Nilang Rindani

Tragedy

3  

Nilang Rindani

Tragedy

જિંદગી ૬ મહિનાની

જિંદગી ૬ મહિનાની

11 mins
160


જીવન હોસ્પિટલમાં આવેલ ડૉ. પટેલની કેબિનનું વાતાવરણ અવર્ણનીય રીતે ભારેખમ હતું, સમજોને કે નકારાત્મકતાની ચરમસીમા એ હતું. ડૉ. પટેલની સમક્ષ પ્રેયાંશ દેસાઈ અને તેમના પત્ની પ્રયોષા દેસાઈ બેઠેલ હતા. તેમના ચહેરા ઉપર પારાવાર વિષાદના વાદળો ઘેરાયેલા હતા. એક સ્મશાનવત શાંતિ પ્રસરેલી હતી તે ૧૮ x ૨૦ ફૂટની કેબિન મા. એવું તે શું થઈ ગયું હતું, જેને લીધે આ વિષાદ ભર્યું વાતાવરણ અનુભવાઈ રહ્યું હતું ? 

વાત જાણે એમ હતી કે, પ્રેયાંશ દેસાઈના માતૃશ્રી યજ્ઞેશ્વરી દેસાઈ ને "જીવન હોસ્પિટલ" ના આઈ.સી. યુ. વિભાગમાં છેલ્લા ૧૦ દિવસથી દાખલ હતા. તેઓ મજ્જા તંત્ર (બોન મેરો) ના ઈલાજ માટે ત્યાં દાખલ હતા. તેમનું મજ્જા તંત્ર કામ કરતું તદ્દન બંધ થઈ ગયું હતું. અને તેનો એક જ ઉપાય એ હતો કે તેમને રોજ લોહીના બાટલા ચડાવવા પડતા હતા. આમ જુઓ તો યજ્ઞેશ્ચરી બહેનને જોઈને ખયાલ ના આવે કે તેઓ આ બીમારી થી પીડાતાં હશે. મોઢાં ઉપર એજ મૃદુ સ્મિત અને સકારાત્મકતાના અભિગમને લીધે તેઓ આ ભીષણ બીમારીની સામે ઝીંક ઝીલી રહ્યા હતા. ડૉ. પટેલે આજે પ્રેયાંશ દેસાઈ અને તેમના પત્નીને મળવા માટે બોલાવ્યા હતા જેથી તે તેમને હકીકત વર્ણવી શકે.."પ્રેયાંશ ભાઈ, મારી એક સલાહ છે તમને, પછી તમારે જ નિર્ણય લેવાનો છે..યજ્ઞેશ્ચરી બહેનની આ બીમારી ના ઈલાજ છે.. આપણે કોશિશ તો કરી જ રહ્યા છીએ, તેમાં બેમત નથી..બે ત્રણ દિવસમાં તેમને હું અહીંથી રજા પણ આપી જ દઈશ...તમારે ફક્ત એક વાતનું ધ્યાન રાખવાનું છે કે દર ૧૫ દિવસે તેમનું લોહી બદલવું પડશે અને હું જે દવાઓ લખી આપું તે તેમને નિયમિત આપતાં રહેવું પડશે..પણ (ડૉ. પટેલે બે ત્રણ પળનો વિરામ લીધો, જાણે શબ્દો ગોઠવતા હોય) મારા અનુભવ ના જોરે હું એટલું કહી શકું કે યજ્ઞેશ્ચરી બહેનનું આયુષ્ય ૬ મહિનાથી વધુ નથી, કારણ કે આપણે અત્યારે થીગડું જ મારી રહ્યા છીએ...બોન મેરો આપણા શરીરમાં ઘણો અગત્યનો ભાગ ભજવે છે અને તેમને આજ બીમારી છે" ડૉ. પટેલે જે કહેવાનું હતું તે કહીને એક મોટો શ્વાસ છોડ્યો. અમુક ક્ષણો સુધી કોઈ કશું બોલ્યું નહીં. વાતાવરણ અતિશય ભારેખમ થઈ ગયું હતું..પ્રેયાંશ આ સાંભળીને સુન્ન મારી ગયો હતો...એક વખત પ્રયોશા સમક્ષ જોઈને બીજી ક્ષણે થોડી ઘણી સ્વસ્થતા ધારણ કરીને.."ડૉ. પટેલ, આપ જે કહો છો તે સમજી તો ગયો છું પરંતુ મારું મન આ માનવા તૈયાર નથી..શું બીજો કોઈ જ ઉપાય નથી ? આઈ મીન... બીજા કોઈ મોટા શહેરમાં જઈને ઈલાજ કરીએ તો..." પ્રેયાંશ એ પોતાનો મુદ્દો મૂક્યો અને ડૉ. પટેલ સમક્ષ જોઈ રહ્યો.. ડૉ. પટેલે પતિ પત્ની સમક્ષ જોઈને "પ્રેયાંશ ભાઈ, આપની વ્યથા અને લાગણી સમજી શકું છું..