મી ટૂ
મી ટૂ


સપ્તાહભરની સતત અને થકવી નાખનારી કામગીરી પછી રવિવારની સવાર પડી હતી. દરરોજ તો છ વાગ્યામાં ઊઠીને તૈયાર થઈ, ચા-નાસ્તો કરીને નવ-સાડાનવે હોસ્પિટલ પહોંચી જવું પડતું. શહેરની સિવિલ હોસ્પિટલનો ઓપીડી વિભાગ હંમેશાં ભરચક જ રહેતો.જનરલ ફિઝિશિયન તરીકે મારું નામ આખા શહેરમાં ગુંજતું હતું.
એક રવિવાર જ એવો મળતો કે જ્યારે હું બધા જ પ્રકારના ટેન્શનથી પર થઈને સવારે ૯ વાગે ઊઠીને ચાની ચુસ્કી લેતા લેતા મારા ઘરની બારીમાં બેઠી બેઠી,પેપર વાંચી રહી હોઉં.
ચાની ચુસ્કી સાથે મેં પેપર ખોલ્યું.વાંચતા-વાંચતા મારી નજર, બે ઘૂંટણ વચ્ચે મોઢું છુપાવીને, ખુલ્લા વાળ સાથે-અસહાય દશામાં હોય એમ-બેઠેલી છોકરીની છબિ પર પડી.નીચે લખ્યું હતું 'મી....ટૂ...'
મેં સાંભળ્યું હતું અને વાંચ્યું પણ હતું કે હમણાં હમણાં એવું એક કેમ્પેન આખા વિશ્વમાં ચાલે છે, જેમાં સ્ત્રીને પોતાના બાલ્યકાળ, કિશોરાવસ્થા અથવા તો યુવાનીમાં પ્રવેશતા જ કોઈ પુરુષની હવસનો શિકાર બનવું પડયું હોય, અથવા તો એની મજબૂરી, લાચારી કે નાદાનિયતનો લાભ લઇને, તેનું યૌન-શોષણ કરવાનો પ્રયત્ન થયો હોય.....!! આ સમાચાર પર નજર પડતાં જ મારી સામેથી મારી ઉંમરના ૧૫ વર્ષ બાદ થઇ ગયા.અને હું પંદર વર્ષની કિશોરાવસ્થામાં, નવમાં ધોરણમાં અભ્યાસ કરતી એક સુંદર કન્યા બની ગઈ.
***
પપ્પાએ બહુ લાડથી પણ બહુ સમજી -વિચારીને જ કદાચ મારું નામ યશસ્વી રાખ્યું હતું .બે ભાઈ પછી હું એકની એક લાડકી બહેન હતી.એટલે પરિવારમાં સૌનું પારાવાર વ્હાલ પામીને ઊછરી રહી હતી.પપ્પા કહેતા કે "મારો આ વહાલનો દરિયો જ્યાં જશે, ત્યાં સૂર્ય નહીં પણ ચંદ્રની જેમ પ્રકાશશે, જેના ઉજાસમાં ક્યારેય કોઈ દાઝશે નહીં, શીતળતા પામશે !! એ જ્યાં હશે, જે ક્ષેત્રમાં જશે, ત્યાં યશ મળશે એટલે એનું નામ યશસ્વી રાખીએ.!"
મને મારું આટલું બધું માન અને દરેક વ્યક્તિ દ્વારા થતી પ્રશંસા ગમતી. પપ્પાના અંતરની એ મંગળકામના અને એમની શીતળ છાયામાં હું ખરેખર ચાંદની જેમ ખીલતી રહી હતી. પપ્પાએ મને મારી ઈચ્છા મુજબ જે ક્ષેત્ર પસંદ હોય,એમાં કારકિર્દી ઘડવાની છૂટ આપેલી. મને પહેલેથી જ ડોક્ટર બનવાની તમન્ના હતી. અને મારાં જીવનનું લક્ષ્ય પૂર્ણ કરવામાં મારાં માતા-પિતા અને બંને ભાઈઓએ ખૂબ સહયોગ આપ્યો હતો.
