The Stamp Paper Scam, Real Story by Jayant Tinaikar, on Telgi's takedown & unveiling the scam of ₹30,000 Cr. READ NOW
The Stamp Paper Scam, Real Story by Jayant Tinaikar, on Telgi's takedown & unveiling the scam of ₹30,000 Cr. READ NOW

Ujas Vasavada

Thriller

4.0  

Ujas Vasavada

Thriller

પગેરું

પગેરું

8 mins
179


"પાર્ટીમાં મજા પડી ગઈ. કેમ કે નહીં?"

"હમ્મ"

"ત્રણ ચાર મહિને આમ તમે મિત્રો ભેગાં થવાનું રાખો તો બધાંને મજા પડે."

"હમ્મ"

"શું ક્યારના 'હમ્મ' કરો છો કંઇક જવાબ તો આપો!"

     રાતનાં દસ વાગ્યાના સુમારે કરણ અને પ્રિયંકા, કરણના મિત્રો અને તેના પરિવાર સાથેનું નાનકડું ગેટ ટુ ગેધર કમ પાર્ટી પતાવી ઘરે પરત ફરી રહ્યા હતાં. કરણ કોઈક વિચારમાં ડૂબેલો હતો તેને પ્રિયંકા વારંવાર અવનવી વાત કરી તેનો મૂડ બદલવા માંગતી હતી. પણ, કરણ એક ચિત્તે સૂમસામ અંધારા રસ્તા પર કારની ફ્લેશ લાઈટમાં નજર સ્થિર કરી કાર ચલાવી રહ્યો હતો. થોડાં થોડાં સમયાંતરે બાજુએથી નાના મોટા વાહનો ઝડપથી ઓવરટેક કરી પસાર થતાં હતાં. જેના લીધે લાઈટનો મોટો શેરડો પડતો હતો અને ત્યારબાદ ફરી અંધકાર.

     એક જ ગતિએ પસાર થતી કાર અચાનક જ રસ્તાની ડાબી બાજુ વળી અને ખેતરની ફેન્સિંગ તોડી ત્યાં આવેલા એક ઝાડ સાથે જઈ અથડાય છે. અચાનક વળેલી કારના લીધે પ્રિંયકા ગભરાઈ ગઈ અને કરણ પર બૂમો પાડવા લાગી. કરણનું મગજ પણ શૂન્ય થઈ ગયું. પ્રિયંકા પૂછપરછ કરવા લાગી. તેણે કરણનો હાથ પકડી હચમચાવ્યો, "કરણ..શું થયું? કાર કેમ અચાનક આવી રીતે વાળી દીધી?" હતપ્રભ બનેલો કરણ રસ્તા તરફ દોડી કોઈને શોધવા લાગ્યો. પ્રિયંકા પણ કરણના વર્તનથી આશ્ચર્ય પામી તેની પાછળ દોડવા લાગી. અંધારા રસ્તામાં પસાર થતાં વાહનો અને ખિસ્સામાંથી બહાર કાઢેલા મોબાઈલની ટોર્ચ લાઈટ વડે કોઈને શોધતો રસ્તા પર દોડવા લાગ્યો અને બરોબર જે જગ્યાએથી કાર ફેન્સિંગ તોડી ખેતરમાં ગઈ ત્યાં રોડ પર કરણ ટાયરના નિશાનને પણ નિહાળવા લાગ્યો. 

     થોડીવારે શોધખોળ પુરી થઈ હોય તેમ મોબાઈલ ફોન પર કોઈને કોલ લગાવી, "હલ્લો..બેડીનાકા તરફના સિંગલ પટ્ટીના રસ્તા પર મારી કારને અકસ્માત થયો છે. પેટ્રોલિંગ કરતી વાનને અહીંયા મોકલી આપો." ફોનકોલ પૂરો થતાં જ ગજવામાંથી લાઈટર અને સિગરેટ કાઢી મોંમાં રાખી સળગાવી. સિગારેટના એક-બે કસ લીધા બાદ પ્રિયંકાને આંગળી વડે ઈશારો કરી, "તને અહીંયા કોઈ નાનકડી છોકરી દેખાઈ?"

     પ્રિયંકા અચરજ સાથે, "કઈ છોકરી.. કોણ...મેં તો કોઈને નથી જોઈ !"

