Bhumi Machhi

Inspirational Tragedy

3  

Bhumi Machhi

Inspirational Tragedy

મારા સ્વમાન માટે

મારા સ્વમાન માટે

13 mins
14.6K


“તમારી છોકરી તો માંગલિક છે...એની કુંડળીના લગ્ન સ્થાનમાં જ મંગળ છે.. લગ્ન જીવન ઘણુ જ કષ્ટદાયી હશે...!!” જ્યોતિષે પહેલા આંખો ઝીણી કરી અને પછી પહોળી કરી.. પછી થોડુ વિચારી ને બોલ્યા:“અરે..રે.. આને તો છુટાછેડા ના યોગ પણ છે....મા દુર્ગા આ છોકરી નું રક્ષણ કરે..!”

હું સમજી ના શકી કે કોઇ મારુ ભવિષ્ય શું હશે એ કઇ રીતે કહી શકે? હું પણ મા દુર્ગા ને પ્રાર્થી રહી..:“હે..માઁ દુર્ગા મને રક્ષણ નહી..શક્તિ આપજે..” ખબર નહી કેમ પણ મેં શક્તિ જ માંગી...

જ્યારે અભિમન્યુ સાથે લગ્ન ની વાત ચાલી ત્યારે ભાઇએ જન્માક્ષર મેળવવાની વાત કરી..આ સાંભળી ને અભિમન્યુ ના મમ્મી બોલ્યા:“અમે આ જન્માક્ષર જેવી વાહિયાત વસ્તુ મા માનતા જ નથી...જમાના પ્રમાણે મોર્ડન તો થવુ જ પડે ને...અને મારા અભિ ને પણ આ બધુ પંસંદ નથી...”

ભાઇ ને રાહત થઇ કદાચ..!એમને ફડક હતી કે ક્યાંક જન્માક્ષર ની વાત નીકળશે અને મારા માંગલિક હોવાથી આ લોકો લગ્ન ની ના કહી દેશે..!

છત્તાય મેં એકવાર વાત-વાતમાં મારા માંગલિક હોવાની વાત અભિને કહી જ દીધી પણ એમને આ બાબત થી કોઇ ફર્ક ના પડ્યો.

આખરે લગ્ન થઇ જ ગયા.

પગફેરા પછી હું સાસરી મા પાછી આવી. અભિમન્યુ ભરચક લાગણીમાં હું ક્યારેક ગુંગળાઇ જતી... પણ મારી આ ગુંગળામણ હું જ ન સમજી શકી...ક્યારેય વિચાર્યુ જ નહી કે આ બધુ હંમેશા માટે નથી ના જ હોય...!સમય ની સાથે-સાથે સંબંધ મા પણ બદલાવ આવે જ છે અને આવ્યો પણ ખરો હું તૈયાર ન’તી એ માટે.

રહેવુ જોઇતું હતું..?!

જાણે મારું લગ્નજીવન ખુશ કિસ્મતિની સાથે-સાથે મનહુશિયત પણ લઇને આવ્યુ....અભિમન્યુ ને જોયા પછી પ્રેમ નો ભ્રમ...,ખુશવહેમી..,પછી લાગણી ના નામે વાસના ના પગથિયા એક પછી એક ચડતી જ ગઇ..!

એક વાર ભાઇ અમને જમવાનુ નિમંત્રણ આપ્યું...

ભાભી એ થોડુ ભાર દઇ ને અભિમન્યુને કહ્યુ :“આશિમા ને આજ ની રાત અહીં જ રહેવા દો સાસરીમાં ગઇ એ ગઇ પાછી આવી જ નહી...”

ભાઇ એ પણ સુર પુરાવ્યો :“હા.. અને આજે પણ બોલાવી એટલે આવી..નહી તો આવતી જ નહી ને..?!”

હું અચાનક જ બોલી : “ના ભાઇ ખરેખર તો હું તમને બધા ને દરરોજ યાદ કરતી હતી...પણ શું કરુ!”

મને પણ અચાનક ભાન થયું કે ભાઇ ની વાત સાચી જ હતી....ખરેખર તો આ ઘર મને છેલ્લા કેટલાય સમય થી યાદ જ ન’તુ આવ્યુ...શું લગ્ન થઇ જવાથી મારી બધી જ લાગણી અભિમન્યુ તરફ પરાવર્તિત થઇ ગઇ..!આમ કેમ થયુ..?

