Nilang Rindani

Tragedy

4.3  

Nilang Rindani

Tragedy

પરભવનો પડછાયો

પરભવનો પડછાયો

19 mins
450


હિતસ્વ અને હેમાક્ષી.કુદરતે ઘડેલ મોર અને ઢેલની મનુષ્ય આવૃત્તિ. બંનેને જોઈને કોઈની પણ આંખ ઠરે એવી શ્રેષ્ઠ જોડી. કહેવાય છે ને કે જોડીઓનું નિર્માણ સ્વર્ગમાં જ થઈ જતું હોય છે, પરંતુ તેમનું મિલન તો પૃથ્વી ઉપર જ થાય છે. સ્વર્ગ મા જ નિર્માણ થયેલી જોડી એટલે હિતસ્વ અને હેમાક્ષી.

કૉલેજ કાળથી જ હિતસ્વ અને હેમાક્ષી એક સાથે અભ્યાસ થી લઈને કૉલેજ ના કોઈ પણ સાંસ્કૃતિક સમારંભો મા અગ્રેસર રહેતાં, પછી તે સંગીત હોય, નાટક હોય કે પછી વ્રક્તુત્વ સ્પર્ધા..કૉલેજ મા પણ હિતસ્વ અને હેમાક્ષી ની જોડી ઘણી જ પ્રખ્યાત હતી. કૉલેજના હર કોઈ વિદ્યાર્થીઓ અને પ્રાધ્યાપકો બંને ને માનપૂર્વક દૃષ્ટિ થી જોતા હતાં. હિતસ્વ વાણિજ્ય મા સ્નાતક થવા જઈ રહ્યો હતો જ્યારે હેમાક્ષી આર્ટસ મા સ્નાતક થવા જઈ રહી હતી. કૉલેજનું અંતિમ વર્ષ હતું.વાર્ષિક પરીક્ષા ની પૂરજોશ મા તૈયારીઓ ચાલી રહી હતી. હિતસ્વ અને હેમાક્ષી પણ પરીક્ષાની તૈયારીઓમાં લાગી ગયા હતાં. અને આમ પરીક્ષા નો દિવસ પણ આવી ગયો. થોડા દિવસોમાં પરીક્ષા પૂર્ણ થઈ. સહુ વિદ્યાર્થીઓ જે બીજા શહેરમાંથી આવતા હતાં તે પોતપોતાના ઘરે રવાના થઈ ગયા. અને આમ કોલેજ નું પ્રાંગણ અમુક સમય પૂરતું શાંત થઈ ગયું.

હિતસ્વ અને હેમાક્ષી ના કુટુંબ ને પણ આ બંનેના સંબંધોની જાણ હતી અને તેથી જ પરસ્પર વિચારણા પછી એવું નક્કી થયું હતું કે કૉલેજ ના છેલ્લા વર્ષની પરીક્ષા પૂર્ણ થયા પછી બંનેના વેવિશાળ કરી નાખવા. બંને જણ પોતપોતાની કારકિર્દી બનાવે પછી જ તેમના લગ્ન લેવા તેવું પણ નક્કી થયું હતું. હિતસ્વ એમબીએ નો અભ્યાસ કરવા માટે અમેરિકા ની ઉચ્ચ યુનિવર્સિટી મા દાખલો મેળવી ને પોતાની કારકિર્દી ઘડવા માગતો હતો તો આ છેડે હેમાક્ષી પણ પત્રકારિત્વ મા પોતાની કારકિર્દી ઘડવા માગતી હતી. કૉલેજ ના અંતિમ વર્ષ ના પરિણામ પણ ઘોષિત થઈ ચૂક્યા હતાં. આ વખતે પણ હિતસ્વ એ કૉલેજ મા ઉચ્ચ સ્થાન પ્રાપ્ત કર્યું હતું. અમેરિકા મા એડમિશન ની પ્રક્રિયા શરૂ થઈ ગઈ. હિતસ્વ ને બોસ્ટન ની એક યુનિવર્સિટીમાં દાખલો પણ મળી ગયો. આ બાજુ હેમાક્ષી ને પણ પત્રકારિત્વ માટે જોઈતો કોર્સ મળી ગયો. આમ આગળ ની કારકિર્દી માટે નો માર્ગ સરળ થઈ ગયો હતો હિતસ્વ અને હેમાક્ષી માટે. વેવિશાળ નો દિવસ પણ આવી ગયો. એક ખૂબ જ નાના અને નજીક ના જ કુટુંબીજનો ની હાજરી મા હિતસ્વ અને હેમાક્ષીનું વેવિશાળ પણ થઈ ગયું. બંને જણા ને જાણે કે વિશ્વ મળી ગયું હોય તેવી પ્રતિતિ થતી હતી. અને આમ હિતસ્વ ને અમેરિકા વિદાય કરવાનો દિવસ પણ આવી ગયો. એરપોર્ટ ઉપર બંને જણ ના કુટુંબીજનો વિદાય આપવા ભેગા થયા હતાં. હિતસ્વ અને હેમાક્ષી ના ચહેરા ઉપર ઉદાસી પણ હતી અને સાથે સાથે ખુશી પણ હતી કારણ કે કારકિર્દી ના મહત્વ ના પડાવ તરફ પ્રયાણ કરી રહ્યા હતાં.."હેમ, સાથે વિતાવેલી મધુર ક્ષણો નો સાથ છે મારી સાથે અને જોજે, હું જલ્દી પરત આવી જઈશ"...હિતસ્વ એ હેમાક્ષી નો હાથ પોતાના હાથ મા લઈ ને મૃદુ સ્વરે તેને સધિયારો આપ્યો...અને હેમાક્ષી એ પણ તેની વહી જતી લાગણી ઉપર મહામહેનતે કાબૂ રાખી ને..."હા, હિતુ...તું ચિંતા ના કરીશ...હું અહીં નું સંભાળી લઈશ અને હા, મમ્મી પપ્પા ને પણ દર અઠવાડિયે હું ઘરે મળવા જઈશ..તું પણ તારું ધ્યાન રાખજે, બરાબર ખાજે, અહીં જેમ ખાવા મા ધાંધિયા કરે છે તેમ બિલકુલ ના કરતો.તને મારા સમ છે"..એક બાળક ને જેમ સૂચના આપે તેમ હેમાક્ષી એ હિતસ્વ ને જરૂરી સૂચનાઓ આપી..યાત્રીઓ માટે ચેક ઈન કરવાની ઘોષણા થવા લાગી. હિતસ્વ એ હેમાક્ષી ને હળવું આલિંગન આપ્યું, એકમેકની આંખોમા આંખ પરોવી ને પ્રેમની અનુભૂતિ કરી.પોતાના તથા હેમાક્ષીના માતા પિતાના આશીર્વાદ લેવા માટે હિતસ્વ આગળ આવ્યો. સહુ કોઈ એ ઉજ્જવળ ભવિષ્ય માટેના આશીર્વાદ આપ્યા અને હિતસ્વ સહુ કોઈની આંખોમાં અશ્રુઓ છોડી ને વિદાય થઈ ગયો. 

