મૅન્ટાલીટી હતી.
સૌથી પહેલાં બંદરે જઈને ઘંટ દેખાડ્યો.
'ઘંટ જોવામાં નવું શું છે ? એ તો ઘણી જગ્યાએ હોય.' રેખાનાં દીકરા પાર્થે કહ્યું.
'આ જો' એમ કહીને સુકેશે પાર્થને એક તકતી તરફ આંગળી ચીંધી, 'આ આપણા એટલેકે નાનાનાં કુટુંબનાં પૂર્વજોએ ઘંટ બંધાવ્યો હતો.'
પાર્થ, તેની પત્ની અને તેનાં સંતાનો અચંબિત થઈ ગયાં.
'પહેલાંનાં વખતમાં ઘરે ઘરે ઘડિયાળ ન્હોતી. આ દોરડું જુઓ છો ને, તે હલાવીને દર કલાકે ઘંટ વગાડવામાં આવતો હતો.' મુકેશે માહિતી આપીને સૌની સામે જોયું.
'આ ઘંટનો અવાજ ક્યાં સુધી સંભળાતો હશે ?' પાર્થની દીકરી સાક્ષીએ પૂછ્યું.
'અત્યારે તમે સાંભળો છો, જોવો છો એટલો ઘોંઘાટ ત્યારે ન્હોતો. હવે તો દીવ ગામની બહાર પણ ખૂબ વિકસી ગયું છે. તમે ગાડીમાં ગામની અંદર આવ્યાં ત્યારે બહાર એક દીવાલ હતી, ગામ એ દીવાલની અંદર જ હતું એટલે આખા ગામમાં ઘંટનો અવાજ સંભળાતો.' સુકેશે કહ્યું.
ત્યાંથી આગળ વધીને તે થોડે દૂર સૌને લઈ ગયો. 'આ દીવાલ તમે જુઓ છો ને ? દરિયો પૂરીને બનાવવામાં આવી છે. ત્યાં સામેનાં કાંઠે તમને લાઈટ દેખાય છે તે ઘોઘલા છે. ત્યાં સુધી જ બસ આવતી. ત્યાંથી સામાન લઈને, નાનાં નાનાં બાળકો, યુવાન કે મોટી ઉંમરવાળા, બધા જ હોડકામાં બેસીને દીવ આવતાં. એ રોમાંચનો મેં અને રેખામાસીએ અનુભવ લીધો છે...પાર્થ તે પણ અનુભવ લીધો જ હશે, પણ તું ત્યારે નાનો હશે એટલે કંઈ યાદ નહીં હોય.' એક ધબ્બો પાર્થને મારીને સુકેશે વાત પૂરી કરી. બસ બંને મિત્રો બની ગયાં.
ત્યાંથી થોડે આગળ ચાલ્યાં એટલે નવી બનેલી સરકારી ઑફિસ આવી, સુકેશે તેનાં વિશે થોડીઘણી માહિતી આપી.
ત્યાં સામે જ બેન્ચ હતી, તેનાં પર સૌ બેઠાં, પાણી પીધું.
'આ દરિયાની વચ્ચે શું છે ?' ત્યાં સુધી હોડકું જાય છે, તે ઈમારતની ફરતે ચક્કર મારીને ફરીથી બંદરે જાય છે.' સાક્ષીએ પૂછ્યું.
'દીવાદાંડી' રેખાએ જવાબ આપ્યો.
'વાઉ' નીરજ અને પાંખી એકસાથે બોલી ઊઠ્યા.
સૌ ઊભા થઈને આગળ ચાલ્યાં, કિલ્લા સુધી પહોંચ્યા. 'આ કિલ્લો છે, આપણે કાલે ત્યાં જઈશું. અત્યારે થોડે આગળ જઈને પાછાં ફરીશું.' મુકેશે કહ્યું.
ફરતાં ફરતાં તેણે પાર્થ સાથે ઘણી વાતો કરી. પોર્ટુગીઝ સરકારનાં નિયમો અને પહેલાનાં વખતની વાતો સાંભળીને પાર્થને વિસ્મય થયું. આટલાં કલાકમાં તેને એ તો સમજાઈ ગયું હતું કે પોતે વતનમાં રહીને વતનથી દૂર હતો.