પરંતુ તમને બન્નેને અહીં બોલાવતાં પહેલાં આ બધી જ શક્યતાઓ ઉપર ચર્ચા વિચારણા બીજા ડોક્ટરો સાથે પણ કરી જ જોઈ હતી અને પછી જ હું આ તારણ ઉપર આવ્યો છું, તેમ છતાં પણ આપણે વધુ કોશિશ કરવી હોય તો મુંબઈમાં મારા વર્તુળમાં ઘણા ડોક્ટરો છે, તેમનો પણ આપણે અભિપ્રાય લઈ જોઈએ..." ડો. પટેલ હજી આગળ કઈં બોલે તે પહેલાં જ પ્રેયાંશ તેમને અટકાવીને બોલી ઉઠ્યો "ડૉ. પટેલ, અમને તમારી સારવાર ઉપર પૂરેપૂરો ભરોસો છે..મારી માંનું આયુષ્ય આટલું જ હશે.. આપણે કોશિશ કરી જોઈ...બીજું શું કરી શકીએ ?" પ્રેયાંશનો અવાજ લગભગ રડમસ થઈ ગયો હતો..આંખોના ખૂણા ભીના થઈ ગયા હતા.. પ્રયોશા એ હળવેથી પોતાની હથેળી પ્રેયાંશ ના હાથ ઉપર મૂકીને તેને મુક સાંત્વના આપી. ડૉ. પટેલે તેમના હાથમાં રહેલા રીપોર્ટસ એક મોટા કવરમાં મુકીને પ્રેયાંશના હાથમાં આપ્યું..અને "પ્રેયાંશ ભાઈ, યજ્ઞેશ્ચરી બહેનને રજા આપવાની પ્રક્રિયા શરૂ કરાવી દઉં છું..તમને દવાઓની વિગત આપું છું, તે નિયમિત પણે આપતા રહેશો...જો કોઈ ઈમરજન્સી લાગે તો બેધડક ફોન કરી દેજો" ડૉ. પટેલ આટલું બોલીને ઊભા થયા. પ્રેયાંશ અને પ્રયોશા પણ જાણે ખભા ઉપર ૧૦૦૦ મણનો બોજો હોય એટલું ધીરે થી ઉભા થઈને ભારે પગલે ડૉ. પટેલની કેબિનમાં થી બહાર નીકળ્યા. બહાર નીકળ્યા તો જોયું કે નર્સ યજ્ઞેશ્ચરી બહેનને વ્હીલ ચેર ઉપર બેસાડીને કોરિડોરમાં આંટા મારી રહી હતી. પ્રેયાંશ અને પ્રયોશા એ તરત જ દેખાવ પૂરતી સ્વસ્થતા ધારણ કરી અને યજ્ઞેશ્ચરી બહેનની નજીક ગયા...પ્રેયાંશ તેમની વ્હીલચેર આગળ ઘૂંટણ ભેર બેસીને "માં...જુઓ તમને તો આજે રજા આપી દે છે...તમે હવે એકદમ સાજા સારા થઈ ગયા છો.. આપણે થોડી જ વારમાં ઘરે જઈશું". પ્રેયાંશ એ અતિ પ્રેમભર્યા સ્વરે તેની માંને આ સમાચાર આપ્યા, અને આ જાણીને તો જાણે યજ્ઞેશ્ચરી બહેન ના ચહેરા ઉપર એક નાની બાળકી જેવું અતિ વાત્સલ્ય સભર સ્મિત ઉભરી આવ્યું...અને તેમણે પણ પ્રેયાંશ ના માથે તેમનો હાથ મૂકીને અતિશય ક્ષીણ સ્વરમાં જવાબ આપ્યો "અરે વાહ દીકરા..તારી અને પ્રયોશાની નિ:સ્વાર્થ સેવાનું આ પરિણામ છે..ભગવાન સહુ માંને તારા જેવો દીકરીરો અને તારા જેવી વહુ આપે"..આટલું બોલતાંમાં તો યજ્ઞેશ્ચરી બહેનને શ્વાસ ચડી ગયો...સાથે ઉભેલી નર્સ એ તરત જ તેમને સંભાળી લીધા..અને પ્રેયાંશને તાકીદ કરી કે નબળાઈને લીધે બહુ બોલવાનો પરિશ્રમ ના કરે, અને પછી ના એકાદ કલાકમાં તો યજ્ઞેશ્ચરી બહેન પ્રેયાંશની ગાડીમાં પાછળની સીટ ઉપર પ્રયોશા સાથે બેઠા હતા અને પોતાના ઘર તરફ પ્રયાણ કરી ગયા.

