બસ એક સાંજ
બસ એક સાંજ
"તું સમજુ કુણા તડકા જેવો, ને હું પાગલ બેફામ વરસાદ જેવી,
હું આવું ને તું ચાલ્યો જાય, કુદરતની આ અધડાઈ કેવી?"
બાલ્કનીમાંથી ધોધમાર વરસતો વરસાદ જોઇને તેના મનમાં આ વાત આવી ગઈ. આ વાત અને જેના માટે આ વાત લખાઈ હતી તે ચેહરો વરસતા વરસાદમાં તે શોધવા લાગી ત્યાં જ કોફીનો મગ ધરતો એક હાથ તેની સામે આવ્યો અને તે તંદ્રામાંથી બહાર આવી ગઈ.
"મારી દ્વીશા માટે સ્પેશ્યલ કોફી." આટલું સાંભળી દ્વીશાએ મનમાં ચાલી રહેલી અસમંજસોને સંકેલી સ્મિત વેરતા કોફીનો મગ લઇ લીધો.
"રોહન આજે સન્ડે છે. આજે આટલું વેહલું ઉઠી કોફી બનવાની શું જરૂર હતી ?" દ્વીશા એ મીઠો ઠપકો આપ્યો. "ક્યારેક તો કંઇક કરવા દે મારી પત્ની માટે, તું એટલી પરફેક્ટ છે કે હું ધારીને પણ તારા માટે કઈ નવું નથી કરી શકતો." રોહન એ કોફીની સીપ લેતા કહ્યું.
"સાચે રોહન હું એટલી પરફેક્ટ છુ ?" દ્વીશાએ તેની નજીક જઈ આંખમાં આંખ નાખીને પૂછ્યું. "હા મીસીસ દ્વીશા રોહન મેહતા તમે મોસ્ટ પરફેક્ટ વુમન છો." રોહનએ દ્વીશાને પોતાની બાહોમાં લેતા કહ્યું.
"તને સાચે કોઈ જ ફરિયાદ કેમ નથી મારાથી ?" દ્વીશાએ પોતાની આંખમાં આવી રહેલા આંસુ રોહનને ન દેખાય તે રીતે પોતાનું માથું તેની છાતી પર ઢાળી દીધું.
આમ તો દ્વીશા અને રોહન આદર્શ કપલ કેહવાતા. ચાર વર્ષનો પ્રેમ અને ધામધૂમથી થયેલા લગ્ન. ભલભલાને ઈર્ષ્યા આવી જાય એવું આ જોડું હતું. લગ્નના ૨ વર્ષ પછી પણ જોનાર ભૂલથી પણ કોઈ ઉણપ ના શોધી શકે એવો મીઠો સંબંધ હતો. પણ ફક્ત દ્વીશા જાણતી હતી આ બધા સિવાય પણ એક વાસ્તવિકતા છે. એક એવું સત્ય જે ફક્ત તે જાણે છે. તેની સતત આસપાસ જીવતા રોહનને પણ ખબર નથી એવું એક સત્ય તેની અંદર દફન છે. જેનું નામ "નિશાંત".
સતત વ્યસ્ત રેહતી દ્વીશાને દિવસ માં એક વાર તો એનું સ્મરણ થઇ જ જતું. પણ આજે આ વરસાદ કંઇક વધારે જ યાદ અપાવતો હતો તેની. સતત પ્રયાસો છતાં તે આજે તેને પોતાના મસ્તિષ્કથી હટાવી શકતી નહોતી. એટલે જ રોહનની છાતી પર માથું રાખી તે અનરાધાર વરસતા વરસાદને જોઈ રહી અને પોતાની અંદરના વરસાદને રોકવાના મરણીયા પ્રયાસ કરતી રહી.
