Shashikant Naik

Drama Romance

4.9  

Shashikant Naik

Drama Romance

જદુભાઈ

જદુભાઈ

3 mins
1.3K


હમણાં હમણાંથી જદુભાઈ ન્યાતના મેગેઝીનમાં નજર નાંખતાં થયા હતા. તેમની દીકરી સુજ્ઞા હવે પરણવા જેવડી થઈ હતી. એને લાયક કોઈ છોકરાની જાહેરાત જોવા મળે એ હેતુ મુખ્ય હતો. 

હવે નિવૃત્ત થયા હોવાથી તેમની પાસે સમય પણ ખૂબ હતો. દીકરો તો ક્યારનો ય પરણીને દૂરના શહેરમાં ગોઠવાઈ ગયો હતો. સુજ્ઞાનો જન્મ ઘણો મોડો થયો હતો. તેના અને દીકરા રાહુલ વચ્ચે દસ વરસનો તફાવત હતો.

વાંચતા વાંચતા તેમની નજર એક જાહેરાત પર પડી. સામાન્ય રીતે અમેરિકામાં ઉચ્ચ શિક્ષણ લઈને ત્યાં ઠરીઠામ થયેલા મૂરતિયા માટે આર્ટ્સ ગ્રેજ્યુએટ સુજ્ઞા અભણ જ ગણાય, એમ માની તેઓ આવા છોકરાઓની જાહેરાતને નજરઅંદાજ કરી દેતા હતા. પણ એકાએક એમની નજર છોકરાના પિતા અને માતાના નામ ઉપર પડી. નામ જાણીતું હતું, પણ સરનામું પરિચિત નહોતું. તેમને સ્હેજ રસ પડ્યો અને છોકરાની જન્મતારીખ જોઈ. તેમના આશ્ચર્ય વચ્ચે તેની અને સુજ્ઞાની જન્મતારીખ એક જ હતી. તેમના મગજમાં એક ઝબકારો થયો અને તેમની નજર સામે સુજ્ઞાનાં જન્મનો એ દિવસ આવી ગયો.

તે સમયે પોતે થોડે દૂરના એક નાના શહેરની હાઈસ્કૂલમાં હતા. તેમની બાજુમાં ન્યાતના જ લાલુભાઈ રહેતા હતા. તેઓ પણ આ શહેરમાં તો બહારના હતા, પણ ન્યાતના હોવાને કારણે બંને વચ્ચે ઝડપથી નિકટતા કેળવાઈ ગઈ. લાલુભાઈ બેન્કમાં અધિકારી હતા. તેમને એક દીકરી હતી, જે રાહુલ કરતા ઘણી નાની હતી. હવે તેમને દીકરાની તમન્ના હતી. સંજોગ એવો બન્યો કે લાલુભાઈની પત્ની અને જદુભાઈની પત્ની બંનેને દિવસો હતા અને ડોક્ટરે બંનેને ડીલીવરીની તારીખ પણ લગભગ એક જ અઠવાડિયામાં આપી.

નસીબજોગે બંનેને એકજ દિવસે હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા. હોસ્પિટલ એક જ હોવાથી જદુભાઈ અને લાલુભાઈ સાથે જ ત્યાં હતા. ખાસી વાર થયા પછી 'દીકરો આવ્યો છે' એવા સમાચાર નર્સે પહેલા લાલુભાઈને આપ્યા ત્યારે બંને એકબીજાને ભેટી પડ્યા. જેટલી ખુશી લાલુભાઈને થઈ તેટલી જ જદુભાઈને પણ થઈ. હજુ જદુભાઈ ને સમાચાર માટે રાહ જોવાની હતી. તેમણે તપાસ કરી તો જાણવા મળ્યું કે હજુ ૨-૩ કલાક લાગી જશે. આથી તેમણે લાલુભાઈને ફરી અભિનંદન આપી આ સમાચાર તેમના અન્ય સંબંધીઓને પહોંચાડવા ઘરે જવા સૂચવ્યું.

"અરે યાર, શું ઉતાવળ છે ? આ સમાચાર તો ગમે ત્યારે પહોચાડાશે. પહેલા એ તો જોઈએ કે દીકરો આવ્યો છે તેને માટે ભગવાન વહુ પણ મોકલે છે કે કેમ..!"