સમય અને રેતી ને પકડી નથી શકતું કોઈ..આમ ને આમ વર્ષ પસાર થઈ ચૂક્યું હતું. બધું જ રાબેતા મુજબ ચાલી રહ્યું હતું. સવાર નો ૯ વાગ્યા નો સુમાર હતો. હેમાક્ષી પોતાનું એક્ટિવા ચાલુ કરી ને કૉલેજ જવા નીકળી જ હતી ત્યાં અચાનક.. હેમાક્ષી ની આંખો વિસ્મય થી પહોળી થઈ ગઈ. તેની સમક્ષ સ્વયમ હિતસ્વ ઊભો હતો. પોતાની આંખો ઉપર વિશ્વાસ ના બેઠો હોય તેમ હેમાક્ષી એ પોતાની આંખો ચોળી, પણ પછી થયું કે તે જે જોઈ રહી છે તે હકીકત છે..સ્થળ, કાળ...બધું જ વીસરી ને હેમાક્ષી દોડી ને હિતસ્વ ને ભેટી પડી. અશ્રુઓ ની ધારા વહેવા માંડી હતી બંને ની આંખો મા થી. આમ તો હિતસ્વ ને ગયે હજી એક વર્ષ જ થયું હતું પરંતુ આ એક વર્ષ પણ તેમને માટે સદીઓ જેટલું લાંબુ હતું.."હિતુ, તું અહીં કેવી રીતે ? શું થયું ? હજી તો ત્રણ વર્ષ બાકી છે ને ? કઈં તકલીફ નથી ને ?" પ્રશ્નો ની હારમાળા સર્જી દીધી હેમાક્ષી એ.આનંદ, આશ્ચર્ય અને થોડી ચિંતા ની મિશ્ર લાગણીઓ હેમાક્ષી ના સુકોમળ ચહેરા ઉપર ઉદભવી રહી હતી..."અરે હેમ, મને શ્વાસ તો ખાવા દે ? એક નિર્દોષ અટ્ટહાસ્ય સાથે હિતસ્વ એ હેમાક્ષી ના પ્રશ્નો ની ઝડી ઉપર રોક લગાવી.."હેમ, તારા સઘળા સવાલો ના જવાબ હું આપીશ પણ પહેલાં મને ઘર મા તો આવવા દે ? આજે સવારે જ આવ્યો છું.નાહી ધોઈ ને સીધો તને મળવા આવ્યો છું અને તું છે કે મને અંદર જ આવવા નથી દેતી".એક મીઠા ગુસ્સા સાથે હિતસ્વ એ હેમાક્ષી નો હાથ છોડાવી ને પાછો જતો હોય તેવો અભિનય કર્યો કે તુર્તજ."ના ના.. સોરી સોરી હિતુ, પણ મને વિશ્વાસ જ નથી બેસતો કે તું આવ્યો છે. પ્લીઝ, હિતુ. આઈ એમ સોરી..." હેમાક્ષી એ પણ પોતાના કાન પકડી ને આંખો ની પાંપણો ઊંચી નીચી કરી ને હિતસ્વ ને રીઝવવાનો મીઠો પ્રયાસ કર્યો..અને બંને જણા ખડખડાટ હસતાં હસતાં ઘર ની અંદર ગયા. હેમાક્ષી ના માતા પિતા પણ હિતસ્વ ને જોઈ ને ખુશ થઈ ગયા. અમેરિકા થી આણેલી ભેટ સોગાદો આપી ને અહીં તહીં ની વાતો કરી ને હેમાક્ષી અને હિતસ્વ તેના ઓરડા મા ગયા. ચા નાસ્તા ને ન્યાય આપી ને.."હિતુ, કેટલો વખત લઈ ને આવ્યો છે ?...હેમાક્ષી એ હેતુલક્ષી સવાલ કર્યો."૪ વીક માટે આવ્યો છું.અમારે નાતાલ નો બ્રેક પડ્યો છે તો વિચાર આવ્યો કે બધા ને સરપ્રાઈઝ આપું"...હિતસ્વ એ હેમાક્ષી ની શંકાઓ નું સમાધાન કર્યું. કલાકેક થયો હશે હિતસ્વ ને આવ્યે..."ચાલ હેમ, હવે હું રજા લઉ તારી, ખૂબ થાકી ગયો છું તો ઘરે જઈ ને આરામ કરીશ, આજે સાંજે અથવા તો કાલે સવારે ફોન કરીશ".આટલું બોલી ને હિતસ્વ ઊભો થયો. હિતસ્વ પોતાનું બાઈક લઈ ને આવ્યો હતો..હેમાક્ષી પણ તેને દરવાજા સુધી મુકવા આવી અને તેને હાથ ઊંચો કરી ને વિદાય કર્યો. હેમાક્ષી ને આજે કૉલેજ જવાનું મોડું થયું હતું, પણ તેની બહુ ચિંતા નહોતી કારણ કે પહેલા લેક્ચર ના પ્રાધ્યાપક આજે રજા ઉપર હતાં. હેમાક્ષી પણ પોતાનું એક્ટિવા ચાલુ કરી ને કૉલેજ જવા નીકળી ગઈ. 