અભિમન્યુ થોડુ વિચારી ને બોલ્યા : “તમે આશિમા ને જ પુછી લો ને..!”

હું તરત જ બોલી ઉઠી.. “હું અહી જ રોકાઇ જઇશ...”

અભિમન્યુ ના ચહેરા ના ભાવ થોડા બદલાયા...પણ મને સમજ ન પડી...બીજા દિવસે અભિમન્યુ મને લેવા આવ્યા...

રસ્તા માં ઘરે જતા અભિમન્યુ સાવ મૌન હતા...પણ થોડી વાર રહી ને સલાહ ના સ્વર માં બોલ્યા : “લગ્ન પછી છોકરીએ પરિપક્વ થવું જ જોઇયે...”

હું થોડુ ગુંચવાઇ :“એટલે..?”

“એટલે એ જ કે હવે તું કોઇ અલ્લડ છોકરી નથી...એક સ્ત્રી છે...પત્ની છે...તો નાની-નાની વાતો માં ઉછાંછળા થવાની જરૂર નથી..અને કોઇ એકવાર અમસ્તુ જ પુછી લે તો જ્યાં-ત્યાં રોકાઇ જવાની પણ જરૂર નથી..!”

“અભિમન્યુ એ ‘જ્યાં-ત્યાં’ નથી...મારુ જ ઘર છે..!”

“એ તારુ ઘર નથી તારા ભાઇનું ઘર છે અને મને દલીલો કરતી સ્ત્રીઓ પસંદ નથી..હું કંઇ પણ કહીશ તો એ તારા સારા માટે જ હશે..તો મારી વાત કાપવા ને બદલે સ્વીકારી લેવાની આદત પાડી લે...” અભિમન્યુના અવાજમાં અચાનક સખ્તાઇ આવી ગઇ.

હું કોઇ જ આધાર વગર આસમાન માં ઉડી રહી હતી ખુબ જ જોર થી પછડાઇ અભિમન્યુ આ રીતે પણ વાત કરી શકે છે... હું કંઇ પણ બોલ્યા વગર હજારો સવાલો સાથે અભિમન્યુ ને તાકી રહી...આ માણસ ક્ષણે ક્ષણે અજાણ્યો બની રહ્યો હતો. થોડીવાર પહેલા નો નાનકડો સંવાદ ગળે ઉતારવાનો પ્રયત્ન કરી રહી...

મારું મૌન કદાચ અભિમન્યુ ને ગમ્યું.

અભિમન્યુ :“સોરી કહી ને વાત પુરી કરીશ તો મને વધારે ગમશે...”

હવે,આ માણસ ને સારુ લગાડવા માટે મેં ન કરેલા ગુના માટે સોરી પણ કહેવુ પડશે...!

ઘૃણા આંખો સુધી આવી ગઇ...અભિમન્યુ ને ઉતારી પાડવાનું મન થયું છતાં પણ હું ચુપ જ રહી.

“ચાલો..વાંધો નહી...આ વખતે માફ કરું છું.. બીજી વાર ધ્યાન રાખજે..”અભિમન્યુ મારા હાથ પર હાથ મુકી ને ઉપકાર કરતા હોય એ રીતે બોલ્યા.

હું હજી સમજી ન’તી શકી કે મારા કયા વાંકે અભિમન્યુ ‘સોરી’ની અપેક્ષા રાખી રહ્યા હતા...?

હું સીટ પર માથુ ઢાળી ને વીતેલી ક્ષણો માં મારો વાંક શોધવાનો પ્રયત્ન કરી રહી...પણ શોધી ન શકી..!

ભાઇના ઘરે ક્યારેય છુટથી પૈસા વાપર્યા ન હતા.. પણ અહીં એવું ન હતું...જ્વેલરી-કોસ્મેટિક્સ-બ્રાન્ડેડ કપડા-મોંઘા ચપ્પલનો ઢગલો થઇ જતો..મોટા મૉલ્સમાંથી શોપિંગ હું મનમાં ને મનમાં અભિમાન કરતી. ખુશ થતી. હું લાલચી ન હતી.... બસ મારી આંખો પહોળી થઇ જતી કેમ કે ક્યારેય આવુ જોયુ ન હતુ. આ બધી જ વસ્તુઓ મારી માટે હતી અને અભિમન્યુ ને હું ઓળખતી ન હતી અને અઢળક ખુશીઓ થી ફુલાઇ ગઇ હતી..!

