કુવામાં હોય તો હવાડામાં આવે
કુવામાં હોય તો હવાડામાં આવે


“મેઘા, તારા જેવી કોફી પુરા વર્લ્ડમાં કોઈ ના બનાવી શકે!” કોફીના ઘૂંટ ભરતાં મિતાલીએ મેઘાને કહ્યું.
“હા ભગવાન દરેક માણસમાં કંઇક તો ખૂબી મૂકે જ ને...” મેઘા કંઈ પ્રતિક્રિયા આપે તે પહેલાં જ મેઘાના સાસુ નયનાબેન વચમાં આવી કટાક્ષમાં બોલી પડ્યા. મેઘાનો ચેહરો સહેજ પડી ગયો પણ તે કંઈ બોલ્યા વિના ઘરના બીજા કામમાં લાગી ગઈ. તે રસોડાના બીજા કામ આટોપતી હતી ત્યાં જ તેની ૧૩ વર્ષની દીકરી રેહા સીધી રસોડામાં ઘસી આવી, “મોમ મારે આજે બ્રેકફાસ્ટમાં પાસ્તા લઇ જવાના હતા. મારા દરેક કામમાં તારે ધતિંગ જ કરવા હોય.” તે બરાડા પાડીને મેઘાને કહી રહી હતી.
“રેહુ આજે તારા ડેડીને ઓફીસમાં મીટીંગ હતી તો બધી હેલ્પ કરવાની હતી ને બેબી એટલે રહી ગયા પાસ્તા બોઈલ કરવાના...” મેઘા રેહાને સમજાવવાનો પ્રયાસ કરતા બોલી, “રેહવા દે તું.” મેઘા સામે ગુસ્સો કરતી રેહા બહાર નીકળી ગઈ. મેઘાની કાળી ઘેરી આંખોમાંથી બે અશ્રુબિંદુઓ હજી ટપક્યા જ હતા ત્યાં તેનો પતિ અમન ઓફીસથી આવી સીધો સોફા પર ગોઠવાઈ ગયો.
“કેવી રહી મીટીંગ?” પાણીનો ગ્લાસ ધરતાં મેઘા એ પૂછ્યું. “શું ધૂળ કહું મીટીંગ કેવી રહી? એક તો તું સવારે ટાઇમ સર ઉઠાડે નહીં અને પાછી બધી વાતમાં મોડું કરે, નાસ્તો, ઈસ્ત્રી કંઈ રેડી હોય નહીં ને પાછી બોસની ગાળો. તારે લીધે હું ખાઉં?” અમનનું મગજ રીતસરનું છટક્યું. “પણ અમન કાલે રાત્રે મમ્મીને જરા તાવ જેવું હતું એટલે હું સુતી જ નહોતી એમાં જરા...” મેઘા માંડ પોતાની જાતને સંભાળતા બોલી.
“મારું તો નામ લેતા જ નહીં મેઘા. ૩ દિવસથી દવાનું કહું છું હું એ હજી સુધી નથી લાવ્યા તમે.” અમનનો ઊંચો થયેલો અવાજ સાંભળી મિતાલી સાથે વાત કરી રહેલા નયનાબેન બહાર આવ્યા. મેઘાને શું કહેવું તે કંઈ સમજાયું નહીં તે સીધી પોતાના બેડરૂમમાં જઈ પલંગ પર ફસડાઈ પડીને છુટા મોઢે રડી પડી.
“બસ મેઘા રીલેક્સ...” હળવેકથી મેઘાના ખભે હાથ મૂકી મિતાલી બોલી.
આમ તો મિતાલી અને મેઘા બાળપણની સખીઓ. પણ મેઘાના લગ્ન પછી બન્ને બહુ મળી શકતા જ નહીં. એમાં વળી મિતાલી પણ લગ્ન કરી સ્વીડન ચાલી ગઈ હતી. આ વખતે મિતાલી ૩ વર્ષે ઇન્ડિયા આવી હતી ને મેઘાના ઘરે જ ૩ દિવસથી રોકાઈ હતી. તે આવી ત્યારથી જ રોજ મેઘાને થોડી થોડી તૂટતી જોઈ રહી હતી પણ આજે પહેલીવાર આમ હીબકા ભરીને રડતા જોઈ રહી હતી.
“હું ગમે તેટલી મેહનત કરુંં છું આ બધાને ઓછી જ પડે છે. ક્યાંકને ક્યાંક ભૂલ રહી જ જાય છે મિતાલી... હું કંઈ નથી કરી શકતી.” મેઘા રડતા રડતા બોલી, “હું ત્રણ દિવસથી એ જ જોઉં છું મેઘા. રોજ થોડું થોડું મરી રહી છે તું. પ્રોબ્લેમ શું છે કહીશ?” મિતાલીએ પાણીનો ગ્લાસ ધરતાં પૂછ્યું.