અને એક દિવસ સવારે હેમાક્ષી ના મોબાઈલ રણકી ઉઠ્યો..સ્ક્રીન ઉપર હિતસ્વ નું નામ ઝબૂકી રહ્યું હતું.."બોલ હિતુ, કેમ છે તું ? કેમ આજે સવાર સવાર મા ?".હેમાક્ષી એ સવાલ ની ઝડી ચલાવી.."હેમ...ખાસ કંઈ નથી, આ તો હવે આવતા અઠવાડિયે હું પરત જઈ રહ્યો છું તો વિચાર આવ્યો કે શહેર ની નજીક એક રિસોર્ટ છે ત્યાં જઈએ, સવારે જઈ ને સાંજે પાછા., બોલ કેવો છે આઈડિયા ?".હિતસ્વ એ પોતાનો પ્લાન કહી સંભળાવ્યો અને હેમાક્ષી ના હકારાત્મક ઉત્તર ની રાહ જોતો રહ્યો.."તારો આઈડિયા તો સારો છે, હિતુ...તે બહાને આપણને એક સાથે રહેવાનો થોડો વખત મળશે, પણ જવાનું છે ક્યારે ?".."અરે વાહ..તું તૈયાર થઈ ગઈ એજ મોટી વાત છે.. આપણે પરમદિવસે એટલે કે રવિવારે સવારે નીકળી જઈશું...તું ઘરે કહી દેજે, હું રવિવારે સવારે ૮ વાગ્યે તને ઘરે થી લઈ લઈશ".હિતસ્વ એ આખો પ્લાન કહી સંભળાવ્યો..."ઠીક છે, હિતુ, મને વાંધો નથી...હું મમ્મી પપ્પા ને જણાવી દઉં છું. હું રવિવારે સવારે ૮ વાગ્યે તૈયાર રહીશ, સાથે કઈં લેવાનું હોય તો આગોતરા કહી દેજે જેથી મને ખબર પડે"...હેમાક્ષી એ પણ પોતાની તૈયારી દર્શાવી અને મનોમન ખુશ થઈ ને વાત પુરી કરી.

અને એ રવિવાર નો દિવસ પણ આવી ગયો. સવારે નક્કી થયા મુજબ હિતસ્વ બાઈક લઈ ને આવી ગયો. શહેરથી ૨૦ કિમી દૂર "વિસામો" રિસોર્ટ હતો. ત્યાં આજુબાજુ મા ખૂબ જ નયનરમ્ય સ્થળો હતાંં..હનુમાનજી મહારાજ નું એક નાનું પણ સુંદર મંદિર પણ હતું અને તેને જ અડી ને એક ઝરણું વહેતું હતું, જે આ સ્થળ ની સુંદરતા મા વધારો કરી રહ્યું હતું. બહુ આઘું નહોતું અને સવાર નો સમય હતો તેથી એટલે ધોરીમાર્ગ ઉપર બહુ વાહનોની અવરજવર પણ નહોતી, પણ તેમ છતાં હિતસ્વ ખૂબ શાંતિથી બાઈક ચલાવી રહ્યો હતો. શિયાળા ની સવાર હતી અને બાઈક ઉપર એટલે ઠંડી નો ચમકારો પણ લાગતો હતો, પરંતુ હેમાક્ષી બાઈક ઉપર હિતસ્વ ને વળગી ને બેસી ગઈ હતી એટલે તેને બહુ ઠંડી નહોતી લાગતી. પવનની લહેરખીઓને કાપતાં કાપતાં અને આવનારા સુખી દિવસોની વાતો કરતાં કરતાં સહેજે કલાક પછી તેઓ "વિસામો" રિસોર્ટ પહોંચી ગયા. ત્યાં હિતસ્વ એ પહેલે થી જ બુકિંગ કરાવી લીધું હતું એટલે રિસોર્ટ ના એક મેનેજર એ તેમનું સ્વાગત કર્યું.."આવો આવો, પધારો, મિ. હિતસ્વ, આપનું અમારા રિસોર્ટમાં હાર્દિક સ્વાગત છે. આશા છે કે આપનો સમય ખૂબ જ આનંદથી વિતે અને તમે અહીંથી મીઠી મધુરી યાદો લઈને જાઓ એવા મારા તથા અમારા રિસોર્ટ ના પ્રયત્નો રહેશે"...રિસોર્ટ ના એક કર્મચારી એ બંને ને સ્વાગત પીણું ધર્યું અને તેમનું સ્વાગત કર્યું. પીણાં ને ન્યાય આપી ને હિતસ્વ અને હેમાક્ષી રિસોર્ટ ના પ્રાંગણમાં લટાર મારવા નીકળી પડ્યા.ખૂબ જ સુંદર રીતે રિસોર્ટ બનાવાયો હતો, બધી જ સગવડતાઓ ને સમાવી લેવામાં આવી હતી..એકબીજા ના હાથમાં હાથ પરોવી ને હિતસ્વ અને હેમાક્ષી રિસોર્ટની બહાર આવેલ મંદિરમાં દર્શન કરી ને ઝરણાં કાંઠે બેઠા.."હેમ...કેટલું સરસ વાતાવરણ છે નહીં ? એવું થાય છે કે અહીંથી જવું જ નથી. શું કહે છે હેમ ? કેમ કઈં બોલતી નથી ?"..હિતસ્વ એ હેમાક્ષી ના કાનમાં એકદમ મૃદુ સ્વરે ટહુકો કર્યો..હેમાક્ષી હજી પણ આ આહલાદક વાતાવરણની જાદુઈ અસર હેઠળ હતી. હિતસ્વના ખભે તેનું માથું ટેકવીને બંધ આંખે ફક્ત હુંકારો કરી ને હિતસ્વની વાત ને સમર્થન આપ્યું. બપોર નો સમય હતો. શુદ્ધ સાત્વિક ભોજન ને ન્યાય આપી ને હિતસ્વ અને હેમાક્ષી ને ફાળવેલ એક ઓરડામા સોફા ઉપર હિતસ્વ અને એક પલંગ ઉપર હેમાક્ષી આરામ કરી રહ્યા હતાં.

