jagruti zankhana meera

Tragedy Thriller

4  

jagruti zankhana meera

Tragedy Thriller

ભૂખ લાયગી

ભૂખ લાયગી

3 mins
441


એકત્રીસમી ડિસેમ્બરની કડકડતી ઠંડીએ સૌનાં હાંજા ગગડાવી દીધાં હતાં. ડિસ્કોથેકમાં હીટરનાં ગરમા આ વચ્ચે અર્ધનગ્ન શરીરો નાચીને ઉજવણીમાં વ્યસ્ત હતાં. શોરબકોર અને શરાબની છોળો વચ્ચે 2023ને આવકારવા !

આ તરફ ઝૂંપડપટ્ટીની વસાહતમાં ચારે તરફ નર્યા સૂનકારનું સામ્રાજ્ય હતું. એકલદોકલ કૂતરું ઠંડીનો સામનો કરવા અસમર્થ થાય ત્યારે કાવકા નાખી રડી લેતું હતું. ચીંથરેહાલ ગોદડું એક જણની જ ઠંડી રોકે તેમ હતું. ઝૂંપડીમાં બે શરીર થથરતાં હતાં. મંગુએ છ વર્ષની જીવલી માથે ગોદડું નાખી દીધું. પોતે સંકોચાઈને પડી રહી.

બીક એ લાગતી હતી કે જીવલી જો ઊઠશે તો બોલશે, "ભૂખ લાયગી.. !" ને હતું નહીં કંઈ. માંડ ફોસલાવીને સૂવડાવી હતી કે 'હમણાં બાપુ આવશે ને આજે તો ઈ કેક લ્યાવસે !'

ભૂખ અને ઠંડી બેય બાળતા હતાં. કરસન જીવલીનો બાપ એટલે કે મંગુનો પતિ કચરો વીણીને કે છૂટક મજૂરી કરીને ગુજરાન ચલાવતો. મંગુની કાળા કુંડાળાથી ઘેરાયેલ ઊંડી આંખો ઝૂંપડીનાં દરવાજાની સંધમાં તાકતી પડી હતી.  

"આજે તો મોજ છે મંગુ, જોજે રાતે !" કરસન બોલેલો.

"કેમ મોજ શેની ? તમને કોઈ લોટરી લાગવાની સે ? તી આમ હરખપદૂડા થ્યાં સો !" મંગુએ પૂછ્યું. 

"લે તી તને નય ખબર આજ તો વરસનો સેલ્લો દિવસ સે, ને કાલથી નવું વરસ ચાલુ થાસે. તે આજ તો કચરો વીણવામાં આરો નય એટલી બોટલું ભેરી થાસે ને હું એમાંથી વધેલી જિરિ-જિરિ ભેગી કરીશ એક બોટલમાં ને એમાં જિરિક નાખી દય દેસી..ને પછી વિદેશી સે એમ કયને, એટલે ઓલો ચનિયો લઈ જાસે સારા એવાં ભાવે. એટલે મોજ..તને ખવડાવીસ ગાંઠિયા" ને પછી મંગુનાં ઉપસેલાં પેટ પર હાથ ફેરવ્યો. "જીવલી સારું કેક ! સમજી ?" કરસને પત્નીને જાણે રહસ્ય સમજાવ્યું.

આખું વર્ષ ઢસરડા કરતાં કરસનને આ છેલ્લો દિવસ ફક્ત આ કારણથી ગમતો કે તે દિવસે ઓછી મહેનતે વધુ પૈસા મળતાં !

વિચારોમાં ઝોકે ચડી ગયેલ મંગુને સહેજ પગરવ થતાં તે સફાળી બેઠી થઈ. તેને એમ થયું કે હાશ..કરસન આવ્યો. ગાંઠિયા ખાવા મળશે ને પછી જીવલીને ય ઊઠાડીને કેક ખવડાવશે. 

પોતે કરસનને છેલ્લાં એક મહિનાથી મદદ પણ નથી કરી શકતી. બે જીવ સો'તી હતી ને !

"નાનો કરસન આવે તો એનું નામ કિશન પાડવું હો ને મંગુ !" કરસન હરખાતો અને મંગુ શરમાઈને પોરસાતી. 

"હવે ઝટ સૂટી થાવ તો હું ય મરી કામે જાવ. તો કઈ બે ટંક સરખું ખવડાવી સકીયે. તમે એકલાં તૂટી જાવ તોય મોંઘારતમાં મેળ ન આવે."

"ના હો, હવે કિશન આવે પસી હું બમણી મજૂરી કરીસ પણ તારે તો રાજ જ કરવાનું ! ઈનાં જનમનું સારું સકન (શુકન) થાશે ને મને એક કારખાનામાં રોજમદારની વાત હાંલે ઈ પાકી થઈ જાસે. આવતાં વર્ષે તો સંધુય સારું થાસે ! બસ હવે આ વરસ જાય તો સારું." કરસનનું બોલેલું મંગુને પેટમાં કિશનની લાત વાગી તો યાદ આવી ગયું. ત્યાં તો ઝૂંપડી બહાર દેકારો વધ્યો.

મંગુ તૂટું-તૂટું થઈ રહેલાં આડશ જેવાં દરવાજે ગઈ. પછી ધીમેથી દરવાજો ખોલ્યો. સામે શેરીનાં લોકો ટોળે વળ્યાં હતાં. બધાં આઘાપાછાં થયાં તો વચ્ચે કરસન ! પણ છૂંદાઈ ગયેલાં મોઢા પર ફાટીને બહાર આવી ગયેલ ડોળાં વાળો ! 

ટોળામાંથી કોઈ બોલ્યું, "બહુ ભૂંડુ થાશે ઈનું જેણે બિચારો ફૂટપાથ પર બોટલું સરખી કરતો'તો ન્યાં લગણ દારુ ઢીંચીને આના પર ગાડી ફેરવી દીધી."   

મંગુની તો જાણે જિંદગી પણ કચડાઈ ગઈ. તેણે તો કાળી મરણપોક મૂકી, "રે...મારા કિશનનાં બાપુ.. !" 

ઝૂંપડીનાં દરવાજે જ મંગુ ફસડાઈ ગઈ. તેને અર્ધ બેભાન હાલતમાં વેણ ઊપડી ગઈ. નીચે થયેલ ખુનનો ઢગલો જોઈ પાડોશની સ્ત્રીઓ મંગુને ઘેરે વળી ચાદરની આડશમાં લીધી. પાંચ મિનિટ થઈ ત્યાં કિશનનો જનમ થયો. તેણે "ઉંવા... ઉંવા..."કર્યું. 

અંદર ઝૂંપડીમાં જીવલીએ ગાંગરો ઘાલ્યો,

"ભૂખ લાયગી.. !"

આકાશ આતશબાજીથી ઝગમગ્યું, 2023.. !


Rate this content
Log in

Similar gujarati story from Tragedy