એક રાત જંગલમાં
એક રાત જંગલમાં


"સંજલા આજે પેપર પુરા થઈ ગયા હવે તો જંગલમાં રખડવા જવું જોઈએ!"
"અરે યાર બાપુજી ના પાડે છે. તું દિવસે જવાનું ગોઠવ તો હા પાડશે."
" મને લાગે છે તું પોતે જ બાપુજીનું નામ વચ્ચે લઈને દિવસે ગોઠવાનું કહે છે. તને ડર લાગતો હોય તો રહેવા દે! હું, કમલેશ અને ભાવેશ અમે જઈશું. કેમ ભાવલા- કમલા બરોબર ને!! આપણે સીધા જ કાકા સાથે વાત કરીએ."
" સારું હું બાપુજીને પૂછીને રાત સુધીમાં કહું."
ભાવેશ, વિમલ, કમલેશ અને સંજય ચારેય મિત્રો વાણિજ્ય શાખામાં કોલેજના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતાં હતાં. ચારેય વચ્ચે ગાઢ મિત્રતા હતી. કોલેજમાં દરેક પ્રવૃતિઓમાં આગળ હતાં. તે લોકો ચાંડાળ ચોકડી તરીકે ઓળખાતી હતી.
સંજયના બાપુજી ફોરેસ્ટ ઓફિસર હતાં. તેઓ સંજય અને એમના મિત્રોને ગીરના જંગલમાં અવારનવાર એમની સાથે લઈ જતાં. ક્યારેક તેઓ કોઈ ફોરેસ્ટ ઓફીસરને પણ મોકલતાં હતાં. છેલ્લે તેઓ એક વર્ષ પહેલાં વેકેશનમાં જ જંગલમાં ફરવા ગયેલાં ત્યારે વિમલે નીલગાય અને હરણોની પાછળ દોડી તોફાન કર્યા હતા અને તેથી સંજયના બાપુજી પણ ખુબજ ગુસ્સે થયેલા હતાં. તેથી આ વખતે સંજય જંગલમાં જવાનું બાપુજીને કહેવાનું ટાળતો હતો. પણ સંજયને મનમાં ભય પણ હતો કે આ વિમલ સીધુ જ બાપુજીને પૂછશે અને બાપુજી તેના પર ગુસ્સે થશે તો વર્ષોની મિત્રતા ગુમાવશે અને અન્ય મિત્રો વચ્ચે પણ તેનું ખરાબ દેખાશે. તેથી સંજય પોતે જ બાપુજીને મનાવવાનું વિચારેલું હતું. સંજયના બાપુજીએ ક્યારેય પણ સંજયની કોઈપણ માંગણીની ના નહોતી કહેલી. આ વખતે પણ સંજય બાપુજીને પૂછતાં, "બાપુજી.. વેકેશન શરૂ થયું એટલે મારા મિત્રો જંગલમાં રાત્રે ફરવા જવા ઈચ્છે છે, તો તમે કંઈક વ્યવસ્થા કરાવી આપશો?" સંજયના બાપુજી થોડું વિચારીને "સારું તમે લોકો સાંજે 6 વાગ્યા સુધીમાં ચેક પોસ્ટએ પહોંચી જજો ત્યાંથી નાઈટ પેટ્રોલિંગવાળી જીપમાં ઓફિસર સાથે ફરજો."
સંજય બાપુજીએ આપેલી અનુમતિ અને સાંજે 6 વાગે ચૅકપોસ્ટ પહોંચવાની વાત જણાવે છે. ચારેય મિત્રો જરૂરી તૈયારીઓ સાથે નિર્ધારિત સમયે ગીર જંગલમાં દાખલ થવાના પૂર્વ દ્વારે એકઠા થાય છે. ચારેય મિત્રોમાં જબરો ઉત્સાહ હતો. રાત્રીના ઘનઘોર જંગલના અંધકારમાં ફરવા જવાનો મળેલો મોકો ઉજવવાના મૂડમાં હતાં.