જદુભાઈ પણ આ મજાક સાંભળીને હસી પડ્યા હતા. જદુભાઈની ઈચ્છા દીકરી આવે એવી હતી તેની લાલુભાઈને ખબર હતી. વાતોમાં બે કલાક પસાર થઈ ગયા અને જયારે નર્સ સમાચાર લઈને આવી ત્યારે લાલુભાઈએ એને બોલવા દીધા વિના સીધું જ પૂછ્યું હતું, "દીકરી છે ને ?" નર્સે ફક્ત ડોકું ધુણાવીને ઉત્તર આપ્યો હતો અને હસતી હસતી અંદર ચાલી ગઈ હતી. સામાન્ય રીતે દીકરીના જન્મથી અણગમો અનુભવતા વડીલોથી અલગ આ લોકો પ્રત્યે તેને માન પણ ઉપજ્યું હતું.

બંને બાળકો દસ વરસના થયા ત્યાં સુધી બંને કુટુંબો ત્યાં રહ્યા. મોટા થતા બાળકોને આનંદથી જોતા રહ્યા. લાલુભાઈ મૂડમાં હોય ત્યારે સુજ્ઞાને "વહુ દીકરા" કહીને પણ ક્યારેક બોલાવી લેતા. પછી જદુભાઈને પોતાના વતનના ગામની શાળામાં નોકરી મળવાના સંજોગો ઊભા થયા એટલે બંને કુટુંબ છૂટા પડ્યા. થોડા જ વખતમાં લાલુભાઈની બદલી પણ પ્રમોશન સાથે પંજાબમાં થઈ ગઈ. બે-ત્રણ વર્ષ બંને વચ્ચે પત્રવ્યવહારથી સંપર્કો રહ્યા, પણ ધીરે ધીરે તે ક્ષીણ થતા ગયા.

આજે જયારે આ જાહેરાત જોઈ ત્યારે જદુભાઈને થયું કે ચોક્કસપણે એ જ લાલુભાઈ હશે. તેમનું સરનામું મુંબઈનું હતું. શક્ય છે કે બદલીઓ થતા થતા અંતે તેઓ મુંબઈમાં સ્થાયી થયા હોય. તેમણે તે રાત્રે ઊંઘ ના આવી. છોકરો સારું ભણ્યો હતો, સારું કમાતો હતો, દેખાવડો તો હતો જ નાનપણથી. એને લાયક અનેક છોકરીઓના માબાપ પડાપડી કરશે જ એની એમને ખાતરી હતી. આમ પણ અમેરિકાનું લેબલ એ એક જ સૌથી મોટી અને આકર્ષક લાયકાત હતી. આવામાં પોતાની સામાન્ય ભણેલી દીકરી માટે લાલુભાઈને કહેવાય કે કેમ તેની દ્વિધામાં તેમણે આખી રાત પડખા બદલ્યા. એક તરફ આવી શક્યતા હતી તો બીજી તરફ બાપ તરીકેની લાગણી પ્રયત્ન કરી જોવા પ્રેરતી હતી. જૂના મિત્રને મળવાનો, જૂના સ્મરણો તાજા કરવાનો, સાકેતને જોવાનો લોભ પણ ખરો.

ગડમથલના અંતે લાલચનો વિજય થયો અને તેમણે મુંબઈ જવાનું નક્કી કર્યું. સાકેત તો થોડા દિવસ જ રોકવાનો છે અને જો કઈ વાત બને તો પછી સુજ્ઞાને બોલાવવામાં સારો એવો સમય નીકળી જાય. એના કરતા એને પણ સાથે જ લઈ જવી.

ભાવનગરથી લાંબી મુસાફરી કરી બાપ-દીકરી મુંબઈ સેન્ટ્રલ સ્ટેશને ઉતર્યા ત્યારે જદુભાઈને વિચાર તો આવ્યો કે પોતે દીકરીના ભવિષ્યની લાલચમાં ઉતાવળ તો નથી કરી ? લાલુભાઈ તેમના વિષે શું વિચારશે ? નજીકમાં એક નાનકડી હોટેલ શોધી ત્યાં ઉતારો કરી બંને ન્હાઈ-ધોઈને તૈયાર થયા. દરમિયાન જદુભાઈએ સુજ્ઞાને પણ તેમના મુંબઈ પ્રવાસનું કારણ જણાવી દીધું હતું. "તમે ચિંતા ના કરો, પપ્પા. ઉપરવાળો જે રસ્તો બતાવશે તે આપણા માટે સારો જ હશે. જો મને એમ લાગે કે સાકેત માટે હું યોગ્ય નથી, તો હું જ ના કહી દઈશ."