થોડા દિવસ પછી હું સામાન્ય થઇ ગઇ અને આમ પણ અભિમન્યુ કંઇ ચોવીસેય કલાક ગુસ્સો નથી કર્યા કરતા. હું પણ હવે કાળજી રાખતી થઇ છું. ધ્યાન રાખુ છું કે ક્યાંક એવી ભુલ ન થઇ જાય કે જેનાથી અભિમન્યુ નું કોઇ વરવુ રૂપ જોવાની નોબત આવે.

શું હું ડરતી હતી..? હા..  થોડુ-થોડુ...! કદાચ આવી રીતે જ ડરીને જીવવાની સ્ત્રીની જ પ્રકૃતિ હોય છે.

“મનમાં આવે એ રીતે વર્તતી સ્ત્રીઓ યોગ્ય પત્ની-કુળવધુ-માતા બની શકતી નથી એને સમાજ પણ ધિક્કારે છે.!” આવું મારા સાસુ ઘણી વાર કહેતાં..

હું પ્રયત્ન કર્યા કરતી બધાની નજરમાં સારી બની રહેવાનો. હું ખુદ ને ભુલતી જતી હતી જાણે.

શું એ જરૂરી હતું..?

એક વાર બપોર પછી એક બહેનપણી નો ફોન આવ્યો અને અચાનક બહાર મળવાનું ગોઠવી નાખ્યું. હું ફોન આવ્યો કે તરત જ તૈયાર થઇ ગઇ.

જતાં જતાં સાસુને કહ્યું : “મમ્મી.. મારી એક ફ્રેંન્ડ અને મેં આજે બહાર મળવાનું નક્કી કર્યું છે તો થોડી વાર રહી ને હું નીકળીશ..”

એમને માત્ર અભિમન્યુને કહી દેવાનું કહ્યું...

હું થોડી કન્ફ્યુઝ થઇને બોલી :“મેં અભિમન્ય ને ફોન કર્યો પણ એમને ઉપાડ્યો નહી...!”

“સારું હું કહી દઇશ..”

મેં રાહતનો શ્વાસ લીધો અને ઘરની બહાર નીકળી અને જલ્દી જલ્દીમાં ફોન લેવાનું જ ભુલી ગઇ.

આવતા સાંજ પડી ગઇ હતી પણ મને મજા આવી હતી... અભિમન્યુની ગાડી બહાર પાર્ક હતી..ધબકારા થોડા તેજ થઇ ગયા હતા...આ ડર કઇ વાતનો હતો..?

હું રૂમ માં આવી... અભિમન્યુ એકદમ શાંત-સ્થિર હતા અને હાથથી ફોનને ગોળ ગોળ ફરાવી રહ્યા હતા.

મેં વિચાર્યુ કપડા બદલી ને પછી વાત કરું... સીધી બાથરૂમ તરફ જવા લાગી...

“એક મિનિટ આશિમા...તને એટલુ પણ ભાન નથી કે ક્યાંક જઇએ તો ઘર મા કોઇ ને જણાવી ને જઇએ..?”અભિમન્યુ નો કરડાકી ભર્યો અવાજ મારા કાને અથડાયો...

“મમ્મી ને કહ્યુ જ હતુ અને તમને ફોન કર્યો પણ તમે ઉપાડ્યો નહી અને હું ફોન લઇ જવાનું જ ભુલી ગઇ હતી!!”હું થોડુ ખચકાઇ ને બોલી...

સટ્ટાક....એક જોરદાર થપ્પડ મારા ગાલ પર પડી...તમ્મર આવી ગયા.... અને હું ફર્શ પર પડી ગઇ...હું ડઘાઇ ગઇ...અભિમન્યુ ના હાથ ની છાપ મારા ગાલ પર અંકાઇ ગઇ

“એક તો પુછ્યા ગાછ્યા વગર બહાર રખડ્યા કરવાનું અને પછી બહાના બનાવાના...?મને સામે જવાબ આપતી અને રખડેલ સ્ત્રીઓ પંસંદ નથી અને એક વાત ગાંઠે બાંધી લે..આજ પછી આ ભુલ ફરી થવી ન જોઇયે...” આટલુ બોલતા બોલતા અભિમન્યુ મને બાવડે થી પકડી અને જોર થી ઝાટકો મારી ને ફરી ઉભી કરી..મને બાવડા માં દુ:ખવા લાગ્યુ.

