Mehul Anjaria

Inspirational

5  

Mehul Anjaria

Inspirational

થેન્ક યુ

થેન્ક યુ

5 mins
643


સવારનાં પોણા પાંચ વાગ્યે ઘડીયાળનો ઍલાર્મ વાગ્યો. પહેલેથી જ જાગી રહેલા ધનજીએ ઍલાર્મ બંધ કર્યો અને પથારીમાં બેઠો થયો. મંદ હાસ્ય સાથે તેને વિચાર આવ્યો. આખી રાત ઉંઘ નથી આવવાની એવી ખબર હોવા છતાં ઍલાર્મ તો મૂકવો જ પડે છે. કદાચ આંખ મળી જાય તો... એવી આશંકાએ. રાત્રે નિરાંતની નીંદર કરી શકાય, એવા સંજોગો જ ક્યાં હતાં એનાં જીવનમાં ? દર અઠવાડીયે મગન શેઠ આવી પહોંચતા હતાં, એક રૂમ રસોડાનાં મકાનની ભાડા વસૂલી કરવા. જો કે, દર વખતે નવી એક મુદ્ત લઈને જતા રહેતા હતાં. એમનો પણ શું વાંક ? છેલ્લા ૪ મહિનાથી ધનજી પૂરું ભાડું ચૂકવી શક્યો ન હતો.

પત્નીની અચાનક આવી પડેલી બીમારીમાં દવા, લોહી પરિક્ષણ, એક્ષ રેના ખર્ચા, ડૉક્ટરની ફી, આ બધો વધારાનો ખર્ચ, બધી જ આવકનો કોળીયો કરી જતો હતો. અને હમણાં તો આવક પણ ઓછી થઈ ગઈ હતી. વિશ્વભરમાં ફેલાયેલી મહામારીને કારણે, સરકાર દ્વારા જનહિતમાં લેવાયેલાં પગલાંના ફળસ્વરૂપે, લાંબુ લૉકડાઉન આવ્યું હતું અને તેની અસર, ફૅક્ટરીની માલ ઉપજ તથા વેચાણ પર પણ થવા પામી હતી. છેલ્લા ત્રણ મહિનાથી પગાર પણ અડધો જ ચૂકવાતો હતો. ફૅક્ટરીમાં સાથે કામ કરતાં સહકર્મીઓ તો આ પરિસ્થિતિમાં પણ નોકરી ચાલુ રહી હોવાનો સંતોષ માનતા હતાં.

સાતમા ધોરણમાં ભણતી દીકરી અને અગિયારમા ધોરણમાં ભણતા દીકરાની સ્કૂલ ફી પણ પંદર દિવસમાં ભરવાની હતી. મહારોગથી બચવા માટે જરૂરી પગલાં તથા રોગ પ્રતિકારક શક્તિ વધારવાના ઘરગથ્થુ ઉપાયોની સામગ્રી પણ બજેટને ખોરવતી હતી. આ બધા જ વિચારો અને ભવિષ્યમાં વધનારી ચિંતાઓ વફાદાર સાથી બનીને દરરોજ રાત્રે બધા સુઈ જાય ત્યારે ધનજીનો આખી રાત અતૂટ સાથ નિભાવવા માટે આવી જતાં હતાં અને ધનજીની રાત સૂતા વગર જ પસાર થઈ જાય એની ખાતરી કરતાં હતાં.

