Ujas Vasavada

Inspirational

2.4  

Ujas Vasavada

Inspirational

પરિચય

પરિચય

7 mins
1.4K


એક ઉજ્જડ વેરાન રેલ્વેસ્ટેશન પર વહેલી સવારે ટ્રેન ધીમી પડી અને આખી ટ્રેનમાંથી એક યુવાન ખભ્ભા પર એક હાથે કોટ લટકાવી ઉતર્યો. ધીમી ધારે વરસાદ પડી રહ્યો હતો આજુબાજુ કોઈ જ ન હતું કહેવા માત્રનું પ્લેટફોર્મ હતું, આ પ્લેટફોર્મ પર વર્ષોથી કોઈ મરમ્મત સમારકામ કરાવેલું ન હોય તેવું જોવા મળતું હતું. આખા પ્લેટફોર્મ પર એક માત્ર લારી હતી. લારીની હાલત જોઈને જ પછાત ગામનો તાગ મેળવી શકાય. આ લારી આ ગામના જ એક વડીલની હતી જે સ્ટેશન પર ટીકીટ કલેકટર/સ્ટેશન માસ્તર/ ક્લાર્ક જે કહો તે રીતે માનદ સેવા આપતા હતા. જી..હા.. માનદ સેવા કારણ પ્લેટફોર્મ ઉભું કરેલ હતું, આ ગામમાંથી ક્યારેક જ કોઈ ટ્રેનમાં શહેર જતું અને એ ગામનો ગયેલો વ્યક્તિ જ પરત ફરતો. આખા દિવસમાં આ પ્લેટફોર્મ પર માત્ર બે જ ટ્રેન ઉભી રહેતી એક વહેલી સવારે અને બીજી સંધ્યા સમયે અને તે પણ બે ટ્રેનોના ક્રોસિંગ માટે જ.


યુવાન આ વિરાન પ્લેટફોર્મ પર ઉતરી, લારી પાસે આગળની બાજુએ થિંગડા વાળી તાડપત્રી નીચે ઊભી કરેલ પથ્થરની બેઠક પર જઈ બેસે છે. યુવાનને જોઈ પ્લેટફોર્મની બાજુએ જુનવાણી નળીયાવાળી કોટડીમાંથી વડીલ લારી પર આવે છે અને યુવાનને પૂછે છે, "સાહેબ.. કંઈ આપું?"


યુવાન એ વડીલની સામે જોઈ માત્ર નકારમાં માથું ધુણાવી મોં ફેરવી લે છે. વડીલ યુવાનના ઉદાસ ચહેરા પરથી અનુમાન લગાવે છે, "યુવાન રાહમાં ભટકેલો લાગે છે!"

વડીલ મનોમન વિચારતા, "આ કોણ હશે! મોં પરથી ઉદાસીન છે. અને આ ગામનો પણ નથી. તો પછી અહીં.. આવી રીતે...?" તે ફરી તેની કોટડી તરફ જવા લાગે છે અને જતાં જતાં, " સાહેબ કંઈ જોઈતું હોય તો બોલાવજો હું અહીં જ રહું છું."


ધીમી ધારે પડતો વરસાદ તેના અસલ મિજાજમાં આવી પડવા લાગ્યો હોય છે. વાદળોની ગર્જના હૈયું ધ્રુજાવી દે તેવી થવા લાગે છે. ઝડપથી ફૂંકાતા પવનની સાથે વરસાદ, યુવાનને ભીંજવવા લાગે છે. યુવાન બેઠક પરથી ઉભો થઇ વરસાદના પાણીથી બચવા આજુબાજુ નજર ફેરવવા લાગે છે ત્યાં જ પેલા વડીલ, " ઓ સાહેબ...અહીં આવી જાઓ...વરસાદમાં ભીંજાઈ જશો." એ યુવાન આકાશમાંથી વરસતાં અનરાધાર વરસાદ તરફ નિસાસો નાખી વડીલની કોટડી તરફ દોટ મૂકે છે. વરસાદથી બચવા યુવાન કોટડીમાં પ્રવેશીતો જાય છે પણ ત્યાંની હાલત પણ સારી ન હતી. નળીયાઓની વચ્ચેથી વિવિધ બાજુએથી પાણીની ધાર થતી હતી. કોટડીની વચ્ચોવચ એ વડીલનો ખાટલો હતો અને એક ખૂણામાં ચૂલો, અને બીજા ખૂણામાં પીવાના પાણીનું માટલું હતું. અન્ય કોઈજ સગવડતાં એ કોટડીમાં નહતી. વડીલે યુવાનને ખાટલામાં બેસવાનો ઈશારો કરતાં, 

"સાહેબ મુંજાશો નહીં.. તમે ભીનાં નહીં થાવ. પવનના લીધે નળીયા ખસી ગયા હોય એવી જગ્યામાંથી જ પાણી પડે છે. બાકી ક્યાંય નહીં પડે."