***
દ્વીશા સાતમાં ધોરણમાં હતી અને તે નવમાં ધોરણ માં. નવમાં ધોરણનો ક્લાસ છૂટવાનો સમય સાતમાં ધોરણથી દસ મિનીટ પેહલાનો હતો. દ્વીશા રોજ બારી પાસેની બેંચમાં બેસતી અને ફક્ત તેને સ્કુલની બહાર જતો જોયા કરતી. એનું નામ પણ એને ખબર નહોતી પણ તોય તે તેના ગળાડૂબ પ્રેમમાં હતી. તે તેની ઝીંદગીનો પેહલો પુરુષ હતો. પણ કોઈ દિવસ તે તેને બોલાવી શકી નહિ. દિવસો વિતતા ગયા અને દ્વીશાનું દસમુ ધોરણ પણ પાસ થઇ ગયું.
ધોધમાર વરસાદ જ હતો જયારે દ્વીશા એ તેને છેલી વાર સ્કુલમાં જોયો તો. એકવડું શરીર, યુનિફોર્મનું ગ્રીન પેન્ટ, વ્હાઈટ શર્ટ, બદામી આખો, વરસાદમાં ભીના થયેલા વાળ, કેસરી બેગ અને ઘાયલ કરતુ સ્મિત.
વર્ષો વીત્યા બાદ પણ દ્વીશાની આખો માંથી તે દ્રશ્ય હટ્યું નહોતું. તેમાં ક્યાય ઝાંખપ આવી નહોતી. કોઈની પત્ની હોવા છતાં પણ તેની અંદર એક સ્કુલ ગર્લ જીવતી હતી જેના મસ્તિષ્કમાંથી તે છોકરો નીકળી શક્યો જ નહોતો.
રોહનને વળગીને ઉભેલી દ્વીશા વરસાદમાં તે જ ચેહરો જોવે છે એવું તો કઈ રીતે કહી શકાય ? જે છોકરાનું નામ પણ ખબર નહોતી તે છોકરો હજી સતત તેની આસપાસ જીવે છે તેવું તો કઈ રીતે સ્વીકારી શકાઈ? કદાચ તે રોહનના પ્રેમમાં ભૂલી પણ જાત તે ચેહરા ને જો તે ચેહરાનું કોઈ નામ ના મળ્યું હોત. જો ઝીંદગીમાં ફરી ક્યારેય તે ચેહરાને દ્વીશા ક્યારેય ના મળી હોત. પણ કુદરત ને કંઇક બીજું જ મંજુર હતું.
***
દ્વીશાની પકડ કંઇક વધારે જ મજબુત હતી જે રોહન સમજી ગયો હતો. રોહન જાણતો હતો કે દ્વીશાને કોઈ વસ્તુનો ખેદ છે જે તેને અંદરોઅંદર બાળી રહ્યું છે. તે ફક્ત તેના ભીના ભીના વાળમાં હાથ ફેરવતો રહ્યો નિશબ્દ. દ્વીશાના મનનું તોફાન ધીમે ધીમે શાંત થઇ ગયું. તેની અંદરની સ્કુલ ગર્લનું સ્થાન રોહનની પત્ની એ લીધું અને તે રોહનથી અલગ થઇ રુમ સરખો કરવા લાગી અને રોહન તેની હેલ્પ કરવા લાગ્યો.
રોહન માટે તેના હોવાનો પર્યાય જ દ્વીશા હતી. તે સંપૂર્ણપણે આસક્ત હતો દ્વીશામાં. જયારે તેણે દ્વીશાને પેહલી વાર જોઈ હતી કોલેજમાં ત્યારથી તેણે ખુબ ચાહી હતી તેને. દ્વીશા રોહનના ફ્રેન્ડ વિવેકની બેસ્ટ ફ્રેન્ડ હતી. રોહન અને વિવેક કોલેજમાં કલાસમેટ હતા. જ્યારથી દ્વીશાની ઓળખાણ વિવેકે રોહન સાથે કરાવી હતી ત્યારથી દ્વીશાનો ઘાયલ થઇ ગયો હતો તે. રોહન નો નિર્દોષ સ્વભાવ અને અતિશય પ્રેમ દ્વીશા ને તેની તરફ ખેચવા લાગ્યા. અને દ્વીશા રોહનની થઇ ગઈ તે સાથે જ રોહનને પોતાની પૂરી દુનિયા મળી ગઈ.
