વચલી દીકરી
વચલી દીકરી


મીના એનું નામ. ખુબ દેખાવડી. બધાં એને મીની કહીને બોલાવે. જે જોવે તે વિમળાબેનને કહે જ "આ તમારી મીની રુપાળી ખુબ છે"
વિમળાબેન અને રમેશભાઈને ત્રણ સંતાનો. બે દીકરી અને એક દિકરો. આ મીના એમની વચલી દીકરી. મોટી આશા મીનાથી ચાર વરસ મોટી અને સૌથી નાનો દિકરો સોનુ મીનાથી બે વરસ નાનો.
મીના એના દાદી કરતા દાદાજીને બહું વ્હાલી. આશાના જન્મ પછી દાદી તો દિકરાની રાહ જોઈને બેઠા હતા.
આડોશ પાડોશમાં કહેતા ફરતા કે "આ વખતે વહુને ભગવાન દિકરો આપે તો હારુ. નકામી દીકરીયુંની હાર કરવી." દાદાજીને આ વાત ન ગમતી તરત ટોકે કે " હવે એ જુનવાણી વિચાર મગજમાંથી કાઢી નાખવા જોઈએ. થોડી તો જમાના પ્રમાણે જીવતા શીખ".
દાદી તો શું વિમળાબહેને જ્યારે જાણ્યું કે તે ફરી મા બનવાના છે તો એ પોતે પણ દિકરાની જ રાહમાં હતાં. રમેશભાઈને જાજો કશો ફરક નહતો. જથ્થાબંધ કાપડની દુકાનમાંથી એમને આવી બાબતો માટે બહું ટાઈમ જ મળતો નહી. હા કદી દિકરો હોય તો સારુ એવું મનોમન ઈચ્છતા ખરાં.
અને અંતે મીનાનો જન્મ થયો. દાદી એકદમ હતાશ થઇ ગયા. એ જોઈને વિમળાબેન પણ ઉમળકાથી મીનાના જન્મને વધાવી ન શક્યાં. હા! દાદાજી ખુશ થયા હતા. કે એક તંદુરસ્ત અને રુપાળી પરી એના ઘરે અવતરી હતી.
લાડ,પ્યાર અને ખુશી પહેલાથી જ આશાને ભાગે આવી ગયેલા..એટલે જન્મનાં બાળોતિયાથી લઈને નાની નાની ચીજ આશાના વખતની જ વપરવામાં આવતી.
બે વરસે સોનુનો જન્મ થયો. તો નાનકડી મીનાને થતા થોડાઘણા લાડ પણ ઓછા થઈ ગયા. અણસમજુ વયે તો મીનાને કશી ખબર ન પડી. પરંતુ જયારે થોડી સમજ આવી તો અનેક વાર "વધારાની વ્યક્તિ " તરીકે પોતાની જાતને અનુભવતી.
કેટલી વાર દાદી મોઢે સાંભળતી કે "મને તો દિકરાની આશ હતી તો એને બદલે આ બલા પધારી".
પાડોશમાં રહેતા કાકી એક વખત માને કહેતા સાંભળ્યા કે "આશા પછી તરત સોનુ હોત તો તારે બબ્બે દીકરીની જવાબદારી ન હોત."
ધીમે ધીમે સમય સરકતો રહ્યો અને આશાને પોતાને લાગેલુ "અણખપનું" આંચળું સતત ખટકતું રહ્યું.
કંઈ વાર તહેવાર હોય ને નવી ચીજની ઈચ્છા કરે તો મા તરત કહેતી "અરે આશાનો ડ્રેસ તદ્દન નવો છે. અમથા પૈસા વેડફવા?"
હદ તો મીનાને ત્યારે લાગી કે સંગીતનો ખુબ શોખ હોવા છતાં દીદીની બુકસ અને ચોપડીઓ વપરાય એ હેતુથી ફરજિયાત કોમર્સ કૉલેજમાં એડમીશન અપાવ્યું.
તે દિવસે કૉલેજથી આવી તો જોયું મમ્મી પપ્પા સાથે કંઈક વાતો કરતી હતી. પપ્પા કહેતા હતા કે "આ મોંઘવારી દિન પ્રતિદિન વધતી જ જાય છે. આ સાત જણાનું પુરુ કરવુ અઘરુ છે. વળી ત્રણ બાળકોના ભણતર અને એના પ્રસંગો પતાવવા મુશ્કેલ છે."
