Narendrasinh Rana

Tragedy Inspirational

3.3  

Narendrasinh Rana

Tragedy Inspirational

મશાલ

મશાલ

6 mins
21.6K


સુકેશે પોતાની ઘડીયાળ તરફ નજર કરી. લંચ ટાઇમને હજુ અડધી કલાકની વાર હતી. તેણે પોતે પુરા કરેલા કામ પર નજર કરી. ઓફીસના પહેલા દિવસે તેણે આટલુ બધું કામ પતાવ્યું હતું તે તેના માન્યામાં ન આવ્યું. કદાચ તેણે ઉત્સાહમાં વધારે કામ કર્યું હતું. ઓફીસનું વાતાવરણ હજુ તેના માટે નવું હતું. ઓફિસનાં કોલાહલથી હજુ તે ટેવાયો નોહતો. તેણે ઓફિસમાં થતા અવાજો સંભાળવા આંખો બંધ કરી, તેમ કરતા જ જાત જાતના અવાજોએ તેના મગજનો કબજો લીધો. ચાની રકાબીઓનો ખડખડાટ, સહકર્મીઓના હસવાના અવાજો, વર્ષો જૂના પંખાનો મગજને હલાવી નાખતો અવાજ- આ બધા અવાજો હવે કાયમ માટે તેના જીવનનો ભાગ બની જવાના, તેમ વિચારીને એ ખુશ થયો.

"તમે અહીં નવા આવ્યા લાગો છો?"

સુકેશે આંખો ખોલીને તેના ટેબલ સામે ઉભેલા પ્રશ્ન કરનાર સામે જોયું. એક આશરે સીતેર વર્ષની ઉંમરનો વૃદ્ધ તેની સામે હસી રહ્યો હતો. તેના નમી પડેલા અસક્ત ખભા પર તેના જેટલી જ ઉંમરનો હોય તેવો બગલથેલો લટકાવેલો હતો. તેની ઊંડી ઉતરી ગયેલી આંખોમાં એક વિચિત્ર ચમક હતી જે તેના કરચલીવાળા ચેહરાને ઢાંકતી હતી.

"હા! હું આજે જ નોકરીમાં જોડાયો છું."

અચાનક સુકેશે તેની આસપાસના લોકોનું ધ્યાન તેના ટેબલ તરફ કેન્દ્રિત થતું અનુભવ્યું. ઓફીસના અવાજનું સ્તર જાણે અચાનક નીચે આવી ગયું. લોકોએ જાણે તેમની વચ્ચે થનારી વાતચીત સંભાળવા પોતાનું કામ અટકાવી દીધું. સુકેશને વાતાવરણમાં આવેલો આ બદલાવ વિચિત્ર લાગ્યો. સવારથી અત્યાર સુધી ચારેક વ્યક્તિઓ તેના ટેબલે અલગ અલગ કામ માટે આવી ચુક્યા હતા પણ કોઈએ તેમના તરફ નજર પણ નોહતી કરી. આ વૃદ્ધ કેમ અચાનક બધાના ધ્યાનનું કેન્દ્ર કેમ બની ગયો તે સુકેશને ન સમજાયું.

"નવી નોકરી માટે અભિનંદન અને બેસ્ટ ઓફ લક, બેટા. મારી એક અરજી છે. સ્વીકારીશ?"

"થેંક યુ,” સુકેશ વૃદ્ધના શિષ્ટાચારનો જવાબ આપતા બોલ્યો અને ઉમેર્યું,”ચોક્કસ સ્વીકારીશ. અમે અહીંયા તેના માટે તો બેઠા છીએ. શેના વિશે છે?"

"સરકારી વસાહતના બાંધકામમાં થયેલી ગેરરીતિઓ વિશે." વૃદ્ધ સ્મિત સાથે બોલ્યો.

સુકેશ ચોંક્યો પણ તેણે ચેહરા પરના ભાવ બદલાવા ન દીધા.

"લાવો, અરજી આપો."

વૃદ્ધે ધ્રુજતા હાથે તેના થેલા માંથી થોડા કાગળિયાં કાઢ્યા. સુકેશે કાગળિયાં હાથમાં લઈને તેના પર નજર કરી. અરજી શહેરના સૌથી મોટા બિલ્ડર અજીત નાયકની કંપની સામે હતી. અરજી કરનારે સરકારી કોન્ટ્રાક મેળવવામાં તથા બાંધકામમાં થયેલી ગેરરીતિઓ વિશે જણાવ્યું હતું. અજીત નાયક એટલે શહેરનું બહુ મોટું નામ. કરોડોની સંપતિનો માલિક. મોટા ભાગના સરકારી કામો તેની કંપનીને જ મળે. આખું શહેર જાણતું હતું કે અજીત નાયકે પોતાની સંપતિ કેવી રીતે ભેગી કરી હતી. સ્થાનિક ધારાસભ્ય અને ગુંડાઓ સાથેની તેની સાંઠ-ગાંઠ જગજાહેર હતી. લોકો તેની સામે આંગળી ઉઠાવતા પણ ડરતા.

સુકેશે નીચે અરજી કરનારનું નામ વાંચ્યું, શાંતિલાલ.