પણ ગાલીબનો શેર “યે તો ઈશ્ક ને નીક્ક્માં કર દિયા વરના આદમી તો વો ભી કુછ કામ કે થે” રોહને સાચો પડ્યો. રોહન પેહલાથી જ થોડો બેફીકર હતો અને દ્વીશાના આવ્યા પછી તેમાં વધારો થઇ ગયો. પ્રેમની શરૂઆત હમેશા બહુ સારી જ હોઈ એમ શરૂઆતનાત્રણ વરસ તો વીતી ગયા પણ પછી રોહનની આજ બેફિકરી દ્વીશાને ખુચવા લાગી.દ્વીશા એક કમ્પનીની જનરલ મેનેજર હતી અને રોહન જુનિયર ડેવલપર. રોહન દ્વીશાને સમય સિવાય બધું જ આપતો. અને દ્વીશા ધીમે ધીમે ખોવાતી ગઈ. બને ભેગા હોય છતાં ભાગ્યે જ કોઈ વાત થતી બને વચ્ચે.
દ્વીશાનું સમજાવવું રોહનને પોતાની આઝાદી પર આઘાત લાગતું અને રોહન વધુને વધુ દુર થતો ગયો. પોતાનાથી વધુ સુંદર, હોશિયાર અને પોતાનાથી વધુ કમાતી દ્વીશા કઈ પણ કેહતી તો રોહન એનો કંઇક અલગ મતલબ સમજતો અને દુરીઓ વધતી ગઈ. પણ રોહન દ્વીશા વગર એક ક્ષણ પણ કલ્પી શકે એમ નહોતો. આ બધું સમજતા જ રોહન અને દ્વીશાના માતા પિતા એ બનેના લગ્નની ઉતાવળ કરવાનું વિચાર્યું અને ગોળધાણા કરવાનું નક્કી કર્યું.
ખબર નહી ભગવાનને શું મંજુર હશે પણ દ્વીશા તેના માટે શોપિંગ કરવા મોલ ગઈ અને ત્યાંજ તેણે તે સૌષ્ઠવ જોયું જે સપનામાં અનેક વાર જોયું હતું. હા, તે એ જ છોકરો હતો. એ જ બદામી આંખો, એ જ સિંહ જેવી કમર, છ ફૂટની હાઈટ અને એ જ કાતિલ સ્માઈલ. દ્વીશા ઘડીભર અવાચક ગઈ. પણ પછી હોશ સંભાળતા તેની સામે સ્માઈલ કર્યું. તે પણ ઓળખી ગયો દ્વીશાને અને નજીક આવી બોલ્યો. “યુ આર માય જુનિયર રાઈટ ? આપણે સ્કુલમાં સાથે હતા ને ?”
“યેસ, દ્વીશા હિયર”
“હાઈ, નિશાંત હિયર”
***
આટલા વર્ષોની પ્રતીક્ષા પછી દ્વીશાને ફાઈનલી એનું નામ ખબર પડી હતી. મોટા મોટા બીઝનેસમેન સામે હાથ મિલાવતી દ્વીશાનો હાથ પેહલી વાર નિશાંતનો હાથ અડતા જ ધ્રુજી ગયો. મુલાકાત હતી તો ફક્ત ૫ મિનીટ ની પણ તેના દિલ, દિમાગ અરે આત્મા સુધી તે છવાઈ ગઈ. ત્યાજ નંબર એક્ષચેન્જ થયા અને વોટ્સેપનો સિલસિલો ચાલુ થઇ ગયો. રોહનથી દુર થયેલી દ્વીશા નિશાંતમાં એવી તો ખોવાઈ ગઈ કે પોતાની જાત સુદ્ધાં ભૂલી ગઈ.
