Narendrasinh Rana

Romance

2  

Narendrasinh Rana

Romance

બ્રેકઅપ

બ્રેકઅપ

5 mins
7.2K


સિદ્ધાર્થે એક નજર પોતાના મોબાઈલ પર કરી. તેની રોજની ટેવ હતી, ઉઠીને તરત મોબાઈલ ચેક કરવાની. આજે કોલેજ મોડા જવાનું હતું એટલે તેણે થોડો વધારે સમય ફેસબુક એન વ્હોટ્સએપ પર વિતાવ્યો. સૌથી પેહલા તો તેણે આદતવશ ઈશાનો કોઈ મેસેજ છે કે નહિ તે જોયું પછી તેને અચાનક બન્ને વચ્ચે ગઈકાલે થયેલો ઝઘડો યાદ આવ્યો.

સિદ્ધાર્થને જાણે કોઈએ તેની છાતી પર વજન મૂકી દીધું હોય તેવું લાગ્યું. "ઈશા પણ બહુ જિદ્દી છે. તેનું કીધું ન થાય એટલે કાયમ ઝઘડો કરે છે. આ ઝઘડો છેલ્લો હતો. હવે તેનું મોં ક્યારેય નહિ જોવું." તે ગુસ્સામાં બબડ્યો. તેને ખુદને પણ ખબર હતી કે તેને ઈશાનું મોં તો ક્યારેક જોવું જ પડશે કેમકે બન્નેનું ફ્રેન્ડસર્કલ એક જ હતું. બન્ને એકબીજાને એક વર્ષ પેહલા મળ્યા તેનું કારણ પણ તે જ હતું.

સિદ્ધાર્થે ઈશા સાથેની વ્હોટ્સએપ ચેટ ખોલી અને બે દિવસ પેહલાના મેસેજ વાંચ્યા. તે ફરી દુઃખી થયો. તેણે ચેટ બંધ કરીને તે અને ઈશા તેમના જે કોલેજ ગૃપના સભ્ય હતા તે વ્હોટ્સએપ ગૃપ ખોલ્યું. ગૃપમાં રાબેતા મુજબના ગુડમોર્નિંગના મેસેજ હતા. તેમાં ઇશાનો કોઈ મેસેજ નહોતો. આમેય તે અને ઈશા કોલેજના તે ગૃપમાં કામ સિવાય બીજા મેસેજ નહોતા કરતા.

સિદ્ધાર્થે તેના ખાસ ચાર લંગોટિયા યારનું બનેલું વ્હોટ્સએપ ગૃપ કે જેનું નામ "વાનરસેના" હતું તે ખોલ્યું. ગઈકાલ રાતના કેટલાક મેસેજ તેમાં હતા. ગૃપના દરેક મેમ્બર(તેના સહિત) ગૃપનું નામ સાર્થક કરવાનો પ્રયત્ન કરતા. તેને ખબર હતી કે તેના સાથી વાંદરાઓને તેના અને ઈશાના બ્રેકઅપની ખબર ઉઠતાવેંત પડી જવાની હતી અને તે બધા તેના પર પ્રશ્નોનો મારો કરવાના હતા. તેણે  ફેસબુક ખોલ્યું. પોતાની પ્રોફાઈલમાં રહેલી પાંચ સાત નોટિફિકેશન ચેક કરીને તેણે ઈશાની પ્રોફાઈલ ચેક કરી. તેની પ્રોફાઈલ ખુલતા તેને હાશકારો થયો કે ઈશાએ તેને બ્લોક નથી કર્યો.

સિદ્ધાર્થ ઈશાના જુના સ્ટેટસ વાંચી રહ્યો. તેણે બન્ને જયારે મુવી જોવા ગયેલા ત્યારનું સ્ટેટસ વાંચ્યું, watching movie with friends. તેની સામે ફરી બન્નેએ સાથે વિતાવેલો સમય એક ફિલ્મની જેમ પસાર થઈ ગયો. અચાનક તેને યાદ આવ્યું કે તેનું અને ઇશાનું બન્નેનું ફેસબુક સ્ટેટસ સીંગલ હતું.