પપ્પા શહેરના બહુ જ મોટા બિઝનેસમેન હતા.રેડીમેડ જ્વેલરીના એક્સપોર્ટનો કસદાર બિઝનેસ હતો. મારા જન્મ પછી તરત જ પપ્પાનો બિઝનેસ ખૂબ જ વિકસ્યો. અને એટલે જ એમણે મારું નામ 'યશસ્વી' રાખી દીધું.જો કે ધંધો તો પપ્પાના વર્ષોના પુરુષાર્થ અને મમ્મીનાં પરિવાર તરફનાં સમર્પણ, ત્યાગ અને મૌન ભાવે થતી રહેતી સેવાને લીધે વિકસ્યો હતો.પણ પપ્પાએ દીકરી તરફના અપાર અનુરાગને કારણે એમના બિઝનેસના વિકાસનો યશ મને આપી દીધેલો!! અંદરથી હું ખૂબ ખુશ થતી, પોરસાતી અને સહુ મારાં પ્રશંસક બની રહે એ માટે સજાગતાપૂર્ણ પ્રયાસ કરતી.
અમારી ગણના શહેરના દસ શ્રીમંત પરિવારોમાં થતી, છતાં પણ પપ્પા અને મમ્મી બન્ને ખૂબ જ સંયમિત અને સંવાદી જીવન જીવતાં.પપ્પાને કોઈ જાતનું વ્યસન ન હતું. બિઝનેસ વિકસતો જતો હતો, છતાં પપ્પા ખૂબ જ નિયમિત હતા. સોમથી શુક્ર સુધી સવારના ૯ થી સાંજના ૬ સુધી તેમની ઓફિસ રહેતી. છ વાગ્યા પછી અચૂક તેઓ ઘરે આવી જતા.
મારો બંગલો શહેરના પોશ વિસ્તારમાં પહેલેથી જ હતો.૨૫૦૦ વાર જેટલી વિશાળ જગ્યામાં, સુંદર બગીચા સાથેનો મહેલ જેવો અમારો બંગલો હતો. જેમાં અમારા સૌના બેડરૂમ અલગ અલગ હતા.આમ છતાં વહેલી સવારે, અમારા ગૃહ મંદિરમાં ઈશ્વરની આરતી અમે સૌ સાથે મળીને કરતાં. અને પછી જ સૌના કામે જતાં.એટલું જ નહીં, સાંજનું ડિનર સહુએ સાથે જ લેવું એવો અમારા પરિવારનો નિયમ હતો.
દરેક વીક-એન્ડમાં અમે નાનકડી પિકનિક કરતા, અને દરેક વેકેશનમાં મોટી ટુરનો પ્રોગ્રામ રહેતો. મોટો ભાઈ એમબીએ કરીને પપ્પાના બિઝનેસમાં જોડાયેલો હતો. નાનો ભાઈ કૉમ્પ્યુટર એન્જિનિયરિંગનો કોર્સ કરી રહ્યો હતો. બેમાંથી એકેય મેડીકલ સાયન્સના સ્ટુડન્ટ ન હતા, તેથી ઘરમાં અભ્યાસ કારણે કોઈ કાર્યક્રમ મુલતવી રાખવો પડે એવું ટેન્શન આજ સુધી આવ્યું ન હતું. મારે ડૉક્ટર થવું હતું. એટલે હાઇસ્કુલમાં પ્રવેશતાં જ મારા શિક્ષણ ઉપર વિશેષ ધ્યાન અપાવા લાગ્યું હતું. હું પણ મારા સ્વભાવ મુજબ દરેકનું ધ્યાન મારા તરફ આકર્ષિત રહે એ માટે ઉત્સાહથી દરેક કાર્યક્રમમાં આગળ રહેતી.