રાત્રી પેટ્રોલિંગ માટે ચૅકપોસ્ટ પર ડ્યુટી પર રાજેન્દ્રસિંહ નામના ઓફિસર હતાં. એમને સૌ હુલામણા નામ રાજભાથી બોલાવતાં હતાં. રાજભા પણ મોજીલા સ્વભાવના હતા તેઓ પણ 21-22 વર્ષની ઉંમરે સંજય અને તેના મિત્રોની જેમ જંગલો ખેડવાનો શોખ હતો. અને એમના અદમ્ય શોખના લીધે એમણે જંગલ ખાતાની નોકરી સ્વીકારી હતી.
ધીરે ધીરે રાત્રીનો અંધકાર જામી રહ્યો હતો જંગલમાં રાત્રી પક્ષીઓ, પશુઓના, જીવ જંતુઓના વિવિધ અવાજનું મિશ્રણ સંભળાતું હતું. રાજભા ચારેય મિત્રોને દેશી કાઠિયાવાડી ભાણું રાત્રી ભોજનમાં જમાડે છે. અને રાત્રીના 10 ના સુમારે રાજભા જીપમાં ચારેય મિત્રોને લઈ પેટ્રોલિંગમાં નીકળી પડે છે.
મે મહિનાની ગરમીના દિવસો દરમ્યાન ગીરના ડાલામથ્થાઓ રાત્રીના ઠંડકમાં ટહેલવા નીકળતાં હોય છે. રાજભા આ ગીરની શાન એવા જંગલના રાજા સિંહો વિશેનાં વિવિધ અનુભવોની વાત કરતાં જંગલના ગાઢ અંધકારને જીપની હેડલાઈટથી થતાં શેરડાથી ચીરતાં સિંહોની પાણી પીવાની પ્રથમ કુંડી સુધી પહોંચે છે.
રાજભા પહેલાં જીપમાંથી નીચે ઉતરી ટોર્ચથી દૂર પ્રકાશ ફેંકી આજુબાજુના વિસ્તારમાં જંગલી જનાવર ન હોવાની ખાતરી કરે છે અને ત્યાર બાદ સંજયને તેના મિત્રો સાથે નીચે ઉતરી આવવાનું કહે છે. સંજય અને તેના ત્રણેય મિત્રો નીચે આવતા રાજભા સિંહના પગલાં બતાવે છે, " જુઓ ... આ સિંહના પગલાં છે અને બે અલગ અલગ માપના છે એટલે અહીં આ જગ્યાએ થોડી ક્ષણો પહેલા જ બે સિંહો અથવા સિંહ-સિંહણ પાણી પીવા આવ્યા હશે." ઉત્સુકતા વશ વિમલ પૂછે છે, " થોડી ક્ષણો પહેલાં જ આવ્યા એ કઈ રીતે કહી શક્યા?" રાજભા છોકરાઓને સમજાવતાં, " પંજાના આ નિશાનમાં માટીના આ ઉપસેલ ભાગને હળવા હાથે અડકતાં એ તરત ભાંગી પડે નહીંતર આ ઉપસેલ ભાગ કડક જામી જાય."
વિમલ તેની જીજ્ઞાશા મુજબની પ્રશ્નોત્તરી કરતો હતો અને રાજભા તેના સંતોષકારક જવાબ આપી રહ્યાં હતાં. ત્યાં સંજય અને કમલેશને પાછળ કંઈક સળવળાટનો અનુભવ થયો. તેઓ પાછળ વળી નજર ફેલાવે છે તો કોઈ માણસના ભાગવાનો ભાસ થાય છે.
