Bhumi Machhi

Tragedy Inspirational

0.8  

Bhumi Machhi

Tragedy Inspirational

પહેલું પગલું

પહેલું પગલું

4 mins
14.4K


ફ્લશ કર્યું..

અને હું એ વહી જતા લોહી ને જોઇ રહી...એ જ લોહીથી લથબથ માંસ નો લોચો...એમાંથી એક આકાર...નાનકડી બાળકી ના શરિર નો આકાર...આજ લોહી થી ખરડાયેલી બાળકી.

ના...એ રડતી ન’તી જ...હસતી હતી..મારી પર..જાણે વ્યંગ માં કહેતી હતી.

“તું મને ના સાચવી શકી ને..?હજી તારી ને મારી વચ્ચે લાગણી નામ નો સંબંધ શરૂ ન’તો થયો એટલે જ કાઢી ને ફેંકી દીધી ને મને?”

હું શું જવાબ આપુ..?

અબોર્શન ને બે દિવસ થઇ ગયા પણ આ લોહી હજી બંધ નથી થયું

કપડા સરખા કરી ને હું બહાર આવી... શરીરમાંથી એક અજીબ વાસ આવતી હતી.

જ્યારથી ગર્ભપરિક્ષણ કરાવ્યું ત્યારથી જ ઘરનું વાતાવરણ તંગ હતું..

પહેલા ખોળે રાશિ આવી બીજી વખત ધ્વનિ...

ધ્વનિ આ ઘરમાં ‘અનવોંટેડ’ જ જન્મી હતી...પરાગ અને મમ્મીએ મહિનાઓ સુધી મને પિયરથી તેડી નહી કે ન તો સમાચાર પુછ્યા કે ન તો એકવાર પણ વાત કરી...

ભાઇ-ભાભી છ: મહિના પછી કંટાળીને જાતે જ અહીં મુકી ગયા.

 “આવી ગયા મહારાણી એમની વેઠો લઇને..” આ હતા મમ્મીના સ્વાગત શબ્દો...!

પરાગ અને મમ્મી છોકરીઓ ને ધુત્કારી કાઢતા ખચકાતા નથી..

ધ્વનિ બાળ સહજ ભાવથી પરાગ પાસે જાય તો પરાગ એનું બાવડુ પકડી ને દુર ધકેલી દેતા....

છોકરીઓના ચહેરા પર અપમાન ના ભાવ ચોખ્ખા દેખાઇ આવતા...

                                            ********

માસિક બંધ થતા જ ફરી હું રૂટીનમાં પરોવાઇ ગઇ હતી...

રાત થઇ.

રાશિ અને ધ્વનિ આજે મમ્મી પાસે સુઇ જવાના છે.

મમ્મીએ દવા શરૂ કરાવી છે...પુત્ર-પ્રાપ્તિ માટે.

પરાગને રૂમમાં આવતા જોયા છતા હું આંખો મીંચી ને પડી રહી..

પરાગ એકદમ નજીક આવ્યા.

એમના હાથ મારા શરીર પર ફરવા લાગ્યા...અને એક પછી એક કપડા ઉતરવા લાગ્યા.

એમના શ્વાસ-ઉચ્છવાસનો અવાજ મારા કાનમાં પડઘાતો હતો..

કાન પાસે મોં લાવીને બોલ્યા.. “આ વખતે તો છોકરો જ થશે...!”

”છોકરો થાય એ માટે આપણે શરીર સંબંધ બાંધીશુ..?”

પરાગની આંખો હસી ઉઠી.

“ના...ખરેખર કહું તો મને ઘણા સમયથી ઇચ્છા થતી હતી...પણ ઉત્તેજના દબાવીને રાખી હતી...પણ હું તો તારા નોર્મલ થવાની રાહ જોતો હતો..”

પરાગે એમનું શરીર મારી કાયા પર ચડાવ્યું.. મારી અંદર પ્રવેશવા ઝનુન પુર્વક ધક્કા મારવા માંડ્યા..મને કોઇ જ ઉત્તેજનાની અનુભુતિ ન થઇ...

હું એક લાશની જેમ જ નિશ્ચેતન અવસ્થામાં પડી રહી...

ક્યારેક પરાગ અને એની મમ્મી મને માનસિક રોગી લાગે છે... બંન્નેને પાગલપનની હદ સુધી પુત્ર ઝંખના છે. ક્યારેક મને મારી દયા આવતી. હું મારી જાતની સરખામણી કોઇ વૈશ્યા સાથે કરતી જે શરીર વેચીને કમાણી કરે છે...મારી જાત આપીને આ ઘર માં રહું છુ...પરાગ મારી જરૂરિયાતો પુરી કરે છે...મારી બે છોકરીઓ પણ પરાગના કારણે જ ‘પ્રોટેકટ’ છે...હું પરાગ ની આ ઘર ની ગુલામ છું.

 પહેલા શરીર સંબંધ પછી હું પરાગની છાતી પર માથુ રાખીને સુઇ જતી...પરાગ બંન્ને હાથ મારી આસપાસ વીંટાળી દેતા...મને મારી જાત સુરક્ષિત હોવાનો અહેસાસ થતો...ત્યારે હું પરાગ અને એની માનસિકતાથી અજાણ હતી...મને ફસાઇ ગયાની લાગણી થાય છે...!