નવમાં સ્ટાન્ડર્ડમાં પ્રવેશતા જ, મારું ડૉક્ટર બનવાનું સપનું પૂરું કરવા માટે, ટ્યુશન રાખવા બાબતે નિર્ણય લેવાયો. હું ગર્લ્સ સ્કૂલમાં હતી. મારે કોઈ ક્લાસમાં જોડાવું ન હતું. ઘેર આવીને મને વ્યક્તિગત ટ્યુશન આપે, એવા શિક્ષકની અમારે જરૂર હતી. વિજ્ઞાન પ્રવાહ માટે મેથ્સ, સાયન્સ અને ઇંગલિશ- એ ત્રણે વિષય જરૂરી હતા.ત્રણ અલગ અલગ ટીચર્સને બદલે એક જ ટીચર જો ત્રણેય સબજેક્ટ શીખવી શકે, તો મને વધુ સારું પડે, એવું સૌનું મંતવ્ય હતું. સાયન્સના ટીચર્સ મોટાભાગે વ્યક્તિગત ટ્યુશન રાખતા નહીં.ક્લાસિસની અઢળક કમાણી માટે ટીચર્સનું ગ્રુપ બનતું હોવાથી, એમ કોઈ વ્યક્તિગત ટ્યુશન આપવા તૈયાર પણ ન થાય.વળી મારા ટ્યુશન માટે પ્રથમ આગ્રહ લેડી ટીચરનો હતો. પરંતુ સહુને અનુકૂળ એવો એક જ ટાઈમ હતો- સાંજના ૭ થી ૯. એ સમય દરમિયાન કોઈ લેડી ટીચર મારા ઘરે આવી અને મને ટ્યુશન આપે એવું શક્ય બનવાનું નહોતું.
મમ્મી-પપ્પા આ અંગે વિચારતા હતા. પપ્પાએ થોડી ઘણી તપાસ પણ કરેલી. પરંતુ આખરે મારી ઉપર જ છોડ્યું. કહ્યું કે "તારી પોતાની સ્કુલમાં જ કોઇ એવા સારા શિક્ષક હોય તો તું તપાસ કર."
અમારી ગર્લ્સ હાઇસ્કુલમાં હજુ હમણાં જ એક નવા શિક્ષક આવેલા. નામ એમનું હતું મયુરધ્વજ મહેતા. નામ જેવું હતું એનાથી પણ વધારે ફાંકડું, સુંદર, આકર્ષક તેમનું વ્યક્તિત્વ હતું. મારકણી આંખો અને ચહેરા પર સદાય સ્મિત. પુરુષત્વથી ભરેલો દેહ અને અવાજનો કર્ણપ્રિય રણકો. મયુર સર ગાયક હતા, એક્ટર હતા, વક્તા, સ્પોર્ટ્સમેન... એમ બધા ક્ષેત્રે માસ્ટરી ધરાવતા એવા એક અનન્ય શિક્ષક હતા !! કદાચ મારી જેમ જ તેમને પણ બહુ જ ટૂંકા ગાળામાં શાળામાં વિદ્યાર્થીઓના ચહિતા બની ગયેલા. તેઓ અત્યંત એક્ટીવ હતા-સતત પ્રવૃત્તિશીલ. અમારી મોર્નિંગ સ્કૂલ હતી. સવારે આઠથી બપોરના એક વાગ્યા સુધીનો શાળા-સમય હતો. મયુર સર સવારના સાત વાગ્યે આવી જતા. યોગ્ય દેખભાળ ના અભાવે, મુરઝાતા બગીચાને તેમણે આવતાં જ સંભાળી લીધેલો. બાગાયત કમિટી રચીને, દરરોજ ક્રમશઃ નક્કી કરેલા વારા મુજબ પાંચ બહેનોએ વહેલા આવી જવું એવું નિશ્ચિત કર્યું. એક તરફ બાગનું કામ ચાલુ કરાવી, બીજી તરફ ઇન્ડોર ગેમ્સમાં ચેસ, કેરમ ટેબલ ટેનિસ અને બેડમિન્ટન શરૂ કરાવ્યાં. સ્પોર્ટ્સ ટીચર મેડમ સાવ નિષ્ક્રિય હતા એમને એક કલાક વહેલી શાળાએથી છૂટી મળે, એ રીતે એમનો સમય ૭ થી ૧૨નો કરાવ્યો. પોતે યોગ ઇન્સ્ટ્રક્ટર એટલે સવા સાત સુધીમાં બગીચા નું કામ અને ઈન્ડોર ગેમ્સ શરૂ કરાવી પોતે યોગવર્ગ લેતા. આઠ વાગતા તો બધું આટોપી, પ્રાર્થના સભાનાં સંચાલન માટેની કમિટીની વિદ્યાર્થિનીઓએ નક્કી કરેલ ક્રમ મુજબ આઠ સુધી નિત્ય નવીન એવી, વિવિધ કાર્યસૂચિ મુજબ પ્રાર્થના સભા ચાલતી. પછી તરત જ અભ્યાસ વર્ગ શરૂ થતા.
