Narendrasinh Rana

Inspirational

2.4  

Narendrasinh Rana

Inspirational

અપકાર

અપકાર

6 mins
14.5K


તે દિવસે મારે સવારે ઓફિસે માટે નીકળવામાં મોડું થઇ ગયું. હું ઝડપથી દાદરા ઉતરીને ફ્લેટના દરવાજે પોંહચ્યો. અચાનક એક માણસ મારો રસ્તો રોકીને ઉભો રહ્યો. હું તેને અચાનક મારી સામે આવેલો જોઈને ચોંક્યો.

"સાહેબ, તમારે ત્યાં ચોકીદારની જગ્યા ખાલી છે? મને સામેવાળા ફ્લેટના ચોકીદારે કીધું કે જગ્યા ખાલી છે અને તમને મળું." પેલો માણસ હાથ જોડીને બોલ્યો.

મેં તેને માથાંથી પગ સુધી નીરખ્યો. તેના કપડાં ફાટેલાં હતાં. તેની ઉંમર આશરે ચાલીસેક વર્ષની હશે. તેને પહેલી નજરે જોનારને કદાચ તે ભિખારી જ લાગે. તેના જોડાયેલા હાથ ધ્રુજી રહ્યા હતા, જાણે આ દુનિયાની અલગ અલગ જવાબદારીઓ ઉપાડીને થાક્યા ન હોય. સૌથી ભયાનક તેની આંખો હતી. ભયાનક શબ્દ કદાચ યોગ્ય ન કહી શકાય પણ ભયાનક એટલે એવી આંખો જે તમને તમે ન ઈચ્છો તો પણ તેના પ્રત્યે દયાથી ભરી દે. એ આંખોમાં આજીજી હતી. આજીજી એક ગરીબ માણસની જે પોતે આ દુનિયામાં પોતાનું અસ્તિત્વ ટકાવવા મથી રહ્યો હતો. તેની ભયાનક દયામણી આંખોએ મને ત્યાં જ એક થાંભલાની જેમ જડી દીધો.

"ભાઈ, તે સાચું સાંભળ્યું છે. અમારો છેલ્લો ચોકીદાર થોડા દિવસ પહેલા જ નોકરી મૂકીને ચાલ્યો ગયો. હું ફ્લેટના રહીશોનો સેક્રેટરી છું એટલે નવો ચોકીદાર શોધવાની જવાબદારી કંઈક અંશે મારી છે પણ અમે કોઈ અજાણ્યા માણસને ચોકીદાર તરીકે ન રાખી શકીએ. તારી પાસે કોઈની ઓળખાણ હોય તો બોલ." હું તેની દયામણી આંખોની અસરમાંથી મુક્ત થતા બોલ્યો.

હું ફ્લેટની સોસાયટીનો સેક્રેટરી હતો એટલે ચોકીદારની પસંદગીની જવાબદારી કંઈક અંશે મારી હતી પણ પસંદગી સોસાયટીની વર્કિંગ કમિટી કરતી હતી અને કોઈ અજાણ્યા માણસને રાખવામાં જોખમ હતું. એટલે મેં તેને કાઢવાનો પ્રયત્ન કર્યો.

તે જાણે સમજી ગયો હોય તેમ એક પણ શબ્દ બોલ્યા વગર ચાલતો થયો. તેની ચાલ ધીમી અને નિરાશાજનક હતી, જાણે કોઈએ આખી જિંદગીનો બધો જ ભાર તેના ખભા પર નાખી દીધો હોય. તેની પીઠ પણ જાણે મારી પાસે દયામણી બનીને તાકી રહી હોય એમ લાગ્યું. હું માણસો ઓળખવામાં બહુ કાચો હતો પણ આ માણસમાં કઈંક એવું હતું જે મને કહી રહ્યું હતું કે મારે તેને એક મોકો આપવો જોઈએ.

"એક મિનિટ ઉભો રહે." મેં તેને પાછો બોલાવ્યો. તે તરત પાછો ફર્યો.

"હું અમારી સોસાયટીની કમિટી સામે તારી વાત મુકીશ. જો તેઓ રાજી થશે તો તારી નોકરી પાક્કી." હું તેના દયામણા ચેહરા સામે જોઈને બોલ્યો.

જાણે ઘણાં સમય પછી કોઈએ તેને સારા સમાચાર આપ્યા હોય તેમ તેની આંખોમાં ચમક આવી.

"તને નોકરી મળી ગઈ એવું ન માનતો. હજુ હું પહેલાં વાત કરીશ. લગભગ તેઓ અજાણ્યા માણસને નોકરીએ રાખવા માનશે નહીં." મેં તેને વાસ્તવિકતા સમજાવવા પ્રયત્ન કર્યો પણ તે જાણે નોકરી મળશે તેની આશા પર જ જીવી રહ્યો હોય તેમ રાજી થયો. તેણે બે હાથ જોડ્યા. તેની આંખોમાં એક ખુશી હતી. હું તેની આંખોથી બચવા ઝડપથી ત્યાંથી રવાના થયો.