"તમે જ શાંતિલાલ છો?"

"હાં, હું જ શાંતિલાલ માસ્તર."

"હું તમારી અરજી સાહેબના ટેબલ સુધી પોહચાડી દઈશ."

"થેન્ક યુ, બેટા." શાંતિલાલ બોલ્યા અને ઉમેર્યું,"સાહેબ ને કેહજે કે આ અરજી પર ધ્યાન આપે."

"ચોક્કસ, હું તમને અરજી મળ્યાની રીસીપ્ટ બનાવી આપું છું." સુકેશે રીસીપ્ટ પર અરજી નંબર અને તારીખ નાખીને રીસીપ્ટ શાંતિલાલને સોંપી.

શાંતિલાલ ધીમી ગતિએ દરવાજા તરફ રવાના થયા.

સુકેશને શાંતિલાલની હિંમત પર માન થયું, સાથે સાથે પ્રશ્ન પણ થયો કે કાકા આ ઉંમરે આવી બધી માથાકૂટમાં શા માટે પડતા હશે?

 તેણે અરજી સાહેબને સહી કરવા માટે મોકલવાના કાગળિયા સાથે મુકી. તેને આમ કરતો જોઈને સામેના ટેબલ પર બેઠેલો સીનીયર ક્લાર્ક મિશ્રા તરત દોડી આવ્યો.

"અરે…અરે...આ શું કરો છો?" મિશ્રાએ પુછ્યું.

"કેમ? સાહેબના ટેબલ પર અરજી મોકલું છું?"

"અરે, સાહેબની સ્પષ્ટ સુચના છે કે આ ડોસાની એક પણ અરજી તેમના ટેબલ પર પહોંચવી ના જોઈએ. આ ડોસો છેલ્લા ત્રણ વર્ષથી અરજીઓ કરે છે. સાહેબ પણ તેનાથી કંટાળી ગયા છે. અમે તો આ ડોસાને રવાના કરીને અરજી ફાડીને ફેંકી દઈએ છીએ. ડોસો મરવાનો થયો છે. તેને ખબર નથી કે તે કોની સામે પડ્યો છે. અજીત નાયક ધારશે તો તેનું નામોનિશાન આ દુનિયામાં નહી રહે."

સુકેશ અસમંજસમાં પડ્યો. થોડીવાર તેને શું કરવું તે ન સમજાયું.

"વિચારી શું રહ્યા છો, સુકેશભાઈ? નોકરી વાહલી હોય તો આ અરજી ફાડીને ફેંકી દો." મિશ્રા તેની દ્વિધા સમજી ગયો.

સુકેશે અરજી કાગળિયાં વચ્ચેથી ઉઠાવી અને ફાટી આંખે તેની સામે જોઈ રહ્યો.

"વિચારો નહી, ફાડો તેને. અહીં જીવવું હોય તો આવા લફડામાં ના પડતા. આ એક જંગલ છે. અહીં બધા પ્રાણીઓ સાથે મળીને ચારો ચરે છે. જે પ્રાણી ચારો ચરવાની ના પડે છે તેને બાકીના બધા પ્રાણીઓ મળીને ખાઈ જાય છે. મારી વાત સમજાય છે ને તમને. તમે અહીં નવા છો એટલે. થોડા દિવસોમાં તમે પણ સમજી જશો. આ અરજી કોઈ પણ ભોગે સાહેબના ટેબલ પર ના પહોચવા દેતા." મિશ્રા આટલું બોલીને ચાલતો થયો.

સુકેશ મિશ્રાને જતાં જોઈ રહ્યો. તેને પોતે આ નોકરી માટે આપેલી દસ લાખની લાંચ યાદ આવી. તેને અરજી ફાડવા માટે હાથમાં લીધી પણ તેના હાથ ધ્રુજ્યા. તે થોડીવાર તે જ સ્થિતિમાં બેસી રહ્યો. પછી કંઇક વિચારીને ઝડપ ભેર દરવાજા તરફ ભાગ્યો.

દરવાજાની બહાર નીકળતા જ તેને થોડી દૂર હળવે હળવે ચાલતા શાંતિલાલ દેખાયા. તે જડપથી તેમની પાસે પહોંચ્યો અને બોલ્યો,"કાકા,થોડો સમય હોય તો આવો કેન્ટિનમાં ચા પીએ."

શાંતિલાલ હસ્યા,"ચાલ ત્યારે."

થોડીવાર બાદ બન્ને કેન્ટીનના ટેબલ પર સામ સામે બેઠા હતા.

"કાકા, તમને ખબર છે તમે શું કરી રહ્યા છો?" સુકેશ શાંતિલાલ સામે જોઈને બોલ્યો.

શાંતિલાલ હસીને બોલ્યા,"હા, મને ખબર છે. કેમ ભ્રષ્ટ લોકો સામે અવાજ ઉઠાવવો એ ગુનો છે?"

"પણ કાકા આ ઉમરે આ બધું કરવાનું કારણ શું?"

