Nilang Rindani

Comedy

4  

Nilang Rindani

Comedy

લીમડા પુરાણ

લીમડા પુરાણ

7 mins
244


એવું કહેવાય છે કે ભોજનની કોઈ વાનગીમાં જો લીમડાના પાન ના હોય તો એનો સ્વાદ બેસ્વાદ થઈ જાય છે. સાચું હશે, એમાં કોઈ બેમત નથી અને આમ જુઓ તો મને પણ લીમડા પ્રત્યે એવો કોઈ પૂર્વગ્રહ નથી જ. અને જે મારી વાચક બહેનો હશે કે વાચક ગોરધનો (અમુક તમુક ગોરધનો ને બળજબરી પૂર્વક રસોઈ ઘર મા જવું પડતું હોય છે) તેમને લીમડાનું મહત્વ ખબર જ હોય, એટલે તેમની સાથે લીમડા વિવાદ કરવાનો પણ કોઈ અર્થ નથી, એમાંય અમારા શ્રીમતીજી સાથે તો ખાસ.. . રખે ને લીમડા વિવાદમાં મારા સુખી સંસારમાં લીમડો ઘૂસી જાય તો મારે આ (નાની) ઉંમરે લીમડા ના ઝાડ હેઠળ રહેણાંક વસાવવાનો વારો આવે. સાળો અને લીમડો.. તમારા ઘરમાં અને ભોજનમાં હંમેશા ભળેલો જ હોય (સાળા વિહોણા ગોરધનો ને ઉપરોક્ત વાક્ય લાગુ નથી પડતું, તેમણે ફક્ત લીમડા સાથે જ નિસ્બત રાખવી). 