હોટેલ પર પહોંચીને સુકેશ રેખામાસીને પોતાનાં ઘરે તેમની બેગ સાથે લઈ ગયો. વિરોધ કરવાનું કોઈ પાસે કારણ ન્હોતું.
વહુ ગીતાનાં હાથની રસોઈ જમીને રેખા તેની સાથે બહાર ઓટલા ઉપર બેઠી. સુકેશ બાળકો સાથે સામેની દુકાનમાં સોડા પીવા ગયો.
ઘરની સામેનાં ભાગમાં ડાબી બાજુએ પ્રણામી મંદિર હતું. હવે તેમાં બહારની કોઈ વ્યક્તિએ પ્રવેશ ન્હોતો. સામેની બાજુએ જમણી તરફ રેખાનાં સૌથી મોટાં બહેનનું ઘર હતું. એક વખત હતો જ્યારે હવેલી જેવાં ઘરનો ફોટો ઉનાનાં બસ સ્ટેશને મૂકવામાં આવ્યો હતો !. પોતાને એ ઘર ખૂબ જ ગમતું હતું. હવે તો તેની સિકલ જ બદલાય ગઈ હતી, એ ઘર પણ વેચાઈને તેનાં ભાગ પડી ગયા હતાં. સૌથી દુઃખદ વાત તો એ હતી કે બહારનાં માણસો આવીને વસી ગયાં હતાં. બંદરે પણ ઘણી દુકાનો બનાવવામાં આવી હતી, બધા જ બહારથી આવીને વસેલાં હતાં. રેખાથી એક નિ:સાસો નંખાઈ ગયો.
'શું થયું માસી ?' ગીતાએ પૂછ્યું.
'આજનું દીવ જોઈને ખૂબ દુઃખ થાય છે.' રેખાએ જવાબ આપ્યો.
'તમારાં વાણિયાઓએ આ ગામ ઉભુ કર્યું. ત્યારે ઘરનાં પુરુષોમાંથી એક પુરુષ આફ્રિકા કમાવા જતો અને બાકીનાં અહીં રહેતાં. ભલે પોર્ટુગીઝનું રાજ હતું, છતાં શાંતિ હતી. ક્યાંય ભ્રષ્ટાચાર ન્હોતો. હવે તો અમારાં ખારવા સમાજનાં કેટલાંય ઘરો પણ વિદેશમાં વસી ગયા છે.' ગીતાએ વાતમાં સૂર પૂરાવતાં કહ્યું. તે ખારવણ હતી અને વાણિયા સાથે લગ્ન કર્યા હતાં, તે સુકેશની બહેનની બેનપણી હતી.
રસ્તો બંદર તરફથી ગામમાં પ્રવેશતો હતો, એક મોટી નિશાળ પાસેથી પસાર થઈને, પ્રણામી મંદિરથી આગળ ગામમાં રસ્તો જતો હતો એટલે જે ચોક બનતો હતો, તેમાં રેખા અને બીજા બાળકો ત્યાં રમતાં હતાં. સુકેશનાં ઘરનાં એક વડીલ અને મોટી બહેનનાં ઘરનાં એક વડીલ કોઈપણ એક ઘરે સાથે બેસતાં, આવતાં જતાં કોઈપણ જય શ્રીકૃષ્ણ કહેતાં જાય, થોડી વાત કરતાં જાય. ચોક જાણે ઘરમાં જ હોય એટલો ચોખ્ખો રહેતો.
બીજે દિવસે આઠ વાગ્યે સુકેશ હોટલ જઈને સૌને પોતાનાં ઘરે તેડી લાવ્યો. ઘર બતાવ્યું, ઘરની પાછળનો વાડો બતાવ્યો, જેમાં તે હજુ થોડી ઘણી ખેતી કરતો હતો.
'તે તારી માસીને રાત્રે ઘાસ ખવડાવ્યું હશે ને ? તમે દીવવાળા ઘાસ બહુ ખાવ.' ભરતમાસાએ સુકેશની મજાક કરી.