કહેવત છે ને કે સમય ક્યારે કોની અને કઈ રીતે પરીક્ષા લેશે તે નક્કી નથી હોતું.અને આમાંથી હિતસ્વ અને હેમાક્ષી પણ બાકાત ના રહ્યા. એક નબળી ક્ષણ અને એક નબળો વિચાર હિતસ્વ અને હેમાક્ષીના મન ઉપર કબજો કરી બેઠું. ભલે તેમનું વેવિશાળ થઈ ગયું હતું અને પરસ્પર અનુમતિથી, પરંતુ હિતસ્વ અને હેમાક્ષી આ નબળી ક્ષણના ભોગ બની બેઠા. સમય વીતતો ચાલ્યો.બંને ના ચહેરા ઉપર એક અજાણ્યા અપરાધની ભાવના છલકી રહી હતી. સાંજ પડી. રિસોર્ટથી પાછા ફરી રહ્યા હતાં હિતસ્વ અને હેમાક્ષી, પરંતુ બેયમાંથી કોઈ કશું જ બોલતાં નહોતાં. હેમાક્ષી ને તેના ઘરે ઉતારી, એક બીજા ને હળવું આલિંગન આપીને છુટા પડ્યા..અને એ દિવસ પણ પસાર થઈ ગયો, પરંતુ કોઈ ને ક્યાં ખબર હતી કે વિધાતા આ દિવસ ને લઈ ને આગળ ની જિંદગીમાં શું ઝંઝાવાત લઈને આવવાનો છે ?

હિતસ્વના પરત જવાનો દિવસ આવી પૂગ્યો. આ વખતે હેમાક્ષી જ તેને એરપોર્ટ ઉપર મૂકવા આવી હતી. અલપઝલપની વાતો કરી, હિતસ્વ એ વિમાન મારફતે બોસ્ટનની વાટ પકડી. ફરી પાછું રાબેતા મુજબ ચાલતું રહ્યું...હિતસ્વ ને ગયે ૨ મહિના થયા હશે..અને એક દિવસ ભારતીય સમયાનુસાર રાત્રે ૯ વાગ્યે હેમાક્ષીની મોબાઈલની રીંગ રણકી ઊઠી. સ્ક્રીન ઉપર હિતસ્વનું નામ ઝબૂકી રહ્યું હતું..હેમાક્ષી એ ઉત્સાહ થી મોબાઈલ ઉપાડ્યો."બોલ હિતુ, તને જ યાદ કરતી હતી અને તારો ફોન આવ્યો.તને દિલથી યાદ કરતી હતી હું. જો એ સાબિત થયું, તું તો યાદ જ નહીં કરતો હોય".મીઠો છણકો કર્યો હેમાક્ષી એ.."અરે હેમ, તે મને યાદ કર્યો અને મેં એક પણ ક્ષણ બગાડ્યા વગર તને ફોન કર્યો..,હું પણ તને એટલો જ યાદ કરું છું..અચ્છા, સાંભળ, એક ખુશખબરી આપવાની છે તને.. યુનિવર્સિટી ની પહેલા વર્ષ ની પરીક્ષા નું પરિણામ આવી ગયું છે અને મેં યુનિવર્સિટીમાં ઉચ્ચ સ્થાન પ્રાપ્ત કર્યું છે..હજી ઊભી રહે. એક ઔર ખુશખબરી છે, મને અહીં એક નાની કંપનીમાં પાર્ટ ટાઈમ નોકરી પણ મળી ગઈ છે"..."અરે વાહ હિતુ. તેં તો ગજબ કરી.એક સાથે બે બે ખુશખબરી..વાહ...ખરેખર હું ખૂબ જ ખુશ છું, મમ્મી પપ્પા ને હમણાં જ આ ખુશખબર આપું છું અને તારા મમ્મી પપ્પા ને પણ જણાવી દઉં છું".હેમાક્ષી એ સામો પ્રતિભાવ આપ્યો.."હેમ, અત્યારે હું મારા મિત્ર સાથે જઈ રહ્યો છું તેની ગાડીમાં, ઘરે પહોંચીને તને શાંતિથી ફોન કરીશ. તું ઊંઘી ના જતી". હિતસ્વ એ ઉતાવળ મા કહ્યું અને ફોન મૂકી દીધો.હેમાક્ષી તો પલંગ મા આડી પડી ને ભવિષ્ય ના સપનાઓ મા રાચવા લાગી..લગભગ અડધો એક કલાક થયો હશે અને હેમાક્ષી ના મોબાઈલ ઉપર ફરી પાછું હિતસ્વનું નામ ઝબુક્યું...હેમાક્ષી એ ત્વરિત ગતિએ તેનો મોબાઈલ ઉપાડ્યો.."બોલ હિતુ, પહોંચી ગયો ઘરે ?"..પરંતુ સામે છેડે કોઈ અમેરિકન ઈંગ્લિશ મા બોલી રહ્યું હતું.."hello, this is Boston police and the last call made from this mobile was to you.are you related to him ?".હેમાક્ષી ના ચહેરા ઉપર ચિંતાના વાદળો ઘેરાઈ ગયા. ત્રૂટક ત્રૂટક અવાજ તેણે જવાબ આપ્યો..."oh hello, this is hemakshi over here and yes, I m related to him, he is my fiance, hope everything is fine..plz tell me, I m really worried"..."your fiance has met with a fatal accident and we are sorry to say that before he could get any spot treatment, he has succumbed to death". ધરતી જાણે કે ગોળ ગોળ ફરી રહી હતી...હેમાક્ષીની આંખે અંધારા આવી ગયા..શું બોલવું તે તેને સમજ ના પડી. કાનમાં જાણે કે કોઈ એ ગરમ સીસું રેડ્યું હોય તેવું લાગી રહ્યું હતું..મોબાઈલ તેના હાથમાંથી છટકી ને જમીન ઉપર પડ્યો અને તે સાથે હેમાક્ષી નું ભાગ્ય પણ. માંડ માંડ જાતને સંભાળી અને પોતાના ઓરડાની બહાર આવી ને તેના મમ્મી પપ્પા આગળ જઈને તેમને વળગી ને કરુણ આક્રંદ કર્યું..જેમ તેમ કરી ને તેના માતા પિતા ને આ દુઃખદ સમાચાર આપ્યા..અને ત્યાં જ અચાનક હેમાક્ષી ને ચક્કર આવ્યા અને તે જમીન ઉપર ફસડાઈ પડી.. તેના માતા પિતા એ તેને જેમતેમ કરી ને સોફા ઉપર સુવાડી..તેને માટે ગ્લુકોઝ નું પાણી બનાવી ને તેને પીવડાવ્યું. માંડ અડધા કલાકે હેમાક્ષી ને થોડું સારું લાગ્યું..અચાનક જ તેના જીવન ઉપર કુદરત નો વજ્રઘાત થયો...જે આંખો થી આવનારા જીવન ના સોણલાં સપના જોયા હતાં, તેના ઉપર કાળચક્રનો ક્રૂર પંજો ફરી વળ્યો હતો. આ બાજુ હિતસ્વ ના ઘરે પણ જાણે ૮ રિએક્ટર સ્કેલનો ધરતીકંપ થયો હતો. એક ના એક દીકરા ને આ રીતે જતો જોઈ રહ્યા સહુ કોઈ અને કોઈ કશું કરી ના શક્યું. મોઢે આવેલો કોળીયો ઝૂંટવાઈ ગયો જાણે. જે દીકરાને ભણાવી ગણાવી ને તેની સફળતાના ફળ ખાવાનો વખત આવ્યો હતો ત્યાંજ કસમય નો તેનો ચિર નિંદ્રા મા પોઢતો જોવો તે કોઈ પણ મા બાપ માટે અસહ્ય હોય છે. ખેર.બધી ઔપચારિકતા પૂર્ણ કરી..હિતસ્વનો મૃતદેહ બોસ્ટનથી વિમાન માર્ગે આવી ગયો અને મરણોપરાંત વિધિઓનું પણ સમાપન થઈ ચૂક્યું હતું. પણ કુદરત ને કંઈક બીજું જ મંજૂર હતું..!

