બાળપણનું એક અધુરું સ્વપ્ન
બાળપણનું એક અધુરું સ્વપ્ન
ત્રણેક હજારની વસ્તી ધરાવતા મારા નાનકડા ગામમાં મારું સાત ધોરણ સુધીનું પ્રાથમિક શિક્ષણ પુરું થયું, ત્યાં તો ગામમાં હાઇસ્કુલ સ્થપાઈ ચૂકી હતી. ગામના દીર્ઘદ્રષ્ટા ખાદીધારી આગેવાન ઓધવજીદાદાની નિ:સ્વાર્થ સેવાભાવનાનું આ ફળ હતું. ગામના પાદરમાંથી વહેતી બારમાસી નદી અમારા ગામનું ઘરેણું હતી. નદીની સામે પારનાં લીલાછમ ખેતરો મને આકર્ષતા. વૃક્ષ-વનરાજી, નદી- ઝરણાં - સાગર, પક્ષીઓ અને ખુલ્લું આકાશ મને બહુ ગમતા. મને થતું કે હું પ્રકૃતિનું બાળક છું. મને સૌથી વધુ પ્રિય હતા- પર્વતો ! ગમે તેવા ઝંઝાવાતો વચ્ચે ય અડીખમ રહેનારાં, આકાશને આધાર આપતાં સ્તંભ સમાન પર્વતના ખોળે ખેલવાનું મારૂં સ્વપ્ન હતું. મારે જૂનાગઢના ગિરનારની ગિરીમાળાને ખુંદવી હતી. માઉન્ટ આબુની પહાડીઓ અને હિમાલયના ઉત્તુંગ હિમાચ્છાદિત શિખરો ચડવાની મારી ચાહત હતી. પિતાની આર્થિક સ્થિતિ સંપન્ન ન હતી. તેથી હું પુસ્તકોમાં ગિરિમાળાઓનાં ચિત્રો જોયા કરતો. ઈશ્વરને પ્રાર્થના કરતો કે મને પણ ત્યાં પહોંચવાનો માર્ગ મળી જાય !
અમારા ગામના ચોરે દૈનિક સમાચારપત્ર આવતા. મને વાંચનનો શોખ હોવાથી સવારે છાપા વાંચી લેવાનો મારો નિત્યક્રમ હતો. માઉન્ટ આબુના ગુજરાત રાજ્ય સંચાલિત 'સ્વામી વિવેકાનંદ પર્વતારોહણ કેન્દ્ર' ની જાહેરાત આવી હતી. પર્વતારોહણનો દસ દિવસીય બેઝીક કોર્સ આગામી માસમાં આયોજિત થયો હતો. ભાગ લેવા ઇચ્છનારે સંસ્થાને નામ મોકલી આપવા જણાવાયું હતું. મેં પંદર પૈસાના પોસ્ટકાર્ડ પર સંસ્થાના ડાયરેકટરને પત્ર લખ્યો. મારું નામ- સરનામું લખી અને મારી આર્થિક સ્થિતિ નબળી હોવાથી ખર્ચ કરવા અસમર્થ હોવાની વિગત જણાવી. મારા આશ્ચર્ય વચ્ચે મને પંદર જ દિવસમાં માઉન્ટેનઈરીંગ ઇન્સ્ટિટ્યૂટ ના નિયામકશ્રી ધ્રુવકુમાર પંડયાનો પત્ર મળ્યો. રજિસ્ટર્ડ પોસ્ટથી આવેલાઃ કવરને મેં ખોલ્યું. મારાં આશ્ચર્ય વચ્ચે મારાં ગામથી આબુરોડ સુધીની રેલવેની રિટર્ન ટિકિટ સાથે ધ્રુવકુમાર સાહેબ દ્વારા મને પ્રોત્સાહિત કરતો પત્ર હતો!! નિશ્ચિત તારીખે મારે આબુરોડ પહોંચવાનું હતું. મારી ખુશીની કોઇ સીમા ન હતી. ઊછળતો- કૂદતો હું ઘેર પહોંચ્યો.
રાત્રે વાળુ- પાણીથી પરવાર્યા પછી ઘરના સદસ્યો ને મેં પર્વતારોહણ માટે આબુ જવા મારી પસંદગી થયાનું જણાવ્યું. સહુ ખુશ થયા પણ બાપાના ચહેરા પર ચિંતા હતી. મને માત્ર માઉન્ટ આબુની ટિકિટ મળી હતી.પર્વતારોહણ માટેનાં બૂટ- મોજાં, નેપકીન, ટોર્ચ,ગરમ કપડા....કેટ કેટલી સામગ્રી જોઈએ !! આવતાં જતાં ની વાટ ખર્ચી ની પણ જરૂર પડે.
હું મૂંઝાયો. મારું કાંઠે પહોંચવા આવેલું વહાણ ડૂબતું હોય એવું મને લાગ્યું. પરંતુ બાપાએ મારા વાંસા પર હાથ ફેરવીને મને આશ્વસ્ત કર્યો. ઉચાટ જીવે રાત પૂરી થઈ. સવારે દુકાન ખોલતાં પહેલાં બાપાએ ગામના સરપંચના ઘરનો દરવાજો ખટખટાવ્યો. મારી પર્વતારોહક માટે પસંદગી થયાના સમાચારથી સરપંચ દાદાએ બહુ રાજીપો વ્યક્ત કર્યો. ગ્રામપંચાયત તરફથી મને ટ્રેકિંગ માટેના શૂઝ અને મોજાં મળ્યા. ગામના આગેવાન નગરશેઠે મને રોકડ મદદ આપીને મારી વાટ ખર્ચીની ફિકર ટાળી દીધી. હાઇસ્કૂલના મારા શિક્ષક સાહેબોએ મને ગરમ કપડાં અપાવવામાં મદદ કરી.