'હા, માસા અમારી સવાર બાજરીનાં રોટલાથી શરૂ થાય અને રાત ઘાસથી પૂરી થાય.' ગીતાએ જવાબ આપ્યો.
'માણસો ઘાસ ખાય ?' નીરજે પૂછ્યું.
'તારાં દાદા તાંદળજાની ભાજીને ઘાસ કહે છે. અમે તો સરગવાનાં પાનને પણ ભાજીની જેમ બનાવીને ખાઈએ.'
અવાજની દિશામાં નજર કરતાં પોતાનાં જેવડાં જ એક છોકરો અને એક છોકરી ઊભા હતાં.
'અમે જોડિયા છીએ. હું નિધિ અને આ મારો ભાઈ નીલ છે.'
પાંખી તેમની પર્સનાલિટી જોઈ રહી.
'અહીં કૉનવેન્ટ સ્કૂલ છે. તેમાં આ બંને ભણ્યાં છે.' પાંખીનાં સસરાએ વગર પૂછ્યે માહિતી આપી.
ત્યાંથી સૌ ગામની અંદર જ્યાં નાનાનું એક વખત ઘર હતું ત્યાં ગયાં, જોઈને રેખાને દુઃખ થયું. આગળનાં ભાગમાં દુકાનો હતી, સાઈડમાંથી રસ્તો કરી પાછલની બાજુ ગલી બનાવીને ઘરો બનાવ્યાં હતાં. તેની ઊંડાઈ જોઈને સૌને આશ્ચર્ય થયું.
'આટલું મોટું ઘર હતું ?' પાંખીએ પૂછ્યું.
રેખાએ અચાનક જ હવામાં ઘરનો નકશો દોરીને પોતાનાં કુટુંબને કહેવા લાગી, 'અહીંથી અંદર જવાનો રસ્તો હતો. અંદર જતાં જ ડાબી બાજુએ રસોડું હતું, પાછળથી તે બંધ કરીને ઉપર જ રસોડું શરૂ કર્યું હતું. વહવાયા તહેવારમાં બહારથી સાંકળ ખખડાવીને રેવામાનાં નામની બૂમ પાડે એટલે મારી બા ઢગલો નાસ્તો, મિષ્ટાન્ન લઈને નીચે આવતાં, દૂરથી જ તે બધું વહવાયાને ટચ ન થાય તેમ તેમની ઝો
ળીમાં ઠલવી દેતાં. ઉપર જતાં એક ઓસરી આવતી, તેની સામે રસોડું અને ડાબી બાજુએ બે રૂમ અને ઉપર જવા માટે લાકડાંનાં પગથિયાં હતાં, એક દોરડું હમેંશા લટકતું રહેતું, જે પકડીને ઉપર જવાતું, ત્યાં એક દરવાજો રહેતો.'
'પગથિયાં પર દરવાજો ?' નીરવને આશ્ચર્ય થયું.
'આપણે ટીનનાં ડબ્બાનું ઢાંકણ જેમ ઉપર ખોલીએ તેમ પગથિયાંનો દરવાજો હોય.' દાદાએ સમજાવતાં કહ્યું.
પતિનો સાથ મળતાં રેખાએ આગળનો નકશો દોર્યો, 'પછી એક મોટો ચોક એટલેકે ખુલ્લી જગ્યા હતી, ત્યાં અમે અનાજ, ગાદલાં, ગોદડા સૂકવતાં. ત્યાંથી મોટાં ઓરડામાં જવાનો દરવાજો હતો. તેમાં મોટાં મોટાં કબાટ અને મારાં બાપાનો હીંચકો રહેતો. અરે !
આરસપહાણનાં પથ્થરોમાંથી બનેલું મોટું ટેબલ પણ હતું. તેની જમણી બાજુએ એક ઓરડો હતો, તેમાંથી ઉપર જવા માટે, પહેલાં મેં કહ્યું તેમ લાકડાંનાં પગથિયાં હતાં.'
તેનો ઉત્સાહ કોઈ તોડવા નહોતાં ઈચ્છતાં, આથી પાંખીએ પૂછ્યું, 'ઉપર પણ ઓરડા હતાં કે અગાસી હતી ?'