દ્વીશા અને નિશાંતની નજદીકીઓ વધતી જતી હતી. જેનાથી તદન બેખબર રોહન દ્વીશા સાથે વાતના થવાથી પોતાને સુધારવાની પૂરી કોશિશ કરતો હતો. બને તેટલો સમય તે પોતાની પ્રગતી પર આપતો હતો. તેને પણ જુનુન ચડ્યું હતું દ્વીશા અને પોતાના પેરેન્ટ્સ સામે પોતાની જાતને પ્રૂવ કરવાનું તેથી તેણે પણ દ્વીશા સાથે વધુ વાત ના કરવાનું જ મુનાસીબ સમજ્યું.
નિશાંત ખુબ જ સેન્સીટીવ અને ઠરેલ છોકરો હતો. તે જાણતો હતો કે દ્વીશા તેના ગળાડૂબ પ્રેમમાં છે પણ કદાચ કોઈ કમીટમેન્ટ આપી શકે તેમ નહોતો તેથી તે પોતાની રીતે યોગ્ય અંતર રાખતો પણ દ્વીશા હતી જ એવી કે તેનાથી દુર રેહવું ખરેખર બહુ અઘરું હતું. તે દ્વીશાને ખોવા નહોતો ઈચ્છતો પણ તેને હર્ટ પણ કરવા નહોતો ઈચ્છતો.
દ્વીશા અને રોહનના પેરેન્ટ્સ તે બંને વચ્ચેની દુરીઓ જોઈ ગયા હતા. હવે વધારે મોડું થાય તે તેમને યોગ્ય નહોતું લાગતું એટલે જ બીજા જ અઠવાડિયે દ્વીશા અને રોહનના ગોળધાણાનું મુહુર્ત નક્કી કરી નાખ્યું. દ્વીશાના પેરેન્ટ્સને થોડા કામ માટે મુંબઈ જવાનું હતું એટલે ત્યાંથી પાછા આવીને જ દ્વીશા અને રોહન ને સરપ્રાઈઝ આપશે તેવું બંને પક્ષે નક્કી થયું.
અને આ જ બધી અસમંજસો વચ્ચે એક એવી સાંજ આવી જેણે ત્રણેય ઝીંદગીની પરિભાષા જ બદલી નાખી.
***
દ્વીશાના પેરેન્ટ્સ મુંબઈ ગયા હતા અને દ્વીશા નિશાંતને પોતાના દિલની વાત જણાવા આતુર હતી. સાચું પૂછો તો દ્વીશા રોહનને સાવ ભૂલી જ ગઈ હતી. તે ફરીથી તે સ્કુલ ગર્લ બની ગઈ હતી જે નિશાંતને અનહદ પ્રેમ કરતી હતી. દ્વીશાને કુકિંગનો શોખ હતો તેથી જ તેણે નક્કી કર્યું કે તે નિશાંતને ડીનર પર ઇન્વાઇટ કરશે.
નિશાંત જાણતો હતો કે તે આગથી રમવા જઈ રહ્યો હતો પણ દ્વીશા એ એટલા પ્રેમથી રીક્વેસ્ટ કરી કે નિશાંત ટાળી ના શક્યો. અને નિશાંત તૈયાર થઇ દ્વીશાના ઘરે પહોંચ્યો. દરવાજો ખુલતા જ તે અપલક દ્વીશાને જોઈ રહ્યો. દ્વીશા એ લોંગ બ્લડ રેડ કલરનું બોલ ગાઉન પેહર્યું હતું. કાનમાં ઝુલતા તેના સિલ્વર ઇયર રિંગ્સ અને ખુલ્લા લાંબા કમર સુધીના તેના વાળ, તે સાચે જ કોઈ ઢીંગલી લાગતી હતી. તેણે સ્માઈલ કરી નિશાંતને અંદર આવવા કહ્યું. બંને સોફા પર ગોઠવાયા અને દ્વીશા નિશબ્દ નિશાંતને તાકતી રહી. પછી સ્થળ કાળન
ું ભાન થતા તેણે જ વાતો શરુ કરી.