યુવાન ખાટલામાં બેસીને, " કાકા.. ચા મળશે? આ ઠંડા વાતાવરણમાં ચા પીવાનું મન થયું છે!"

વડીલ ખૂણામાં ચૂલા પાસે પડેલ કીટલી અને માટીનું વાસણ લઈ આવે છે, "સાહેબ હમણાં જ બનાવી છે મને પણ ઈચ્છા થયેલી તે બનાવેલી!" 

"તો તમે જ પી લો.."

" સાહેબ આપણે બન્ને પી લઈશું એટલી છે. હું જ્યારે પણ ચા પીવાની ઈચ્છા થાય ત્યારે બે વ્યક્તિ પી શકે તેમ જ બનાવું. ક્યારેય પણ મને એકલા ચા પીવાની આદત ન હતી એટલે.."

"હું કંઈ સમજ્યો નહીં..!"

"છોડો.. મારી વાત પર બહુ ધ્યાન ન દેવું, કોઈ વાત કરવાવાળું મળે ત્યારે આમ જ બબડાટ ઉપડે છે, તમે ચા પીવો મસ્ત આદુ-ઇલાયચીવાળી."


યુવાન એ વડીલની આંખોમાં એકલતાં મહેસુસ કરવા લાગે છે અને ચાની ચૂસકીઓ લગાવતાં પૂછે છે, " કાકા... અહીં ઉજ્જડ વાતાવરણ કેમ છે! અને તમે અહીં?" વડીલને વર્ષો પછી કાકા શબ્દમાં કોઈ અંગત ભાવ મહેસુસ થયો, " આ ગામ બહુ જ પછાત છે. અહીં પહેલાં ચારસો ખોરડાં હતા હવે માત્ર અઢાર જ રહ્યાં, આ ગામની જમીન પણ ઉજ્જડ છે એટલે ખેતીવાડી નથી, એક ઉદ્યોગપતીએ અહીં જમીન ખરીદી કાપડ બનાવવાની મીલ નાખવાનું વિચાર્યું પણ ગામના લોકોનો વિશ્વાસ ન જીતી શકતાં કઈ જ કામ આગળ ન વધ્યું. પણ સાહેબ તમે આ ઉજ્જડ ગામમાં કેમ?"