'બાપાનાં ઓરડાની ઉપર અગાસી હતી, પણ આગળનાં ભાગમાંથી જ્યાંથી ઉપર જવાતું, ત્યાં ઓરડા હતાં.' રેખાએ ઉત્સાહથી જવાબ આપ્યો.
'માસી, બાપાનાં ઓરડા પછી શું હતું તે પણ કહોને.' મુકેશે ઢીલ દીધી.
'ત્યાંથી બહાર નીકળતાં જ જમણી બાજુએ હારબંધ નાની નાની ઓરડીઓ હતી. દરેક ઓરડીમાં અલગ અલગ રસોઈની સામગ્રી રહેતી. મોટી મોટી ચિનાઈ માટીની બરણીઓ, માટીની કોઠીઓ રહેતી. અથાણાં, અનાજ, કેટકેટલું તે ઓરડાઓમાં મા ભરતાં ! તને ખબર છે પાંખી, ઉનાળામાં તો કેરીઓથી એ ઓરડીઓ ભરાઈ જતી.'
'મને ક્યાંથી ખબર હોય, મમ્મી ? પણ આટલું બધું તમારાં મા એકલાં બનાવતાં ? પાંખીએ પૂછ્યું.
સૌ હસી પડ્યાં.
'શરૂઆતમાં નાના અને તેનાં ભાઈઓનું કુટુંબ સાથે રહેતાં હતાં. પછી ભાગ પડતાં તેઓ બીજા ઘરમાં રહેવા ગયાં. નાનાને આઠ દીકરા દીકરી હતાં. તમારાં સાસુ સૌથી નાનાં છે. જેટલો વસ્તાર વધારે તેટલાં હાથ વધારે કામ કરે. મામીઓ પણ નાનીને હાથોહાથ કામ કરાવતાં.' સુકેશે ચોખવટ કરી.
ત્રણ બૅડરૂમ, હોલ, કિચનનાં ફિક્સ કાર્પેટ એરિયાનાં ઘરમાં રહેતાં સાક્ષી અને નીરવને તો આ બધી વાતોની ખૂબ જ નવાઈ લાગી.
'અરે, એક વાત તો કહેવાની રહી જ ગઈ, આગળનાં ભાગમાં જ્યાં બે ઓરડા હતાં ને તેમાં એક ચોર રૂમ હતો.' રેખા અતિ આનંદમાં આવીને બોલી.
'ચોર રૂમ ?' બોલતાં નીરવ અને સાક્ષીનાં મોઢા પહોળા થઇ ગયા.
નીલ નિધિ ખડખડાટ હસવા લાગ્યાં.
'રૂમની અંદર એક બારીનાં દરવાજા જેવડો એક દરવાજો હોય, તેમાં એક મોટું ભોંયરા જેવું હોય. એને ચોર રૂમ કહેવાય.' નીલે ફોડ પાડતાં કહ્યું.
'આવા રૂમનું કામ શું ?' સાક્ષીએ પૂછ્યું.
'અમારાં નાની તેમાં પિત્તળનાં મોટાં મોટાં વાસણો રાખતાં, જેથી બહોળું કુટુંબ જમવાનું હોય ત્યારે ચૂલા પર મોટાં વાસણમાં રાંધી શકાય.' નીલે જવાબ આપ્યો.
'આજની પેઢીને આ બધી વાતોની ખબર છે. જ્યારે મેં તો મહાનગરમાં રહીને મારી નાદાનીથી આ બધો લ્હાવો ખોયો છે.' નીરજે એક નિ:સાસો નાંખ્યો. તેનાં પપ્પાએ તેનાં ખભે હાથ મૂક્યો, તે ફિક્કું હસ્યો.
સામેનાં ઘરમાં ગેસ્ટ હાઉસ બની ગયું હતું. તેની બાજુમાં એક મંદિર હતું, ત્યાં જવાનું હતું. હવે તો મનમાં સૌએ નક્કી કરી જ લીધું હતું કે રેખા, એટલેકે મમ્મી, સાસુ કે દાદીની અને તેમનાં ભાણેજની આંખે ફકત દીવ ગામને માણવું છે, પર્યટન સ્થળને જોવું નથી.
