Nilang Rindani

Comedy

3  

Nilang Rindani

Comedy

એરપોર્ટનું અવનવું

એરપોર્ટનું અવનવું

9 mins
209


કહે છે ને કે હાસ્ય ને શોધવું નથી પડતું. પરંતુ તે આપનીર સમક્ષ જ હોય છે, ફક્ત તેને ઓળખવાની દૃષ્ટિ વિકસાવવી પડે. બાકી તો સોગિયા મુખારવિંદવાળા તો ડગલે ને પગલે ભટકાઈ જ જાય. પરંતુ જે ખરેખર હાસ્ય ને ઓળખવા વાળો હોય ને તો એ સોગીયા મોઢાંમાંથી પણ હાસ્ય શોધી જ લેશે. આવું જ કંઈક હું પણ શીખ્યો છું આજકાલ. ગધની નજર એવી થઈ ગઈ છે કે આવું બધું ઘુવડની માફક શોધ્યા જ કરતો હોઉં છું. કોઈક વાર તો એવું લાગે છે કે હું માણસ ઓછો અને ટેલિસ્કોપ વધારે થઈ ગયો છું. આમ જોવા જાવ તો બહુ અળવીતરું કહેવાય. પણ હવે કંઈ થઈ શકે એવું છે નહીં એટલે હવે માનસિક સમજૂતી કરી લીધી છે કે ભલે આ ટેવ અળવીતરી છે પરંતુ તેને લીધે કોઈ ના મોઢાં ઉપર હાસ્ય નો વાસ થતો હોય તો સાલું ખોટું શું ? હેં. શું ક્યો છો ?

હવે આ લેખ નું શીર્ષક જ જુઓ. એરપોર્ટનું અવનવું. અરે એરપોર્ટમાં તે શું અવનવું ? એરપોર્ટ ઉપરથી પ્લેન જ ઊડે. કઈં એસ. ટી બસ થોડી ઉપડે ? પરંતુ આગળ જ લખી ચુક્યો એમ. નજર અળવીતરી થઈ ગઈ છે. કંઈક ને કંઈક શોધ્યા કરું છું. આ લેખ વાંચનાર દરેક વાચક ક્યારેક ને ક્યારેક તો વિમાનમાં મુસાફરી કરી જ હશે, એટલે એરપોર્ટના દર્શન પણ કર્યા જ હોય. હવે હું જે મારું અવલોકન લખવા જઈ રહ્યો છું તે દરેક ના ધ્યાનમાં આવ્યું જ હશે અને આ લેખ વાંચ્યા પછી તેમને પ્રતીતિ જરૂરથી થશે કે... હા યાર. આ ઘુવડની વાત તો સાચી છે. હવે થયું એવું કે પાછલે અઠવાડિયે મારે ઓફિસ ના કામ અર્થે બેંગ્લોર જવાનું થયું, એટલે જે દિવસે જવાનું હતું તે દિવસે ફ્લાઈટ ઉપડવાના બે કલાક પહેલાં હું તો પહોંચી ગયો એરપોર્ટ ઉપર.