સમય નામનો યમલોકનો દૂત હંમેશા મનુષ્યને તેની ટક ટક ટક થી એજ કહેવાની કોશિશ કરતો હોય છે કે...રે મનુષ્ય..હું કોઈ ના પણ રોકયે રોકાતો નથી..સમય વહેતો ચાલ્યો..આ તરફ પ્રેયાંશ અને પ્રયોશા, યજ્ઞેશ્ચરી બહેનની સેવામાં રાત દિવસ એક કરી રહ્યા હતા. દવાઓનો દોર ચાલુ થઈ ગયો હતો...બીમારી પણ એટલી જ જટિલ હતીને..સવાર પડે અને પ્રયોશા હાથમાં દૂધનો કપ અને તેની સાથે લેવાની ગોળીઓ લઈને હાજર થઈ જ જતી. યજ્ઞેશ્ચરી બહેન કટાણું મોઢું કરીને પણ અનિચ્છાએ તે પી જતાં.૧૧ - ૧૧:૩૦ વાગે એટલે જમ્યા પહેલાંની દવાઓ, ૧૨:૦૦ ના ટકોરે જમવાનું, ફરી પાછી જમીને લેવાતી ગોળી, બપોરે ચા સાથે મેરી ના બિસ્કિટ, સાંજે ૫:૩૦ વાગે પ્રયોશા યજ્ઞેશ્ચરી બહેનને વ્હીલચેરમાં બેસાડીને તેમની જ સોસાયટીમાં આવેલ મહાદેવ ના મંદિરમાં લઈ જતી..ત્યાં નાના બગીચામાં બેસીને અલક મલકની વાતો કરતી..નાના નાના ભૂલકાંઓને રમતાં જોઈને યજ્ઞેશ્ચરી બહેન પણ એકદમ પ્રફુલ્લિત થઈ જતાં, ત્યાં સાંજે ૬:૩૦ વાગે એટલે પ્રેયાંશ આવી જતો..એટલે પછી ત્રણેય જણા ધીરે ધીરે ચાલતાં ચાલતાં પોતાના ઘર તરફ પ્રયાણ કરતાં...ઘરે પહોંચીને પ્રેયાંશ હાથ મોઢું ધોઈને ફ્રેશ થઈ જતો અને પછી યજ્ઞેશ્ચરી બહેન પાસે આવીને બેસતો અને તેની સાથે આખા દિવસમાં શું શું કર્યું તેનો અહેવાલ લેતો. થોડી વાર પછી પ્રેયાંશ અને પ્રયોશા, ડાઈનિંગ ટેબલ ઉપર બેસીને ચા સાથે થોડો હળવો નાસ્તો કરતાં અને આખા દિવસમાં શું શું ઘટયું, તેની ચર્ચા કરતાં. આ નિત્યક્રમ થોડા દિવસ ચાલ્યો. હવે તો પ્રેયાંશ એ યજ્ઞેશ્ચરી બહેન ના ઓરડામાં એક બેલ પણ મુકાવી દીધી હતી...રાત વરત જો જરૂર પડે તો યજ્ઞેશ્ચરી બહેન તે બેલની મદદ થી પ્રેયાંશને જાણ કરી શકે. બધું રાબેતા મુજબ ચાલી રહ્યું હતું.