સ્કુલની વાતો માં સમય વીતતો હતો ત્યાંજ નિશાંતે વેધક પ્રશ્ન કર્યો.
“આટલા વર્ષે પણ તું મને તરત કઈ રીતે ઓળખી ગઈ?”
“આ ચેહરો ખબર નહી કેટલીય વાર મારા સપનામાં જોયો છે મેં.” દ્વીશા એ હિમત કરીને કહ્યું. “મતલબ ?”
“નિશાંત, તારું નામ જાણ્યા વગર, તને ઓળખ્યા વગર મેં વર્ષો સુધી ફક્ત તને જોયો છે. અને તને...” દ્વીશા અટકી ગઈ અને ઉભી થવા લાગી અને બોલી “હું ડીનર સર્વ કરું” અને નિશાંતે તેનો હાથ પકડી પોતાની તરફ ખેચી
“તું કંઇક કેહતી હતી” એટલું સાંભળી દ્વીશામાં ખબર નહી ક્યાંથી એટલી હિમત આવી પણ તેણે નિશાંતની લગોલગ આવી તેના વાળમાં હાથ ફેરવતા કહ્યું. “તને બહુ પ્રેમ કર્યો છે મેં હમેશા અને બહુ પ્રેમ કરું છુ હું નિશાંત.” અને દ્વીશા એ પોતાના હોઠ નિશાંતના હોઠ પર મૂકી દીધા.
કઈ કેટલીય રાતો દ્વીશા એ રોહનની બાહોમાં એવી વિતાવી હતી જેની સવાર થઇ જ નહોતી પણ આજે નિશાંતની બાહોમાં તે નખશીખ પીગળી રહી હતી. તે પોતાનું સર્વસ્વ ભૂલી ગઈ હતી. તેનું પ્રેમ કે જુનુન તે તો ખબર નહી પણ તેણે આ સાંજની ખરેખર પ્રતીક્ષા કરી હતી. નખશીખ સ્ત્રીત્વની અનુભુતીમાં દ્વીશા નિશાંતની બાહોમાં જ સુઈ ગઈ. એને એવું જ લાગતું હતું કે તેને જન્નત મળી ગઈ. તેને કલ્પના પણ નહોતી કે બીજા દિવસની સવાર તેની ઝીંદગીને એટલી ગુચવી નાખશે કે તેને પોતાના હોવા પર પણ સવાલ ઉઠાવવા પડશે.
***
રોહન જાણતો હતો કે દ્વીશા તેનાથી બહુ દુર થઇ ગઈ છે અને દ્વીશાનું દિલ ફરીથી જીતવાનો કે તેને નજીક લાવવાનો એકજ રસ્તો હતો, વિવેક. તે સાંજે રોહન અને વિવેક મળ્યા અને વિવેકે બધું જ શાંતિથી સાંભળ્યું રોહનનું અને પછી બે લાફા માર્યા તેને. રોહન પ્રશ્ન ભરી આંખે જોઈ રહ્યો વિવેક સામે.
“એક દ્વીશાને હેરાન કરવા અને રડાવવા માટે અને બીજું હજી સુધી મને કઈ જ ના કેહવા માટે” વિવેક હજી ગુસ્સામાં હતો. “ખાલી એટલું કહી દે કે પ્રેમ કરશ એને?”
રોહનની આંખ માં હવે પાણી આવી ગયા તેણે ફક્ત પોતાનો ચેહરો હકારમાં હલાવ્યો. અને રાત આખી વિવેક તેને ટીપ્સ આપતો રહ્યો. તેણે હવે ધારી લીધું હતું કે કોઈ પણ ભોગે પોતાની ભૂલ સુધારશે. પણ અમુક ભૂલો કદાચ લાખ મેહનતે પણ સુધરી સકતી નથી હોતી તે રોહન ત્યારે નહોતો જાણતો.