બંને ટેક્સી કરીને વિલે પાર્લેના સરનામે લાલુભાઈને ત્યાં પહોંચ્યા.ફ્લેટ આલીશાન હતો તેના ઉપરથી બાપ દીકરીને ખ્યાલ આવ્યો કે લાલુભાઈએ પણ સારી કમાણી-બચત કરી હતી. ડોરબેલની સ્વિચ દબાવીને બંને ઊભા રહ્યા ત્યારે જદુભાઈના હૃદયના ધબકારા વધી ગયા.

એક યુવતીએ આવીને દરવાજો ખોલ્યા ત્યારે તેમણે રાહત થઈ. "આપ બેસો. અંકલ અને બધા એક જગ્યાએ ગયા છે. પાછા આવતા જ હશે. છતાં હું તેમને જણાવી દઉં..શું નામ આપનું ?

"મને કહીને જ ગયા છે કે કોઈ આવે તો મને તરત જ ફોન કરજે." કહી તેણે ફોન ડાયલ કરવા માંડ્યો. "હલ્લો, અંકલ, એક મહેમાન આવ્યા છે." કહી તેણે જદુભાઈ તરફ જોયું. "જદુભાઈ" એવો ટૂંકો ઉત્તર સુજ્ઞએ જ આપી દીધો.

સામેથી શું કહેવાયું તે તો ખબર ના પડી, પણ પેલા બહેન સુજ્ઞા તરફ એક નજર કરીને રસોડા તરફ વળ્યાં અને થોડી જ વારમાં નાસ્તાની ડીશ સાથે હાજર થયા. "શું લેશો ? ચા કે કોફી ?"

"કાંઈ જરૂર નથી. અમે ચા-નાસ્તો કરીને જ નીકળ્યા છીએ." સુજ્ઞાએ વિવેક કર્યો, પણ પેલા બહેને ફરી એક વાર સુજ્ઞા તરફ નજર કરી અને "તો પછી આઈસ્ક્રીમ જ લાવું છું." કહી અંદર ગયા. સુજ્ઞા પપ્પાના ચહેરા પર મૂંઝવણના ભાવો જોઈ રહી હતી. તેને પણ ઓછી મૂંઝવણ નહોતી. થોડી વારમાં પેલા બહેન આઈસ્ક્રીમ પણ લાવ્યા અને બંનેએ સંકોચસહ નાસ્તો તથા આઈસ્ક્રીમ પૂરા કર્યા. પેલા બહેન પણ ત્યાં જ બેઠા હતા. નાસ્તો વગેરે પૂરા થતા જ આદતવશ સુજ્ઞા ખાલી ડીશો ભેગી કરવા માંડી. પેલા બહેને તે જોયું, સહેજ મલકાયા અને "અરેરેરે. તમે બેસો. હું મૂકી દઉં છું." કહી ઊભા થયા. ત્યાં સુધીમાં સુજ્ઞા ઊભી થઈ ગઈ હતી અને પેલા બહેનની અવરજવરના કારણે પરિચિત રસોડાના રસ્તા તરફ વળી રહી હતી. "તમે મહેમાન કહેવાઓ." કહેતા પેલા બહેને જ નેપકીન પણ લંબાવ્યો. તે કઈ પૂછવા માંગતા હોય તેમ સુજ્ઞાને લાગ્યું, પણ શું વાત કરવી ? "અમે આજે સવારે જ ભાવનગરથી આવ્યા." કૈક બોલવું જોઈએ એમ લાગતા સુજ્ઞાએ કહ્યું.

"મારુ નામ જિજ્ઞા. લાલુમામા મારા મામા થાય. હું પણ કાલે જ રાજકોટથી આવી."