ઘડીયાળનાં કાંટાની સાથે ચોવીસ કલાકની ત્રણ પાળીમાં ફરતી ડ્યૂટી પ્રમાણે ફૅક્ટરીની નોકરી કરતાં ધનજીને આમે ય ઓછી ઉંઘ સાથે જીવવાની આદત પડી ગઈ હતી. સવારની પહેલી પાળીમાં વહેલા ઉઠી, કુકડો બોલે એ પહેલાં તો ફરજ પર હાજર થઈ જવું પડતું હતું. ફરજનાં આઠ કલાક દરમ્યાન ફૅક્ટરીનાં જુદા જુદા વિભાગમાં લગાવેલી મશીનરી પર અટક્યા વગર સતત ઑપરેશન ચાલુ રાખવું પડતું હતું. માલનું ઉત્પાદન તથા ગુણવત્તા બરાબર જળવાઈ રહે તેની જવાબદારી ભલે શીફ્ટનાં સુપરવાઈઝરની ગણાતી, પણ આખરે તો ધનજી જેવા ફીલ્ડ ઍટેન્ડન્ટ જ તેને સુપેરે નિભાવતા હતાં.

આજે વિચારે ચડેલા ધનજીના દિવસની શરૂઆત ફરજ પર મોડા પહોંચવા સાથે થઈ. ફરજ પર હાજર થતી વખતે આગળની રાત પાળીના ટૅકનીશીયને ઉતાવળા અવાજમાં ધનજીને જણાવ્યું કે આજે પહેલી પાળીમાં બહુ જ સાચવીને મશીન ચલાવવું પડશે કારણકે આજની પ્રૉડક્ટ ખૂબ જ મહત્વના ગ્રાહકને સપ્લાય કરવાની છે જેમાં સમયસર અને ગુણવત્તાસભર ડીલીવરી ખૂબ મહત્વનાં છે. સુપરવાઈઝરે પણ આ જ વાત, પણ સત્તાવાહી સૂરમાં જણાવી. ધનજીએ રોજની જેમ મશીનનો ચાર્જ સંભાળ્યો તથા બધા કન્ટ્રોલ પૅરામીટર્સ ચૅક કર્યા. બધું ઠીક જણાતાં મશીન નજીકની ખુરશી પર થોડીવાર બેઠો. ફરીથી રાત્રે હાજરી પૂરાવનારા વિચારો અહીં પણ તેની એકલતામાં ખલેલ પહોંચાડવા આવી પહોંચ્યા.

કાલે રાત્રે સૂતા પહેલાં પત્ની રમાએ દીવાળી પર ક્યાંક ફરવા જવા તથા બાળકોનાં નવા કપડાં, ફટાકડા વગેરેની યાદી અપાવતાં બંન્ને વચ્ચે થયેલ ઉગ્ર બોલચાલ હજી મગજમાં ઘુમરાતી હતી. અડધો જ પગાર ચૂકવતા મૅનેજમૅન્ટ પાસે આ વરસે બૉનસની તો આશા જ રાખવી નકામી હતી. એમાં ય જો દીવાળીનાં મહિનાની શરૂઆતમાં જ મગન શેઠ જો ઘર ખાલી કરાવશે, તો પરિવારને લઈને પોતે ક્યાં જશે, શું કરશે.... આવા બધા વિચારોમાં ખોવાઈ ગયેલાં ધનજીએ અચાનક એક મોટો અવાજ સાંભળ્યો અને પછી વર્કફ્લૉર પર શાંતિ છવાઈ ગઈ. થોડી ક્ષણો વીતી ગયા પછી ધનજીને ખ્યાલ આવ્યો કે મશીન બંધ પડી ગયું હતું અને પ્રૉસેસ અટકી ગઈ હતી. કાચો માલ જે પ્રૉસેસીંગમાં હતો તે મશીનમાં ફસાઈ ગયો હતો. આગળની ઍક્શન લેવા માટે ધનજી ખુરશી પરથી ઉભો થઈને જાય એ પહેલાં તો સુપરવાઈઝર ત્યાં પહોંચી ગયો અને ફ્લૉર પરની પરિસ્થિતિ જોઈને ધનજી પર તેનો ગુસ્સો ફૂટી નીકળ્યો હતો. ફસાયેલા માલને કાઢવામાં તથા મશીનની મરમ્મત કરી ફરીથી ચાલુ કરવામાં ઘણો સમય નીકળી જાય એમ હોવાથી આ શીફ્ટનાં ઉત્પાદન તથા મહત્વના સપ્લાય પર અસર થવાની હતી. કાચા માલનો બગાડ તથા માલની ગુણવત્તા પર પણ અસર થવાની હતી. સુપરવાઈઝરે ધનજીને કડક શબ્દોમાં ઠપકો આપ્યો. "નોકરીની જરૂર ન હોય તો ઘરે બેસી રહે, અહીં આવવાની કંઈ જરૂર નથી" વર્ષોથી નિષ્ઠાપૂર્વક પોતાની ફરજ બજાવતા ધનજીને આ શબ્દો સાંભળી બહુ લાગી આવ્યું. 

