Bhumi Machhi

Inspirational Tragedy

3.3  

Bhumi Machhi

Inspirational Tragedy

પંછી...!

પંછી...!

6 mins
21.5K


 

                 મોબાઇલ ફોનમાં હાઇ વોલ્યુમ પર લેટેસ્ટ મ્યુઝિક અને સાથે સાથે હું પણ થીરકતી હતી..આ મારો ફેવરેટ ટાઇમ પાસ...અરે ટાઇમ ન હોય હોય તો પણ..! એટલે કે ઓફીસ જવામાં કલાક જ બાકી હોય.. ઘરનું કામ પડ્યું હોય અને નહાવાનું પણ બાકી જ હોય..!હું રૂમ ના બારી-બારણા બંધ કરી ને ડાન્સ કરતી હોઉં..

પછી અચાનક ઘડીયાળ તરફ ધ્યાન જાય..

"ઓ બાપરે...! આટલા બધા વાગી ગયા..??"

પછી આખા ગામ ની ઉતાવળ પગ માં આવી જાય...અને હું ઉતાવળી-ઉતાવળી જેમ તેમ કામ પતાવું જલ્દી-જલ્દી નહાઇ ને સરખી તૈયાર થયા વગર લંચ બોક્સ ભરીને સીધી ઓફીસ..!

ફાલતુ કામમાં સમય વેડફાતો જાય અને નાસ્તો કરવાનો ટાઇમ જ ના મળે..ભુખ પણ લાગી જ હોય..પણ કહેવું કોણે..?

મમ્મી ને કહું તો ઉપરથી મને જ વઢે..!

સમયની બરબાદીમાં તો હું પાવરધી જ છું..એમા ને એમા અગત્યના કામ રહી જ જાય..!

પણ ઓફીસમાં તો કામ કરવુ જ પડે...!દિવસના અંતે લોથ થઈ જવાય.. ! ઓફીસમાં એમ થાય કે ક્યારે સાંજ પડે ને ઘરે જઉં..બસ આ એક જ વિચાર મનમાં ઘુમરાય..          

આવી જ એક મુડલેસ સાંજ અને ઉદાસી ભર્યુ વાતાવરણ..ઓફીસથી બહાર નીકળી અને રસ્તા પર આવી. એક ફ્રેન્ડ મળી ગઈ..ઘણા દીવસે મળ્યા હતા તો વાતોનો ઢગલો હતો..નજીકના જ એક આઇસ-ક્રીમ પાર્લરમાં જઈને થોડી ગપસપ કરવાનું નક્કી કર્યુ..

બન્ને જણ એક બીજાના બોસની અને ઓફીસની ગોસિપ કરતા કરતા આઇસ-ક્રીમ ખાતા હતા..મુડલેસ વાતાવરણ હજીય અકબંધ જ હતુ..

એટલામાં એક ગંદો-ગોબરો નાનકડો છોકરો એકદમ મેલો-ઘેલો વાળ ની લટો પણ દિવેટની જેમ વળી ગઈ હતી.. પાંચ-સાત વર્ષનો હશે કદાચ...જોર થી ભેંકડો તાણતો-તાણતો અને પગ ઘસડતો ચાલ્યો જાય..એની પાછળ એના થી થોડીક જ મોટી હશે પણ એના જેવી જ એક છોકરી એને મનાવતી-મનાવતી પેલા ના શર્ટ ની બાંય પકડવાની કોશિષ કરતી જાય..અને પેલો હાથ છોડાવીને વધારે જોર થી અને સુર માં રડતો જાય..બધા લોકો નું ધ્યાન એ તરફ ખેંચાયુ..મેં એ છોકરી તરફ જોયુ તો એને પણ મારી તરફ નજર કરી..હાથ ના ઇશારા થી મેં એને મારી પાસે બોલાવી..પેલો છોકરો વધારે જોર થી રડતો એની પાછળ પાછળ આવ્યો..પહેલા છોકરી એને બોલાવતી હતી ત્યારે એ દુર ભાગતો હતો અને હવે જ્યારે છોકરી એને છોડી ને મારી તરફ આવવા લાગી તો એ પણ એની પાછળ આવવા લાગ્યો..આ જોઇને મને હસવુ આવી ગયું..જાણે મુડલેસ વાતાવરણમાં એક સ્માઇલની લહેરખી મને અડી ને પસાર થઇ અને મારે એને જવા જ ન'તી દેવી..

છોકરી શાંતિથી ઉભી રહી એની આંખો માં પ્રશ્નાર્થ ચિહ્ન ચોખ્ખુ દેખાતુ હતુ..પણ પેલો છોકરો ત્યાં પાસે જ એક થાંભલા પર હાથ વીંટાળી ને ગોળ ફુંદરડી ફરતો જાય અને જોર જોર થી રડતો જાય..!!