હેમાક્ષી અને તેની માતા શહેરના એક જાણીતા સ્ત્રીરોગ ના નિષ્ણાંત ડૉ. હર્શલા શાહના ક્લિનિકમા બેઠા પોતાના વારાની રાહ જૉતાં. અને ડોક્ટર ની કેબિનમાંથી એક પરિચારિકા આવી ને તેમના વારા ની જાણ કરી. હેમાક્ષી અને તેની માતા ડૉ. હર્શલાની સમક્ષ બેઠા હતાં.." રિપોર્ટ તો આવી ગયા છે અને એક ખુશ ખબર છે કે તમે માં બનવાના છો..૨ મહિના થઈ ગયા છે અને રિપોર્ટ બધા નોર્મલ છે"...આ એક બીજો વજ્રઘાત..હેમાક્ષીની માતા આઘાતથી હેમાક્ષી સામે જોઈ રહી. શું બોલવું અને શું નહીંની અવઢવમાં મા અને દીકરી અટવાઈ ગયા. ખુશ થવું કે દુઃખી થવું તેની સૂઝ સુધ્ધા જતી રહી. એકદમ ભારે પગલે બંને માં દીકરી ક્લિનિકની બહાર નીકળ્યા. ઘરે પહોંચી ને હેમાક્ષી એ રિસોર્ટવાળો આખો બનાવ કહ્યો. હેમાક્ષી ના પિતા એ તેને એક સલાહ આપી જે એક પિતાની દૃષ્ટિ એ સાચી હતી પરંતુ હેમાક્ષી ખૂબ મક્કમ હતી. તે આ બાળક ને જન્મ આપવા માગતી હતી. કદાચ તેના અને હિતસ્વના પ્રેમની આખરી નિશાની સ્વરૂપ તે બાળક મા પોતાનું આગળનું જીવન જીવવા માગતી હતી હેમાક્ષી. વખત પસાર થતો ગયો..પૂરા મહિને હેમાક્ષી એ એક તંદુરસ્ત અને સુંદર બાળકી ને જન્મ આપ્યો. હૂબહૂ હિતસ્વનું જ રૂપ હતું. હેમાક્ષી માટે હવે જીવન જીવવાનો માર્ગ મળી ગયો હતો. હિરવા નામ પાડ્યું હતું બાળકીનું.

કાળચક્ર તેના નિત્યક્રમ મુજબ બે રોકટોક ફરી રહ્યું હતું..વર્ષો ના વહાણા વિતતા જતા હતાં. હેમાક્ષી નું એક આધેડ સ્ત્રી તરીકે રૂપાંતર થઈ ચૂક્યું હતું.. હીરવા પણ કૉલેજમા આવી ગઈ હતી. ભણવામાં તે પણ ખૂબ જ પ્રતિભાશાળી હતી..તેના પિતા ની માફક. હેમાક્ષી હીરવા મા હંમેશા હિતસ્વનો પડછાયો જોતી હતી. હેમાક્ષી એ લગ્ન કર્યા જ નહોતા કારણ કે તે તો મનોમન હિતસ્વ ને પરણી ચૂકી હતી. 