સિદ્ધાર્થને અચાનક શું સુજ્યું તો તેણે પોતાનું  રીલેશનશીપ સ્ટેટસ સિંગલ માંથી "ઈન અ રીલેશનશીપ" કરી નાખ્યું. તેને ખબર હતી કે તેના પર હમણાં જ કોમેન્ટસનો મારો થવાનો. તેણે ફટાફટ ફેસબુક બંધ કર્યું. તેને ખબર હતી કે આ સ્ટેટસ ઈશાને પણ દેખાશે. તે ઈચ્છતો હતો કે ઈશા તેનું સ્ટેટસ જુએ અને સળગી ઉઠે.

સિદ્ધાર્થ નાહીને નાસ્તાના ટેબલ પર આવ્યો. પપ્પા અને મમ્મી તેની સામે જોઈને હસ્યા. તેને અચાનક યાદ આવ્યું કે તેના ફ્રેન્ડસલીસ્ટમાં તેના મમ્મી પપ્પા પણ હતા. તેમણે પણ તેની સ્ટેટસ અપડેટ જોઈ હશે. પુરો નાસ્તો તેણે ચુપચાપ મમ્મી પપ્પાની સામે નજર કર્યા વગર જ કર્યો. તેને ખબર હતી કે બન્ને તેની મજાક ઉડાવી રહ્યા હશે. તે ઝડપથી નાસ્તો પતાવીને કોલેજ તરફ રવાના થયો. તેને એવું લાગ્યું જાણે મમ્મી પપ્પા તેની પીઠ પાછળ હસી રહ્યા હોય.

સિદ્ધાર્થ આખો દિવસ તેના મોબાઈલમાં વાગી રહેલી નોટિફિકેશનની રિંગટોનને અવગણતો રહ્યો. તેને આજે કોઈ મેસેજ કે કોઈ કોમેન્ટનો જવાબ નોહતો આપવો. તેના આજે કોલેજમાં પ્રેક્ટિકલસ હતા. તેની વાનરસેનામાંથી કોઈના પ્રેક્ટિકલસ આજે તેની સાથે નહોતા. તેને શાંતિ હતી કે તેનું માથું ખાનારું કોઈ નહોતું. તેનું ધ્યાન પ્રેક્ટિકલ કરવામાં પણ ન લાગ્યું. તે થોડી થોડી વારે ઈશાને પણ યાદ કરી રહ્યો. બન્ને વચ્ચે ઝઘડા થતા પણ બન્ને વચ્ચે બનતું પણ સારું.

રાત્રે જયારે તે ઘરે પહોંચ્યો. જમીને સીધો જ પોતાના રૂમમાં ગયો એને પોતાનો મોબાઈલ જોયો. દોઢસો નવા મેસેજ હતા. તેમાંથી એક પણ ઈશાનો નહોતો. મોટાભાગના તેના "વાનરસેના" ગૃપના હતા.

સિદ્ધાર્થે ગૃપ ઓપન કર્યું અને મેસેજ વાંચવાનું શરૂ કર્યું.

ટીનો(મૂળ નામ વિવેક) : ગુડ મોર્નીગ, બધા વાંદરાઓને...

ચકો(મૂળ નામ ચંદુ) : ગુડ મોર્નીગ, ટીના.

જેન્તી જોખમ(મૂળ નામ જયસુખ) : ગુડ મોર્નિંગ, બન્ને વાંદરાઓને.

ટીનો : કેવી છે મોર્નીગ તારી જેન્તી?

જેન્તી : આપણી તો સારી છે પણ આપણા હીરો જેકીની(સિદ્ધાર્થની) નહિ સારી હોય.

ટીનો : કેમ, શું થયું?

જેન્તી : અરે, આપણા હીરોનું ગઈકાલે બ્રેકઅપ થઈ ગયું.

ચકો : ના, હોય. પેલી વાંદરી આપણા વાંદરાને મૂકીને ચાલી ગઈ?

જેન્તી : હા, એને જ પૂછને કે શું થયું? પણ છે ક્યાં આપણો હીરો?

ટીનો : ખબર નહીં. સવારનો ઓનલાઇન જ નથી આવ્યો. તે એની ફેસબુક અપડેટ જોઈ?

