Bakul Macwan

Tragedy Others

2.1  

Bakul Macwan

Tragedy Others

લોહીની સગાઇ

લોહીની સગાઇ

22 mins
1.2K


અમદાવાદની એક હોસ્પિટલમાં આકાશ દાખલ થયો હતો. એનો નાનો ભાઇ આલોક એને અહીં લાવ્યો હતો. જાતજાતનાં પરીક્ષણો પછીના રિપોર્ટસ આલોકના ફેમિલી ડૉક્ટર ઝીણવટપૂર્વક જોઇ રહ્યા હતા. ‘હે ?...’ મોટાભાઇ આકાશની બીમારીનું નિદાન સાંભળતાં જ આલોક અભડાતો હોય એમ સગાભાઇથી બે ડગલાં દૂર હટી ગયો; એ સાથે જ આકાશની આંખો આંસુઓથી છલકાઇ ગઇ. ‘સર !’ ખરેખર મારા મોટાભાઇને એઇડ્ઝ થયો છે ? તો...તો...ડૉક્ટર...?’ ફેમિલી ડૉક્ટર ફાંગી આંખે, ચશ્માં નાકની દાંડીએ ઉતારીને આલોકને જોઇ રહ્યા. આલોકની આંખોમાં અકળ એવા ભાવ છવાઇ ગયા; ને થોડીવારમાં તો એ...’ ‘મોટાભાઇ હું જાઉં છું... સાંજે આવી જઇશ...’ એમ કહીને પોબારા ગણી ગયો.


આકાશ હજુ પણ દિગમૂઢ બની ડૉક્ટરની સામે તાકી રહ્યો હતો. ડૉક્ટરે એને ધરપત બંધાવતાં કહ્યું, ‘આકાશભાઇ, તબીબી વિજ્ઞાન એટલી હદે આગળ વધી ગયું છે કે તમારે હતાશ થવાનું કોઇ કારણ નથી...’ પણ આકાશનું મન ચકડોળે ચડી ગયું હતું. એને ડૉક્ટરના શબ્દો આશ્વસ્ત કરી શક્યા નહીં. આલોકના ગયા બાદ, બે દિવસે એણે દવાખાનામાંથી રજા લઇ લીધી – ‘સર, કોઇ અપરાધ થયો હોય તો ક્ષમા કરજો. હું જાઉં છું. સવાલ ફક્ત સમયનો છે, મારી હયાતી ગમે ત્યારે આથમી જશે...આવજો...’ જાણે મૃત્યુ તાબડતોબ એની હયાતી મિટાવી દેવા અટ્ટહાસ્ય કરી રહ્યું હોય તેમ ચિંતાતુર ચહેરે એણે ક્લિનીકમાંથી વિદાય લઇને ઘરની વાટ પકડી.


મનસુખભાઇ આમ તો સાધારણ ખેડૂત. ખેતરની ટૂંકી આમદાનીમાં માંડ બે છેડા ભેગા કરી શકતા. નાના પરિવારનાં શમણાં સજાવીને એ સંસારનો બોજ વેંઢારી રહ્યા હતા. ઘરમાં વિધવા એવી દમિયલ મા, માની તંદુરસ્તી સારી કહેવડાવે એવી પત્નીને માયકાંગલા એવા બે દીકરાઓ એટલે આકાશ અને આલોક. બંને દીકરાઓ ભણવામાં હોંશિયાર હતા. ત્રીજી દીકરી ધરતી પર આવીને ચેનનો શ્વાસ લે એ પહેલાં એની છાતીની ધમણ થીજી ગઇ હતી. એ પછી અવતરતાંની સાથે જ વિકલાંગને મંદબુધ્ધિની દીકરી આવેલી તે શારદા. ગામના ખમતીધર એવા સરપંચ કંચનકાકા એમના જમાનાના મેટ્રીક્યુલેટ હતા. નવી પેઢીનાં બાળકો સારું ભણે ને આગળ વધે એવી એમની મંશા. એટલે ગરીબ ઘરના મનસુખભાઇને એમણે બોલાવીને કહેલું, ‘મનસુખભાઇ, બેઉ છોકરાંઓને ભણાવજો. રૂપિયાની ફિકર કરશો નહીં. ભગવાને મને ઘણું દીધું છે. વસ્તારમાં એકમાત્ર દીકરો છે ને એ પણ પરદેશ એના મામાને ઘેર વહેલો મોડો ઉપડી જશે. બેઉ છોકરાઓ ભણશે તો ગામની ઇજ્જત વધારશે. આ પેલા પશાનો છોકરો હલકી વૈણમાંથીયે ગ્રેજ્યુએટ થઇને સારી નોકરીએ લાગી ગયો જ ને ? મેં પશાને મદદ કરેલી તો તમે તો મારા ભાયાત રહ્યા.’ મનસુખભાઇ હતા તો સ્વમાની પણ ગરીબીને કારણે સરપંચની દરખાસ્ત એમણે સ્વીકારી લીધી ને કંચનકાકાની સહાયથી બેઉ ભણ્યા પણ ખરા.


પણ... બધા દિવસો કાંઇ સરખા હોય છે ? મજૂરી કરીને બેવડ વળી ગયેલા મનસુખભાઇ સગી જનેતા પછવાડે દસ જ દિવસમાં સ્વધામ સિધાવી ગયા. હજુ તો ગામની હાઇસ્કૂલમાં બેઉ ભાઇઓ ભણતા હતા. આકાશ મોટો હોવાથી એના માથે અકાળે મસમોટી જવાબદારી આવી પડી. માની કાયા તો પહેલેથી કંતાઇ ગયેલી હતી. દીકરાઓનું સુખ જોવા એ પણ ઝાઝું ટકી નહીં ને પતિના અવસાનના છ એક મહિનામાં એ પણ મોટા ગામતરે ઉપડી ગઇ. રહી ગયા ફક્ત બે ભાઇઓ. મોસાળ પક્ષે જે ગણો એ એક મામા હતા પણ સુદામાનેય સારા કહેવડાવે એવી એમની આર્થિક સ્થિતિ ને પરિવાર ખાસ્સો બહોળો. એટલે સગી બહેનના દીકરાઓ નિરાધાર થઇ ગયા તો યે માનવતા નેવે મૂકીને એ માણસ ધરાર છૂટી પડયો. મનસુખભાઇનો સગો ભાઇ તો હતો નહીં પણ લાંબી સગાઇએ કાકા થતા હરમાનભાઇ શરૂમાં બેઉને પોતાના ઘરે લઇ ગયા પણ વરસ દહાડામાં તો હરમાનની વહુએ કાળો કેર મચાવી મૂક્યો તે બેઉ ભાઇઓ ગામ પાછા ફર્યા. કંચનકાકાએ વડીલના નાતે કહ્યું પણ ખરું, ‘અલ્યા મૂરખાઓ, સગો મામો તમારો થયો નહીં તો લાંબી સગાઇનો કાકો થોડો જિંદગી આખી આશરો આપવાનો ? આ હું તમારા ભણતરનો ખર્ચ ઉપાડું છું તે ભારે પડે છે તે મોટા ઉપાડે કાકાને ઘેરે નાઠેલા ? હવે છાનામાના બાપાના ઘરમાં પડ્યા રહો ને સારી રીતે ભણો. બેઉ ટાઇમનું જમવાનું આપણી ધર્મશાળામાં જમી આવજો.’ પરદેશ સ્થાયી થયેલા ગામના પાંચેક જુવાનિયાઓ ખમતીધર થયેલા તે ગરીબ-ગુરબાં સારું એમણે સારી એવી સખાવત કરેલી. નાત-જાતના ભેદ વગર બધીયે કોમનાં ગરીબ ને ખાસ તો અનાથ કુટુંબો ધર્મશાળામાં પલવાતાં. બેઉ ભાઇઓ ભણતા રહ્યા. આકાશ તો ભારે સ્વમાની હતો. સરપંચની સહાય પર જ નિર્ભર ન રહેતાં, સાંજના કરિયાણાની દુકાનમાં બેસીને ખપ પૂરતું કમાઇ લેતો.