સંજય રાજભાને આ સળવળાટ વિશે કહે છે. રાજભા તેની ટોર્ચ અવાજ તરફ ફેંકે છે પણ કંઈ દેખાતું નથી. રાજભા સંજય અને તેના મિત્રોને જીપમાં બેસવાનું કહે છે અને પોતે હાથમાં મોટી લાકડી(દંડ) અને ટોર્ચ સાથે અવાજની દિશામાં જાય છે. વિમલ તેના ઉત્પાતિયા સ્વભાવને વશ રાજભાની પાછળ જવા જીપમાંથી ઉતરે છે. જીપનો ડ્રાઈવર તેને રોકે છે પરંતુ વિમલ તેને ભોળવી રાજભા પાછળ જાય છે. વિમલ પાછળ સંજય અને કમલેશ પણ જાય છે. ભાવેશ ડરતો હોવાથી તે ડ્રાઇવર સાથે જીપમાં જ બેસી રહે છે. રાજભાના ગયાને થોડો સમય વીતી ગયો હોય વિમલ,સંજય અને કમલેશ તેને પકડી શકતાં નથી અને જંગલમાં ભૂલા પડે છે.
વિમલ જંગલમાં કેડી રસ્તા પર પોતાના મોબાઈલની ટોર્ચ લાઈટ વડે આગળ વધે જાય છે અને સંજય-કમલેશ પાછળ ખેંચાયા કરે છે. સંજય મનોમન ગભરાયો હોય છે કે તેના બાપુજીને ખબર પડશે તો આ વખતે તેની ખેર નથી. ત્યાં ગીરના સાવજની ડણક સંભળાય છે. ત્રણેય મિત્રો સ્થિર થઈ જાય છે. તેઓની આજુબાજુમાં સિંહ હોવાનો અંદેશો આવે છે. સંજય વધુ વિચાર્યા વગર વિમલના હાથમાંથી મોબાઈલ ટોર્ચ લઈ ડણક ની દિશામાં દૂર પ્રકાશ ફેંકે છે. ત્યાં ચળકતી આંખો, ઘટાદાર કેશવાહી વાળો કદાવર સિંહ સુતેલો જોવા મળે છે. અને તેની સાથે અન્ય ત્રણ સિંહો બેઠેલા જોવા મળે છે.
ત્રણેય જણા સિંહની હિલચાલ જોવા થોડી વાર રોકાય છે. ત્યાં મોબાઈલના ટોર્ચલાઈટથી ભડકી સુતેલો સિંહ બેઠો થાય છે અને એમની આગવી અદામાં ગર્જના કરે છે. સિંહની ગર્જના સાંભળી ત્રણેય મિત્રો ડર્યા હોય પરત દોડવા લાગે છે. દોડતાં થોડીવારે જીપ પાસે પહોંચે છે પણ રાજભા પરત આવેલા ન હતા. સંજય ડ્રાઇવરને જીપમાં રહેલ વોકી ટોકી વડે રાજભાનો સંપર્ક કરવા પ્રયત્ન કરે છે પણ તેનો સંપર્ક થતો નથી. જીપના ડ્રાઇવરને કંઈક અઘટિત ઘટ્યાનું અનુમાન થતા છોકરાઓને લઈ પરત ચેક પોસ્ટ પર ફરે છે.
ચૅકપોસ્ટ પર પહોંચી સંજય તેના બાપુજીને બોલાવે છે. અને ચેકપોસ્ટ પરના ફોરેસ્ટના સાથી બીજા અધિકારીઓને જાણ કરી નિયમ મુજબ રાજભાની શોધખોળ શરૂ કરે છે. સંજયના બાપુજી તેની જીપ લઈ તાબડતોબ ચૅકપોસ્ટ પર બીજા બે અધિકારી સાથે પહોંચે છે. સંજય બધી વાત તેના બાપુજીને કરે છે અને ડ્રાઇવર સંજયના બાપુજીને જે લોકેશન પર લઈ જાય છે, જ્યાંથી રાજભા જંગલમાં ગયા હતાં.
જંગલ ખાતાના અન્ય અધિકારી પણ પાછળ બીજી જીપમાં આવી પહોંચે છે અને ધીરે ધીરે કેડીઓ પસાર કરી આગળ વધે છે. થોડે દૂર પહોંચતાં મારણની ગંધ આવવા લાગે છે. કેડીઓમાં આડા ઝાડ પાન દૂર કરી જંગલ મધ્યે પહોંચતા તીવ્ર માંસની ગંધ આવે છે. સામે ઝાડ નીચે ચાર સિંહો કોઈ મારણ ફરતે બેસી મિજબાની કરતાં દેખાય છે.