બીજા દિવસે મેં અમારી સોસાયટીની મિટિંગમાં આ વાત મૂકી. પહેલાં તો બધાએ અજાણ્યા માણસને રાખવાની વાત જ નકારી. મેં જવાબદારી લેવાની વાત કહી ત્યારે દવેભાઈ સિવાય લગભગ બધા જ માની ગયા. દવેભાઈની ઉંમર આમ તો મારા જેટલી જ હતી પણ તેઓ મારા પહેલા સેક્રેટરી રહી ચૂકેલા એટલે તેમને સોસાયટીની બાબતોમાં વધારે ખબર પડતી. તેઓ આ ફ્લેટમાં ઘણા સમયથી તેમની પત્ની અને દીકરા સમીર સાથે રહેતા. તેમણે જ સોસાયટી માટેનો પાણીનો ટાંકો ઊંડો કરાવ્યો હતો. તેઓ અજાણ્યા ચોકીદારને રાખવાના સખત વિરોધી હતા.

આ વખતે તેમનો વિરોધ કામ ન લાગ્યો. સોસાયટીની કમિટીએ મારી જવાબદારી પર ચોકીદાર રાખવાની 'હા' પાડી. મને દવેભાઈની આંખોમાં અણગમો સ્પષ્ટ દેખાયો પણ તેઓ સેક્રેટરી નહોતા એટલે ચૂપ રહ્યા.

બીજા જ દિવસથી પેલો માણસ પરિવાર સહિત નોકરીએ આવી ગયો. તેનું નામ રઘુ હતું. અમારા ફ્લેટમાં ચોકીદારને રહેવા માટે એક અલગ ઓરડી ફાળવવામાં આવેલી. તે તેના પરીવાર સાથે તેમાં સ્થાયી થયો. તેના પરીવારમાં પત્ની અને એક પુત્ર મોહન હતા. મોહનને એક પગે ખોડ હતી. તે કાયમ લંગડાતો ચાલતો.

રઘુનું પરિવાર મહેનતું હતું. તેની પત્ની આખો દિવસ ફ્લેટના અલગ અલગ ઘરમાં કામ કરતી. મોહન સવારે નિશાળે જતો અને ફાજલ સમયમાં તેની માને ઘરકામમાં મદદ પણ કરતો.

રઘુ પોતાનું કામ પૂરી ઈમાનદારીથી કરતો. તે ફ્લેટમાં પાર્કિંગમાં પડેલી ગાડીઓને સાફ પણ કરી દેતો. થોડા સમયમાં જ તે સૌનો માનીતો થઇ ગયો. મને મારા નિર્ણય વિશે પહેલા જે શંકા હતી એ દૂર થઇ ગઈ.

એકમાત્ર દવેભાઈ જ રઘુને શંકાની નજરે જોતા હતા. તેમનું વર્તન પણ રઘુ પ્રત્યે સારું નહોતું. તેઓ રઘુ પર દાઝ રાખતા. તે રઘુને અપમાનિત કરવાની કોઈ જ તક જવા ન દેતા. રઘુ તેમના અપમાનો હસતા મોઢે સહન કરી લેતો.

એક દિવસ હું નોકરીએ જવા મારું બાઈક બહાર કાઢી રહ્યો હતો. અચાનક એક ધડાકા જેવો અવાજ આવ્યો. એ અવાજ ફ્લેટની પાછળના ભાગમાંથી આવ્યો હતો. હું તરત જ પાછળની તરફ દોડ્યો. રઘુ પણ અવાજ સાંભળીને પાછળની તરફ દોડ્યો. અમે બન્ને પાછળ પહોંચ્યા ત્યારે થોડીવાર તો અમને અવાજનું કારણ ન મળ્યું પણ થોડી જ ક્ષણોમાં એક ચીસ સંભળાઈ. એ ચીસ ફ્લેટની પાછળ રહેલા ટાંકામાંથી આવી હતી. અમે બન્ને ટાંકાના કાંઠે પહોંચ્યા અને અંદર નજર કરી. અંદર દવેભાઈનો દસ વર્ષનો છોકરો સમીર ટાંકાના પાણીમાં તરવા માટે હવાતિયાં મારી રહ્યો હતો. દુર્ભાગ્યે ટાંકામાં ઉતરવા માટેની સીડી થોડા દિવસ પહેલાં જ રીપેરીંગ માટે આપેલી. ટાંકો આશરે ત્રીસેક ફૂટ ઊંડો હતો. તેમાં પાણી પણ ઘણું હતું. પાણીની સપાટી આશરે દસ ફૂટ પછી શરૂ થતી હતી. હું હેબતાઈ ગયો. જલદી કશું કરવાની જરૂર હતી. સમીરને તરતા નહોતું આવડતું.