“બધું જ પ્રોબ્લેમ છે. હું જે કરું, જે રીતે કરું તે બધું જ પ્રોબ્લેમ છે.
રેહા, અમન, મમ્મી બધાને ફરિયાદોના ઢગલા છે મારી પાસે... મમ્મી રોજ કહે છે મને કે કુવામાં હોય તો હવાડા માં આવે ને... મને કંઈ આવડતું જ નથી.” ફરીથી એકવાર મેઘાનું રડવાનું શરુ થયું.
“વાત તો સાચી જ છે તારા સાસુની કુવામાં હોય તો જ હવાડામાં આવે ને?” મિતાલી એ કહ્યું અને મેઘા તેની સામે ફરીથી રડતા જોઈ રહી.
“બસ મેઘા આમ રડ નહી. તું એ કે આ બધું દોડધામ તું કોના માટે કરે છે?” મિતાલી એ પૂછ્યું.
“અમન, રેહા ને મમ્મી માટે. એમની ખુશી માટે.” મેઘા આંસુ લૂછતાં બોલી. “એટલે તારે એમને ખુશી આપવી છે એમ ને?” મિતાલી એ પૂછ્યું. મેઘા એ ફક્ત ડોકું હલાવી હા પાડી. “તો ખુશ કરવા માટે ખુશ રહેવું પડે. અને ખુશ રહેવા માટે પોતાના માટે ‘સ્વ’ માટે જીવવાનું શરુ કરવું પડે બેન.” મિતાલી સમજાવતા બોલી પણ મેઘા કંઈ સમજાયું ના હોય તેમ તેની સામે જોઈ રહી. “તું આપણી કોલજની હિરોઈનોમાંથી એક હતી ને અત્યારે કામવાળી લાગશ તું.” મિતાલીએ મેઘાના લોટથી ખરડાયેલા સાદા ડ્રેસ પર નજર નાખતા કહ્યું. “ડાન્સમાં અને કુકિંગમાં તારો જોટો જ ના જડે અને તારા જેવી ઘરની સજાવટ પણ કોઈ ના કરી શકે મેઘા.” મિતાલી સમજાવતા બોલી.
“પણ બધાને મારાથી ફરિયાદો જ રહે છે...” મેઘાની આંખોમાં ફરી આંસુ છલકાયા.
“કારણકે તું એમના માટે કરે છે બધું... તું ખુશ હોય તો જ તું ખુશ રાખી શકે. કુવામાં હોય તો જ હવાડામાં આવે ને. એક નવા અર્થ તરીકે આ મ્હેણાંને જોઈ શકાય ને?” મિતાલી એ મેઘા સામે ભવા ઉચક્યા અને મેઘાના ચેહરા પર નાનકડું સ્મિત ફરી વળ્યું.
“સો અત્યારથી જ ડ્રેસિંગ, હેરસ્ટાઈલ, શુઝની સાથે મેન્ટાલીટી પણ બદલવી પડશે. કુકિંગ, ટાઇમ મેનેજમેન્ટ અને ઘરની સજાવટને ફરજ નહીં શોખ બનાવ... અને હવે ‘સ્વ’ માટે વિચાર.” મિતાલી ક્યાંય સુધી મેઘાને સમજાવતી રહી ને મેઘાની અંદરની નવી મેઘા જગાડતી રહી.
*
“મારી મોમ જેવી ડ્રેસિંગ સેન્સ સાચે પેરેન્ટ્સ મીટીંગમાં આવેલા કોઈ પેરેન્ટ્સમાં નહોતા. વટ પડી ગયો મોમનો તો નિધિ મેડમની સામે.” રેહા મેઘાને વળગીને બોલી રહી હતી. “આફ્ટર ઓલ વાઈફ કોની છે. મારા બધા ફ્રેન્ડસ અને ઓફીસ મેમ્બર્સ મેઘાના અલગ અલગ ક્યુઝીન્સના વખાણ કરતા થાકતા નથી.” અમન પણ મેઘાની સામે પ્રેમભરી નજરે જોતા બોલ્યો. “અરે આ તો બધું ઠીક પણ ઘર સાચવીને બેસે એ જ ગૃહિણી... અને મારી મેઘા વહુ જેવું ઘર કોઈ સાચવીને તો બતાવે!” નયનાબેન પણ હરખભેર બોલ્યા.
મિતાલી આજે વરસ પછી ફરી ઇન્ડિયા મેઘાને મળવા આવી હતી અને મેઘાનું પૂરું ફેમીલી તેના ગુણગાન ગાઈ રહ્યું હતું. “શું મેઘા શું રાઝ છે આ બધાનું?” મિતાલી મસ્તીભર્યા અંદાજ માં બોલી. “એ તો કુવામાં હોય તો હવાડા માં આવે ને...” મેઘા આંખ મીચકારી બોલી અને બન્ને સખીઓ ખડખડાટ હસી પડી.