હીરવાની સાથે તેના જ વર્ગ મા કૃતાર્થ નામનો એક છોકરો હતો. તે પણ ભણવામાં એટલો જ પ્રતિભાશાળી અને યશસ્વી હતો. હિરવા અને કૃતાર્થ ખૂબ જ સારા મિત્રો હતાં. પરીક્ષાના સમયે બંને એકબીજા ની પરીક્ષાલક્ષી મુશ્કેલીઓ દૂર કરતા અને એ રીતે કૉલેજ મા અવ્વલ ક્રમાંક જાળવી રાખતા હતાં. મિત્રતા ક્યારે લાગણીમા પરિવર્તિત થઈ ગઈ તેની હિરવા અને કૃતાર્થ ને ખબર ના પડી. બંને જણ વધુ ને વધુ સમય એકબીજા સાથે ગાળવા લાગ્યા. તેઓ એકબીજા ને સમજવા લાગ્યા હતાં જે કોઈ પણ પ્રેમસંબંધનું મહત્વનું પાસું હોય છે. અને એક દિવસ આમ જ કૉલેજના પ્રાંગણ મા હિરવા અને કૃતાર્થ બેઠા હતાં અને અનાયાસ જ હિરવા ના મુખે થી સરી પડ્યું.."કૃતાર્થ, તું મારી મમ્મી ને મળવા ઘરે આવ.આમ તો મેં તારા વિશે થોડી ઘણી જાણ કરી છે પણ જો તું આવીશ તો વાત વધુ પારદર્શક થશે. આવીશ ને ? આપણે કાલે કૉલેજ પૂરી થયા પછી સીધા ઘરે જઈશું"...અને કૃતાર્થ એ પણ હિરવાની હથેળી હળવેથી દબાવી ને મૂક સંમતિ આપી.

બીજા દિવસ ની કૉલેજ પૂરી થઈ. હિરવા અને કૃતાર્થ પોતપોતાના વાહનો ઉપર હિરવા ના ઘર તરફ પ્રયાણ કરી રહ્યા હતાં. હિરવાના ઘરની બહાર બંને એ પોતાના વાહન પાર્ક કર્યા અને અંદર જતા જ હતાં ત્યાં જ કૃતાર્થ અચાનક અટકી ગયો..તેની આંખો આમતેમ જોવા લાગી..કપાળની નસો ખેંચાઈ રહી હતી. તેનું માથું ભમવા લાગ્યું. ક્યાંક ક્યાંક તેને લાગવા માંડ્યું કે આ જગ્યા એ પહેલાં તે ક્યારેક આવી ગયો છે. આ જગ્યા તેને જાણીતી લાગવા લાગી.."શું થયું કૃતાર્થ ? કેમ બહાર ઊભો છે ? અંદર આવ ને" હિરવા એ તેની વિચાર સમાધિ તોડી.."હૈં..હા..હા...આવું જ છું, થોડું માથું પકડાયું છે અચાનક..ખબર નહિ શું થયું ? હિરવા, તમે લોકો આ જગ્યા એ કેટલા વખત થી રહો છો ?" કૃતાર્થ તેના વિચારોમાંથી બહાર આવી ને હિરવા ને સવાલ કર્યો.."અરે, અહીં તો વર્ષો થી રહીએ છીએ. મારો તો જન્મ જ અહીં થયો છે અને મમ્મી પણ પહેલેથી અહીં જ રહે છે, પણ તું આ શું કામ પૂછી રહ્યો છે ?" હિરવા એ તેના સવાલ નો જવાબ આપી ને વળતો સવાલ કર્યો."ખબર નહીં કેમ, પણ મને લાગે છે કે હું પહેલાં અહીં આવી ચુક્યો છું..ક્યારે, કેવી રીતે અને કયા સંજોગો મા, તે મને યાદ નથી આવતું" કૃતાર્થ એ પોતાની મનોવ્યથા કહી.."અરે, તને વ્હેમ છે. હું આજે જ તો તને મારા ઘરે લઈ આવી છું. તો પછી આના પહેલાં તું અહીં કેવી રીતે આવ્યો હોય ? ચાલ... એ બધું છોડ, તું અંદર ચાલ, મમ્મી રાહ જોઈ રહી છે". હિરવા એ આવું કહી ને કૃતાર્થ નો હાથ પકડી ને તેને અંદર રીતસર નો ખેંચ્યો છે. કૃતાર્થ ધીરે પગલે અંદર દીવાનખંડ મા પ્રવેશ્યો..તેની આંખો ઉપર નીચે, હર તરફ ફરી રહી હતી. તેના મગજમાં ઘમાસાણ મચી ચૂક્યું હતું. કેમ આ સોફા, પેલો કબાટ, દીવાલ ઉપર નું એક મોર નું ચિત્ર. કેમ બધું જાણીતું લાગતું હતું. શું છે આ ઘર સાથે નો મારો સંબંધ ? હું શું પહેલાં અહીં આવી ગયો છું ?..સવાલો નો મારો કૃતાર્થ ના મસ્તિષ્ક ઉપર વાર ઉપર વાર કરી રહ્યા હતાં..કૃતાર્થ બંને હાથે પોતાનું માથું પકડી ને બેસી રહ્યો..તેના કપાળે પરસેવો વળી ગયો."કૃતાર્થ..તને કઈં થાય છે ? તારી તબિયત તો સારી છે ને ? તું અહીં આવ્યો ત્યાર થી કોઈક ગડમથલ મા છે". હિરવા એ ચિંતાજનક સ્વર મા કૃતાર્થ ને પૂછ્યું અને તેના માથે હાથ ફેરવ્યો.."હિરવા, હું હજી કહું છું કે મને એવો ભાસ થાય છે કે હું અહીં પહેલાં આવી ગયો છું. આ સોફા, આ દીવાલ ઉપરનું ચિત્ર, આ કબાટ, જાણે કે હું આ પહેલાં જોઈ ચૂક્યો છું.એવું લાગે છે કે આ સોફા ઉપર પહેલાં પણ બેસી ચૂક્યો છું.તારા ઘર મા તારા મમ્મી સિવાય બીજા કોણ કોણ છે ?" કૃતાર્થ ને કઈં જ ખબર નહોતી પડતી.."આ ઘર મા તો હું અને મારી મમ્મી જ રહીએ છીએ..મારા નાના નાની હતાંં.." હજી હિરવા પોતાનું વાક્ય પૂરું કરે તે પહેલાં જ..."હા. હા..ક્યાં છે એ લોકો ?" કૃતાર્થ વચ્ચે જ બોલી ઉઠ્યો."હવે એ લોકો નથી. થોડા વર્ષો પહેલાં ગુજરી ગયા" હિરવાએ એકદમ ઢીલા અવાજે જવાબ આપ્યો..અને આ વાર્તાલાપ ચાલી રહ્યો હતો ત્યાં જ...ધીરે પણ મક્કમ પગલે, જીવન ના લગભગ પાંચ - સાડા પાંચ દાયકા પસાર કરી ચૂકેલ. વાળમાં સફેદી અને ચહેરા ઉપર પ્રૌઢાવસ્થા નું તેજ લઈ ને હેમાક્ષી તેના ઓરડામાંથી બહાર આવી."મમ્મી, આ કૃતાર્થ છે, મેં તને વાત કરી હતી ને ?" હિરવા એ ઉભડક ઓળખાણ આપી કૃતાર્થ ની." કેમ છે બેટા ?" હેમાક્ષી એ કૃતાર્થ ની સામે જોઈ ને એક વાત્સલ્ય સભર સ્વર મા પૂછ્યું...કૃતાર્થની આંખો ફાટી રહી..મહા મહેનતે તે ઊભો થયો. તેના હાથ પગ ધ્રુજતા હતાં, કપાળ ઉપર ની ભ્રુકુટી તણાઈ ગઈ.હોઠ જાણે કે કંઈક બોલવા તરફડી રહ્યા હતાં..શબ્દો તેના મુખ મા હતાં જે બહાર આવવા તરફડી રહ્યા હતાં..અને અને..તેના મુખમાંથી જે સર્યું તે સાંભળી ને હિરવા અને હેમાક્ષી ચોંકી ઉઠ્યા."હેમ..તું...તું ? અને ત્યાંજ અચાનક કૃતાર્થ ની આંખો ઉપર કાળા વાદળો છવાઈ ગયા અને જ્યાં ઊભો હતો ત્યાં જ ફસડાઈ પડ્યો..!!