નિરપેક્ષભાવે સમય સરતો રહ્યો. આકાશે બારમું સાયન્સ સારા ટકા સાથે પાસ કર્યું. એના ડૉક્ટર બનવાના સુષુપ્ત શમણાંઓ સળવળી ઉઠ્યાં. પાછળ આલોક નવમા ધોરણમાં અભ્યાસ કરતો હતો. ગામના હિતેચ્છુઓએ આકાશને ડૉક્ટરી લાઇનમાં આગળ વધવા ધરપત બંધાવી, ‘આકાશ, ખર્ચની ફિકર કરતો નહીં; અમે બધાયે તારી પાછળ છીએ જ. તું તારે ભણ, તારો બધોય ખર્ચ અમે ઉઠાવી લઇશું.’ પણ આકાશે ઠાવકાઇથી અને વિશેષ તો વિનમ્રતાથી બધાની વિનંતીનો અસ્વીકાર કરતાં કહ્યું, ‘તમારો આભાર, પણ આલોકનું આગળ વધવું વધારે મહત્વનું છે. હું તો ગમે તેમ કરીને રોજી રળી લઇશ પણ આલોક બા-બાપુજીના ગયા પછી સાવ હતાશ બની ગયો છે. મારે તો આલોક ડૉક્ટર બને એટલું પૂરતું છે. શારદાને પણ મારે પાલવવાની છે.’ ગામલોકો સોળ-સત્તરની વયના આ છોકરડાની જવાબદારીની ભાવનાની કદર કરતાં મ્હોંમાં આંગળાં નાખી ગયા. પણ અનાથ હોવાને લઇને, એની કાળજી તો એ લોકો વધારે જ લેતા. જતે દહાડે આકાશે બી.કોમ. કરીને સંતોષ લીધો ને ખાનગી કંપનીમાં નોકરી પણ મેળવી લીધી. એનું એકમાત્ર લક્ષ આલોકને ભણાવવાનું જ રહ્યું. સાંજે એ થાકીને લોથપોથ થઇ જતો. શારદાની દવા-દારૂનો ખર્ચ પણ ભારે હતો. ટૂંકી આવક ને એમાં આલોકના ભણતરનો ખર્ચ અને શારદાની માવજત માગી લેતી પરવરિશ ! એમ જ સમજો ને કે નાના બાળકની જેમ એને ઉંચકીને નવરાવવી, એનાં મેલાં લૂગડાં ધોવાં, એનો ઝાડો-પેશાબ સાફ કરવાં, રાત્રે તોફાને ચડે ત્યારે માવતરનું વહાલ વરસાવી એને સુવરાવવી – એની જુવાની જાણે એળે જઇ રહી હતી. ખાનગી નોકરી હોવા છતાં, નાતમાંથી સારાં માગાં આવતાં હતા. પોળના લોકો, જો આકાશ લગ્નની હા ભણે તો રંગેચંગે એને પરણાવવાયે રાજી હતાં. એની માની ઉંમરની મહિલાઓ તો પોળમાં નવી વહુ આવે એ સારૂં થનગનતી હતી. પોળનો છેલ્લો શુભ પ્રસંગ, જે ગણો તે, આકાશના બાપુજી પરણ્યા ત્યારે લોકોએ રંગેચંગે પ્રસંગની ઉજવણીમાં ભાગ લીધો હતો, પોળની મહિલાઓએ ફટાણાં ગાયાં હતાં અને પોળનાં સહુ ઘરનો પ્રસંગ હોય તેમ હરખઘેલાં થઇ ગયા હતાં. અને એટલે જૂની પેઢીનાં સહુ તો ઘર આંગણે હરખનો પ્રસંગ આવે એમાં થનગની રહ્યાં હતાં. પણ આકાશ એકનો બે ના થયો ત્યારે વડીલો સહિત એના બાળસખાઓ પણ ભારે નારાજ થઇ ગયા.


કાળચક્ર ફરતું રહ્યું. આકાશ શારદાની દવા-દારૂનો ખર્ચ પૂરો કરવા, નોકરી ઉપરાંત વધારાનું કામ પણ કરતો રહેતો. આલોક પણ બાર સાયન્સ સારા ટકા સાથે પસાર કરીને આગળ શું કરવુંની અવઢવમાં હતો. મોટાભાઇની તકલીફો સમજતો હતો. પોતાને અને બહેન માટે એણે આપેલ બલિદાનની અનુભૂતિ થતાં એની આંખોમાં ઝળહળિયાં આવી જતાં. ‘આલોક, તારા બાર સાયન્સમાં સારા ટકા આવ્યા છે; મેડીકલમાં ઉજળી તક છે. હું તો ડૉક્ટર ના બની શક્યો પણ તું મારૂં સ્વપ્ન પુરું કરીશ એવી ગળા લગીની ખાતરી છે.’ આકાશ આલોકને કહી રહ્યો હતો ત્યારે એના ચહેરા પર અનેરી ખુશી ઝળહળી રહી હતી. ‘પણ... મોટાભાઇ ! મેડીકલનો ખર્ચ જેવો તેવો નથી. આપણા ગજા બહારની વાત છે. એના કરતાં હું નોકરી કરીને તમને મદદરૂપ થાઉં એવી મારી ગણતરી છે.’ ‘ના...આલોક....ના.... આપણી ન્યાતમાં અને ખાસ તો આપણા ગામમાં કોઇ ડૉક્ટર થયો નથી. તું જો ડૉક્ટર બને તો ગામની આબરૂ તો વધે જ વધે પણ આપણા બા-બાપુજીનું નામ પણ રોશન થાય.’


મોટાભાઇની જીદ આગળ આલોક ઝૂકી ગયો પણ એણે ઇજનેરી લાઇન પર પસંદગી ઉતારી ત્યારે આકાશના ચહેરા પર નારાજગી લીંપાઇ વળી. પણ ડૉક્ટર નહીં તો છેવટે ઇજનેર બનીને પણ ગામનું નામ રોશન થશે, એવી ગણતરીએ આકાશે આલોકને ઇજનેરી કોલેજમાં પ્રવેશ અપાવ્યો. અગાઉ એમના ગામના પરષોતમભાઇ પટેલનો દીકરો જ ઇજનેર બન્યો હતો પણ પછી ગામ છોડીને એ અમેરિકા ચાલ્યો ગયેલો એટલે આલોક ઇજનેર બનીને પગભર થાય તો પોતાને શાંતિ તો ખરી, એવું મન સાથે સમાધાન કરીને એણે નાનાને ભણાવવા કોઇ જ કસર છોડવી નહીં એવો મનસૂબો કરી જ લીધો. નાનાની ઇજનેરી કોલેજ અને હોસ્ટેલના ખર્ચને અને શારદાના મંદવાડને પહોંચી વળવા રાતદહાડો વૈતરૂં કરતો રહ્યો. આલોક અવારનવાર નાણાં સારું પત્ર લખતો રહેતો અને સગા ભાઇના સુખદ ભાવિ માટે આકાશ વ્યાજે નાણાં લાવીને પણ મોકલતો રહેતો. દિવસે દિવસે એ વધુને વધુ વ્યાજના ચક્રવ્યૂહમાં ફસાતો જતો હતો; પણ નાનો ઇજનેર બનીને આવે તો જતે દહાડે ઘરની પરિસ્થિતિ સુધરશે એવી અપેક્ષાએ આકાશ આંધળુકિયાં જ કરતો હતો.


બીજી તરફ, શારદાનાં તોફાન દિન-પ્રતિદિન વધતાં જતાં હતાં. મોંઘીદાટ દવાઓની એની માનસિક સ્થિતિ પર કોઇ જ અસર વર્તાતી નહોતી. ક્યારેક એકલો બેઠો હોય ત્યારે એને વિચાર આવી જતો, ‘આ શારદા બિચારી રિબાય છે એનાં કરતાં ભગવાન એને બોલાવી લે તો સારૂં ! હવે તો હું યે એના મંદવાડથી કંટાળ્યો છું. બિચારી, મા-બાપ વગરની મારી બહેન ને એમાંયે પાછી એની શારીરિક વિકલાંગતા અને માનસિક સ્થિતિ ડામાડોળ.’ પણ પછી તરત જ એને આવા વિચારો બદલ પસ્તાવો થઇ આવતો, ‘ના, ના.... ભગવાને મારી માની કૂખે એને આવી ખોડખાંપણ સહિત જન્મ આપ્યો એમાં એનો બિચારીનો શો વાંક ? કદાચ એના આગલા જન્મનાં કર્મનાં ફળ, બીજું શું વળી ! મારે તો મારૂં કર્તવ્ય જ નિભાવવાનું છે. હે ભગવાન, મારી બહેન પ્રત્યેના અશુભ વિચારો બદલ મને ક્ષમા કરો....’ કફોડી આર્થિક પરિસ્થિતિ અને એના પગલે આવતી માનસિક હતાશા ! માનસિક હતાશાએ એના શરીર પર પણ ભારે અસર જન્માવી હતી. એની ઉંમરે જુવાની માણવાની ભરપૂર વસંતનો કાળ હોય ત્યારે અકાળે એના શરીર પર પાનખર આવી બેસી ગઇ હતી. પોતાનો સંસાર વસાવવાનાં કોઇપણ યુવાનનાં શમણાંની જેમ એનાં અરમાનોની પણ રાખ થઇ ગઇ હતી.


માનસિક હતાશાથી ખોખલો થઇ ગયેલો એનો દેહ એકવાર લથડ્યો. નજીકના કસ્બાના સરકારી દવાખાનામાં એને પાડોશીઓ લઇ ગયા. બે-ત્રણ દિવસો બાદ પણ એની તબિયત સુધરી નહીં એટલે એની કંપનીના મેનેજરે એને ખાનગી દવાખાનામાં દાખલ કરાવવાનો પ્રબંધ કરી દીધો. જાતભાતનાં પરીક્ષણો કરવામાં આવ્યા. એના દેહમાં લોહીનો સદંતર અભાવ હતો. ડૉક્ટરે મેનેજરને કહ્યું, ‘ભાઇનું બ્લડ ગ્રૂપ ‘ઓ’ નેગેટીવ છે....તાત્કાલિક સારવાર નહીં મળે તો બચવાની શક્યતા નહિવત્ છે. કોઇ રક્તદાતાને તૈયાર કરો; હું બ્લડ બેંકમાં ફોન કરીને બ્લડની વ્યવસ્થા કરાવી દઉં છું.’ તાબડતોબ લોહીના બોટલ ચઢાવવામાં આવતાં ને મોંઘી દવાઓની સારવાર મળતાં એની તબિયત સુધરતી ગઇ. તો પણ, દોઢેક મહિનાનું બિછાનું તો નફામાં ! દુકાળમાં અધિક માસની જેમ, વીસેક હજારનું બિલ તો ખરૂં જ. પણ એનો શેઠ પરગજુ માણસ હતો; રજાઓનો અડધો પગાર તો આપ્યો જ પણ સારવારનો ખર્ચ પણ આપીને એને આભારવશ કરી દીધો. પાડોશીઓ સારા હતા એટલે શારદાની દેખભાળમાં પણ કોઇ કચાશ રહી નહોતી. ડૉક્ટરે રજા આપતાં એને તાકીદ કરતાં કહેલું, ‘ભાઇ, હવે ચિંતા કરવાનું અને વધારાનું કામ કરવાનું છોડી દો. ઠેકાણા વગરની નોકરી ને જમવામાં અનિયમિતતાએ તમારી આ હાલત કરી છે. હવે ધ્યાન નહીં રાખો તો ભૂતકાળ બની જતાં સહેજે વાર નહીં લાગે...’ ડૉક્ટરના શબ્દો સાંભળી એના દેહમાં ચિંતાની જ્વાળા આગ બની પ્રસરી ગઇ. એને નાના ભાઇને ઇજનેર બનાવવાનાં શમણાં વિખરાતા લાગ્યા. ‘પોતે વધારે મહેનત ના કરે તો...તો... આલોકને પોતાની જેમ ખાનગી કંપનીમાં કારકુની કરવાનો વારો આવે....ને ગાંડાઘેલા જેવી શારદાનું કોણ બેલી ! મને કાંઇ થાય તો શારદાનું જીવતર પણ ધૂળધાણી થઇ જાય....હે ભગવાન, ઘણાયે રૂપિયાવાળાઓ તને દેખાતા નથી....એ ય લીલા લહેર કરે છે, એશોઆરામથી જીવે છે, જાતભાતનાં વ્યસનો અને ખાનપાનથી તો એમના દેહ તગડા થતા જાય છે અને કોઇને કાંઇ જ થતું નથી. આ તો ગરીબોનો જ દાટ વળવા બેઠો છે. અમારા શેઠને જ ઘરમાં દરેક જણની અલગ અલગ ગાડીઓ, પાણી માગે ત્યાં દૂધ હાજર થાય એવી સાહયબી ! મારી મહિનાની કમાણી કરતાં ચાર ગણો તો શેઠાણીનો કીટી પાર્ટીમાં થતો ચા-પાણીનો ખર્ચ; પાણીની જેમ થતો પેટ્રોલનો ખર્ચ ને....ઓહ....શું થવા બેઠું છે ! મારે ભણવામાં પેલી કવિતા આવતી હતી ને ? છે ગરીબોના કૂબામાં તેલનું ટીપુએ દોહ્યલું ને... એના જેવું જ ને કાંઇક...’ વિચારોનું આક્રમણ થતાં આકાશનું મનોમંથન પરાકાષ્ઠાએ પહોંચી ગયું.


પણ ભગવાને એનો આર્તનાદ સાંભળ્યો હોય તેમ, માંડ માંડ બીમારીમાંથી ઉઠ્યા પછી એક રાત્રે શારદાની તબિયતે અચાનક ઊથલો માર્યો. એને તાત્કાલિક દવાખાને ખસેડી. એને ભારે ખેંચ આવતી હતી, મ્હોંમાંથી ફીણના પરપોટા ઉપસી રહ્યા હતા. ડૉક્ટર અનુભવી હતા, આકાશને તેમણે કહ્યું, ‘આકાશભાઇ, બેનને પાંચમો માસ જાય છે. શરીરમાં લોહી નથી. બચવાની સંભાવના નહીંવત્ છે.’ ‘પણ ડૉક્ટર....મારી બહેન શારદા તો કુંવારી છે, એને એના દેહનું યે ભાન નથી ત્યાં...’ ‘આકાશભાઇ, તમારી વાત સાચી પણ એની વિકલાંગવસ્થાનો જ કોઇ કાળમુખો લાભ લઇ ગયો લાગે છે.’ આકાશ સમસમી ગયો. ઘરથી નોકરી ને વળી વધારાની કમાણી સારું પાર્ટ-ટાઇમ નોકરીમાં એણે ખર્ચી નાખેલી જાત....આ બહેન અને આલોક સારૂ જ. પોળની કોઇ મહિલાઓને પણ એ કાળમુખાના કુકર્મની જાણ ના થઇ. શારદા તો ના બચી; ઉદરમાં પ્રસરી ગયેલા ઝેર થકી એણે તરફડીને શ્વાસ મૂકી દીધો. શારદાના અકાળ મોતે આકાશને રડાવી દીધો. પોળવાળાઓ પણ છાનીછપની વાતો કરતા હતા, ‘શારદા અપંગ ખરી પણ એના દેહના ઓરતા તો ભરજુવાનીમાં અપંગ નહોતા બની ગયા ને ? આ આપણે સહુ ખેતરમાં કામે જતા હોઇશું ત્યારે જ કોઇ માથાનો ફરેલો એ અભાગણી ને એના ભાઇઓની પનોતી બેસાડી ગયો હશે.’ તરેહતરેહની થતી ચર્ચાઓ જે ઝડપે ચાલી તે ઝડપે શમી પણ ગઇ. આકાશને થયું, ‘સારૂં થયું બિચારી, પીડામાંથી છૂટી....’ પણ જે રીતે શારદાનું અકાળ મોત આવીને એને હલબલાવી ગયું હતું એ બીના, એના મનમાંથી હટતી નહોતી.


કાળા કૃત્યનો કરનાર કોણ હોઇ શકે, એની ભાળ કાઢવા એને અજંપો ગ્રસી વળ્યો. ‘પોળમાં તો એની વયના ગણો તો એના ભાઇબંધો હતા, બધાયે ઘર લઇને બેસી ગયા હતા. શારદા એની બહેન હતી તો એના ભાઇબંધો માટે તો એ એથીય લાડકી બહેન હતી. તો પછી કંચનકાકા ! એ હોઇ શકે. પણ ના...ના.... એવા પરોપકારી જણ પરની શ્રધ્ધા ડગાવવી એટલે ભગવાનના અસ્તિત્વને નકારવા બરોબર કહેવાય. તો પછી કોણ હોઇ શકે ? પોળમાં એનું ઘર પણ વચોવચ આવેલું હતું. ઘરનાં બધાંયે ખેતરમાં હોય તો યે મંગુકાકી, જમનામાસી ને ત્રિભોવનદાદા તો આખો દહાડો પોળમાં આવેલા માતાજીના ચોકમાં ગપાટા હાંકતા બેઠા હોય.... તો પછી કોણ હોય ?’ એનું મન ચકડોળે ચડ્યું હતું. આકાશ તો હજુ ઠરેલ હતો પણ આલોક તો ક્રોધિત થઇને જો કોઇ મળે તો એને રહેંસી નાખવાનો મનસૂબો કરીને જ બેઠો હતો. પણ આકાશે એને વાર્યો ને સમજાવતા કહ્યું, ‘આલોક, હમણાં તો તું તારા અભ્યાસમાં જ ધ્યાન આપ. જેણે પણ આ કુકર્મ આચર્યું હશે એને ભગવાન બતાવશે...’ ‘ના, મોટાભાઇ, ભગવાન છે જ ક્યાં ? જો હોત તો આપણા વાંકગુના વગર માવતર અનાથ મૂકી સિધાવી ગયા, તમે જાત તોડીને પણ અમારી સંભાળ રાખો છો, શારદાની સારવારમાં પણ તમે કોઇ કચાશ રાખી નહોતી અને જીવનમાં કશું અનૈતિક આચરણ કર્યું નથી તો યે આપણી જ બહેનની સાથે આમ કેમ થયું? બતાવો તમારો ભગવાન ક્યાં છે ?....’ મોટાભાઇ તરીકે નાનાની સાથે એને વિવાદમાં ઉતરવાનું ઠીક ન લાગતાં, એ ચૂપ રહ્યો પણ શારદાની યાદ તાજી થતાં, એની આંખના ખૂણા ભીના બન્યા.


પણ ભગવાનના અસ્તિત્વનો પુરાવો મેળવવા લાંબી પ્રતીક્ષા કરવી પડી નહીં. શારદાના મોતને ત્રણેક માસ વીતી ગયા હતા. શિયાળો બેસી ગયો હતો. સવારના કુણા તડકામાં ખેડૂતો ગાડાં લઇને ખેતરમાં જવાની તૈયારી કરતા હતા, પોળની મહિલાઓ પણ પતિઓ સાથે ખેતરોમાં જવાની કડાકૂટમાં ઘરને સાફસૂથરું કરી રહી હતી. ત્યાં ભાગોળે ગયેલો બાજુની અંબામાતાની પોળનો એક જણ હાંફતો હાંફતો દોડતો આવ્યો. એના શ્વાસ ઉછાળા મારી રહ્યા હતા ને છાતી ધમણની જેમ હાંફતી હતી, ‘ત્રિભોવનદાદા, ગજબ થઇ ગયો.’ ડોસાએ હોકાનો ઊંડો કસ ખેંચતા પૂછ્યું, ‘અલ્યા, પે‘લા હરખો હાહ (શ્વાસ) તો લે ! પછી વાત કર....’ ‘દાદા !’ પેલો જુવાન હજુ હાંફતો જ હતો. ‘દાદા, ભાગોળે આવેલી દૂધની ડેરી પછીતે આપણાં કંચનકાકાએ, પીપળાના ઝાડે ફાંસો...’ એના શબ્દો લડખડયા ને એ ફાટી આંખે જમીન પર લગભગ ફસડાઇ જ પડયો. ખેડૂતો હળ ને બળદો પડતા મૂકીને ભાગોળે નાઠા. જેને જેને જાણ થઇ એ સહુએ કામ પડતું મૂકીને ડેરીએ જવા હડીઓ કાઢી. બધાં અફસોસ વ્યક્ત કરતા હતા. ટોળામાં આકાશ પણ હતો. ‘અરે રે !’ આ કંચનકાકા જેવા પરોપકારી જણને આ શું થઇ ગયું તે ફાંસો ખાધો ? બિચારા કાકાએ કોઇનું કાંઇ બગાડયું નહોતું ને....’ ટોળામાંથી ગણગણાટ ઉઠતો હતો. પીપળાના વૃક્ષ પર કંચનકાકાનો દેહ ગોળગોળ ઘૂમી રહ્યો હતો, આંખો ખુલ્લી હતી, જીભ બહાર આવી ગઇ હતી. ટાઉન પોલીસે આવી કંચનકાકાના દેહને માનભેર ઉતાર્યો. ટાઉન પોલીસમાં પણ એમની ભારે વગ હતી. સમગ્ર વાતાવરણમાં અરેરાટી વ્યાપી વળી. પોલીસે પંચક્યાસ કર્યો, કેટલાકનાં નિવેદનો નોંધ્યાં, એમના પહેરણના ગજવા ફંફોસ્યાં. બીડીનું બંડલ ને લાઇટર હાથ લાગ્યું. પણ નવા આવેલા જમાદાર દેસાઇ સાહેબની ચકોર નજરે પીપળાની ઓથે મૂકેલા જોડામાંની સફેદ ચીજ પકડી પાડી. જમાદાર દેસાઇ ચિઠ્ઠીનું લખાણ વાંચવા લાગ્યા એમ એમ એમના ચહેરાની રેખાઓ તંગ બનતી ગઇ.