મારું ગામ નાનું હતું પણ ગામના ગૌરવ સમાન રેલ્વે સ્ટેશન 'જંકશન' હતું. રાત-દિવસની ચોવીસ ગાડીઓની અવરજવર રહેતી. રાતના નવ વાગે મારી આબુરોડ માટેની ટ્રેન આવવાની હતી.
બાર દિવસના પ્રવાસનો સામાન લઇને હું રેલ્વે પ્લેટફોર્મ પર ઉભો હતો.
ઉપર આસમાં સામે જોઈ, પરમાત્માને વંદી રહ્યો હતો. ઈશ્વર કૃપાથી જ જાણે દેવદૂત સમા પંડ્યા સાહેબે મને આ તક આપી હતી. એટલામાં મારી નજર દસેક ફૂટ દૂર બેંચ પર બેઠેલા વૃદ્ધ માતા પડી. એમની પાસે એક નાનકડી થેલી સિવાય બીજું કશું ન હતું. આંખના આંસુને વારંવાર લૂછતા તે પોતાનું રુદન દબાવવાનો પ્રયાસ કરતા હતા.
એમને જોઇને મને મારી દાદીમા યાદ આવી ગયા. ધીમે રહીને હું તેમની પાસે બેઠો. મારી બેગમાંથી પાણીની બોટલ કાઢીને એમને આપી. આંસુભરી આંખે તેમણે મારી સામે જોયું. આભારના ભાવ સાથે તેમણે પાણી પીધું. વાતવાતમાં મેં જાણ્યું કે માજીની દીકરી અંબાજી રહેતી હતી. જમાઈ મજૂરીકામ કરતા. પહેલાં અહીં જ કુવા ગાળતા. પણ ખેતી પડી ભાંગી. જળનાં સ્તર બહું નીચાં જતાં રહ્યાં. તેથી મજુરી બંધ થઈ. ફરતા-ફરતા અંબાજી આસપાસની પથ્થરની ખાણોમાં મજૂરી મળતાં, ત્યાં જવું પડેલું. દીકરીના લગ્ન જીવનના પંદર વર્ષ પછી તેને 'સારા દિવસો' દેખાયા હતા. મા અંબાની કૃપાથી તેની ઝુંપડીમાં અજવાળા થવાના હતા. સંતાન પ્રાપ્તિ થવાનો આનંદ હતો. પણ તબિયત નરમ-ગરમ રહેતી હતી. બીજું કોઈ તેને અને તેનાં ઘરને સંભાળે એવું ન હતું. એટલે માને તેડાવી હતી. ગરીબ મા ને પોતાની પુત્રી પાસે જવું હતું. બપોરની ટ્રેનમાં પોતાની બેગમાં જરૂરી કપડાં અને થોડા રૂપિયા લઈને નીકળેલા. ટ્રેનની ટિકિટ પણ તેમાં હતી. આગળના ધોળા જંકશન પર પાણી પીવા ઉતર્યા. અને પાછા આવ્યા ત્યાં તો બેગ ગાયબ હતી. તો ય તેઓ ગાડીમાં ચડ્યા. પણ ટિકિટ ચેકરે પછીના (મારા ગામના) સ્ટેશને ઉતારી દીધા. નહોતા પૈસા, ન કપડા કે નહોતી ટિકિટ.... કેમ કરીને દીકરી પાસે જવાશે? વૃદ્ધ માતા રડી પડી.
મારા મનમાં ઉથલપાથલ મચી ગઈ. મારી પાસે આબુરોડ સુધીની ટિકિટ હતી. આબુરોડથી અંબાજી માત્ર વીસ કિલોમીટર દૂર હતું. એક તરફ સવપ્ન પૂર્તિની તક હતી અને બીજી તરફ એક મજબૂરી માની દીકરી પાસે નહીં પહોંચી શકવાની પીડા હતી. થોડી વાર તો હું અવાચક થઇ બેસી રહ્યો. ગાડીનાં આગમનનું સિગ્નલ અપાઇ ગયું હતું. દૂરથી આવતી ટ્રેનની લાઇટ દેખાતી હતી. મેં ફરી આસમાનમાં જોયું......... મારી આંખમાં આંસુ હતા- મારું સ્વપ્ન રોળાશે એનાં દુઃખના આંસુ નહીં, પણ એક વૃદ્ધ મા પોતાની રાંક દીકરીના દુઃખમાં એની પાસે ઉભી રહી શકશે- એના આનંદના !!
મેં મારી ટ્રેનની ટિકિટ, મને ભેટ મળેલ ગરમ કપડાં, નગરશેઠે હરખથી આપેલ વાટખર્ચી અને મારી બા એ મારા 'ભાથા' માટે બનાવેલા થેપલા અને સુખડી.... બધું જ થેલા સાથે મેં વૃદ્ધ માને આપી દીધું.
"પણ.... બેટા.... તું....?" - મા નો સ્વર રૂંધાયો. તેમની આંખમાંથી વહેતા હર્ષનાં આંસું અને મને આશીર્વાદ આપતી તેમના હાથની મુદ્રાએ મારી વ્યથાને વિસારે પાડી. મા ને ટ્રેનમાં બેસાડી અને હું ઘર તરફ પાછો ફર્યો !