યુવાન ખાટલામાંથી ઉભા થઇ ચાની ચૂસકી લગાવી આકાશ સામું જોઈ, "હું ઘરેથી આત્મહત્યા કરવા નીકળ્યો હતો." વડીલના કાને આત્મહત્યાના શબ્દો અથડાયા એ કંઈ આગળ બોલે તે પહેલા વાત આગળ વધારતાં, "તમે આર.વી. ઈન્ડસ્ટ્રીઝનું નામ સાંભળ્યું છે! રમન વર્મા ધ ગ્રેટ ઇન્ડસ્ટ્રીયલીસ્ટ જેનો ફોટો ટાઈમ્સ મેગેઝીનના ફ્રન્ટ પેઈજ પર આવ્યો હતો તે હું જ છું. મેં દેવાળું ફુક્યું છે, શેર બજાર ગગડતાં આજે મારે સંપતિ વેચી પાઈ પાઈ ચૂકવવાનો વારો આવી ગયો છે. હું નાનપણથી જ મહત્વકાંક્ષી હતો. બધી જ સ્પર્ધાઓમાં પહેલો આવતો. મારા બાપુ સામાન્ય સરકારી નોકરિયાત હતાં એમણે ક્યારેય પણ કોઈ જ વસ્તુની કમી મહેસુસ થવા દીધી ન હતી. મારી બા મારી નાની ઉંમરમાં જ મને છોડી ઈશ્વર પાસે જતી રહેલી હતી. મેં સંઘર્ષ કર્યો, સગા-સંબંધીઓ, મિત્રો અને મારા બાપુજીની મરણમૂડી વડે એક નાનકડી શરૂઆત કરી હતી. મારી કંપનીને ઉંચી લાવવા મેં સંઘર્ષ કર્યો. એ સમયના મહાન બિઝનેસમેન અભિમન્યુ ત્રિપાઠીના જીવનની પ્રેરણા લઈ, મહેનત થકી એકવીસમી સદીની આ હરીફાઇમાં પણ મેં સફળતા મેળવી પણ એક નાનકડી ભૂલ...બસ...એક જ નાનકડી ભૂલના લીધે મેં ઉભું કરેલું આખુ એમ્પાયર પડવા આવ્યું. અને આજે હું નિસહાય છું. મારી બધી પ્રોપર્ટી વેચીને પણ દેવું પૂરું કઈ શકું તેમ નથી. મારી ઇમેજના લીરેલીરા ઉડી ગયા. હવે મારા જીવનનો કોઈ જ અર્થ નથી એટલે હવે હું આત્મહત્યા...." રમન વર્માનું ધ્યાન વાતો કરતાં, દૂર એક બાળક પર જાય છે એ વાક્ય પૂરું કરી શકતો નથી. તે નિર્દોષ બાળક વરસાદના પાણીમાં તોફાન મસ્તી કરતો ગુલાટીયા ખાતો જોવા મળે છે. આકાશ સામું જોઈ આંખો ખોલવા પ્રયાસ કરે છે. વરસાદી પાણીને ખુલ્લી ચેલેન્જ કરતો હોય છે, ખાબોચિયામાં ભરાયેલા પાણીમાં ધુબાકાઓ મારી કોઈ મોટી સિદ્ધિ હાંસીલ કર્યાના ભાવો વ્યક્ત કરી ઉજવણી કરે છે.


વડીલ રમન વર્માની નજીક આવી, " બાળકના તોફાન જોઈ તમને તમારા સંતાનો યાદ આવ્યા લાગે છે?" રમન પાછળ વડીલ સામું જોઈ હળવું સ્મિત ધરી, " એ બાળકમાં મને મારુ બાળપણ દેખાય છે. કહેવાય છે કે અંત નજીક હોય ત્યારે સમગ્ર જીવન આંખો સામે તરવરી ઉઠે." વડીલ એકદમ મોટા અવાજે ખડખડાટ હસવા લાગે છે. તેને હસતાં જોઈ રમન, "કેમ મેં કઈ જોક નથી કર્યો!" વડીલ તેના પર કાબુ મેળવી, " સાહેબ.. માફ કરજો..પણ તમેં તો કંઈક વધુ જ લાગણીશીલ બની વાતો કરો છો. પેલા બાળકને જોઈ તમે તમારું બાળપણ યાદ કરો છો તો તમે કરેલી મુશ્કેલ પરિસ્થિતિઓનો સામનો પણ યાદ કરો. તમે તેના પર સફળતા મેળવી હોય તો એ યાદ કરો, વીતેલા જીવનની દરેક બાબત યાદ કરો, જેને તમે ચેલેન્જ કરી હોય અને એમાં વિજયી થયા હોવ, સાહેબ અંત સમયે જીવનની ક્ષણો દેખાય તેમ જ નાસીપાસ થયેલ અને પ્રારબ્ધ પાસે પીછેહટ થયેલા સામે પણ ઈશ્વર વીતેલી પળોને તાદ્રશ્ય કરે છે. ઈશ્વર તમને તમારી જાત સાથે પરિચય કરાવે છે. તમને તમારી ક્ષમતાનું ભાન કરાવે છે. તમને ફરી મુશ્કેલ પરિસ્થિતિ સામે લડવા તૈયાર કરે છે. બાકી સાહેબ તમે તો મોટા કહેવાવ જેમ તમને યોગ્ય લાગે." 