મયુર સર મુખ્ય તો અંગ્રેજીના શિક્ષક. ખુબ સરસ અંગ્રેજી શીખવે. એમનું વર્ગમાં આગમન વિદ્યાર્થીઓ માટે આનંદનો પર્યાય બની જાય. મારા વર્ગમાં તેઓ ક્લાસ ટીચર હતા અને હું બહુ લાડકી હોવાથી છ વર્ષ પૂરા કરીને શાળાએ બેઠેલી. એટલે આઠમાં ધોરણમાં પ્રવેશતાં હું ચૌદ વર્ષની થઇ ચૂકેલી. વળી સુખી ઘરનું સંતાન એટલે વર્ગમાં સૌથી મોટી લાગુ હું પણ આ બધી પ્રવૃત્તિઓમાં રસ ધરાવું, એટલે હું સરની સાથોસાથ જ સાત વાગ્યામાં શાળાએ પહોંચી જતી. એ વખતે અમારી શાળામાં વર્ગ મોનીટરની નિયુક્તિ ક્લાસટીચર જ કરતા. સ્વાભાવિક રીતે જ મયુર સરે મને જ મોનીટર બનાવેલી. આમ ને આમ પ્રથમ વર્ષ પૂર્ણ થયું. હજુ મેં ટ્યુશન રાખાવેલું નહોતું. મયુર સર જ મારા ઘરે આવીને મને ટ્યુશન આપે એવી મારી ઈચ્છા હતી. પપ્પાની મંજૂરી લઇ,મેં મયુર સરને ટ્યુશન વિષે વાત કરી. તેમણે પોતાના મોહક સ્મિત સાથે મારાં માથાં પર હળવી ટપલી મારતાં કહ્યું, "હું ક્યારેય ટ્યુશન નથી કરતો. કોઈને પણ, કોઈ વિષયમાં મુશ્કેલી હોય તો જ્યારે હું શાળામાં ફ્રી હોઉં ત્યારે, અથવા મારા ઘરે આવી અને મને પૂછી શકે છે."
મેં ત્યારે તો સર ને કંઈ ન કહ્યું, પણ ઘરે જઈને પપ્પા પાસે જીદ કરી કે ટ્યુશન તો મારે મયુર સરનું જ રખાવવું છે. પપ્પાએ તપાસ કરતાં મયૂરધ્વજ મહેતા ખૂબ સારા શિક્ષક હોવાની માહિતી મળી. એમણે શાળા-સંચાલક મંડળના પ્રમુખને કહીને એક સાંજે મયુરસરને મારાં ઘરે બોલાવ્યા. હું તો રાજી રાજી થઈ ગઈ. પપ્પાએ એમને આદરપૂર્વક આવકાર આપ્યો.થોડી ઔપચારિક વાતો પછી, પપ્પાએ એમના શિક્ષક તરીકેના ઉત્તમ કામની પ્રશંસા કરી. મારાં ટ્યુશન માટે એમને વિનંતી કરી અને તેઓ કહે એટલે ફી ચૂકવવાની તૈયારી બતાવી. મયુર સરે નમ્રતાથી કહ્યું કે પોતે કદી ટ્યુશન કરતા નથી. સરકાર જે પગાર આપે છે, તે વિદ્યાર્થીઓને ભણાવવા જ આપે છે. પછી ઉપરની આવક મેળવવી એ તેમને શિક્ષક તરીકે યોગ્ય નથી લાગતું.
પપ્પાએ વધારે વિવેક સાથે, ડોક્ટર બનવાના મારા સ્વપ્ન વિશે તેમને જણાવ્યું અને પૈસા માટે નહીં, પણ એક પિતાની લાડકી પુત્રીનું સપનું સાકાર કરવામાં સહયોગ આપવા, એક સંબંધના નાતે, મારું ટ્યુશન સ્વીકારવા સરને મજબૂર કર્યા !! અને મારા જીવનમાં એક નવા અધ્યાયની શરૂઆત થઈ.