રઘુ પરિસ્થિતિ પામી ગયો. થોડી જ વારમાં તે મોહન સાથે હાજર થયો. તેણે મોહનને સમીર દેખાડ્યો. મોહન એક ક્ષણનો પણ વિલંબ કર્યા વગર ટાંકામાં ખાબક્યો. તે પાણીમાં તરીને સમીર પાસે પહોંચી ગયો. તે ડૂબતા સમીરને પાણીની સપાટી પર રાખવા પ્રયત્ન કરવા લાગ્યો.

હું અવાચક બનીને આખો ઘટનાક્રમ જોઈ રહ્યો. મને અચાનક મોહનના પગમાં રહેલી ખોડ યાદ આવી. હું તરત જ ફાયરબ્રિગેડને ફોન કરવા દોડ્યો. થોડીવારમાં જ આખા ફ્લેટમાં હાહાકાર મચી ગયો. બધા જ ટાંકા પાસે ભેગા થયા. કોઈ દોરડું શોધવા ગયા તો કોઈ દોરડું બનાવવા ઘરમાંથી ચાદરો લાવવા ગયા. આ સમગ્ર કોલાહલમાં મોહન પોતાના કરતા બમણા વજનવાળા સમીરને પાણીની સપાટી પર રાખવા પ્રયત્ન કરી રહ્યો હતો. આશરે પંદરેક મિનિટ પસાર થઇ. હવે, મોહન થાક્યો હોય તેમ લાગી રહ્યું હતું. તે પોતાનું તમામ જોર સમીરને ઉપર રાખવા લગાવી રહ્યો હતો. બહાર અમને હજુ દોરડું નહોતું મળ્યું. લોકો ચાદરોનું અસ્થાઈ દોરડું બનાવી રહ્યા હતા. અમારો જીવ તાળવે ચોંટ્યો હતો. એકમાત્ર રઘુ ચુપચાપ પોતાના દીકરાનું પરાક્રમ જોઈ રહ્યો હતો. પોતાના એકના એક દીકરાનો જીવ જોખમમાં હતો તેમ છતાં એ શાંત હતો.

દવેભાઈ પણ આવી ગયા હતા. તે અને તેમના પત્ની રડી રહ્યા હતા. લોકો અંદર પડેલા છોકરાઓને સાંત્વના આપી રહ્યા હતા. અમારા સદનસીબે ફાયરબ્રિગેડ આવી ગઈ. તેમણે બન્ને છોકરાઓને બહાર કાઢ્યા. બન્નેને દવાખાને લઇ જવામાં આવ્યા. સદનસીબે બન્ને બચી ગયા.

બીજે દિવસે સોસાયટીની કમિટીની બેઠક મળી. ગઈકાલની ઘટના વિશે ચર્ચા થઇ. બધાએ દવેભાઈને સાંત્વના આપી. દવેભાઈએ બધાનો આભાર માન્યો અને બોલ્યા, "હું અત્યારે જ આપણા ચોકીદારને નોકરીમાંથી કાઢવાનો પ્રસ્તાવ મુકું છું. તેની ગફલતને કારણે જ ટાંકાનું ઢાંકણું ખુલ્લું રહી ગયું હતું. તેના કારણે જ મારા છોકરાનો જીવ જાત."

હું અવાક બની ગયો. આવું કોઈ કેવી રીતે કરી શકે? શું મનુષ્ય આટલી નીચલી પાયરીએ જઈને બેસી ગયો છે?

હું ચુપચાપ ઉભો થયો. મેં કમિટીના સભ્યો તરફ નજર કરી.

"મને આવું થશે એવી સહેજ પણ આશા નહતી. હું દવેના પ્રસ્તાવનો વિરોધ કરું છું. રઘુ અને મોહને જે કામ કર્યું છે તેના માટે તેઓ શાબાશીને લાયક છે. રહી વાત ઢાંકણાંની તો એ ઢાંકણું સમીરે જ ખોલેલું. તેના મિત્રો આ વાતના સાક્ષી છે. તે ટાંકામાં નીચો નમીને જોઈ રહ્યો હતો ત્યારે પગ લપસતાં પડ્યો હતો. જો આ પ્રસ્તાવ પાસ થશે તો હું આ કમિટીમાંથી રાજીનામું આપીશ અને આ સોસાયટી છોડીને પણ ચાલ્યો જઈશ, કેમ કે, ઉપકારનો બદલો અપકારથી વાળતા લોકો વચ્ચે હું રહેવા નથી માંગતો." હું મક્ક્મતાથી બોલ્યો.

સદભાગ્યે પ્રસ્તાવ પાસ ન થયો.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational