સમય કા યે પલ
સમય કા યે પલ


કુછ ના કહો..કુછ ભી ના કહો.. !
ક્યા કહેના હૈ ક્યા સુનના હૈ.. !
સમય કા યે પલ થમસા ગયા હૈ.. !
ઓર ઇસ પલ મેં કોઈ નહિ હૈ... !
બસ એક મેં હું બસ એક તુમ હો.. !
"રિક્તા કાંદિવલી સ્ટેશન આવી ગયું, સુઈ ગઈ કે શું ?" બીનાએ રિક્તાને ઢંઢોળી. ગીતનાં શબ્દોમાં ખોવાઈને ભૂતકાળમાં સરી ગયેલી રિક્તાએ ફટાફટ કાનમાંથી હેન્ડ્સ ફ્રી દૂર કરી પર્સમાં મોબાઈલ સાથે સેરવી બીનાને બાય કહી, ઝડપથી ઉતરવા માટે પોતાને ભીડને હવાલે કરી દીધી. ઓફિસ છૂટવાના મુખ્ય સમયની આ ટ્રેન હોવાથી શ્વાસ રૂંધાય તેટલી ભીડ આ ટ્રેનમાં કાયમ રહેતી.
જોકે આજકાલ કરતા બાર વર્ષ વીતી ગયાં. સમય નદીના વહેણની જેમ સરકતો રહ્યો. ત્રેવીસમે વર્ષે નોકરીની શરૂઆત કરેલી રિક્તા આજે પાંત્રીસને આંબી ગઈ હતી. લોકલ ટ્રેનની ગિરદી હવે જીવનનો રોજિંદો ઘટનાક્રમ બની ગઈ હતી. ઘરે જઈને રિક્તા સીધી પોતાના નાનકડા બેડરૂમ તરફ સરકી. આવીને સીધી નાહવા જવાની તેને આદત હતી. તે દરમિયાન રિક્તા નાનકડા હોલનાં પલંગ પર સુતેલી લકવાગ્રસ્ત મા સામે જોવાનું ટાળતી. કારણ કે રિક્તાનાં ઘરમાં પ્રવેશ સાથે જ તેમની આખો દિવસ એકલા હોવાની અકળામણ કોઈને કોઈ કટુ વચન સ્વરૂપે બહાર આવી જતી. ઓફિસનો થાક બેવડાય નહીં તે માટે રિક્તા સજાગપણે પહેલાં નાહી ધોઈને ફ્રેશ થઈ જતી. પછી એ જ માનું રોજ રોજનું તકલીફોનું લિસ્ટ સાંભળતી અને તે પ્રમાણેની બીજા દિવસની દવાઓનું લિસ્ટ તૈયાર કરતી. પછી પોતાની જાતે એક કપ ચા બનાવીને પી લીધી. ત્યાર પછી પોતાની અને મા માટે રસોઈ બનાવતી. માને સાડા આઠથી જમવાનું મોડું મળે તો તેના અલગ-અલગ રટણ ચાલુ થઈ જતાં. તેનાથી બચવા ગમે તેટલી થાકેલી રિક્તા તેને સમયસર ગરમ જમાડી દેતી. પછી દવા, દૂધ બધો સિલસિલો રાત સુધી ચાલ્યે રાખતો.
દિવસ આખો ઊંઘ ખેંચેલી માને મોડી રાત સુધી ઊંઘ ન આવતી પણ રાતે આખા દિવસની થાકેલી રિક્તાને કિલોમીટર પૂરા થઈ જતાં. તે પોતાના રૂમમાં સુવા ચાલી જતી. જોકે માની તબિયત સાચે કે ખોટે ખરાબ હોવાનું માના મનમાં આવી જાય તો રિક્તાને અઠવાડિયામાં એકા'દી રાત તો હૉલનાં સોફે વીતાવવી પડતી. રિક્તા માટે હવે આ બધી પરિસ્થિતિઓ સ્વીકાર્ય બની ગઈ હતી.
બંને મોટી બહેનો વાર-તહેવારે વર્ષમાં એકાદ વાર આવી જતી. બાકી પોતાના સંસારમાં ખુશ હતી, સુખી હતી. ભાઈ પરદેશ જઈને એ ભૂલી ગયો હતો કે એકલા હાથે પિતાનાં અવસાન પછી ચાર સંતાનોને ઉછેરનાર મા હજુ જીવે છે અને સૌથી નાની બહેનનો ઘર સંસાર પાંત્રીસની વયે પણ શરૂ નથી થયો. સૌની પોતાની અલાયદી દુનિયા હતી કોઈને કોઈ માટે ફુરસદ ન હતી. બંને બહેનોને પણ કદી એ કહેવાની હિંમત ન થઈ કે રિક્તા 'તું લગ્ન કરી લે', કારણ કે લગ્ન પછી માની સંભાળનો પ્રશ્ન આવે જે ત્રણ બહેનો વચ્ચે વહેચવાની વાત આવે અને આ જવાબદારી મુંબઈ જેવા મહાનગરમાં નાનકડી ફ્લેટમાં પરિવાર સાથે રહેતી બહેનો નિભાવી શકે તેમ ન હતી. તેથી રિક્તાએ પોતે વગર કહે આ જવાબદારી નિભાવવાનું માથે લઈ લીધું હતું.
સમય સાથે, જિંદગી સાથે સમાધાન કરવાનું રિક્તા શીખી ગઈ હતી. શનિવાર રિક્તા માટે થોડી રાહત લાવતો કારણકે રવિવારે ઓફિસે રજા હોવાથી તે થોડો આરામ કરી શકતી. આજે પણ શનિવાર હોવાથી તે કાયમ માના કબજામાં રહેતું ટીવીનું રીમોટ હાથમાં લઈને આમ તેમ અકારણ ચેનલો બદલતી હતી. અચાનક ટ્રેનમાં પોતાના મોબાઈલમાંથી રોજ જે ગીત સાંભળવાનું પસંદ કરતી તે જ ગીતનાં શબ્દો દ્રશ્યાંકન સહિત નજરે પડ્યાં. 'કુછ ના કહો... !
સમય કા યે પલ થમ સા ગયા હૈ ! ચેનલ બદલી નાખી રીમોટનો કબજો ફરી માને આપી દીધો. તેનું ડાયપર બદલાવી તે પોતાના રૂમમાં સુવા માટે જતી રહી. આજે રહી-રહીને તેને સં
તૃપ્ત બહુ યાદ આવી રહ્યો હતો.
"રિકતા, તારે કાંઈ કરવાની જરૂર નથી. તું ફક્ત કોઈ ફિલ્મનું શૂટિંગ ચાલતું હોય ને ત્યાં જઈને ઊભી રહે. પેલો હીરો, ડાયરેક્ટર, બધાં હિરોઈનને ભૂલીને તારી પાસે આવી જશે." સંતૃપ્ત ખડખડાટ હસી પડતો અને રિક્તા બનાવટી ગુસ્સો કરીને સંતૃપ્તને મારવા દોડતી જ્યારે બીચ પર રિક્તા દોડીને થાકી જતી ત્યારે સંતૃપ્ત ઈરાદાપૂર્વક પોતે થાકવાનો ઢોંગ કરી, બેસી જતો અને રિક્તા તેની પીઠ પર મુક્કાનો વરસાદ કરી દેતી. પછી સંતૃપ્ત ગાતો,
કુછ ના કહો..કુછ ભી ના કહો...
સમય કા યે પલ..
બસ એક મૈ હું..બસ એક તુમ હો.. !
રિક્તા સંતૃપ્તની બાહોમાં સમાઈ જતી ત્યારે સૂર્ય પણ જાણે શરમાઈને અસ્ત થઈ જતો.
બે વર્ષ સુધી કોલેજકાળનાં એ સુવર્ણ દિવસોનો સમયગાળો મુઠ્ઠીની રીતની જેમ સરકી ગયો. અચાનક સંતૃપ્ત કોલેજમાં દેખાતો બંધ થયો શરૂઆતમાં કશું થયું હશેની અનેકવિધ અટકળો બાંધતી રિક્તાાએ ઉદાસીના દિવસો જેમ-તેમ કરીને પસાર કરી લીધાં પણ પછી એ ઉદાસી જીવનમાં કાયમી ઘર કરી ગઈ. કોલેજમાંથી સંતૃપ્ત તેનું લિવિંગ સર્ટિફિકેટ લેવા કે પરીક્ષા દેવા પણ ન ડોકાયો. રિક્તાની દરેક સવાર આજે કોલેજે સંતૃપ્ત આવશેની અપેક્ષામાં ઊગતી. દરેક સાંજ માયુસ બનીને આથમી જતી.
ઘરનાં રૂઢિચુસ્ત વાતાવરણને કારણે રિક્તા અને સંતૃપ્તનો પ્રેમ પણ માત્ર તે બંને સુધી જ સીમિત રહ્યો હતો. તેથી કોલેજમાં કે ક્યાંય કોઈને કશું પૂછવાની પણ રિક્તાની હિંમત ન થઈ. અંદરો અંદરની વાતચીત પરથી ફક્ત એટલું જાણી શકાયું કે સંતૃપ્ત કદાચ હંમેશા માટે ભારત છોડીને તેના કોઈ સગા સાથે પરદેશ ચાલ્યો ગયો છે. રિક્તાનાં કાને આ વાત પડી ત્યારે તેના કાનમાં કોઈએ ધગધગતું શીશું રેડ્યું હોય તેવી વેદના થઈ. પછી એ વેદનાને જિંદગીની સચ્ચાઈ માની લીધી.
અચાનક માને પેરાલિસીસનો એટેક આવ્યો. બંને બહેનોના ત્યારે લગ્ન થઈ ચૂક્યાં હતાં. ભાઈની પરદેશ જવાની લોન પણ મકાન ગીરવે મૂકીને પાસ કરાવી લીધી હતી. જેને છોડાવવાના હપ્તા રિક્તાએ વર્ષો સુધી ભર્યા. આખો એક દાયકાનો સમય રિક્તાએ પથારીવશ માને સાચવતાં, જોબ કરતાં અને ઘર સંભાળતા પસાર કરી નાખ્યો. ક્યારેક ક્યારેક એને સંતૃપ્ત સાંભરી આવતો. પરંતુ ઓફિસમાં પોતાના સૌંદર્યને કારણે તાકી રહેતી અનેક નજરો કે ટ્રેનમાં કાયમી આવવા જવાને કારણે સ્ટેશન પર અથડાતી નજરોમાં રિકતાને કદી સંતૃપ્ત નજરે ન ચડ્યો. તેણે આજીવન એકલા રહેવાનું જ નક્કી કરી લીધું હતું.
તેણે મોબાઈલમાં તારીખ જોઈ. સોળ ઓક્ટોબર ! પછી તેને યાદ આવ્યું કે આ જ દિવસે તેની અને સંતૃપ્તની કોલેજમાં પહેલાં વર્ષના પ્રથમ સત્ર પછી પહેલી મુલાકાત નવરાત્રિનાં એક કાર્યક્રમ દરમિયાન થઈ હતી. ગરબા લેતી રિક્તા પર સંતૃપ્ત અને ગીતો ગાતાં સંતૃપ્ત પર રિક્તાને પહેલી નજરનો પ્રેમ થયેલો. કદાચ એટલે જ આજે તેને આમ સંતૃપ્ત ખૂબ યાદ આવતો હતો.
એટલામાં ડોરબેલ વાગી. હાથમાં રિક્તાનાં પ્રિય ગુલાબનો બૂકે, સોરીનું કાર્ડ અને એક પત્ર આપી એક છોકરો જતો રહ્યો. રિક્તાએ અંદર આવી તે પત્રની ગડી ખોલી. તે સંતૃપ્તનો પત્ર હતો. મામા સાથે લંડન જવાનું કારણ, તકલીફો, અચાનક મામાનું ખુન થવું, પોતાનું સપડાવું, દસ વર્ષે નિર્દોષ સાબિત થવું, જેલમાંથી છૂટી સીધું રિક્તાને મળવા ભારત આવવું...સુધીની સફરનો સમય લખી દીધો હતો. શબ્દે શબ્દમાં ટપકતી સંતૃપ્તની પીડા રિક્તાને અડી ગઈ. તેણે તેમાં લખેલ નંબર પર ચોધાર આંખે કૉલ કર્યો. ઉતાવળમાં ખુલ્લા રાખી દીધેલ તેનાં ઘરનાં દરવાજે જ રીંગ વાગી.
"કુછ ના કહો....કુછ ભી ન કહો..
સમય કા યે પલ...થમસા ગયા હૈ.. !"