મયુર સર દરરોજ સાંજે ૭ થી ૯ મને ટ્યુશન આપવા આવતા.ખૂબ જ ખંત અને ઉત્સાહથી એ મને ભણાવતા,અને હું રસપૂર્વક ભણતી. અમારા વિશાળ બંગલામાં સૌના અલગ- અલગ બેડરુમ હતા. સ્ટડીરૂમમાં ભાઈઓ અથવા પપ્પાના પુસ્તકો કે ફાઇલો પડ્યા હોય. વળી કોઈ કારણસર તેઓ ત્યાં આવે જાય, અને મારા અભ્યાસમાં ખલેલ પડે, તેથી મેં જ મમ્મીને મનાવીને મારા બેડરૂમમાં ટ્યુશન લેવાનું ગોઠવ્યું.વર્ષ પસાર થયું. નવમાં વર્ગમાં હું નેવું ટકા સાથે પ્રથમ આવી. વેકેશન પડ્યું. શાળા ખુલે એ પહેલા મેં દસમા ધોરણનાં બધાં જ પુસ્તકો અને નોટબુકો તૈયાર રાખી અને જરૂરી સ્વાધ્યાય પણ કરી નાખ્યો.
હવે મને કોઈ વિષયમાં કંટાળો ન આવતો. બધા જ વિષય મને ગમવા લાગ્યા. હકીકતમાં મને મયુરસર જે ભણાવતા, તે બધું જ ગમવા લાગતું. પછી તો વીકએન્ડમાં પણ બને ત્યાં સુધી મયુરસરને આવવા મનાવતી. મોટાભાગે તેઓ આવી ન શકતા. પણ એ જ્યારે આવવાના હોય ત્યારે અમે બે જણા જ બંગલામાં હોઈએ, એ વખતે મને વધુ ખુશી મળતી !! તરુણાવસ્થામાંથી યુવાનીમાં પ્રવેશવા થનગની રહેલાં મારાં મનમાં મયુર સર અજાણપણે સુપર હીરો તરીકે પ્રવેશી ચૂક્યા હતા !
હું સુંદર તો હતી જ, અને મયુર સરની સામે મારી સુંદરતા બેવડાઈ જતી. મારા ચહેરા પર એક સુરખી છવાઈ જતી. હું બોલતી ઓછું અને એમને સાંભળવામાં મગ્ન થઈ જતી. એમનું સમગ્ર ધ્યાન મારા શિક્ષણ ઉપર કેન્દ્રિત હતું અને મારું ધ્યાન એમના પર કેન્દ્રિત થતું જતું હતું. મને અંદરથી સદાય એવી ઇચ્છા રહેતી કે મયુર સર મારાથી અંજાયેલા રહે અને સહુની માફક તેઓ પણ મારા પ્રશંસક બને....! એ માટે થઇને પણ હું ખૂબ વાંચીને તૈયાર રહેતી. તેઓ રાજી થઇ, બધાં સમક્ષ મારા વખાણ કરતા એ મને બહુ ગમતું.
વેકેશન ખુલ્યાના બે-ત્રણ દિવસ પછી સર આવ્યા. મેં મારા બેડરૂમમાં પીન્ક બેડશીટ લગાવી હતી. ટેબલ પર પીન્ક રોઝનો ગુચ્છ બનાવી, ફ્લાવરવાઝમાં મુક્યો હતો. મેં પણ પીંક મિડી પહેરી હતી. મને ખબર હતી કે મયુર સરને પીંક કલર વધારે ગમે છે. તેમણે બધે નજર નાખી અને માત્ર એક આછું સ્મિત કર્યું.
પપ્પાએ મારા રૂમમાં આવી મારી પ્રગતિ માટે મયુર સરને અભિનંદન આપ્યા. અને ૫૦,૦૦૦ રૂપિયા સરને આપવા હાથ લંબાવતા કહ્યું, "સર, આપના ટ્યુશનના બદલામાં નહીં, પણ મારી દીકરીના ભવિષ્યને આપ સંવારી રહ્યા છો, એની ખુશીમાં એક ભાઈ તરીકે આપને નાનકડી ભેટ આપું છું. સ્વીકારશો તો આનંદ થશે."