     સિગરેટના ઊંડા કસ ભરી વ્યાકુળતા સાથે કહ્યું, "પ્રિયંકા..મેં અહીંયા એક સુંદર, ભૂરી આંખો, સિલ્કી વાળ ધરાવતી, સાક્ષાત પરીલોકમાંથી જમીન પર ઉતરી આવેલી નાનકડી પરી જેવી છોકરી જોઈ. તેણે શ્વેત વસ્ત્રો પહેર્યા હતાં, તે મુખ પર અલૌકિક તેજ ધરાવતી અને હાથમાં ફાનસ લઈ આ અંધારા રસ્તા પર કોઈને શોધતી બરોબર કારની સામે આવી ઊભી. તેને બચાવવા જતાં આપોઆપ સ્ટીયરિંગ ડાબી બાજુ મેં વાળ્યું અને આ હાલત થઈ. પ્રિયંકા મેં તને વાત ન'તી કરી કારણ તને નાહકની ચિંતા થઈ જાય. પણ એ છોકરી છેલ્લા એક અઠવાડિયાથી આ રસ્તા પર ઓફિસથી પરત ફરતાં મને જોવા મળે છે. એ છોકરી દરરોજ સાઈડ પર ઉભેલી જોવા મળતી હતી. જયારે પણ હું કારમાં પસાર થતો ત્યારે દૂરથી એ દેખાતી અને જેવો તેની નજીક પહોંચું એ ગાયબ થઈ જતી. એ છોકરી વિશે વધુ શોધખોળ કરવા કાર ઊભી રાખી તેમની પાસે જવા ઈચ્છતો પણ મનનો વહેમ સમજી તેને સતત ઇગ્નોર કરતો રહ્યો અને આજે તે મારી કાર સામે જ આવી ઊભી."

     પ્રિયંકા પણ વાત સાંભળી તેના મનના ઘોડાપૂરને છોડી દીધાં અને વિવિધ તારણો વિચારવા લાગી, "એ છોકરી કોઈની આત્મા હશે અને કંઈ કહેવા માંગતી હશે?" કરણ પણ ઊંડા વિચારમાં પડી ગયો. થોડીવારે પોલીસ પેટ્રોલીંગ વેન આવી કરણ અને પ્રિયંકા બંને તેમાં ગોઠવાયા. શિંદે આ એરિયા જે પોલીસ ચોકી લાગુ પડતી હોય ત્યાં છેલ્લા એક વર્ષમાં કોઈ નાનકડી છોકરીને લગતાં કોઈ પણ કેસની એફ.આઈ.આર. થઈ હોય તેની વિગત મને કાલે સાંજ સુધીમાં આપો. કોન્સ્ટેબલ શિંદે બધી વાતને સાંભળી, "જી..સાહેબ.. આ તમારી કાર !". જવાબમાં કરણે કહ્યું, "કાલે સવારે જોઈ લઈશું." શિંદે ફરી એક આજ્ઞાંકિત કર્મચારી માફક, "જી..સાબજી કહી ફરી મૂંગો થઈ જાય છે. તેના મનમાં તો ઘણાં પ્રશ્નો ઊભા થયાં હતાં, પણ સાહેબની ઇન્કવાઇરી થોડી કરાઈ એટલે વધુ પૂછપરછ કરવાનું માંડી વાળ્યું. 

     કરણ અને પ્રિયંકાની આખી રાત એ છોકરીના જ વિચારમાં પસાર થઈ. બીજા દિવસે સવારે કરણ પોતાનું બૂલેટ બાઈક લઈ ઘટના સ્થળે પહોંચે છે. કરણ એ જગ્યાની આજુબાજુના વિસ્તારને કોઈ ઇન્વેસ્ટિગેશનના ભાગે જે રીતે સ્થળને રેકી કરે તેમ ઘટના સ્થળ અને તે રસ્તાની બંને બાજુ રેકી કરવા લાગે છે. ત્યાં દૂર સુધી કોઈ રહેણાંક જોવા મળતું ન હતું. પણ જે ખેતરમાં કાર ઘુસી હતી ત્યાં ખેતમજૂરો કે ખેતરના માલિકને રહેવા કે ખેતરનો પાક રાખવા માટે બાંધેલો એક રૂમ જોવા મળ્યો. જેના પર તાળું મારેલું જોવા મળ્યું. ઘરેથી નીકળતાં પહેલાં કરણે શિંદેને કોલ કર્યો હોય, થોડીવારે શિંદે બીજા એક બે કોન્સ્ટેબલ, વીમા કંપનીના કર્મચારી અને કાર સ્નેચર ટ્રોલી લઈ આવી પહોંચ્યા. 