અને એક સવારે, નિત્યક્રમ મુજબ પ્રયોશા યજ્ઞેશ્ચરી બહેનના ઓરડામાં દૂધનો પ્યાલો અને ગોળીઓ લઈને ગઈ..આજે કદાચ થોડું મોડું થયું હતું, નિત્ય સમય કરતાં. યજ્ઞેશ્ચરી બહેન નાહી ધોઈને બેઠાં હતાં..."મમ્મી.. માફ કરશો, આજે થોડું મોડું થઈ ગયું તમને દૂધ અને ગોળી આપવામાં...પ્રેયાંશને પણ થોડું મોડું થતું હતું એટલે પહેલાં તેમની ચા બનાવી"...હજી તો પ્રયોશા આટલું જ બોલી ત્યાં તો યજ્ઞેશ્ચરી બહેન બોલી ઉઠ્યા..."ખબર જ હતી મને..નવું નવું તો બધા કરતા હોય.. ડોશી ભલે પડી એક ખૂણા મા.. અરે...આટલી બધી નિષ્કાળજી ? તમને લોકોને ખબર છે કે મારી દવાનો સમય નક્કી જ હોય છે તો સમયસર આપવામાં શું બગડે છે તમારું ? લાવ...ચાલ"...પ્રયોશા તો રીતસરની સડક જ થઈ ગઈ. તેની અપેક્ષા બહારનું હતું યજ્ઞેશ્ચરી બહેનનું વર્તન, પણ માં છે એટલે વઢવાનો હક હોય તેવું વિચારીને પ્રયોશા કશો જ સામો જવાબ આપ્યા વગર દૂધ અને ગોળી બાજુ ના ટેબલ ઉપર મૂકીને નતમસ્તકે ત્યાંથી નીકળી ગઈ. રસોડાંમાં આવીને પ્રયોશાથી એક ડૂસકું નખાઈ ગયું..આટલા વર્ષોમાં કોઈ દિવસ યજ્ઞેશ્ચરી બહેને તેની સાથે આવી રીતે વાત નહોતી કરી એટલે તેને માટે આ ખૂબ જ આશ્ચર્યજનક હતું...પણ ખેર..બીમારીમાં આવું થઈ જતું હશે..અને મનને વાળીને પ્રયોશા ઘરકામમાં વ્યસ્ત થઈ ગઈ. બપોરનું જમવાનું પણ થઈ ગયું...યજ્ઞેશ્ચરી બહેન આજે થોડાં અલગ જ મિજાજમાં હતાં. દિવસ દરમિયાન કોઈકને કોઈક કારણોસર પ્રયોશા ઉપર નારાજગીનો અભિષેક થતો રહ્યો. સાંજે પ્રેયાંશ ઘરે આવ્યો. પ્રયોશાનું મોઢું થોડું ઉતરેલું લાગ્યું, પરંતુ ત્યારે કઈં પૂછ્યું નહીં. થોડો ફ્રેશ થઈને યજ્ઞેશ્ચરી બહેન ના ઓરડામાં ગયો..."માં, કેમ છે આજે ? કોઈ તકલીફ નથીને ? આજે મંદિરે નહોતા ગયા ? ચાલો આપણે અત્યારે જઈએ"...પ્રેયાંશ એ તેની માતા ના ખબર અંતર પૂછ્યા, અને યજ્ઞેશ્ચરી બહેન તેના ઉપર પણ ભડક્યા..."જો પ્રેયાંશ, તું પૂછવા ખાતર પૂછતો હોય તો રહેવા દેજે..તમને બન્નેને હવે હું ભાર રૂપ લાગું છું એ તો હવે તારી વહુના વર્તન ઉપરથી લાગે જ છે...આજે દવા આપવામાં મોડું કર્યું...બપોરે ચામાં ખાંડ નાખવાનું જ ભૂલી ગઈ હતી...આના કરતાં તો હું સાજી જ ના થઈ હોત તો સારું થાત"...પ્રેયાંશ રીતસરનો ડઘાઈ ગયો.. તેણે તરત જ પ્રયોશાને અંદર માં ના ઓરડામાં બોલાવી.."પ્રયોશા, શું થયું છે આજે ? માં કેમ આટલા ગુસ્સે છે ? કઈં ભૂલ થઈ છે ? સવારે કેમ મોડું થયું ? તને માંની દવાનો સમય તો ખબર જ છે તો પછી કેમ રહી ગયું ?"..એક સામટા અનેક પ્રશ્નોનો મારો ચલાવ્યો પ્રેયાંશ એ. પ્રયોશા રડમસ થઈ ગઈ અને પછી સવાર થી ઘટેલો ઘટનાક્રમ કહ્યો, અને ફરી પાછી માફી માગી. વાત અહીં પૂરી થઈ. ડિનર ટેબલ ઉપર શાંતિ પ્રવર્તી રહી. રોજ જેમ અલક મલકની વાતો થતી તે આજે નહોતી થતી. પ્રયોશા એ પણ ઝટપટ તેનું કામ પતાવી, રાતની દવાઓ યજ્ઞેશ્ચરી બહેનને આપીને પોતાના ઓરડામાં જતી રહી. પ્રેયાંશ બેઠક ખંડમાં પોતાના લેપટોપ ઉપર કંઈક કરી રહ્યો હતો, પરંતુ તેનું મગજ આજે ચાલતું નહોતું..લેપટોપ બંધ કરીને તે પોતાની આંખો બંધ કરીને વિચારોમાં ગરકાવ થઈ ગયો...આજનો બનાવ તેના મગજ ઉપર કબજો કરીને તેના અંતઃકરણને કોતરી રહ્યો હતો.