બીજા દિવસે શહેર ના એક ન્યુરો સર્જન ડૉ. સમર્થ વસાવડાના ક્લિનિકમાં કૃતાર્થ અને હિરવા તેમની ચેમ્બરમાં બેઠા હતાં. એમ આર આઈ રિપોર્ટ તેમની સમક્ષ જે હતો.. ડૉ. વસાવડા અમુક સવાલો કરી રહ્યા હતાં કૃતાર્થ ને જેના તે જવાબ આપી રહ્યો હતો. અડધા કલાક ના સવાલ જવાબ બાદ ડૉ. વસાવડા એ તેમની સામે જ એક સાયકિયાત્રિસ્ત ડૉ. અથર્વ શાહ ને ફોન કરી ને કૃતાર્થ નો કેસ સમજાવ્યો અને બીજા દિવસ નો તેમનો સમય લઈ લીધો. 

કૃતાર્થ અને હિરવા, બંને જણા હિરવા ના ઘરે બેઠા હતાંં. સામે જ હેમાક્ષી પણ બેઠી હતી.."કૃતાર્થ, તને મારું આ નામ ક્યાંથી ખબર પડી ? મેં કોઈ દિવસ હિરવા ને આ નામની જાણ થવા નથી દીધી તો તને કેવી રીતે ખબર પડી ?".હેમાક્ષી એ સીધા જ સવાલો કર્યા. પણ તેમને ક્યાં ખબર હતી કે હવે જે હેમાક્ષી સાંભળવાની હતી તેનાથી એક મોટો ભૂકંપ આવવાનો હતો તેની જિંદગી મા.."હેમ..હું...હું તારો હિતુ છું..હિતસ્વ..માફ કરજે પણ તને નિરાધાર છોડી ને હું નીકળી પડ્યો હતો પણ કુદરતની લીલા કોઈની સમજ મા નથી આવતી.." ક્યાર ની ચૂપ બેઠેલી હિરવા તો જાણે કે કોઈ ઉપગ્રહ થી ઉતરેલા બીજી દુનિયા ના માનવીઓ નો વાર્તાલાપ સાંભળતી હોય તેમ આઘાત અને આશ્ચર્યની મિશ્ર લાગણીઓનો સામનો કરી રહી હતી. તેની સમજમાં કઈં જ નહોતું આવતું. હેમાક્ષીના કાનની નજીક કોઈ એ તોપ ફોડી હોય તેવો તેને ભાસ થયો..તેને વિશ્વાસ નહોતો આવતો કે તે શું સાંભળી રહી છે..કુદરત ની આ મજાક ઉપર તેણે હસવું, ગુસ્સે થવું કે રડવું..તે નક્કી નહોતી કરી શકતી. હિતસ્વ પાછો આવ્યો તો એ પણ કયા સ્વરૂપે ? એક સાથે હજાર સવાલો એ તેના મસ્તિષ્ક ઉપર હુમલો કર્યો..આ કૃતાર્થ છે કે હિતસ્વ ?