પછી તો બંને રસોડા પાસે ડાઈનિંગ ટેબલ ઉપર જ રાજકોટ, ભાવનગર, સૌરાષ્ટ્રની વાતોએ વળગ્યા. આ સમય સુજ્ઞાએ પોતાનો પરિચય થોડો આપ્યો - ઘણો બાકી રાખ્યો.

ડ્રોઈંગ રૂમમાં જદુભાઈ પણ છાપું હાથમાં લઈને સમય પસાર કરી રહ્યા હતા. લગભગ અર્ધા કલાકે ડોરબેલ વાગી અને બાપ-દીકરી બંનેના ધબકારા વધી ગયા.

જિજ્ઞાએ દરવાજો ખોલતા જ લાલુભાઈ અંદર આવ્યા અને સીધા જ જદુભાઈ પાસે જઈ એમને ભેટી પડ્યા. દરમ્યાન સુજ્ઞા પણ ત્યાં આવી ગઈ. સુજ્ઞા લાલુભાઈને પગે પડી. લાલુભાઈએ તેને ઊભી કરી બાથમાં લીધી અને માથે હાથ ફેરવ્યો.

"માફ કરજે દોસ્ત, તારે બેસી રહેવું પડ્યું. થાકી ગયા છીએ અમે તો આ સાકેત માટે છોકરીઓ જોઈને..." કહી તેમણે અત્યાર સુધી શાંત ઊભેલા સાકેત તરફ નજર કરી. સાકેત જદુભાઈ પાસે આવ્યો અને તેમને પગે પડ્યો. "કેમ છો અંકલ ?" કહી તેણે જદુભાઈ સાથે હાથ મેળવ્યા. જદુભાઈ થોડા હળવા થયા. એક કોઠો - ઓળખાણનો તો સરળતાથી પાર થઈ ગયો હતો. હજુ તો કેટલાય કોઠા પાર કરવાના હતા..! તેમને થયું. 

"બેટા, અંકલને ચા-નાસ્તો કરાવ્યો કે નહિ ?" લાલુભાઈએ જિજ્ઞા તરફ ફરીને પૂછ્યું.

"જી, અંકલ."

"તો હવે એ બંનેને માટે કંઈક મિસ્ટાન્ન સાથે જમવાનું પણ બનાવજો. મહાદેવ ભેગા આપણે પોઠીયા પણ ખરા જ." કહી તેઓ હસ્યાં.

"પણ.." કહેતા જદુભાઈ વિવેક કરવા ગયા, પણ શબ્દો ના જડ્યા.

"વિવેક રહેવા દે. આટલા વર્ષે મળ્યા છીએ તો સાથે જમીએ તો ખરા. કાંઈ પરેજી ? ડાયાબિટીસ કે એવું ?"

"ના. ભગવાનની કૃપા છે. પણ તમારી હા કહેવડાવવાની રીત હજુ અસલ જ રહી." જદુભાઈએ કહ્યું.

ત્યાર પછી બંને વાતોએ વળગ્યા. ભૂતકાળને ખોતરી ખોતરીને બધું કાઢ્યું. છૂટા પડ્યા પછી કોણે શું કર્યું તે વાતો થઈ. સુજ્ઞા તો રસોડામાં ગઈ હતી. ખૂબ વાતો કરી, પણ જદુભાઈએ કાળજી રાખી કે ક્યાંય "વહુ-દીકરા' વળી વાતનો ઉલ્લેખ ના થઈ જાય. તેમણે એ પણ નોંધ્યું કે લાલુભાઈએ પણ એ વાતનો ઉલ્લેખ પ્રયત્નપૂર્વક ટાળ્યો હતો.

****

સાકેત અમેરિકાથી આવીને એરપોર્ટ પાર ઉતર્યો ત્યારે તેનો પહેલો પ્રશ્ન હતો, "પપ્પા, જદુકાકા વિષે તપાસ કરી કે નહિ ?"

"કરી તો ખરી, પણ ચોક્કસ માહિતી મળી નથી. તેમના ગામમાંથી સમાચાર મળ્યા છે કે તેઓ ભાવનગરમાં સ્થાયી થયા છે પણ સરનામું ના મળ્યું,. આવડા મોટા ભાવનગરમાં શોધવા ક્યાં ? છતાં આપણી ન્યાતના બેત્રણ ઓળખીતાને વાત કરી છે. મને વિશ્વાસ છે કે મળી જશે. મેં આપણી ન્યાતના માસિકમાં પણ તારા લગ્ન અંગે જાહેરાત આપી છે. જો જદુકાકા વાંચતા હશે તો ચોક્કસ સંપર્ક કરશે."