મારા કાન જાણે બહેર મારી ગયા હતા...અને અભિમન્યુ બરાડા પાડીને મને કોઇ વાત સમજાવવાનો પ્રયત્ન કરી રહ્યા હતા..મેં જોર લગાવ્યુ... અભિમન્યુના હાથ માંથી છુટવા.

આ શરૂઆત જ હતી માત્ર...

મારે કહેવુ હતુ કે હું રખડવા ન’તી ગઇ...માત્ર એક ફ્રેન્ડ ને મળવા ગઇ હતી...એ પણ લગ્ન પછી પહેલી જ વાર...પુછી ને તો ગઇ જ હતી...પણ આમ કેમ થયુ..?

હું બાઘાની માફક અભિમન્યુ ને એકીટશે જોઇ રહી...પાંપણ ઝબકાવ્યા વગર...હજી આંખ મા પાણી ન’તુ આવ્યું...અભિમન્યુ રૂમ ની બહાર ચાલ્યા ગયા હતા....હું ત્યાં જ બેસી પડી...મુઢની જેમ જ...દિવસો પહેલા આવી જ લાગણી થઇ હતી...આજે પણ...?!

મારુ લગ્ન...!? થઇ ગયું છે...અને ધીરે-ધીરે આ સંબંધ મન પર થી ઉતરી રહ્યો છે...આગળ પણ આ રીતે જ રહેશે..?હું મારી જાત ને જ પુછતી હતી...!!

દરવાજો ખુલ્યો...અને મમ્મી બહાર થી જ બોલ્યા :“આશિમા...ઘર માં બધા જ જમવાના છે...પહેલી થપ્પડ નો શોક નથી પાળવાનો..” કટાક્ષ મારા કાને વિઝાંયો...

હું ઉભી થઇ અને રસોડા માં કામે લાગી... થપ્પડ નો ચચરાટ અને નિશાન હજી પણ ગાલ પર અકબંધ છે...પરવારી ને રૂમ માં આવી...અભિમન્યુ ઘસઘસાટ ઉંઘતા હતા...મને શાંતિ થઇ..હું પણ સુવા પડી...તરત જ આંખો ઘેરાઇ ગઇ...થપ્પડ ની અસર હજી કેમ ન થઇ..?રડવાનું તો આવવુ જોઇતું હતું...આંસુ કંઇ વાત ની રાહ જોઇ રહ્યા હતા..ખબર નહી..!?હું ગાઢ ઉંઘ માં સરી ગઇ..રાત્રે અચાનક પગ ઉપર કંઇ સરકતુ લાગ્યું... ગાઉન ધીરે-ધીરે ઉપરની તરફ સરકી રહ્યુ હતું... એક ગરમ સ્પર્શ હું જાગી ગઇ.

“ના..અભિમન્યુ આજે નહી!”

અભિમન્યુ કદાચ મારું કહ્યું સાંભળ્યું જ નહિ.!

થોડી વાર રહીને બધું જ શાંત થઇ ગયું હવે હું ખુલ્લી આંખે અંધારાને તાકી રહી હતી...છેક આંસુ હવે દેખાયા... આની જ રાહ જોતા હશે કદાચ...!

*******

“આવુ સોગિયું ડાચુ લઇને ફર્યા કરશો આખો દા’ડો..? એક થપ્પડ જ હતી...અને એ પણ બંધ બારણે...અને રખડવાના ચસ્કા ઓછા રાખજો તો બીજી વખત આવો વારો નહી આવે..અને સારુ છે એક થપ્પડથી જ પત્યું..!”

બંધ બારણે...?મારે કહેવુ હતું....પણ મને જ સમજ ન’તી પડતી.. એને ‘બળાત્કાર’ કહેવાય કે નહી..ક્યાંક વાંચ્યુ તો હતું જ...!