મેં પેલી છોકરીને પુછ્યુ : "આ કેમ રડે છે ?"

છોકરી એ જવાબ આપ્યો : "એને ટેટા ફોડવા છે..!"

મેં આશ્ચર્યથી મારી ફ્રેન્ડ તરફ જોયું..

એટલે ફટાકડા-

"પેલી બાજુ પેલા છોકરાઓ ટેટા ફોડે છે ને તે આને જોઇ લીધુ હવે એનેય જોઇયે છે..તેં હું કઇયા થી લાવી ને આપુ ?!અને આ તો રસ્તા પર રડતો-રડતો ભાગતો ફરે છે....ગાડીઓ કેટલી બધી છે રસ્તા પર..ક્યાંક અથડાઇ જાય તો..?એટલે હું પણ એની પાછળ-પાછળ ફરું છું..!

એને આખી વાત એક જ શ્વાસે કહી દીધી..એના ભાઇ એ સુર માં ભેંકડો તાણવા નું બંધ કર્યુ હતુ પણ રડવાનું હજી ચાલુ જ હતું..એ પણ એની બહેન ની વાત મારી જેમ જ જાણે ધ્યાન થી સાંભળતો હતો..!

"તો તારી મમ્મી ક્યાં છે ?" મેં ફરી સવાલ કર્યો..

"એ તો માંગવા ગઈ છે..અંધારુ થાય ત્યારે જ આવે એ તો..!"એને સરળતાથી જવાબ આપ્યો..

"કેમ માંગવા ?" મેં ધડ માથા વગર નો સવાલ પુછ્યો..

"સાંજે ખાવા નહી જોઇયે અમને..!" 

જમવાનો બંદોબસ્ત એની મમ્મી લોકોના ઘરે માંગીને કરે છે આ વાત આટલી સહજતાથી આટલી નાની છોકરી બોલી રહી હતી..મારી આંખોમાં આંખો નાખીને...પાંપણ ઝબકાવ્યા વગર...અને હું પણ જોતી જ રહી એની ઉંડી આંખોમાM..અને એનો ચહેરો...ખુબસુરત તો નહી જ...શ્યામ વર્ણ..મેલો ઘેલો વેશ..પણ આંખોમાં તટસ્થ ભાવ..કોઇ જ શર્મ કે સંકોચ નહી. આ લોકોને કદાચ એમના માં-બાપે જ સાવ નાનપણ થી જ આમ માંગીને જમવાનું..માંગી ને જ પહેરવાનું અને ભવિષ્ય ની ચિંતા કર્યા વગર દિવસો પસાર કરવાના..બસ આ નાનકડા ભુલકાઓ નું એક જ ધ્યેય... જમવાનું અને આખો દિવસ રમવાનું અને રખડવાનું..

પણ હું આ બધુ માત્ર વિચારી જ શકુ છુ...હું કઇ જ ના કરી શકુ..મને મારી જ દયા આવી...મારી જ લાચારી પર..!

હું આવી સહજ અને સરળ કેમ નથી..કોઇ વાત વગર ઉદાસી મને હંમેશા ઘેરી વળે છે જ્યારે આ લોકો પાસે ઉદાસ થવા ના હજાર કારણ છે...છતાય સહજતાથી જ જીવે છે..જાણે બે ટાઇમ જમ્યા સિવાય કોઇ કામ જ ના હોય..

હું વિચારી રહી હતી અને પેલી છોકરી એ થોડા મોટા અવાજમાં મારા વિચારમાં ભંગ પાડ્યો..

"તમે લઈ આપો ને ટેટા તે આ રડતો બંધ થાય..!"

આખી વાર્તા કહી ને અને મને વિચારતી કરી ને એને છેલ્લે ફટાકડા ની માંગણી મુકી.

"પણ અહિંયા આટલા માં ક્યાય ફટાકડા ની દુકાન દેખાતી નથી.." મેં પણ યક્ષ પ્રશ્ન પુછ્યો.

"તમે મને પૈસા આપી દો દુકાન તો હું શોધી કાઢીશ.." એને તરત જ સોલ્યુશન આપ્યું.

મેં ફરી પાંચ મિનિટ વિચાર્યું..શું કરવુ હવે..?

એનો ભઇલો ફટાકડા વિશે આટલી અગત્ય ની ચર્ચા થતી સાંભળી ને જરા વાર અટક્યો હતો પણ ગાલ હજીયે આંસુ થી ખરડાયેલા હતા...એને છેલ્લો નિર્ણય શું આવે છે એ જાણવાની આતુરતા હતી કદાચ..!

