અતૃપ્ત માતૃત્વ
અતૃપ્ત માતૃત્વ
"દીકરી મારી લાડકવાયી, લક્ષ્મીનો અવતાર,
એ સૂએ તો રાત પડે ને જાગે તો સવાર."
માવતર મેન્ટલ હૉસ્પિટલના ૨૦૩ નંબરના રૂમમાંથી હાલરડાંનો મધુર અવાજ આવી રહ્યો હતો. નવા જોડાયેલા સિસ્ટર મમતાને ખૂબ નવાઈ લાગી. મેન્ટલ હૉસ્પિટલમાં કોણ આવું સુંદર હાલરડું ગાઈ રહ્યું છે ? એમણે વોર્ડનને બોલાવી પૂછ્યું. એણે જે વાત કરી તેમાં એમને કંઈક અજુગતું લાગ્યું એટલે એમણે એની ફાઈલનો અભ્યાસ કરવાનો વિચાર કર્યો. ફરતાં ફરતાં એ ૨૦૩ ના રૂમ પાસે આવ્યા. અંદર એક સુંદર, સુઘડ યુવતી એક ઢીંગલીને ખોળામાં લઈને એને સૂવડાવવાનો પ્રયત્ન કરતાં હાલરડું ગાઈ રહી હતી. એણે રૂમનો દરવાજો ખોલી અંદર જવાનો વિચાર કર્યો પણ ત્યાં હાજર આયાબાઈએ ના પાડી. તે વખતે તો મમતા સિસ્ટરે માંડી વાળ્યું પણ પછી પરિસ્થિતિનો તાગ લેવાનો વિચાર કર્યો.
નવયુવતી હેમાલીએ એના સાસુ, સસરા અને પતિ પર પાગલપણા હેઠળ હિંસક હુમલા કર્યા હતાં. લાંબા સમયથી ચાલતી દવા છતાં પણ એનામાં કોઈ સુધારો ન જણાતાં એને છેલ્લાં એક વરસથી અહીં દાખલ કરી હતી. સાધારણ રીતે શાંત રહેતી દર્દી નંબર ૨૦૩ પાસેથી કોઈ ઢીંગલી લેવાનો પ્રયત્ન કરે તો એ બેકાબુ બની એના પર હિંસક હુમલો કરી બેસતી. તે વખતે એને સાચવવી ખૂબ અઘરું થઈ પડતું. ફાઈલમાં એના વિશેની માહિતી વાંચી એમણે એના વિશે વધુ જાણવા માટે એના ઘરની મુલાકાત લેવાનો વિચાર કર્યો.
"હેમાલી, તમારે શું થાય ?" મમતાએ એના ઘરે જઈ એના સાસુને પૂછ્યું.
"તમે, કોણ છો અને તમારે શું કામ છે ?" સાસુમા ઉધ્ધતાઈથી બોલ્યા.
"જુઓ, માજી. હેમાલીના કેસની વધુ વિગત જાણવા હું હૉસ્પિટલમાંથી આવી છું."
"અરે ! મૂઈ, એક તો પાંચ પૈસાનો કરિયાવર લાવી નહોતી ભિખારણને ત્યાંની, પાછી મૂઈને એક પછી એક ત્રણ ત્રણ દીકરી જણવી'તી. અમે ના પાડી તો મને, એના પપ્પાને અને કેવલને મારવા લાગી." સાસુજીએ ક્રોધિત થઈ કહ્યું.
"તે દીકરીઓ ક્યાં છે ?" મમતાનો સવાલ સાંભળી સાસુજીની જીભ ઝલાઈ ગઈ અને તે તતફફ કરવા લાગ્યાં.
"તે તમારો દીકરો ક્યાં છે ?"
"તે ઈ એવડો ઑફિસમાં કંઈ કામધંધો કરે કે પછી બૈરી પાછળ ઘેલો થઈ ફર્યા કરે ?"
"ઠીક છે, મને તમારા દીકરાની ઑફિસનું સરનામું આપો."