કહેવાય કે નહી..??કહેવાય તો પણ હું શું કરી શકવાની હતી..?

સાંજે અભિમન્યુ ઓઇનમેન્ટ લઇ આવ્યા અને જાતે જ મારા ગાલે લગાવી આપી....ઘણા જ ‘પ્રેમ’ થી...હું ફરી રીલેક્સ થઇ ગઇ.

અભિમન્યુ મને જોવા આવ્યા હતા....અને એમના મમ્મી એમના ખાનદાનીપણા ના ગુણગાન ગાઇ રહ્યા હતા :“અમે વહુઓને નજરકેદ માં નથી રાખતા...માથે નથી ઓઢાવતા..પહેરવા-ઓઢવામાં અને મોજશોખ કરવામા પૈસા ખર્ચવા માં કંજુસાઇ નથી કરતા..ફરવાનો શોખ તો અભિમન્યુ ને જ છે..તો બાકી શું રહ્યુ..??”

અને મારા ભાઇ-ભાભી પોતાને ધન્ય સમજી રહ્યા હતા કે આવા ખાનદાની લોકો ના ઘરે મારું સગપણ થઇ રહ્યુ હતું...હું પણ તો સાંભળી જ રહી હતી...હું પણ જાત ને ભાગ્યશાળી માની રહી હતી...

આમા “માન-સન્માન, કોઇ નિર્ણયમાં ઓપિનિયન કે મરજી પુછવામા આવશે કે નહી...અભિમન્યુને ગુસ્સો જલ્દી આવે છે અને એ હાથ ઉપાડી શકે છે...સામે જવાબ આપવાનો કે ઉંચા અવાજે બોલવાનો રિવાજ નથી...આશિમા ની ઇચ્છા નહી હોય તો અભિમન્યુ નું કામ જબરદસ્તી કરી ને પણ પુરૂ થઇ જશે...અભિમન્યુ એમની મરજી પ્રમાણે પ્રેમ કરશે અને મરજી મુજબ અવહેલના કરશે..બધીજ સગવડ મળશે..પણ વાતે વાતે તુચ્છતા નો અહેસાસ કરાવવામા આવશે” જેવી વાતો નો જરાય ઉલ્લેખ ન’તો થયો...ત્યારે મેં પણ આવુ વિચાર્યુ જ ન’તુ...

વિચારવાનું હતું?

લગ્ન પહેલા આવી વાતો કોઇ છોકરી નથી વિચારતી...પછી જ્યારે વિચારવાનું શરૂ કરે ત્યાં સુધી મા એ આ વમળ માં ફસાઇ ગઇ હોય છે...એના જ લોકો એને બહાર કાઢવામા મદદ કરવાને બદલે અંદર ને અંદર વધારે ધકેલે છે....!એટલે છોકરીઓ વાત વાત માં ઉતારી પાડતા માણસ સાથે વર્ષો સુધી રહી શકે છે...હું પણ રહુ જ છું પણ હજી વર્ષો નથી થયા....કંઇ રીતે રહીશ..??

કદાચ ભુલ થાય તો સુધારી શકાય પણ આદતો કંઇ રીતે બદલી શકાય. અભિમન્યુનો ગુસ્સો નાની-નાની વાતો માં આસમાને ચઢી જતો અને મને મારતા ખચકાતા નહી...પાછળ થી ઇચ્છા થાય તો માફી પણ માંગી લેતા ઝગડો ભલે થયો હોય પણ રાત નું રૂટિન બદલાતુ નહી સિવાય કે અભિમન્યુ થાકેલા હોય..એમા મારી મરજી ને અવકાશ જ ન હતો.. ક્યારેક મારાથી સામે બોલાઇ જતુ અને અચુક માર ખાવો પડતો...

રાત્રે જમતી વખતે અભિમન્યુ ના શર્ટ પર ભુલ થી શાક ઢોળાયું વિચાર્યા વગર જ અભિમન્યુ એ ત્રણ-ચાર લાફા મારી દીધા. હું હેબતાઇ ગઇ અને ધ્રુજવા લાગી... મમ્મી એક પણ શબ્દ ના બોલ્યા..?ઘણુ બધું રડી...અઢળક ડુસકાઓ સાથે..!