ચિઠ્ઠીનું લખાણ આમ હતું: ‘ગામના સહુ રહેવાસીઓ, મને માફ કરજો. હું જાઉં છું પણ એમાં મારો જ દોષ છે.....મનસુખ પટેલની છોડી શારદાના મોત પાછળ હું જ જવાબદાર છું. પાકટ ઉંમરે, દેહના ઉભરા હું જીરવી શક્યો નહીં. ગામમાં મારી આબરૂ સારી એટલે એ બધું દબાવતો રહ્યો પણ શારદા બિચારી ગાંડી ને અપંગ. મેં જ એને લાગ મળ્યે પાંચ-છ વાર બોટેલી અને એ બિચારી મારા પાપે....મારાથી એના મોતનો ભાર જીરવાયો નહીં એટલે આ મોત વહાલું કરૂં છું....લિ. કંચન પટેલના ઝાઝા જુહાર.’ ક્ષણવારમાં તો સન્નાટો છવાઇ ગયો. જે ટોળામાંથી અફસોસનો ધ્વનિ ઉઠી રહ્યો હતો ત્યાં ક્ષણાર્ધમાં તો ફિટકાર વરસી પડ્યો. આકાશ હતપ્રભ બની ગયો, ‘કંચનકાકા એને કદાચ મદદ આટલા સારૂ જ કરતા હતા....કોણ જાણે કેટલીયે વાર મારી શારદાને આ પાપીએ...’ એના મનમાં તોફાન વ્યાપી વળ્યું. થોડીવારમાં પોલીસ કંચનકાકાના દેહ સાથે સરકારી દવાખાને વિદાય થઇ એ સાથે ટોળું જાતભાતની વાતો કરતું વિખરાઇ ગયું. કંચનકાકાના કુકર્મ પછી તો એમના ઘર સાથેના વહેવાર ગામ લોકોએ સાવ માંડી જ વાળ્યા. સહુ એમનાં ઘરવાળા દયાકાકીનો જ વાંક કાઢતા, ‘આ દયાડી ભગતડી બની ગઇ તી’ તે કાકો ભાન ભૂલ્યો હશે. એણે કાકાને સાચવી જાણ્યો હોત તો વગર મોતે આમ કાળી ટીલી લઇને મરવું ના પડત...’


આકાશનું એકમાત્ર લક્ષ હવે નાનો ભાઇ આલોક જ હતો. બહેનના મૃત્યુના આઘાતમાંથી બંને ભાઇઓ ધીરેધીરે બહાર આવતા ગયા પણ જે રીતે બીના બનેલી એ રીતે તો સમાજમાં મ્હોં બતાવવાની પણ એને હામ રહી નહોતી. એ હવે ભાગ્યે જ પોળવાળાઓ સાથે વાત કરતો. એને જમનામાસી પર પણ ક્રોધ ચઢ્યો હતો. એક તો ભરજુવાનીએ વિધવા થયેલી ને જુવાનીમાં પાછી છપ્પરપગીએ ખરી ! કશું એ નહીંતો સરપંચને એણે છાનોછપનો ટેકો કર્યો હોય એવી શંકામાં અટવાતા જમનામાસી એની નજરમાંથી સાવ જ ઉતરી ગઇ. દિવસો પર સમયનો ઢોળ ચડતો રહ્યો. આલોક હવે ઇજનેરીના અંતિમ વર્ષમાં હતો. આકાશની અપેક્ષાઓની સફળ પ્રસૂતિની ઘડીઓ ગણાઇ રહી હતી. અને એ દિવસ પણ આવી પૂગ્યો. પશાકાકાના દીકરા પછી આલોક એના ગામનો બીજો ઇજનેર હતો. ઘરમાં આનંદ વ્યાપી વળ્યો તો પોળમાં ને ગામમાં તો એથીયે અદકેરી ખુશાલીનું મોજું પ્રસરી ગયું. બેઉ ભાઇઓ હેતે ભેટ્યા; વરસ દહાડેય ખુશીના માહોલ વચ્ચે શારદાની યાદ તાજી થતાં, બેઉ ભાઇઓની આંખો વરસી પડી. એમાં વળી કોકના ઘેરે નવી આણેલી ટેપરેકોર્ડરમાં ભાઇ-બહેનના હેતનું ગીત વાગી રહ્યું હતું: ‘કોણ હલાવે લીમડી ને કોણ ઝૂલાવે પીપળી, ભાઇની બેની લાડકી ને....’ ગીતના શબ્દો કાને પડતાં જ બેઉના અને ખાસ તો આકાશના અશ્રુઓના બંધનો ધોધ વછૂટી પડ્યો. એને લાચારી ઘેરી વળી – બિચારી શારદા અપંગ ને માનસિક વિકલાંગ હતી એટલે ગામના પાદરે, પોળનાં બીજા ભાઇ-બેનોની જેમ ઝાડની ડાળીએ ઝૂલાવવાની નોબત જ નહોતી આવી. એ દિવસે તો એ ગીતના શબ્દો ને શારદાનો ભોળો ચહેરો એની નજર સામેથી હટ્યાં જ નહીં.