સંજયના બાપુજી નાઈટમોડ ટેલિસ્કોપથી ક્યાં પ્રાણીનું મારણ કર્યું છે એ જુએ છે. અને મોંમાંથી ઉદગાર નિકળી પડે છે, "ઓહ... શીટ... ઓફિસર એરગનનું ફાયરિંગ કરો આ સિંહો રાજભાના શરીરને ચૂંથી રહ્યા છે." અન્ય એક અધિકારી તુરંત જીપ તરફ દોડી સિંહને બેભાન કરવાની એરગન લઈ આવી સિંહો પર ફાયરિંગ કરે છે. સિંહો બેભાન થાય છે અને રાજભાના મૃત ચૂથાયેલાં શરીરને સિંહો પાસેથી છોડાવી લાવે છે.
ચારેય મિત્રો આ દ્રશ્ય જોઈ સુન્ન થઈ જાય છે. કોઈને કંઈ સુઝતું હોતું નથી. તે ચારેયને મનોમન ગુનાહીત કામ કર્યાનો ભાવ જાગે છે અને તેઓના લીધે જ સિંહ ભડકયાં હશે ને રાજભા પર હુમલો કર્યો હશે. પણ સંજયના મગજમાં એક પ્રશ્ન ઉદભવે છે. સિંહો તો અમે જે દિશામાં ગયેલા તેની વિરૂદ્ધ દિશામાં રાજભા ગયાં હતાં અને મને જે સળવળાટ સંભળાયો હતો તેની પાછળ તો કોઈ માણસ હતો.
સંજય બે દિવસ બાદ આ ઘટનાની વાત તેના બાપુજીને કરે છે. સંજયના બાપુજી સંજયની વાત સાંભળી રાત્રે જંગલમાં જવાની વાત કરે છે. આ વખતે સંજય તેના બાપુજી સાથે હોય અને કંઈક અન્ય ઘટના ઘટ્યાના સંદેહ સાથે સત્ય હકીકત ચકાસવા જાય છે. સંજયના બાપુજી સંજયની ચીંધેલી દિશામાં રાત્રીના અંધકારમાં ધીમે પગે આગળ વધે છે. જંગલમાં વધુ અંદર જતાં ચંદનના લાકડાઓના ઢગ જોવા મળે છે.
સંજયને તો જે વસ્તુ મળી હતી તેનો અંદેશો ન હતો પણ સંજયના બાપુજીને બહુજ મોટી સફળતા મળ્યાંનો તાગ મેળવી લે છે. સંજયના બાપુજી વોકી ટોકી પર જંગલ ખાતાના અન્ય હથિયાર ધારી ટુકડીઓને બોલાવે છે. ચંદનના ઢગની ફરતે બધા અધિકારીઓ છુપાઈને છટકું ગોઠવે છે.
રાત્રીના એક વાગ્યાના સુમારે ચંદનના લાકડાઓ ચોરવાની જંગલી ટુકડી ત્યાં આવી પહોંચે છે. પણ ફિલ્મી ડ્રામાને અંતે ચંદન ચોર ની ટિમ ઝડપાઇ જાય છે. રાજભાની મૃત્યુનું પગેરું પણ આ ચંદનચોર ટુકડીએ જ પહોંચે છે. રાજભાને ખબર પડતાં તેઓ એકલાં જ આ ચંદન ચોરોને પકડવા નીકળી પડ્યા હોય છે પણ તે એકલા હોઈ આ તસ્કરો સાથેની ઝપાઝપીમાં મૃત્યુ પામે છે. અને ત્યારબાદ આ તસ્કરો રાજભાના શરીરને સિંહ પાસે ફેંકી દે છે.
સંજય તેની સૂઝબૂઝથી તેના બાપુજીને સાચી હકીકત જણાવતાં જંગલ ખાતાને એક મોટી સફળતા મળે છે.