સર ક્ષણભર થોડા ઝંખવાયા, પછી પપ્પા સામે હાથ જોડી એ જ મધુર સ્વરે કહ્યું" આપનો આ ભાવ જ મારા માટે મોટી મૂડી છે. પ્લીઝ, મારા આદર્શો સાથે બાંધછોડ ન કરાવશો.
આ ઘટના પછી સર તરફ મારા પરિવારનો આદર વધી ગયો અને મારો એમના તરફનો પ્રેમ વધી ગયો. આમે ય હવે હું ષોડશી કન્યા બની ચૂકી હતી. મારા અંગ-ઉપાંગ વિકસી રહ્યા હતા. હું દર્પણ સામે જોઈને મને જ મોહી પડતી. મારાં જીવનમાં પુરુષ તરીકે એમનો પ્રથમ પ્રવેશ હતો. મારો એમના તરફનું આદર પ્રેમમાં પલ્ટાતો જતો હતો. મારી વય વધવા સાથે દેહ ઘાટીલો થતો જતો હતો અને એક કળી ફુલમાં પરિવર્તિત થઈ રહી હતી, ત્યારે હું મયુરસરને મારા મન મંદિરમાં બિરાજમાન કરી ચૂકી હતી.
આખરે એક દિવસ મેં હિંમત કરીને મારી બુકમાં એક ગુલાબ મૂક્યું અને નીચે લખ્યું- "આઈ લવ યુ." એમણે બુક હાથમાં લીધી, પાનું ખોલ્યું, વાક્ય વાંચ્યું, ચહેરા પર સ્મિતની જગ્યાએ ગંભીરતા આવી. મારી સામે જોયું. હું એ નજરનો સામનો ન કરી શકી. મારી આંખોમાં રતુમડો દોરો ફૂટયો અને શરમથી મારું મુખ લાલ થઇ ગયું.
સરે ગંભીર થઇને ધીમેથી કહ્યું, "યશુ! બેબી! તું હજી નાની છે. તારે ડૉક્ટર બનવાનું છે. અભ્યાસમાં ધ્યાન આપ. આમ પણ આ વર્ષે બોર્ડની એક્ઝામ છે."
મને બહુ શરમ ઉપજી. તે દિવસે અભ્યાસમાં મન ન લાગ્યુ.સર પણ થોડા સમયમાં જતા રહ્યા અને અમારી વચ્ચે જાણે એક દિવાલ રચાઈ ગઈ. પણ આ પ્રસંગ પછી મારા મનમાં એમના તરફનો પ્રેમ અનેક ગણો વધી ગયો.અભ્યાસમાં ચિત્ત ચોંટતું નહીં. મેં ફરી એક વાર હિંમત કરીને સરને પત્ર લખ્યો. જેમાં એમના તરફના મારા અપાર પ્રેમનો એકરાર કર્યો. હાથોહાથ એમને પત્ર આપી બંને હાથે મોઢું ઢાંકીને રડવા લાગી. અંતરમાં ઉઠતી ઉર્મિઓનો ઊભરો હું સહી શકતી ન હતી. યૌવન પર બેઠેલી વસંત સોળે કળાએ ખીલીને પોતાના સુરજને પામવા ઝંખતી હતી.
સર એ પત્ર વાંચવા લાગ્યા. રડતી આંખે મેં એમની સામે જોયું. તેમની આંખોમાં પણ મને રતાશ નજર આવી. તેમના હાથ કંપતા હતા હોઠ ધ્રુજતા હતા. કદાચ તેઓ આંતરિક દ્વન્દ્વ અનુભવી રહ્યા હતા. તેઓ કશું બોલ્યા વિના ઉઠ્યા અને પત્ર ત્યાં જ મૂકીને ધીમા પગલે બહાર જવા લાગ્યા મેં અચાનક દોડીને મારા બેડરૂમનો દરવાજો બંધ કરી દીધો અને પાછી ફરીને એમને વળગી પડી.
એ દિવસે બધા જ ઘરની બહાર હતા. બધાં જ એક પાર્ટીમાંથી ઘણાં મોડાં આવવાનાં હતાં. અષાઢ મહિનો હતો. વાતાવરણ પલ્ટાતું જતું હતું. ગ્રીષ્મથી દાઝેલી ધરતીને હવે મેહુલાનાં આગમનની આશા હતી. ઘરનો મુખ્ય દરવાજો ઓટોલોક હતો. ચાવી દીવાનખંડમાં પડી હતી.