***
દ્વીશા સવારે ઉઠી ત્યારે નિશાંત જઈ ચુક્યો હતો. આજે અરીસામાં પોતાનું અક્સ તેને ખુબ અજાણ્યું અને સ્ત્રીત્વથી ભરપુર લાગ્યું હતું. તેણે ઉપરથી નીચે સુધી પોતાના અક્સને નિહાળ્યું, તેના શરીરનો એવો કોઈ હિસ્સો નહોતો જ્યાં નિશાંતના પ્રેમના નિશાન નહોતા. તે પોતાનામાં જ મુગ્ધ થઇ ગઈ પછી પોતાના માથા પર હળવી ટપલી મારી શાવર ચાલુ કરી દીધો. શાવરના ગરમ પાણીથી થતી મીઠી વેદના માણતી તે ક્યાંય સુધી આગલી રાત યાદ કરતી રહી.
રોહન રાત આખી દ્વીશાને કઈ રીતે શું કેહવું, ક્યાં લઇ જવી, કેવા સવાલ કરવા, કેવા જવાબ આપવા, કેમ તેને ફરીથી ઈમ્પ્રેસ કરવી તે બધી યોજનાઓ વિવેક સાથે બનાવતો રહ્યો. સવારે નાહીને તે સીધો દ્વીશાની ફેવરીટ ચોકલેટ લઈને તેના ઘરે ગયો. તે તેના ઘરે પોહ્ચ્યો ત્યારે દ્વીશા હજીસુધી નાહી રહી હતી. રોહને આવતા વેત જોર જોરથી દ્વીશાના નામની રાડો નાખવાની શરુ કરી દીધી.
રોહનનો અવાજ સાંભળી દ્વીશાને ધ્યાન માં આવ્યું કે રોહન હજી સુધી તેની લાઈફ માં હતો. તેને આગલા પંદર દિવસની એક એક યાદ રીપીટ થતી હતી. તેને હવે સમજાયું હતું કે ખરેખર તેની આસપાસ શું બની રહ્યું હતું. થોડી ગભરાહટમાં તે તૈયાર થઇ પોતાના રૂમની બહાર આવી અને તેના હોશ ઉડી ગયા. રોહન ફૂલથી હાર્ટ બનાવી ચોકલેટ્સ લઇ પોતાના ગોઠણ પર બેઠો હતો. દ્વીશાને જોઇને તેણે પોતાના હાથ ફેલાવી ફિલ્મી સ્ટાઇલમાં કહ્યું “આઈ લવ યુ.” થોડી વાર દ્વીશા ડઘાયેલી તેની સામે જોતી રહી.
દ્વીશાની આંખ ના ખૂણા ભીના થઇ ગયા. તેણે રોહનને જવાબ આપવાની કોશિશ કરી પણ તે પેહલા જ રોહને તેની કમરમાં હાથ નાખી તેને ખેચી તેના હાથને ચૂમતા તેમાં વીટી સરકાવી દીધી અને તેની ચિબુક પકડી તેનો ચેહરો ઉચો કરી તેના કાન માં કહ્યું “મીસીસ દ્વીશા રોહન મેહતા બનીશ ને ?” દ્વીશા સીધી તેનો હાથ છોડાવી ત્યાંથી ભાગી અને પોતાના બેડરૂમમાં જઈ ધ્રુસકે ધ્રુસકે રડી પડી. રોહનને લાગ્યું કે દ્વીશા તેનાથી નારાજ છે અને પોતે આટલી ભૂલો કરી છે અને દ્વીશા માફ નથી કરી શકતી એટલે રડે છે. રોહને તેને ત્યાંજ એકલી મૂકી દીધી અને ચાલ્યો ગયો.