દિવસો વીતવા લાગ્યા..મહિનાઓમાં પરિવર્તિત થતા ગયા...જેમ જેમ દિવસો વીતવા લાગ્યા, તેમ તેમ યજ્ઞેશ્ચરી બહેન ના શરીરને ઘસારો પણ લાગવા માંડ્યો હતો..પરંતુ તેમના વર્તનમાં કોઈ ફેરફાર ના થયો. રોજ કોઈકને કોઈક કારણે હવે તે પ્રેયાંશ અને પ્રયોશા સાથે વાદ વિખવાદમાં ઉતરી પડતાં. કારણ કઈં પણ ના હોય, પરંતુ કદાચ અતિશય દવાઓ ના સેવનને કારણે તેમનું મગજ હવે તેમના કહ્યામાં નહોતું રહેતું..નાની નાની વાતમાં ગુસ્સે થઈ જતાં હતાં. તેમનો સ્વભાવ તામસી થઈ ગયો હતો. પરંતુ પ્રેયાંશ અને પ્રયોશા જેનું નામ. જરા સરખો પણ અવાજ ઊંચો નહોતો કરતાં. તેમની દરેકે દરેક ફરજ એકદમ નિષ્ઠા થી બજાવતા હતા. પ્રયોશા ના નિત્યક્રમમાં કોઈ જ ફેરફાર નહોતો થયો. એજ સવાર થી લઈને સાંજ સુધી..યજ્ઞેશ્ચરી બહેનની ચાકરીમાં કોઈ કમી નહોતી રાખતી. આ તરફ યજ્ઞેશ્ચરી બહેનની બીમારી હવે જોર પકડતી જતી હતી..શરીર ક્ષીણ થઈ ચૂક્યું હતું..તેમનો ખોરાક પણ ઓછો થઈ ગયો હતો..દર ૧૫ દિવસે જે લોહી ના બાટલા ચડતા હતા તેની પણ કશી અસર દેખાતી નહોતી. પ્રેયાંશ બે થી ત્રણ વખત ડૉ. પટેલને મળી આવ્યો હતો. પરંતુ ડૉ. પટેલનું કહેવું એજ હતું જે ૫ - ૬ મહિના પહેલાં કહ્યું હતું. આ બધી આખરી નિશાનીઓ હતી. પ્રેયાંશ અતિશય નાસીપાસ થઈ ચૂક્યો હતો. તેને આ વાતની જાણ હતી છતાં પણ તે સ્વીકારી નહોતો શકતો કે તેની માં તેની પાસે થી ધીરે ધીરે વિદાય લઈ રહી છે..રાત્રે પ્રયોશા ના ખભે માથું રાખીને પ્રેયાંશ રીતસરનો રડી પડ્યો...એક નાના બાળકની માફક, અને પ્રયોશા એ પણ તેને સમજાવ્યો.."જો પ્રેયાંશ, આપણે સમજી શકીએ છીએ કે આપણે કશું જ નથી કરી શકતા, પણ આપણે આપણી બનતી બધી કોશિશ કરી છે, હવે ભગવાન ના હાથ મા..તું આવી રીતે હિંમત હારી જઈશ તો પછી મમ્મીને કોણ સંભાળશે ?". પ્રેયાંશ થોડો સ્વસ્થ થયો, કદાચ પ્રયોશા ના સાંત્વના ભર્યા શબ્દોની ધારી અસર થઈ હતી. 