ઘરે આવીને ગોઠવાયા નહોતા ત્યાં જ સાકેત માટે ફોન આવવા શરૂ થઈ ગયા. તે સમયે તો લાલુભાઈએ બધાને છોકરીનો બાયોડેટા મોકલી આપવાનું કહી વાયદો કર્યો. કેટલાક ઘરે પણ આવી ગયા. વાતને અઠવાડિયું વીતી ગયું એટલે હવે જદુભાઈનો સંપર્ક થવાની આશા ઓછી થતી ગઈ. એટલે લાલુભાઈએ સાકેતને સૂચવ્યું કે એક તરફ આપણે જદુકાકાના સમાચારની રાહ જોઈએ અને બીજી તરફ તું તને ઠીક લાગે તેવી બેત્રણ છોકરીઓ જોઈ તો રાખ. નિર્ણય પછી કરીશું. આમ નક્કી કરીને તેમણે એક કુટુંબને બીજે દિવસે મળવાનો સમય આપી દીધો. તે જ રાત્રે ભાવનગરથી એક ઓળખીતાનો ફોન આવ્યો. તેમને જદુભાઈનું ઘર મળી ગયું છે, પણ જદુભાઈ અને તેમની દીકરી તો તે દિવસે જ મુંબઈ આવવા નીકળ્યા છે.

તે રાત્રે લાલુભાઈના ઘરમાં જાણે સાકેતની સગાઈ થઈ ગઈ હોય તેવી ખુશી હતી. સાકેત પણ બાળપણની યાદોમાં ખોવાઈ ગયો. તે અને સુજ્ઞા રોજ સવાર સાંજ સાથે રમતા હતા, લડતા હતા, તોફાન કરતા હતા, ક્યારેક ઘર-ઘર રમતા ત્યારે વર-વહુ બનીને ઘરસંસાર પણ ચલાવી લેતા હતા. એક વાર શાળામાં નાટકમાં પણ બંને વર-વહુ બન્યા હતા. આ બધું તેની નજર સમક્ષ તરવરી રહ્યું. તેને થયું, 'બાળપણ પાછું આવી શકતું હોત તો !' 

*****

તે રાત્રે ભોજન સમયે અને ત્યારબાદ ઘરમાં જદુભાઈની અને સાકેત-સુજ્ઞાનાં બાળપણની વાતો છવાઈ ગઈ હતી. સવારે ઊઠીને બધા જ જાણે જદુભાઈ અને સુજ્ઞાનું સ્વાગત કરવા - ખાસ તો સુજ્ઞાને જોવા થનગની રહ્યા હતા. પણ દસ વાગવા છતાં તેઓ ન આવ્યા એટલે લાલુભાઈને શંકા પેદા થઈ, 'ક્યાંક બીજે તો નથી ગયા ?' સાકેત પણ નિરાશ થયો. એમને તો એમ જ હતું કે દાદર સ્ટેશને ઊતરીને તેઓ સીધા જ એમના ઘરે આવી જશે. એ હિસાબે તો આઠેક વાગે આવી જવા જોઈએ. દરમિયાન અગિયાર વાગે જે મુલાકાત નક્કી કરી હતી તે માટે હવે નીકળવું જોઈએ એવું લાગતા જિજ્ઞાને ઘરે રાખી તેઓ ગયા. ગયા તો ખરા પણ તેમનું મન અને ધ્યાન ઘર તરફ જ હતું.