*****

રાત્રે જાણે કંઇ ન થયું હોય એમ અભિમન્યુ નજીક આવ્યા..આજે મેં નક્કી જ કર્યું હતું અભિમન્યુને માફ નહી કરવાનું...

“અભિ..મારી ઇચ્છા નથી....” મેં અભિમન્યુ ને બંન્ને હાથથી રોકવાનો પ્રયત્ન કર્યો. અભિમન્યુએ એમનો પ્રયત્ન ના છોડ્યો. હું હળવો ધક્કો મારી ને ઉભી થઇ ગઇ...અભિમન્યુના ચહેરા પર ગુસ્સો આવી ગયો...મને લાગ્યું એ ફરી હાથ ઉપાડશે...પણ એમને મારો હાથ પકડ્યો અને ખેંચી ને રૂમ ની બહાર મુકી આવ્યા..કંઇ પણ બોલ્યા વગર દરવાજો અંદર થી બંધ કરી દીધો...હું મુર્ખ ની જેમ બહાર જ ઉભી રહી...થોડી વાર રહી ને અપમાન નો અહેસાસ થયો...હું ઘર ની બહાર નીકળી ગઇ..રાત ના સાડા અગિયાર થયા હતા...છતા પણ હું ચાલતા ચાલતા ભાઇ ના ઘર સુધી આવી ગઇ. રાત્રે તો એ લોકો એ કંઇ ના પુછ્યુ પણ સવાર માં મેં જ બધી વાત કહી...અને મેં છુટાછેડા ની મારી ઇચ્છા જણાવી. ભાભી ચોંકી ગયા.ફરી જન્માક્ષર ની વાતો નીકળી.

“આશિમા..તારા ભાઇએ પણ મને હાથમાં નથી રાખી...તકલીફ તો અમે પણ વેઠી છે છતાંય ઘર કરીને રહ્યા. ભાઇને માથે તારો બોજ નાખે એના કરતા પૈસાદાર પતિના ઘરમાં શાંતિથી રહેતા શીખી જા..જરૂરી નથી કે જન્માક્ષરમાં હોય તો છુટાછેડા લેવા જ પડે...!”

બપોર થતા સુધીમાં તો અભિમન્યુ અને સાસુ પણ આવી ગયા...ભાભીએ મને છુટાછેડાની વાત નહી કાઢવાનું પહેલા જ ચોખ્ખા શબ્દો માં કહી દીધુ હતું..!

સાસુ ગુસ્સામાં હતા..

ભાઇ તરફ જોઇને બોલ્યા:“અને આ તે કેવા સંસ્કાર તમારા? અડધી રાત્રે આ બૈરી ઘર છોડીને ચાલી નીકળે. ના ડર..નહી મર્યાદા..આ પહેલા પણ મેડમ રખડવા નીકળી પડ્યા હતા...એ તો સારુ છે કે અભિ એ વાત વધારી નહી.” 

ભાઇ-ભાભી પ્રશ્નાર્થ ચહેરે મને તાકી રહ્યા. મન તો એવું થતું હતું આ બંન્નેને ઘરની બહાર તગેડી મુકુ...

અભિમન્યુ ઃ “આશિમા..તને ખબર જ છે કે હું તને કેટલો પ્રેમ કરું છું...!તો પછી આવા નાટકકેમ ?"

હું મક્કમતા થી બોલી :“હું તો હંમેશાથી માર અને ગાળો ખાતી જ આવી છું તો મને નથી ખબર કે તમે મને પ્રેમ કરો છો કે નહી..!પતિનો મતલબ એ નથી કે એ મન ફાવે એ રીતે વર્તાવ કરે..!”

મેં ભાઇ-ભાભી તરફ સહકારની અપેક્ષા સાથે જોયું એ લોકો મોં ચડાવીને બેઠા હતા...

ભાભીએ અભિમન્યુને કહ્યુ :“તમે ચિંતા ના કરો એ તમારી સાથે જ આવશે...અને ફરી આવી ભુલ નહી કરે એની ખાતરી હું આપુ છું...”

થોડી વાર રહીને એ લોકો બધી વાતો ભુલી ને આમ-તેમની વાતો કરવા લાગ્યા....મારી ઇચ્છા અને માંગણીને અવગણીને...!!હું ડફોળની જેમ બેસી રહી...

હું ભણી...ભણવાનુ પુરૂ થયું અને લગ્ન કરી લીધું જાણે અભિમન્યુ જ મારા તારણહાર હોય..! ભણ્યા પછી તાલીમ-આવડત પણ જરૂરી છે...જે મારી પાસે હતી જ નહી. એક પસ્તાવાનો અહેસાસ મને કોરી ખાય છે....જાણે હું કંઇ જ નથી....આત્મવિશ્વાસ નામ ની પણ કોઇ વસ્તુ હોય છે જે મારી પાસે નથી....હું છુટાછેડા ની જીદ કરુ તો પણ જઉં ક્યા?ભાઇ ના ઘરે? ભાભી નું બદલાયેલુ સ્વરૂપ અચાનક આંખો સામે આવ્યું..મેં અભિમન્યુ સાથે જ જવાનુ નક્કી કર્યું..હું હારી ગઇ.

સ્વીકાર નામનો શબ્દ મને ગમવા લાગ્યો હતો..! આ મારા સ્વભાવમાં ન હતુ છતાય હું કેમ વિરોધ નથી કરતી..?જે ઘટનાઓ મને તકલીફ આપે છે...એ બીજા ને કેમ દેખાતી નથી..અનુભવાતી નથી..?મારો ભાઇ જે મારી સાથે મારા જન્મ થી છે..મને ઓળખે છે છત્તાય??અભિમન્યુ મને પ્રેમ કરતા હોવાનો દાવો કરે છે...પણ એ હજીય નથી જાણતા કે હું શું ઇચ્છુ છુ...!આવા સંબંધો નો શું મતલબ..?

**********

પીયુ મારા ગર્ભમાં હતી...હા...પીયુ..મારા ગર્ભમાં આવતા જ મેં એનું નામ પીયુ રાખ્યુ..પણ એ જન્મી જ નહી..!!

એક રાત્રે પીયર જવાની વાતમાં અમારી વચ્ચે દલીલબાજી થઇ.. મેં પણ જીદ પકડી રાખી.. મને હતું કે હું પ્રેગનેન્ટ છું તો અભિ ગુસ્સો નહી કરે..મારી ધારણા ખોટી પડી...એમને ફરી હાથ ઉપાડ્યો.. હું ફંગોળાઇને જમીન પર પડી..એ પાછળ ફર્યા વગર સડસડાટ રૂમની બહાર નીકળી ગયા..દરવાજો જોર થી પછાડી ને...! હું ત્યાં જ પડેલી રહી...આખી રાત..મારી આંખો ખુલી ત્યારે હું હોસ્પિટલમાં હતી..પીયુ જન્મ્યા પહેલા જ મરી ગઇ...!

“હું ભાઇ સાથે જઇશ..” હું ધીરે થી બોલી..

આ વખતે ભાઇ પણ તૈયાર થઇ ગયા..પણ માત્ર થોડા દિવસ આરામ કરવા માટે..

મમ્મી મારી નજીક આવ્યા અને ધીરેથી બોલ્યા:“ આશિમા..આટલુ બધું ઘટી ગયું અને હજી પણ તું સુધરતી નથી...!?”

“ખરેખર..? મારે સુધરવાનું હતું..?”મારી આંખો ભરાઇ આવી..

*************

મેં આખી વાત ભાઇ-ભાભી ને કહી અને છુટાછેડા માટે સમજાવવાનું શરૂ કર્યું..એમને મારો જ વાંક કાઢ્યો...

“હવે મને પેલા જ્યોતિષ ની વાતો સાચી પડતી લાગે છે...તારું લગ્ન હવે તુટવા માં જ છે...મને પહેલે થી જ ખબર હતી કે તારો મંગળ છેક સુધી નડશે જ..! તારી આખી જીંદગી ખરાબ થઇ જશે..તારુ માંગલિક હોવું એ ખરેખરનો અભિશાપ જ છે...”

“ભાભી..મારા છુટાછેડા ના કારણો અલગ છે..એને મારા માંગલિક હોવા સાથે કોઇ લેવા-દેવા નથી..કારણ અભિમન્યુનો સ્વભાવ છે...!”