આજે બપોર પછી યજ્ઞેશ્ચરી બહેનની તબિયત વધુ બગડી હતી. પ્રયોશા એ પ્રેયાંશને ઓફિસથી ઘરે જલ્દી બોલાવી લીધો હતો. પ્રેયાંશ જ્યારે આવતો હતો ત્યારે જ ડૉ. પટેલને ફોન કરી દીધો હતો, એટલે ડૉ. પટેલ પણ તેના ઘરે પહોંચી ગયા હતા. પ્રાથમિક તપાસ પછી ડૉ. પટેલ પ્રેયાંશને બાજુ ના ઓરડામાં આવવા સાંકેતિક ઈશારો કર્યો. પ્રેયાંશ અને ડૉ. પટેલ બાજુ ના ઓરડામાં ગયા. ડૉ. પટેલે પ્રેયાંશને ખભે હાથ મૂકીને એટલું જ કહ્યું "શી ઇઝ સિંકિંગ, વધુમાં વધુ એક કે બે કલાક.." પ્રેયાંશને પરિણામની ખબર હતી છતાં પણ તેનો અવાજ રૂંધાઈ ગયો "ડૉ. પટેલ... કોઈ જ શક્યતા નથી માં ના બચવાની ?".. ડૉ. પટેલે નકારમાં જ માથું ધુણાવ્યું, કદાચ પ્રેયાંશની આ હાલત જોઈને તેમની પાસે પણ શબ્દો ખૂટી પડ્યા હતા. હવે સૂચના આપવાનું તો કઈં હતું નહીં, એટલે ડૉ. પટેલ પોતાની બેગ લઈને ત્યાંથી નીકળી ગયા. આ બાજુ પ્રેયાંશ યજ્ઞેશ્ચરી બહેનના ઓરડામાં આવ્યો. પ્રયોશા ત્યાંજ બેઠી હતી. પ્રેયાંશ ધીરેથી તેની માં ના માથા નજીક બેઠો અને તેની માંનું માથું હળવેથી લઈને પોતાના ખોળામાં લીધું. યજ્ઞેશ્ચરી બહેન એ ખૂબ જહેમતથી પોતાની આંખો ઊંચી કરી અને પ્રેયાંશની સામે જોયું...પ્રેયાંશની આંખોના ખૂણા તેના અશ્રુઓથી ઢંકાઈ ગયા હતા, અને ત્યાંજ અશ્રુનું એક બિંદુ યજ્ઞેશ્ચરી બહેનના કપાળ ઉપર પડ્યું. પ્રેયાંશના તે અશ્રુબિંદુની ગરમાટમાં રહેલી લાગણી એક મા થી કેમ છૂપી રહે ? પોતાનો ડાબો હાથ થોડો ઊંચો કરીને પ્રેયાંશના માથાં ઉપર મૂક્યો અને પછી પાછો લઈ લીધો. યજ્ઞેશ્ચરી બહેનની આંખો પણ આજે વરસી રહી હતી..."માં...ચિંતા ના કરો, તમે સાજા થઈ જશો" અતિશય ભારેખમ અવાજ સાથે પ્રેયાંશના મુખેથી સરેલા આ શબ્દોમાં કેટલું વજૂદ હતું તે તો પ્રેયાંશ જ જાણતો હતો. અને આ સાંભળીને યજ્ઞેશ્ચરી બહેન અતિ ક્ષીણ સ્વરે બોલ્યાં "દીકરા... મારે એક વાત કહેવાની છે તમને બન્નેને...આજે હું હારીને પણ જીતી ગઈ છું..." પ્રેયાંશ અને પ્રયોશાને ખબર ના પડી કે યજ્ઞેશ્ચરી બહેન શું કહેવા માગે છે...