હજી બે દિવસ પહેલાંની વાત તેને યાદ આવી ગઈ. ધનજીની સાવચેતી તથા અનુભવી સુઝબુઝને કારણે ફૅક્ટરીમાં એક મોટો અકસ્માત થતાં રહી ગયો હતો અને આ જ સુપરવાઈઝરની નોકરી જતાં બચી ગઈ હતી. ધનજીનાં સહકર્મીઓએ તેને કહ્યું હતું, કે 'આ સુપરવાઈઝર જરૂર તેનો આભાર માનશે.' પણ બે દિવસ વીતી જવા છતાં સુપરવાઈઝર તરફથી કોઈ પ્રતિભાવ આવ્યો ન હતો, અને આજે આ નાનકડી ઘટનામાં સુપરવાઈઝરે ધનજીને અપમાનિત કરવામાં કોઈ કસર છોડી ન હતી.

દીકરીએ ગઈકાલે સાંજે જ પોતાની શાળાના અભ્યાસના ભાગ તરીકે, મહારોગ સામે લડવામાં મદદરૂપ સૌ કોઈને થેન્ક યુ કહેવા માટેનો એક સંદેશ લખ્યો હતો તે વાંચી સંભળાવ્યો હતો, ત્યારે ધનજીને પણ સારું લાગ્યું હતું. આજની આ ઘટના પછી ધનજી ઘણો ઉદાસ થઈ ગયો. ઘણી બધી તકલીફો તથા વિપરીત સંજોગો હોવા છતાં, તેના જેવા નાના માણસનાં કામની કોઈ કદર તો ઠીક, નોંધ પણ ન લેવાતી હોય એવું એને લાગ્યું. આજે લંચ ટાઈમમાં કૅન્ટીનમાંથી જમવાનું પણ નહીં મંગાવ્યુ અને મશીનનાં કામમાં જ રત રહીને, જેમ તેમ તેણે પાળી પૂરી કરી.

જો કે જતી વખતે પછીની પાળીનાં ટેકનીશિયનને મશીન ચાલુ હાલતમાં આપીને જવાનો તેને સંતોષ હતો. ફૅક્ટરીનું પોતાનું સૅક્શન છોડીને બહાર નીકળવાનાં ગૅઈટ પાસે ધનજીએ બાયોમૅટ્રીક પંચીંગ મશીન પર પોતાના જમણાં હાથનો અંગૂઠો મૂક્યો અને આઉટ ટાઈમનાં પંચની નોંધણી સાથે મશીનમાં મૂકેલા વૉઈસમશીનમાંથી અવાજ નીકળ્યો "થેન્ક યુ"......અચાનક ધનજીનો ચહેરો આ સાંભળીને ખીલી ઉઠ્યો. દિવસ દરમ્યાન કોઈ માણસે નહીં, પણ માણસ દ્વારા જ બનાવેલા મશીને પોતાની ફરજનિષ્ઠાની નોંધ લીધી અને આભાર પણ પ્રદર્શિત કર્યો એની ખુશીને વાગોળતાં ધનજીએ પોતાની સાયકલના પેડલ પર જોરથી પગ માર્યો અને જલદી ઘર ભણી હંકારી..


Rate this content
Log in

More gujarati story from Mehul Anjaria

Similar gujarati story from Inspirational