બોર્ડિંગ પાસ કઢાવીને હું સિકયુરિટી ની પ્રક્રિયાઓ પૂરી કરવા માટે લાઈન મા ઊભો હતો...મારી આગળ એક કાકા ઊભા હતા. હશે આશરે ૬૦-૬૫ની ઉંમર. હવે બધા ને ખ્યાલ હશે કે સિકયુરિટીની તપાસમાં તમારી પાસે જે સામાન હોય તે એક પ્લાસ્ટિકની મોટી ટ્રે મા મૂકવાનો હોય છે. અને પછી તે એક મશીન હેઠળ પસાર થાય અને જો બધું બરાબર હોય તો સાંગોપાંગ બહાર નીકળી જાય, નહીં તો હરિ હરિ. હવે ખાવા ની જે વસ્તુ હોય તે લઈ જવા નથી દેવાતી. મારી આગળ ઉભેલા કાકા ને એ વાત નું જ્ઞાન થયું કે શું થયું તે તો ખબર નહીં પરંતુ, તરત જ તેમણે મહિલાઓની લાઈનમાં ઉભેલ તેમની પત્ની ને હાકોટો કર્યો..."અરે સુશીલા. આ બેગમાં થેપલા છે તેનું શું કરું ? આ લોકો નહીં લઈ જવા દે. તને ના પાડતો હતો તો પણ લીધા". હવે મારી માફક બીજા પણ આ કાકા કાકીનો વાર્તાલાપ સાંભળવા લાગ્યા. હવે તેમાં જે ગુજરાતી હતા તેમને જ ખબર પડતી હતી કે શું થઈ રહ્યું છે. બાકીના ઓ તો ફક્ત હાવભાવ ઉપરથી નક્કી કરી રહ્યા હતા કે શું ચાલી રહ્યું છે. સામે છેડેથી પણ હાકોટો પડ્યો. "હવે અહીં બુમાટા ના પાડશો. એવું લાગતું હોય તો બે - ત્રણ અહીં જ ઝાપટી લો. અને મને પણ આપી દો. છે પણ કેટલા ?" જે કહો તે...પરંતુ કાકા ના મગજમા આ વાત ઉતરી ગઈ. તેમણે તરત જ પોતાનો થેલો ખોલ્યો અને તેમાંથી એક સ્ટીલ નો ડબ્બો કાઢી ને તેમાંથી મેથીના થેપલા કાઢ્યા અને ઝડપથી આરોગવા માંડ્યા. બે - ત્રણ તેમના કાકી ને પણ આપ્યા...પણ હજી ડબ્બામાં થોડા વધ્યા હતા. અચાનક તેમની નજર મારા ઉપર પડી. "ભાઈ શાબ... થેપલા ખાશો ? આ લોકો લઈ નહીં જવા દે અને ફેંકી દેશે તેના કરતા તમે પણ લો". લ્યો બોલો. શું કહેવું કાકા ને ? ફેંકી દેશે એ ડરથી મને આગ્રહ કરતા હતા. પરંતુ મેં ખૂબ જ નમ્રતા થી તેમને ના પાડી. પણ તેમને હજી મારો કેડો છોડવો નહોતો. "અરે ઘરે જ બનાવેલા છે. ભાવશે. છૂંદો પણ છે. કાઢું ?" હવે હું ખરેખરો ફસાયો. એક વાર તો વિનમ્રતા થી ના પાડી ચુક્યો હતો, ફરી વાર કેવી રીતે ના પાડવી. એટલે મને કમને એક થેપલું આગ્રહવશાત લીધું. આજુબાજુવાળા જોઈ રહ્યા હતા. ખરેખર ઘણી વિકટ પરિસ્થિતિ થઈ ગઈ હતી. જલ્દી પુરુ થઈ જાય એ મંશા થી ઝટપટ ખાવા લાગ્યો. પરંતુ એમાં ને એમાં ગળામાં ડચૂરો બાઝી ગયો અને ચડ્યો ઉધરસે. ભારે કરી. માંડ માંડ ઠેકાણે પડ્યું. બીજી બધી પ્રક્રિયાઓ પાર પાડી ને હું તો જઈ બેઠો એક ખુરશી ઉપર. હવે રાહ જોવાની હતી. ત્યાં સુધી શું કરવું ? એટલે મેં આમતેમ જોવા માંડ્યું. મારી સામેની બાજુ એક ત્રીસી વટાવી ચૂકેલી મહિલા તેના દીકરા ને ધમકાવી રહી હતી. હશે લગભગ ૩ - ૪ વર્ષ નો. ધમકાવતી હતી ત્યાં સુધી તો વાંધો નહોતો. પરંતુ એ પણ પાછું અંગ્રેજી મા ધમકાવતી હતી. "કીપ કવાયટ આઈ સેડ...ગોલુ. બિહેવ યોર્સેલ્ફ"... પેલો ગોલુ, જેનું નામ હતું તે વધારે ભેંકડો તાણવા માંડ્યો...અને તેની હેડંબા જેવી માં સામે ઘુરકિયા કરવા માંડ્યો. પેલી પણ જાય એવી નહોતી. ."શટ અપ ગોલુ. આઇ વિલ કીપ યુ હિયર. ડોન્ટ શાઉટ..." હવે મને થયું કે આ સાલું જબરું કહેવાય. પેલો ગોલુ હજી નિશાળ જતો પણ નહીં હોય પણ તેને ધમકાવવા માટે અંગ્રેજી ભાષાનો ઉપયોગ. બોલો. એરપોર્ટ ઉપર અંગ્રેજીમાં જ ધમકાવવું પડે એવો નિયમ હશે. આ જ માં કોઈ બસ સ્ટોપ ઉપર હોત તો માતૃભાષા મા જ પેલા નું ઢીમ ઢાળી દીધું હોત. બસ સ્ટોપ અને પ્લેન સ્ટોપ (એરપોર્ટ)માં ફરક એટલો જ ને કે બસ રસ્તા ઉપર દોડે અને પ્લેન હવામાં ઊડે...પણ એમાં કાંઈ માતૃભાષા થોડી ભૂલી જવાય. હું તો બેઠો બેઠો આમતેમ નજર દોડાવ્યે જતો હતો. સાલું, એવું લાગતું હતું કે કોઈ ફેશન શોમાં આવી ચડ્યો હોઉં. હું પણ ઘણી મુસાફરી કરી ચૂક્યો છું પ્લેન મા. વિદેશ પ્રવાસો પણ થયા છે. પણ એક વાત હજી નથી સમજાતી કે એરપોર્ટ ઉપર જાવ એટલે તમારે બનીઠનીને જવાનું.