ચકો : અરે હા. ઈન અ રિલેશનશીપ. સાલો બ્રેકઅપ થઈ ગયા પછી "ઈન અ રિલેશનશીપ"  નું સ્ટેટસ મૂકે છે. ભાઈનું છટકી ગયું લાગે છે.

ટીનો : આ તો પેલી ઘોડાની કેહવત જેવું થયું.

જેન્તી : કઈ ઘોડાની કેહવત?

ટીનો : ઘોડા છૂટી ગયા પછી તબેલાને તાળું મારવા જવું.

જેન્તી : ના ટીના ના. એ ક્યાં ઘોડો છે? એ તો આપણા જેવો વાંદરો છે.

ટીનો : તો વાંદરી ભાગી ગયા પછી ઝાડ કાપવા જવું એવું રાખીએ.

જેન્તી : હા...હા...હા.

સિદ્ધાર્થને બહુ ગુસ્સો આવ્યો. "અહીંયા મારો જીવ જાય છે ને આ બધાને મજાક સૂઝે છે." તે મનોમન બોલ્યો. તેના આ ત્રણેય મિત્રોના પર્સનલ મેસેજ પણ હતા જેમાં તેમણે તેના હાલ ચાલ પૂછ્યા હતા. તેનો ગુસ્સો હવે વધી ગયો. તે હવે ઈશા પર ગુસ્સે ભરાયો હતો. તેના કારણે જ આ બધા તેની મજાક ઉડાવી રહ્યા હતા.

સિદ્ધાર્થ જેમ તેમ જમ્યો અને પાછો પોતાના રૂમમાં આવીને પથારી પર પડ્યો. તેની હવે વ્હોટસઅપ કે ફેસબુક ખોલવાની ઈચ્છા નહોતી. તેણે જેવી સૂવા માટે આંખો બંધ કરી કે તેની સામે ઈશાનો ચેહરો આવી ગયો. તે મનોમન પોતાની જાત પર ખિજાયો.

સિદ્ધાર્થ રાતના બે વાગ્યા સુધી પથારીમાં પડખા ફરતો રહ્યો. રાત્રે બે વાગ્યે અચાનક તેની વ્હોટસઅપની રીંગ ટોન અચાનક વાગવા લાગી. તેણે મોબાઈલની સ્ક્રિન પર નજર કરી. બધા જ મેસેજ ઈશાના હતા. તે ઝડપથી પથારીમાં બેઠો થઈ ગયો અને મેસેજ વાંચ્યા.

ઈશા : સોરી... આ મેસેજ દશ વખત હતો..

સિદ્ધાર્થનો ગુસ્સો બે જ સેકન્ડમાં હવામાં ઓગળી ગયો. તે મનમાં હસ્યો પણ તેણે જવાબ ન લખ્યો.

ઈશા : હવે ગુસ્સે નહીં થાવ બસ કઈંક જવાબ તો દે મને.

સિદ્ધાર્થે મચક ન આપી.

ઈશા : મેસેજ વાંચે છે તો જવાબ તો દે અહીંયા ગ્રીન ટીક દેખાય છે મને.

સિદ્ધાર્થ અડગ રહ્યો.

ઈશા : જવાબ દે નહિ તો હું સાચે રડીશ.

હવે, સિદ્ધાર્થથી ન રહેવાયું.

સિદ્ધાર્થ : ખોટા નાટક કર્યા વગર સૂઈ જા હવે. (અને છેલ્લે એક સ્માઈલી પણ એડ કર્યું).

થોડીવાર પછી ઈશા તરફથી પણ એક સ્માઈલી આવ્યું. સિદ્ધાર્થને મનમાં ટાઢક થઈ. તેણે ફેસબુક ખોલી પોતાનું રિલેશનશીપ સ્ટેટસ ફરી સીંગલ કર્યું. ચોવીસ કલાકમાં તેનું બીજીવાર બ્રેકઅપ થયું હતું. તે મોબાઈલ બાજુમાં મૂકીને સૂઈ ગયો.


Rate this content
Log in

Similar gujarati story from Romance