ખેર. વાચકો ને થશે કે આજે આ લેખ મા કેમ શરૂઆતથી જ લીમડાનો વઘાર છે ? પરંતુ ઘટના પણ એવી ઘટી કે અનિચ્છાએ પણ મારે આખો લેખ જ લીમડા ને સમર્પિત કરવો પડશે. કોઈ મહેરબાની કરી ને એવું ના માની લે કે આ કોઈ વૈદિક ઉપચાર માટેનો લેખ છે. આ તો અનુભવે આંબા પાકે એવી રીતે દાળે દાળે લીમડા લાગે (આ નવી કહેવત છે). આવી જ એક હાસ્યાસ્પદ ઘટના (વાચકો માટે બેશક હાસ્યાસ્પદ, પરંતુ મારે માટે તો એ દુર્ઘટના જ હતી) મારી ઓફિસમાં બની ગઈ. બન્યું એવું કે રોજિંદા નિયમ મુજબ મારું ટિફિન ઘરેથી ઓફિસ બપોરે લંચ સમયે આવી ગયું અને જેમ પહેલી પંગત નો પોકાર પડે તેમ નીચે કેંટીનમાંથી મારા ઇન્ટરકોમ ઉપર ફોન આવ્યો કે આવો, ભૂદેવો. પતરાળાં લાગી ગયા છે. , એટલે હું નીચે ઊતર્યો.. .હવે મારી સાથે મારા બીજા સહકર્મચારી પણ જમવા બેસે છે, એટલે એ લોકો પણ આવી ગયા અને પોતપોતાના ટિફિન ખોલી ને ઘરેથી આવેલ વાનગીઓ થાળીમાં પ્રદર્શન કાજે ગોઠવી.. .આદત અનુસાર, એક અધૂરી નજર દરેકની થાળીમાં કરી લીધી અને તાગ મેળવી લીધો કે ઘરનું વાતાવરણ કેવુ હશે. મેં પણ મોટે ઉપાડે મારું ટિફિન ખોલ્યું. બીજું બધું તો ઠીક પણ આજે મારા ટિફિનમાં દાળની આશ્ચર્યજનક ઉપસ્થિતિ હતી.. .બાકી રોટલી અને શાક તો હતા જ. મગ ની પીળી દાળ હોય એવું મારું પ્રાથમિક પૃથક્કરણ નીકળ્યું. મેં દાળ વાટકી મા ઠાલવી. હવે નિયમ એવો છે કે જમવાની શરૂઆત કરતાં પહેલાં એક ઔપચારિક વિવેક એક બીજા ને કરી લઈએ કે થોડું ચાખો (અને અમને ચખાડો).. એટલે મારી બાજુ મા જે ભાઈ બેઠા હતા તેમણે જોયું કે આજે તો આના ટિફિનમાં દાળ છે, એટલે એમણે પોતાની વાટકીમા મારી વાટકી માંથી ૩ - ૪ ચમચી દાળ લીધી. પરંતુ મેં જોયું કે એમણે જેટલી દાળ લીધી એમાં લગભગ વધારે લીમડા જ આવ્યા. એનેય ખબર તો પડી કે આ તો સાલો નો બોલ પડ્યો. અને બીજી વાર લેવાય નહીં તેવો વિવેક તેમને અચાનક સાંભર્યો, એટલે એ તો સમસમી ને બેસી ગયા. મેં જમવાનું શરૂ કર્યું અને જેવી રોટલી દાળ મા ઝબોળી ને બહાર કાઢી તો તેની સાથે સાડા ત્રણ લીમડા ચોંટી ને બહાર આવ્યા.. .એટલે મેં ફરી પાછી રોટલી ને દાળમા ઝબોળી અને બહાર કાઢી તો, હવે લીમડા સાથે લવિંગ પણ વળગી ને બહાર આવ્યું.. .હું તો બાપલીયા. બરાબર નો ફસાયો.. .એટલે મેં થોડી વાર માટે શાક ઉપર મારું ધ્યાન કેન્દ્રિત કર્યું. મને અભાગિયા ને એમ કે લીમડા નીચે બેસી ગયા હશે.. .બે - ત્રણ મિનિટ પછી ફરી પાછી મેં હિંમત કરી ને ચમચીથી દાળ હલાવીને લેવાનો પ્રયાસ કર્યો તો. લીમડા, લવિંગ અને હવે આદુ નું ઠુંઠું પણ ભેગુ આવ્યું. સત્યાનાશ જાય. પણ હવે કોઈ બીજો છૂટકો નહોતો, એટલે મેં લાજ શરમ ને થાળીની બીજી બાજુ મૂકીને ચમચીથી આ બધો મસાલો કાઢવાની કોશિશ કરી. એક ચમચી, બે ચમચી. હું કાઢતો ગયો.. .લગભગ ૧૦ - ૧૨ લીમડા, ૫ લવિંગ, ૨ તજ અને ૪ આદુ ના ઠૂંઠાં. .આ બધું ટિફિન ના ડબ્બામાં વિજય સ્મિત સાથે બહાર કાઢ્યું અને પછી વાટકી તરફ જોયું તો તમ્મર ચડી ગયા.. .હવે વાટકી મા પીળી દાળ ના ૭ - ૮ દાણા અને તેનું પાણી બચ્યું.. મારી બાજુ વાળો આ જોઈ રહ્યો હતો. હું થોડો શરમાઈ ગયો. એટલે મેં અતિ બુદ્ધિશાળી વ્યક્તિ ને શોભે એવું કામ કર્યું.. .ફરી પાછો બધો મસાલો મેં વાટકી મા પ્રતિસ્થાપિત કરી દીધો, અને વાટકી ફરી પાછી ભરાઈ ગઈ.