અચાનક વાતાવરણમાં પલ્ટો આવ્યો અને વીજળીનો ચમકારો થયો. સાથેસાથ કાન ફાડી નાખે એવો ગડગડાટ થયો. એ જ ક્ષણે લાઈટ જતી રહી. બીકની મારી હું સરને વળગી પડી.
બહાર વરસાદ, રૂમમાં અંધકાર, બે યુવાન દેહ....મયુરની છાતી ઉપર મસ્તક મૂકી હું તેમની બાહોમાં ઢળી પડી. સરનો એક હાથ મારી પીઠ પર અને બીજો હાથ ઉપર નિતંબ પર વીંટળાયો.
એ જ ક્ષણે ટોર્ચનો ધારદાર લિસોટો અમારા બંને ઉપર પડ્યો !! મેં ઝડપથી મારી જાતને સંભાળી અને ગભરાટમાં રઘવાઈ બનેલી નજરથી ટોર્ચ ફેંકનાર સામે જોયું. ટોર્ચનાં અજવાળાંથી અંજાયેલી મારી આંખો કાંઈ જોઈ શકે, એ પહેલાં તો લાઇટ આવતા જ મારી આંખો ફાટેલી રહી ગઇ. સામે મારા પપ્પા ઉભા હતા !!
બનેલું એવું કે પપ્પાને અચાનક કામ યાદ આવી જતાં મમ્મી સાથે ઘેર આવ્યા. લાઇટ ન હતી અને વરસાદ ભારે હતો, તેથી મુખ્ય દરવાજા પરની ડોરબેલ વાગી નહીં કે ટકોરા સંભળાયા નહીં. તેથી પપ્પા એ પોતાની પાસે કાયમ રહેતી ચાવીથી મુખ્ય દરવાજો ખોલ્યો. મારા બેડરૂમનું બારણું ખુલ્લું જ હતું. ભાન ભૂલેલા અમે પપ્પાના આવી ગયાની આહટ પામી ન શક્યા. પપ્પા થોડીવાર એમ જ હતપ્રભ ઊભા રહ્યા. પછી આગળ વધી, સરને બે તમાચા ફટકારી દીધા.
પપ્પાએ તેમને ખુરશી ઉપરથી નીચે પછાડી અને ઢીકાપાટુથી મારવાનું શરૂ કરી દીધું. એ જ સમયે તેમની પાછળ પાછળ રૂમમાં આવી પહોંચેલી મમ્મીએ તેમને વાર્યા. પરિસ્થિતિ પામી ગયેલી મમ્મીએ પપ્પાને કહ્યું કે, "હવે આવી વાતનો ઢંઢેરો ન પીટાય. વાતનો બંધ વાળો અને આ માણસને અહીંથી જવા દો."
હું એકદમ સ્તબ્ધ થઈ ગઈ હતી. મારે બધાને ચીસો પાડીને કહેવું હતું કે આમાં મયુર સરનો કોઈ જ દોષ નથી. પણ મારું મોં સિવાઈ ગયું હતું.
પપ્પાએ પોતાની વગનો ઉપયોગ કરીને શાળા-સંચાલક મંડળના પ્રમુખ દ્વારા સરને ધમકાવીને રાજીનામું લખાવી લીધું. રાજીનામું ન આપે તો મારે એમની વિરુદ્ધ પોલીસ કેસ કરવાનું નક્કી થયું. મયુર સર રાજીનામું આપીને હંમેશ માટે શહેર છોડી ગયા.
***
"સ્ત્રીની જેમ પુરુષ પણ જો 'મી ટુ' અભિયાન ચલાવે, તો કોઈ એની વાત માને ખરાં?" મેં મનોમન વિચાર્યું. એ ઘટનાથી આજે પણ હું આત્મગ્લાની અનુભવી રહી. આમાં કેટલાય 'મી... ટુ...' માં આમ જ માત્ર પુરુષ હોવાને લીધે કેટલા મયુર સર અકારણ દંડાતા હશે? રવિવારની રજાનો મારો મૂડ હૈયામાં ઉઠેલી અપરાધ ગ્રંથીથી દબાઈ ગયો.