શાંતિલાલ થોડીવાર ચુપ રહ્યા. તેમના ચેહરા પર વેદનાની રેખાઓ ઉપસી આવી - જાણે કોઈએ તેમના શરીર પર પડેલો જુનો ઘા ખોતર્યો હોય. થોડીવાર બાદ પોતાની જાત સાથે વાત કરતા હોય તેમ બોલ્યા,"તે કોઈ દીવસ મશાલ જોઈ છે. મશાલ ચાલુ રાખવા માટે તેમાં તેલ પુરતા રેહવું પડે. આ લડાઈ પણ એક મશાલ જેવી જ છે."

"એટલે હું કંઈ સમજ્યો નહી."

"તે મિહીર નામના આર.ટી.આઈ. એક્ટીવિસ્ટનું નામ સાંભળ્યું છે. જેને ભર બજારે ગુંડાઓએ મારી નાખ્યો હતો." શાંતિલાલ સુકેશની સામે નજર કરીને બોલ્યા.

"હા, સાંભળ્યું છે. ત્રણ વર્ષ પેહલાની વાત છે. છાપામાં આ બનાવની બહુ ચર્ચા થઈ હતી."

"આ મશાલ તેની સળગાવેલી છે. તેનાથી અન્યાય સહન ન થતો. એ વધારે પડતો આદર્શવાદી હતો. તેણે મુંગા મોઢે અન્યાય સહન કરવાને બદલે અવાજ ઉઠાવવાનું નક્કી કર્યું. હું તેને કાયમ સમજાવતો કે જે લોકો સામે તે અવાજ ઉઠાવ્યો છે તેઓ તને નહી જીવવા દે. તે હંમેશા હસીને કેહતો કે આ મશાલ છે. જેને આપણે આપણું લોહી આપીને ચાલુ રાખવાની છે. તે હંમેશા પ્રશ્નો કરતો, વ્યવસ્થા અને સ્થાપિત હિતો સામે. તે અરજીઓ કરતો, જવાબો માંગતો. તેને વ્યવસ્થા બદલવી હતી. તેને આ સડી ગયેલું વૃક્ષ કાપવું હતું. તેના પ્રશ્નો સહન ન થતા તેમણે બધા એ મળીને તેને ભરબજારે કાપી નાખ્યો. એ કામ કરનાર પ્યાદાઓને સજા થઈ પણ દોરીસંચાર કરનાર રાજાઓ હજુ પણ મહેલોમાં શાંતિથી જીવે છે." શાંતિલાલ કોઈ અદ્રશ્ય વ્યક્તિને સંબોધીને કેહતા હોય તેમ દીવાલ સામે જોઈને બોલતા ગયા.

"તે તમારો દીકરો હતો?" સુકેશે થોડીવારની શાંતિ પછી પુછ્યું.

શાંતિલાલ દર્દ ભર્યું હસ્યા,"કાશ એ મારો દીકરો હોત. કમનસીબે એ મારો વિદ્યાર્થી હતો. મેં શીખવેલા આદર્શોને તેણે હૃદયમાં વસાવ્યા હતા. હું પણ જેમાં નહોતો માનતો તે આદર્શો તેણે જીવનમાં ઉતર્યા હતા. ચેલો ગુરુ કરતા ઘણો આગળ હતો, તે મને ઘણું શીખવતો ગયો. હવે મશાલ ચાલુ રાખવાની જવાબદારી મારી છે. મશાલમાં લોહી પુરવાનો વારો મારો છે. ક્યારેક તો એ દિવસ આવશે જયારે બીજી મશાલો પણ સળગશે અને આ અંધારું દુર થશે. જો આ એક મશાલ પણ ઓલવાઈ જશે તો…."

સુકેશ અવાક બનીને ડોસાની ગાંડી ઘેલી વાતો સાંભળી રહ્યો.

"પણ કાકા, તમારે કોઈ સંતાન નથી? એ તમને આવું કરતા રોકતા નથી?"સુકેશે પુછ્યું.

"છે ને, એક દીકરો છે. તેણે આ માથાકુટને લીધે મને ઘરમાંથી કાઢી મુક્યો. હવે હું ભાડાના મકાનમાં રહું છું."

"તમે મને તમારા દીકરાનું સરનામું આપો, હું તેની સાથે વાત કરીશ." સુકેશે સાંત્વના આપી.

"સરનામું તારી પાસે જ છે." શાંતિલાલ ઉભા થતા બોલ્યા.

"એટેલે, હું કંઈ સમજ્યો નહી." સુકેશે પુછ્યું. 

"નામ અને સરનામું મારી અરજીમાં જ છે જોઈ લેજે."

"પણ અરજીમાં તો અજીત નાયકનું....." સુકેશ અચાનક બોલતાં બોલતાં અટકી ગયો. તેણે પોતાના અંગુઠા નીચે દબાયેલું અરજી કરનારનું આખું નામ વાંચ્યું, શાંતિલાલ નાયક.

સુકેશ અવાચક બનીને શાંતિલાલને જતા જોઈ રહ્યો. દીવાલ પર લટકાવેલા ફોટામાં એક ચશ્માવાળો ડોસો હસી રહ્યો હતો.

          


Rate this content
Log in

Similar gujarati story from Tragedy