અને પ્રેયાંશ થી રહેવાયું નહીં.."માં, તમે શું કહેવા માંગો છો ? હારીને જીતી ગયા ? પણ કઈ રીતે ? શું કહેવું છે તમારે ?". યજ્ઞેશ્ચરી બહેને ફરી બોલવાનું શરૂ કર્યું "દીકરા, મને ખબર જ છે કે મારી જીંદગી ના આ છેલ્લા જ ૬ મહિના હતા..કદાચ તને ખ્યાલ નથી પણ તું અને પ્રયોશા જ્યારે ડૉ. સાહેબની કેબિનમાં બેઠા હતા ત્યારે એક નર્સ મને વ્હીલચેર ઉપર બેસાડીને બહાર ફેરવતી હતી.. ડૉ. સાહેબની કેબિનનું બારણું થોડું અધખુલું હતું અને દીકરી, તને તો ખબર છેને કે મારા કાન કેટલા તીક્ષ્ણ છે ?..મને ડૉ. સાહેબનું કહેલું ત્યારે સંભળાઈ ગયું હતું..તે પછી ઘરે આવ્યા બાદ મારું જે વર્તન હતું તે મેં જાણીજોઈને જ બદલ્યું હતું...પણ મારી પાસે બીજો કોઈ રસ્તો નહોતો..દીકરા, તું ખૂબ જ લાગણીવાળો છે અને મારા પ્રત્યે તને અનહદ પ્રેમ છે..તું કદાચ તે સ્વીકારી નહોતો શક્યો, એટલે મેં જ મારી રીતે ઉપાય શોધ્યો...હું જો ખરાબ વર્તન કરું તો કદાચ તને અને પ્રયોશાને થોડી આસાની રહે મને વિદાય આપવામાં..પણ તું કે તારી વહુ ઉપર તેની કોઈ અસર ન થઈ.." આટલું બધું એકધારું બોલીને યજ્ઞેશ્ચરી બહેનને રીતસરની હાંફ ચડી ગઈ હતી...તે જોરજોરથી શ્વાસ લેવા લાગ્યા...તેમના ડોળા ઉપર ચડી ગયા હતા..પ્રેયાંશ અતિશય ગભરાઈ ગયો.."માં... માં..શું થાય છે તમને ? કઈં ના બોલશો હવે.. માં..મારી સામું જુઓ..." પ્રેયાંશ લગભગ બરાડી ઉઠ્યો..પરંતુ યજ્ઞેશ્ચરી બહેન તો..વિદાય લઈ રહ્યા હતા...ઘડિયાળ ના કાંટાની ટક...ટક...ટક...ટક...સમય તો ના રોકાયો, પરંતુ આજે યજ્ઞેશ્ચરી બહેન ના શ્વાસ એ વિરામ લઈ લીધો હતો..ફાટી આંખે જોઈ રહ્યો પ્રેયાંશ તેની માંને વિદાય લેતા..!

વિધિનો કેવો જોગાનુજોગ...પ્રેયાંશ જ્યારે આ દુનિયામાં આવ્યો ત્યારે તે તેની માં ના ખોળામાં હતો અને આજે જ્યારે તેની માં એ આ દુનિયામાંથી વિદાય લીધી ત્યારે તેનું માથું તેના દીકરા ના ખોળામાં હતું.


Rate this content
Log in

Similar gujarati story from Tragedy