થોડી શાંત થયા પછી દ્વીશા એ નિશાંતને ફોન કર્યો પણ તેનો ફોન કોઈ ઉપાડતું નહોતું. દ્વીશાએ ઢગલો મેસેજ કર્યા, વોટ્સેપ કર્યા, ફેસબુક પર મેસેજ કર્યા પણ કોઈ રીપ્લાય નહી. દ્વીશાને કઈ જ સમજાતું નહોતું કે હવે શું કરે.બે દિવસ સતત પ્રયત્નો છતાય નિશાંતનો કોઈ કોન્ટેક્ટ થઇ ના શક્યો. નિશાંતે કદાચ તેનો નંબર પણ બદલી નાખ્યો હતો. અને દ્વીશાની તો દુનિયા જ લુંટાઈ ગઈ હતી.
દ્વીશાના પેરેન્ટ્સ મુંબઈથી આવ્યા અને બને ફેમીલી રોહનના ઘરે ડીનર પર ભેગા થયા. દ્વીશાને ખરેખર નહોતું જવું પણ પોતાના પેરેન્ટ્સને કઈ રીતે તે ના કહી શકે ? રોહન તેનો ચાર વર્ષથી બોયફ્રેન્ડ હતો અને ફેમીલી પણ ઇન્વોલ્વ થઇ ગઈ હતી, હવે કઈ રીતે કહી શકાય કે તે નિશાંતને પ્રેમ કરતી હતી. એક વખત તો દ્વીશા એ વિચાર્યું કે નિશાંત વિષે બધાયને જણાવી દે પણ શું કહેત તે ? નિશાંતનો કોઈ અતો પતો જ નહોતો. રોહનના ઘરે ડીનર પર બનેના પેરેન્ટ્સે દ્વીશા રોહનને સરપ્રાઈઝ આપ્યું કે બને ની સગાઈ ત્યારથી ઠીક પાંચ દિવસ પછી ગોઠવાઈ હતી અને તેના બે મહિના પછી લગ્ન.
દ્વીશા એ ઘણા બહાના બનાવી જોયા લગ્ન ટાળવાના પણ તેની પાસે ના કહેવાનું કોઈ ખાસ કારણ નહોતું. તેની અંદર બહુ ખરાબ રીતે કંઇક તૂટી ગયું હતું અને તેના તૂટેલા સપનાની કરચ તેને ખુચતી હતી પણ હવે બહુ મોડું થઇ ગયું હતું. દ્વીશા એ નિશાંતને શોધવાની શક્ય તેટલી બધી જ કોશિશ કરી લીધી પણ બધુંજ વ્યર્થ. બીજી તરફ રોહન વધારે જવાબદાર બનતો જતો હતો. તે દ્વીશાની નાનીથી નાની વાતની કાળજી લેવા લાગ્યો હતો. દ્વીશા દિવસે દિવસે તૂટતી જતી હતી અને ત્યાંજ સગાઇનો દિવસ આવી ગયો.
દ્વીશાની ઘુટન વધતી જતી હતી. તેણે ફાઈનલી તેની ઝીંદગી જ ખતમ કરવાનું નક્કી કરી લીધું. સગાઇના દિવસે સવારે તે ટેરેસ પર નીચે પડવાના ઈરાદાથી ગઈ અને ત્યાંજ તેને એક મેઈલ આવ્યો જેણે લગભગ બધા સમીકરણો સુલજાવી દીધા. મેઈલ વાંચીને દ્વીશા એ પરિસ્થિતિ સામે સમાધાન કરી લીધું. ખુબ રડીને તે નીચે ગઈ અને પોતાના અંદરની સ્કુલ ગર્લને પોતાના દિલમાં દફન કરી રોહન ને સ્વીકારી લીધો.