આથી જયારે જિજ્ઞાએ ઘરનું બારણું ખોલી બાપ-દીકરીને જોયા ત્યારે તેનું મન તો ખુશીથી ઊછળી પડ્યું હતું. પણ તેણે સંયમ રાખી ખાતરી કરી લીધી કે તેઓ જદુભાઈ અને સુજ્ઞા જ છે. સુજ્ઞા સાથે વાતચીત દરમિયાન તેને જાણ્યું કે તેઓ સેન્ટ્રલ પાસે કોઈ હોટલમાં ઊતર્યા છે ત્યારે તેને ખ્યાલ આવી ગયો કે બાપ-દીકરી આવ્યા તો છે લગ્નની વાત મનમાં લઈને, પણ તેઓ એટલો બધો સંકોચ અનુભવે છે કે કદાચ લગ્નની વાત જ નહિ કાઢે. તે સાકેતની રૂમમાં ગઈ અને તેને એ લોકોના મોડા આવવાનું કારણ જણાવ્યું અને સાથે પોતાની શંકા પણ કહી. "કઈ વાંધો નહિ, પપ્પા છે ને ? એ તો રસ્તો કાઢશે. પણ સુજ્ઞા માટે તારો અભિપ્રાય તો કહે."

"ભાઈ, તારે જો ભણતરનો વાંધો નહિ હોય તો તેને તારે માટે જ ભગવાને બનાવી છે એમ માન. જો તું ના પાડવાનો હોય તો હું કાલે જ મારા પપ્પાને ફોન કરી એને મારી ભાભી બનાવી દઉં."

"કેમ ? હું લગ્ન કરું તો તે તારી ભાભી ન કહેવાય ?"

"મારો મતલબ એ જ કે એના જેવી છોકરી આપણા કુટુંબને મળે તો આપણું ભાગ્ય કહેવાય."

આ વાત ચાલતી હતી તે દરમિયાન લાલુભાઈ પણ ત્યાં આવી પહોંચ્યા.

"પપ્પા, જદુભાઈ તો કઈ બોલશે નહિ, પણ વાત પાકી કરી દો. મને લાગે છે કે મારી ધીરજના મીઠા ફળ મળી રહ્યા છે."

"સાથે એક વાત પૂછું, દીકરા ? આ લગ્ન સાદાઈથી કરીએ તો તને વાંધો નહિ ને ? મને લાગે છે કે જો સમાજના રીતરિવાજો અનુસાર લગ્ન કરવા જઈશું તો સમય પણ જશે અને જદુભાઈ તેની બચતનો સારો એવો ભાગ ખર્ચી નાખશે, આપણી સરભરામાં. દીકરો રાહુલ કરવી હોય તો પણ બહુ મદદ કરી સામે એમ હું માનતો નથી, કારણ કે એની નોકરી સામાન્ય છે."

"એ તો પપ્પા તમે કહો તેમ. તમે કહો તો આજે જ કોર્ટમાં જઈને વાત પતાવી દઈએ."

બધા જમવા બેઠા હતા ત્યારે લાલુભાઈએ જ વાત કાઢી, "ચાર-પાંચ દિવસ તો રહેશો ને, જદુભાઈ ?"

જદુભાઈએ સુજ્ઞા તરફ જોયું. તેના ચહેરા પર મૂંઝવણ હતી. "તમને મળવા-જોવા આવ્યા હતા. હવે અમે તમારા કામમાં અડચણ બનીશું. મારો વિચાર કાલે નીકળી જવાનો છે. હવે ઘર જોઈ લીધું છે એટલે ફરી કોઈ વાર આવીશ ત્યારે આપણે નિરાંતે મળીશું." જદુભાઈએ નક્કી કરી લીધું હતું કે સુજ્ઞાનાં લગ્ન અંગે વાત કરી લાલુભાઈને શરમમાં નાખવા નથી.

પાંચેક મિનિટની ચૂપકીદી પછી લાલુભાઈ બોલ્યા, "જુઓ જદુભાઈ, નિવૃત્ત થયા હોવા છતાં તમારે કામ હોય તો તમને દબાણ નહિ કરું, પણ સુજ્ઞાને તો સાકેત અમેરિકા પાછો જાય ત્યાં સુધી મૂકી જ જવી પડશે. અમારે મદદ થશે અને સુજ્ઞા અમારી સાથે મુંબઈ પણ જોશે. સાથે તમે પણ રહો તો તો વધુ આનંદ."

જદુભાઈ ચૂપ રહ્યા. કુંવારી દીકરીને પારકા ઘરે - 'પારકા' શબ્દ મગજમાં આવતા જ ખાવામાં કાંકરી આવી હોય તેવું જદુભઈને લાગ્યું - મૂકી જવી ? લાલુભાઈને ના પણ ન કહેવાય !

