દીકરી વ્હાલપનું વહેણ
દીકરી વ્હાલપનું વહેણ


નાનકડી વહાલસોઈ પૌત્રીને તેડીને સુમનભાઈ ઘરમાં પ્રવેશ્યા. દાદાને દીકરી વ્હાલી હતી એથી ય વધુ દીકરીને વ્હાલા દાદા હતા. દીકરી તો મમ્મી- પપ્પાની પણ એટલી જ લાડકી. પણ બા અને દાદાની તો વાત જ અલગ હોય ને !! આખો દિવસ બચ્ચી દાદા પાસે જ રહેતી. દાદાને બહાર જવાનું થાય ત્યારે બાની ગોદમાં લપાઈ જતી.
સવારે ઊઠીને તરત દાદા જોઈએ. દાદા જગાડે, દાદા જમાડે, રમાડે, ઝુલાવે, ફરવા લઈ જાય- સુમન ભાઈની જિંદગી જ જાણે આ નાનકડી જાનમાં સમાઈ જતી હતી.
આજે પણ ઢીંગલીને ગોદમાં ઉઠાવી અને બહારથી સુમનભાઈ ઘેર આવ્યા. બહુ થાકેલા જણાતા હતા. સુધાબેને તેમની સામે જોયું અને તરત પામી ગયા કે સુમન ભાઈને અસુખ છે.
ઝટપટ બેબીને એની મમ્મી પાસે મૂકી, સુમનભાઈને પથારીમાં સુવાડી, છાતીમાં બામ ચોળ્યું. પાણી પાયું ને ત્યાં તો અચાનક સીવીઅર હાર્ટ- એટેકથી સુમનભાઈએ સદાને માટે આંખો મીંચી દીધી. ઘરમાં રોકકળ મચી ગઇ. બચ્ચીને આ માહોલથી દૂર રાખવા પાડોશીના ઘરે મોકલી દીધી.
પાંચ-પાંચ દાયકાથી સુમનભાઇની છાયા બનીને રહેલા સુધાબેન ૫૦ વર્ષમાં ૫૦ કલાક પણ પતિથી અળગા રહેલા નહીં. આમ અચાનક સુમનભાઈ સાથ છોડી જતાં સુધાબેન અવાચક થઈ ગયા. આડોશી- પાડોશી અને સગાસંબંધીઓ આવતા રહ્યા. સહુ રડતા હતા પણ સુધાબેનની આંખમાં આંસુનું એક ટીપું પણ ન હતું. તેઓ અપલક નેત્રે સુમનભાઈ પાસે બેસી રહ્યા. ન રડ્યા, ન વિલાપ કર્યો- જાણે કોમામાં જતા રહ્યા!
ડોક્ટરે હાર્ટ એટેકથી સુમનભાઈનું મૃત્યુ થયાનું જણાવ્યું, સાથે સુધાબેન નહીં રડે તો ઘરમાં બીજો અનર્થ સર્જાવાની દહેશત પણ વ્યક્ત કરી. પિતાની ઓચિંતી વિદાયથી દુઃખી થયેલો દીકરો- વહુ અને સ્વજનો હવે સુધાબહેનની ચિંતામાં પડ્યા. એમને રડાવવા જરૂરી હતી. પણ એ તો શૂન્યમનસ્ક થઇ ગયા હતા.
નજીકના સગા સંબંધીઓને આવવાની વાટ હતી, તેથી મૃતદેહને જમીન પર સુવાડી, તેના પર સફેદ ચાદર ઓઢાડીને સહુ શોકમગ્ન થઈને બેઠા.
ત્યાં અચાનક પડોશણ બહેને આવી અને હળવેકથી પૂછ્યું -
- "બેબી ક્યાં ગઈ?"
- "અરે, હમણાં તો તમારે ત્યાં જ હતી ને?"
- "હા, પણ પછી કદાચ એને સુવાનો સમય થયો હશે, એટલે બહુ રડતી હતી. તેથી હું તમારે ત્યાં જ મૂકી ગયેલી."
બેબીની મમ્મીને યાદ આવ્યું કે બેબી તો ઘેર આવી ગયેલી. એનો સુવાનો સમય થયો હતો તેથી દાદા- દાદા પણ કરતી હતી. સહુએ બચ્ચીની શોધ આદરી. બચ્ચી એટલામાં ક્યાંય ન હતી. સૌ હાંફળા-ફાંફળા થઈ ગયા. એક તરફ પપ્પાનું અવસાન, બીજી તરફ અવાચક માની ચિંતા એમાં પાછું દીકરીનું ગુમ થવું.
અત્યાર સુધી હિંમત રાખીને બેઠેલા પુત્રના હૃદયનો બંધ તૂટી પડ્યો અને તે પોક મૂકીને રડી પડ્યો. એને રડતો જોઈ, પુત્રવધુ પણ ધ્રુસકે ચડી. ઉપસ્થિત બધા હલબલી ઉઠયા. હૈયાફાટ આક્રંદની અસરથી કે પછી બેબી ગુમ થઈ તેની કદાચ આવી અચેતનમાં અવસ્થામાં ય જાણ થઇ ગઇ હશે તેથી બેઠક રૂમના એક ખૂણામાં બેઠેલા સુધાબેનના અવચેતન મનમાં વલયો ઉઠ્યા. અને અર્ધ- જાગૃત અવસ્થામાં જ બબડ્યા -
"બેબીને અત્યારે દાદા જ સુવાડે છે. દાદાની દિકરી દાદા પાસે જ હશે".
દીવાનખંડની વચ્ચોવચ ચિર-નિદ્રામાં સુતેલા સુમનભાઈ પરનું કફન હટાવાયું. જન્મ, જીવન અને મૃત્યુની સમજણથી અજાણ એવી માસુમ બાળકી દાદાના પાર્થિવ દેહ પર પોતાનો નાનકડો, માસૂમ, કોમળ હાથ મૂકી અને સુતી હતી !!! અર્ધ-ચેતન અવસ્થામાં જ સુધાબેને પતિના મૃતદેહને જોયો. દાદાની વહાલી લાડકીનો મૃત્યુથી ય પર એવો પ્રેમ નિહાળતા જ વાસ્તવિકતાની ધરતી પર આવેલા સુધાબહેને હવે મરણ-પોક મુકી. જીવનસાથીના વિયોગનો ગમ જીરવીને પણ હવે આ વ્હાલપના વ્હેણ માટે તેમનું જીવવું જરુરી હતું.