     કરણ પોતાની કારને શો રૂમમાં પહોંચાડવાની જરૂરી સૂચના શીંદેને આપી તેમજ વીમાના પેપર્સમાં સહી કરી પોતાની ઓફિસ તરફ જવા લાગ્યો. ઓફિસે પહોંચી પહેલા જ બેડી નાકા પાસેના પોલીસ સ્ટેશનના સબ ઇન્સપેક્ટરને ફોન કર્યો અને પૂછ્યું, "એસ.પી. સક્સેના બોલું છું. મારો મેસેજ મળ્યો?"

     સામે બાજુથી સબ ઇન્સપેક્ટરનો યોગ્ય જવાબ મળતાં કરણને થોડી ટાઢક વળી. આજે કોઈપણ રીતે પેલી છોકરીની માહિતી મેળવવી તેવું મનમાં ધારી લીધું. કરણ ઓફિસની બીજી રૂટિન એક્ટિવિટીઓમાં કાર્યરત બન્યો. લગભગ બપોર 2 વાગ્યા આસપાસ સબ ઇન્સપેક્ટર છેલ્લા એક વર્ષમાં બનેલા પાંચ કિસ્સાઓની કેસ ફાઈલ લઈ એસ.પી. ઓફિસે પહોંચ્યા. કરણ એક પછી એક ફાઈલો ઉથલાવવા માંડ્યો છેલ્લી ફાઇલની વિગતો વાંચી તેના ચહેરા પર યોગ્ય દિશા મળી હોય તેવી ચમક દેખાઈ. 

     "સબ ઇન્સપેક્ટર શ્રીમાળી આ એફ.આર.આઈ નોંધાવનાર ધનજીને મળવું છે તેમને એમના વિશે માહિતી છે?"

     "જી...સાહેબ એ ત્યાં રસ્તા પરની એક ખેતીવાડીમાં જ રહે છે. દિવસે એ કામમાં હોય અને રાત્રે ડૂલ થઈ ક્યાંયે પડ્યો હોય, તેને અફીણ લેવાની તેમજ જુગાર રમવાની પણ આદત છે."

     કરણ પોતાના મગજમાં કડી મેળવવા પ્રયત્ન કરવા લાગ્યો. થોડું વિચારી, "પછી તેની ઘરવાળી મળી?"

     "ના..સાહેબ..એ એના ભાયડાના ત્રાસે ક્યાંક જતી રહી હશે એવું તારણ કાઢી ફાઈલ બંધ કરી દીધી."

     ઘણીવખત ચોક્કસ માહિતીઓ ન મળતાં કેસ આવી રીતે જ બંધ થઈ જતો હોય છે તે કરણને ખબર હતી. કરણ પોતાની ખુરશીએથી ઊભાં થઈ, "ચાલો શ્રીમાળી આપણે આ ધનજીની મુલાકાત લઈએ."

     "બોલ ધનજી..તારી ઘરવાળી ક્યાં ગઈ?" શ્રીમાળી કડક શબ્દોમાં પૂછપરછ કરી રહ્યા હતાં. કરણ નાનકડાં રૂમમાં બધું નિહાળીને જોવા લાગ્યો. તેનું તારણ સાચું પડ્યું હતું. એની ગાડી જે ખેતરમાં ઘૂસી હતી એ ખેતરમાં જ ધનજી ખેત મજૂર તરીકે કામ કરતો હતો. કરણ રૂમમાં પડેલી પેટી તરફ આંગળી ચીંધી, "આ પેટી ખોલ તેમાં શું છે એ જોવું છે." 

     ધનજી ગભરાતા ઊભા થઈ પેટીને ખોલે છે ત્યાં તેમાં નાનકડી છોકરીના ફ્રોકમાં વીંટાળેલી દારૂની બોટલ મળે છે. શ્રીમાળી બોટલ દેખાતાં જ ધનજીને ખેંચીને ઝાપટ મારે છે. "દારૂની બોટલ સંતાડીને રાખે છે. દારૂ રાખવાના ગૂન્હામાં જેલમાં ઘુસાડી દેશું."