કેવલની ઑફિસનું સરનામું લઈ એણે ઓચિંતા જ એની ઑફિસમાં જવાનું નક્કી કર્યું. ઑફિસમાં લંચ અવર હતો એટલે બીજાં બધાં કેન્ટીનમાં ગયાં હતાં પણ કેવલની કેબિનમાંથી ગુસપુસ અવાજ આવી રહ્યો હતો. અમસ્તું જ અટકાવેલું બારણું એણે સહેજ ખોલીને જોયું તો અંદર કેવલ અને એની સેક્રેટરી એકબીજાને કોળિયા ભરાવી રહ્યાં હતાં. એને હકીકત સમજાય ગઈ. છતાં વધુ તપાસ માટે એણે એક બપોરે હેમાલીના પડોશમાં તપાસ કરવા જવાનું વિચાર્યું. ત્યાંથી એને ખબર પડી કે કેવલના અમુક અપલક્ષણોને લીધે એના સમાજમાંથી કોઈ છોકરી આપતું નહોતું. હેમાલી ગરીબ માબાપની દીકરી હતી તેથી સમાજમાં દહેજ વગર કન્યા લાવ્યા તેવો દેખાડો કર્યો પણ ઘરમાં એને ખૂબ ત્રાસ આપતાં હતાં. ઉપરાંત એને ત્રણ વખત સારા દિવસ રહ્યાં પણ દીકરાની આશમાં ત્રણે વખત એનો ગર્ભપાત કરાવી નાંખ્યો. હેમાલી ખૂબ રડતી કકળતી પણ એ લોકોએ એની એક પણ વાત સાંભળી નહીં. ત્રીજી વખત જબરદસ્તીથી ગર્ભપાત કરાવ્યો. ત્યારથી એનું મગજ છટકી ગયું હતું. એના સાસુ સસરાને તથા કેવલને જોઈ તેને મારવા દોડતી. આખરે એ લોકોએ પૈસા ખવડાવી ડૉકટર પાસે એના ગાંડપણનું સર્ટિફિકેટ લઈ તેને મેન્ટલ હૉસ્પિટલમાં દાખલ કરી દીધી. બાકી ખરેખર તો હેમાલી ખૂબ સારી છોકરી હતી.
સિસ્ટર મમતાને બધી સમજ પડી ગઈ. એમણે હેમાલીનો વિશ્વાસ જીતવા એની સાથે સહાનુભૂતિથી વર્તવા માંડ્યું. ક્યારેક એની ઢીંગલી માટે ફ્રોક લાવે, ક્યારેક નાની નાની સુંદર બંગડીઓ તો ક્યારેક રંગબેરંગી રિબીન. કોઈને પોતાની ઢીંગલીને હાથ પણ ન લગાવવા દેતી હેમાલી હવે સિસ્ટર મમતાને પોતાની ઢીંગલી આપતી. સિસ્ટર મમતા ઢીંગલી જાણે સજીવ હોય તેમ એને વહાલ કરતાં. હેમાલી હવે ધીમે ધીમે શાંત પડવા માંડી હતી. છ મહિના પછી હેમાલી સંપૂર્ણ સ્વસ્થ થઈ ગઈ.
હવે પ્રશ્ન એ આવ્યો કે એ જાય તો ક્યાં ? સિસ્ટર મમતાએ એનો ઈલાજ શોધી કાઢ્યો. એક અનાથાશ્રમમાં એમણે પોતાની ઓળખાણથી અનાથ બાળકોનું ધ્યાન રાખવાનું કામ હેમાલીને અપાવી દીધું. સ્નેહની ભૂખી હેમાલી બાળકોને ખૂબ વહાલ કરતી. તેમાં પણ જો કોઈ દીકરીને મૂકી જાય તો એનું અતૃપ્ત માતૃત્વ એને વહાલથી ભીંજવી દેતું. હેમાલી એ સ્નેહ ભૂખ્યાં બાળકોનો જાણે સાચો સહારો બની ગઈ હતી. એના સ્નેહનું ઝરણું ખળખળ વહેતું સૌ અનાથ બાળકોને પોતાની ધારામાં ભીંજવતું અને બાળકો ફૂલોની જેમ ખીલી ઊઠતાં.