મેં તો મનોમન મારા શ્રીમતીજી ને બરાબર ના ભાંડયા. પરંતુ હવે બીજો કોઈ રસ્તો નહોતો. એક - બે કોળિયા ખાધા ના ખાધા અને ફરી પાછી દાળ પીવાની ચળવળ ઊઠી. ચમચી ઉઠાવી ને મેં દાળની વાટકીમાંથી દાળ ભરી અને સીધી આગળ પાછળ જોયા વગર મોઢાં મા ઠપકારી દીધી. હવે આ પ્રક્રિયા દરમિયાન, મેં જોયું નહીં કે ચમચી મા શું ભરાઈ ને આવ્યું છે.. .મોઢાં મા દાળનો સ્વાદ આવ્યો, એટલે થયું કે તીર તો નિશાન ઉપર વાગ્યું છે, પણ મારી આ ખુશી કહો કે જીત, તે ક્ષણભર ની થઈ ને રહી. આમા ને આમા ૩ - ૪ આતંકવાદી લીમડા સરહદ પાર કરી ને મારા મોઢાંમાં પ્રવેશ કરી ગયા. હવે આમા તકલીફ એવી થાય અને આ કદાચ દરેક ને થતું હશે.. .કે લીમડા મોઢાં મા આવી જાય તો તેને જીભથી ફેરવી ને મુખ ના દ્વારે લાવી ને પછી બે આંગળીથી તેને થાળી મા એક જગ્યા એ મૂકી દેવામાં આવે છે, પરંતુ મને એવું થયું કે ક્યાં ઓફિસ ના સહકર્મચારીની સમક્ષ મોઢાંમાંથી લીમડા નામક આતંકવાદીઓને કાઢવા, એટલે મોઢું આમતેમ કરી ને હાથ ચાલાકીથી ૨ લીમડા અને આદુ નું ઠુઠું તો કાઢી નાખ્યું, પરંતુ એક લીમડો અતિશય જિદ્દી અને હલકટ નીકળ્યો. તે સીધો મારા મોઢાં મા જઈ ને તાળવે ચોંટી ગયો. હવે તાળવું એવી જગ્યા છે કે કંઇક નાનું એવું પણ ચોંટ્યું હોય તો પણ તમે બેબાકળા થઈ જાઓ. જ્યારે આ તો બીલીપત્ર ના કદ નો ડામીસ લીમડો.. .મેં મારી જીભ અંદરોઅંદર ફેરવવા માંડી, પરંતુ તેને લીધે થયું એવું કે મારું બાહરી મુખ ગાય વાગોળે અને તેનું મોઢું કેવું હલે, એવી રીતે હલવા માંડ્યું.. .હું અચાનક સાવધ થઈ ગયો. હવે એવું પણ ના થાય કે મોઢું આખું ખોલીને તેમાં હાથની એક આંગળીથી લીમડાને ખસેડું. હા, ઘર હોત તો આ કાર્ય પણ કર્યું જ હોત, પણ ઓફિસ ના સહકર્મચારીની સમક્ષ મારા મોઢાં મા કેટલા દાંત બચ્યા છે તે બતાવવાની શું જરૂર ? મેં પાણી પી ને ધીરે ધીરે પાણીના ગોળાને ઉપર નીચે ફેરવવા લાગ્યો. પણ આમા પણ નિષ્ફળ. જોર જોરથી કોગળા કરતા હોય એવું પણ ના કરાય. પણ હવે તો હું રીતસર નો મરણિયો થઈ ગયો હતો. મારી સામે અને બાજુવાળો તો જમવાની આખરી ઓવર એટલે કે ભાત ઉપર આવી ગયા હતા અને હું હજી લીમડા સાથે કુશ્તી લડી રહ્યો હતો. લીમડો એટલો હઠીલો હતો જે ખસવાનું નામ નહોતો લેતો. અને હતો પણ અતિ પાતળો, એટલે બરાબરનો ફેવિકોલના જોડની માફક ચોંટી ગયો હતો. મને અતિ ખતરનાક વિચાર આવી ગયો કે જો હું દેશનો પ્રધાનમંત્રી ભૂલેચૂકે થઈ ગયો તો દરેક જગ્યાએથી લીમડા ના ઝાડ કપાવી નાખીશ અને જેને ત્યાં લીમડાનું ઝાડ હશે તો તેમને બે ગણો વધુ "લીમડા કર" આપવો પડશે. ખૂબ જ મથામણ ને અંતે, આતંકવાદી લીમડા એ હાર સ્વીકારી. તાળવા ઉપરથી ખરી ને નીચે આવ્યો અને આવ્યા ભેગો જ મોઢાંની બહાર કાઢ્યો. બાકી વધેલી લીમડા યુક્ત દાળ કે દાળ યુક્ત લીમડા ને તેના સહારે છોડી ને અમે લોકો એ અમારું ભોજન પતાવ્યું. અનાયાસે જ મારી નજર બાજુવાળાની થાળીમાં ગઈ તો ખબર પડી જે પાડોશી દેશમાં પણ ૪ - ૫ લીમડા પહોંચી ગયા હતા. હું મારી જગ્યા એ પહોંચ્યો, પછી એક પિશાચી વિચાર આવ્યો કે લાવ શ્રીમતીજીને ફોન કરું.