આલોકને ઇજનેર બન્યાને માંડ ત્રણેક મહિના થયા હશે ને એણે કરેલી અરજીના અનુસંધાને સારી નોકરી ઘરઆંગણે દસ્તક દેતી આવી. અમદાવાદમાં એનું પોસ્ટીંગ થતાં, એ મોટાભાઇના આશીર્વાદ મેળવવા પગે લાગ્યો; ત્રિભોવનદાદાને પણ એ પગે લાગવાનું ભૂલ્યો નહીં. આકાશ માટે નાનાની નોકરીનો ઓર્ડર તો જીવનની સાર્થકતાનો જાણે દિવસ બની રહ્યો. કંપનીમાં ખાસ રજા લઇને આલોકને હાજર થવાના દિવસે એ અમદાવાદ ગયો. ગામથી આણંદ ને આણંદથી અમદાવાદ – એમ અપ-ડાઉન કાંઇ અગવડભર્યું તો નહોતું. સવારમાં બેઉ ભાઇઓ સાતની બસમાં નીકળી પડતા. આકાશ તો સાંજે વહેલો ઘરે આવીને રસોઇપાણી આટોપી લેતો; આલોક છેક રાત્રિના નવેક વાગે જ આવી રહેતો. હવે ઘરમાં કોઇ સમસ્યા નહોતી. સારા દિવસો જોવાના આવ્યા ત્યારે મા-બાપ અને બહેન હયાત નહોતાં એ વાત આકાશના કાળજાને કોરી ખાતી. એકાદ વર્ષ આવો ક્રમ ચાલ્યો હશે ને ઘરમાં રસોઇ-પાણીની આપદા પડવા માંડતા, આકાશે નાનાને કહ્યું, ‘આલોક, નોકરીમાં તું કાયમી થઇ ગયો છે. રસોઇની તકલીફ પડે છે; તારાં લગ્ન માટે માગાં આવે છે. તું કહે તો વાતચીત નક્કી કરીએ. એકાદ બે વાત શિક્ષિકાની છે; એક સરકારી કચેરીમાં કારકુન છે. બીજી બે-ત્રણ વાતો સારી છે પણ છોકરીઓ નોકરી કરતી નથી, શિક્ષિત છે અને ખાનદાન શ્રીમંત છે....’ ‘પણ મોટાભાઇ.... મારી ઇચ્છા ગામડાની છોકરી લાવવાની નથી. મારે લાંબો સમય દરરોજનું અપ-ડાઉન ફાવે તેમ પણ નથી. હું શહેરની જ કોઇ નોકરી કરતી કન્યા સાથે લગ્ન કરવાનો વિચાર કરું છું. શહેરમાં બે જણની નોકરી હોય તો જ પોષાય એમ છે.’ ‘પણ આકાશ, આપણા માટે અમદાવાદ નવું છે; વર્ષો પહેલાં ગામડેથી બહાર નીકળી ગયેલા સમાજના લોકો સાથે પરિચય પણ ઝાઝો નથી. નોકરી કરતી છોકરી કરતાંયે એના ખાનદાનની, સંસ્કારોની વધારે અગત્ય છે. ગામડામાં જેટલો સ્નેહભાવ જળવાય એટલો શહેરમાં, મમતા ઓછી હોવાને લઇને સંબંધોનો તંતુ મજબૂત નથી....’ વાત ત્યાં જ અટકી ગયેલી. મહિના દિવસમાં તો આલોક ‘અપ-ડાઉન ફાવતું નથી’ કહીને અમદાવાદ રહેવા ચાલ્યો ગયેલો. આકાશ એક પછી એક આઘાત સહન કરી રહ્યો હતો.


પણ એક દિવસ તો ઘરે આવેલા આલોકે સામેથી જ વાત છેડી, ‘મોટાભાઇ, મારી કચેરીની બાજુમાં જ સરકારી કચેરીમાં કેશિયર તરીકે કામ કરતી સુનંદા આપણા ગોળની જ છે. એનો મોટા ભાગનો પરિવાર ઝામ્બિયામાં સ્થાયી થયેલો છે. ઘરમાં બે બહેનો અને એક ભાઇ જ છે. મણીનગરમાં સારો કહેવાય એવો બંગલો છે; સુનંદાના બાપુજી સચિવાલયમાં સારી પોષ્ટ પર હતા તે બે વર્ષ અગાઉ જ નિવૃત્ત થયેલા છે. મને સુનંદા પસંદ છે. આપણા ઘરમાં વહુ તરીકે દીપી ઉઠે એવી છે.’ આલોકની વાત સાંભળતા જ આકાશના પગ હેઠળથી ધરતી સરકતી ચાલી. શહેરમાં ઇજનેરી કોલેજ પૂરી કરીને આવ્યા પછી, એના ભાઇના સ્વભાવમાં ધરમૂળથી પરિવર્તન આવી ગયું હતું એ આકાશ અનુભવી શક્યો. અનુભવની એરણ પર ઘડાયેલા આકાશે ટૂંકમાં જ જવાબ આપતા કહ્યું, ‘આલોક, તને ઠીક લાગે એમ કર. તું સમજુ છે; સંસાર તારે ભોગવવાનો છે અને પસંદગીના પાત્ર સાથે તારે જિંદગી વિતાવવાની છે....’ આકાશ આલોકને કહેતો હતો ત્યારે સંસાર સજાવવાનાં શમણાંની ભડકે બળતી ચિનગારી જાણે તેના લાગણીભીના શબ્દોમાંથી લપકારા મારતી હતી. અને કેમ નહીં ! ટૂંકા પગારની ખાનગી નોકરી, નાના ભાઇને ઇજનેર બનાવવા ને શારદાને પાલવવા એણે સંસાર સજાવવાના ઓરતા મનમાં જ દફનાવી દીધાં હતાં ને ? નહીં તો સારી સારી વાતોના માગાં તો એને સારૂં પણ ક્યાં નહોતાં આવતાં ?


છ-એક મહિનામાં તો આલોક લાગલો જ સુનંદાને ઘેર લઇને આવ્યો, ‘મોટાભાઇ, આ સુનંદા... અને સુનંદા, આ મારા મોટાભાઇ આકાશભાઇ.’ સુનંદા આકાશને પગે લાગી. ‘અરે, અરે ! આ શું કરો છો ? તમારા લગ્ન પહેલાં જ પગે લાગો છો તે ઉચિત લાગતું નથી. આલોકની ઇચ્છા હું પૂરી કરવાનો જ છું પણ એ પહેલા સમાજની રૂએ, હું તમારા બાપુજી પાસે માગું લઇને આવું ને રંગેચંગે લગ્ન કરીએ એવો હું તો વિચાર કરતો હતો. પણ સારૂં થયું તમે ભાવિ સાસરૂં તો જોયું !’ આકાશ બોલ્યે જતો હતો ને આલોક નતમસ્તકે ભીંતને અઢેલીને ઉભો હતો. એના તરફ ધ્યાન જતાં, આકાશે કહ્યું, ‘અરે, આલોક તું દૂર કેમ ઉભો છે ? તારી પસંદગીનાં લગ્ન તો આપણે કરવાના છે જ પછી આમ ઉદાસ થઇને....’ આલોક મોટાભાઇની સાથે આંખો મિલાવી શકતો નહોતો પણ સુનંદાએ કહી જ દીધું, ‘મોટાભાઇ, અમે તો રજીસ્ટર્ડ મેરેજ કરી દીધાં છે. મારા ઘરમાં તો ફોરવર્ડ વાતાવરણ છે; પપ્પાને ખોટી ઝાકઝમાળ પસંદ નહોતી એટલે પછી કોર્ટમાં જ....’ આ સાંભળતા જ ધરતી માર્ગ આપે તો સમાઇ જવાનું આકાશને મન થઇ આવ્યું. કેટકેટલા ઓરતાને એણે પોષ્યા હતા ? ભલે પોતે સંસાર વસાવી શક્યો નહીં પણ નાનાને પગભર ઉભો કરીને, રંગેચંગે એનાં લગ્ન લેવાના મોટા ભાઇ તરીકે એના કેટલા અભરખા પર નાનાએ ઠંડુ પાણી રેડી દીધું હતું! અરે, મોટાભાઇ તરીકે એની સમૂળગી બાદબાકી થઇ ગઇ હતી ને એ હાંસિયામાં ધકેલાઇ ગયો હતો એ વિચારે એનાથી ધ્રૂસ્કું મૂકાઇ જવાની તૈયારી જ હતી, ગળે ડૂમો બાઝ્યો હતો ને આંખોમાં ખારા જળની ભીનાશ તરવરવાની ઘડી જ હતી ને ક્ષણાર્ધમાં પોતાની જાતને એણે સંભાળી લીધી. એનો હાથ આશીર્વાદ આપવા ઉંચો થયો ને દેખાડા સારું પણ એણે ચહેરા પર સ્મિત છલકાવી દીધું. પોળવાળાઓ આલોક સાથે આવેલી છોકરીને આશ્ચર્યથી નિહાળી રહ્યા હતા. જમાનાના ખાધેલ કેટલાક વડીલોને આછીપાતળી ખબર તો પડી જ ગઇ હતી. આલોક અને સુનંદા બે દિવસ રોકાઇને અમદાવાદ પાછા ફર્યા ને ઘરમાં સૂનકાર છવાઇ ગયો.