"જો હું પૈસા તો ના આપુ પણ તમને બન્ને ને સરસ મજાનો આઇસ-ક્રીમ ખવડાવુ..મજા આવશે ખાવાની.." મેં ધીરે રહી ને પૈસા ને બદલે આઇસ-ક્રીમ ખવડાવવા ની વાત કરી..

બસ આટલુ સાંભળ્યુ ને એના ભઈલુ એ ફરી રડવાનુ શરૂ કર્યુ..રીતસર નો ભેંકડો તાણ્યો...પણ જરાય આંસુ નહતા આ વખતે..!

મને ફરી હસવુ આવી ગયું.

એ રડતો જાય અને એની બહેન ને સુર મા કહેતો જાય : "મને આઇસ-ક્રીમ ના જોઇયે....ફટાકડા જ જોઇયે...તું પૈસા જ માંગ બસ..!"

"મારી પાસે પૈસા જ નથી એટલા બધા તો હું ક્યાથી લાવુ ??" મેં ચહેરા પર થોડી નિર્દોષતા લાવી ને એને પટાવવા ના આશય થી કહ્યું..

છત્તાય છોકરા નુ રટણ ચાલુ જ હતું અને એની બહેન એને માત્ર જોઇ રહી હતી એને ચુપ કરાવવા નો જરાય પ્રયત્ન કર્યા વગર.

હું કઈક વિચારી ને ઉભી થઈ ગઈ.

"ભલે ત્યારે રડ્યા કર.. આઇસ-ક્રીમ ખાવો હોય તો ઠીક છે..નહી તો હું મારા ઘરે ચાલી.."

થોડા પગલા ભર્યા અને એ બન્ને માસી...માસી કરતાક ને મારી પાછળ આવ્યા..મેં વિચાર્યુ હતુ એમ જ થયુ..બસ આ 'માસી' શબ્દ સાંભળવો પડશે એ ન'તુ ધાર્યુ..!

"ચાલો અમને આઇસ-ક્રીમ ખવડાવો.." છોકરી બોલી.

"હા ખવડાવું તો ખરી પણ એક વાત કહો કે હું તમને માસી જેવી લાગુ છું ?" મેં ચહેરા પર થોડુ રીસાઇ હોય એવા ભાવ લાવી ને કહ્યું.

"ના રે એ તો ભુલ થી બોલાઇ ગયું તમે તો દીદી જેવા લાગો છો..!" છોકરી પણ હોશિયાર અને દોઢ ડાહી હતી..એને ખબર જ હશે કે મોટા ભાગ ને સ્ત્રીઓ અને છોકરીઓ ને 'માસી' કહેવડાવવુ અને સાંભળવુ ગમતુ નથી હોતુ..(હું પણ એમાની જ એક હતી ને..!

વાતો વાતો માં મેં જોયુ કે રોડ ની પેલી તરફ એક સેન્ડવીચની લારી પણ હતી.

"ચાલો ત્યારે સેન્ડવીચ ખાવા..." હું અચાનક બોલી.

"સેન્ડવીચ..?" એ બંન્ને પ્રશ્નાર્થ ચહેરે મારી તરફ જોવા લાગ્યા.

"રે હા...સેન્ડવીચ..!પછી આઇસ-ક્રીમ પણ ખાઇશુ ને...મજા આવશે.

અમે લોકો એ સેન્ડવીચ અને આઇસ-ક્રીમ ની જ્યાફત ઉડાવી.

છેલ્લે એ લોકો ક્યા રહે છે એ જગ્યા મેં પુછી લીધી અને સમય મળશે તો મળવા આવીશ અને ફરી પાર્ટી કરાવીશ ની પ્રોમિસ પણ આપી..

પછી હું ઘરે પાછી ફરી..મોડુ થયુ હતું..થાક તો હતો જ..પણ પેલુ મુડલેસ વાતાવરણ ક્યાંક ડરી ને સંતાઇ ગયુ હતું..અને સ્ટુપિડ ઉદાસી તો હવે મારી પાસે ફરકવાની જ નથી ક્યારેય...!

તમેય વાંચી ને ખુશ થઈ ગયાને?

અને મારું નામ તો તમને કહેવાનું જ ભુલી ગઈ.. મારુ નામ છે પંછી.. પણ પેલા ભઈલુ અને એની બહેનનું નામ તો હું પુછવાનુ જ ભુલી જ ગઇ..!

નેક્સ્ટ ટાઇમ સ્યોર..!

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 


Rate this content
Log in

Similar gujarati story from Inspirational