મા કહે" અરે ત્યારે ક્યાં આ હોસ્પિટલ વાળા માન્યા.!! હું અને બા ગયા જ હતા ને. છોકરો કે છોકરી જોઈ આપે. નહીતો આ બબ્બે દીકરીની જવાબદારી ન હોત."
મીના એટલી તો ઉમરમાં કાચી ન હતી કે આવી વાત સમજમાં ન આવે. એને થયું કે જો તે દિવસે ડૉકટરે ભૃણ પરિક્ષણ કરી આપ્યુ હોત તો આજે હું જન્મી જ ન હોત. શરીરને ચીરતી શારડીથી છીન્નભિન્ન થઈ હું સ્ત્રવી ગઈ હોત. જોકે આ સતત અવગણનાની ફરતી શારડી પણ ક્યા ઓછી પીડાદાયક છે!!
પછી તો સમય ધીરે ધીરે સરતો રહ્યો.
"સારો કે ખરાબ બસ રેતીની માફક હાથમાંથી સરકી જાય,
કદી આપે ખુશી મબલખ, કદી આજીવન ઉજરડા આપી જાય ".
યુવાન વયે પહોંચેલી આશાને યોગ્ય મુરતિયા સાથે ખુબ ધામધૂમથી પરણાવી. બે વરસ તો આનંદથી પસાર થઈ ગયા. પણ...
એક દિવસ આશાના સસરાનો ફોન આવ્યો. રમેશભાઈએ ફોન ઉંચકીને કહ્યું" હલો...પછી જે વાત સાંભળી તેં તો કલ્પના બહારની વાત હતી. આશા સ્કૂટી લઈને બહાર નીકળી ત્યાં જ ચાર રસ્તા પાસે એક્સીડન્ટ થતા હોસ્પિટલમાં એડમીટ કરી હતી. લોહી ખૂબ વહી જતા અત્યારે આઈ.સી.યુમાં છે.".
"વિમળા" રમેશભાઈને ચીસ પાડી. "અરે શું થયુ તમને" કહેતા વિમળાબેન રુમમાં આવ્યાં. "આશાને એક્સીડન્ટ થયો છે. હોસ્પિટલમાં છે." કહેતા સોફા પર બેસી ગયા.
ફરી ફોનની ધંટડી વાગી.....
ફોનની એ એક ઘંટડીએ રમેશભાઈને હતપ્રભ બનાવી દીધાં. વિમળાબેન બાજુમાં જ હતાં. "શું થયું છે ? અરે કહો તો ખરા. કેમ આમ અવાચક થઈ ગયા છો.?ફરી કોનો ફોન હતો.?"
વિમળાબેને પ્રશ્નોની જડી વરસાવી દીધી.
"વેવાઈનો" આટલુ બોલતા રમેશભાઈ સોફા પર ફસડાઈ પડ્યાં.
શું થયું ને શું ન થયુંની શંકા કુશંકામાં વિમુબેન પતિ સામે હજુ પ્રશ્નાર્થ નજરે ઊભા હતા.
અવાજ સાંભળીને અંદરના ઓરડામાંથી રમેશભાઈના બા-બાપુજી બહાર આવ્યા. એનો પણ એ જ પ્રશ્ન હતો કે થયું છે શું?
રમેશભાઈ મહામહેનતે ઊભા થયાં અને એટલું જ બોલી શક્યા "આશા આપણને છોડીને પરલોક સિધાવી ગઈ"
ઓહ!! એકસાથે ઘરના બધા સભ્યો પર જાણે વજ્રઘાત થયો.
"હે ભગવાન આ તેં શું કર્યું!! અમારા ક્યા અપરાધની સજા કરી. ?" કહેતા દાદા-દાદીએ સહુને બાથમાં લીધા...
************
દુ:ખનું ઓસડ દહાડા એમ સમય એના સમય મુજબ સરતો રહ્યો. આ સમયમાં મીનાએ ખુબ સમજદારી બતાવી મા બાપને સાચવી લીધા. ભણતરની સાથે સાથે ઘરમાં બધાનુ ધ્યાન રાખી પરિસ્થિતિ સંભાળી લીધી.
તેને થતું કે ખેર હું ભલે માબાપની વચલી દીકરી છું. પણ મારે તો આ એક જ માબાપ છે.