મહિલાઓ તો જાણે.. ઓહ..ઓહ..ઓહ. લાલી, લિપસ્ટિક, ગોગલ્સ. અરે પણ એરપોર્ટ ની અંદર તડકો ક્યાં આવ્યો માવડી ? પુરુષો પણ આમાંથી જાય એવા નથી. ફાટેલા પેન્ટ, માથે લઘરવઘર ટોપી. ગિરનારના બાવા પણ શરમાય એવી જટા. હવે પ્લેનમાં જવું હોય તો આપણી અસલિયત ભૂલી જવાની ? અને બસ સ્ટોપ ઉપર જાવ એટલે. ઉપર જે બધું વર્ણવ્યું તેનું લાગલું જ ઊંધું. "૧૦₹ ની ખારીસીંગ આલ" અને એરપોર્ટ ઉપર એક સેન્ડવીચ ₹૩૦૦ની તો લેશે પણ કેવી રીતે. ખબર છે ?. કેન આઈ હેવ ધીસ ? ત્યાં ગધનો ભાવતાલ પણ નહીં કરે. હવે આ બધું નિરીક્ષણ ચાલતું હતું ત્યાં મારી બાજુ મા એક ભાઈ બેઠા બેઠા મોબાઈલ ઉપરથી પોતાને ઘરે વિડિયો કૉલ કરતા હતા. "જો. એરપોર્ટ ઉપર બેઠો છું. ઊભી રે. .પ્લેન બતાવું" આટલું બોલી ને તે કાચની બાલ્કની આગળ જઈ ચડ્યા અને ત્યાં થી ઊભા ઊભા પ્લેન આવતા જતા બતાવવા લાગ્યા. હવે એ ભાઈ ની ઉંમર હશે લગભગ ૪૦ - ૪૨ ની. પણ હરખ હતો ૨૪ - ૨૫ વર્ષના યુવાન જેવો. માથા ઉપર વાળ તો હતા ગણી ને ૪૯ - ૫૦ જેટલા, પણ વાતુ કરતી વખતે ૫૦ વખત બોચી ઉપર ના વાળ ના ઝુંડ ઉપર હાથ ફેરવી ફેરવી ને ખેંચવાની કોશિશમાં ત્રણ ચાર વાળ ને શહીદ કરી દીધા. હવે આ બોગનવેલ ને કોણ સમજાવે ? હું મનોમન હસી પડ્યો. પેલા ભાઈ થાક્યા હશે એટલે પાછા પોતાની જગ્યા ઉપર બેસી ગયા. મારી નજર અનાયાસ જ તેમની તરફ ગઈ. મને જોઈ ને ખબર નહીં શું થયું પણ પોતાના મોઢાંરૂપી ગુફામાંથી પા ઈંચ ના દાંત કાઢી ને હસ્યા. હું પણ વિવેક ખાતર રાશનિંગ મા અપાય એટલું હસ્યો. ...આમ તો હું વાત કરવા ના મૂડ મા નહોતો અને સદનસીબે પેલા ભાઈ ને મારા મૂડની જાણ થઈ ગઈ હશે એટલે તેમણે પણ વાત કરવાનો વિચાર માંડી વાળ્યો. ખેર અમારી ફ્લાઈટનો સમય થયો એટલે અમે ઊભા થઈ ને લાઈન મા જોડાઈ ગયા...મારી આગળ પેલા ભાઈ ઊભા હતા. તેમની અર્ધવાળેશ્વર વાળી ટાલમાંથી તેલ ના ત્રણ ચાર ટીપાં મારી સમક્ષ ડોકિયું કરી ને મોઢું બગાડી રહ્યા હતા. જાણે મને કહેતા હોય કે "ક્યાં આ ઉજ્જડ વેરાન પ્રદેશમાં ફસાયા ?". હવે તમે જોજો. જે ટાલિયા હશે ને તે ખબર નહીં કેમ પણ તેલ એટલું નાખશે કે જાણે કલાકમાં વાળ ઉગી જવાના હોય. .હવે ટાલ ને તેલ ની શું જરૂર ? આવા આવા વિચારો ને પોસતો હું મારી જગ્યા એ આવી ગયો. લે. પેલા ભાઈ પણ મારી બાજુમાં જ ગુડાણા. તેમણે ફરી પાછી દાંતની ગુફા મારી સમક્ષ ઉઘાડી. "બેંગ્લોર જાવ છો ?" તેમના આ પ્રશ્ન ઉપર જવાબ આપવાની અદમ્ય જીજીવિષા થઈ કે. હે દંતેશ્વર. હું તો એ જોવા આવ્યો છું કે પાઈલોટ ને પ્લેન ઉડાડતા આવડે છે કે નહીં. જોઈ લીધા પછી રસ્તા મા ઉતરી જઈશ. ..પરંતુ વિવેક બુદ્ધિ એ મને આવું બોલતાં રોક્યો અને મેં ફક્ત હકારમાં ડોકું નીચેની તરફ વાળ્યું. પ્લેન રન વે ઉપર દોડવા લાગ્યું. પેલા ભાઈ એ ફરી પાછો પોતાના મોબાઈલનો કેમેરો ચાલુ કરી ને પ્લેનની ગતિ ને કેમેરામા કેદ કરવામાં મશગુલ થઈ ગયા.

