બાળ હઠ
બાળ હઠ


"પપ્પા...ચાલોને! બાજુમાં બધા ધાબા પર ચડી ગયા છે!!"
"બેટા...હજુ નાહવા તો દે...બે દિવસ આપણે ધાબા પર જ રહેવાનું છે!"
આલોક તેના પાંચ વર્ષના દિકરા જીયાનને સમજાવી રહ્યા હતા ત્યાં ડોરબેલ વાગી, "આવો..પ્રજ્ઞાબેન.. " આલોક બાજુમાં રહેતા પ્રજ્ઞાબેનને આવકારે છે.
"આજે મકરસંક્રાંતિ નિમિત્તે જીયાન માટે મમરાના લાડું અને સિંગની ચીકી આપવા આવી છું. અમારા ક્રિશને બહુ ભાવતી.." વાક્ય પૂરું ન થતા ગળે ડૂમો ભરાય જાય છે.
ત્યાં જીયાન અકળાઈને, "પપ્પા તમે નાહીને આવજો હું જાઉં છું.."
જીયાન આલોકનો જવાબ સાંભળવા ઉભો રહેતો નથી. તે દોડતા ધાબે જવા પગથિયાં ચડવા લાગે છે.
"આલોકભાઈ...જીયાનને એકલા ન જવા દો...મને બરોબર યાદ છે અમારા ક્રિશને પણ એ દિવસે ધાબે જવાની આવી જ ઉતાવળ હતી. તેને ધાબ પર થતો બ્યુગલો, ડીજે ગીતો અને લોકોનો 'કાપ્યો છે' નો અવાજ ખેંચી રહ્યો હતો. 'એકલા ઉપર ન જવા' માટેની મારી સૂચના તેના કાન સુધી પણ પહોંચી નહિ હોય ત્યાં તેના પપ્પાએ હેતના ઉમળકા સાથે ધાબે જવાની પરવાનગી આપી દીધી. ક્રિશ પણ તેની બાળહઠનો વિજ્યોત્સવ મણાવતો ફિરકી, પતંગ, ચશ્મા, બ્યુગલ બધું એક સાથે લઈ ધાબે ચડ્યો. હજુતો ધાબે પગ જ મુક્યો હશેને અચાનક જ ક્રિશની "મમ્મી......." ચીસ પડી અને ત્યારપછી ઘર પાછળની નવેડીમાં અવાજ સંભળાયો... ક્રિશના પપ્પા ધાબા તરફ દોડયા અને હું નવેડી તરફ ત્યાં....." શબ્દો પ્રજ્ઞાબેનના અંતરના ઉંડાણમાં ધરબાય જાય છે.
આલોકને પણ એ ગળું કપાયેલી હાલતમાં જોયેલો ક્રિશનો અંતિમ ચહેરો યાદ આવી ગયો. અશ્રુધારા અને હૈયાની વેદના સાથે પ્રજ્ઞાબેન જતા રહે છે જ્યારે આલોક ધાબા તરફ જીયાન પાછળ ધાબે જતો રોકવા દોટ મૂકે છે.