નાનકડી ઝાંપલી ખોલીને અંદર ગયાં, હવે તો પાકું બાંધકામ હતું. ડાબી બાજુએ હારબંધ ત્રણ રૂમ હતાં, ત્યાં પૂજારીજીનું કુટુંબ રહેતું હતું. ત્યાંથી આગળ નીચે જવાનો રસ્તો હતો.
પણ...સુકેશે બધાને ત્યાં જ અટકાવીને માહિતી આપી, 'આ અમારાં કુટુંબનું શિવમંદિર છે. અમે શૈવપંથી વૈષ્ણવ છીએ. પૂજારીજીનું કુટુંબ પેઢીઓથી આ મંદિરની સેવા કરે છે.'
મંદિર હોય, એમાં આશ્ચર્ય પામવા જેવું કોઈને ન લાગ્યું એટલે ભરતે સૌ સામે એક ગર્ભિત સ્મિત કર્યું.
નીચે ઉતરતાં ગયાં, પગથિયાં પાસે ઉપરની બાજુએ હારબંધ શિવલિંગ હતાં, માથું નમાવી સૌ નીચે ઉતર્યા, ત્રણ માળ નીચે શિવજી બિરાજતાં હતાં. તેમાં એક માળ નીચે વાવ હતી, જાણે શિવજીએ પોતાનાં અભિષેક માટે પહેલેથી જ તૈયારી રાખી હોય તેવું જણાતું હતું.
'આ વાવ પહેલાં ખુલ્લી હતી, તેમાં આ કોલોપ્સી ગેટ ન હતો. દીવાલ પકડીને અમે માથું અંદર નાંખીને ૐ બોલતાં અને પડઘાં પડતાં તેનો આનંદ લેતાં.' સુકેશે જાણકારી આપી.
હવે બધાને પપ્પા, દાદા કે સસરાનું ગર્ભિત સ્મિત સમજાયું. 'અમે જાતે ફરત તો ફકત નાગવા બીચ, કિલ્લો કે ગંગેશ્વર દર્શન કરીને પાછાં ફરી જાત.'
'દાદી આ ફકત તમારું જ નહીં, અમારું પણ વતન છે.' પૌત્ર પૌત્રીની વાત સાંભળીને રેખાએ બંનેને ગળે લગાવ્યાં.
દર્શન કરી, પ્રસાદ લઈ સુકેશે સૌની સામે પ્રસ્તાવ મૂક્યો, જેને સૌએ વધાવી લીધો.
કિલ્લો જોવાનું કાલ પર રાખીને તેઓ ગામની અંદર ફર્યાં, હવેલીમાં શ્રીજી બાવાનાં દર્શન કર્યાં, બીજા સગાં સંબંધીઓનાં બંધ પડેલાં ઘર બહારથી જોયાં. એ વખતમાં પોતાનાં નાના ચલાવતાં એ શાળા જોઈને નીરજની આંખમાં અશ્રુનાં પડ જામી ગયાં. અત્યારે એ ખંડેર હાલતમાં હતી. એમ કરતાં કરતાં તેઓ વાડી વિસ્તારમાં આવ્યાં.
'અહીં તો પાક્કા મકાનો છે, તું આને વાડી વિસ્તાર કેમ કહે છે ?' પાર્થે સુકેશને પૂછ્યું.
'આપણા નાનાની અને બીજા લોકોની અહીં વાડી હતી. આપણી વાડીનું નામ સાપાની વાડી હતું.' સુકેશે માહિતી આપી.
'હા, રજામાં અમે વાડીએ જતાં, નાળિયેરની લાલચે જતાં અને કેટલુંય શાક કે બીજું અનાજ ઊગ્યું હોય તેને સાફ કરવામાં મદદ કરતાં. વાડીએ જઈએ ત્યારે ઘરે મળતાં હોય તેનાંથી વધારે નારિયેળ અમને પીવા મળતાં.' રેખાએ ભાવુક થઈને પોતાની યાદોને યાદ કરી.
'જો આ સામે દેખાય તે વાડી મગનબાપાની એટલેકે નાનાનાં ભાઈની છે. તેમાં જે ઘર દેખાય છે, તેની એક રૂમમાં મગન બાપાનાં કુટુંબનો થોડો સામાન છે, પણ ઘર સહિતની જમીન વાડી સંભાળતા માણસે પચાવી પાડી છે.'