આલોક અને સુનંદા રોજિંદા જીવનની ઘટમાળમાં અટવાઇ ગયાં. નવું મકાન ખરીદવાની એની ઝંખના હતી પણ એના સસરાએ જ કહ્યું, ‘આલોકકુમાર, તમે અહીં જ રહો ને બેઉ જણ સાથે નોકરી પર જજો.’ અને આલોક ઘરજમાઇ થઇને રહી જ પડ્યો. આકાશને કોઇ ઓળખીતા મારફતે જાણ થયેલી કે આલોક એની સાસરીમાં જ રહે છે. એક દીકરાનો એ બાપ પણ બનેલો પણ મોટાભાઇને એ સમાચાર આપવાનો વિવેક પણ ચૂકી ગયેલો. જાતે સાધુ સરીખો રહીને, નાના ભાઇના ભણતર પાછળ જાત ખર્ચી કાઢી સંસારનો આસ્વાદ માણવાનું ચૂકી જવા બદલ એને ભારે અફસોસ થયો. પણ સંતાપ ભૂલવા નોકરી પરથી આવીને એ ગામની લાઇબ્રેરીમાં જતો રહેતો. ખોખલા સંબંધો પર ફિલસૂફીમઢયાં કેટલાંયે પુસ્તકો વાંચવા થકી એને સંસાર સાવ અસાર લાગતો. પોળના અનેક લોકો અને એના દોસ્તારોએ એને એકવાર સમજાવેલો, ‘આકાશ, હવે તો પરણી જા. આલોક તો એનો સંસાર લઇને બેસી ગયો છે; હવે તારે કોઇ જવાબદારી રહી નથી. આ રાત-દહાડો રસોઇપાણીની ઝંઝટમાંથી તો તારાથી છૂટાય!’ ‘ના, ભાઇ ના, હવે ચાળીસ તો થયાં. જીવી જીવીને હવે જીવવું કેટલું? એ અભરખા તો બધાયે રાખ થઇ ગયા....’ દોસ્તારોની આગળ એ બોલતાં મર્માળુ હસેલો પણ એના હૈયામાં છુપાયેલી વેદના તો ગળામાં ભીનાશ થઇ તરવરી જ રહી હતી.


દીકરો થયા પછી આલોક છેક પાંચ વર્ષે ગામડે આવ્યો. એનો દીકરો રૂડોરૂપાળો હતો એ જોઇને આકાશની આંખ ઠરી; એણે ભત્રીજા ધ્રૂવિલ પર વહાલ વરસાવી દીધું. સુનંદા આવી નહોતી એની નોંધ તો પોળવાળાઓએ લીધી જ. એ આવ્યો એવો સાંજની બસમાં ઝપાટાબંધ જતો પણ રહ્યો. આકાશ એને વળાવવા બસ સ્ટેન્ડ સુધી ગયો અને ખખડધજ બસ ધૂળની ડમરીઓ ઉડાડતા વિદાય થઇ ત્યારે સૂરજ અસ્તાચળે આથમવાની તૈયારી કરતો હતો ને ધૂંધળા બનેલા વાતાવરણમાં એની દ્રષ્ટિ પણ ધૂંધળી બની રહી. ફરી એ જ ઘટમાળ ! પણ આકાશની તબિયત દિન-પ્રતિદિન લથડતી જતી હતી – કોને ખબર, દેહમાં કોઇ વ્યાધિ ગ્રસી ગયો હોય એ થકી હો કે શારદાના મોતનો ગમ કે પછી સગા ભાઇ સાથેના સંબંધોમાં ભોગવવી પડેલી વ્યથા હો. મિત્રોના કહેવાથી એ ડૉક્ટરને પણ બતાવી આવ્યો પણ એનો વ્યાધિ પકડાતો નહોતો. એનો દેહ દિવસે દિવસે ગળતો જતો હતો; એની આંખોની આસપાસ જામી ગયેલા કાળા કુંડાળા ને ગળતો જતો દેહ કશાક અશુભની એંધાણી આપતો હતો. આલોક આવીને ગયાને પણ દસેક મહિના વીતી ગયા હતા. એક સાંજે એણે વેદના અસહ્ય થતાં, એસ.ટી.ડી. બૂથ પરથી આલોકને ફોન જોડયો, ‘આલોક, તું સુનંદા અને ધ્રૂવિલને લઇને આવી જા. મારી તબિયત સારી રહેતી નથી. હવે હું વધારે....’ પણ એના શબ્દો ટેલિફોનના દોરડામાં જ અટવાઇ ગયા ને આલોક બોલ્યો, ‘મોટા ભાઇ, હમણાં તો સમય મળતો નથી; એમ કરો ને તમે જ અહીં આવી જાઓ. અમદાવાદમાં દવાખાનાં સારાં છે ને સારી સારવાર પણ મળશે.’ આકાશને નાનાભાઇના ઘરે જવાનું ઉચિત લાગતું નહોતું પણ એના દોસ્તોએ એને સમજાવ્યો, ‘આકાશ, એ તારો મા જણ્યો ભાઇ છે. એક જ બાપનું લોહી બેઉના દેહમાં વહેતું નથી ? લોહીની સગાઇ હોવા છતાં, નાનમ શીદને અનુભવે છે ?’ અને દોસ્તોના સમજાવવાથી આકાશ તૈયાર થયો. બે દિવસ બાદ એ અમદાવાદ ગયો. આજે પહેલીવાર એ નાનાના ઘરે જતો હતો. એના સસરાનું રહેવાનું ઉપરના માળે હતું ને આલોક નીચે રહેતો હતો. હરખભેર જઇને આકાશે ડોરબેલ રણકાવ્યો. થોડીવારે દરવાજો ખુલ્યો. માથાના વાળ ખુલ્લા રાખીને સુનંદા ઘરમાં ફરી રહી હતી. પતિ-પત્ની બેઉના વર્તાવમાં નરી શુષ્કતા હતી; પણ લોકલાજે આલોક એના ફેમિલી ડૉક્ટર પાસે મોટાભાઇને લઇ ગયો.