વડીલ સલાહોની વર્ષા કરી ધ ગ્રેટ ઇન્ડસ્ટ્રીયલીસ્ટ રમન વર્માને હચમચાવી મૂકે છે. રમનને પોતાની જાતનો પરિચય થાય છે આંતરિક શક્તિઓ વડે પરિસ્થિતિ સામે લડવા તૈયાર થાય છે. અને સાંજની ટ્રેનમાં પરત ફરે છે. લોકોમાં વિશ્વાસ જગાવી ફરી સંઘર્ષ કરી દસ વર્ષમાં ગુમાવેલ ઇમેજ પરત મેળવે છે. રમન વર્મા ફરી ધ ગ્રેટ ઇન્ડસ્ટ્રીયલીસ્ટનું બિરુદ મેળવી લે છે. તેના સંતાનો પણ મોટા થઈ ગયા હોય ઇન્ડસટ્રીઝની જવાબદારી સ્વીકારી લીધી હોય છે. પણ હજુ સફળતાની સીડીઓ ચડવાનું ચાલુ જ હોય છે ત્યારે એક વરસાદી સાંજે ચાની ચૂસકીઓ સાથે વડીલનો ચહેરો દેખાય છે. તેઓ ફરી ટ્રેનમાં એ જ ઉજ્જડ સ્ટેશનએ જાય છે પણ ત્યાં ઉજ્જડ સ્ટેશનના સ્થાને અફલાતૂન વિકસિત રેલવેસ્ટશન જોવા મળે છે. લોકોની અવરજવર, રેલ્વેનો સ્ટાફ પણ જોવા મળે છે. ઉત્સુકતાવશ રમનજી પ્લેટફોર્મથી કોરિડોર પસાર કરી ગામમાં દાખલ થવા જાય છે.


રેલ્વેસ્ટેશનના કમ્પાઉન્ડમાં એક સ્ટેચ્યુ જોવા મળે છે. જેને જોઈને વર્માજીના મુખમાંથી સહજ રીતે શબ્દો સરી પડે છે, "અરે આ તો પેલા વડીલ કાકાનું સ્ટેચ્યુ છે!" ત્યારે પાછળ એક યુવાન પાસે આવીને, "જી આ અમારા ગામના ઉદ્ધારક શ્રી અભિમન્યુ ત્રિપાઠીજી છે. વર્ષો પહેલા તેઓ મોટા બિઝનેસમેન હતા. તેઓએ નિવૃત્તિ કાળે આ ગામની અનેક એકર જમીન ખરીદી લીધેલી હતી. પણ જમીન ખેતી લાયક ન હોવાથી ગામના લોકો માટે મીલ નાખવા વિચાર્યું, ત્યારે આજ ગામના આગેવાનોએ વિરોધ કર્યો અને તેને સફળ થવા ન દીધાં. પરંતુ તેણે પણ મનોમન ગાંઠ વાળેલી જેથી વર્ષો સુધી તેઓ જ્યાં ટ્રેનોનું ક્રોસિંગ થતું ત્યાં એકલા હાથે પ્લેટફોર્મ ઉભું કર્યું અને એક ઓરડી બનાવી તેઓ રહેવા લાગ્યા. જેથી લોકોને ખબર પડે કે અહીં કોઈ ગામ છે. જ્યારે ગામના આગેવાનોએ હિજરત કરી બીજે વસવાટ કર્યો ત્યારે ત્રિપાઠીજીએ ગામમાં મીલ બનાવવાનું સ્વપ્ન પૂર્ણ કર્યું. મીલમાં આજુબાજુના ગામડાના નવયુવાનોને નોકરી આપી અને મીલને દોડતી કરી. હું પણ આ ગામનો જ બાળક હતો, મને એમણે જ ભણાવ્યો અને આજે હું એ મીલમાં મેનેજર તરીકે કાર્યરત છું. આ આખા ગામમાં રહેવા માટે મકાનો પણ બનાવ્યા અને આ ગામડું એક ટાઉનશીપમાં બદલી નાખ્યું. આજે આ ટાઉનશીપના બધા લોકો માટે ત્રિપાઠીજી ભગવાન છે. એ હંમેશા કહેતાં આપણું જીવન તરંગો જેવું છે. જેમાં દરેક તબક્કે સફળતા-નિષ્ફળતા, સુખ-દુ:ખ વિગેરેમાં પણ ચડાવ ઉતાર આવતા રહે છે પણ તેમાં આપણા મૂળ સ્વભાવને પકડી હમેશાં આગળ વધતું રહેવાનું.


વર્માજીનાં સ્ટેચ્યુ સામે અવાચક ઉભા રહી મનોમન, "હું જેના જીવનની પ્રેરણાએ આગળ વધતો હતો એ ખુદ મારી મુશ્કેલ પરિસ્થિતિમાં રૂબરૂ પ્રેરણામૂર્તિ બની મને મારી સાથે પરિચય કરાવી ગયા તેમ છતાં હું તેનો પરિચય આટલા વર્ષો બાદ મેળવી શક્યો."


Rate this content
Log in

Similar gujarati story from Inspirational