પ્લેન ટેક ઓફ થયું. મોબાઈલ કેમેરો ચાલુ જ હતો. થોડી વાર થઈ હશે ત્યાં વિમાનની પરિચારિકા આવી ને તદ્દન ખોટે ખોટા સ્મિત થી પ્લેન મા આપવામાં આવતો અલ્પાહાર ની માહિતી આપવા લાગી. ગજબ તો ત્યાં થયો જ્યારે પેલા ભાઈ એ ફરી પાછો કેમેરો શરૂ કરીને પેલી પરિચારિકા તરફ માંડ્યો. મારે તો કોઈ લેવાદેવા હતી નહીં પણ હું પણ અકારણ છોભાઈ ગયો. હવે આ મહાપ્રભુ ને કહેવું શું ? પેલી પરિચારિકા પણ પોતાનું હસવું રોકી ના શકી. ખેર. સેન્ડવીચ ના ત્રિકોણીયા ખોખા અમને પધરાવી ને પેલી પરિચારિકા આગળ ધપી. મારી બાજુ વાળા ભાઈ હજી અટકવાનું નામ નહોતા લેતા. પોતાના મોબાઈલ નો કેમેરો ફરી પાછો શરૂ કરી ને પેલું ખોખું ઉઘાડી ને સેન્ડવીચ ના ફોટા પાડ્યા. મેં મનોમન તેમને સાષ્ટાંગ દંડવત કર્યા. ...મેં મારી નજર અને મન બીજે ખોડવા ની કોશિશ કરી. મારી બાજુ ની હરોળ મા એક લગભગ ૬૦ વર્ષ ના કાકા બેઠા હતા. ક્યારના ઊંચા નીચા થતા હતા. હું જોઈ રહ્યો હતો કે તે વાંકા વળી વળી ને આગળ ની જગ્યા જ્યાં પરિચારિકા ઓ ઊભી હોય છે ત્યાં જોઈ રહ્યા હતા. મેં માનવતા ના ભાવે તેમને કહ્યું કે ઉપર ની બાજુ એ એક બટન છે તે દબાવશો એટલે પેલી તમારી સેવા મા હાજર થશે. પેલા કાકા એ સૂચના મુજબ કર્યું અને પેલી પરિચારિકા ખોટું અને ખરેલું હસી ને. "યસ. હાઉ મે આઈ હેલ્પ યુ ?" કાકા સમજ્યા હોય કે નહીં એ તો ખબર નહીં પરંતુ હળવો ઘાંટો પાડ્યો "ટોયલેટ ગો" (લઘુશંકા એ જવું છે) એટલે પેલી એ ઈશારો કરી ને જગ્યા બતાવી. કાકા ઊભા થયા જ હતા કે પ્લેન વાદળ મા થી પસાર થયું અને થોડું હલબલી ગયું. .પેલા કાકા નું સંતુલન રહ્યું નહીં અને આગળ બેઠેલ એક નારી ના ખોળા મા તેમનું કસમય નું ઉતરાણ થયું. "ઓહ નો. વોટ આર યુ ડુઇંગ? પ્લીઝ હેલ્પ" પરિચારિકા દોડતી આવી ને પેલા કાકા ને સંભાળ્યા. કાકા તો ઊભા થઈ ને હેંડ્યા ટોયલેટ રૂપી ગોખલા મા. દરેક જણ આ તાલ જોઈ રહ્યા હતા. આજે તો ખરેખર મનોરંજન થઈ રહ્યું હતું. મેં એક બાબત એ પણ નોંધી છે અને દરેક જણ જે વિમાન મા પ્રવાસ કરતા હશે તેમણે પણ નોંધ્યું જ હશે કે પ્લેન મા બેઠા પછી અચાનક તમે અપાળંગ કહો કે અપંગ. જે કહો તે પણ થઈ જાવ છો. કઈં પણ નાનું અમથું કામ હોય એટલે તરત જ ઉપર ની સ્વીચ દબાવી ને પરિચારિકા ને બોલાવવાની. મારે આમ જવું છે. મારે તેમ જવું છે. મારો કમર પટ્ટો નથી ઉઘાડતો કે બંધ થતો. એજ વ્યક્તિ બસ કે ટ્રેન મા મુસાફરી કરતો હોય તો ઠેબા ખાતો ખાતો ગંધાતા ટોયલેટ મા કોઈ પણ જાત ની મદદ વગર જશે. ખબર નહીં પ્લેન મા કેમ લકવો મારી જતો હશે ?