તેને આવકાર આપવો કે કેમ ? હિરવા નું શું ? કૃતાર્થ કેવી રીતે આ પરિસ્થિતિનો સ્વીકાર કરશે ? હિરવા ના ભવિષ્ય નું શું ? આનો સામનો કેવી રીતે કરવો ?...બીજી તરફ હીરવા ના મગજ ના દ્વાર બંધ થઈ ગયા હતાં..કુદરતે શું ખેલ કર્યો તેના જીવન સાથે તે જ તેની સમજ બહાર હતું..તે ક્યારેક કૃતાર્થ તરફ તો ક્યારેક તેની મમ્મી તરફ જોઈ રહી હતી. શું પ્રતિભાવ આપવો તેની અવઢવ તેના મગજ માં ઘર કરી ગઈ હતી..બંને હાથ ની હથેળીઓ આંગળીઓ મા પરોવી, પાછી છોડી અને પાછી પરોવી ને પરિસ્થિતિ સાથે તાલ મેળવવાની કોશિશ કરી રહી હતી...કૃતાર્થ સૌથી વધુ સહન કરી રહ્યો હતો..કૃતાર્થ પોતાની ઓળખ ગુમાવી ચુક્યો હતો..તે હિતસ્વ છે કે કૃતાર્થ... ? એક તરફ પાછલા જન્મની તેની પ્રેમિકા અને બીજી તરફ આ જન્મની પ્રેમિકા.. હિરવા સમક્ષ જોતો હતો ત્યારે કૃતાર્થની દૃષ્ટિ થી જોતો હતો અને જ્યારે હેમાક્ષી તરફ જોતો હતો ત્યારે તેના મા હિતસ્વ આવી જતો હતો..શું કરવું ? શું નહીં ? શું યોગ્ય છે ?.તે ઓરડામા ત્રણ અને ચોથી એક અજ્ઞાત જિંદગીઓનું ઘમાસાણ ચાલી રહ્યું હતું. શાંતિ પણ આજે તેના અવાજે પોકારી રહી હતી.

થોડા દિવસો વીત્યા..કૃતાર્થ કૉલેજ નહોતો આવતો તો હિરવા પણ પોતાની જાત સાથે ઝઝૂમી રહી હતી. તે પણ કૉલેજ નહોતી જતી..હેમાક્ષીના જીવનમાં ફરી પાછો ઘણા વર્ષે ઝંઝાવાત આવ્યો હતો પરંતુ આ વખતે આ ઝંઝાવાત એ એક સાથે ત્રણ જિંદગી ને ભરડામાં લીધી હતી.

દિવસો વિતતા જાય છે અને એક દિવસ સવારે હીરવા રોજિંદા સમયે તેની મમ્મી ને ઉઠાડવા તેના ઓરડામાં ગઈ. શાંત મુખમુદ્રા સાથે હેમાક્ષી તેના પલંગ ઉપર સૂતી હતી. હીરવા તેની નજીક ગઈ અને કપાળે હાથ ફેરવ્યો..પણ આ શું ? તેનું કપાળ તો પરસેવે રેબઝેબ હતું. હીરવાને કંઈક અમંગળ ઘટવાના એંધાણ થયાં. તેણે થોડા મોટા અવાજે તેની મમ્મી ને ઉઠાડવાની કોશિશ કરી, પરંતુ હેમાક્ષી એ કોઈ પ્રતિભાવ ના આપ્યો. હીરવા એ તરત જ તેમના ફેમિલી ડોક્ટર ને ફોન કરી ને તાત્કાલિક બોલાવ્યા. ૧૦ મિનિટમાં ડોક્ટર આવી ગયા. પ્રાથમિક તપાસ કરી અને ડોક્ટર ધીરેથી હીરવા તરફ વળ્યા અને.."આઈ એમ સોરી .. શી ઇસ નો મોર..રાતે ઊંઘ મા જ લાગે છે કે હૃદય નો ભીષણ હુમલો આવ્યો છે".. હિરવા ત્યાં ને ત્યાં જ બેસી પડી..ડોક્ટર નીકળી ગયા.. હીરવા એ તરત જ કૃતાર્થને ફોન કરી ને બોલાવી લીધો..થોડી જ વાર મા કૃતાર્થ તે ઓરડામાં હાજર હતો. હિરવાને માથે હાથ ફેરવીને તેને સાંત્વન આપી રહ્યો હતો. દિવસ પૂરો થયો..બધી વિધિ પૂરી થઈ ચૂકી હતી.

બીજા દિવસે સવારે કૃતાર્થ હીરવા ને ઘરે પહોંચ્યો છે..ઘર ના દીવાનખંડમાં હીરવા સૂનમૂન બેઠી છે.."હીરવા, કેમ છે તું ? રાતે ઊંઘી ગઈ હતી ને ? જે થવાનું હતું એ થઈ ગયું છે. બહુ વિચાર ના કરીશ"...કૃતાર્થ એ તેને સમજાવવાની કોશિશ કરી અને હીરવા એ એક પરબીડિયું કૃતાર્થ ના હાથ મા મૂક્યું. કૃતાર્થ તેની તરફ જોઈ ને પરબીડિયામાંથી એક પત્ર કાઢ્યો. તેને જ સંબોધીને લખાયેલો તે પત્ર હતો.

કૃતાર્થ,

કુદરત ની કરામત કહો કે તેની ક્રૂર મજાક, પણ એ મજાક ના આપણે ત્રણે જણા ભોગ બન્યા છીએ..મારી સાથે તો જે થયું છે તે તો એક કાળક્રમ હતો, પરંતુ તે પછી જે તારી સાથે થયું છે તે એક ક્રૂર મજાક જ છે. પણ આપણે તે મજાકને સ્વીકારવી જ રહી..ભલે આ જન્મમાં હિતસ્વ ને હેમાક્ષીનો મેળાપ નથી થયો પરંતુ તને મારા પડછાયા સ્વરૂપે હીરવા મળી છે. તેની સંભાળ રાખજે..એમ સમજજે કે આ એક પરભવનો પડછાયો છે.

હેમાક્ષી

ઓરડામાં સૂનકાર વ્યાપી ગયો હતો..આજે એક મિલન સ્વર્ગમાં થયું હતું અને બીજું પૃથ્વી ઉપર.. પરભવનો પડછાયો ક્યાંક અવકાશમાં ગરક થઈ ચૂક્યો હતો.


Rate this content
Log in

Similar gujarati story from Tragedy