પણ આજે કોલેજથી આવી તો મીનાએ જોયું ઘરમાં કોઈ મહેમાન છે. અંદર આવીને જોતા જ થયું અરે! આ તો જીજાજી એના મા બાપ સાથે આવ્યા છે.
ધીમા પગલે ઘરની અંદર આવી મીના બધાને જય શ્રીકૃષ્ણ કહી પોતાના રુમમાં ચાલી ગઈ. પલંગ પર બેસીને વિચારવા લાગી કે આજે અચાનક કેમ આ લોકો આવ્યા હશે!! પોતાની દીદીના અવસાનને છ મહિના થયાં હતાં.
મા રૂમમાં આવી " મીના, આ લોકો દસ વાગ્યાના આવ્યા છે. હમણા જ જમવાનું પતાવ્યું. તું અને સોનુ જમી લો. પછી વિગતે વાત કરુ" કહીને મા ચાલી ગઈ.
દાદા-દાદી પણ એ જ રૂમમાં બેઠા હતા અને એ લોકો સાથે વાતો કરતા હતા.
સોનુ સાથે જમતા જમતા મીના વિચારે ચડી. દીદી તો એકાએક ચાલી ગઈ. ત્રણ વરસ પહેલાં કેટલા ધામધૂમથી દીદીના લગ્ન થયાં હતાં.
"મેં જમી લીધુ" સોનુના અવાજથી ચોંકી મીનાએ જેમતેમ જમવાનું પુરુ કર્યું.
ડાઈનીંગ ટેબલ સાફ કરતા મીનાને આવજો જાજોનાં અવાજ સંભળાયા. તેને થયું કે આ લોકો શું આવ્યાં હશે?
હજુ તો પોતાના રુમમાં આવી ત્યાં જ માનો અવાજ સંભળાયો "મીના!! ડ્રોઈંગરુમમાં આવજે તો"
ખબર નહી પણ મીનાનુ હૃદય કશી આશંકાથી ગભરાઈ ગયું. "હા મા, બોલો શું કામ છે? " કહી દાદા પાસે ઊભી રહી.
દાદાએ હાથ પકડી પ્રેમથી કહ્યું" મારી પાસે બેસ બેટા". મીના બેસી ગઈ.
માએ ધીમેથી કહ્યું " જો મીના, આજે જમાઈ એના મા બાપ સાથે આવ્યા હતા.અગાઉ ફોન ઉપર પણ વાત કરી હતી. તો તારા પપ્પાએ રુબરુ જ આવી વાત કરવાનું કહ્યું. એ લોકોની ઈચ્છા છે કે આશાની જગ્યાએ તું વહુ બની એ ઘરે જાય. તો આપણો સંબંધ પણ જળવાઈ રહે. મને ને તારા પપ્પાને તો કંઈ વાંધો નથી. પણ દાદાજી કહે કે એકવાર મીનાને પૂછો. પણ અમને થયું કે તું અમારુ વેણ કદી ન ઉથાપે. દાદીને પણ એમ કે આશાને ઢગલો કરીયાવર આપ્યો છે એ આપણી જ દીકરી વાપરે તો વધુ સારુ"
મીના એકટક માને જોતી રહી. પછી એક જ શબ્દ બોલી "ના" અને પોતાના રુમમાં જતી રહી.
આજે મીનાને ચીસો પાડીને રડવાની ઈચ્છા થઈ ગઈ. અરે હું પણ એક જીવંત વ્યક્તિ છું. હું ફક્ત તમારી વચલી દીકરી નથી. મારે પણ મારા સ્વતંત્ર વિચારો છે. મને પણ મનમાં ઘણા અરમાન છે. આખી જિંદગી દીદીની વપરાયેલી ચીજ વસ્તુઓ મને આપવામાં આવી છે. અને મેં ગમે ન ગમે છતાં સ્વીકારી હતી. પણ હવે બસ.....
દીદીને આપેલા કરીયાવરને વાપરવા હું એ ઘરમાં નહીં જાઉં....
મન મક્કમ કરીને મીના ડ્રોઈંગરૂમમાં આવી અને કહ્યું." દાદાજી, તમે એ લોકોને ના કહી દેજો. હવે હું દીદીની ઊતરેલી કોઈ ચીજ વાપરવા નથી માગતી. અને આમ પણ હવે હું વચલી દીકરી નથી.