***
લગ્નના બે વર્ષ પછી પણ રોહન એટલો જ આસક્ત હતો દ્વીશામાં. આ રવિવારની સવારે પણ રોહને દ્વીશા માટે કોફી બનાવી અને તેની સાથે ઘર ના બધા કામમાં હેલ્પ કરવાના બાહને તેની મીનીટો ચોરવાની કોશિશ કરતો રહ્યો. દ્વીશા પણ રોહનની પત્ની તરીકે તેને ભરપુર પ્રેમ આપતી. અને દ્વીશા એ રોહનને ક્યારેય નિશાંત વિષે કઈ જ ખબર નહોતી પડવા દીધી.
દ્વીશા સતત જાતને વિશ્વાસ દેવડાવતી રેહતી કે નિશાંનું કોઈ સ્થાન તેની લાઈફ માં નથી પણ આજે નિશાંતની યાદો વારંવાર તેને બેચેન કરતી હતી. રોહન નાહવા ગયો અને દ્વીશા એ પોતાના કબાટ માંથી તેનો જુનો મોબાઈલ કાઢ્યો. તેમાં ફક્ત એક મેઇલ જ હતો. દ્વીશાની આંખો થીઅશ્રુધારા ટપકતી રહી. અને તે વાંચતી રહી
“ડીયર દ્વીશા, આઈ નો તું મને કોન્ટેક્ટ કરવાની બહુ કોશિશ કરે છે પણ હું તને નથી મળી શકતો. તારી અને મારી દુનિયા ખુબ અલગ છે. તે સાંજ જે આપણા બનેની દુનિયા માં આવી તે બહુ આકસ્મિક હતી આપણા માટે. મને ખબર છે કે તું મને બહુ પ્રેમ કરે છે અને મારા માટે કોઈ પણ હદ સુધી જઈ શકે છે પણ મારા માટે તારી નજીક આવવું શક્ય નથી. મારી ઝીંદગીમાં પ્રેમ નામના શબ્દની કોઈ જગ્યા નથી. બની શકે તો મને માફ કરી દે જે તારી ઝીંદગીમાં આવવા માટે અને આમજ અચાનક ચાલ્યા જવા માટે. હું તારો કોન્ટેક્ટ ક્યારેય નહી કરું. તારી લાઈફમાથી બહુ દુર જાઉંછુ હું.
ભૂલવું કદાચ આપણા બને માટે અશક્ય હશે પણ જયારે મારી યાદો તને બેચેન કરે ત્યારે આ મેઈલ વાચી લે જે અને સમજજે કે મેં પણ તને યાદ કરી છે.
એ ના વિચારતી કે મેં તને છેતરી છે, મારે પણ ઘણા કારણો છે. બસ તું તારી લાઈફમાં સુખી રહે એટલું જ હું ઈચ્છું છુ.
આ ઝીંદગીમાં તો હું તારો નહિ થઇ શકું પણ તે એક સાંજ માટે હું ફક્ત ને ફક્ત તારો જ હતો એવું માનજે. જો મને પ્રેમ કર્યો હોય તો તારી લાઈફમાં આગળ વધી જા જે.
તારો નિશાંત.”
દ્વીશા વિચારતી રહી કે તે એક સાંજે ત્રણ ઝીંદગીઓ કેટલી નખશીખ રીતે બદલી નાખી. દ્વીશા રોહનની થઇ ના શકી અને નિશાંતને ક્યારેય ભૂલી ના શકી, તે સતત જાતને અને રોહનને છેતરતી રહી કે તે ફક્ત તેને જ પ્રેમ કરે છે પણ દરેક શ્વાસમાં નિશાંત ક્યારેક ફરીથી મળશે એવી પ્રતીક્ષા પણ કરતી રહી. એક જ જન્મમાં બે ઝીંદગીઓ જીવતી દ્વીશા એ અનાયાસ જ પોતાનું પ્રતિબિંબ અરીસામાં જોયું અને તેના મુખ માંથી સરી પડ્યું “બસ એક સાંજ...” અને તે ભીની આંખો સાથે તે ખડખડાટ હસી પડી.