કમાણી
કમાણી


"અરે..મનીયા આ શું કરે છે. તારે તો...!!"
ભાનુકાકાના શબ્દો સાંભળતા જ મનીયો એક મહિના પહેલા કાકા સાથે થયેલા સંવાદમાં પહોંચી ગયો.
"મનીયા... આ આટલા બધા માસ્કના બોક્સને તારે શું કરવાં છે?"
"અરે..કાકા કમાવાનો નુસખો છે. ઓલ્યા ચીનાઓનો રોગ 'કોરોના' આજે નહીં તો કાલે અહીં પહોંચવાનો જ છે. મેં એના વીશેનો લેખ વાંચ્યો'તો એમાં લખ્યું'તું, આ કોરોના ચેપી રોગ છે અને એની કોઈ દવા નથી. ડિસેમ્બર મહીનાથી આ માર્ચ આવ્યો ત્યાં સુધીમાં તો નજીકના કેટલાય દેશમાં પ્રસરી ગ્યો."
"પણ મનીયા એને આ માસ્ક ને શું લાગે વળગે?"
" આ કોરોનાનો ચેપ ન લાગે એટલે ચીનાઓના માસ્ક પહેરેલા ફોટા આવ્યા છે. આપણો દેશ બાજુમાં જ છે એટલે આ કોરોના અહિયાં આવવાનો જ."
મનિષ ઉર્ફે મનીયો..તે નાનકડાં ગામમાં કટલેરીનો સ્ટોર ચલાવતો. કટલેરીના સ્ટોર એટલે જીવન જરૂરી લગભગ દરેક વસ્તુઓ વેચતો. ધંધો પણ સારો ચાલતો. નાની ઉંમરમાં જ તેના બા-બાપુજી એક અકસ્માતમાં પરલોક સીધાવી ગયેલા. તે નાને થી મોટો પડોશી અને આત્મીય એવા ભાનુકાકાની પાસે જ થયેલો. મનીયાને વારસામાં ઘર અને પૈસા હતા પણ જવાબદારી ઉઠાવવા કોઈ સગું તૈયાર ન હતું એટલે ભાનુકાકા અને અંબાબેને જવાબદારી લીધેલી. ભાનુકાકાએ તેનું સમગ્ર જીવન પરોપકારમાં જ પસાર કરેલું હતું.
ચીનમાં કોરોનાના કહેરની વાત સાંભળી મનીયાએ પોતાના ગામની વસ્તી અને નજીકના બીજા ગામની વસ્તીની ગણતરી મુજબ હોલસેલમાં માસ્ક મંગાવ્યા. એના વેપારી મગજે એક માસ્ક પર દસ રૂપિયા લેવાની ગણતરી કરી દુકાનમાં સ્ટોક ઉભો કરી દીધો. મનીયાના વેપારીને મન માટે પૈસો પહેલો પરમેશ્વર હતો.
"બેટા.. તું જે વાત કરે છે એવો સમય ન આવે તો સારું! જો અહિયાં ગામડામાં આ કોરોના ઘુસ્યો તો ગામડાની અબુધ પ્રજા વધુ હેરાન થશે."
"કાકા..એટલે તો આ માસ્ક લાવ્યો. બધા આપણી દુકાને માસ્ક લેવા આવશે અને આપણી કમાણી થશે."
ભાનુકાકાના ગળે મનીયાની વાતો ગળે ન'હોતી ઉતરતી. પણ મનીયો સમજુ હતો અને ઘણા વર્ષોથી હવે ધંધો સ્વતંત્ર પણે ચલાવતો તેથી ભાનુકાકાને વધુ સલાહ દેવી યોગ્ય ન લાગી. ટીવી પર કોરોના વિશેની વાતો સાંભળી ભાનુકાકા મનોમન પ્રાર્થના કરવા લાગ્યા કે કોરોનાથી બધાની રક્ષા કરજો.