     શ્રીમાળીની કડક પૂછપરછ પર કરણ ઈશારાઓ વડે રોક લગાવે છે. કરણ પેલું ફ્રોક ધનજીને બતાવી, "આ ફ્રોક કોનું છે?"

     ધનજી હાથ જોડી ગભરાહટમાં, "સાહેબ એ મારી છોકરીનું છે." ધનજીના જવાબથી જ કરણ અને શ્રીમાળી અચરજ સાથે એકબીજાની સામે જોવે છે. કરણ પૂછપરછ આગળ વધારતાં, "ક્યાં છે ? અહીંયા તો નથી દેખાતી?"

     "સાહેબ એને એની મા હારે લઈ ગઈ." ધનજીએ થોથવાઈને કહ્યુ.

     "તો ફરિયાદ..તે માત્ર તારી ઘરવાળીની જ કેમ લખાવી'તી! આ છોકરીની કેમ ન લખાવી?" શ્રીમાળીએ કડકાઈ સાથે પૂછ્યું.

     "સાહેબ...હું ફરિયાદ લખાવા ન'તો આવ્યો પણ મારો સંગાથી રામલાલ આવ્યો હતો."ધનજીએ ચોખવટ કરી. કરણે તાત્કાલિક ડોગ સ્કવોડને સ્થળ પર બોલાવી. શ્રીમાળીને નવાઈ લાગતાં, "સર..નવેક મહિના પહેલાંની ગંધ અત્યારે કઈ રીતે પારખશે?" કરણ સિગરેટ અને લાઈટર કાઢી સિગરેટ સળગાવી અને તેના કસ લેતાં કહ્યું, "એક ચાન્સ લઉં છું. ઈટાલિયન ડોબરમેન ફેમિલીનો શેરું જૂની ગંધને પારખવામાં માહિર છે. મેં એમની મદદથી ત્રણ વર્ષ પહેલાં આવી જ રીતે એક કેસ સોલ્વ કર્યો હતો. બની શકે કે તેની બૈરી અને છોકરી નજીકમાં જ આ ધનજી પર નજર રાખી રહેતાં હોય."

     "સર..આ શેરુને કંઇક મળ્યું હોવું જોઈએ એ અહીંયા ઝાડની પાસે જ ફર્યા કરે છે. મતલબ અહિયાં કંઈક કહેવા માંગે છે. કરણને પણ વિચાર આવ્યો કાલે તેની કાર અહીંયા આ ઝાડ પાસે જ ટકરાઈને ઊભી રહી ગયેલી. ત્યાં ઝાડ પાસેની જમીનનું નિરીક્ષણ કરવા લાગ્યો ત્યાં થોડી જગ્યા પોચી લાગી તેમજ ત્યાં ઘાસ પણ ઊગી ગયું હતું. કરણ ત્યાં માટીને હાથમાં લઈ કંઈક વિચારી શ્રીમાળી તરફ જોઈ કહ્યું, "અહીંયા જમીન ખોદાવો."

     શ્રીમાળીએ કોન્સ્ટેબલને આજુબાજુના ખેતરમાં કામ કરતાં ત્રણેક ખેત મજૂરોને બોલાવ્યા અને ઝાડ નીચેની પોચી જમીન ખોદાવવાનું શરૂ કર્યું. લગભગ ચાર ફૂટથી વધુ ખોદતાં પાવડો કંઈક નક્કર વસ્તુ સાથે અથડાયાનો ભાસ થયો. કરણને અવાજ સંભળાતા તુરંત જ હાથ વડે માટી ઉલેચવાનું સૂચન કર્યું. ત્યાંતો શેરુનો ભસવાનો અવાજ આવવા લાગ્યો. કરણ, શ્રીમાળી અને ત્યાં ઊભેલા બધાં જ ડઘાઈ ગયાં. કરણે તુરંત શ્રીમાળીને સૂચન કર્યું, "ફોરેન્સિક ટીમને બોલાવી ઇન્વેસ્ટિગેશન કરો અને આ ધનજીને હીરાસતમાં લઈ પૂછપરછ કરો." શ્રીમાળી એસ.પી કરણ સકસેનાની સૂચનાને અક્ષરસહ પાલન કરવા લાગ્યો. 