મહિના લગી એમની સારવાર ચાલી; જાતજાતનાં પરીક્ષણો ને પોતાના ક્લિનીકમાં દાખલ કરાવવાની ડૉક્ટરની ભલામણ. બે-ત્રણ અલગ અલગ રિપોટર્સ એક જ વાતની ચાડી ખાતા હતા – આકાશના દેહમાં જ્વાળામુખીની જેમ ફાટું ફાટું થઇ રહેલા વ્યાધિનાં ઊછળી રહેલાં લક્ષણો અટ્ટહાસ્ય કરી રહ્યા હતાં. ફેમિલી ડૉક્ટરે આલોકને બોલાવ્યો, ‘આલોકભાઇ, તમારા ભાઇને.... આમ તો કાંઇ ચિંતા કરવા જેવું નથી પણ....’ ડૉક્ટર શબ્દો ગોઠવતા હતા ને આલોકની ધીરજ ખૂટી પડી, ‘ડૉક્ટર, એનીથીંગ સિરીયસ ?’ ‘હા, તમારા મોટાભાઇને એઈડ્ઝ.... હવે જીવે એટલું સાચું...’ ઘેનના ઈંજેકશનની અસર ઓસરતાં આકાશ અર્ધજાગ્રત અવસ્થામાં આંખો મીંચીને પડી રહ્યો હતો. ડૉક્ટરના હળવા સાદે બોલાયેલા શબ્દો એના કાને પડ્યા. એણે આંખો ઉઘાડવાનો પ્રયાસ કર્યો – ડૉક્ટર દેસાઇ અને આલોકની પીઠ એના તરફ હતી. વિચારોથી એનું ચિત્ત ચકડોળે ચડી ગયું ત્યાં એની વિચારયાત્રામાં ખલેલ પડી, ‘હેં ! ડૉક્ટર, એને એઈડ્ઝ છે....?’ આલોક બે ડગલાં મોટાભાઇના બિછાનાથી પાછળ હટ્યો. થોડીવારે પાછળ જોતાં એનું ધ્યાન પડ્યું કે મોટાભાઇ તો જાગતા હતા. એ થોડોઘણો ખસિયાણો તો પડી જ ગયો. ‘મોટાભાઇ, આરામ કરજો. હું જાઉં છું. સાંજે આવીશ...’ આકાશ કળી શક્યો કે ‘મોટાભાઇ, મોટાભાઇ’ કરતો નાનકો સાવ તુચ્છકારથી ડૉક્ટર સામે પોતાના સગાભાઇ માટે, ‘એને એઈડ્ઝ છે’ એમ કહીને પોતાને માટે માનભેર વાત કરવાનો વિવેક પણ ચૂક્યો હતો અને ‘સાંજે આવીશ’ એવા એના શબ્દોમાં જાણે અંતિમ વિદાય આપતો આલાપ જ ભળેલો લાગતો હતો.


આલોક ઘરે ગયો. ‘સુનંદા... મોટાભાઇને તો એઈડ્ઝ છે. હવે શું કરીશું ? ઘરમાં તો રખાય નહીં...’ ‘તે હોય જ ને ? ગામડે રહીને એમણે શું યે ધંધા કર્યા હશે. બજારૂ સ્ત્રી સાથે.... એટલે તો સંસારની ઉપાધિમાં પડયા જ નહીં’ ‘હા, સુનંદા, તું સાચું કહે છે. મને એમણે હોસ્ટેલમાં ધકેલી દીધેલો; શારદા તો કાંઇ સમજતી જ નહોતી. એના ધંધા એવા હશે ત્યારે જ ને ! એમ કરીએ, આપણે દવાખાને જઇને એની ભાળ કાઢવી નથી એટલે ટાઢા પાણીએ...સમજી ?’ સાંજે આવવાનું કહીને ગયેલો આલોક બે દિવસ લગી ડોકાયો જ નહીં ત્યારે આકાશને ખાતરી જ થઇ ગઇ કે મા-જણ્યો ભાઇ એનાથી મ્હોં ફેરવી બેઠેલો એની પછવાડે એને વળગેલો જીવલેણ વ્યાધિ જ કારણભૂત હતો. છેવટે એણે ડૉક્ટરની રજા લઇને ઘરની વાટ પકડી જ લીધી.


ઘરે આવતાં પોળવાળાંઓ બધાંયે એને વીંટળાઈ વળ્યા. દોઢેક મહિના અગાઉ આલોકના ઘરે ગયેલા આકાશનું શરીર વધારે ક્ષીણ બની ગયું હતું, એ વાતની પ્રતીતિ પોળના પાડોશીઓના ચહેરા પર ફરફરી રહી હતી. મિત્રના નાતે હું પણ એને મળવા ગયો ને એના ખોખલા દેહ પર નજર પડતાં મારી આંખોમાં ભીનાશ તરવરી રહી. મેં એને પૂછપરછ કરી, આકાશ, હવે કેમ છે ? આલોકના ઘરે વધારે રોકાઇને આરામ કરવો હતો ને ? એ ફિફકું હસ્યો, એના ગળે ડૂમો બાઝી ગયો, ‘આલોક !’ એણે માંડીને એની સાથેના આલોક અને એની પત્નીના રૂક્ષ વ્યવહારની વાત કરી. બકુલ, કશું નહીં તો મને ખોટી ખોટીય હૈયાધારણની જરૂર હતી, જેથી હું સમજત કે મારો સગો ભાઇ તો છે આ દુનિયામાં. પણ નાનકાથી એ પણ ના થયું પણ આકાશ, તારે એમાં માઠું લગાડવાની જરૂર નહોતી. સંસાર છે ચાલ્યા કરે. અને છેવટે બધાયે સંબંધો ઝાંઝવાના જળ જેવા જ હોય છે. મન પર નહીં લેવાનું. તું પણ આમ બોલે છે ?


ખરી વાત તો એ છે કે ઝાંઝવાના જળની અનુભૂતિ પણ ક્યારેક મીઠડી લાગે છે. અને ત્રણેક દિવસમાં તો એક પરબીડિયું આંગણે આવીને દસ્તક દઇ રહ્યું. આલોકનો પત્ર હતો: ‘મોટાભાઇ, તમે અમને જાણ કર્યા વગર જતા રહ્યા ? સુનંદાને તો બહુ જ માઠું લાગ્યું છે. પણ કાંઈ વાંધો નહીં; મોટું મન રાખીને તમને માફ કરીએ છીએ. હમણાં તમને ખબર નહીં હોય પણ નારણપુરામાં મારા સાળાનો બંગલો બંધાય છે. મારા સસરાએ થોડીઘણી મદદ એને કરી છે પણ મોટાભાગની મદદ એને મારે જ કરવાની છે. હમણાં ભીડમાં છું. આ સાથે દવાખાનાનું ચાર હજારનું બીલ પણ મોકલી રહ્યો છું જતાં-આવતાં કોઇની સાથે....’ પત્ર વાંચતાં જ આકાશની આંખોના આંસુ ધોધ બની વરસી પડયાં. એણે ચાર હજારનો ચેક તૈયાર કર્યો. ચેક પર દસ્તખત કરતાં, કલમના અંતિમ ઘસરકા સાથે જ બેઉ ભાઇઓ વચ્ચેની લોહીની સગાઇનું અંતિમ બૂંદ બરફ બની થીજી ગયું. એના હાથમાંથી કલમ ઉછળીને ભોંયતળિયે પટકાઇ ને એનો દેહ બિછાના પર તરફડિયાં મારતો શાંત થઇ ગયો. એની સ્મશાનયાત્રામાં મને અમૃત ઘાયલનો શેર અનાયાસ સાંભરી આવ્યો. મેં આકાશના મ્હોંથી જ એ સાંભર્યો હતો ખાસ્સા સમય પહેલાં.


“ખોટી તો ખોટી હૈયાધારણ મને ગમે છે,

જળ હોય ઝાંઝવાના તો પણ મને ગમે છે”


Rate this content
Log in

Similar gujarati story from Tragedy