“તારા કોઇ નવી-નવાઇના કારણો નથી...આપણા ખાનદાનમાં કોઇ છોકરીની વાત છુટાછેડા સુધી નથી પહોંચી..બધીઓને કંઇ સુખ તો નહી જ હોય ને..છતાં પણ રહે જ છે..તારી જેમ વારેઘડીએ પિયરવાટ નથી પકડતી..”

“હા...મારી વાત છુટાછેડા સુધી પહોંચી કારણ કે મારા માં હિંમત છે અને આ હિંમત મારુ બાળક ગુમાવી ને આવી છે...અને કેમ સહન કરું..? સ્ત્રી છુ એટલે..? ઘર નથી ચલાવતી એટલે..? અભિમન્યુની ગાળો-માર-અવહેલના....મારે નથી વેઠવા..હું મારા સ્વમાન અને લગ્ન બંન્ને માંથી સ્વમાન પંસંદ કરુ છું...! 

“અને તું જે સન્માન ની પીપુડી વગાડી રહી છે એ માત્ર પુરૂષ વડે જ હોય છે...એકલી રહેતી સ્ત્રીઓ ને કોઇએ ઇજ્જત આપી હોય એવુ ક્યાંય જોયુ છે....?પતિ સાથે હશે તો બે જણ પુછશે નહી તો લોકો રખડેલ-વૈશ્યા મા જ ગણી કાઢશે...આખી જીંદગી પિયર માં થોડી જશે..!!”

“હવે મને પેલા જ્યોતિષ ની વાતો સાચી પડતી લાગે છે...તારું લગ્ન હવે તુટવા માં જ છે...મને પહેલે થી જ બર હતી કે તારો મંગળ છેક સુધી નડશે જ..! તારી આખી જીંદગી ખરાબ થઇ જશે..તારુ માંગલિક હોવુ એ ખરેખર નો અભિશાપ જ છે...”

આ લોકો બસ કોઇ પણ રીતે મને સાસરે મોકલવા માટે પ્રયત્ન કરી રહ્યા હતા! આ મારો જ પરિવાર છે..??

થોડા દિવસો આમ જ વીત્યા...ભાઇ-ભાભી સરખી રીતે વાત પણ ન કરતા... જે આત્મસન્માનની એષણા રાખુ છું એ તો ભાઇના ઘરે પણ અકબંધ નથી રહેવાનુ. ક્યારેય નહી.!

અભિ નો ફોન આવ્યો અને ફરી ભાઇ ચર્ચા કરવા આવ્યા.

“મેં નક્કી કરી લીધુ છે કે હું પાછી નથી જવાની...” હવે હું હિંમત હારી રહી હતી...કોઇ મારી સાથે ન હતું....છત્તા પણ ફરી એકવાર ભાઇ ને સમજાવી જોવાની કોશિષ કરી....મારી આંખો સજળ હતી...ભાઇએ કદાચ મારી આંખો માં પીડા વાંચી...એ પીગળ્યા..

“ભાઇ હું મેનેજમેન્ટ નો નાનકડો કોર્ષ કરી ને કોઇ નોકરી શોધી લઇશ અને તમારે માથે નહી જ પડુ એની ખાતરી આપુ છું..”

ભાઇ એ મારા માથા પર હાથ મુક્યો એમની આંખો મા પાણી હતું...એમને કહ્યુ :“આપણે ત્યાં છુટાછેડા સહેલાઇથી નથી મળતા એ તો ખબર છે ને..?”

“મારો નિર્ણય હવે કોઇ પરિસ્થિતિમાં નહી બદલાય...” મેં તટસ્થતાથી કહ્યું...

મને ખબર હતી કે ભાઇ મન વગર મારી મદદ કરી રહ્યા હતા..

મેં મનોમન નક્કી કરી લીધુ હતુ કે નોકરી મળ્યા પછી કોઇ ‘વર્કિગ વુમન હોસ્ટેલ’માં રહેવાનુ શરૂ કરીશ...મારુ સ્વમાન અકબંધ રાખીશ અને કોઇને પણ એની સાથે ફરીથી ચેડા નહી કરવા દઉ..ભવિષ્ય મને નથી ખબર પણ એટલી ખાતરી છે કે બધા પુરૂષો અભિમન્યુ નથી હોતા...

મા દુર્ગાએ મને ખરેખર શક્તિ જ આપી...

                                                     


Rate this content
Log in

Similar gujarati story from Inspirational