પરાગનું કામ પુરૂ થયું...એ હાંફતા હતા...પાંપણ ઝબકાવ્યા વગર હું પરાગના ચહેરા ને તાકી રહી.

જાણે થાકથી હાંફતુ કુતરૂ...પરાગનું મોં લોહીથી ખરડાયેલુ હતું...મોંમાં માંસનો લોચો લટકતો હતો...

જાણે મારી અજન્મી છોકરીઓને ખાઇ જતો રાક્ષસ...નાકમાં એક તીવ્ર વાસ પેસી ગઇ. પેલી જાણીતી વાસ.. અબોર્શન પછી પડતા માસિકની ગંધાતી વાસ.

મને ઉબકા આવવા લાગ્યા...હજી પરાગ મારા શરીર પર જ હતા...

બંન્ને હાથે પરાગને ધક્કો મારી બાજુમાં ધકેલ્યા. મારા આવા વર્તનથી એ ડઘાયા. મને બાથરૂમમાં જતી જોઇ મારી પાછળ આવ્યા.

મને ઉલટીઓ થતી હતી.

પરાગને મારી પાસેથી પુત્ર-ઝંખના છે...મારું ગર્ભાશય પરાગ અને એની મમ્મી માટે ‘બેબી-મેકિંગ’ મશીન છે...હવેથી અમારા શરીર સંબધનું લક્ષ્ય માત્ર મારી પ્રેગનેંસી હશે...ડોક્ટરે નક્કી કરેલ તારીખે પરાગ તૈયાર થઇ જશે.

મને પણ થયા કરે છે કે હવે છોકરો થાય અને મારો જીવ છુટે...!

ફરીથી છોકરી હશે તો.. ?ફરીથી અબોર્શન...? એ તો કરાવ્યે જ છુટકો.

નહી તો પછી પરાગ મને પિયર મોકલી દેવામાં જરાય વાર નહી કરે.

થોડા દિવસો પહેલાનુ અબોર્શન યાદ આવી ગયું.

એનેસ્થેસિયાની અસર હેઠળ હતી છતાય હું મારી બાળકીની વેદના અનુભવી શકતી હતી.

એક ચિપીયો મારા ગર્ભાશયના મુખ વાટે પ્રવેશ્યો.. એ નાનકડા ભ્રુણના ટુકડે ટુકડા બહાર આવ્યા એની ચીસો હું સાંભળી શકતી હતી.

બસ હવે નહી.

                                            ********

હોસ્પિટલમાં એક્ઝામીન ટેબલ પરથી હું છતને તાકી રહુ છું...ગયા વખતે પણ આ જ હોસ્પિટલ અને આજ ડોક્ટર! મારો હાથ મારા પેટ પર છે.. થોડી વારમાં મારા ગર્ભની જાતિ નક્કી થશે...છોકરી હશે તો એના નિકાલની તારીખ પણ નક્કી...!!

નર્સે મારા પેટ પર હળવેથી જેલ લગાવી અને મેં મક્કમતાથી કંઇક વિચાર્યુ.

“ડોક્ટર સાહેબ...તમને એ તો ખબર છે ને કે કોઇ મેડિકલ ઇમર્જંસી સિવાય ગર્ભ નું જાતિ પરિક્ષણ અને અબોર્શન કરવુ એ ગુનો છે ? તમને જેલ અને આ હોસ્પિટલને તાળા...!વિચાર્યુ છે ક્યારેય!”

“આ શું બકવાસ કરે છે ભાન છે તને !” : પરાગ આશ્ચર્યથી બોલ્યા.

“આ મારું શરીર છે...મારું ગર્ભાશય છે...અંદર વિકસતું બાળક પણ મારું જ છે...તો એનુ શું કરવું એ હું નક્કી કરીશ...!”

પરાગ અને ડોક્ટર આંખો ફાડીને જોઇ રહ્યા.

 મેં ઝડપથી પેટ પરથી જેલ સાફ કરી...સાડી સરખી કરી.. હું સોનોગ્રાફી રૂમ માંથી બહાર આવી...મારી બંન્ને દીકરીઓ મને વળગી પડી.

“પરાગ તમે જલ્દી આવો હું બહાર ઉભી છું...મારે ઘરે જઇને તમારી અને મમ્મી સાથે થોડી ચર્ચા કરવી છે...”

હું રાશિ અને ધ્વનિને લઇને હોસ્પિટલની બહાર આવી.

આ મારું પહેલું પગલું છે.... પહેલી વાર મારી જાતે કોઇ નિર્ણય લીધો છે...પરિણામની પરવા કર્યા વગર...!

મને ખબર છે હજી મારી સામે કેટલીય અનઅપેક્ષિત-અસામાન્ય પરિસ્થિતિ આવશે..

મારા માન-સન્માન...અને મારી દીકરીઓના અસ્તિત્વના સ્વીકાર અને મારા ગર્ભની રક્ષા માટે હું મારા જ કુંટુંબીઓની સામે કુરુક્ષેત્ર રચવા તૈયાર છું.... અને મેં મારી અંદરના કૃષ્ણને આહ્વવાન આપ્યું.

                   


Rate this content
Log in

Similar gujarati story from Tragedy