NIMISHA LUMBHANI

Romance Tragedy

4.5  

NIMISHA LUMBHANI

Romance Tragedy

દોર કોણ ?

દોર કોણ ?

3 mins
304


ઋચાએ કોમર્સ કૉલેજમાં એડમિશન લીધું. જૂની બહેનપણીઓ છૂટી ગઈ, નવી બહેનપણીઓ મળી. આ વર્ષે કાવ્યાનાં ફ્લેટમાં પતંગોત્સવ ઉજવવા બધાં ભેગાં થયાં હતાં.

એક જ કમ્પાઉન્ડમાં સામસામે બે બિલ્ડિંગ હોવાથી પતંગ ચગાવવાની અને કાપવાની બહુ મજા આવતી હતી. સૌ આનંદ લૂંટી રહ્યાં હતાં, એવામાં અચાનક જ કાવ્યાની માસીનો દીકરો આવ્યો. સરપ્રાઈઝ આપવા તે મુંબઈથી અમદાવાદ આવ્યો હતો. દર્શન પતંગ ચગાવવામાં માહેર હતો, તેની ફિરકી પકડવાનું સૌભાગ્ય ઋચાનું હતું. દર્શનનાં આવ્યાં પછી તેઓની અગાસીમાં જાણે કે ઉત્સાહનો સંચાર વધી ગયો. ફકત સામેનાં બિલ્ડિંગની જ નહીં, આજુબાજુ ઊડતી બધી પતંગો તે કાપવા લાગ્યો હતો. જેમ જેમ પતંગ કપાતી ગઈ, તેમ તેમ તેમની વચ્ચેનું અંતર પણ કપાતું ગયું.

ફોનથી એકબીજાનો પરિચય કેળવતા કેળવતા લાગણીઓ વ્યક્ત કરવા લાગ્યાં. દર્શનની વાતો સાંભળીને ઋચા મુંબઈનાં સપનાં જોવા લાગી.

કાવ્યાની મધ્યસ્થીથી બંનેનાં પરિવારો મળ્યાં, ઋચા બેનપણીમાંથી ભાભી બની ગઈ.

મહાનગર મુંબઈ પહોંચીને ત્યાંની અજાયબ દુનિયાની રીતભાત શીખવા લાગી. અમદાવાદી બોલી ભૂલીને મુંબઈકર બની ગઈ.

વર્કિંગ વુમન અને હાઉસવાઈફ એમ એકસાથે બે ઘોડે દોડતી થઈ ગઈ. અમદાવાદની સ્કુટર, કારની લક્ઝરી ભૂલીને લોકલ ટ્રેનનાં લેડીઝ ડબ્બામાં અપડાઉન કરીને નોકરીએ જવા લાગી. બે બાળકોની મોડર્ન માતા બનીને પેરેન્ટ્સ મિટિંગ એટેન્ડ કરતી થઈ ગઈ.

નોકરી, બાળકોનો ઉછેર, વ્યવહારની જવાબદારી સાથે વૈવાહિક જીવનનું સમતુલન રાખતી હતી.

દર્શન દર ઉત્તરાયણે પહેલી ઉત્તરાયણ યાદ કરતો, 'આપણે બંને પતંગ અને દોર છીએ, કાયમ એકબીજાની સાથે સાથે. પતંગે આકાશમાં કેટલું ઊંચે ઊડવું એ દોરી નક્કી કરે છે. દોરી જેટલી મજબૂત તેટલી પતંગ આકાશમાં સલામત. તું મારી દોર છો.'

ઋચા પોતાનાં પ્રસન્ન દામ્પત્ય જીવનથી ખુશ હતી. બાળકો ગમે ત્યારે તેનાં મોબાઈલનો ઉપયોગ કરી શકતાં, પરંતુ...દર્શનનો મોબાઈલ લૉક રહેતો. ઋચાને ક્યારેય તેનો મોબાઈલ જોવાની જરુર ન લાગતી, એટલો સમય પણ ક્યાં રહેતો ?

'મારાં મોબાઈલમાં કસ્ટમરનાં નંબર, તેમની ડીટેલ હોય એટલે લૉક રાખવો જ પડે.' બાળકો જ્યારે તેનો મોબાઈલ માંગતા ત્યારે દર્શન હંમેશા આ જવાબ આપતો.

દર્શનને વીમાએજન્ટ તરીકે ઘણી વખત બહારગામ જવાનું થતું. દર્શન ઘરે હોય ત્યારે પણ તેનો ફોન ચાલુ જ રહેતો.

એક દિવસ ઋચા અમસ્તી જ કોઈ કારણ વગર ઓફિસમાંથી વ્હેલી નીકળીને ઘરે આવી ગઈ. બાળકો ટ્યુશન ક્લાસમાં ગયાં હતાં. ઘરે આવીને તેને નહાવાની ટેવ હતી. તે કપડાં લઈને બાથરૂમમાં હજુ ગઈ જ હતી કે મુખ્ય દરવાજો ખોલવાનો અવાજ આવ્યો. દર્શન આજે સરસ મૂડમાં હતો એટલે પોતાને ગમતી ધૂનની સીટી વગાડતો હતો.

ઋચા આનંદિત થઈ ઊઠી, 'આજે ઘણાં વખતે સાથે ન્હાવા મળશે.'

ફોનની રીંગ વાગી. દરવાજો ખોલતી ઋચા અટકી ગઈ. શાવર ચાલુ કરવા જતી જ હતી કે તેનાં કાને શબ્દો પડ્યા, 'હાય બેબી !'

પોતાનાં કાન પર વિશ્વાસ ન પડવાથી તેણે દરવાજે કાન માંડ્યા.

'હે બેબી, તે ગુડ ન્યૂઝ આપીને મને ખુશ કરી દીધો. બોલ, મને પિતા બનાવવાની ખુશીમાં તારે શું જોઈએ છે ? તું માંગીશ એ આપીશ.'

'.........' સામેથી કંઈક મંગાયું.

'ઓહ બેબી, હું અહીંનો પરિવાર છોડીને કેવી રીતે કાયમ તારી સાથે રહેવા આવું ? શા માટે મારે ઋચાને આપણાં સબંધ વિશે કહેવું જોઈએ ?' દર્શને જવાબ આપ્યો.

ઋચા બાથગાઉન પહેરીને બહાર આવી. તેને જોઈને દર્શન ડઘાઈ ગયો.

'મને એમ હતું કે મારો પ્રેમ હૃદયમાં ભરીને તું વીમાનાં કામ માટે બહાર જાય છે. દોર હું નથી, તું છો, જેનાથી બંધાઈને હું પ્રસન્ન દામ્પત્ય જીવનનાં આકાશમાં ઊડી રહી હતી. હું જ આ દોર કાપુ છું, આજથી, આ ઘડીથી તું તારી બેબીને બાંધજે.' ઋચાએ વ્યથિત થઈને પતંગ અને દોરથી શરૂ થયેલાં જીવનનો અંત આણ્યો.

આ સાંભળીને સામે છેડે બેબી આનંદિત થઈ ઊઠી.


Rate this content
Log in

Similar gujarati story from Romance