શ્રીમતીજી ફોન ઉપર આવ્યા.. ."શું થયું ?".. .અતિ તીક્ષ્ણતાથી પૂછાયેલ પ્રશ્નથી મારી બધી હિંમતનું બાષ્પીભવન થઈ ગયું. ..પરંતુ પ્રભુ સાચાની સાથે હોય છે તેનો અનુભવ મને તરત જ થયો. મારા શ્રીમતીજી એ મને સામેથી પૂછ્યું "આજે તને દાળ આપી છે. કેવી હતી ?" હું એકદમ સાવધ થઈ ગયો. સમજો ને જે હું બેટ્સમેન હતો અને સામે છેડે મુરલીધરન ગુગલી દડો ફેંકી રહ્યો હતો. મારા લગ્નજીવન ના ૨૬ વર્ષોનો બહોળો અનુભવ કામે લગાડ્યો અને ઉવાચ "અરે કેમ આટલી તકલીફ લીધી.. .મને તો શાક એકલું ચાલી જ જાત ને ? પણ ઘણી જ સ્વાદિષ્ટ હતી. તમે લોકો એ ખાધી કે નહીં ?".. .જો મારા લગ્નજીવન ને ૨૬ વર્ષ થયાં હોય તો એ મારા શ્રીમતીજી ને પણ લાગુ પડે ને ? અને એમણે જે બોમ્બ ફેંક્યો તેનાથી તો હું ખુરશીમાં બેઠો બેઠો પડી ગયો. "ના રે ના.. .આ તો મમ્મી પપ્પાની દાળ વધી હતી તે તને આપી હતી. અમારી તો તુવેરની દાળ કરી જ છે ને". ..લ્યો બોલો.. .હવે આગળ કઈં બોલવાનું બાકી રહ્યું જ નહોતું. એટલે હું આગળ બોલ્યો "અરે.. .પણ મને ચાલત ને. પણ દાળ હતી શેની ? કારણ કે લીમડા અને લવિંગ એટલા બધા હતા કે હું એટલું કળી ના શક્યો" (ઉપરોક્ત વાક્ય અતિ અનુભવશાળી ગોરધનો એ જ બોલવું.. .બીજાઓ એ આ કોશિશ કરવી નહીં) અને આ સાંભળ્યા પછી એક સાથે ૧૦૦ ગોળીઓ વછૂટી "ખાઈ લેવાનું જે આવે તે.. .મળે છે એ કહે ને" હું પાછો મારી સરહદમાં પહોંચી ગયો.. .આભારવિધિ પતાવીને ફોન પૂરો કર્યો. .!

ઉપરોક્ત અનુભવલક્ષી લેખ વાંચ્યા પછી કોઈએ લીમડા વિશે વધારે ચર્ચા કરવી નહીં.. .લીમડાની દાળ પણ હોઈ શકે છે..!


Rate this content
Log in

Similar gujarati story from Comedy