     "પ્રિયંકા...પેલી નાનકડી છોકરી ચોક્કસ તેમના હત્યારાઓને પકડવા પગેરું ચીંધતી હતી. આપણી કાર કાલે જ્યાં અથડાઈ હતી બરોબર ત્યાં જમીન નીચેથી હાડપિંજર મળ્યું છે. બે દિવસમાં ફોરેન્સિકનો રિપોર્ટ આવશે એટલે વધુ વિગત ખબર પડશે." 

     ફોનકોલમાં વાત ચાલુ હતી ત્યારે તે પોલીસ જીપમાં બેસી ગયો હતો અને જીપ ઓફિસ તરફ રવાના થઈ ચૂકી હતી. પ્રિયંકા સાથેની વાત પૂરી થતાંની સાથે જ ફરી એ છોકરી હાથમાં ફાનસ લઈ રોડની સાઈડમાં ઊભેલી જોવા મળી અને તેના મુખ પર એક અલૌકિક સ્મિત જોવા મળ્યું. 

     બે દિવસ બાદ સબ ઇન્સપેક્ટર શ્રીમાળી ફોરેન્સિક લેબોરેટરીના રિપોર્ટસ સાથે આવી પહોંચ્યો. 

     "બોલો શ્રીમાળી..રિપોટર્સ શું બોલે છે!" 

     "સર...! બોલે છે !"

     "હા... પગેરું શોધાવવા માટે મૃત વ્યક્તિ તેના ફોરેન્સિક રિપોર્ટ વડે ઘણું બોલે."

     શ્રીમાળીના મુખ પર સ્મિત ફરક્યું, "જી સાહેબ આપ સાચા છો."

     કરણ શ્રીમાળીને જવાબ આપતાં, "અનુભવ... શ્રીમાળી... તમે પણ ક્યારેક તો મારી જગ્યાએ પહોંચશો જ ને ! લાવો રિપોર્ટ જોવા દો."

     શ્રીમાળીએ રિપોર્ટ્સ આગળ ધરી કહ્યું, "સર.. બે વ્યક્તિના હાડપિંજર મળ્યા હતાં. એક 35 વર્ષની આજુબાજુ ઉંમર ધરાવતી સ્ત્રીના અને આશરે 6 વર્ષની છોકરીના. એ બંને ધનજીની ઘરવાળી અને છોકરીના જ છે. ડી.એન.એ રિપોર્ટ્સ પણ મેચ થઈ ગયાં. મોટી સ્ત્રીનો રેપ થયો હશે તેવું તારણ છે. અને નાનકડી છોકરી ગૂંગળામણથી મૃત્યુ પામી હશે."

     "હમ્મ..ધનજી કંઈ બોલ્યો?" કરણે ગંભીરતા સાથે પૂછ્યું.

     "હા... એ રાત્રે તેના ચાર સંગાથીઓ જુગાર રમવા ભેગા થયેલા. ધનજી જુગારમાં પૈસા હારી જતાં તેની ઘરવાળીને દાવ પર લગાવી હતી. એ દાવમાં તે ઘરવાળીને પણ હારી ગયેલો. એ રાતે ધનજીએ અફીણ લીધું હતું એટલે મગજ પર કાબુ ગુમાવી ચૂક્યો હતો. તેના સંગાથીઓ ધનજીની ઘરવાળીને ઊઠાવી ગયા હતાં. સર...ધનજીના સંગાથીઓને પણ હીરાસતમાં લઈ લીધાં છે."

     "વેલ ડન... શ્રીમાળી તમારી ટીમે એક નાનકડી છોકરી અને તેની પીડીત મા ને ન્યાય અપાવ્યો છે. આ નરાધમોને હવે જેલ થઈને જ રહેશે."

     શ્રીમાળી ઓફિસની બહાર જતાં, કરણ તેની ખુરશીમાં લાંબા થઈ આંખો બંધ કરી આગળનો તાળો મેળવવા લાગ્યો. "એ છોકરી ફાનસ લઈ તેની મા ને શોધવા નીકળી હશે. ચાર નરાધમો તેના કૃત્યને અંજામ આપી રહ્યા હશે તે આ બાળકી જોઈ ગઈ હશે તેથી તેની સાથે જ આ બાળકીને જીવતી....હે..ઈશ્વર..." મોબાઈલ પર પ્રિયંકાનો ફોનકોલ રણક્યો અને કરણ ધ્યાનભંગ થઈ ગયો.


Rate this content
Log in

More gujarati story from Ujas Vasavada

Similar gujarati story from Thriller