"તમે ચૂપ છો એનો મતલબ કે તમે મારી વાત સાથે સંમત છો. ચિંતા કરશો નહિ. સાકેત જાય પછી જિજ્ઞા રાજકોટ જવાની છે તે એને ભાવનગર મૂકીને જશે." જદુભાઈને આ શબ્દો તો સમજાયા પણ તેમાં સુજ્ઞાને વહુ બનાવવાનો 'નકાર' પણ ચોખ્ખો દેખાઈ આવ્યો. તેમણે વાત જ ન કાઢી તે સારું કર્યું એમ તેમને થયું.

તે સાંજે જદુભાઈ, સાકેત, સુજ્ઞા એન્ડ જિજ્ઞા સાથે સેન્ટ્રલ પાસે હોટલમાંથી તેમનો સમાન લઈ આવ્યા. સાથે જ બીજે દિવસે સાંજની ગાડીની જદુભાઈની ભાવનગરની ટિકિટ પણ તેમણે લઈ લીધી. લગભગ બે કલાકના આ સમયમાં સાકેતની વાત કરવાની રીત-ભાત, વ્યવહાર એટલો આત્મિય હતો કે જદુભાઈને અફસોસ થયો કે તેને પોતાનો જમાઈ બનાવી શક્યા નહિ.

જદુભાઈ બે દિવસ લાલુભાઈની મહેમાનગતિ માણી રાતની ગાડીમાં નીકળી ભાવનગર પાછા આવી ગયા. સુજ્ઞા મુંબઈ રહી. પત્નીને આ વાત કરી ત્યારે તેને ચિંતા તો થઈ, પણ તેમને લાલુભાઈ અને તેમના કુટુંબ ઉપર પૂરો વિશ્વાસ હતો,. પતિ-પત્ની બંનેને એકજ અફસોસ રહી ગયો - વાત આગળ ન વધવાનો. જદુભાઈએ આ આખી વાતને એક દીવાસ્વપ્ન સમજીને ભૂલી જવાનો નિર્ણય કર્યો. તેમને એક વાતનો સંતોષ હતો કે લાલુભાઈની મિત્રતા જેવી ભૂતકાળમાં હતી તેવી જ રહી હતી.

વાતને ચાર દિવસ વીતી ગયા. એક સાંજે જદુભાઈ નજીકની લાઈબ્રેરીમાં બેસીને સામાયિકો ઊથલાવી રહ્યા હતા, ત્યાં તેમના પાડોશીનો દીકરો દોડતો આવ્યો. 'ઘરે કોઈ મહેમાન આવ્યા છે અને તમને ઝટપટ બોલાવે છે.' કહેતો તે બાળક તેમની આંગળી પકડીને બોલ્યો, "દાદા, બધા મોટી ગાડીમાં આવ્યા છે. સુગી (સુજ્ઞા) ફોઈ પણ છે." બાળક કહી રહ્યો હતો. જદુભાઈને ફાળ પડી,. 'સુજ્ઞાને કાંઈ..' તે ઝડપથી ચાલીને ઘરે પહોંચ્યા.

ઘરે જઈને જોયું તો ઘરમાં તો જાણે આનંદ આનંદનું વાતાવરણ હતું. તેમનો શ્વાસ હેઠો બેઠો. ઘરમાં પહોંચતા જ લાલુભાઈ તેમને ભેટી પડ્યા અને કહ્યું, "જો જદુ , હું તારો ગુનેગાર છું. તને પૂછ્યા - કહ્યા વિના મેં સાકેત અને સુજ્ઞાને પરણાવી દીધા છે. તે મારી પણ દીકરી તો ખરી ને ? વહુ તો હવે થઈ. સુજ્ઞાને પૂછી લીધું છે, હોં ! તારે જે સજા કરવી હોય તે મંજૂર છે. "

તેમણે સાકેત અને સુજ્ઞા તરફ જોયું. બંને તેમને પગે લાગ્યા. જિજ્ઞાએ બોક્સમાંથી પેંડો કાઢીને જદુભાઈના મોમાં મૂકી દીધો. જદુભાઈની આંખો સહેજ ભીની થઈ અને પછી લાલુભાઈને વળગીને ધ્રૂસકે ધ્રૂસકે રડી પડ્યા. 


Rate this content
Log in

Similar gujarati story from Drama