'કાયદો કંઈ ન કરી શકે ?' પાંખીએ પૂછ્યું.
સુકેશે મ્લાન સ્મિત આપ્યું, 'અમે જમીનદારનાં વંશજો છીએ. આજુબાજુનાં ગામડાંમાં નાના અને તેનાં ભાઈઓની જમીન હતી, પણ...'ખેડે તેની જમીન'નો કાયદો આવ્યો. બધું જ ભાગિયાઓને દેવાય ગયું, તેમાં આટલો કટકો શું વિસાતમાં ?'
સૌનાં મોઢા પરથી લોહી ઊડી ગયું.
ત્યાંથી સૌ બગીચામાં ગયાં, ફોટા પાડયાં. 'આ જમીન પણ મગનબાપાની હતી, સરકારને જોઈતી હતી એટલે આપી દીધી. જો કે સરકારે ભાવ પ્રમાણે રૂપિયા આપ્યાં હતાં.' એક પછી એક આંચકાઓ સુકેશ આપતો જતો હતો.
ચર્ચ અને સ્કૂલ જોઈને સૌ બહારની તરફ આવ્યાં. ત્યાંથી ઘૂઘવતો સમુદ્ર જોઈને થોડી શાતા વળી. ચાલતાં ચાલતાં સૌ હોટેલ આવ્યાં, જમીને આડે પડખે થયાં.
સાંજે ફકત ગંગેશ્વર મહાદેવ દર્શન કરવાં ગયાં. 'અમે અહીં સુધી ચાલીને આવતાં, ત્યારે રિક્ષા ન્હોતી, આટલું જે પાકું બાંધકામ કર્યું છે તે પણ ન્હોતું.' રેખાએ કહ્યું.
વાત સાંભળીને હવે કોઈને કોઈ આંચકા લાગે તેમ નહોતાં...પરંતુ એ વખતનાં માણસો કેવી જિંદગી જીવતાં હશે, તેનો વિચાર કરતાં હતાં.
'અહીં પહેલાં લાઈટ ન્હોતી, ગેસની એજન્સી સૌથી પહેલાં કાંતિલાલશેઠે લીધી હતી, ઓઈલ મીલ પણ તેમણે જ શરૂ કરી હતી.
'શેઠ ?' નીરજે પૂછ્યું.
'જમાઈને પહેલાં અહીં શેઠ કહેતાં. કાંતિલાલશેઠ એટલે તમારાં સૌથી મોટાં માસા.' નીલે ચોખવટ કરી.
'ઓહ...લાઈટ વગરની, ટૅકનોલોજી વગરની દુનિયામાં, તે સમયનાં માણસો કેવી રીતે જીવતાં હશે !' સાક્ષીએ આશ્ચર્ય જતાવ્યું.
'અમે વહેલાં જમી લેતાં, સાત પહેલાં તો રસોડું આટોપાઈ જતું. અત્યારે તો બંદર પર મોડે સુધી ખાણીપીણી ચાલતી હોય છે.' રેખાએ કહ્યું.
પછીનાં દિવસોમાં નાગવા બીચ, મૅમોરિયલ, કિલ્લો વગેરે જગ્યાએ ફરીને સૌએ આનંદ કર્યો. છતાં...ન પૂરાય તેવો ખાલીપો વર્તાય રહ્યો હતો. સુકેશભાઈનો પોર્ટુગીઝ પાસપોર્ટ આવી ગયો હતો, તેઓ એક ઘર અને થોડી જમીન રાખીને, બધું જ વેચીને લંડન જતાં રહેવાનાં હતાં.
કોઈને ખબર ન પડે તેમ રેખાએ વતનની ધૂળ રૂમાલમાં બાંધીને પોતાનાં પર્સમાં રાખી લીધી હતી.
'પરિવર્તન એ સંસારનો નિયમ છે' તેને માન આપવું જ રહ્યું. થોડી ખુશી, થોડાં ગમ સાથે સૌ મુંબઈ જવા પ્લેનમાં બેઠાં.