પણ, આ રોગની દવા ન શોધાઈ હોય તેને ફેલાતાં રોકવું એ માણસના હાથમાં ક્યાં હતું! ધીરે ધીરે માણસોની દેશ-વિદેશમાં થતી અવર-જવરના પ્રતાપે કોરોનાનું સંક્રમણ વધવા માંડ્યું. ઇટાલી, સ્પેન, ઇંગ્લેન્ડ, રશિયા, ઇઝરાયેલ, અને છેક અમેરિકા સુધી કોરોના વાયરસ ફેલાયો, તો ભારતની શું વિસાત. તેમ છતાં ભારતમાં કોરોના સંક્રમિત વ્યક્તિની જાણ થતાં જ સરકારે ત્વરિત પગલાં લેવાની શરૂઆત કરી દીધી.
ટીવી પર, જાહેર ખબરો, દૈનિકપત્રો બધી જગ્યાએ કોરોના વાયરસથી બચવાના પગલાં જેવાકે, ચહેરા પર માસ્ક પહેરવું, હાથ વારંવાર સાબુ અથવા સેનેટાઇઝરથી ધોવા, એક બીજાથી દુર રહેવું વિશે જાગૃતિ ફેલાવવા લાગ્યા.
ક્ષણભરમાં ગામમાં વાત ફેલાઈ ગઈ કે ચહેરાના માસ્ક મનીયાની દુકાને મળે છે. આખું ગામ મનીયા પાસેથી માસ્ક ખરીદવા ઉપડી પડ્યું. મનીયાની દુકાને એક બાજુ સમાચાર ચાલુ ને એક બાજુ વેચાણ ચાલુ. એજ રાત્રે સરકારે લોકડાઉનની જાહેરાત કરી અને જરૂરિયાતની વસ્તુઓ સિવાયની દુકાન, વેપાર, ઉદ્યોગ બંધ રાખવાની જાહેરાત થઈ.
લોકોના ધંધા રોજગાર બંધ થતાં ગરીબ મજૂર વર્ગો માટે સેવાની સરવાણીઓ ફૂટવા લાગી. ઠેક ઠેકાણે વિવિધ એન.જી.ઓ. બે ટંકના ખાવાનું બનાવી વહેંચણી કરવા લાગ્યાં. તબીબી જરુરીયાતોને પહોંચી વળવા પ્રધાનમંત્રી ફંડમાં ડોનેશન આપવા અપીલ કરવામાં આવી.
આ લોકડાઉનના દિવસોમાં એક દિવસ છાપાના પહેલા જ પાને ભારતના ટોચના ઉદ્યોગપતિઓએ આપેલ ડોનેશનની રકમ અને તેના મંતવ્યો છપાઈને આવ્યા. જેમાં એક ઉદ્યોગપતિએ કહેલાં શબ્દો મનીયાને હાડોહાડ બેસી જાય છે. "આ કપરા સમયે દરેક માણસ સમાન છે. ત્યારે આપણાથી બનતી સેવા કરવી એ આપણી ફરજ છે. દેશની સાથે ઉભું રહેવું એ પ્રથમ કર્તવ્ય છે."
મનીયાએ તુરંત જ માસ્ક ફ્રી માં વહેંચણી કરવાનું બોર્ડ દુકાનના દરવાજે લગાવી દીધું. આ બોર્ડ વાંચી ભાનુકાકાએ પૂછ્યું,"અરે..મનીયા આ શું કરે છે. તારે તો માસ્ક પર દસ રૂપિયા નફો કમાવો હતો અને ફ્રી માં વહેંચવાનું ભૂત ક્યાંથી વળગ્યું?" મનીયો ટેબલ પર પડેલા છાપાંની હેડલાઈન તરફ જોતાં, "કાકા.. જાન હે તો જહાન હે...આજે જ્યારે આખું વિશ્વ મહામારીમાં સપડાયેલું છે ત્યારે આ મુશ્કેલ પરિસ્થિતિમાં કમાયેલું ધન કેવી ભોગવી શકાય! અત્યારે યથાયોગ્ય દાનની સરવાણીઓ ચાલુ છે ત્યારે હું દેશ માટે કંઈક તો કરી શકું. અત્યાર સુધી માસ્કની વહેંચણીથી કમાયેલા પૈસા હું પીએમ ફંડમાં દાન કરી દઈશ અને બાકીનો સ્ટોક મફતમાં આપીશ. પરોપકારી જીવન જીવેલા ભાનુકાકાની પરવીશની છાંટ મનીયાની બોલીમાં વર્તાઈ આવી.