બેંગ્લોર આવી ગયું. પ્લેનમાંથી ઉતરી ને મારી બાજુ જે ભાઈ બેઠા હતા તેમણે કોઈ એક મુસાફર ને પોતાનો મોબાઈલ આપી ને પોતાનો ફોટો પાડવા માટે વિનંતી કરી. હવે આ બાકી રહ્યું હતું. પ્લેન આગળ એક ટાંટીયો થોડો આગળ કરી. શરીર થી અડધો ફૂટ બહાર આવેલા પેટ ઉપર અદબ વાળી ને પોતાની દંતાવલી નું પ્રદર્શન કરી ને ફોટો પડાવ્યો. મને એમ કે હવે પતી ગયું. પરંતુ તે મારી નરી ભ્રમણા જ હતી. જ્યાં સામાન આવવાનો હતો તે બેલ્ટ આગળ જઈ ને હું ઊભો રહ્યો. પેલા ભાઈ પણ મારી આગળ જ હતા. સામાન આવવા લાગ્યો. અને ત્યાં ફરી પાછો પેલા ભાઈ એ પોતાના મોબાઈલ નો કેમેરો ચાલુ કરી ને સામાન આવતો હતો તેનો વીડિયો ઉતારવા માંડ્યા. .હવે મારી ક્ષમતા રહી નહોતી આટલું બધું જોવાની. દોઢ કલાક ની ફ્લાઈટ માટે આટલું ભારણ ઘણું હતું. હું તો બાપડો મારી બેગ જેવી આવી કે લઈ ને પરબારો બહાર. ..એરપોર્ટ ઉપર આવું અવનવું ઘણું જોવા મળતું હોય છે. ..તમે લોકો પણ ક્યારેક આવી નજર ફેરવતા રહેજો. .


Rate this content
Log in

Similar gujarati story from Comedy